Friday, February 9, 2018

કવિ પ્રદીપનું ગુજરાત કનેકશન

Sandesh - Ardh Saptahik supplement - January 31, 2018

ટેક ઓફ 

ય મેરે વતન કે લોગોં જરા આંખ મેં ભર લો પાની, જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની… દેખ તેરે સંસાર કી હાલત કયા હો ગઈ ભગવાન, કિતના બદલ ગયા ઇન્સાન… હમ લાયે હૈં તુફન સે કશ્તી નિકાલ કે, ઇસ દેશ કો રખના મેરે બચ્ચોં સમ્હાલ કે… દે દી હમેં આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તૂને કર દિયા કમાલ…ચલ અકેલા ચલ અકેલા ચલ અકેલા, તેરા મેલા પીછે છૂટે રાહી ચલ અકેલા… પિંજરે કે પંછી રે તેરા દરદ ના જાને કોઈ… આઓ બચ્ચોં તુમ્હેં દિખાયેં ઝાંકી હિંદુસ્તાન કી, ઇસ મિટ્ટી સે તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી, વંદેમાતરમ વંદેમાતરમ…

આ આપણાં અતિ પ્રિય અને અમર ગીતો છે. આ તમામને જોડતી કડી છે, કવિ પ્રદીપ. આ ગીતોના રચયિતા. એમનો જન્મ અને ઉછેર ભલે મધ્યપ્રદેશમાં થયો, પણ તેમના પૂવર્જો ગુજરાતી હતા. ઉત્તર ગુજરાતમાં સિદ્ધપુર પાસેના ગામે તેઓ રહેતા. કવિ પ્રદીપનું મૂળ નામ રામચંદ્ર અને અટક દ્વિવેદી હતી, પણ એમના પૂર્વજોની અટક દવે હતી. દ્વિવેદી અટક પાછળથી થઈ. ગુજરાતમાં પ્લેગનો રોગચાળો ફટી નીકળ્યો એટલે કવિ પ્રદીપના વડદાદા ગુજરાત છોડીને ઉજ્જૈન પાસે બાડનગર ગામે સ્થાયી થઈ ગયેલા. કવિ પ્રદીપનો જન્મ અહીં જ થયો, ૬ ફેબ્રુઆરી ૧૯૧૫ના રોજ. આવતા મંગળવારે એમની ૧૦૩મી પુણ્યતિથિ છે.   યુવાન પ્રદીપે લખનૌ યુનિવર્સિટીમાંથી ભણતર પૂરું કર્યું એ અરસામાં રવિશંકર રાવળ સાથે એમનો પરિચય થયો હતો. રવિશંકર રાવળને ગુજરાત કળાગુરુ તરીકે ઓળખે છે. પ્રદીપ સાહિત્યપ્રેમી હતા, જાણીતા કવિઓને સાંભળવા મુશાયરાઓમાં જતા. ખુદ કવિતાઓ પણ લખતા. રવિશંકર રાવળ સાથે પ્રદીપની દોસ્તી એટલી પાક્કી થઈ ગઈ કે રવિશંકરે એમને પોતાની સાથે અમદાવાદ આવવાનું આમંત્રણ આપ્યું. પ્રદીપ પાસે આમેય તે વખતે કોઈ કામ નહોતું એટલે તેઓ અમદાવાદ આવવા તરત તૈયાર થઈ ગયા.
થોડા દિવસો પછી રવિશંકર રાવળને મુંબઈ જવાનું થયું. એમણે પ્રદીપને કહ્યું: તું પણ મારી સાથે ચાલ. રવિશંકર રાવળનો પુત્ર નરેન્દ્ર મુંબઈમાં રહેતો હતો. બંને ભાઈબંધો એને ત્યાં જ ઉતર્યા. મુંબઈમાં નરસિંહરાવ દિવેટિયા, બ.ક. ઠાકોર, રામનારાયણ પાઠક, સુંદરજી બેટાઈ વગેરે ઘણા ગુજરાતી સાહિત્યકારો સાથે પ્રદીપનો પરિચય કરાવવામાં આવ્યો. મુંબઈની ગોકળીબાઈ હાઇસ્કૂલના હોલમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં પ્રદીપે પણ ભાગ લીધો હતો. ગુજરાતી કવિઓએ ગુજરાતી ગીતો-કાવ્યોની રમઝટ બોલાવી, જ્યારે ચોવીસ વર્ષના પ્રદીપે હિન્દી રચનાઓ પેશ કરી. શ્રોતાઓ ખુશ ખુશ થઈ ગયા.
