સંદેશ - અર્ધ
સાપ્તાહિક પૂર્તિ - 13 જૂન 2018
ટેક ઓફ
અમેરિકનોએ પાકિસ્તાનમાં ઘૂસીને લાદેનને ખતમ કરી નાખ્યો તે પછી પણ
પાકિસ્તાની સત્તાધારીઓએ જૂની રેકર્ડ વગાડવાનું છોડ્યું નહોતું. આઇએસઆઇના ભૂતપૂર્વ
વડા અસદ દુરાનીએ પાકિસ્તાનના આ જૂઠના ફૂગ્ગામાં ટાંચણી મારી દીધી છે.
વાત ચાલી રહી
હતી 'ધ સ્પાય ક્રોનિકલ્સઃ
રો, આઈએસઆઈ એન્ડ ધ ઇલ્યુઝન ઓફ પીસ' નામનાં અંગ્રેજી
પુસ્તકની. એ.એસ. દુલાટ અને અસદ દુરાની પુસ્તકના મુખ્ય લેખકો છે. એ. એસ. દુલાટ એટલે
ભારતની ગુપ્તચર સંસ્થા રિસર્ચ એન્ડ એનેલિસિસ વિંગ (રો)ના ભૂતપૂર્વ વડા અને અસદ
દુરાની એટલે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ઇન્ટર-સર્વિસીસ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ)ના
ભૂતપૂર્વ વડા. પુસ્તકના ત્રીજા લેખક પણ છે, આદિત્ય સિંહા, જેમણે આ બન્ને સુપર
જાસૂસોને સામસામા બેસાડીને કંઈકેટલાય વિષયો પર ચર્ચા કરી અને પછી જે કંઈ વાતચીત થઈ
એના આધારે આ પુસ્તક તૈયાર કર્યું.
સ્વાભાવિક છે કે રો, આઇએસઆઇ કે બીજી કોઈ પણ ઇન્ટેલિજન્સ એજન્સીના વડા પાસે
પોતપોતાના દેશની અત્યંત ખાનગી અને સ્ફોટક માહિતી હોવાની. કાયદો કહે છે કે તમે ગુપ્તચર
સંસ્થામાંથી રિટાયર થઈ ગયા હો તો પણ ચુપ રહેવાનું. તમારા કાર્યકાળ દરમિયાન તમને જે
નેશનલ સિક્રેટ્સની જાણ થઈ હતી અથવા તો દેશની સુરક્ષા કાજે તમે ખુદ જે રહસ્યનાં જાળાં
ઊભાં કર્યાં હતાં તે સઘળી વાતો ક્યારેય બહાર આવવી ન જોઈએ. ફેર ઇનફ. આ સિક્રેટ એક્ટ
હેઠળ જે આદેશો અપાયા છે તે સમજી શકાય એવા છે. અલબત્ત, રોના ઘણા ભૂતપૂર્વ અધિકારીઓએ
અગાઉ પુસ્તકો લખ્યાં જ છે, પણ તે સિક્રેટ એક્ટના દાયરામાં રહીને. એ. એસ. દુલાટ 18
વર્ષ પહેલાં અને અસદ દુરાની 26 વર્ષ પહેલાં અનુક્રમે રૌ તેમજ આઇએસઆઇમાંથી નિવૃત્ત
થઈ ગયા હતા. નિવૃત્તિ પછી પણ તેઓ કોઈક ને કોઈક સરકારી સ્તરે સક્રિય રહ્યા છે અને શાંતિદૂત
બનીને ટ્રેક-ટુ ડિપ્લોમસી હેઠળ ભારત-પાકિસ્તાન વચ્ચે સુમેળ જળવાય તે માટેની
વાટાઘાટો કરતા રહ્યા છે.
