Thursday, March 31, 2016

મલ્ટિપ્લેકસ: પિસ્તાલીસ વર્ષ પછી...

સંદેશ - સંસ્કાર પૂર્તિ - ૨૭ માર્ચ ૨૦૧૬

મલ્ટિપ્લેકસ

પતિ-પત્નીએ એક્બીજાને કેટલું ક્હેવું? કેટલું છુપાવવું? શું જીવનસાથીને બધ્ધેબધ્ધું ક્હેવું જરુરી છે? શું તે શક્ય છે? સહજીવનના ચાર-ચાર દાયકાઓ વીતી ચુક્યા હોય તો પણ વિશ્ર્વાસભંગ, આશંકા અને અસલામતીની લાગણી લગ્નના પાયા હચમચાવી શકે? ‘ફોર્ટી ફાઈવ યર્સ' ફિલ્મમાં આ બધી વાતો ભારે સંવેદનશીલતાથી મૂક્વામાં આવી છે.






રસ રીતે ગોઠવાયેલું જીવન વેરવિખેર થઈ જાય એવી ઘટના બને ત્યારે અસલિયતમાં કંઈ કાન ફાડી નાખે એવું બેક્ગ્રાઉન્ડ મ્યુઝિક વાગતું નથી. આપણે કરુણ રાગમાં ગીતો આલપવા બેસતા નથી. આંખો સામે સ્પેશિયલ ઈફેકટ્સવાળાં કે ફાસ્ટ  કટિંગવાળાં કે સ્લો મોશનવાળાં દૃશ્યોની ભરમાર થતી નથી. આવું બધું ટિપિક્લ ફિલ્મોમાં કે ટીવી સિરીયલોમાં બને, અસલી જીવનમાં નહીં. આથી જ ઢિન્ચાક્ મનોરંજનની વચ્ચે ઓચિંતા ‘ફોર્ટી ફાઈવ યર્સ' જેવી વસ્તુ જોવા મળે ત્યારે આંખ-કાન-મન-હૃદયને બહુ ટાઢક થાય છે.
‘ફોર્ટી ફાઈવ યર્સ0 એક સીધીસાદી પણ ભારે અસરકારક બ્રિટિશ ફિલ્મ છે. આ વખતે ઓસ્કરની રેસમાં એનું નામ પણ સામેલ હતું. એની ૭૦ વર્ષીય નાયિકા શાર્લોટ રેમ્પલિંગને બેસ્ટ એકટ્રેસનું નોમિનેશન મળ્યું હતું. અવોર્ડ ભલે ‘રુમ' માટે બ્રી લાર્સન તાણી ગઈ, પણ આજે આપણે ‘ફોર્ટી ફાઈવ યર્સ0 વિશે વિગતે વાત કરવી છે. આ ફિલ્મમાં ક્પાળની નસો ઊપસી આવે એવા ઊંચા અવાજે થતી ડાયલોગબાજી નથી, ફેન્સી લોકેશોનો નથી, ઝાક્ઝમાળ નથી, કેમેરાની કરામત નથી, નરેટિવ સ્ટ્રકચરમાં કોઈ જાદૃુગરી  કરવામાં આવી નથી, ઓડિયન્સને પ્રભાવિત કરી નાખવાના કોઈ જાતના ધખારા નથી. તો શું છે ‘ફોર્ટી ફાઈવ યર્સ'માં?

એક્ વૃદ્ધ ક્પલ છે. જ્યોફ (સર ટોમ ર્ક્ટની) અને કેટ (શાર્લોટ રેમ્પલિંગ). બન્ને સિત્તેર વર્ષ વટાવી ચુક્યાં છે. ઈંગ્લેન્ડનાં કોઈ નાનક્ડાં નગરમાં ટેસથી રિટાયર્ડ જિંદગી જીવે છે. સંતાનો નથી, આર્થિક ચિંતા કે બીજી કોઈ જવાબદારી નથી. બન્નેની તબિયત પણ સારી છે. જોકે વૃદ્ધ કરતાં વૃદ્ધા વધારે ફિટ અને એકિટવ છે. જીન્સ અને જેકેટ પહેરતી અને બોબ્ડ હેર રાખતી કેટને પાછળથી જુઓ તો વીસ-પચીસ વર્ષની યુવતી જેવી જ લાગે. પતિ થોડો ખખડી ગયેલો અને લઘરવઘર છે. એને રોજ શેિંવગ કરવાનો ક્ંટાળો આવે છે. વૃદ્ધા જોકે વરની સારી દેખભાળ રાખે છે. ફિલ્મમાં એકેય વાર સ્પષ્ટ શબ્દૃોમાં ક્હેવાયું નથી, પણ પતિ-પત્નીની બોડી લેંગ્વેજ અને વર્તન-વ્યવહાર પરથી આપણને ચોખ્ખી ખબર પડે કે બન્નેને એક્બીજા પ્રત્યે ભરપૂર પ્રેમ અને આદર છે, પરવા છે. એમને જોઈને આપણને થાય કે આ બેયનું લગ્નજીવન ખરેખર સુખ અને સંતોષભર્યું વીત્યું હોવું જોઈએ અને બન્ને એક્મેક્ને અનુકૂળ  થઈને જીવ્યાં હોવાં જોઈએ.



ફિલ્મની શરુઆતમાં જ આપણને ખબર પડે છે કે પતિ-પત્ની એમનાં લગ્નજીવનની પિસ્તાલીસમી એનિવર્સરીની તૈયારી ક્હી રહ્યાં છે. એનિવર્સરીને હજુ છ દિવસની વાર છે. પહેલાં જ સીનમાં ઘરે ટપાલમાં જ્યોફને નામે સ્વિત્ઝર્લેન્ડથી એક્ કાગળ આવે છે. જર્મન ભાષામાં લખાયેલા આ કાગળમાં ક્હેવાયું છે કે પસાચ વર્ષ પહેલાં જ્યોફની પ્રેમિકા કાત્યા, કે જે બર્ફીલો પહાડ ચડતી વખતે દૃુર્ઘટનામાં મૃત્યુ પામી હતી, તેનું ડેડબોડી એક્ હિમશીલા પીગળતાં જડી આવ્યું છે.

પત્ર બિલકુલ અણધાર્યો છે, પણ પતિ નોર્મલ છે. પત્ની સહજભાવે ક્હે છે, ‘તારી લવર તો તું મને પહેલી વાર મળ્યો તેની પહેલાં મૃત્યુ પામી ચુકી હતી. આ લેટર સામે મને શું વાંધો હોય...'

લેટરનું લખાણ બરાબર સમજાય તે માટે બીજે દિવસે પતિ-પત્ની સાથે મળીને સ્ટોરરુમમાંથી જર્મન-ટુ-ઈંગ્લિશ ડિકશનરી શોધી કાઢે છે. પત્ની નોંધે છે કે પતિ હું ધારું છું એટલો નોર્મલ નથી. એ સહેજ બેચેન બની ગયો છે. સ્ત્રીને ખબર પડે છે કે પતિએ ચુપચાપ સ્વિત્ઝર્લેન્ડ જવાની તૈયારી શરુ કરી દીધી  છે. પુરુષને એમ છે કે પૂર્વપ્રમિકાનું બોડી પચાસ વર્ષ સુધી બરફમાં થીજેલું રહ્યું હોવાથી એ હજુ પહેલાં જેવું જ જુવાન દેખાતું હશે. સ્ત્રી અક્ળાઈને ક્હે છે: તારે સ્વિત્ઝર્લેન્ડ જવું છે? આ ઉંમરે તું પહાડ ચડીશ?

વધારે પૂછપરછ કરી એટલે પતિ કાત્યા સાથેના સંબંધ વિશે થોડી વધારે વાત કરે છે. બન્યું હતું એવું કે સ્વિત્ઝર્લેન્ડમાં પર્વતારોહણ દરમિયાન જ્યોફ અને કાત્યા હોટલમાં રુમ શેર કરવા માગતાં હતાં, પણ એ પચાસ વર્ષ પહેલાંનો જમાનો હતો એટલે ક્પલ પતિ-પત્ની હોય તો જ  હોટલવાળા તેમને રુમ ભાડે આપતા હતા. આથી જ્યોફ અને કાત્યા જુઠું બોલ્યાં. અમારાં લગ્ન થઈ ચુક્યાં છે એવું જણાવી એમણે રુમ શેર ર્ક્યો હતો. સ્વિસ અધિકારીઓની નજરમાં જ્યોફ મૃતક્નો પતિ હોવાથી એેનું સરનામું શોધીને પેલો કાગળ એને પહોંચતો કરવામાં આવ્યો હતો.  

એક રાત્રે ઓિંચતા પત્નીની ઊંઘ ઉડી જાય છે. એ જુએ છે કે પતિદેવ પલગં પરથી ગાયબ છે. બેડરુમની બહાર આવતાં ખબર પડે છે કે પતિ માળિયે ચડીને ક્શુંક શોધી રહ્યો છે. પત્ની પૂછે છે: શું કરે છે આટલી મધરાતે? પતિ ઉપરથી બૂમ પાડે છે: ક્ંઈ નહીં, કાત્યાનો ફોટોગ્રાફ શોધું છું. તું સૂઈ જા. પત્ની આગ્રહ કરે છે એટલે પુરુષ ક-મને એને મૃત્યુ પામી ચુકેલી પ્રેમિકાનો ફોટો બતાવે છે. સ્ત્રી અસ્થિર થઈ જાય છે: મારા વરે હજુ સુધી પોતાની જૂની લવરનો ફોટો સાચવી રાખ્યો છે? મને એમ કે એ એને ભુલી ગયો હશે, પણ આ તો...

પતિએ સિગારેટ પીવાનું સાવ બંધ કરી દીધું હતું, પણ પેલો પત્ર આવ્યો પછી સ્મોકિંગ ફરી શરુ કરી દીધું છે.
સ્ત્રીના મનમાં ચટપટી ઉપડે છે. એક વાર ખુદૃ માળિયે ચડે છે: જોઉં તો ખરા, જ્યોફે બીજું શું શું સાચવી રાખ્યું છે. એક જૂની સ્ક્રેપબુક અથવા તો ડાયરી જેવું છે મળે છે જેમાં પુરુષે પાને પાને ક્શુંક લખ્યું છે ને ફોટોગ્રાફ ચોંટાડ્યા છે. પ્રેમિકા સાથે કરેલાં છેલ્લાં પર્વતારોહણ દરમિયાન એક ફુલ તોડ્યું હતું જેની દૃબાયેલી સૂકી પાંદડીઓ પણ ડાયરીનાં પાનાં વચ્ચે  સચવાયેલી છે. વધારે ખાંખાંખોળા કરતાં સ્ત્રીને તસવીરોની એક્ આખી સ્લાઈડ મળે છે. સ્ત્રી સ્લાઈડને પ્રોજેકટર પર ચડાવીને તસવીરો જોવાનું શરુ  કરે છે. એમાં સ્વિત્ઝર્લેન્ડનાં કુદરતી દશ્યો છે, યુવાન કાત્યાની જુદૃી જુદૃી મુદ્રાઓ છે. એક્ તસવીર પર એની નજર સ્થિર થઈ જાય છે. તસવીરમાં કાત્યાનું પેટ સહેજ ઊપસેલું દૃેખાય છે. એનો અર્થ એ થયો કે કાત્યા મૃત્યુ પામી ત્યારે પ્રેગનન્ટ હતી! જ્યોફ એની સાથે આટલો બધો આગળ વધી ગયેલો... ને આ બધી વાત એણે મને ક્યારેય કરી નથી!



સ્ત્રી અંદરથી ખળભળી જાય છે. એક વાર એ પતિને ક્હે છે પણ ખરી કે મને સતત આપણાં ઘરમાં તારી એકસ-લવરના પરફ્યુમની વાસ આવ્યા કરે છે... જોકે પોતે માળિયે ચડીને વરનો ગુપ્ત ખજાનો જોઈ ચુકી છે એ વાત છુપાવે છે. ટેન્શનમાં આવીને એ પણ સ્મોકિંગ શરુ  કરી દે છે. પતિ વાઈફને ધરપત આપે છે: ખોટા વિચારો ન કર. આપણાં ઘરસંસારને ક્શું થયું નથી. આપણી વચ્ચે બધું નોર્મલ, પહેલાં હતું એવું થઈ જશે.

એનિવર્સરી પાર્ટીની કેટલાય સમયથી તૈયારી કરતાં હતાં એટલે મન ઊંચાં થઈ ગયાં  હોય તોય સેલિબ્રેશન તો  કરવું જ પડે. પતિ-પત્ની અને એમના દોસ્તો સરસ તૈયાર થઈને હૉલમાં પહોંચી જાય છે. મોજમસ્તીનો માહોલ છે. સ્ત્રીની એક્ સહેલીએ ક્હેલું:  પુરુષો આવા પ્રસંગે બહુ ઈમોશનલ થઈ જતા હોય છે. સ્પીચમાં વાઈફે આખી જિંદગી મારા માટે કેટલું બધું ર્ક્યું છે ને એ ન હોત તો મારું શું થાત ને એવું બધું બોલતાં બોલતાં રડી પડતા હોય છે. જોજે, તારો વર પણ આવું જ કરશે.

એવું જ થયું. પતિ સ્પીચ આપવા ઊભો થયો. દિલથી બોલ્યો. પત્ની પ્રત્યેનો પ્રેમ વ્યકત ર્ક્યો, ધન્યતા વ્યકત કરી. બોલતા બોલતા ભાવવિભોર થઈને રડ્યો પણ ખરો. એ બોલ્યો કે જુવાનીમાં આપણે જે નિર્ણય લઈએ છીએ તે  જીવનના સૌથી મહત્ત્વના નિર્ણયો પૂરવાર થતા હોય છે. ચુપચાપ સાંભળી રહેલી પત્નીના મનમાં વિચારોનું ઘમાસાણ શાંત થયું નથી: જ્યોફ ક્યા નિર્ણયની વાત કરી રહ્યો છે? કાત્યા સાથેના સંબંધ બાંધવાનો નિર્ણય કે એ મરી ગઈ પછી મારી સાથે સંબંધ બાંધવાનો નિર્ણય?

સ્પીચ પછી નાચગાન શરુ થાય છે. પતિ એની સ્ત્રીનો હાથ પક્ડીને ભારે ઉમંગથી ડાન્સ કરે છે. એના વર્તનમાં ક્યાંય બનાવટ નથી. એણે ખરેખર પોતાની પત્નીને આખી જિંદગી ખૂબ પ્રેમ ર્ક્યો છે, એને સતત વફાદાર રહ્યો છે. ગીત પૂરું થાય છે. ડાન્સ અટકે છે. સ્ત્રી ઝાટકો મારીને પતિના હાથમાંથી પોતાનો હાથ છોડાવી લે છે. કેમેરા સ્ત્રી પર સ્થિર થાય છે. સ્ત્રીના ચહેરા પર સુખ અને સંતોષની એક રેખા સુધ્ધાં દેખાતી નથી. એની ભીતર ક્શુંક્ તૂટી ગયું છે. એ ક્દાચ વિચારી રહી છે કે પિસ્તાલીસ વર્ષથી એ માનતી આવી હતી કે પતિ આખેઆખો મારો છે, એના હૃદૃય પર હું એક્લી રાજ કરું છું, પણ આ વાત સાવ સાચી નથી. એનો ભ્રમ ભાંગી ચુક્યો છે... બસ, આ ઉચાટભરી ક્ષણ પર ફિલ્મ પૂરી થાય છે.

