Friday, February 23, 2018

મહાન બનવાની કળા

સંદેશ - અર્ધ સાપ્તાહિક પૂર્તિ - 18 ફેબ્રુઆરી 2018 

ટેક ઓફ                      

હવે જ્યારે પણ કોઈ ગાયકને અદભુત રીતે ગીત ગાતાં, કોઈ પણ સ્પોર્ટ્સપર્સનને અદભુત રમતાં કે કોઈ પણ સુપર પર્ફોર્મરને અસાધારણ કામ કરતા જુઓ ત્યારે મહેરબાની કરીને એવું નહીં બોલવાનું કે આ માણસ તો ગિફ્ટેડ છે કે ભગવાને એને જન્મજાત પ્રતિભા આપી છે. ના. આને બદલે એમ વિચારવાનું કે આ માણસે પોતાની આવડતની ધાર કાઢવા માટે હજારો કલાક સખત મહેનત કરી છે! જન્મજાત પ્રતિભા હોય તો પણ જો એકધારો રિયાઝ અને પ્રચંડ પરિશ્રમ દ્વારા ટેલેન્ટની માવજત ન થાય તો માણસ માત્ર 'ગુડ' બનીને રહી જાય છે, તે બેસ્ટ, ચેમ્પિયન કે મહાન ક્યારેય બની શકતો નથી. 


કોઈ પણ ક્ષેત્રમાં ચેમ્પિયન બનવા માટે કેટલો સમય જોઈએ? જવાબ છે, દસ હજાર કલાક! ક્યાંથી આવ્યો આ આંકડો? માલ્કમ ગ્લેડવેલ નામના કેનેડિયન લેખક પાસેથી. માલ્કમ ગ્લેવવેલે 2008માં 'આઉટલાયર્સ' નામનું પુસ્તક લખ્યું હતું, જે બેસ્ટસેલર પૂરવાર થયેલું. આ પુસ્તકનું કેન્દ્રીય સોનેરી સૂત્ર એ હતું કે તમે જોઈ કોઈ પણ ક્ષેત્રમાં દસ હજાર કલાક પ્રેક્ટિસ કરો તો તમે 'ગ્રેટ' ગણાઓ એટલી ઊંચાઈ પર પહોંચી શકો. આમાં ક્રિકેટ-ટેબલ ટેનિસ-ફૂટબોલ-જિમ્નેસ્ટિક્સ જેવી રમતગમત, ચિત્રકામ-સંગીત જેવી કળા, કમ્પ્યુટર પ્રોગ્રામિંગ, પર્વતારોહણ જેવાં મોટાં ભાગનાં ક્ષેત્રો આવી ગયાં.  

દસ હજારના આંકડોને જરા મચડીએ તો એવું સમજાય કે જો તમે રોજેરોજ, એક પણ બન્ક માર્યા વિના દૈનિક ત્રણ કલાક પ્રેક્ટિસ કરો તો 9 વર્ષમાં ચેમ્પિયન બની શકો, જો રોજ બે કલાક પ્રેક્ટિસ કરો તો 13 વર્ષ અને સાતેક મહિનામાં ચેમ્પિયન બની શકો અને જો રોજની દોઢ કલાક પ્રેક્ટિસ કરો તો લગભગ 18-19 વર્ષે ચેમ્પિયન બની શકો (અહીં 'ચેમ્પિયન'ના સ્થાને તમે એક્સપર્ટ, મહારથી, માસ્ટર, ગ્રેટ જેવો કોઈપણ શબ્દ મૂકી શકો). પુસ્તક લખતાં પહેલાં, અલબત્ત, માલ્કમ ગ્લેડવેલે કેટલાક અતિ સફળ લોકોના જીવનનો અભ્યાસ કર્યો હતો અને આખરે એ તારણ પર પહોંચ્યા હતા કે જો તમારી પ્રેક્ટિસના કલાકો 10,000ના આંકડાને સ્પર્શી લે તો સમજી લો કે તમે ક્રિકેટર સચિન તેંડુલકર, તબલાવાદક ઝાકિર હુસેન કે ટેકનો-બિઝનેસમેન બિલ ગેટ્સ અને સ્ટીવ જોબ્સ જેવી મહાનતાની કક્ષાએ પહોંચી ગયા.

