Wednesday, March 2, 2016

ટેક ઓફ: વિપશ્યનામાં એવું તે શું છે?

Sandesh - Ardh Saptahik Purti - 2 March 2016
ટેક ઓફ
માણસે ક્રોધ ન કરવો જોઈએ. બરાબર છે. માણસે નફરત અને ઘૃણા જેવી નેગેટિવ લાગણીઓથી દૂર રહેવું જોઈએ. સાચી વાત. માણસે અતિ મોહ અને આસક્તિથી પણ બચવું જોઈએ. કરેકટ છે. માણસે સફળતા મળે તો છકી ન જવું ને નિષ્ફળતા મળે તો હતાશ ન થવું. બિલકુલ સહી. માણસે દરેક પરિસ્થિતિમાં સમતા રાખવી જોઈએ અને...અરે હા ભાઈ હા. નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે આમ કરવું જોઈએ ને આમ ન કરવું જોઈએ, પણ સો મણનો સવાલ આ છેઃ કેવી રીતે? આ 'કેવી રીતે'નો અસરકારક જવાબ વિપશ્યના પાસે છે.



'વિપશ્યનાની સાધના એટલી બધી સૂક્ષ્મ અને નાજુક છે કે એના વિશે જેટલી ઓછી વાત કરશો, એટલો વધારે ફાયદો થશે.'

સયાબી ઉ બા ખિનનું આ અવતરણ છે. કોણ છે આ સયાબી ઉ બા ખિન? જવાબ છે, તેઓ વિપશ્યના વિદ્યાના બહુ મોટા ગુરુ હતા જે બર્મામાં થઈ ગયા. બીજો સવાલઃ શું છે આ વિપશ્યના? પ્રિન્ટ મીડિયા કે ટીવી પર કયારેય એની એડ્સ છપાતી નથી કે પ્રાયોજિત કાર્યક્રમો ટેલિકાસ્ટ થતા નથી. જેના પર ભયંકર ક્રિમિનલ આરોપો હેઠળ કાનૂની કારવાઈ ચાલી રહી હોય તેવા સાધુબાબાનો જન્મદિવસ આવે તોપણ એની તસવીરવાળાં તોતિંગ હોર્ડિંગ્સ રસ્તાઓ પર લાગી જાય છે, જ્યારે વિપશ્યનાનું નાનું અમથું પોસ્ટર પણ કયારેય કયાંય જોવા મળતું નથી. યોગ અને મેડિટેશન કેટલાંક વર્ષોથી દુનિયાભરમાં હોટ-એન્ડ-હેપનિંગ ગણાય છે, પણ વિપશ્યનાવાળા કયારેય ઢોલનગારાં વગાડતાં નથી. શા માટે વિપશ્યના વિદ્યા એટલી હદે લૉ પ્રોફાઈલ છે કે બહુમતી લોકોને એના અસ્તિત્ત્વની જ ખબર નથી? તે નિઃશુલ્ક છે અને તેે શીખવા માટે એક રૂપિયો પણ ચાર્જ કરવામાં આવતો નથી, એટલે? જે ફ્રીમાં અવેલેબલ હોય તેની લોકોને મન ઝાઝી કિંમત હોતી નથી?
સયાબી ઉ બા ખિને ભલે કહૃાું કે, વિપશ્યના વિશે બને એટલું ઓછું બોલવું, પણ આજે એના વિશે વિગતે વાત કરવી છે. ફરી એ જ સવાલઃ શું છે આ વિપશ્યના?
                                              0 0 0
માણસે ક્રોધ ન કરવો જોઈએ. બરાબર છે. માણસે નફરત અને ઘૃણા જેવી નેગેટિવ લાગણીઓથી દૂર રહેવું જોઈએ. સાચી વાત. માણસે અતિ મોહ અને આસક્તિથી પણ બચવું જોઈએ. કરેકટ છે. માણસે સફળતા મળે તો છકી ન જવું ને નિષ્ફળતા મળે તો હતાશ ન થવું. બિલકુલ સહી. માણસે દરેક પરિસ્થિતિમાં સમતા રાખવી જોઈએ અને...
અરે હા ભાઈ હા. નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે આમ કરવું જોઈએ ને આમ ન કરવું જોઈએ, પણ સો મણનો સવાલ આ છેઃ કેવી રીતે? શરીરમાં એવી કોઈ સ્વિચ થોડી છે કે, પટ્ કરતી ઓફ કરી નાંખીએ એટલે ગુસ્સો આવતો બંધ થઈ જાય? બીજી સ્વિચ ઓફ કરી એટલે નફરત અને ઘૃણા માટે મનના દરવાજા બંધ થઈ જાય? આ ડાહી ડાહી વાતો સૌ જાણે છે, પણ આ બધું એક્ઝેક્ટલી અમલમાં કેવી રીતે મૂકવું એ તો કોઈ કહો!