On the set: Director Andrew Haigh, (Right) with Tom Courtenay and Charlotte Rampling,

મૂળ તો આ ડેવિડ કોન્સટેન્ટાઈન નામના લેખક્ની ‘ઈન અનધર ક્ન્ટ્રી' નામની ટૂંકી વાર્તા છે. ડિરેકટર એન્ડ્રુ હેઈના હાથમાં તે આવી અને એણે ‘ફોર્ટી ફાઈવ યર્સ0 નામની આ સંવેદનશીલ ફિલ્મ બનાવી. સેટ, સિનેમેટોગ્રાફી, એડિિંટગ વગેરે એટલાં બધાં સાદાં છે કે જાણે સ્માર્ટફોનના કેમેરાથી ફિલ્મ શૂટ કરી હોય એવી લાગે. નેચરલ લાઈિંટગમાં લેવાયેલા લાંબા લાંબા ટેક્ ફિલ્મની વિશિષ્ટતા છે. એન્ડ્રુ હેઈ ક્હે છે, ‘મોટે ભાગે પાત્રોની લાગણીઓને એડિિંટગ ટેબલ પર ઊપસાવવામાં આવતી હોય છે - મ્યુઝિક્ ઉમેરીને, રિએકશન શોટ્સ ગોઠવીને... પણ મારે એવું નહોતું  કરવું.  મારે પતિ-પત્નીના સંબંધમાં જે ફેરફાર થાય છે તે યથાતથ, કોઈ ડ્રામા ક્રિએટ ર્ક્યા વગર, ઓડિયન્સની આંખોની સામે ઊઘાડવા હતા. પતિ-પત્નીના મનમાં બદલાતા ભાવ મારે એક્ જ શોટમાં, એક્ જ ફ્રેમમાં સહજ રીતે કેપ્ચર કરવા હતા. મારી પાસે સર ટોમ ર્ક્ટની અને શાર્લોટ રેમ્પલિંગ જેવાં બ્રિલિયન્ટ સિનિયર એકટર્સ હતાં. લાંબા અન-ક્ટ ટેકસને કારણે એમને પર્ફોમ કરવામાં  ખૂબ ફ્રીડમ મળતી હતી.'

સહેજે સવાલ થાય કે બુઢાપો આવી ગયો હોય, લગ્નને પિસ્તાલીસ-પિસ્તાલીસ વર્ષ થઈ ગયાં હોય તે પછી પણ પતિ-પત્ની વચ્ચે આ પ્રકારની ક્ટોક્ટી સર્જાઈ શકે?

‘સાચું ક્હું, સ્ક્રિપ્ટ લખતી વખતે મને પણ આ સવાલ થતો હતો.' એન્ડ્રુ હેઈ ક્હે છે, ‘પણ હવે હું એ વાતે ક્ન્વિન્સ થયો કે તમે ચાલીસ વર્ષના હો, પચાસ વર્ષના હો કે સિત્તેર વર્ષના... પતિ-પત્નીના સંબંધનું અમુક પ્રકારનું ડાયનેમિક્સ, અમુક લાગણીઓ લગભગ એક્સરખાં રહેતાં હોય છે. અમુક બાબતો ક્યારેય બદલાતી નથી. શૂટિંગ વખતે આ વાત શાર્લોટ અને ટોમે પણ સ્વીકારી એટલે મને નિરાંત થઈ ગઈ હતી.'

બીજો સવાલ એ થાય કે એનિવર્સરી પાર્ટી પછી શું થયું? સ્ત્રીના મનમાં વિશ્ર્વાસભંગ, શંકા અને અસલામતીની લાગણીનાં જે વાદળ ઘેરાયાં હતાં તે વીખરાઈ ગયાં? કે પછી, તેમના સંબંધમાં આટલાં વર્ષે પડેલી તિરાડ પછી ક્યારેય ન સંધાઈ? એન્ડ્રુ ક્હે છે, ‘ફિલ્મનો કેન્દ્રીય મુદ્દો જ આ છે: અત્યંત ગાઢ સંબંધમાં જોડાયેલી બે વ્યકિતઓએ એક્બીજાને કેટલું ક્હેવું? કેટલું છુપાવવું? શું પોતાનાં જીવનની બધ્ધેબધ્ધી વાતો પાર્ટનરને ક્હેવી જરુરી છે? તે શક્ય છે? આનો જવાબ સૌએ પોતપોતાની રીતે આપવાનો છે... અને એનિવર્સરી પાર્ટી પછી શું બન્યું હશે તેનો જવાબ પણ પોતપોતાની રીતે વિચારી લેવાનો છે!'

‘ફોર્ટી ફાઈવ યર્સ' ખૂબ પાવરફુલ ફિલ્મ છે, પણ એની ગતિ ખાસ્સી ધીમી છે. તમારે તે ધીરજપૂર્વક્ જોવી પડશે. જો તમને આ પ્રકારની ફિલ્મો જોવાનો મહાવરો હશે તો દિવસો સુધી તે મનમાં ઘુમરાતી રહેશે એ તો નક્કી. થિયેટરમાં તક ન મળે તો ડીવીડી પર જોજો... અને હા, સબટાઈટલ્સ ઓન જરુર કરજો.

0 0 0


Monday, March 21, 2016

મલ્ટિપ્લેક્સ: રિશી ક્પૂર... વર્ઝન ૩.૦!

Sandesh - Sanskar Purti - 20 Mar 2016 

મલ્ટિપ્લેક્સ 

 દાયકાઓ વીત્યા પછી પણ, એક કરતાં વધારે નવી પેઢીઓના ઉદય થયા પછી પણ, સતત બદલાતી સેન્સિબિલિટી વચ્ચે પણ એક કલાકાર પોતાનાં ક્રિયેટિવ ફિલ્ડમાં ટકી રહે, સતત રિલેવન્ટ રહે, સન્માનનીય રહે અને પોતાની જાતને સતત રી-ઈન્વેન્ટ કરીને કાર્યક્ષમતાનું વર્તુળ મોટું કરતો રહે, તો એના કરતાં વધારે મજાની વાત બીજી એકેય નથી. 



દાયકાઓ વીત્યા પછી પણ, એક કરતાં વધારે નવી પેઢીઓના ઉદય થયા પછી પણ, સતત બદલાતી સેન્સિબિલિટી વચ્ચે પણ એક કલાકાર પોતાનાં ક્રિયેટિવ ફિલ્ડમાં ટકી રહે, સતત રિલેવન્ટ રહે, સન્માનનીય રહે અને પોતાની જાતને સતત રી-ઈન્વેન્ટ કરીને કાર્યક્ષમતાનું વર્તુળ મોટું કરતો રહે, તો એના કરતાં વધારે મજાની વાત બીજી એકેય નથી. ઉદાહરણ તરીકે, અમિતાભ બચ્ચન. જોકે, આજનો વિષય બચ્ચનસાહેબ નથી. આજે 'કભી કભી', 'નસીબ', 'અમર અકબર એન્થની', 'કૂલી' વગેરે જેવી ફિલ્મોમાં બિગ બી સાથે કામ કરી ચૂકેલા એમના સમકાલીન અભિનેતા રિશી કપૂરની વાત કરવી છે. સતત રિલેવન્ટ રહી શકવાની વાત રિશી કપૂરને પણ એટલી જ લાગુ પડે છે. 
આજે ૬૩ વર્ષની ઉંમરેય રિશી કપૂર બોલિવૂડમાં એટલા 'ઈન થિંગ'અને 'હેપનિંગ' છે કે, એમના નામે આખેઆખી ફિલ્મો બને છે. વેલ, ઓલમોસ્ટ. નિર્માતા કરણ જોહરે આ અઠવાડિયે રિલીઝ થયેલી પોતાની ફિલ્મનું ટાઈટલ 'કપૂર એન્ડ સન્સ' એટલા માટે રાખ્યું છે કે, રિશી કપૂરે એમાં કામ કર્યું છે. ખુદ રિશી પણ એવું માને છે કે, આ ફિલ્મનું ટાઈટલ એમના પરથી રાખવામાં આવ્યું છે. ૨૦૦૮માં રિશી કપૂરને મેઈન લીડમાં ચમકાવતી 'ચિન્ટુજી' નામની ફિલ્મ આવી હતી. ચિન્ટુ એમનું હુલામણું નામ છે. 'કપૂર એન્ડ સન્સ'માં રિશીએ બાપનો નહીં પણ ૯૦ વર્ષના મસ્તીખોર દાદાનો રોલ કર્યો છે. એક્ટર, કરીઅરના પહેલા તબક્કામાં હીરો બને અને બીજા તબક્કામાં બાપનો રોલ કરતો હોય છે. રિશી આમાં દાદાજી બન્યા છે તે હિસાબે આ ફિલ્મને તેમની કારકિર્દીના ત્રીજા તબક્કાની શરૂઆત કહેવી જોઈએ!
જનતામાં જેનાં નામનો ગજબનો ક્રેઝ ફાટી નીકળ્યો હોય ને વર્ષો સુધી એકધારો ટકી રહૃાો હોય એવું રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન તેમજ ખાન-ત્રિપુટીના કેસમાં બન્યું, પણ રિશી કપૂરે આ પ્રકારની જાહોજલાલી કયારેય ન જોઈ. સિત્તેર-એંસી-નેેવુંના દાયકામાં રિશી કપૂર રોમેન્ટિક હીરો તરીકે સફળ અને લોકપ્રિય જરૂર હતા, પણ ઓડિયન્સ કંઈ એમની પાછળ પાગલ નહોતું. આ પ્રકારના હીરોની શેલ્ફ-લાઈફ પૂરી થાય એટલે સામાન્ય સંજોગોમાં એ હાંસિયામાં ધકેલાઈ જાય, નિવૃત્ત થઈ જાય, ભુલાવા માંડે અથવા બહુ બહુ તો હીરો-હીરોઈનના બાપના રોલમાં જોવા મળે. રિશી કપૂરના કેસમાં એવું ન બન્યું. હીરોગીરી પૂરી કરી લીધા પછીની એમની બીજી ઈનિંગ્સ તો ખાસ્સી રોમાંચક અને રસપ્રદ પુરવાર થઈ છે. 'દો દુની ચાર' (૨૦૧૦)માં રિશી કપૂરે એક મધ્યમવર્ગીય સ્કૂલટીચરના રોલમાં આપેલું અફલાતૂન પર્ફોમન્સ જોઈને સૌને સુખદ આંચકો લાગ્યો હતો. 'અગ્ન્પિથ' (૨૦૧૨)ની રિમેકમાં તો એમણે સગીર વયની છોકરીઓને વેશ્યાવ્યવસાયમાં ધકેલી દેતા ઘટિયા દલાલનો રોલ કર્યો હતો. ચોકલેટી હીરો તરીકે આખી કરીઅર ઊભી કરનારા રિશી કપૂર કયારેક આવા ઘૃણાસ્પદ કિરદારમાં જોવા મળશે એવી કલ્પનાય કોણે કરી હોય. આ રોલ માટે હા પડાવવામાં પ્રોડયુસર કરણ જોહર અને ડિરેક્ટર કરણ મલ્હોત્રાએ ખૂબ મહેનત કરવી પડી હતી. બહુ મોટું જોખમ હતું આ. રિશી કપૂર સખત ટેન્શનમાં હતા કે, આવા રોલમાં હું કન્વિન્સિંગ નહીં લાગું તો જબરી નામોશી થશે. એવું ન બન્યું.'અગ્ન્પિથ'માં મેઈન હીરો હ્ય્તિક રોશન કરતાંય કદાચ વધારે વખાણ રિશી કપૂરના થયા! સો વાતની એક વાત એ છે કે, રિશી કપૂર કરીઅરના પહેલા દાવમાં માત્ર ચોકલેટી હીરો હતા, પણ બીજા દાવમાં તેઓ અભિનેતા તરીકે નિખરી રહ્યા છે.

'અરે, અગાઉ મેં રંગબેરંગી જરસી પહેરીને હીરોઈન સાથે ગીતો ગાવા સિવાય બીજું કર્યું શું હતું? કયારેક સ્વિત્ઝરલેન્ડમાં ગીતડાં ગાયાં તો કયારેક ઊટીમાં. મને અદાકારી કરવાનો ખરેખરો મોકો તો હવે મળ્યો છે.' આવું ખુદ રિશી કપૂર પોતાના કેટલાય ઈન્ટરવ્યુમાં કેટલીય વાર દોહરાવી ચૂકયા છે. અભિનેતા તરીકેની બીજી (અને ત્રીજી!) ઈનિંગ્સમાં બીજી એક સરસ વાત એ પણ બની છે કે, નિર્માતાઓ હવે એમને રિપીટ કરે છે. આવું અગાઉ નહોતું બનતું. ત્રેવીસ વર્ષ પહેલાં, ૧૯૯૩માં, એક મેગેઝિનને આપેલી મુલાકાતમાં રિશી કપૂરે કેવા બખાળા કાઢયા હતા તે સાંભળોઃ 'ઈન્ડસ્ટ્રીમાં એક્શન ફિલ્મોનો યુગ આવ્યો તોય હું ટકી ગયો, હિટ પર હિટ ફિલ્મો આપતો રહ્યો, છતાંય મારા નિર્માતાઓ મને રિપીટ કરતા નથી! બીજાઓની શું વાત કરું, મારા પોતાના ફાધર રાજ કપૂરે 'બોબી' પછીની ત્રણ ફિલ્મોમાં મને ન લીધો. ચોથી 'પ્રેમરોગ' બનાવી ત્યારે છેક મને યાદ કર્યો. 'નગીના' સુપરહિટ ફિલ્મ હતી, પણ એની સિકવલ 'નિગાહેં'માં મને લેવામાં ન આવ્યો. મારી જગ્યાએ સની દેઓલને લીધો. 'ચાંદની' સુપરહિટ થઈ પછી યશ ચોપડાએ 'લમ્હેં' બનાવી, પણ તેમાં મને ન લીધો. અનિલ કપૂરને લીધો. આવાં તો કેટલાંય ઉદાહરણ છે. મને ખરેખર સમજાતું નથી કે, મારી સાથે આવું શું કામ થાય છે?'
યશ ચોપડાએ 'ચાંદની' પછી 'લમ્હેં'માં રિશીને રિપીટ ન કર્યા તેથી તેઓ એટલા બધા અપસેટ થઈ ગયા હતા કે, તેમણે લગભગ સોગન ખાઈ લીધા હતા કે યશરાજ બેનરમાં ફરી કયારેય કામ નહીં કરું. ઈન ફેકટ, યશ ચોપડા એમને પછી 'પરંપરા' અને 'ડર'માં લેવા માગતા હતા, પણ રિશીએ હા ન જ પાડી.
'જુઓ, યશરાજ બેનરે મને 'પરંપરા'ની ઓફર આપી હતી, પણ એ તો અનિલ કપૂર ફિલ્મમાંથી નીકળી ગયો તે પછી,' રિશી કપૂર ત્રેવીસ વર્ષ પહેલાંના પેલા ઈન્ટરવ્યુમાં કહે છે, 'મેં એટલા માટે ના પાડી કે મારે હીરોના બાપનો રોલ નહોતો કરવો. ઓડિયન્સ મને હીરો તરીકે સ્વીકારતા તો મારે શા માટે જાણી જોઈને કરીઅર જોખમમાં મૂકવી જોઈએ? બીજું, મને 'ડર' ઓફર કરવામાં આવી ત્યારે યશ ચોપડાના આસિસ્ટન્ટ નરેશ મલ્હોત્રા ફિલ્મ ડિરેકટ કરશે એવી વાત હતી. મારી સામે હીરો અને વિલન એમ બન્ને વિકલ્પો મૂકવામાં આવ્યા હતા. હીરોના રોલમાં ઝાઝો દમ નહોતો ને વિલન હું બનવા માગતો નહોતો. મારા નેગેટિવ રોલવાળી'ખોજ' નામની ફિલ્મ ફ્લોપ થઈ ચૂકી હતી એટલે મારે ફરી વાર આ પ્રકારનું રિસ્ક નહોતું લેવું.'