ગોકળીબાઈ હાઇસ્કૂલનો આ કાર્યક્રમ પ્રદીપના જીવનમાં વળાંકરૂપ સાબિત થયો. બીજા દિવસે કોઈ માણસ પ્રદીપને શોધતો શોધતો આવ્યો. કહેઃ તમે મારી સાથે ચાલો. હું તમને બોમ્બે ટોકીઝ લઈ જવા આવ્યો છું. અમારા સાહેબ હિમાંશુ રાય તમને મળવા માગે છે.
હિમાંશુ રાય એટલે એ જમાનાના બહુ મોટા ફ્લ્મિનિર્માતા. ૧૯૩૪માં એમણે બોમ્બે ટોકીઝ નામની ફ્લ્મિ ક્ંપની સ્થાપી હતી. અભિનેત્રી દેવિકા રાણી એમનાં પત્ની થાય. બોમ્બે ટોકીઝના નામે કેટલીય લેન્ડમાર્ક ઘટનાઓ સંકળાયેલી છે. જેમ કે, મધુબાલા ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે જેમાં પહેલી વાર સ્ક્રીન પર દેખાઈ એ ‘બસંત’ અને દિલીપકુમારની અભિનેતા તરીકેની કારકિર્દી જે ફ્લ્મિથી શરૂ થઈ તે ‘જ્વારભાટા’ – આ બંને ફ્લ્મિો બોમ્બે ટોકીઝે બનાવેલી. એ જ રીતે, અશોકકુમારને ચમકાવતી અને સુપરડુપર હિટ ગયેલી ફ્લ્મિ ‘કિસ્મત’નું નિર્માણ પણ બોમ્બે ટોકીઝે કર્યું હતું.
પેલા ગોકળીબાઈ હાઇસ્કૂલવાળા કાર્યક્રમ પછી બોમ્બે ટોકીઝના માલિકનો બુલાવો આવ્યો એટલે પ્રદીપને જબરું આૃર્ય થયેલું. એમણે રવિશંકર રાવળને પૂછયું: શું કરું? જાઉં? રવિશંકર કહેઃ હાસ્તો વળી! પ્રદીપ પેલા માણસ સાથે બોમ્બે ટોકીઝની ઓફ્સિે ગયા. હિમાંશુ રાયે વિનંતી કરીઃ કવિ, તમારી થોડીક રચનાઓ સંભળાવશો? પ્રદીપે સંભળાવી. હિમાંશુ રાયે એ જ ઘડીએ પ્રદીપ સામે ઓફ્ર મૂકીઃ તમે બોમ્બે ટોકીઝમાં જોડાઈ જાઓ. તમારે મારી ફ્લ્મિો માટે ગીતો લખવાના. મહિને બસ્સો રૂપિયા પગાર. બોલો, મંજૂર છે? પ્રદીપ કહેઃ મંજૂર છે!
તે સમયે બોમ્બે ટોકીઝ ‘કંગન’ નામની ફ્લ્મિ બનાવી રહી હતી. અશોકકુમાર એના હીરો હતા અને લીલા ચિટનીસ હીરોઈન. આ ફ્લ્મિ માટે કવિ પ્રદીપે ચાર ગીતો લખ્યાં. આ ગીતો ઓડિયન્સને બહુ ગમ્યાં. ક્રમશઃ ગીતકાર તરીકે કવિ પ્રદીપનું નામ થવા લાગ્યું. એમનાં ગીતો જબરદસ્ત પોપ્યુલર બનવા લાગ્યાં. લેખની શરૂઆતમાં ટાંકેલાં ગીતોના મુખડા પર ફ્રી એક વાર નજર ફેરવી લો. ‘અય મેરે વતન કે લોગોં’, ‘દૂર હટો એ દુનિયાવાલોં’, ‘આઓ બચ્ચોં તુમ્હેં દિખાયેં’ જેવાં દેશભકિતનાં ગીતો તો આજે પણ ગૂંજે છે. ‘દૂર હટો એ દુનિયાવાલોં’ ગીતે તે જમાનામાં સમગ્ર દેશમાં એવી રાષ્ટ્રભાવના જગાડી હતી કે એક તબક્કે અંગ્રેજ સરકારે આ ગીત પર પ્રતિબંધ મૂકવાનું વિચારવા માંડી હતી. ગાંધીજીએ આ ગીતને ઉપનિષદના શ્લોક સાથે સરખાવ્યું હતું.