આ 'કેવી રીતે'નો અસરકારક જવાબ વિપશ્યના પાસે છે. વિપશ્યના એટલે પોતાની જાતને વિશેષ રીતે જોવી, સાક્ષીભાવે જોવી. સંસ્કૃતમાં પશ્યન્તિ એટલે જોવું. ગૌતમ બુદ્ધે પ્રચલિત કરેલી આ અતિ પ્રાચીન વિદ્યા બે-અઢી હજાર વર્ષ પહેલાં ભારતમાંથી સંપૂર્ણપણે લુપ્ત થઈ ગઈ હતી. સદ્ભાગ્યે આપણા પાડોશી દેશ બર્મામાં ગુરુ-શિષ્ય પરંપરા રૂપે તે શુદ્ધતમ સ્વરૂપમાં જળવાઈ રહી હતી. ફકત સુડતાલીસ વર્ષ પહેલાં બર્માથી આ વિદ્યા પાછી ભારત આવી છે.
વિપશ્યના ચિત્તના શુદ્ધિકરણની વિદ્યા છે. શરીર પરનો મેલ તો આપણે રોજ નાહીને સાફ કરી નાંખીએ છીએ, પણ મન પર વર્ષોથી સતત, એકધારા મેલના થપેડા જામતા જાય છે એનું શું? બાળપણમાં આપણી સાથે કશુંક એવું બન્યું હોય જેની મનમાં ગ્રંથિ બંધાઈ જાય ને આખી જિંદગી પીડા આપ્યા કરે. જિંદગીમાં કેટલીય ચડ-ઊતર થાય ને આપણે સુખ અને દુઃખ વચ્ચે ફંગોળાતા રહીએ. કોઈની સાથે સંબંધ બગડે એટલે મન ડહોળાઈ જાય. કોઈની સાથે ઝઘડો થાય ને આપણે ઊકળી ઊઠીએ. પ્રત્યેક નેગેટિવ વિચાર મનના પડદા પર કાળું ધાબું છોડી જતો હોય છે. જો આ સઘળો કચરો દૂર ન થાય અને મનમાં ગાંઠો પર ગાંઠો પડતી જ જાય તો પ્રસન્નતા હણાતી જાય, જિંદગીની ગુણવત્તા ઉત્તરોત્તર કથળતી જાય. વિપશ્યના મનને વાળીચોળીને સાફ કરવાનું અને એમાં પડી ગયેલી ગાંઠોને ખોલીને દૂર કરવાનું કામ કરે છે.
આ કંઈ કોઈ મંત્રતંત્રની કે સેલ્ફ-હિપ્નોટિઝમની વિદ્યા નથી. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ,યહૂદી જેવા અન્યધર્મીઓને આડકતરી રીતે બૌદ્ધ ધર્મમાં વટલાવી નાંખવાનો અહીં કોઈ એજન્ડા નથી. આ તો શુદ્ધ ધર્મ શીખવતી સાધના છે. શું છે શુદ્ધ ધર્મ? સદાચાર અને સમતાભર્યું જીવન જીવવું, મનમાં વિકારો પેદા થતા અટકાવવા અને મનનું શુદ્ધિકરણ કરવું. વિપશ્યના મનને વશમાં રાખતા શીખવે છે. તે પણ માત્ર થિયરી કે ઉપદેશબાજીથી નહીં, પણ પાક્કા પ્રેકિટકલથી, અનુભૂતિના સ્તરે. વિપશ્યનાની બેઝિક શિબિર દસ દિવસ ચાલે છે. એક્ઝેક્ટલી શું કરાવવામાં આવે છે આ દસ દિવસોમાં?
                                               0 0 0  

મદાવાદ પાસે ધોળકા, વડોદરા, રાજકોટ, માંડવી, મહેસાણા, સુરેન્દ્રનગર અને નવસારી - ગુજરાતમાં આ સાત પૈકીની કોઈ પણ જગ્યાએ તમે વિપશ્યનાની શિબિર કરી શકો છો. મુંબઈગરાઓ માટે માત્ર અઢી-ત્રણ કલાકના અંતરે આવેલું ઈગતપુરી શ્રેષ્ઠ વિકલ્પ છે, કેમ કે અહીં વિપશ્યનાનું હેડ ક્વાર્ટર છે. આ સઘળી વિગતો http://www.dhamma.org પર અવેલેબલ છે. વિપશ્યનાની શિબિરમાં તમે એડમિશન લો એટલે દસ દિવસ માટે બહારની દુનિયાથી સંપૂર્ણપણે કપાઈ જાઓ.

