Tuesday, March 15, 2016

ટેક-ઓફ : પુસ્તકો ગોઠવવાનો આનંદ

સંદેશ- અર્ધસાપ્તાહિક પૂર્તિ - 16 માર્ચ 2016

ટેક-ઓફ

પુસ્તકો પરથી ધૂળ સાફ કરવામાં, પ્રેમથી એને પંપાળવામાં, એનાં પાનાં ઊથલાવીને વચ્ચે વચ્ચે થોડુંક થોડુંક વાંચતા જવામાં ને પછી પૂરા સન્માન સાથે એમને યોગ્ય જગ્યાએ ગોઠવવામાં ગજબનાં સુખ અને સંતોષનો અનુભવ થતો હોય છે. ટ્રાય કરી જોજો.



રમાંભા રહેવાની જગ્યા નથી. ડ્રોઈંગરૂમમાં પુસ્તકોનો રીતસર કુંભમેળો ભરાયો છે. ફ્લેટનો મુખ્ય દરવાજો ખોલીને અંદર પ્રવેશવા જાવ તો પગ હવામાં અધ્ધર સ્થિર કરી નાંખવો પડે છે, કેમ કે પગ મૂકવો ક્યાં? આખા ડ્રોઈંગરૂમના ફ્લોર પર, સોફા-ટિપોઈ-ચેર પર અને ફ્રેન્ચ-વિન્ડોવાળા લાંબા સિટીંગ પર પુસ્તકોના થપ્પા વિખરાયેલા પડયા છે. એકબીજા સાથે ધક્કામુક્કી કરતાં, એકબીજાને ટેકે ઊભેલાં, એકબીજાની ઉપર ચડી ગયેલાં ગણ્યા ગણાય નહીં એટલાં પુસ્તકો. અમુક પુસ્તકો દાદાગીરી કરીને છેક ઓપન કિચનમાં ઘૂસી ગયાં છે. તમને ફ્રિજનું ઠંડું પાણી પીવા નહીં મળે,કેમ કે ફ્રિજના દરવાજાને અઢેલીને ઊભેલી ચોપડીઓના ઊંચા થપ્પાઓને હમણાં દૂર ખસેડી શકાય તેમ નથી. સોરી.
એક ટિપિકલ મેળામાં હોય તે બધું જ છે અહીં. સેલિબ્રેશનનો સોલિડ મૂડ, આનંદ-મઝા-જલસો, હૈયે હૈયું દળાય એવી ભીડ, અંધાધૂંધી, બધું જ. ખોવાઈ ગયેલાં પુસ્તકો વિશેની અનાઉન્સમેન્ટના અવાજો પણ વચ્ચેવચ્ચે સંભળાય છે. સ્ટડીરૂમના કબાટો, કિચનનાં માળિયાં, બેડરૂમનાં માળિયાં, બેડરૂમની બાલ્કની અને ઘરનાં બીજાં કેટલાંય ખાનાંમાં પડેલાં પુસ્તકો પોતપોતાનાં સ્થાન છોડીને ડ્રોઈંગરૂમમાં ભરાયેલા આ કુંભમેળામાં ભાગ લેવા હોંશે હોશેં પહોંચી ગયાં છે.
બે દિવસ પહેલાં જ સુથાર પોતાની ટીમને લઈને આવ્યો હતો, ડ્રોઈંગરૂમ અને સ્ટડીરૂમમાં હજુ સુધી વર્જિન રહી ગયેલી દીવાલો પર પુસ્તકો રાખવાની નવી રેક્સને ફિટ કરવા. આખાં ઘરનાં પુસ્તકોને નવેસરથી અરેન્જ કરવાનું આનાં કરતાં બહેતર કારણ પછી ક્યારે મળવાનું. પુસ્તકોના કુંભમેળાનો આજે ચોથો દિવસ છે, પણ ભીડ ઓછું થવાની નામ લેતી નથી. પત્ની રોજ આશ્ચર્યથી પૂછે છેઃ 'તું રોજ કલાકો સુધી કરે છે શું? હજુ તારી એક પણ શેલ્ફ ગોઠવાઈ નથી? કામવાળી બાઈ ત્રણ દિવસથી અહીં કચરાં-પોતાં કરી શકી નથી'.
તમે ફક્ત સ્મિત કરો છોઃ 'હવે એકાદ-બે દિવસમાં પૂરું, બસ!' 
હકીકત તો એ છે કે તમને આ અવ્યવસ્થામાં રહેવાની ભારે મજા આવે છે. અમુક જર્જરિત પુસ્તકોને હાથમાં લેતાં અચાનક વર્ષો પછી મળી જતા મિત્ર જેવો આનંદ થાય છેઃ આહા... જુલે વર્ન! સ્કૂલમાં ભણતો હતો ત્યારે જુલે વર્નની આ સાયન્સ ફિક્શન્સ વાંચીને ગાંડો ગાંડો થઈ જતો હતો! પાર્થ... યેસ, પાર્થે મને ઈન્ટ્રોડયુસ કર્યો હતો જુલે વર્નની સાહસકથાઓથી, છઠ્ઠા ધોરણમાં! તમને એકાએક તમારો સ્કૂલનો એ જૂનો દોસ્ત યાદ આવી જાય છે. ફોલ્ડર પર માઉસથી ક્લિક કરતાં કમ્પ્યુટરની સ્ક્રીન પર એકસાથે જેમ અનેક ફાઈલોનું લિસ્ટ ખૂલી જાય, તેવી જ સ્થિતિ મનની થઈ ગઈ છે. પુસ્તક જોતાં જ તેની સાથે સંકળાયેલી કેટલીય વાતો ને વિગતોની ફાઈલો ધડાધડ ખૂલવા લાગે છે.