'ડર'ના વિલનનો રોલ શાહરુખ ખાને કર્યો ને અંગ્રેજીમાં કહે છે તેમ, રેસ્ટ ઈઝ હિસ્ટરી. બાય ધ વે, 'નિર્માતાઓ મને એમની ફિલ્મોમાં બીજી વાર લેતા નથી' એવી રિશી કપૂરની ફરિયાદ હવે અપ્રસ્તુત બની ગઈ છે, કેમ કે કરણ જોહરે એમને 'અગ્ન્પિથ' પછી તરત 'સ્ટુડન્ટ ઓફ ધ યર' (૨૦૧૨)માં અને હવે 'કપૂર એન્ડ સન્સ'માં રિપીટ કર્યા.
રિશી કપૂર આ તબક્કે બોલિવૂડમાં હોટ પ્રોપર્ટી ગણાય છે, પણ એમનો સન રણબીર બાપડો છેલ્લાં કેટલાંક વર્ષોથી ઠંડો પડી ગયો છે. રિશી એક તાજી મુલાકાતમાં કહે છે, 'જુઓ, રણબીરની છેલ્લી ફિલ્મ 'તમાશા'ને વિરોધાભાષી પ્રતિક્રિયા મળી છે. અમુક લોકોને તે ખૂબ ગમી, અમુકને જરાય ન ગમી, પણ રણબીરની એકિટંગ સૌએ એકઅવાજે વખાણી. હું એવું તો નહીં કહું કે 'તમાશા' પછી રણબીરની માર્કેટ પાછી પહેલાંની માફક ગરમ થઈ ગઈ છે, પણ 'બોમ્બે વેલ્વેટ' પછી એ જે રીતે નીચે ગબડી રહ્યો હતો તેના પર બ્રેક જરૂર લાગી છે. મારા હિસાબે લોકો એને 'યે જવાની હૈ દીવાની' પ્રકારની હળવી રોમેન્ટિક ફિલ્મોમાં જોવા માગે છે. પર્સનલી, મને રણબીરની 'અજબ પ્રેમ કી ગજબ કહાની' અને 'રોકેટ સિંહ' જોવાની બહુ મજા આવી હતી. હું તો ઈચ્છું છું કે, રણબીર 'હમ કિસીસે કમ નહીં' અને 'દૂસરા આદમી' પ્રકારની ફિલ્મો કરે ને જરા મેચ્યોર થાય પછી 'ચાંદની' ટાઈપની ફિલ્મો કરે. અલબત્ત, પોતે કેવી ફિલ્મો કરવી છે એનો સંપૂર્ણ નિર્ણય રણબીરે જાતે કરવાનો છે.'
અભિનયપ્રતિભાના મામલામાં રણબીર પોતાના કરતાં સવાયો સાબિત થયો છે એવું રિશી ભારે ગર્વથી સ્વીકારે છે. બોલિવૂડમાં એક છાપ એવી છે કે, રણબીર પાસે જે સ્ક્રિપ્ટ્સ આવે છે તે બધી રિશી કપૂર ધ્યાનથી જોઈ જાય છે, પોતાનો ફેંસલો સંભળાવે છે ને તે પછી જ રણબીર 'હા' કે 'ના'નો નિર્ણય લે છે.
'સાવ ખોટું,' રિશી કપૂર કહે છે, 'હું એનો બાપ છું, સેક્રેટરી નહીં. હા, જો કહેવું જ હોય તો તમે મને એનો ફાયનાન્સ મિનિસ્ટર કહી શકો. પૈસાના મામલામાં રણબીર સાવ બાઘ્ઘો છે એટલે એની ફાયનાન્સની બાબતો પર હું ચાંપતી નજર રાખું છું, એના કોન્ટ્રેકટ્સ ધ્યાનથી જોઈ જાઉં છું. બસ આટલંુ જ, આનાથી વધારે બીજું કશું નહીં.'
રણબીરપુરાણ ચાલતું હોય ને કેટરિના કૈફ સાથેના એના સંબંધની વાત ન ઉખળે એવું શી રીતે બને. તો શું છે રણબીર-કેટરિનાનું રિલેશનશિપ સ્ટેટસ? બેય હજુ સાથે છે કે પછી તેમનું ખરેખર બ્રેકઅપ થઈ ગયું છે?

'સૌને આ જ જાણવામાં રસ છે!' કહીને રિશી કપૂર એક કિસ્સો સંભળાવે છે, 'થોેડા સમય પહેલાં મને દિલ્હીની એક ટોચની કોલેજમાંથી સિનેમા વિશે લેકચર આપવાનું આમંત્રણ મળ્યું. મેં તો જોરદાર તૈયારી કરી, આંકડા ભેગા કર્યા, જરૂરી ઈન્ફર્મેશન એકઠી કરી... ને પછી હું કોલેજના યંગસ્ટર્સ સામે બોલવા ઊભો થયો ત્યારે એમણે મને કયો સવાલ કર્યો? આ જ - રણબીર-કેટરિનાનું શું થયું? બોલો! મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મને થયું, ઈન્ડિયાના સૌથી તેજસ્વી સ્ટુડન્ટ્સમાં આ લોકોની ગણના થાય છે, પણ એમને ય ગોસિપમાં જ રસ છે! મને જોકે હવે આ પ્રકારના સવાલોની આદત પડી ગઈ છે. મેં ત્યારે મારી રીતે ગોળ-ગોળ જવાબ આપી દીધો. મારા જમાનામાં હું નીતુ સાથે લિવ-ઈન રિલેશનશિપ બાંધવાનું વિચારી પણ શકત નહીં, પણ આજે જમાનો બદલાઈ ગયો છે. જો હું સમયની સાથે નહીં ચાલું તો મારા દીકરા સાથેનું કનેક્શન ગુમાવી બેસીશ...'
બદલાતા સમયની સાથે તાલ મિલાવવા માણસે માત્ર કરીઅરને જ નહીં, પણ અંગત જિંદગી અને સૌથી નિકટતમ સંબંધોનાં સ્વરૂપને પણ નવેસરથી ડિફાઈન કરતાં રહેવું પડે છે!
 શો-સ્ટોપર

ઓડિયન્સ બદલાઈ ગયું છે. અગાઉ લોકો ફિલ્મસ્ટાર્સને અહોભાવથી જોતા. આજે તેઓ સ્ટારની બાજુમાં બેસશે, એની સાથે વન-ટુ-વન લેવલ પર વાતચીત કરશે, એના ખભે હાથ મૂકીને સાથે સેલ્ફી પડાવશે. ફિલ્મી હીરોને ભગવાનની જેમ પૂજવાનો જમાનો હવે ગયો.
- અભિષેક બચ્ચન

0 0 0 

Friday, March 18, 2016

‘આખું જીવન પ્રેમમય હોય એવું તો ક્યાંથી બને?’


ચિત્રલેખા -  માર્ચ ૨૦૧૬

 કોલમ: વાંચવા જેવું 

 લેખિકા ધીરુબહેન પટેલે  જાણે ભૂત વળગ્યું હોય તેમ  ‘વાંસનો અંકુર’ લઘુનવલ એક અઠવાડિયામાં અને ‘વિનાશના પંથે’ ત્રણ જ દિવસમાં લખી નાખી હતી! ઘણા નવલકથાકારો ફરિયાદ કરતા હોય છે કે પાત્રો કહ્યામાં રહેતા નથી. ધીરુબહેનના કિસ્સામાં ક્યારેય એવું બન્યું નથી. દિમાગની ભીતર કોઈ બળવા એ ચલાવી ન લે. નવલકથાનો આખો નક્શો મનમાં તૈયાર થાય પછી જ લખવા બેસે. પાત્રો પુરેપુરાં સમજાય જાય એ પહેલાં લખવાની ઉતાવળ ન કરે.



 ર્જક પાસેથી એની સર્જનકળા વિશેની વાત સાંભળવા જેવો આનંદ બીજો એકેય નથી. ગેબી સર્જનપ્રક્રિયાના એકેએક તાર છૂટા પાડવા શક્ય ન પણ બને, છતાંય કલાકાર પોતાના અંતરમનની વાત કરવા તૈયાર થાય અને એમની પાસેથી વાત કઢાવનારી વ્યક્તિ સુસજ્જ હોય ત્યારે જલસો પડી જાય છે. આજે જેની વાત કરવી છે એ  શરીફા વીજળીવાળા લિખિત ‘સમ્મુખ’ પુસ્તકમાંથી પસાર થતી વખતે આવી જ અનુભૂતિ થાય છે.

 સર્વોેદય કાર્યકર સ્વ. નારાયણ દેસાઈએ ‘મારું જીવન એ જ મારી વાણી’ના ચાર દળદાર ખંડમાં સમગ્ર ગાંધીજીવનચરિત્ર આલેખવાનું અદભુત કાર્ય કર્યું છે. કઈ રીતે એ આટલું પડકારજનક કામ પાર પાડી શક્યા? ઉત્તરમાં એમણે કહ્યું છે:

 ‘જે પ્રકરણની વાત આવે તે એના માટેની નોટમાં નોંધતો જાઉં, પ્રકરણ માંડતાં પહેલાં એ નોટ વાંચી જાઉં. પ્રકરણદીઠ ૧૦૦ થી ૧૨૫ મુદ્દાઓ નોંધાય પણ પછી લખતી વેળા હું કંઈ ન જોઉં. લખાઈ જાય પછી જ જોઉં. કશુંક બદલાય પણ ખરું, પણ (પિતાજી) મહાદેવભાઈના લખવા અંગેના સંસ્કાર મારા મન પર પાક્કા પડેલા એટલે છેકછાક વગર લખવાની ટેવ. એક જ ડ્રાફ્ટમાં કામ પતે. ઘણી વાર પરકાયાપ્રવેશનો અનુભવ થાય. કવચિત એવો પણ અનુભવ થાય કે જાણે સમાધિ હોય!’

 ક્યાંક સમાધિ તો ક્યાંક વળગાડ. લેખિકા ધીરુબહેન પટેલે, એમના જ શબ્દોમાં કહીએ તો, જાણે ભૂત વળગ્યું હોય તેમ  ‘વાંસનો અંકુર’ લઘુનવલ એક અઠવાડિયામાં અને ‘વિનાશના પંથે’ ત્રણ જ દિવસમાં લખી નાખી હતી! ઘણા નવલકથાકારો ફરિયાદ કરતા હોય છે કે પાત્રો કહ્યામાં રહેતા નથી. ધીરુબહેનના કિસ્સામાં ક્યારેય એવું બન્યું નથી. દિમાગની ભીતર કોઈ બળવા એ ચલાવી ન લે. નવલકથાનો આખો નક્શો મનમાં તૈયાર થાય પછી જ લખવા બેસે. પાત્રો પુરેપુરાં સમજાય જાય એ પહેલાં લખવાની ઉતાવળ ન કરે. ધીરુબહેને તો નાટક ઉપરાંત ‘ભવની ભવાઈ’ જેવી અવોર્ડવિનિંગ ફિલ્મ પણ લખી છે. કહે છે:

 ‘એ ક્ષેત્રમાં (સિનેમામાં) ઘણો રોમાંચ. પણ તમારી એકહથ્થુ સત્તાનો ત્યાં અંત આવી જાય. દિગ્દર્શક ૭૫ ટકા અને નિર્માતા-અભિનેતા વગેરે ૨૫ ટકા તમારી કૃતિના સહસર્જકો બની જાય. દિગ્દર્શક સમજદાર હોય અને તમારે સારો મનમેળ હોય તો લખવાની મજા આવે. પણ આમાં સમય ઘણો બગડે. એ પરવડતું હોય તો તેણે ઝુકાવવા જેવું ખરું.’

 અશ્ર્વિની ભટ્ટની ‘ઓથાર’ નવલકથા પરથી સરસ ફિલ્મ બની શકે એવું રઘુવીર ચૌધરી સુધ્ધાંનું માનવું છે. સાહિત્યજગતમાં ઊંચું સ્થાન ધરાવતા રઘુવીર ચૌધરીને મોટા ભાગના ખેતીકામ આવડે છે ને એ થોડુંઘણું કડિયાકામ પણ કરી જાણે છે! ‘સમ્મુખ’ વાંચતાં આ પ્રકારની રસપ્રદ વિગતો પણ જાણવા મળે છે કેમ કે પુસ્તકમાં સંગ્રહાયેલી વિવિધ મુલાકાત કેવળ સાહિત્યસર્જન પૂરતી સીમિત રહેતી નથી. લેખિકાને તો સર્જકના સમગ્ર આંતરિક વ્યક્તિત્ત્વમાં રસ છે. આથી જ એ રઘુવીર ચૌધરીને હળવેકથી એમની પ્રેમની અનુભૂતિ વિશે પૂછી લે છે કે જેથી ‘તમારા વિશેની દંતકથાઓ ઓછી થાય અને લોકોને સાચી વાત જાણવા મળે!’ રધુવીર ચૌધરી ઠાવકાઈથી જવાબ આપે છે:

 ‘હું પ્રેમને સર્વોેચ્ચ મૂલ્ય માનું છું અને પ્રેમની તીવ્રતા અનુભવી ય છે વિહરમાં... આખું જીવન પ્રેમમય હોય એવું તો ક્યાંથી બને? પણ પ્રેમની એકાદ ક્ષણ મૂડીરુપ બને... સૌંદર્ય પ્રત્યે આકર્ષણ જાગે પછી લોભ કરવાને બદલે કદર કરી શકાય તો એ સૌંદર્ય અનન્ય રહે. જે સુક્ધયાઓ અને સન્નારીઓને મળવાનું બન્યું છે એમના પ્રત્યેનો ભાવ લોભનો નહીં, કદરનો રહ્યો છે.’

 પછી તરત પોતાનાં જીવનના જ નહીં, બલકે આખા પરિવારનાં કેન્દ્ર રુપ એવાં પત્ની પારુનો ઉલ્લેખ કરી ઉમેરે છે:

 ‘કોઈ જિજ્ઞાસુ ક્ધયા કે વિદુષી યુવતીના મારા પ્રત્યેના સ્નેહાદરથી એને (પત્નીને) સવિશેષ આનંદ થયો છે. મને મળતો પુરસ્કાર એનો હોય એ રીતે.’

 નેશનલ બુક ટ્રસ્ટનાં ભૂતપૂર્વ ડિરેક્ટર તેમજ લેખિકા વર્ષા દાસ પોતાના અંતરંગ જીવનની વાતો સ્વસ્થતાથી શર કરે છે. વિખ્યાત ચિત્રકાર જતીન દાસ સાથેના દીર્ધાયુ ન પામેલાં લગ્નજીવન વિશે એ કહે છે:
   
 ‘આજે એવું લાગે કે હું જતીન પ્રત્યે આકર્ષાઈ એના કરતાં વધારે એની રંગ, રેખાની કમાલ લાગે એવી પ્રક્રિયા તરફ વધુ આકર્ષાઈ હતી.... (જતીનથી) છૂટી કેમ પડી? કદાચ હું ખાસ્સી ઈમ્મેચ્યોર હતી... છૂટા પડવા માટે હું જતીનને કોઈ રીતે દોષ નથી દેતી. હું માનું છું કે મેં લાગણીની અવસ્થામાં, કદાચ આવેશમાં એવું પગલું લીધું હતું. આજે કોઈ પણ એવું પગલું ભરવા જઈ રહ્યું હોય તો હું ના પાડું છું.’

 સંબંધ વિચ્છેદ પોતાની સાથે કટુતા, આક્રોશ, નકારાત્મકતા અને કડવાશ લાવતો હોય છે. વર્ષા દાસ બૌદ્ધ સાધનાના પ્રતાપે આ હાનિકારક માનસિક માહોલમાંથી સફળતાપૂર્વક બહાર આવી શક્યાં અને જતીન દાસ સાથે મૈત્રીનાં સ્તરે જોડાઈ શક્યાં.

 ઊંચી સાહત્યિક ગુણવત્તા ધરાવતા ‘ફાર્બસ’ ત્રૈમાસિકનાં ભૂતપૂર્વ વિદૂષી સંપાદિકા મંજુ ઝવેરીએ નિખાલસતાપૂર્વક કબૂલ કર્યું છે કે ક્યારેક નબળો લેખ છપાય એ ખૂંચે છે જ. એવું બન્યું છે કે લેખકને એ માટે ચેતવણી પણ આપી હોય, ના પણ પાડી હોય, છતાં એ લેખકની દલીલમાં આવી જઈને લેખ સ્વીકારવો પડ્યો હોય... પણ હવે ભવિષ્યમાં મક્કમ રહેવું છે!