દુનિયાની સૌથી મોટી પ્રકાશનસંસ્થાઓમાં સ્થાન પામતી હાર્પર કોલિન્સની ભારતીય
શાખાએ ભારત-પાકિસ્તાન જેવા દુશ્મન દેશોના બે સુપર જાસૂસોએ સંયુક્તપણે લખેલું આ 'સ્પાય ક્રોનિકલ્સઃ રો, સ્પાય એન્ડ ધ ઇલ્યુઝન
ઓફ પીસ' પુસ્તક તાજેતરમાં
છાપ્યું ને તે સાથે જ પાકિસ્તાનામાં ધમાલ મચી ગઈ. જુદા જુદા રાજકીય પક્ષોમાંથી
અવાજ ઉઠ્યાઃ દુરાનીએ આ શું માંડ્યું છે? રોના
એક્સ-ચીફ સાથે મળીને આખેઆખું પુસ્તક લખી નાખ્યું ને વટાણા વેરી નાખ્યા? પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે
માગણી કરી કે નેશનલ સિક્યોરિટી કમિટીની ઇમરજન્સી મિટીંગ બોલાવો ને તપાસ કરો કે આ
બધું શું ચાલી રહ્યું છે? ઇમરજન્સી
મિટીંગ બોલાવાઈ ને તે પછી દુરાનીને પાકિસ્તાની મિલિટરીના હેડક્વાર્ટર પર તેડાવીને
એમની કડક ઊલટતપાસ થઈ. પાકિસ્તાની આર્મીએ કહ્યું કે કાયદા પ્રમાણે દુરાનીએ આ પુસ્તક
છપાવતાં પહેલાં લાગતાવળગતા અધિકારીઓ પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું જોઈતું
હતું. પાકિસ્તાનના વર્તમાન સાહેબો આખા પુસ્તકનું લખાણ પહેલાં વાંચે અને આમાં કશું
વાંધાજનક નથી એવું લિખિત આપે પછી જ તેઓ પુસ્તક છપાવી શકે. દુરાનીએ આવું કશું કર્યા
વગર સીધેસીધું પુસ્તક છપાવી નાખીને કાનૂનનો ઉલ્લંઘન કરી નાખ્યો. પુસ્તકમાં દુરાનીએ
જે દાવા કર્યા છે એમાં કેટલું તથ્ય છે એની છાનબીન કરવા પાકિસ્તાની આર્મીએ કોર્ટ
ઇન્કવાયરી કરાવવાનો આદેશ આપ્યો. દુરાનીનું નામ નો-ફ્લાય લિસ્ટમાં મૂકી દેવામાં
આવ્યું. આનો અર્થ એ થયો કે દુરાની હવે પ્લેનમાં બેસીને પાકિસ્તાનની બહાર નહીં જઈ
શકે.
દુરાનીએ એવું તે શું લખ્યું કે પુસ્તકમાં કે જેનાથી પાકિસ્તાની આકાઓના
પેટમાં તેલ રેડાયું? સૌથી પહેલાં
તો, એક સમયે દુનિયાના સૌથી ખતરનાક ટેરરિસ્ટ ગણાતા ઓસામા બિન લાદેન વિશેની વાત.
પાકિસ્તાની સત્તાધારીઓ આજ સુધી એક જ પિપૂડી વગાડી રહ્યા છે કે અલ કાયદા ટેરરિસ્ટ
ગ્રૂપનો આ બિગ બોસ પાકિસ્તાનના અબોટાબાદમાં છૂપાયો હતો એની અમને ખબર જ નહોતી? અમેરિકનોએ પાકિસ્તાનમાં ઘૂસીને લાદેનને ખતમ
કરી નાખ્યો તે પછી પણ પાકિસ્તાને જૂની રેકર્ડ વગાડવાનું છોડ્યું નહોતું.
દુરાનીસાહેબે પાકિસ્તાનના આ જૂઠના ફૂગ્ગામાં ટાંચણી મારી દીધી છે. આ પુસ્તકમાં
એમણે કહ્યું છે કે પાકિસ્તાની સત્તાધારીઓને ખબર હતી કે લાદેન એક્ઝેક્ટલી ક્યાં
લપાયેલો છે. ઇન ફેક્ટ, પાકિસ્તાને અમેરિકા સાથે ડીલ કરી હતી. પાકિસ્તાની સત્તાધારીઓના
સહકારથી જ અમેરિકા પાકિસ્તાની સરહદમાં ઘૂસીને લાદેનને ખતમ કરવાનું ઓપરેશન સફળતાપૂર્વક
કરી શક્યું.
સવાલ એ થાય કે આ કબૂલાત કરવામાં પાકિસ્તાની સાહેબોને શી તકલીફ છે? આનો જવાબ એ છે કે પાકિસ્તાની પ્રજાનો એક વર્ગ લાદેનને હીરો ગણે છે? અમેરિકાના ટ્વિન ટાવર ઉડાવી દઈને અને ચારે
કોર આતંક ફેલાવીને લાદેને જાણે મહાન કાર્ય કરી નાખ્યું હોય એવું તેઓ માને છે.
પાકિસ્તાની સત્તાવાળાઓ આ લોકોને નારાજ કરવા માગતા નથી એટલે આજે ય હાસ્યાસ્પદ ઉધામા
કરી રહ્યા છે.