તમે બીજું પુસ્તક પ્રેમથી હાથમાં લો છો. ફાધર વાલેસનું 'શબ્દલોક' એન્જિનિયરિંગ કોલેજમાં ભરાયેલા પુસ્તકમેળામાંથી સેકન્ડ યરમાં ખરીદી હતી. યેસ, જો આ ઊઘડતા પાને જ લખ્યું છે. નીચે તારીખ પણ નોંધી છે. પ્રત્યેક નવાં પુસ્તકનાં ઊઘડતાં પાને પુસ્તક ખરીદ્યાની તારીખ અને સ્થળ લખવાની સરસ આદત તમે નાનપણથી પાડી છે. મારું બેટું જ્યારથી ઓનલાઈન પુસ્તકો ખરીદવાનું વ્યસન લાગ્યું છે, ત્યારથી પુસ્તકમાં સ્થળ લખવાની મજા જતી રહી છે. સ્થળની જગ્યાએ વેબસાઈટનું એડ્રેસ કે પુસ્તક તમારા સુધી પહોંચાડનાર કુરિયર કંપનીનું નામ થોડું લખાય!
સ્મરણો માત્ર પુસ્તકો સાથે જ સંકળાયેલાં હોય છે એવું કોણે કહ્યું. ટીનેજ અવસ્થામાં અને ઊગતી જુવાનીમાં તમે અમુક મેગેઝિનોને પાગલની જેમ ચાહતા હતા. આ મેગેઝિનોએ જ તમારી ઓળખાણ પત્રકારત્વની રોમાંચક દુનિયા સાથે અને જેમની સાથે આખી જિંદગી લવ-અફેર ચાલવાનો છે એવા પ્રિય લેખકો સાથે કરાવી હતી. અમુક લેખકોની કોલમો તમને એટલી બધી ગમતી હતી કે દર અઠવાડિયે મેગેઝિનમાંથી એનાં પાનાં ફાડી લેતાં હતાં ને પછી કાળજીપૂર્વક એનું બુક-બાઈન્ડિંગ કરાવતા હતા. આ જાડાં બુક-બાઈન્ડિંગવાળાં કલેક્શન્સને મરતા સુધી સાચવી રાખવાં છે, કેમ કે એમાં તમારી ઉત્કટતા, તમારું પેશન અને તમારી નિર્દોષતા સંગ્રહાયેલા છે. આમાંના અમુક લેખકો અને તેમનાં લખાણોને ભલે તમે આઉટ-ગ્રો કરી ગયા હો, પણ આ ખજાનો તમારા સ્વત્ત્વનો હિસ્સો છે, તમારી આંતરિક સમૃદ્ધિનો દસ્તાવેજ છે. તમારા માટે એ કેટલો અમૂલ્ય છે એ તમે જ સમજો છો.
પછી શરૂ થાય છે પુસ્તકોનું વિષયવાર વિભાજન. સાચ્ચે, આના જેવું અઘરું કામ બીજું એકેય નથી. કેટલાં બધાં જોનર, કેટલા બધા પ્રકાર. એમાં પાછી મીઠી મૂંઝવણ થાય. એક જ લેખકના તમામ પુસ્તકો એક સાથે રાખું કે પ્રકાર અનુસાર અન્ય પુસ્તકોની સાથે ભેળવી દઉં? જેમ કે, સિતાંશુ યશશ્ચંદ્રનાં કવિતાનાં પુસ્તકો કવિતાનાં ખાનામાં હોવાં જોઈએ ને એમનાં નાટકોનાં પુસ્તકો નાટકનાં ખાનામાં હોવાં જોઈએ, રાઈટ? કે પછી, સમગ્ર સિતાંશુ એકસાથે ગોઠવું? આમ તો એક લેખકનાં વાર્તા-કવિતા-નવલકથા-નાટક-આત્મકથા-લેખોના કંપાઈલેશન વગેરે એક જ જગ્યાએ રાખ્યા તો જરૂર પડયે ફટાક કરતાં તરત મળી જાય. આખરે તમે તોડ કાઢો છોઃ ક્યારેક સમગ્ર સર્જન એકસાથે રાખવાનું, તો ક્યારેક ભાગલા પાડી દેવાના. ડિપેન્ડ્સ!