A pagoda at Vipassana International Academy, Igatpuri
તમારો મોબાઈલ ફોન મુખ્ય ઓફિસમાં જમા કરાવી દેવો પડે. આ દસ દિવસ માટે તમારી પાસે ફોન, ટીવી, છાપાં, ઈન્ટરનેટ કશું જ નથી. પાસે પુસ્તક, લેપટોપ કે લખવા માટે ડાયરી-પેન પણ નહીં રાખવાનાં. શિબિરના દસ દિવસ દરમિયાન તમારે સતત આર્યમૌન પાળવાનું છે. મૌન નહીં, પણ આર્યમૌન. કોઈ તમારી સામે સ્માઈલ કરે એટલે તમે સામું સ્મિત કરો, કોઈ તમારી સામે ગુસ્સાથી જુએ ને તમને અકળામણ થાય - આ એક પ્રકારનું કમ્યુનિકેશન જ છે. વિપશ્યનાની દસ દિવસની શિબિરમાં તમારે આ રીતે હાવભાવ કે ઈશારાથી પણ કમ્યુનિકેશન પણ કરવાનું નથી. કોઈની આંખોમાં આંખ મિલાવવાની નથી. આખા કેમ્પસમાં તમે સાવ એકલા હો તે રીતે વર્તવાનું છે.
દસ દિવસ મૌન પાળવાની વાત સાંભળીને જ ગભરામણ થતી હોય તો સાંભળી લો કે, આર્યમૌન વિપશ્યનાનું કદાચ સૌથી સરળ પાસું છે. અઘરી વાત તો હવે આવે છે. સવારે ચાર વાગ્યે તમે ઊઠી જાઓ છે. તે પછી આખા દિવસનું શિડયુલ કંઈક આ પ્રકારે હોવાનું: સવારે સાડાચારથી સાડાછ - સાધના. સાડા છ થી આઠ - બ્રેકફાસ્ટ અને વિરામ. આઠથી અગિયાર - સાધના. અગિયારથી બપોરના એક - લન્ચ અને વિરામ. એકથી પાંચ - સાધના. પાંચથી છ - સાંજનો નાસ્તો અને બ્રેક. છથી સવાસાત - સાધના. સવાસાતથી સાડાઆઠ - વીડિયો પ્રવચન. સાડાઆઠથી નવ - સાધના. બસ, પછી વિશ્રામ. સૂઈ જવાનું. મતલબ કે તમે દિવસની દસ કલાક કરતાં વધારે સમય આરામદાયક ગાદી પર પલાંઠી વાળીને સાધના કરવા પાછળ ફાળવો છો.
ગભરાવાની જરૂર નથી. દર વર્ષે અસંખ્ય લોકો સફળતાપૂર્વક વિપશ્યના શિબિર પૂરી કરે છે. અઢાર-વીસ વર્ષના યંગસ્ટર્સથી લઈને સિત્તેર વર્ષ વટાવી ચૂકેલા સિનિયર સિટિઝનો, ડોક્ટરો, એમબીએ સ્ટુડન્ટ્સ, પ્રોફેશનલ્સ, પાંચસો-હજાર માણસોનો સ્ટાફ ધરાવતી કંપનીના ટોપ એકિઝકયુટિવ્ઝ, ટોચના સેલિબ્રિટીઓ, ગૃહિણીઓ, ગામડાગામમાં વસતા સાવ સાદા ખેડૂતો - ટૂંકમાં,સમાજના તમામ તબક્કાના લોકો વિપશ્યના કરવા આવે છે, એકસમાન નિયમોનું પાલન કરે છે અને આ અદભુત વિદ્યાનો લાભ ઉઠાવે છે.