બીજી વાત દુરાનીસાહેબે ખૂબ ગાજેલા ભારતના રિટાયર્ડ નેવી ઓફિસર કુલભૂષણ
જાધવની અટકાયત વિશે કરી. પાકિસ્તાનીઓએ જાધવ પર એવો આક્ષેપ કરીને ધરપકડ કરી હતી કે
તેઓ ભારતીય જાસૂસ છે અને એમણે બલૂચિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરી છે. અસદ
દુરાનીએ પુસ્તકમાં કહ્યું છે કે જાન્યુઆરી 2016માં પઠાણકોટ એરફોર્સ સ્ટેશન પર આતંકવાદી
હુમલો થયો હતો તેમાં પાકિસ્તાનનો હાથ છે એવો ભારતનો જે આક્ષેપ એની પ્રતિક્રિયારૂપે
પાકિસ્તાન જાધવને પકડીને એનો બાજીના એક પત્તાની જેમ ઉપયોગ કરી રહ્યું છે. પાકિસ્તાનનો
ભારતને અને દેશ-દુનિયાને એવો મેસેજ પહોંચાડવા માગે છે કે જો પાકિસ્તાનીઓએ પઠાણકોટ
પર ટેરરિસ્ટ અટેક કર્યો છે એવું તમે માનતા હો તો સાંભળી લો કે ભારતીયો પણ કંઈ ઓછા
નથી. ભારત પણ અમારા બલૂચિસ્તાન પ્રાંતમાં આ કુલભૂષણ જાધવ જેવો જાસૂસને ઘૂસાડીને
આતંકવાદ ફેલાવે જ છેને! પુસ્તકમાં
અસદ દુરાનીએ એવું પણ કહ્યું છે કે શરૂઆતથી જ પાકિસ્તાની સત્તાધારીઓ બલૂચિસ્તાનના
મામલાને ખોટી રીતે હેન્ડલ કરતા આવ્યા છે.
પુસ્તકમાં દુરાની બીજા ઘણા વિષયો પર બોલ્યા છે - કાશ્મીર વિશે, હફિઝ સઈદ
વિશે, મોદી વિશે, મોદીના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજિત દોવલ વિશે, ડોનાલ્ટ ટ્રમ્પ
અને પુટિન વિશે, વગેરે. શું આ કોન્ટેન્ટને કારણે પુસ્તક જબરદસ્ત છે અને અનિવાર્યપણે
અસાધારણ છે એવું કહી શકાય? ના. સુશાંત
સરીન (ટીવી પર ડિબેટ્માં તેઓ નિયમિતપણે દેખાતા હોય છે) નામના પોલિટિકલ ઓબ્ઝર્વર
અને લેખકે તો આ પુસ્તકનાં છોતરાં કાઢી નાખ્યાં છે. એમણે એક સમીક્ષાત્મક લેખમાં
લખ્યું છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે દાયકાઓથી ચાલી રહેલા વિખવાદનો જે લોકો
બારીકાઈથી અભ્યાસ કરતા આવ્યા છે એમના માટે આ પુસ્તકમાં કશું જ નવું નથી. આ
પુસ્તકથી તમને ભારત-પાકિસ્તાનના સંબંધો વિશે કોઈ નવો દષ્ટિકોણ પ્રાપ્ત થતો નથી.
વીસ-પચ્ચીસ વર્ષ પહેલાં નિવૃત્ત થઈ ચૂકેલા (અને એ રીતે આજના સંદર્ભમાં ઇર્રિલેવન્ટ
એટલે કે અપ્રસ્તુત, નકામા બની ચુકેલા) દુલાટ અને દુરાની નામના આ બે લેખક-સજ્જનોએ આ
પુસ્તકમાં ઇન્ટેલેક્યુઅલ માસ્ટરબેશન સિવાય બીજું કશું કર્યું નથી. લાદેન
પાકિસ્તાનમાં ક્યાં છૂપાયો છે એની ત્યાંના સત્તાધારીઓને ખબર હતી કે પછી કુશભૂષણ
જાધવને એ લોકો હાથો બનાવી રહ્યા છે એ બધું આપણે પહેલેથી જાણીએ જ છીએ. ઇન ફેક્ટ,
આખી દુનિયા જાણે છે કે પાકિસ્તાન જાતજાતના ઉધામા શા માટે કરી રહ્યું છે. આમાં
દુલાટ કે દુરાનીએ શું નવું કહી નાખ્યું?
વેલ, સુશાંત સરીને જેવા અભ્યાસુને આ પુસ્તકની સામગ્રી વાસી લાગી શકે, પણ
આમવાચકને આ બધું ઠીક ઠીક ઇન્ટરેસ્ટિંગ લાગશે એ તો નક્કી. રો અને આઇએસઆઇ જેવી
ગુપ્તચર સંસ્થાઓની ગતિવિધિઓ, જુદા જુદા દેશોની સરકારો સાથેનું એમનું ઇન્ટરેકશન
વગેરે જેવી બાબતોમાં રસ પડતો હોય તો 'ધ સ્પાય
ક્રોનિકલ્સઃ રો, આઈએસઆઈ એન્ડ ધ ઇલ્યુઝન ઓફ પીસ'માંથી પસાર થવા જેવું છે.
o o o
No comments:
Post a Comment