સૌથી વધારે સમય આ વર્ગીકરણ લઈ લે છે. ધીમે ધીમે પુસ્તકોના અસ્તવ્યસ્ત ઢગલા પુસ્તકોના થપ્પાઓમાં પરિવર્તિત થતા જાય છે. કેટલા બધા થપ્પા. સૌથી વધારે થપ્પા, અફ કોર્સ, ગુજરાતી પુસ્તકોના છે. બીજા નંબરે અંગ્રેજી પુસ્તકો ને ત્રીજા નંબરે હિન્દી પુસ્તકો. તમને થાય કે, હિન્દી પુસ્તકો આટલાં ઓછાં કેમ? તમે મનોમન નિર્ણય કરો છોઃ આ વર્ષથી હિન્દી વાંચન વધારવું છે. પત્નીને મરાઠી સરસ આવડે છે એટલે થોડીક મરાઠી ચોપડીઓ પણ છે. થોડી સંસ્કૃત અને ઉર્દૂ ચોપડીઓ છે. અરે, અંધજનો માટેની બ્રેઈલ લિપિમાં લખાયેલી એક ચોપડી પણ છે! તમે અંઘજનો માટેની એક સંસ્થાની કોઈ ઈવેન્ટમાં મીડિયાના પ્રતિનિધિ તરીકે ગયા હતા જ્યાં આ બુકનું લોન્ચિંગ થયું હતું...
પછી શરૂ થાય તૈયાર થયેલા થપ્પાઓમાંથી કોને ક્યાં મૂકવા એની મૂંઝવણ. કાળજીપૂર્વક તમામ લેખકોની ને પુસ્તકોની પોઝિશન નક્કી કરવાની છે. ચંદ્રકાંત બક્ષી તો રાઈટિંગ ટેબલ પાસેના કબાટમાં આઈ-લેવલ પર જ જોઈએ. સવાલ જ નથી. બક્ષી જેમને પોતાના પૂર્વજો ગણતા હતા તે ઝવેરચંદ મેઘાણી અને કનૈયાલાલ મુનશીને પણ બક્ષીવાળાં ખાનામાં જ ગોઠવીશ... અને હા, ગમે તેમ મેનિપ્યુલેટ કરીને થોડીક જગ્યા બનાવીશ અને - ભલે અવિવેક ગણાય તો અવિવેક, પણ - આંગળીને વેઢે ગણાય એટલાં ખુદનાં પુસ્તકોને એ જ ખાનામાં ગોઠવીશ. આહા, બક્ષી-મેઘાણી-મુનશીની હારોહાર આપણી પોતાની ચોપડીઓ! કેવી મજા!
સ્વામી વિવેકાનંદ માટે એક આખું અલાયદું ખાનું ફાળવવું છે. સ્વામી આનંદ અને સ્વામી સચ્ચિદાનંદ એક ખાનું શેર કરશે. મકરંદ દવે અને કુન્દનિકા કાપડીઆ - આ બન્નેનાં પુસ્તકો પાસે પાસે રાખવાં છે. પ્રિય મધુ રાય બાપડા અત્યાર સુધી પેલા ટોપ-રાઈટ ખાનામાં સાવ પાછળ દટાઈ ગયા હતા. આ વખતે એમને વ્યવિસ્થત રીતે ગોઠવવા છે. લેખકને એના સ્ટેટસ પ્રમાણે સ્થાન મળવું જોઈએ, શું! વિવેચકોએ ભલે અશ્વિની ભટ્ટને શુદ્ધ સાહિત્યકાર ન ગણ્યા, પણ આપણે તો એમને પન્નાલાલ પટેલ અને ચુનીલાલ મડિયાની બરાબર વચ્ચે ગોઠવવા છે. એક મિનિટ. નર્મદ કેમ દેખાયા નહીં? કોણ ઉપાડી ગયું? નવા ખરીદવા પડશે. તમે તરત તમારા સ્માર્ટફોનના મેમોમાં 'બુક્સ ટુ બાય'વાળાં લિસ્ટમાં નામ ઉમેરી દો છોઃ નર્મદ. ઉમાશંકર જોશીએ તૈયાર કરેલું પેલું 'સર્જકની આંતરકથા' નામનું અદભુત કમ્પાઈલેશન પણ ન મળ્યું તે ન  જ મળ્યું. આ બુક પણ આઉટ-ઓફ-પ્રિન્ટ છે. કંઈ વાંધો નહીં. ફાર્બસ લાઈબ્રેરીમાં જઈને આખાં પુસ્તકની ઝેરોક્સ કોપી કરાવી લઈશ.
ગાંધીજી માટે ડ્રોઈંગરૂમ પરફેક્ટ છે. એન રેન્ડ, માર્કેઝ, અમૃતા પ્રિતમ, નિર્મલ વર્મા પણ ત્યાં જ વધારે શોભશે. મારિયો પુઝોની 'ગોડફાધર' અને સૌરભ શાહે કરેલો તેનો મસ્ત અનુવાદ - બન્ને સાથે રાખવાં છે. પુસ્તકો ગોઠવતાં ગોઠવતાં અચાનક તમે ખુદને ધમકાવવા લાગો છોઃ ભાઈ, આ ન વાંચેલાં પુસ્તકોની સંખ્યા આટલી મોટી કેમ થઈ ગઈ? શું બીજાઓને (અને ખુદને) ઈમ્પ્રેસ કરવા માટે ગાંડાની જેમ ઈન્ટરનેટ પરથી પુસ્તકો ખરીદ્યા કરો છો? મોટે ઉપાડે શેક્સપિયરનાં ચોપડાં લઈને બેસી ગયા છો, ક્યારે વાંચશો? નહીં ચાલે આ નાટક! પછી તમે જ ખુદને જવાબ આપો છોઃ લૂક, આ-આ અને આ પુસ્તક મારે એકીબેઠકે વાંચવાં છે એટલે હજુ સુધી હાથ લગાડયો નથી. આ-આ ને આ નેકસ્ટ ટાઈમ કેરળ જઈશ ત્યારે સાથે લઈ જવાનાં છે. બાય ધ વે, આપણી એક ફેન્ટસી છે. કેરળમાં એલેપ્પીના અદ્ભુત બેકવોટર્સમાં પૂરા એક મહિના માટે મસ્તમજાની હાઉસબોટ ભાડે કરવાની. પછી દિવસ-રાત પાણીમાં તર્યા કરવાનું ને ટેસથી વાંચ્યા કરવાનું! બસ, મા લક્ષ્મીની કૃપા થાય એટલી જ વાર છે.
લેખો લખતી વખતે જે પુસ્તકોની અવારનવાર રેફરન્સ તરીકે જરૂર પડે છે, તે ફટાક કરતાં મળી જાય તેવી મોસ્ટ કમ્ફર્ટેબલ પોઝિશન પર રાખવાનાં. લખતી વખતે શોધાશોધી કરીને ફ્રસ્ટ્રેટ થવાનું આપણને ન પોસાય... અને આ શું, અત્યાર સુધી આપણે બધાને કહ્યા કરતા હતા અને પોતે પણ માનતા હતા કે, આપણે તો ગદ્યના માણસ છીએ, ગદ્યના માણસ છીએ, પણ આપણા ખજાનામાં સૌથી વધારે ચોપડીઓ તો કવિતાની છે! કશો વાંધો નહીં. કામના કવિઓને પ્રિવિલેજ્ડ પોઝિશન આપવામાં આવશે, બાકીના કવિઓ માળિયામાં. સોરી!