૧૯૬૩ની ૨૬ જાન્યુઆરીએ દિલ્હીના નેશનલ સ્ટેડિયમમાં વિરાટ જનમેદની સામે લતા મંગેશકરે ‘અય મેરે વતન કે લોગોં’ ગીત ગાયું હતું અને તે સાંભળીને જવાહરલાલ નહેરુનાં આંખોમાં આંસુ ધસી આવ્યા હતા તે જાણીતી વાત છે. એમણે લતાને પછી કહ્યું હતું કે, બેટી, તુમને તો મુઝે રુલા દિયા. નહેરુએ પોતાના પર્સનલ સેક્રેટરીને પૃચ્છા કરેલી કે આ ગીતનાં કવિ કોણ છે? મારે એમને મળવું છે. જવાબ મળ્યો કે કવિ પ્રદીપ હાજર નથી, એ તો મુંબઈ છે. કોઈએ કવિ પ્રદીપને આ અવસર પર દિલ્હી આવવા આમંત્રણ આપવાની ઔપચારિતા પણ દેખાડી નહોતી. થોડા દિવસો પછી નહેરુને મુંબઈ જવાનું થયું ત્યારે એમણે કવિ પ્રદીપની ખાસ મુલાકાત લીધી અને એમનો ઓટોગ્રાફ પણ લીધો.
‘અય મેરે વતન કે લોગોં’ ગીત કવિ પ્રદીપે મુંબઈના દરિયાકાંઠે સિગારેટના પાકિટના રેપર પર લખ્યું હતું! આ કંઈ ફ્લ્મિી ગીત નથી. ૧૯૬૨માં ચીને ભારત પર ઓચિંતા આક્રમણ કરીને દેશનો કેટલોક હિસ્સો પડાવી લીધો હતો તે પછી દેશમાં રાષ્ટ્રીય ભાવના જગાવવા માટે કવિએ આ ગીત લખ્યું હતું અને સી. રામચંદ્રે તે કમ્પોઝ કર્યું હતું. પછી તો ઘણા ફ્લ્મિમેકરોએે આ ગીતને પોતાની ફ્લ્મિમાં વાપરવા માટે માગણી કરી હતી, પણ કવિ પ્રદીપે તેને ફ્લ્મિી ગીત ન બનવા દીધું. એમણે આ ગીત દેશને અર્પણ કર્યું. આ ગીત માટે તેમણે કશી રોયલ્ટી પણ ન લીધી.
કવિ પ્રદીપના ગુજરાત કનેકશન પર પાછા ફ્રીએ. એમનાં ધર્મપત્ની ભદ્રા ગુજરાતી હતાં. રવિશંકર રાવળે કન્યાના પિતા ચુનીલાલ ભટ્ટ સાથે પ્રદીપની ઓળખાણ કરાવી હતી. કવિ અવારનવાર ચુનીલાલના ઘરે જમવા જતા. એમને ચુનીલાલની દીકરી ગમી ગઈ. બંને એક જ સમાજના હોવાથી પ્રદીપના ઘરેથી કોઈએ વિરોધ ન કર્યો. જોકે ૧૯૪૨માં લગ્ન કર્યાં ત્યારે ખર્ચ બચાવવા ક્વિ પ્રદીપે મધ્યપ્રદેશથી કોઈને તેડાવ્યા નહોતા.
તેઓ ગાંધીવાદી હતા. ફ્લ્મિી દુનિયા સાથે સંકળાયેલા હોવા છતાં આૃર્ય થાય એટલું સાદું એમનું જીવન હતું. નાણાંભીડ અનુભવતા એક નિર્માતા માટે એમણે સાવ ઓછા પૈસા ગીતો લખી આપેલાં. આ ફ્લ્મિ એટલે ‘જય સંતોષી મા’ અને એ ગીતો એટલે ‘મૈં તો આરતી ઉતારું રે સંતોષીમાતા કી’, ‘મદદ કરો સંતોષીમાતા’, ‘યહાં વહાં કહાં કહાં’ વગેરે. આ ગીતો કેવાં જબરદસ્ત હિટ થયાં હતાં. નિર્માતા આ ફ્લ્મિને કારણે ખૂબ કમાયો. એમણે પછી કવિ પ્રદીપને રોયલ્ટી પેટે સારી એવી રકમ ચૂકવી હતી અને એમના ઘરે એરકંડીશનર નખાવી આપ્યું હતું.
૧૯૯૭માં કવિ પ્રદીપને દાદાસાહેબ ફળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. પછીના વર્ષે એમનું નિધન થયું. કવિ પ્રદીપે જિંદગીમાં બીજું કશું ન કર્યું હોત અને માત્ર એક ‘અય મેરે વતન કે લોગોં’ ગીત જ લખ્યું હોત તો પણ એમનું નામ અમર થઈ ગયું હોત!
shishir.ramaVat@gmail.com

No comments:

Post a Comment