 પુસ્તકમાં ગુજરાતી સાહિત્યજગત સાથે ગાઢ રીતે સંકળાયેલી નવ વ્યક્તિ ઉપરાંત લવકુમાર ખાચર જેવા જાણીતા પ્રકૃતિવિદ છે અને નોબલ પ્રાઈઝવિનર યિદ્દીશ લેખક ઈઝાક બોશેવિસ સિંગર તેમજ ઈંતિઝાર હુસૈન જેવા પાકિસ્તાની સાહિત્યકારની અનુદિત મુલાકાત પણ છે. સાહિત્યના શોખીનોએ પુસ્તક ખાસ વાંચવા જેવું છે. ઈંતિઝાર હુસૈનવાળા લેખમાં અતિ વિચિત્ર અને અતિ  ગંભીર પ્રિન્ટિંગ મિસ્ટેક્સ રહી ગઈ છે, તો પણ.    

 ----------------------------------------------------------------------
સમ્મુખ                             
લેખિકા: શરીફા વીજળીવાળા
પ્રકાશક: ગૂર્જર સાહિત્ય ભવન, અમદાવાદ-૧
 ફોન: (૦૭૯) ૨૨૧૪૪૬૬૩
 કિંમત:  ‚. ૨૪૦ /
  પૃષ્ઠ: ૨૪૪

 ૦  ૦ ૦ 

Tuesday, March 15, 2016

ટેક-ઓફ : પુસ્તકો ગોઠવવાનો આનંદ

સંદેશ- અર્ધસાપ્તાહિક પૂર્તિ - 16 માર્ચ 2016

ટેક-ઓફ

પુસ્તકો પરથી ધૂળ સાફ કરવામાં, પ્રેમથી એને પંપાળવામાં, એનાં પાનાં ઊથલાવીને વચ્ચે વચ્ચે થોડુંક થોડુંક વાંચતા જવામાં ને પછી પૂરા સન્માન સાથે એમને યોગ્ય જગ્યાએ ગોઠવવામાં ગજબનાં સુખ અને સંતોષનો અનુભવ થતો હોય છે. ટ્રાય કરી જોજો.



રમાંભા રહેવાની જગ્યા નથી. ડ્રોઈંગરૂમમાં પુસ્તકોનો રીતસર કુંભમેળો ભરાયો છે. ફ્લેટનો મુખ્ય દરવાજો ખોલીને અંદર પ્રવેશવા જાવ તો પગ હવામાં અધ્ધર સ્થિર કરી નાંખવો પડે છે, કેમ કે પગ મૂકવો ક્યાં? આખા ડ્રોઈંગરૂમના ફ્લોર પર, સોફા-ટિપોઈ-ચેર પર અને ફ્રેન્ચ-વિન્ડોવાળા લાંબા સિટીંગ પર પુસ્તકોના થપ્પા વિખરાયેલા પડયા છે. એકબીજા સાથે ધક્કામુક્કી કરતાં, એકબીજાને ટેકે ઊભેલાં, એકબીજાની ઉપર ચડી ગયેલાં ગણ્યા ગણાય નહીં એટલાં પુસ્તકો. અમુક પુસ્તકો દાદાગીરી કરીને છેક ઓપન કિચનમાં ઘૂસી ગયાં છે. તમને ફ્રિજનું ઠંડું પાણી પીવા નહીં મળે,કેમ કે ફ્રિજના દરવાજાને અઢેલીને ઊભેલી ચોપડીઓના ઊંચા થપ્પાઓને હમણાં દૂર ખસેડી શકાય તેમ નથી. સોરી.
એક ટિપિકલ મેળામાં હોય તે બધું જ છે અહીં. સેલિબ્રેશનનો સોલિડ મૂડ, આનંદ-મઝા-જલસો, હૈયે હૈયું દળાય એવી ભીડ, અંધાધૂંધી, બધું જ. ખોવાઈ ગયેલાં પુસ્તકો વિશેની અનાઉન્સમેન્ટના અવાજો પણ વચ્ચેવચ્ચે સંભળાય છે. સ્ટડીરૂમના કબાટો, કિચનનાં માળિયાં, બેડરૂમનાં માળિયાં, બેડરૂમની બાલ્કની અને ઘરનાં બીજાં કેટલાંય ખાનાંમાં પડેલાં પુસ્તકો પોતપોતાનાં સ્થાન છોડીને ડ્રોઈંગરૂમમાં ભરાયેલા આ કુંભમેળામાં ભાગ લેવા હોંશે હોશેં પહોંચી ગયાં છે.
બે દિવસ પહેલાં જ સુથાર પોતાની ટીમને લઈને આવ્યો હતો, ડ્રોઈંગરૂમ અને સ્ટડીરૂમમાં હજુ સુધી વર્જિન રહી ગયેલી દીવાલો પર પુસ્તકો રાખવાની નવી રેક્સને ફિટ કરવા. આખાં ઘરનાં પુસ્તકોને નવેસરથી અરેન્જ કરવાનું આનાં કરતાં બહેતર કારણ પછી ક્યારે મળવાનું. પુસ્તકોના કુંભમેળાનો આજે ચોથો દિવસ છે, પણ ભીડ ઓછું થવાની નામ લેતી નથી. પત્ની રોજ આશ્ચર્યથી પૂછે છેઃ 'તું રોજ કલાકો સુધી કરે છે શું? હજુ તારી એક પણ શેલ્ફ ગોઠવાઈ નથી? કામવાળી બાઈ ત્રણ દિવસથી અહીં કચરાં-પોતાં કરી શકી નથી'.
તમે ફક્ત સ્મિત કરો છોઃ 'હવે એકાદ-બે દિવસમાં પૂરું, બસ!' 
હકીકત તો એ છે કે તમને આ અવ્યવસ્થામાં રહેવાની ભારે મજા આવે છે. અમુક જર્જરિત પુસ્તકોને હાથમાં લેતાં અચાનક વર્ષો પછી મળી જતા મિત્ર જેવો આનંદ થાય છેઃ આહા... જુલે વર્ન! સ્કૂલમાં ભણતો હતો ત્યારે જુલે વર્નની આ સાયન્સ ફિક્શન્સ વાંચીને ગાંડો ગાંડો થઈ જતો હતો! પાર્થ... યેસ, પાર્થે મને ઈન્ટ્રોડયુસ કર્યો હતો જુલે વર્નની સાહસકથાઓથી, છઠ્ઠા ધોરણમાં! તમને એકાએક તમારો સ્કૂલનો એ જૂનો દોસ્ત યાદ આવી જાય છે. ફોલ્ડર પર માઉસથી ક્લિક કરતાં કમ્પ્યુટરની સ્ક્રીન પર એકસાથે જેમ અનેક ફાઈલોનું લિસ્ટ ખૂલી જાય, તેવી જ સ્થિતિ મનની થઈ ગઈ છે. પુસ્તક જોતાં જ તેની સાથે સંકળાયેલી કેટલીય વાતો ને વિગતોની ફાઈલો ધડાધડ ખૂલવા લાગે છે.

તમે બીજું પુસ્તક પ્રેમથી હાથમાં લો છો. ફાધર વાલેસનું 'શબ્દલોક' એન્જિનિયરિંગ કોલેજમાં ભરાયેલા પુસ્તકમેળામાંથી સેકન્ડ યરમાં ખરીદી હતી. યેસ, જો આ ઊઘડતા પાને જ લખ્યું છે. નીચે તારીખ પણ નોંધી છે. પ્રત્યેક નવાં પુસ્તકનાં ઊઘડતાં પાને પુસ્તક ખરીદ્યાની તારીખ અને સ્થળ લખવાની સરસ આદત તમે નાનપણથી પાડી છે. મારું બેટું જ્યારથી ઓનલાઈન પુસ્તકો ખરીદવાનું વ્યસન લાગ્યું છે, ત્યારથી પુસ્તકમાં સ્થળ લખવાની મજા જતી રહી છે. સ્થળની જગ્યાએ વેબસાઈટનું એડ્રેસ કે પુસ્તક તમારા સુધી પહોંચાડનાર કુરિયર કંપનીનું નામ થોડું લખાય!
સ્મરણો માત્ર પુસ્તકો સાથે જ સંકળાયેલાં હોય છે એવું કોણે કહ્યું. ટીનેજ અવસ્થામાં અને ઊગતી જુવાનીમાં તમે અમુક મેગેઝિનોને પાગલની જેમ ચાહતા હતા. આ મેગેઝિનોએ જ તમારી ઓળખાણ પત્રકારત્વની રોમાંચક દુનિયા સાથે અને જેમની સાથે આખી જિંદગી લવ-અફેર ચાલવાનો છે એવા પ્રિય લેખકો સાથે કરાવી હતી. અમુક લેખકોની કોલમો તમને એટલી બધી ગમતી હતી કે દર અઠવાડિયે મેગેઝિનમાંથી એનાં પાનાં ફાડી લેતાં હતાં ને પછી કાળજીપૂર્વક એનું બુક-બાઈન્ડિંગ કરાવતા હતા. આ જાડાં બુક-બાઈન્ડિંગવાળાં કલેક્શન્સને મરતા સુધી સાચવી રાખવાં છે, કેમ કે એમાં તમારી ઉત્કટતા, તમારું પેશન અને તમારી નિર્દોષતા સંગ્રહાયેલા છે. આમાંના અમુક લેખકો અને તેમનાં લખાણોને ભલે તમે આઉટ-ગ્રો કરી ગયા હો, પણ આ ખજાનો તમારા સ્વત્ત્વનો હિસ્સો છે, તમારી આંતરિક સમૃદ્ધિનો દસ્તાવેજ છે. તમારા માટે એ કેટલો અમૂલ્ય છે એ તમે જ સમજો છો.
પછી શરૂ થાય છે પુસ્તકોનું વિષયવાર વિભાજન. સાચ્ચે, આના જેવું અઘરું કામ બીજું એકેય નથી. કેટલાં બધાં જોનર, કેટલા બધા પ્રકાર. એમાં પાછી મીઠી મૂંઝવણ થાય. એક જ લેખકના તમામ પુસ્તકો એક સાથે રાખું કે પ્રકાર અનુસાર અન્ય પુસ્તકોની સાથે ભેળવી દઉં? જેમ કે, સિતાંશુ યશશ્ચંદ્રનાં કવિતાનાં પુસ્તકો કવિતાનાં ખાનામાં હોવાં જોઈએ ને એમનાં નાટકોનાં પુસ્તકો નાટકનાં ખાનામાં હોવાં જોઈએ, રાઈટ? કે પછી, સમગ્ર સિતાંશુ એકસાથે ગોઠવું? આમ તો એક લેખકનાં વાર્તા-કવિતા-નવલકથા-નાટક-આત્મકથા-લેખોના કંપાઈલેશન વગેરે એક જ જગ્યાએ રાખ્યા તો જરૂર પડયે ફટાક કરતાં તરત મળી જાય. આખરે તમે તોડ કાઢો છોઃ ક્યારેક સમગ્ર સર્જન એકસાથે રાખવાનું, તો ક્યારેક ભાગલા પાડી દેવાના. ડિપેન્ડ્સ!

સૌથી વધારે સમય આ વર્ગીકરણ લઈ લે છે. ધીમે ધીમે પુસ્તકોના અસ્તવ્યસ્ત ઢગલા પુસ્તકોના થપ્પાઓમાં પરિવર્તિત થતા જાય છે. કેટલા બધા થપ્પા. સૌથી વધારે થપ્પા, અફ કોર્સ, ગુજરાતી પુસ્તકોના છે. બીજા નંબરે અંગ્રેજી પુસ્તકો ને ત્રીજા નંબરે હિન્દી પુસ્તકો. તમને થાય કે, હિન્દી પુસ્તકો આટલાં ઓછાં કેમ? તમે મનોમન નિર્ણય કરો છોઃ આ વર્ષથી હિન્દી વાંચન વધારવું છે. પત્નીને મરાઠી સરસ આવડે છે એટલે થોડીક મરાઠી ચોપડીઓ પણ છે. થોડી સંસ્કૃત અને ઉર્દૂ ચોપડીઓ છે. અરે, અંધજનો માટેની બ્રેઈલ લિપિમાં લખાયેલી એક ચોપડી પણ છે! તમે અંઘજનો માટેની એક સંસ્થાની કોઈ ઈવેન્ટમાં મીડિયાના પ્રતિનિધિ તરીકે ગયા હતા જ્યાં આ બુકનું લોન્ચિંગ થયું હતું...
પછી શરૂ થાય તૈયાર થયેલા થપ્પાઓમાંથી કોને ક્યાં મૂકવા એની મૂંઝવણ. કાળજીપૂર્વક તમામ લેખકોની ને પુસ્તકોની પોઝિશન નક્કી કરવાની છે. ચંદ્રકાંત બક્ષી તો રાઈટિંગ ટેબલ પાસેના કબાટમાં આઈ-લેવલ પર જ જોઈએ. સવાલ જ નથી. બક્ષી જેમને પોતાના પૂર્વજો ગણતા હતા તે ઝવેરચંદ મેઘાણી અને કનૈયાલાલ મુનશીને પણ બક્ષીવાળાં ખાનામાં જ ગોઠવીશ... અને હા, ગમે તેમ મેનિપ્યુલેટ કરીને થોડીક જગ્યા બનાવીશ અને - ભલે અવિવેક ગણાય તો અવિવેક, પણ - આંગળીને વેઢે ગણાય એટલાં ખુદનાં પુસ્તકોને એ જ ખાનામાં ગોઠવીશ. આહા, બક્ષી-મેઘાણી-મુનશીની હારોહાર આપણી પોતાની ચોપડીઓ! કેવી મજા!
સ્વામી વિવેકાનંદ માટે એક આખું અલાયદું ખાનું ફાળવવું છે. સ્વામી આનંદ અને સ્વામી સચ્ચિદાનંદ એક ખાનું શેર કરશે. મકરંદ દવે અને કુન્દનિકા કાપડીઆ - આ બન્નેનાં પુસ્તકો પાસે પાસે રાખવાં છે. પ્રિય મધુ રાય બાપડા અત્યાર સુધી પેલા ટોપ-રાઈટ ખાનામાં સાવ પાછળ દટાઈ ગયા હતા. આ વખતે એમને વ્યવિસ્થત રીતે ગોઠવવા છે. લેખકને એના સ્ટેટસ પ્રમાણે સ્થાન મળવું જોઈએ, શું! વિવેચકોએ ભલે અશ્વિની ભટ્ટને શુદ્ધ સાહિત્યકાર ન ગણ્યા, પણ આપણે તો એમને પન્નાલાલ પટેલ અને ચુનીલાલ મડિયાની બરાબર વચ્ચે ગોઠવવા છે. એક મિનિટ. નર્મદ કેમ દેખાયા નહીં? કોણ ઉપાડી ગયું? નવા ખરીદવા પડશે. તમે તરત તમારા સ્માર્ટફોનના મેમોમાં 'બુક્સ ટુ બાય'વાળાં લિસ્ટમાં નામ ઉમેરી દો છોઃ નર્મદ. ઉમાશંકર જોશીએ તૈયાર કરેલું પેલું 'સર્જકની આંતરકથા' નામનું અદભુત કમ્પાઈલેશન પણ ન મળ્યું તે ન  જ મળ્યું. આ બુક પણ આઉટ-ઓફ-પ્રિન્ટ છે. કંઈ વાંધો નહીં. ફાર્બસ લાઈબ્રેરીમાં જઈને આખાં પુસ્તકની ઝેરોક્સ કોપી કરાવી લઈશ.
ગાંધીજી માટે ડ્રોઈંગરૂમ પરફેક્ટ છે. એન રેન્ડ, માર્કેઝ, અમૃતા પ્રિતમ, નિર્મલ વર્મા પણ ત્યાં જ વધારે શોભશે. મારિયો પુઝોની 'ગોડફાધર' અને સૌરભ શાહે કરેલો તેનો મસ્ત અનુવાદ - બન્ને સાથે રાખવાં છે. પુસ્તકો ગોઠવતાં ગોઠવતાં અચાનક તમે ખુદને ધમકાવવા લાગો છોઃ ભાઈ, આ ન વાંચેલાં પુસ્તકોની સંખ્યા આટલી મોટી કેમ થઈ ગઈ? શું બીજાઓને (અને ખુદને) ઈમ્પ્રેસ કરવા માટે ગાંડાની જેમ ઈન્ટરનેટ પરથી પુસ્તકો ખરીદ્યા કરો છો? મોટે ઉપાડે શેક્સપિયરનાં ચોપડાં લઈને બેસી ગયા છો, ક્યારે વાંચશો? નહીં ચાલે આ નાટક! પછી તમે જ ખુદને જવાબ આપો છોઃ લૂક, આ-આ અને આ પુસ્તક મારે એકીબેઠકે વાંચવાં છે એટલે હજુ સુધી હાથ લગાડયો નથી. આ-આ ને આ નેકસ્ટ ટાઈમ કેરળ જઈશ ત્યારે સાથે લઈ જવાનાં છે. બાય ધ વે, આપણી એક ફેન્ટસી છે. કેરળમાં એલેપ્પીના અદ્ભુત બેકવોટર્સમાં પૂરા એક મહિના માટે મસ્તમજાની હાઉસબોટ ભાડે કરવાની. પછી દિવસ-રાત પાણીમાં તર્યા કરવાનું ને ટેસથી વાંચ્યા કરવાનું! બસ, મા લક્ષ્મીની કૃપા થાય એટલી જ વાર છે.
લેખો લખતી વખતે જે પુસ્તકોની અવારનવાર રેફરન્સ તરીકે જરૂર પડે છે, તે ફટાક કરતાં મળી જાય તેવી મોસ્ટ કમ્ફર્ટેબલ પોઝિશન પર રાખવાનાં. લખતી વખતે શોધાશોધી કરીને ફ્રસ્ટ્રેટ થવાનું આપણને ન પોસાય... અને આ શું, અત્યાર સુધી આપણે બધાને કહ્યા કરતા હતા અને પોતે પણ માનતા હતા કે, આપણે તો ગદ્યના માણસ છીએ, ગદ્યના માણસ છીએ, પણ આપણા ખજાનામાં સૌથી વધારે ચોપડીઓ તો કવિતાની છે! કશો વાંધો નહીં. કામના કવિઓને પ્રિવિલેજ્ડ પોઝિશન આપવામાં આવશે, બાકીના કવિઓ માળિયામાં. સોરી!