પુસ્તકો ગોઠવતાં ગોઠવતાં તમને એકાએક એક્ટ્રેસ વિદ્યા બાલનનો એક ટીવી-ઈન્ટરવ્યૂ યાદ આવતાં ચહેરા પર સ્માઈલ આવી જાય છે. વિદ્યાએ કહ્યું હતું કે, 'મારા હસબન્ડ અને મારી વચ્ચે એક જ બાબતમાં ઝઘડો થાય છે - બુકશેલ્ફમાં પુસ્તકોને ગોઠવવાની બાબતમાં. પુસ્તકો લંબાઈ પ્રમાણે ગોઠવવા જોઈએ કે જાડાઈ પ્રમાણે? મને લંબાઈ પસંદ છે, મારા હસબન્ડને જાડાઈ.' પછી અચાનક વિદ્યા બાલનને ભાન થયું કે એનાથી અજાણતા ડબલ-મિનીંગ જોક થઈ ગઈ છે ને એ મોટેથી ખડખડાટ હસી પડી હતી.
વેલ, આપણને શું પસંદ છે? જવાબ સ્પષ્ટ છેઃ સારું, સુંદર, સત્ત્વશીલ પુસ્તક. શેપ ઓર સાઈઝ ઓર કલર ડુ નોટ મેટર, ઓકે? મૂવિંગ ઓન...