A single seated residential quarter - a room with attached washroom - at Igatpuri

વિપશ્યનાની ટેક્નિક આમ તો સાદી છે. મનનું 'ઓપરેશન' કરતી આ સાધનાનું મુખ્ય માધ્યમ શ્વાસ છે. શરૂઆતના ત્રણ-સાડાત્રણ દિવસ તમે ફક્ત તમારા શ્વાસોચ્છવાસનું નિરીક્ષણ કરો છો. આનાપાન તરીકે ઓળખાતી આ વિધિ મનને એકાગ્ર અને સૂક્ષ્મ બનાવતું જાય છે. ત્યાર બાદ વિપશ્યનાની ખરેખરી સાધના શરૂ થાય છે. અતિ બારીક થઈ ચૂકેલા મનને તાળવાથી પગની પાની સુધી પસાર કરવું અને પ્રત્યેક અંગમાં થઈ રહેલાં સૂક્ષ્મ અને સ્થૂળ સંવેદનોનું તટસ્થભાવે નિરીક્ષણ કરવું. સંભવતઃ એક તબક્કો એવો આવી જાય છે કે, જાણે આખા શરીર પર વીજળીના ઝીણા ઝીણા પરપોટા ફૂટી રહૃાા હોય એવી સુખદ અનુભૂતિ થવા લાગે. વચ્ચે વચ્ચે સ્થૂળ અથવા દુઃખદ સંવેદના પણ જાગે અથવા કોઈ પણ પ્રકારની સંવેદના જ પેદા ન થાય એવુંય બને. આ ત્રણેય પ્રકારની સ્થિતિમાં મનને સમતાભાવમાં સ્થિર રાખવાનું છે અને સાક્ષીભાવે આ સંવેદનો કે તેની ગેરહાજરીને કેવળ જોવાનાં છે. આ જ છે મનનું શુદ્ધિકરણ. મનમાં જામી ગયેલો મેલ કે ગાંઠો આ સંવેદના સ્વરૂપે સપાટી પર આવે છે. તમે એને સમતાથી નિહાળીને કશી જ પ્રતિક્રિયા કર્યા વગર આગળ વધી જાઓ (એટલે કે બીજા અંગ પર ફોકસ કરો) એટલે આ ગાંઠો દૂર થતી જાય. મનનો બોજ ક્રમશઃ હળવો થતો જાય.
વિપશ્યનાની દસ દિવસની શિબિર જીવનની એક ડિફાઈનિંગ મોમેન્ટ અથવા અગત્યનો વળાંક બની શકે એટલી હદે પરિણામકારક પુરવાર થઈ શકે છે. સાપની જેમ તમેય જાણે જૂની કાંચળી ઉતારી નાખી હોય અને જીવનનું એક નવું, પ્રસન્ન પ્રકરણ શરૂ થઈ રહૃાું હોય એવી નક્કર અનુભૂતિ થઈ શકે છે. અલબત્ત, આ કંઈ જાદુ નથી કે, એક શિબિર કરવાથી જિંદગી પલટી જાય, બહેતર બની જાય. આ એક ઓન-ગોઈંગ પ્રોસેસ છે. શિબિર પૂરી થયા બાદ અને સ્વેચ્છાએ સારી એવી રકમનું દાન કર્યાં પછી પણ ઘરે આવીને રોજ નિયમિતપણે વિપશ્યનાનો રિયાઝ કરતા રહેવાનો છે. આવું બને તો જ પેલું નાવિન્ય અને પ્રસન્નતા જળવાઈ રહે. નહીં તો ધીમે ધીમે તમે પાછા હતા એવા ક્રોધી કે ફ્રસ્ટ્રેટેડ કે ઉદાસ બની જાઓ. સાંસારિક જીવનના બિઝી શિડયુલ વચ્ચે નિષ્ઠાપૂર્વક અને નિયમિતપણે વિપશ્યનાની સાધના કરવી - વિપશ્યનાનાનું આ સંભવતઃ સૌથી કઠિન પાસું છે.
વિપશ્યનાનું અંતિમ લક્ષ્ય તો જો કે મોક્ષ છે, પણ તમને પૂર્વ જન્મોમાં કે હવે પછીનાં જન્મોની વાતોમાં રસ પડતો ન હોય તોય કશો વાંધો નથી. એને એક બાજુ મૂકી દો. વિપશ્યના તમારા વર્તમાન જીવનને વધારે સુંદર બનાવેે છે, તમને વધારે કાર્યક્ષમ બનાવેે છે અને સતત જાગ્રત રહેતા શીખવે છે તે પણ કેટલી મોટી વાત છે. જીવનમાં આપણે ઘણીવાર સંબંધોમાં, કરિઅરમાં કે સામાજિક સ્તરે અટકી પડતા હોઈએ છીએ. ખૂબ પ્રયત્નો પછી પણ પીડાદાયી સ્થિતિમાંથી બહાર આવી શકતા ન હોઈએ ત્યારે આપણને થાય કે કોઈ આપણને બહારથી સહેજ ધક્કો મારે તો કેવું સારું. વિપશ્યના આ એકસટર્નલ (રાધર, ઈન્ટર્નલ) પુશની ગરજ સારે છે.
ભારતમાંથી સંપૂર્ણપણે લુપ્ત થઈ ગયેલી વિપશ્યનાની વિદ્યાને સુડતાલીસ વર્ષ પહેલાં સત્યનારાયણ ગોએન્કા બર્માથી પાછા ભારત લાવ્યા. આજે અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા સહિત દુનિયાભરમાં વિપશ્યનાના ૧૩૪ કેન્દ્રો સક્રિય છે. આટલું ગંજાવર કામ કરનાર સ્વ. સત્યનારાયણ ગોએન્કાને કેમ કયારેય 'સેલિબ્રિટી સ્ટેટસ' મળ્યું નહીં? કેમ 'પાવર લિસ્ટ' કે 'મોસ્ટ ઈન્ફલ્યુએન્શિયલ પીપલ'ની સૂચિ તૈયાર કરતી વખતે મીડિયાવાળાઓને કયારેય એમનું નામ યાદ ન આવ્યું? શું છે આ પ્રભાવશાળી વિપશ્યના આચાર્યની કથા? આવતા બુધવારે.