પુસ્તકો ગોઠવતાં ગોઠવતાં તમને એકાએક એક્ટ્રેસ વિદ્યા બાલનનો એક ટીવી-ઈન્ટરવ્યૂ યાદ આવતાં ચહેરા પર સ્માઈલ આવી જાય છે. વિદ્યાએ કહ્યું હતું કે, 'મારા હસબન્ડ અને મારી વચ્ચે એક જ બાબતમાં ઝઘડો થાય છે - બુકશેલ્ફમાં પુસ્તકોને ગોઠવવાની બાબતમાં. પુસ્તકો લંબાઈ પ્રમાણે ગોઠવવા જોઈએ કે જાડાઈ પ્રમાણે? મને લંબાઈ પસંદ છે, મારા હસબન્ડને જાડાઈ.' પછી અચાનક વિદ્યા બાલનને ભાન થયું કે એનાથી અજાણતા ડબલ-મિનીંગ જોક થઈ ગઈ છે ને એ મોટેથી ખડખડાટ હસી પડી હતી.
વેલ, આપણને શું પસંદ છે? જવાબ સ્પષ્ટ છેઃ સારું, સુંદર, સત્ત્વશીલ પુસ્તક. શેપ ઓર સાઈઝ ઓર કલર ડુ નોટ મેટર, ઓકે? મૂવિંગ ઓન...

ઉપયોગિતા પૂરી થઈ ચૂકી હોય તેવાં પુસ્તકોને અલગ તારવવાં છે ને દર વખતની જેમ આદરપૂર્વક લાઈબ્રેરીમાં ડોનેટ કરવાં છે. અમુક જર્જરિત સામગ્રી એવી છે, જે અત્યાર સુધી હીરા-મોતી-માણેકની જેમ સાચવી રાખી હતી, પણ એને આ વખતે ભારે હૈયે એને રદ્દીમાં આપી દેવી છે. (તાજી તાજી વિપશ્યના કરી છે એટલે મોહ-માયા ને આસક્તિમાંથી મુક્ત થવાનું આ વખતે જરા ઈઝી પડવાનું છે, યુ સી!)
લેખકો-પત્રકારોનાં ઘરોમાં પુસ્તકો અને અન્ય વાચનસામગ્રીના સતત વધતા રહેતા જથ્થાને સાચવવાનો પડકાર સતત ઝળુંબતો હોય છે. આથી થોડાં થોડાં વર્ષે નવી બુકશેલ્ફ બનાવડાવવાની અને પુસ્તકોને રી-અરેન્જ કરવાની આ પ્રકારની એક્સરસાઈઝ કરતા રહેવી જોઈએ. પુસ્તકો પરથી ધૂળ સાફ કરવામાં, પ્રેમથી એને પંપાળવામાં, એનાં પાનાં ઊથલાવીને વચ્ચે વચ્ચે થોડુંક થોડુંક વાંચતા જવામાં ને પછી પૂરા સન્માન સાથે એમને યોગ્ય જગ્યાએ ગોઠવવામાં ગજબનાં સુખ અને સંતોષનો અનુભવ થતો હોય છે. ટ્રાય કરી જોજો.
0 0 0 

મલ્ટિપ્લેક્સ : સંઘર્ષ, સત્ય અને મનોજ બાજપાઈ

Sandesh - Sanskar Purti - 20 Feb 2016

મલ્ટિપ્લેક્સ 

જીવનમાં યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિનો ભેટો થઈ જવો અને અણીના સમયે સાચા માણસ તરફથી સાચી સલાહ મળવી - આ પ્રકારના સંયોગ ઊભા થવા માટે નસીબની જરૂર પડતી હોય છે. સદનસીબે મનોજ બાજપાઈને યુવાનીમાં ત્રણ ડિરેકટરો એવા મળ્યા જેમણે એમને કામ તો આપ્યું જ, પણ ખાસ તો એમના ધસમસતા જીવનપ્રવાહને સાચી દિશા ચીંધી, સાચી સલાહ આપી અને એમને સાચવી લીધા. આ ડિરેકટરો એટલે શેખર ક્પૂર, મહેશ ભટ્ટ અને રામગોપાલ વર્મા.




બિહારમાં બેલવા નામનું સાવ ખોબા જેવડું એક ગામડું. ગામ એટલું બધું પછાત કે અહીં નિશાળના નામે ઝૂંપડી જેવી જગ્યા. જેમાં ગામનાં બચ્ચાંઓને ધૂળ પર બેસાડીને થોડુંઘણું ભણાવવામાં આવે. 'સત્યા'થી 'ગેંગ્સ ઓફ વાસેપુર' સુધીની કેટલીય ફિલ્મોમાં યાદગાર ભૂમિકઓ કરનાર અફલાતૂન અભિનેતા મનોજ બાજપાઈ આ ગામમાં જન્મ્યા છે ને ચાર ચોપડી સુધી આ નામ વગરની નિશાળમાં ભણ્યા છે. માણસની પ્રતિભા અને પેશન અને જીદ એને કયાંથી કયાં પહોંચાડી શકે છે. ક્દાચ નસીબનું પરિબળ ખરું, પણ એનો ક્રમ સાવ છેલ્લે આવે. યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિનો ભેટો થઈ જવો અને અણીના સમયે સાચા માણસ તરફથી સાચી સલાહ મળવી - આ પ્રકારના સંયોગ ઊભા થવા માટે નસીબની જરૂર પડતી હોય છે. સદનસીબે મનોજ બાજપાઈને યુવાનીમાં ત્રણ ડિરેકટરો એવા મળ્યા જેમણે એમને કામ તો આપ્યું જ, પણ ખાસ તો એમના ધસમસતા જીવનપ્રવાહને સાચી દિશા ચીંધી, સાચી સલાહ આપી અને એમને સાચવી લીધા. આ ડિરેકટરો એટલે શેખર ક્પૂર, મહેશ ભટ્ટ અને રામગોપાલ વર્મા.
શેખર ક્પૂરઃ 'પગ ભાંગશે તો પ્લાસ્ટર કરાવવાના પૈસા ય તમારી પાસે નથી'
મનોજ બાજપાઈએ ટીનેજર થયા પછી એક જ સપનું જોયું હતું, દિલ્હીની નેશનલ સ્કુલ ઓફ ડ્રામા (એનએસડી)માં એડમિશન લેવાનું. શા માટે? નસીરુદ્દીન શાહ, ઓમ પૂરી જેવા ઊંચા દરજ્જાના એકટરોના ઈન્ટરવ્યૂ છાપાં-મેગેઝિનોમાં છપાતાં ત્યારે એમાં એનએસડીનો ઉલ્લેખ જરૂર થતો, એટલે. આથી બારમું ધોરણ ર્ક્યા પછી કોલેજ કરવા મનોજ બાજપાઈ દિલ્હી ગયા ને ભણતરની સાથે સાથે થિયેટર કરવા માંડયા. કમનસીબે એનએસડીએ એમને ચાર-ચાર વખત રિજેકટ ર્ક્યા. પહેલી બે વાર યોગ્યતા ઓછી પડી એટલા માટે. પછીની બે વાર તેઓ વધારે પડતા કવોલિફાઈડ હતા એટલા માટે! મનોજ બાજપાઈએ દિલ્હીની રંગભૂમિ પર મોટું નામ ગણાતા બેરી જોન સાથે ચાર કરતાંય વધારે વર્ષ કામ ર્ક્યું. તે અરસામાં શાહરુખ ખાન નામનો ઉત્સાહી યુવાન પણ બેરી જોનના ગ્રૂપમાં જોડાઈને નાટકો કરતો હતો. મનોજ બાજપાઈનું એનએસડીનું સપનું, સપનું જ રહી ગયું, પણ બેરી જોને આપેલી તાલીમને લીધે તેમનામાં રહેલો અભિનેતા ખૂબ ઘડાયો.
બન્યું એવું કે, મનોજની એકાદ તસવીર બોબી બેદી નામના પ્રોડયુસરની ઓફિસમાં ફરતી ફરતી પહોંચી ગઈ. બોબી બેદી એ વખતે 'બેન્ડિટ ક્વીન' બનાવવાની તૈયારી કરી રહૃાા હતા. ડિરેકટર હતા શેખર ક્પૂર. મનોજની તસવીર પર નજર પડતાં શેખર કપૂરે કહ્યું: મુઝે ઈસ લડકે સે મિલના હૈ. તિગ્માંશુ ધૂલિયા તે વખતે 'બેન્ડિટ કવીન'નું કાસ્ટિંગ સંભાળતા હતા. તિગ્માંશુ પોતાનું સ્કૂટર લઈને ઉપડયા. મનોજ બાજપાઈને મળીને ક્હેઃ શેખર ક્પૂર તમને મળવા માગે છે. મનોજ નારાજ થઈ ગયાઃ યાર, આવી મજાક સારી નહીં. માંડ માંડ એમના ગળે વાત ઊતરી. તેઓ શેખર ક્પૂરને મળ્યા. શેખરે એમને ફૂલનદેવીના પ્રેમી વિક્રમ મલ્લારના રોલમાં કસ્ટ કરી લીધા. આ રોલ જોકે પછી લાંબા વાળવાળા દેખાવડા નિર્મલ પાંડેને આપી દેવાયો. મનોજને ક્હી દેવામાં આવ્યું: ' સોરી,વિક્રમ મલ્લારના રોલ માટે હવે તારી જરૂર નથી'.
થોડા દિવસો પછી મનોજ પોતાના નાટક્ના શો માટે બહારગામ ગયા હતા. થિયેટરની ઓફિસની લેન્ડલાઈન પર તિગ્માંશુ ધુલિયાનો ફોન આવ્યોઃ મનોજ, તારો શો પૂરો થાય કે તાબડતોબ દિલ્હી માટે રવાના થઈ જા. માનસિંહના રોલ માટે નસીરુદ્દીન શાહે ના પાડી દીધી છે એટલે આ રોલ હવે તારે કરવાનો છે!

'Bandit Queen': Manoj Bajpai as Maan Sinh

'બન્ડિટ કવીન' (૧૯૯૪)માં જબરદસ્ત પ્રતિભા ધરાવતા એકટરોનો શંભુમેળો ભરાયો હતો. ઓડિયન્સને હેબતાવી નાખે તેવી આ ફિલ્મ ભારતીય સિનેમા માટે સીમાચિહ્નરૂપ પુરવાર થઈ. શેખર ક્પૂરે એક દિવસ જુવાન એકટરોની ટોળકીને ક્હૃાું: 'તમે બધા મુફલિસ જેવું જીવન જીવો છો. પગ ભાંગે તો પ્લાસ્ટર ક્રાવવાના ય પૈસા તમારી પાસે હોતા નથી. દિલ્હીમાં નાટકો કર્યાં કરશો તો ક્શું નહીં વળે. એકિટંગ જરૂર કરો પણ તેમાંથી બે પૈસા પણ મળવા જોઈએ. તે માટે તમારે મુંબઈ આવવું પડશે. દિલ્હી છોડો, મુંબઈ આવી જાઓ!'
શેખર ક્પૂરની આ વાત સૌના મનમાં ઘુમરાતી રહી. આ ચર્ચાના ચાર જ મહિના પછી મનોજ બાજપાઈ, તિગ્માંશુ ધૂલિયા અને બીજા કેટલાક છોકરાઓની આખી ગેંગ મુંબઈ આવી ગઈ... ફિલ્મલાઇનમાં નામ ક્માવા માટે.
મહેશ ભટ્ટઃ 'મુંબઈ છોડતો નહીં... આ શહેર તને ખૂબ બધું આપશે' 

વું તો હતું નહીં કે ટ્રેનમાંથી બહાર નીક્ળીને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનના પ્લેટફોર્મ પર પગ મૂક્તાં જ સામે સ્વાગત કરવા માટે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ડિરેકટરો-પ્રોડયુસરો હારતોરા તેમજ ફિલ્મની ઓફરો લઈને તૈયાર ઊભા હોય. મુંબઈમાં સ્ટ્રગલ શરૂ થઈ. ઘોલકી જેવડી ઓરડીમાં પાંચ-સાત જણા સાથે સાંક્ડમોક્ડ રહેવાનું, કામની શોધમાં એક સ્ટુડિયોથી બીજા સ્ટુડિયો ચક્કર મારવાના, કાસ્ટિંગ ડિરેકટરો અને બીજા લાગતા-વળગતાઓને પોતાના ફોટોગ્રાફ્સ આપવાના (જે મોટે ભાગે ક્ચરાટોપલીમાં પધરાવી દેવામાં આવતા). દિલ્હીમાં વર્ષો સુધી રંગભૂમિ કરી હતી તે વાતનું મુંબઈની ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં કેઈ મૂલ્ય નહોતું. એમ તો દિલ્હીમાં હતા તે અરસામાં હંસલ મહેતાની 'ક્લાકાર' નામની એક સિરિયલ પણ કરી હતી. (આ જ હંસલ મહેતાએ ડિરેકટ કરેલી અને મનોજ બાજપાઈને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી 'અલીગઢ' નામની ફિલ્મ ૨૬ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ.) આખરે મુંબઈની કોઈ પ્રોડકશન કંપનીની એક ટીવી સિરિયલમાં નાનો રોલ મળ્યો. પરેલમાં કેઈક જગ્યાએ શૂટિંગ હતું. મનોજ બાજપાઈએ શોટ આપ્યો. તે સાથે જ ડિરેકટર, કેમેરામેન, ચીફ આસિસ્ટન્ટ ડિરેકટર વગેરે વચ્ચે ગુસપુસ શરૂ થઈ ગઈ. થોડી વાર પછી થર્ડ કે ફોર્થ આસિસ્ટન્ટ ડિરેકટરે મનોજ બાજપાઈ પાસે આવીને ક્હૃાું: એક કામ કરો, કોસ્ચ્યુમ ઊતારી નાખો. કાલથી શૂટિંગમાં આવવાની જરૂર નથી. તમારુંએ કામ કોઈને ગમ્યું નથી.
આત્મવિશ્વાસ તોડી નાખે એવી આ ઘટનાઓ બનતી રહી, પણ કોઈ પણ ભોગે ટકી રહેવાનું હતું. આખરે મહેશ ભટ્ટની 'સ્વાભિમાન' (૧૯૯૫) નામની સિરિયલમાં માંડ દસ એપિસોડ ચાલે એવો રોલ મળ્યો. એક જ એપિસોડ જોઈને મહેશ ભટ્ટ કૌવત પારખી ગયા. એક દિવસ પોતાની જગ્યા પરથી ઊભા થઈને મનોજ બાજપાઈ પાસે આવી, એમના ખભે હાથ મૂકીને હાજર રહેલા દસ-પંદર લોકોને ક્હેઃ 'યે જો આદમી હૈ... બહોત બડા એકટર હૈે.' પછી મનોજ બાજપાઈને ક્હેઃ 'તારા ચહેરા પરથી લાગે છે કે તું હતાશ થઈ રહૃાો છે, પણ તું હિંમત હારીને આ શહેર છોડતો નહીં. આ શહેર તને ખૂબ બધું આપવાનું છે.'
Manoj Bajpai in Swabhiman days