પત્યું. આ દસ હજારનો આંકડો એવો ચોટડૂક હતો કે જીવન જીવવાની કળા શીખવનારાઓ, પ્રેરણાદાયી લેખો લખનારાઓ અને મોટિવેશન સ્પીકર્સને મજા પડી ગઈ. માલ્કમ ગ્લેડવેલે દસ હજાર કલાકનૂં સૂત્ર બનાવતી વખતે એક જૂના રિસર્ચનો સજ્જડ આધાર લીધો હતો. એન્ડર્સ એરિકસન નામના સાઇકોલોજીના પ્રોફેસરે છેક 1993માં અન્ય બે સાથીઓના સંગાથે 'ડેલીબરેટ (એટલે કે સહેતુક) પ્રેક્ટિસ' પર સંશોધન કરી પેપર લખ્યું હતું. આ પેપર ત્યાર બાદ અન્ય કેટલાંય સંશોધનોમાં રેફરન્સ મટિરીયલ તરીકે વપરાયું હતું અને ક્વોટ થયું. તેને આમ જનતા સુધી પહોંચાડવાનું કામ જોકે દસ હજાર કલાકના
સૂત્રે કર્યું. માલ્કમ ગ્લેડવેલે પોતાના 'આઉટલાયર્સ' પુસ્તકમાં એન્ડર્સ એરિકસનના સંશોધનને બાકાયદા ટાંક્યું છે. દસ હજાર કલાકના સૂત્રના ફૂગ્ગામાંથી હવા ત્યારે નીકળી જ્યારે મૂળ સંશોધકે એટલે કે એરિક્સને 2015માં રિસર્ચ પેપર નહીં પણ આખેઆખું પુસ્તક બહાર પાડ્યું, જેનું ટાઇટલ હતું 'પીક' અનેટેગલાઇન હતી, 'સિક્રેટ્સ ફ્રોમ ધ ન્યુ સાયન્સ ઓફ એક્સપર્ટાઇઝ'

એન્ડર્સ એરિક્સને લખ્યું કે દસ હજાર કલાકવાળું સૂત્ર અમારાં સંશોધનની પીઠ પર સવાર થઈને વહેતું કરાયું છે, પણ આ સૂત્રમાં ઘણા લોચા છે. દસ હજારનો આંકડો આસાનીથી યાદ રહી જાય એવો છે તે સાચું, પણ તે એક્યુરેટ નથી. અમુક ક્ષેત્રમાં એક્સપર્ટ બનવા માટે દસ નહીં, વીસ કે ત્રીસ હજાર કલાક પણ ઓછા પડે. આ સૂત્રમાંથી માત્ર એક વાત સમજવાની છે અને તે કે સફળતાના શિખર પર પહોંચવા માટે કોઈ શોર્ટ-કટ હોતો નથી. તમે જે-તે પ્રવૃતિમાં પૂરેપૂરી નિષ્ઠાથી હજારો કલાક નાખો તો જ કંઈક નીપજે. મહાન માણસો આ જ રીતે મહાન બન્યા છે.

દસ હજાર કલાકવાળું સૂત્ર જે રિસર્ચના આધારે ઘડવામાં આવ્યું હતું તે એક્ઝિક્યુટ કરવા માટે એન્ડર્સ એરિક્સન અને એમના સાથીઓએ કેટલાક ઇન્ટરેસ્ટિંગ પ્રયોગો કરેલા. એમાંથી વાયોલિનવાદકોવાળો પ્રયોગ સૌથી મજેદાર છે.  બર્લિન યુનિર્વસિટીની કોલેજ ઓફ મ્યુઝિક એન્ડ ધ પર્ફોર્મિંગ આર્ટ્સનું બહુ મોટું નામ છે. અહીંથી સતત વર્લ્ડક્લાસ વાયોલિનવાદકો પેદા થતા રહ્યા છે. એરિક્સનનો હેતુ સંગીતની મેધાવી પ્રતિભાઓ કેવી રીતે તૈયાર થાય છે તે વિશે પદ્ધતિસર અભ્યાસ કરવાનો હતો. એમણે કોલેજના પ્રોફેસરોને કહ્યું કે તમે અમને ત્રણ પ્રકારના વિદ્યાર્થીઓ અલગ તારવી આપોઃ (એક) સૌથી બેસ્ટ વિદ્યાર્થીઓ, જેમનામાં આંતરરાષ્ટ્રીય કક્ષાની કરીઅર બનાવી શકવાનું કૌવત હોય, (બે) એવા વિદ્યાર્થીઓ જે બહુ સારા વાયોલિનવાદક હોય, પણ જેમનામાં સુપરસ્ટાર ક્વોલિટી દેખાતી ન હોય, (ત્રણ) અબાઉ-એવરેજ યા તો સાધારણ સ્ટુડન્ટ્સ કરતાં ચડિયાતા વિદ્યાર્થીઓ.  