0 0 0 

પૂરક માહિતીઃ 

વિપશ્યના વિશેના સંદેશમાં છપાયેલા મારા બે લેખો વાંચીને ઘણા વાચકો-ફેસબુક દોસ્તોએ ગુજરાત તેમજ મુંબઈનાં વિપશ્યના કેન્દ્રો વિશે પૃચ્છા કરી છે. 

દુનિયાભરમાં ફેલાયેલા વિપશ્યનાનાં કેન્દ્રો સહિતની તમામ માહિતી તેમજ દસ દિવસના તેમજ અન્ય કોર્સના ફ્રી રજિસ્ટ્રેશન માટે www.dhamma.org પર ક્લિક કરવું. છતાંય ક્વિક રેફરન્સ માટે ગુજરાત અને મુંબઈનાં વિપશ્યના કેન્દ્રોનાં નામ-સરનામાં-ફોન નંબર અહીં જ શેર કરું છું.
(1) ગુર્જર વિપશ્યના કેન્દ્ર, ગામ રનોડા, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ. ફોનઃ 02714-294690
(2) ધમ્મભવન, 5 કાલિન્દી પાર્ક, અકોટા અતિથિગૃહ પાછળ, અકોટા, વડોદરા. ફોનઃ 0265-2341182
(3) કચ્છ વિપગામ બાડા, માંડવી, જિલ્લો કચ્છ. ફોનઃ 02834-223076
(4) સૌરાષ્ટ્ર વિપશ્યના કેન્દ્ર, કોઠારિયા રોડ, લોથડા ગામ, રાજકોટ. ફોનઃ 0281-2782040
(5) ઉત્તર ગુજરાત વિપશ્યના કેન્દ્ર, મીઠ્ઠા ગામ, તાલુકો-જિલ્લો- મહેસાણા. ફોનઃ 02762-272800.
(6) ધમ્મસુરિન્દ, સુરેન્દ્રનગર. ફોનઃ 02752-242030
(7) વિપશ્યના ધ્યાન કેન્દ્ર, જી-એલ 12, નીલાંજન કોમ્પલેક્સ, રાધા કૃષ્ણ મંદિર સામે, નૂતન સોસાયટી પાસે, મહર્ષિ અરવિંદ માર્ગ, દુધિયા તળાવ, નવસારી. ફોનઃ 98250-44536
(8) મુંબઈગરાઓ માટે વિપશ્યનાનું હેડક્વાર્ટર ઈગતપુરી શ્રેષ્ઠ છે. અહીં ઈગતપુરીથી સાવ નજીક સુધી તમે લોકલ ટ્રેનમાં જઈ શકો છો. ઈન ફેક્ટ, ગુજરાત તેમજ ભારતમાં અન્યત્ર વસતા લોકોએ જો શક્ય હોય તો ઈગતપુરીમાં વિપશ્યનાનો કોર્સ કરવો જોઈએ. (ફોનઃ 02553-244076.) આ સિવાય મુંબઈમાં બોરીવલી (એસેલવર્લ્ડ પાસે, સીબીડી બેલાપુર (નવી મુંબઈ), ટિટવાલા અને ઉલ્હાસનગર જેવા વિકલ્પો પણ છે.
આ સિવાય ગુજરાતમાં પાલિતાણા નજીક પણ નવું કેન્દ્ર ખુલ્યું છે.
ઓલ ધ બેસ્ટ.
0 0 0 

1 comment:

  1. Came to know about vipassana for the first time. After Reading your article, I feel I should go for it.

    ReplyDelete