દૂરદર્શન પર ટેલિકસ્ટ થઈ રહેલી 'સ્વાભિમાન' સિરિયલમાં મનોજ બાજપાઈનું પાત્ર જમાવટ કરતું ગયું. જે રોલ દસ એપિસોડમાં પૂરો થઈ જવાનો હતો તે અઢીસો સુધી લંબાયો. એક એપિસોડમાં એકિટંગ કરવાના પંદરસો રૂપિયા મળતા હતા. હવે રિક્ષા બાંધતી વખતે ભાડાની ચિંતા ન કરવી પડે એટલું સુખ તો મળી જ ગયું હતું.
મહેશ ભટ્ટના પેલા શબ્દોએ મનોજ બાજપાઈને ટકી રહેવાનું બળ આપ્યું હતું. આત્મસન્માન પર લગાતાર ઘા પડી રહૃાા હોય અને આત્મવિશ્વાસ સાવ તળિયે પહોંચી ગયો હોય એવા સંજોગોમાં જેના પ્રત્યે ખૂબ આદર હોય એવી વ્યકિત તરફથી શાબાશીના બે બોલ સાંભળવા મળે, તો દુભાયેલા માણસ માટે તે સંજીવનીનું કમ કરતા હોય છે.
રામગોપાલ વર્માઃ ડોન્ટ ડુ ધિસ ફિલ્મ!

Manoj Bajpai with Ram Gopal Varma
સુપરડુપર હિટ 'રંગીલા' પછી રામગોપાલ વર્મા 'દૌડ' (૧૯૯૭) બનાવી રહૃાા હતા. એમાં પરેશ રાવલના મળતિયાનો ટચૂક્ડો રોલ કરવાના મનોજ બાજપાઈને પાંત્રીસ હજાર રુપિયા મળે તેમ હતા. રામગોપાલ વર્માની ઓફિસમાં એમને મળવાનું થયું ત્યારે રામુજીએ પૂછ્યું: અગાઉ તે શું કામ ર્ક્યુંં છે? મનોજે ક્હ્યું: સર, મેં 'બેન્ડિટ કવીન' કરી છે. રામુ ક્હેઃ 'બેન્ડિટ કવીન' તો મેં જોઈ છે. એમાં કયો રોલ તેં ર્ક્યો હતો? મનોજ ક્હેઃ માનસિંહનો. રામુજી ચમકી ગયા. ક્હેઃ ડોન્ટ ટેલ મી! 'બેન્ડિટ કવીન' મેં કમસે કમ પાંચ વાર જોઈ હશે. તું તો બિલકુલ માનસિંહ જેવો દેખાતો નથી. મનોજ ક્હેઃ સર, મેં એ રોલ માટે ખૂબ મહેતન કરી હતી, મારો લૂક ચેન્જ ર્ક્યો હતો. રામુજી હવે ઉત્તેજીત થઈ ચુકયા હતા. ક્હેઃ ડોન્ટ ડુ ધિસ ફિલ્મ! તારે 'દૌડ' કરવાની કોઈ જરુર નથી. હું તારી સાથે બીજી ફિલ્મ બનાવીશ. હું બધું જ કેન્સલ કરી નાખું છું ને હમણાં જ નવી ફિલ્મ અનાઉન્સ કરી દઉં છું!
મનોજ બાજપાઈના મનમાં ફાળ પડી. ધારો કે રામુજી આ જે બીજી ફિલ્મની વાત કરે છે તે ન બને તો મને અત્યારે જે પાંત્રીસ હજાર રુપિયા મળવાના હતા એ તો ગયા જ ને? મનોજ ક્હેઃ સર, પ્લીઝ, મુઝે 'દૌડ' કરને દીજિયે!
આખરે 'દૌડ' બની અને રામગોપાલ વર્મા જે ફિલ્મ બનાવવા માટે એકસાઈટ થઈ ગયા હતા તે પણ બની. તે ફિલ્મ એટલે 'સત્યા' (૧૯૯૮), જેમાં મનોજ બાજપાઈએ ભીખુ મ્હાત્રેની અવિસ્મરણીય ભૂમિકા ભજવી. જાણે પ્રચંડ વિસ્ફોટ થયો હોય તેમ મનોજ બાજપાઈ નામના આ બિહારી એકટરની પ્રતિભા આ ફિલ્મમાં ઊછળીને બહાર આવી. સુપરહિટ 'સત્યા'એ એમને બોલિવૂડમાં નિશ્ચિત સ્થાન અપાવ્યું અને એમનું જીવન હંમેશ માટે પલટી નાખ્યું.
'Satya': Manoj Bajpai as Bhikhu Mhatre

રામગોપાલ વર્મા જેવા સુપર ટેલેન્ટેડ ડિરેકટર પાસે ઝવેરી જેવી પારખુ નજર હોય છે, જે હીરો ઢંકાયેલો હોય તોય એની ચમક ઓળખી લે છે. એ અલગ વાત છે કે, આગળ જતાં રામુ અને મનોજ બાજપાઈ વચ્ચે બોલવાના સંબંધ પણ નહોતા રહૃાા. બન્ને વચ્ચે થયેલા મનદુખનું કરણ રામુજીની અતિ બદનામ થઈ ચૂકેલી 'રામગોપાલ વર્મા કી આગ' હતી. રામુજી મનોજ બાજપાઈને સાંભાનો રોલ આપવા માગતા હતા, જ્યારે મનોજની ઈચ્છા વીરુનું  કિરદાર કરવાની હતી. ખેર, હવે બન્ને વચ્ચે પેચ-અપ થઈ ચૂકયું છે. ભવિષ્યમાં ક્દાચ બન્ને નવેસરથી સાથે કમ કરેય ખરા. ટચવૂડ.
શો-સ્ટોપર

'કિક'માં મેં ખલનાયકનું જે પાત્ર ભજવ્યું હતું તેની પ્રેરણા મને 'અક્સ'માં મનોજ બાજપાઈનાં પર્ફોર્મન્સ પરથી મળી હતી.
- નવાઝુદ્દીન સિદ્દીકી

Tuesday, March 8, 2016

ટેક ઓફઃ વ્યક્તિ નહીં, વિદ્યા મહત્ત્વની છે...

Sandesh - Ardh Saptahik Purti - 9 March 2016
ટેક ઓફ 
વિપશ્યના કેન્દ્ર કંઈ ફેન્સિ સ્પિરિચ્યુઅલ રિસોર્ટ નથી કે જ્યાં પૈસા વસૂલ કરીને તમને પરમાત્મા તરફ લઈ જવાનો શોર્ટકટ દેખાડવામાં આવતો હોય. પૈસા નહીં, પબ્લિસિટી નહીં,કમર્શિયલાઈઝેશનનું નામોનિશાન નહીં. ગોએન્કાજી અને તેમના કાબેલ સાથીઓ શી રીતે વિપશ્યનાની ગતિવિધિઓને શુદ્ધ રાખી શકયા? શું છે ગોએન્કાજીની કહાણી?


યા અઠવાડિયાની વાત આગળ વધારીએ. સહેજે સવાલ થાય કે ભ્રષ્ટ, બોગસ, સડી ગયેલું ક્રિમિનલ માનસ ધરાવતા, છીછરા, ગંદા, લોકોને ખોટી દિશામાં ધકેલતા, સમાજને અંદરથી ફોલી ખાતા સાધુ-બાબા જોરશોરથી પૂજાતા રહે છે, એમની તસવીરવાળાં કેલેન્ડરો ઘરોમાં ને ઓફિસોમાં લટકતાાં રહે છે, પણ વિપશ્યના જેવી કલ્યાણકારી, માણસને વધારે પ્રેમાળ-સહિષ્ણુ-કરુણામય બનાવતી શુભ અને અતિ પ્રાચીન વિદ્યાને પુનઃ ભારતમાં ને પછી આખી દુનિયામાં પ્રસ્થાપિત કરનાર, સત્યનારાયણ ગોએન્કાનું નામ કેમ ઘરે-ઘરે પહોંચ્યું નથી? કેમ અમુક અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરતા, મીડિયામાં એમનું નામ ચર્ચાયું નહીં? સરકારે એમને પદ્મભૂષણ ખિતાબથી સન્માનિત કર્યા હતા તે બરાબર છે, પણ વિપશ્યનાનાં સીમિત વર્તુળની બહાર કેમ એસ. એન. ગોએન્કાને એક હાઈ પ્રોફાઈલ સેલિબ્રિટીનું સ્ટેટસ મળ્યું નહીં?
આનો ઉત્તર તમે વિપશ્યનાના ઈગતપુરી સ્થિત હેડક્વાર્ટરમાં કે ફોર ધેટ મેટર, વિપશ્યનાના કોઈપણ સેન્ટરમાં લટાર મારો, તો તરત મળી જાય છે. વિપશ્યનાનાં એકપણ કેન્દ્રમાં કયાંય એસ.એન. ગોએન્કાની ફૂલમાળા લગાડેલી તસવીર દેખાતી નથી. હવે ખુદ વિપશ્યનાનાં કેન્દ્રોમાં જ જો સંસ્થાપક ગોએન્કાજીની તસવીર મૂકાયેલી ન હોય, ત્યારે રસ્તા પરના હોર્ડિંગ્ઝ-બેનરોમાં કે છાપા-મેગેઝિનોની જાહેરખબરોમાં ગોએન્કાજી કયાંથી દેખાવાના.
- અને આ જ વિપશ્યનાની તાકાત છે. વ્યક્તિ નહીં, પણ વિદ્યા મહત્ત્વની છે. વ્યક્તિપૂજા નહીં, પણ નિર્ભેળ સાધના કરવાની છે. પોતાનાં વિશે ઢોલનગારાં વગાડવાની વિપશ્યનાની તાસીર જ નથી. વિપશ્યના કેન્દ્ર કંઈ ફેન્સિ સ્પિરિચ્યુઅલ રિસોર્ટ નથી કે જ્યાં પૈસા વસૂલ કરીને તમને પરમાત્મા તરફ લઈ જવાનો શોર્ટકટ દેખાડવામાં આવતો હોય. પૈસા નહીં, પબ્લિસિટી નહીં,કમર્શિયલાઈઝેશનનું નામોનિશાન નહીં. ગોએન્કાજી અને તેમના કાબેલ સાથીઓ શી રીતે વિપશ્યનાની ગતિવિધિઓને શુદ્ધ રાખી શકયા? શું છે ગોએન્કાજીની કહાણી?
સત્યનારાયણ ગોએન્કાનો જન્મ ૧૯૨૪ની સાલમાં, પેઢીઓથી બર્મામાં સ્થાયી થયેલા અને ચુસ્ત સનાનત હિન્દુ ધર્મ પાળતા પરિવારમાં થયો હતો. ગોએન્કાજીને પાંચ બહેનો અને ચાર ભાઈઓ, પણ દાદાજી સાથે સૌથી વધારે ફાવે. દાદાજી દોહા બહુ સરસ ગાતા. અસંખ્ય દોહા એમને કંઠસ્થ હતા. દાદાજીના આ દોહાનો સત્યનારાયણ પર ઊંડો પ્રભાવ પડયો. ગોએન્કાજીને નાનપણથી જ માઈગ્રેન એટલે કે માથાના તીવ્ર દુઃખાવાની તકલીફ શરૂ થઈ ગઈ હતી. વર્ષમાં કમસે કમ બે વાર માઈગ્રેનનો એટેક આવે જ. માં એમનું માથું ખોળામાં લઈને પ્રેમથી સહલાવ્યા કરે એટલે ધીમે ધીમે એમનું દરદ ઓછું થવા માંડે.
તીક્ષ્ણ બુદ્ધિમત્તા ધરાવતા તેજસ્વી ગોએન્કાજી અઢાર વર્ષની ઉંમરે પરણી ગયા. પરિવારના બિઝનેસમાં ખૂબ જમાવટ કરી. ખૂબ ધન કમાયા. ઉપરવાળાએ એમનામાં લીડરશીપ ક્વોલિટી ઠાંસી ઠાંસીને ભરી હતી એટલે ધીમે ધીમે બર્મામાં વસતા ભારતીયોના આગેવાન તરીકે ઊપસતો ગયા. ધાર્મિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક કે એવી કોઈપણ પ્રવૃત્તિ હોય, હંમેશાં સત્યનારાયણ ગોેએન્કાને આગળ કરવામાં આવે. નેતાગીરીને કારણે એમનો અહં ફુલાઈને ગુબ્બારો બનવા લાગ્યો હતો. સમયની સાથે સ્વભાવ વધારે ક્રોધી બનતો જતો હતો. એમને ભાષણો દેતા સારાં આવડે એટલે કેટલીય સભાઓમાં 'મન પર શી રીતે અંકુશ રાખવો' ને 'મોહ-માયા-વાસના-આસક્તિથી શી રીતે મુકત થવું' વગેરે જેવા સુષ્ઠુ સુષ્ઠુ વિષયો પર ડાહી ડાહી વાતો કરીને ઓડિયન્સને મંત્રમુગ્ધ કરી નાંખે, પણ ભીતરથી બરાબર જાણે કે, પોતે આ જે કંઈ બોલ્યા છે એમાંનું કશું જ વ્યવહારમાં ઉતારી શકતા નથી.
એમની માઈગ્રેનની બીમારી ગંભીર બનતી જતી હતી. દુઃખાવામાં રાહત મળે તે માટે ડોક્ટરો એમને મોર્ફિન આપતા, પણ ડોક્ટરોને પછી ચિંતા એ વાતની પેસી કે ગોએન્કાજીને માથું તો મટતાં મટશે, પણ આ રીતે મોર્ફિન આપતાં રહેવાથી એમને મોર્ફિનનું હાનિકારક બંધાણ થઈ જશે. ગોએન્કાજી ચિક્કાર નાણાં ખર્ચીને યુરોપ-અમેરિકાના ડોક્ટરો પાસે પણ જઈ આવ્યા, પણ માઈગ્રેનથી છૂટકારો ન થયો તો તે ન જ થયો.
નિરાશ થઈને બર્મા પાછા ફરેલા ગોએન્કાજીને કોઈ મિત્રે સલાહ આપી કે, તું વિપશ્યનાનો કોર્સ કરી જો, કદાચ કંઈ ફર્ક પડે. ગોએન્કાજીએ ના પાડી દીધી. નાનપણથી જ શીખવવામાં આવ્યંુ હતું કે, જીવ છોડવો પડે એમ હોય તો છોડી દેવો, પણ પારકો ધરમ કયારેય ન અપનાવવો. એમને એમ કે વિપશ્યના તો ગૌતમ બુદ્ધની વિદ્યા સાથે મારા જેવા પાક્કા હિંદુને શું લાગેવળગે?
Sayagyi U Ba Khin (1899-1971)