આમ, એરિક્સન પાસે દસ-દસ સ્ટુડન્ટ્સનાં ત્રણ જૂથ બન્યાઃ ગુડ, બેટર, બેસ્ટ. એરિક્સનને જોવું હતું અસાધારણ વાયોલિનવાદકોમાં માત્ર સારા કે અબાઉ-એવરેજ વાયોલિનવાદકો કરતાં શું જુદું હોય છે. આ તમામ વાયોલિનવાદકોના વિસ્તૃત ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા. એમાં એમને જાતજાતના સવાલ પૂછવામાં આવ્યાઃ તમે સંગીત શીખવાનું કઈ ઉંમરથી શરૂ કર્યું, તમારા શિક્ષક કોણ હતા, ઉંમરના અલગ અલગ પડાવે તમે રોજ કુલ કેટલી કલાક પ્રેક્ટિસ કરી, તમે કઈ કઈ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અને એમાંથી કેટલામાં જીત્યા, વગેરે. એમને એવુંય પૂછવામાં આવ્યું કે એકલા પ્રેક્ટિસ કરવી, ગ્રુપમાં પ્રેક્ટિસ કરવી, માત્ર મોજ ખાતર એકલા એકલા વાયોલિન વગાડવું, મોજ ખાતર ગ્રુપમાં વાયોલિન વગાડવું, સંગીત સાંભળવું, સંગીતનો ઇતિહાસ અને અન્ય થિયરી વાંચવી - આ બધામાંથી તમારા હિસાબે કઈ પ્રવૃત્તિથી કેટલો ફાયદો થાય છે. ત્રીસેય વિદ્યાર્થીઓને રોજ ડાયરી લખવાનું સૂચન કરવમાં આવ્યું કે જેમાં તેઓ રોજ તેટલી કલાક સૂતા, કેટલી કલાક એકલા પ્રેક્ટિસ કરી, ગ્રુપમાં પ્રેક્ટિસ કરી, કેટલો વખત રિલેક્સ થવામાં ગાળ્યો, મ્યુઝિક સ્કૂલમાં ભણવામાં કેટલો સમય પસાર કર્યો વગેરે જેવી વિગતો પણ નોંધતા રહે.   

ત્રણેય જૂથના વિદ્યાર્થીઓએ મોટા ભાગના સવાલના જવાબ લગભગ એકસરખા આપ્યા. સૌ એક વાતે સહમત હતા કે જો પર્ફોર્મન્સ સુધારવું હોય તો એકલા પ્રેક્ટિસ કરવી સૌથી જરૂરી છે. બીજા નંબર પર હતી ગ્રુપ પ્રેક્ટિસ, પછી ક્લાસ અટેન્ડ કરવા, સોલો પર્ફોર્મન્સ આપવું, સંગીત સાંભળવું અને છેલ્લે સંગીતની થિયરીનો અભ્યાસ કરવો.

ઊડીને આંખે વળગે એવું તારણ આ હતુઃ પોતાનું પર્ફોર્મન્સ સુધારવા માટે જે-જે પગલાં ભરવાની વિદ્યાર્થીઓએ વાત કરી તે એમના માટે કંઈ આનંદદાયક પ્રવૃત્તિ નહોતી, તે એમને રીતસર મજૂરી જ લાગતી હતી. એમને જલસા માત્ર આ બે પ્રવૃત્તિમાં પડતા હતાઃ ઊંઘવામાં અને સંગીત સાંભળવામાં! એક વાતે ટીચર્સ અને સ્ટુડન્ડટ્સ બન્ને સહમત થયા કે ઇમ્પ્રુવ થવાનું કામ અત્યંત કઠિન છે. ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે જે પણ કંઈ કરવું પડતું હતુ તે કરવામાં વિદ્યાર્થીઓને મજા નહોતી પડતી. એવો એક પણ વિદ્યાર્થી નહોતો જેને પ્રેક્ટિસ કરવામાં માત્ર અને માત્ર જલસા પડ્યા હોય. તો પછી આ સ્ટુડન્ટ્સ શાના જોરે કલાકોના કલાકો પ્રેક્ટિસ કરી શકતા હતા? શું હતું એમનું પ્રેરકબળ? એમનું પ્રેરકબળ એક જ હતુઃ તેઓ સારી રીતે સમજતા હતા કે જો પર્ફોર્મન્સ સુધારવું હશે તો રિયાઝ કર્યા વગર છૂટકો નથી. પર્ફોર્મન્સ વધુ ને વધુ પરફેક્ટ થાય તે માટે સખત રિયાઝ કરવો જ પડશે.  