ઉપયોગિતા પૂરી થઈ ચૂકી હોય તેવાં પુસ્તકોને અલગ તારવવાં છે ને દર વખતની જેમ આદરપૂર્વક લાઈબ્રેરીમાં ડોનેટ કરવાં છે. અમુક જર્જરિત સામગ્રી એવી છે, જે અત્યાર સુધી હીરા-મોતી-માણેકની જેમ સાચવી રાખી હતી, પણ એને આ વખતે ભારે હૈયે એને રદ્દીમાં આપી દેવી છે. (તાજી તાજી વિપશ્યના કરી છે એટલે મોહ-માયા ને આસક્તિમાંથી મુક્ત થવાનું આ વખતે જરા ઈઝી પડવાનું છે, યુ સી!)
લેખકો-પત્રકારોનાં ઘરોમાં પુસ્તકો અને અન્ય વાચનસામગ્રીના સતત વધતા રહેતા જથ્થાને સાચવવાનો પડકાર સતત ઝળુંબતો હોય છે. આથી થોડાં થોડાં વર્ષે નવી બુકશેલ્ફ બનાવડાવવાની અને પુસ્તકોને રી-અરેન્જ કરવાની આ પ્રકારની એક્સરસાઈઝ કરતા રહેવી જોઈએ. પુસ્તકો પરથી ધૂળ સાફ કરવામાં, પ્રેમથી એને પંપાળવામાં, એનાં પાનાં ઊથલાવીને વચ્ચે વચ્ચે થોડુંક થોડુંક વાંચતા જવામાં ને પછી પૂરા સન્માન સાથે એમને યોગ્ય જગ્યાએ ગોઠવવામાં ગજબનાં સુખ અને સંતોષનો અનુભવ થતો હોય છે. ટ્રાય કરી જોજો.
0 0 0 

3 comments:

  1. oh! you touched the nerve! this is a summer ritual at my home and my parents home :) i can't agree more with the pleasure of reading a bit (for a bit too long sometimes ;) while organizing books. and every time categories change and new combinations emerge. thank you for bringing back memories and reminding the pleasure of small special things in life.

    ReplyDelete
  2. શિશિર સર , ખુબ ખુબ ખુબ મજા આવી વાંચવાની.[ કેમકે , તમારા કરતા ક્યાંય નાના પાયે અમો આ સ્વર્ગીય અનુભૂતિમાં'થી પસાર થઇ ચુક્યા છીએ .]

    જેમ કોઈ નાનકડું બાળ કાંઈક મનગમતું હાથમાં આવી જાય અને ખુણામાં બેસીને ક્યાય સુધી ચુપચાપ રમ્યા જ કરે તેવું જ કાંઈક પુસ્તકો'નાં આ સોનેરી સ્પર્શનું છે .

    ReplyDelete
  3. શબ્દ નથી કમેન્ટ માટે !! જાણે મારી જ વાત..ફોટો જોઇને ખુબ મજા આવી...

    ReplyDelete