પણ કહે છે કે, 'મરતા કયા નહીં કરતા'. માઈગ્રેનની તકલીફ એટલી વધી ગઈ હતી કે, એમણે આ ઉપાય પણ અજમાવી જોવાનો કમને નિર્ણય કર્યો. ૧૯૫૫માં, ૩૧ વર્ષની ઉંમરે, તેઓ પહેલી વાર વિપશ્યના ગુરુ સયાગી ઉ બા ખિનને મળ્યા. વિપશ્યના ભારતની અતિ પ્રાચીન વિદ્યા છે, જે અઢી હજાર વર્ષ પૂર્વે દેશમાંથી સંપૂર્ણપણે લુપ્ત થઈ હતી. સદ્ભાગ્યે એકમાત્ર બર્મામાં તે ગુરુ-શિષ્ય પરંપરાથી બિલકુલ શુદ્ધ સ્વરૂપમાં જળવાઈ રહેલી. વિપશ્યના એટલે સાક્ષીભાવ તેમજ સમતાભાવ કેળવીને, શ્વાસને માધ્યમ બનાવીને મનનું શુદ્ધિકરણ કરવાની વિદ્યા. ઉ બા ખિને ચોખ્ખું કહી દીધંુ કે,વિપશ્યના તો બહુ ઊંચો આધ્યાત્મિક માર્ગ છે. તેના પર ચાલવાની તૈયારી હોય તો જ આવજે, માઈગ્રેનના ઈલાજ માટે અહીં આવવાની કોઈ જરૂર નથી. ગોએન્કાજીના ગળે વાત ઊતરી ગઈ.
તેમણે દસ દિવસનો કોર્સ કર્યો. પછી ઘરે રોજ સવાર-સાંજ એક-એક કલાક વિપશ્યના કરવા લાગ્યા. વિપશ્યનાએ એમનું જીવન પલટી નાંખ્યું. ચમત્કાર થયો હોય તેમ માઈગે્રનની બીમારી ગાયબ થઈ ગઈ. ક્રોધ શાંત થવા લાગ્યો. ફુલાઈને ફુગ્ગો થઈ ગયેલા મિથ્યા અહંકારમાંથી હવા નીકળવા માંડી. સ્વભાવમાં એટલું બધું પરિવર્તન આવ્યું કે, એમના પરિવારના સભ્યો અને સાથીઓને સાનંદાશ્ચર્ય થવા માંડયું. ગોએન્કાજીએ પછી પોતાના ગુરુના માર્ગદર્શન હેઠળ ૧૪ વર્ષ દરમિયાન વિપશ્યનાના કેટલાય કોર્સ કર્યા. ગૌતમ બુદ્ધે પાલી ભાષામાં ઉપદેશ આપ્યા હતા તેથી પાલી ભાષા પણ શીખ્યા.
ઉ બા ખિન દઢપણે માનતા હતા કે, વિપશ્યના તો ભારતે બર્માને આપેલી અમૂલ્ય ભેટ છે, એટલે આ ઋણ બર્માએ ઉતારવું જ જોઈએ. તેઓ એમ પણ માનતા હતા કે, બુદ્ધના મૃત્યુનાં ૨૫૦૦ વર્ષ પછી ભારતમાં બૌદ્ધજ્ઞાાનનો પુનઃ ઉદય થઈને જ રહેશે. દરમિયાન એક ઘટના બની. ગોએન્કાજીનાં માતાપિતા થોડાં વર્ષો પહેલાં મુંબઈ આવી ચુકયાં હતાં. માતાજીની તબિયત નાદુરસ્ત હતી. એટલે ગોએન્કાજી એમને મળવા ભારત જવાનું આયોજન કરી રહૃાા હતા. ઉ બા ખિને ગોએન્કાજીને બોલાવીને કહૃાંુ: ભારતના ઉપકારનો બદલો ચુકવવાનો સમય આવી ગયો છે. તારે વિપશ્યના વિદ્યાને પાછી ભારત લઈ જવાની છે. તું એકલો નથી. ધમ્મ (ધર્મ)ના સ્વરૂપમાં હું પણ તારી સાથે ભારત આવી રહૃાો છું. ગુરુએ ગોએન્કાજીને વિધિવત્ આચાર્યની પદવી આપી.
જોકે, મુંબઈ આવ્યા બાદ ગોએન્કાજીના ઉચાટનો પાર નહોતોઃ હું કેવી રીતે વિપશ્યનાની શિબિર ગોઠવીશ? કેવી રીતે ગોઠવીશ? એમાં કોણ આવશે? કોઈને શું કામ એમાં રસ પડે? આખરે એક મિત્રની મદદથી દિવસ અને સ્થળ નક્કી થયાં. ગોએન્કાજીનાં માતા-પિતા સહિત ૧૪ માણસો શિબિરમાં જોડાયાં. આમ, જૂન, ૧૯૬૯માં ભારતમાં સૌથી પહેલી વિપશ્યનાની શિબિર યોજાઈ ને સફળતાપૂર્વક પૂરી થઈ.
ગોએન્કાજી તો બે-ત્રણ મહિનામાં પાછા બર્મા ચાલ્યા જવા માગતા હતા, પણ શિબિરમાં ભાગ લઈ ચૂકેલા અમુક દોસ્તારો અને સગાં-સંબંધીઓએ આગ્રહ કર્યો કે, જતાં પહેલાં પ્લીઝ એક વધુ શિબિર ગોઠવો. આ રીતે એકમાંથી બીજી શિબિર, બીજીમાંથી ત્રીજી શિબિર, ત્રીજીમાંથી ચોથી શિબિર.... વર્ડ-ઓફ-માઉથથી ખ્યાતિ ફેલાતી ગઈ. બહારગામથી આમંત્રણો મળવાં લાગ્યાં. સ્કૂલો અને કોલેજોમાં, લાઈબ્રેરીઓમાં, હોટલો અને ઈન્ડસ્ટ્રીઅલ બિલ્ડિંગોમાં, ધનિક લોકોના વિશાળ ઘરોમાં, ખુલ્લા મેદાનોમાં, હેલ્થ સેન્ટરોમાં, હોસ્ટેલ અને હોલિડે કેમ્પોમાં, પોલીસ એકેડેમી અને જેલમાં, શાહી મહેલોમાં, ખંડિયર જેવી જગ્યાઓમાં દસ-દસ દિવસની શિબિરો ગોઠવાવાં લાગી. ટોચના રાજકારણીઓ અને સુપર સેલિબ્રિટીઓથી માંડીને ગરીબ ખેડૂત તેમજ મહેનતકશ રિક્ષાચાલક સુધીની દરેક વર્ગની વ્યક્તિઓ, તમામ ધર્મના લોકો તેમાં ભાગ લેવા લાગ્યા અને વિપશ્યનાવિદ્યાનો લાભ ઉઠાવવા લાગ્યા. ગોએન્કાજીએ બર્મા પાછા જવાનું માંડી વાળીને નક્કી કર્યુ કે, બસ, વિપશ્યનાનો પ્રસાર-પ્રચાર જ મારું જીવનકર્મ છે... અને આ જ મારી ગુરુદક્ષિણા છે!
દેશમાં વિપશ્યનાનો પાયો મજબૂત કરવા માટે, ૧૯૭૩માં મુંબઈ અને નાસિક વચ્ચે રળિયામણાં ઈગતપુરી શહેરમાં રેલવેલાઈન નજીક પહાડી પર વિપશ્યનાનું પહેલંુ સેન્ટર સ્થાપવામાં આવ્યું. ૧૦૭ એકરમાં વિસ્તરેલું આ ખૂબસૂરત કેન્દ્ર આજે વિપશ્યનાનું હેડ ક્વાર્ટર છે. તમે વિપશ્યનાના કોઈ પણ કેન્દ્રમાં દસ દિવસનો કોર્સ કરશો, ત્યારે રોજ સાંજે સવા-દોઢ કલાક ગોએન્કાજીના મુગ્ધ કરી દેતાં વિદ્વત્તાપૂર્ણ વીડિયો પ્રવચન સાંભળવા મળશે. તમને સમજાશે કે, આ માણસ કેટલો ગજબનો વક્તા છે. એમનું અંગ્રેજી પણ હિન્દી જેટલું જ પ્રવાહી અને પ્રભાવશાળી છે. ૧૯૭૦ના દાયકામાં પશ્ચિમના વિદેશીઓએ વિપશ્યનાનું કોર્સ કરવાનું શરૂ કર્યું હતું. આમાંના મોટા ભાગના હિપ્પીઓ હતા, જે અધ્યાત્મ માર્ગની ખોજ કરવા ભારત આવતા હતા. વિદેશીઓના લાભાર્થે ગોએન્કાજીએ હિન્દી ઉપરાંત અંગ્રેજીમાં કોર્સ આપવાનું શરૂ કરેલું.
આજે ગુજરાતમાં ધોળકા, માંડવી(કચ્છ), વડોદરા, રાજકોટ, મહેસાણા, સુરેન્દ્રનગર, નવસારી અને પાલિતાણા તેમજ યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા સહિત દેશ-દુનિયામાં ૧૬૦ કરતાં વધારે વિપશ્યનાનાં કેન્દ્રો સક્રિય છે.
આ ૪૭ વર્ષમાં અસંખ્ય લોકો વિપશ્યનાની સાધનાનો લાભ ઉઠાવીને જીવનને વધુ સુખમય બનાવી ચૂકયા છે. છેક ઉત્તર યુરોપમાં પોલેન્ડ નજીક લિથુએનિયા જેવા, આપણે જેનું નામ પણ સાંભળ્યું ન હોય એવા ત્રીસ લાખની વસતી ધરાવતા ટચુકડા દેશમાં, કે અંગ્રેજી જેની મુખ્ય ભાષા પણ નથી, ત્યાં વર્ષમાં બે વખત વિપશ્યનાના કોર્સ થાય છે અને ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓપન થતાંની સાથે બે-ત્રણ દિવસમાં જ બધી સીટ ભરાઈ જાય છે! સયાગી ઉ બા ખિનની ભવિષ્યવાણી સાચી પડી છે. ગૌતમ બુદ્ધના મૃત્યુના ૨૫૦૦ વર્ષ બાદ ભારતમાં પુનઃ બૌદ્ધ શિક્ષણનો નક્કર ઉદય થયો ને પછી આખા વિશ્વમાં ફેલાયો છે. આ ગંજાવર કામ કરનાર સત્યનારાયણ ગોએન્કા ૨૦૧૩માં ૮૯ વર્ષની ઉંમરે મુંબઈમાં નિધન પામ્યા.
અલબત્ત, આજની તારીખેય બહુમતી લોકોને વિપશ્યના શું છે એની કશી જાણકારી નથી. વિપશ્યનાએ જીદપૂર્વક પોતાની શુદ્ધતા અને સાત્ત્વિકતા જાળવી રાખી છે. સમય જતાં તેમાં ભેળસેળ થવા લાગે તેવું જોખમ છે જ, પણ સાધકો અને આયોજકોની નિષ્ઠા અકબંધ રહેશે, ત્યાં સુધી આ પવિત્ર અને કલ્યાણકારી વિદ્યાને 'ઊની આંચ પણ આવવાની નથી' એ તો નક્કી.
0 0 0 

Saturday, March 5, 2016

મલ્ટિપ્લેક્સ : 'ધ રેવેનન્ટ': શ્વાસ ચાલે છે ત્યાં સુધી ઝઝૂમતા રહો...

Sandesh - Sanskar Purti - 6 March 2016
મલ્ટિપ્લેક્સ 
 'ધ રેવેનન્ટ' માટે કાસ્ટ અને ક્રૂની પસંદગી કરતી વખતે જ અલ્હાન્દ્રોએ સૌને ચેતવી દીધા હતા કે, આ ફિલ્મનું શૂટિંગ ખૂબ અઘરું સાબિત થવાનું છે. વાત, પ્રકૃતિ સામે સાવ વામણા બની જતા માણસની છે એટલે આપણે રિઅલ લોકેશન પર ભયંકર વિષમ પરિસ્થિતિમાં કામ કરવાનું છે. જો હેરાન થવાની પૂરેપૂરી તૈયારી હોય તો જ હા પાડજો!