વિદ્યાર્થીઓ તમામ ટેલેન્ટેડ હતા, પણ આ ત્રણેય જૂથ વચ્ચે ફર્ક માત્ર એક જ વાત હતોઃ પ્રેક્ટિસની કલાકોમાં. 'બેસ્ટ' વિદ્યાર્થીઓએ રિયાઝ પાછળ વધારેમાં વધારે સમય આપ્યો હતો, જ્યારે 'બેટર' અને 'ગુડ' વિદ્યાર્થીઓએ એમની સરખામણીમાં ઓછો સમય આપ્યો હતો. વાયોલિનવાદનની તાલીમ નાનપણમાં જ, સાત-આઠ વર્ષની ઉંમરે શરૂ થઈ જતી હોય છે. આ ત્રીસ સ્ટુડન્ટ્સની વાત કરીએ તો અઢાર વર્ષના થાય ત્યાં સુધીમાં પ્રત્યેક 'ગુડ' સ્ટુડન્ટ એની લાઇફમાં સરેરાશ 3420 કલાકની પ્રેક્ટિસ કરી ચુક્યો હતો 'બેટર' સ્ટુડન્ટ 5301 કલાક પ્રેક્ટિસ કરી ચક્યો હતો અને 'બેસ્ટ' સ્ટુડન્ટ 7420 કલાક રિયાઝ કરી ચુક્યો હતો. આમ, મહેનત તો સૌએ કરી હતી. આ ત્રીસમાં સૌથી ઓછા કાબેલ વિદ્યાર્થી પણ વાયોલિનવાદન પાછળ હજારો કલાક ખર્ચી ચુક્યો હતો. જસ્ટ એમ જ, શોખ માટે કે મસ્તી ખાતર વાયોલિન વગાડતા લોકો કરતાં આ આંકડો ક્યાંય મોટો છે.

રિયાઝના કલાકોના ટોટલ આંકડામાં સામાન્યપણે બાર-તેરથી સત્તર વર્ષ સુધીમાં ફરક પડી જતો હતો. તરુણાવસ્થામાં છોકરા-છોકરીઓનું મન કુદરતી રીતે જ ચંચળ બની જતું હોય છે. તેઓ ઓપોઝિટ સેક્સ, ફેશન, ધમાલમસ્તી વગરે તરફ આકર્ષાવા લાગે છે. જે સ્ટુડન્ટ્સ તરુણાવસ્થામાં ઓછા ચલિત થયા હતા અને પ્રેક્ટિસ એટલી જ તીવ્રતાથી ચાલુ રાખી હતી તેઓ આપોઆપ 'બેસ્ટ' જૂથમાં સામેલ થઈ જતા હતા. જેમનો રિયાઝ તરૂણાવસ્થામાં થોડો ઢીલો પડી ગયો તેઓ માત્ર 'ગુડ' સ્ટુડન્ટ્સ બનીને રહી ગયા.

સો વાતની એક વાત. હવે જ્યારે પણ કોઈ ગાયકને અદભુત રીતે ગીત ગાતાં, કોઈ પણ સ્પોર્ટ્સપર્સનને અદભુત રમતાં કે કોઈ પણ સુપર પર્ફોર્મરને અસાધારણ કામ કરતા જુઓ ત્યારે મહેરબાની કરીને એવું નહીં બોલવાનું કે આ માણસ તો ગિફ્ટેડ છે, ભગવાને એને જન્મજાત પ્રતિભા આપી છે. ના. આને બદલે એમ વિચારવાનું કે આ માણસે પોતાની આવડતની ધાર કાઢવા માટે હજારો કલાક આપ્યા હશે! જન્મજાત પ્રતિભા હોય તો પણ જો એકધારો રિયાઝ અને પ્રચંડ મહેનત દ્વારા ટેલેન્ટની માવજત ન થાય તો માણસ માત્ર 'ગુડ' બનીને રહી જાય છે, તે 'બેસ્ટ', ચેમ્પિયન કે મહાન ક્યારેય બની શકતો નથી. 

0 0 0 

No comments:

Post a Comment