જબનો છે અલહાન્દ્રો ઈનારીટુ નામનો આ માણસ. એમની મલ્ટિપલ ઓસ્કારવિનર 'બર્ડમેન' નામની બ્રિલિયન્ટ ફિલ્મની અસરમાંથી આપણે હજુ બહાર માંડ આવ્યા ત્યાં એ પાછા 'ધ રેવેનન્ટ' લઈને ત્રાટકયા. ઓસ્કરના ૮૮ વર્ષના ઈતિહાસમાં બેક-ટુ-બેક અવોર્ડ જીત્યા હોય એવા ત્રણ જ ડિરેક્ટર નોંધાયા છે - જોન ફોર્ડ (૧૯૪૦માં 'ધ ગ્રેપ્સ ઓફ રૅથ' અને ૧૯૪૧માં 'હાઉ ગ્રીન વોઝ માય વૅલી'. એમણે બેસ્ટ ડિરેક્ટર તરીકે કુલ ચાર ઓસ્કાર જીત્યા છે), જોસેફ એલ. મેન્કીવિકઝ (૧૯૪૯માં 'અ લેટર ટુ થ્રી વાઈવ્ઝ' અને ૧૯૫૦માં 'ઓલ અબાઉટ ઈવ') અને ત્યાર બાદ છેક પાંસઠ વર્ષ પછી અલહાન્દ્રો ઈનારીટુ (૨૦૧૫માં 'બર્ડમેન' અને ૨૦૧૬માં 'ધ રેવેનન્ટ').
બાવન વર્ષના આ મેક્સિકન ફિલ્મમેકરના ઝળહળતા બાયોડેટામાં એમણે બનાવેલી ફિલ્મો પર નજર કરો - 'અમરોસ પેરોસ' (૨૦૦૦, જેના પરથી આપણે ત્યાં મણિરત્નમે 'યુવા' બનાવી હતી), 'ટ્વેન્ટી વન ગ્રામ્સ' (૨૦૦૩), 'બેબલ' (૨૦૦૬), વિચિત્ર સ્પેલિંગવાળું ટાઈટલ ધરાવતી 'બ્યુટીફુલ' (૨૦૧૦) અને પછી 'બર્ડમેન' ને 'ધ રેવેનન્ટ'. એકબીજાનાં માથાં ભાંગે એવી આ છ અફલાતૂન ફિલ્મો ઓસ્કારની જુદી જુદી કેટેગરીમાં નોમિનેટ થઈ અને કેટલાય અવોર્ડ્ઝ તાણી ગઈ. લિઓનાર્ડો દ કેપ્રિયોને 'ધ રેવેનન્ટ' માટે બેસ્ટ એકટરનો ઓસ્કાર મળ્યો, જ્યારે 'ધ રેવેનન્ટ'નો ત્રીજો ઓસ્કાર સિનેમેટોગ્રાફર ઈમેન્યુએલ લુબેઝ્કીના નામે નોંધાયો.
 'ધ રેવેનન્ટ'નો અર્થ 'મોતના મુખમાંથી પાછો આવેલો માણસ' થાય છે, તે તમે જાણો છો. માઈકલ પન્કે નામના અમેરિકન લેખકે ૨૦૦૨માં 'ધ રેવેનન્ટઃ અ નોવેલ ઓફ રિવેન્જ' નામની નવલકથા બહાર પાડી હતી. આ સત્યકથાનાત્મક પુસ્તક હ્યુ ગ્લાસ નામના અમેરિકન શિકારી-કમ-વેપારી પર આધારિત છે. હ્યુુ ગ્લાસે ખાસ કરીને આજે જે નોર્થ ડાકોટા, સાઉથ ડાકોટા અને નેબ્રાસ્કા તરીકે ઓળખાય છે, તે અમેરિકાની ઉત્તરીય સરહદ પાસે આવેલા રાજ્યોનું ખૂબ ખેડાણ કર્યું હતું. ૧૮૨૩ની સાલમાં એટલે કે આજથી લગભગ ત્રણસો વર્ષ પહેલાં એ પોતાની ટુકડી સાથે બર્ફીલા પ્રદેશમાં ગયો હતો ત્યારે એના પર જંગલી રીંછે ભયાનક હુમલો કર્યો હતો. સાથીઓ એને મરતો છોડીને નાસી ગયા, પણ એનામાં ગજબની જિજીવિષા હતી. જેમતેમ કરીને એ જીવી ગયો અને ૩૨૦ કિલોમીટરનું વળતું અંતર કાપીને માંડ માંડ 'સુધરેલા' માનવોની વસ્તી વચ્ચે પહોંચી શકયો હતો.
Michael Punke
'ધ રેવેનન્ટ' પુસ્તક અને ફિલ્મમાં હ્યુ ગ્લાસની રૂવાંડાં ખડાં કરી નાંખે એવી અસ્તિત્વ ટકાવી રાખવાની સંઘર્ષકથા છે. ઈન ફેકટ, હ્યુ ગ્લાસના જીવન પરથી બનેલી આ કંઈ પહેલી ફિલ્મ નથી. અગાઉ ૧૯૭૧માં, પુસ્તક લખાયું એનીય પહેલાં, 'ધ મેન ઈન ધ વાઈલ્ડરનેસ' નામની ફિલ્મ આવી ચૂકી હતી. માઈકલ પન્કેને 'ધ રેવેનન્ટ' પુસ્તક લખતાં ચાર વર્ષ લાગ્યાં હતાં. હોલિવૂડની એક ખૂબી એ છે કે, અહીં કોઈએ અફલાતૂન ફિલ્મ બની શકે એવી નવલકથા કે નોન-ફિક્શન લખાણ લખ્યું હોય તો તે પુસ્તક સ્વરૂપે છપાય તે પહેલાં જ ફિલ્મી વર્તુળમાં સકર્યુલેટ થવા લાગે છે. 'ધ રેવેનન્ટ'ના કેસમાં પણ એવું જ બન્યું. પુસ્તક છપાય તેના એક વર્ષ પહેલાં, ૨૦૦૧માં, હોલિવૂડના એક પ્રોડયુસરે તેના રાઈટ્સ ખરીદી લીધા હતા. આમ, 'ધ રેવેનન્ટ' ફિલ્મ બનાવવાની ગતિવિધિઓ પંદર વર્ષ પહેલાં શરૂ થઈ ચૂકી હતી!
પ્રત્યેક પુસ્તક, ફિલ્મ, નાટક, ટીવી શો કે કોઈ પણ સર્જનાત્મક કૃતિનું પોતાનું નસીબ હોય છે. ક્રિયેટિવિટીના દેવતાએ આ કૃતિની કુંડળીમાં જ્યારે જે લખ્યું હોય ત્યારે જ તે બનતું હોય છે! પાર્ક ચેન-વૂક નામનો ડિરેકટર આ ફિલ્મ ડિરેક્ટ કરશે અને સેમ્યુઅલ જેકસન હીરો બનશે એવું નક્કી થયું, પણ ડિરેક્ટરસાહેબ કોઈક કારણસર પ્રોજેકટમાંથી આઉટ થઈ ગયા. ફિલ્મ ટલ્લે ચડી ગઈ. પછી છેક ૨૦૧૦માં જોન હિલકોટ નામનો બીજો કોઈ ડિરેક્ટર ક્રિસ્ટીઅન બેલને લઈને ફિલ્મને બનાવશે એવી જાહેરાત થઈ. આ ટીમ પણ પડી ભાંગી. આખરે ઓગસ્ટ, ૨૦૧૧માં અલ્હાન્દ્રો ઈનારીટુને સાઈન કરવામાં આવ્યા. અન્હાન્દ્રોએ પછી જાહેરાત કરી કે,હું મારી આગામી ફિલ્મની બે મુખ્ય ભુમિકાઓ માટે લિઓનાર્ડો દકેપ્રિયો અને શૉન પેનને લેવા માગું છું. શૉન પેન તો હાથમાં ન આવ્યા, પણ લિઓનાર્ડો આ પ્રોજેકટ સાથે જોડાઈ ગયો.
અલ્હાન્દ્રોએ વિધિવત પ્રી-પ્રોડકશન શરૂ કરી દીધું. સ્ક્રિપ્ટરાઈટર માર્ક સ્મિથ સાથે બેસીને સ્ક્રિપ્ટમાં સુધારા-વધારા-ઉમેરા કરાવવા લાગ્યા, પણ સંઘ કાશીએ પહોંચે તે પહેલાં અલ્હાન્દ્રોએ નવું અનાઉન્સમેન્ટ કર્યું: હું પહેલાં 'બર્ડમેન' નામની ફિલ્મ બનાવીશ, પછી 'ધ રેવેનન્ટ'નું શૂટિંગ શરૂ કરીશ! 'બર્ડમેન' રિલીઝ થયા બાદ ઓકટોબર, ૨૦૧૪માં અલ્હાન્દ્રોએ 'ધ રેવેનન્ટ'નું શૂટિંગ શરૂ કર્યું. ફેબ્રુઆરી ૨૦૧૫માં ઓસ્કાર નાઈટ આવી. 'ધ બર્ડમેન' ફિલ્મે બેસ્ટ ડિરેક્ટર, પિક્ચર, ઓરિજિનલ સ્ક્રીનપ્લે અને સિનેમેટોગ્રાફી માટે ચચ્ચાર ઓસ્કાર જીતી લીધા. સ્વાભાવિક રીતે 'ધ રેવેનન્ટ' પ્રોજેકટ સુપર હોટ પ્રોપર્ટી બની ગયો.

'તમે માનશો, 'બર્ડમેન'ના ઓસ્કર-વિજયને મન મૂકીને માણવાનો મને સમય જ મળ્યો નહોતો,' અલ્હાન્દ્રો એક ઈન્ટરવ્યુમાં કહે છે, 'એક બાજુ 'ધ રેવેનન્ટ'નું શૂટિંગ ચાલતું હતું ને આ બાજુ ઓસ્કારની ધમાલ વચ્ચે હું સતત ઈમેઈલ ચેક કરતાં કરતાં મારી ટીમના કોન્ટેક્ટમાં રહેતો હતો. ફિલ્મ બનાવતા હો ત્યારે પ્રોડક્શનની હજાર જાતની સમસ્યાઓ પેદા થતી હોય છે. ઓસ્કાર ફક્શન પછીની રાતે હું પ્લેન પકડીને રવાના થઈ ગયો હતો કેમ કે, બીજા દિવસે સવારે મારે 'ધ રેવેનન્ટ'નો એક બહુ જ કોમ્પ્લિકેટેડ સીન શૂટ કરવાનો હતો.'
 'ધ રેવેનન્ટ' માટે કાસ્ટ અને ક્રૂની પસંદગી કરતી વખતે જ અલ્હાન્દ્રોએ સૌને ચેતવી દીધા હતા કે, આ ફિલ્મનું શૂટિંગ ખૂબ અઘરું સાબિત થવાનું છે. વાત, પ્રકૃતિ સામે સાવ વામણા બની જતા માણસની છે એટલે આપણે રિઅલ લોકેશન પર ભયંકર વિષમ પરિસ્થિતિમાં કામ કરવાનું છે. જો હેરાન થવાની પૂરેપૂરી તૈયારી હોય તો જ હા પાડજો!
'ધ રેવેનન્ટ'નું શૂટિંગ કેનેડા અને આર્જેન્ટિનાના બર્ફીલા જંગલોમાં કરવામાં આવ્યું છે. અલ્હાન્દ્રો અને ફિલ્મના સિનેમેટોગ્રાફર બન્નેનો આગ્રહ હતો કે, આપણે આખી ફિલ્મ કુદરતી પ્રકાશમાં જ શૂટ કરવી છે. વળી, શૂટિંગ પણ સ્ક્રિપ્ટમાં જે પ્રમાણે સીન લખાયા હોય તે જ ક્રમમાં કરવું છે, આડુંઅવળું નહીં. લોકેશન એટલાં અંતરિયાળ રહેતાં કે ઉતારાથી ત્યાં પહોંચવામાં જ બે-ત્રણ કલાક થઈ જતા. સૂર્યપ્રકાશ સતત વધ-ઘટ થયા કરતો હોય. આથી સરેરાશ રોજ દોઢ કલાક જેટલો જ સમય શૂટિંગ માટે મળતો. બાકીના સમય આગલા દિવસનાં સીનના રિહર્સલ માટે વપરાતો. ફિલ્મની શરૂઆતમાં જ રેડ ઈન્ડિયન્સ અને લિઓનાર્ડોની ટુકડી વચ્ચે ફાટી નીકળતા રમખાણનો સીન છે. 'બર્ડમેન'ની જેમ ઓછામાં ઓછા શોટ્સમાં આ સીન શૂટ થયો છે. આ સિકવન્સ માટે આખી ટીમે એક મહિનો રિહર્સલ કર્યું હતંું. સીન એટલો અસરકારક છે કે ન પૂછો વાત. તમને સ્ટીવન સ્પિલબર્ગની 'સેવિંગ પ્રાઈવેટ રાયન'ની ઓપનિંગ સિક્વન્સ યાદ આવી જશે.
Alejandro Iñárritu with Leonardo DiCaprio (Right) on a location of The Revenant 

'ધ રેવેનન્ટ'ના મુખ્ય નાયક લિઓનાર્ડો દકેપ્રિયોની હાલત સૌથી બદતર હતી. એનોે મેકઅપ કરવામાં ચારેક કલાક લાગી જતા એટલે એ મધરાતે ઊઠીને મેકઅપ માટે બેસી જતો. પચ્ચીસેક વર્ષથી લિઓ સંપૂર્ણપણે વેજિટેરીઅન બની ગયો છે, પણ આ ફિલ્મ માટે એણે જીવતી માછલી તો ઠીક, જંગલી ભેંસનું લિવર ખાવું પડયું છે. ફિલ્મના એક સીનમાં એક આદિવાસી તાજી મરેલી જંગલી ભેંસનું શરીર ચીરીને તેમાંથી બહાર ખેંચી કાઢેલાં લિવરનો ટુકડો મરવાની અણી પર પહોંચી ગયેલા લિઓ તરફ ફેંકે છે. શૂટિંગ દરમિયાન લિઓ સામે લિવર જેવી દેખાતી જેલી પ્રકારની કૃત્રિમ વસ્તુ ખાવાનો વિકલ્પ હતો. લિઓએ પહેલાં આ જ ટ્રાય કર્યું,પણ તેમાં દાંત પેસાડતી વખતે લોહી જેવું દેખાતું પ્રવાહી જે રીતે બહાર ફૂટી નીકળવું જોઈએ તે નીકળતું નહોતું. લિઓએ કહૃાું, આને રહેવા દો, હું અસલી લિવર ખાઈશ! ફિલ્મમાં લિઓના ચહેરા પર લિવર ચાવતી વખતે ત્રાસના જે હાવભાવ આવે છે તે અસલી છે!
જંગલી રીંછ લિઓ પર હુમલો કરે છે, તે ફિલ્મનો ચાવીરૂપ સીન છે. અરેરાટી થઈ જાય એવી ઈમ્પેકટ ઊભી કરતા આ સીનમાં જે માદા રીંછ દેખાય છે તે, અફકોર્સ, ડિજિટલ એટલે કે કમ્પ્યુટરાઈઝ્ડ છે. અલ્હાન્દ્રોએ આ સીનના મેકિંગની વિગતો ગુપ્ત રાખવાની બહુ કોશિશ કરી, પણ મીડિયામાં વાત જાહેર થઈ ગઈ કે, ગ્લેન એનિસ નામના સ્ટંટમેને રીંછ જેવો સૂટ પહેરીને આ સીન શૂટ કર્યો હતો અને પછી પોસ્ટ પ્રોડકશનમાં ગ્લેનની મૂવમેન્ટ્સનને અસલી રીંછની ઈમેજ વડે ડિજિટલી રિપ્લેસ કરવામાં આવી.   
લિઓને જોકે સૌથી વધારે કઠણાઈ તીવ્ર ઠંડી નદીમાં ઝબોળાવામાં પડતી હતી. શૂટિંગમાં તાપમાન કયારેક માઈનસ ત્રીસ,માઈનસ ચાલીસ ડિગ્રી સુધી પહોંચી જતું. એક્ટરોના આંગળા ચોંટી જાય, કેમેરા ઓપરેટ થઈ ન શકે એટલે પછી નછૂટકે શૂટિંગ અટકાવવું પડે. લિઓનાર્ડો પોતાના રોલ માટે એટલી હદે પેશનેટ હતો કે, કયારેક ખુદ અલ્હાન્દ્રોએ એને રોકવો પડતો કે ભાઈ,વધારે સાહસ કરવાનું રહેવા દે! બધામાં જોકે આટલી સહનશકિત ન પણ હોય. નવ મહિના સુધી ચાલેલા શૂટિંગ દરમિયાન પ્રોડક્શન ટીમમાંથી દસેક જેટલા લોકોને કાં તો કાઢી મૂકવામાં આવ્યા યા તો ખુદ નીકળી ગયા. આ લોકો પછી મીડિયા સામે ફરિયાદ કરતા હતા કે 'ધ રેવેનન્ટ'ના શૂટિંગમાં અમને નર્કની યાતના જેવો અનુભવ થતો હતો.
અલ્હાન્દ્રો કહે છે, 'મને અમુક લોકો કહેતા કે, આટલા બધા હેરાન થવાની શી જરૂર છે? આ દશ્યો તો આપણે સ્ટુડિયોમાં કોફી પીતાં પીતાં ટેસથી ગ્રીન સ્ક્રીનનો ઉપયોગ કરીને કમ્પ્યુટર પર જનરેટ કરી શકીએ છીએ. સાચી વાત છે. કમ્પ્યુટર પર ઈફેક્ટ પેદા કરી શકાય, પણ આ રીતે બનેલી ફિલ્મનું મૂલ્ય કચ્ચરપટ્ટી કરતાં વિશેષ ન હોત.'
આ મહેનત, આ પેશન 'ધ રેવેનન્ટ'ની એકેએક ફ્રેમમાં દેખાય છે. ફિલ્મનો મેસેજ ખૂબ પાવરફુલ છેઃ શરીરમાં જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી ઝઝૂમતા રહો. હાર નહીં માનો! જો આકરાં દશ્યોથી ડર લાગતો ન હોય અને કશુંક અનોખું જોવાનો શોખ હોય તો આ ફિલ્મ મિસ કરવા જેવી નથી.
અલહાન્દ્રોએ તો બેક-ટુ-બેક બે જ ઓસ્કાર જીત્યા છે, પણ એમની ફિલ્મ શૂટ કરનાર ઈમેન્યુઅલ લુબેઝ્કી 'ગ્રેવિટી', 'બર્ડમેન' અને 'ધ રેવેનન્ટ' માટે બેક-ટુ-બેક ત્રણ ઓસ્કાર જીતનાર દુનિયાના એકમાત્ર સિનેમેટોગ્રાફર છે! એવું તે શું છે આ માણસમાં?ઈમેન્યુઅલ લુબેઝ્કીને નજીકથી ઓળખવાની કોશિશ આવતા રવિવારે.
શો-સ્ટોપર

હું લોકોને મળતો રહું છું, કેમ કે ઉત્તમ આઈડિયા ગમે ત્યાંથી આવી શકે છે. એવું નથી કે કેવળ મહાન ફિલ્મમેકરોના દિમાગમાં જ બેસ્ટ આઈડિયા પેદા થઈ શકે છે.
- ફરહાન અખ્તર