Sandesh - Ardh Saptahik Purti - 18 March 2014
ટેક ઓફ
સોળ વર્ષમાં કમ સે કમ ૧૪૦૦ બાળકો પર રેપ, ગેંગરેપ અને વેશ્યાવૃત્તિ કરાવવાના ભયાનક સ્કેન્ડલનો રિપોર્ટ બહાર પડયો છે ત્યારથી ઇંગ્લેન્ડમાં સનસનાટી મચી ગઈ છે. ભારત આવીને નિર્ભયા પર ડોક્યુમેન્ટરી બનાવી ગયેલી લેસ્લી અડવિનને પોતાના દેશનાં આ શર્મનાક કારનામા પર ફિલ્મ બનાવવાનું સૂઝતું નથી!
દિલ્હીના ઘાતકી નિર્ભયા રેપકાંડથી આખો દેશ આતંકિત થઈ ગયો હતો. લેસ્લી અડવિન નામની એક બ્રિટિશ ફિલ્મમેકરે આ દુર્ઘટનાક્રમ પરથી 'ઇન્ડિયાઝ ડોટર' નામની ડોક્યુમેન્ટરી બનાવી નાખી અને નવેસરથી હોબાળો મચી ગયો. ડોક્યુમેન્ટરીનું અણઘડપણું,સંવેદનશીલતાનો અભાવ, બજારુંવૃત્તિ, બીબીસીની બદમાશી અને જંગલી ડિફેન્સ લોયરો પર ફિટકાર વરસ્યો. સાથે સાથે ફ્રીડમ ઓફ સ્પીચ, ફ્રીડમ ઓફ બ્રોડકાસ્ટિંગ, હિન્દુસ્તાનીઓનો દંભ, આપણી શાહમૃગવૃત્તિ વગેરે પર પણ ઉછળી ઉછળીને ચર્ચા થઈ. નિર્ભયા કેસ વિદેશી મીડિયામાં પણ સારો એવો ગાજ્યો છે. આ ડોક્યુમેન્ટરીને લીધે મામલાને નવું આંતરરાષ્ટ્રીય પરિમાણ મળી ગયું.
ભારતમાં બનતી આ પ્રકારની બર્બર ઘટનામાં વિદેશના મીડિયાને બહુ રસ પડી જાય છે, પણ પરદેશમાં આ પ્રકારના બનાવને લીધે જોરદાર ચકચાર જામી હોય તોય આપણું મીડિયા ડાહ્યુંડમરું થઈને ચૂપ રહી જાય છે. લેસ્લી એડવિનના જ દેશ ઇંગ્લેન્ડમાં ગયા ઓગસ્ટમાં એક આઘાતજનક સેક્સ સ્કેન્ડલ વિશેનો રિપોર્ટ એવા વિસ્ફોટ સાથે ઉછળ્યો કે એની ધ્રુજારી હજુ સુધી શમી નથી. રોધરહેમ ચાઇલ્ડ સેક્સ અબ્યુઝ કેસ તરીકે જોરદાર ગાજેલો અને હજુય ગાજી રહેલો આ મામલો શો છે?
Rotherham city |
રોધરહેમ એટલે ઇંગ્લેન્ડના સાઉથ યોર્કશાયરમાં આવેલું એક નગર. વસતી હશે ત્રણેક લાખની આસપાસ. ભૂતકાળમાં બનેલી કેટલીક અપ્રિય ઘટનાઓના સંદર્ભમાં રોધરહેમની કાઉન્સિલે ૨૦૧૩માં પ્રોફેસર એલેક્સિસ જે નામની સ્કોટિશ ગવર્નમેન્ટની ભૂતપૂર્વ ચીફ સોશિયલ વર્ક એડવાઇઝર રહી ચૂકેલી મહિલાને સ્વતંત્રપણે એક રિપોર્ટ તૈયાર કરવાનું કહ્યું. ઓગસ્ટ ૨૦૧૪માં એલેક્સિસનો રિપોર્ટ જાહેર થયો. રિપોર્ટમાં કહેવાયું હતું કે ૧૯૯૭થી ૨૦૧૩ સુધીનાં સોળ વર્ષના ગાળામાં રોધરહેમના કમ સે કમ ૧૪૦૦ જેટલાં બાળકો જાતીય શોષણનો ભોગ બન્યાં છે અને આ 'કન્ઝર્વેટિવ એસ્ટિમેટ' છે. મતલબ કે જાતીય અત્યાચારનો ભોગ બનેલાં બાળકોનો સાચુકલો આંકડો આના કરતાં ક્યાંય મોટો હોઈ શકે છે!
કેવા પ્રકારના જાતીય અત્યાચાર થયા માસૂમ બચ્ચાઓ પર? અપહરણ કરીને તેમની મારપીટ કરવી, તેમના પર રેપ થવા, ગેંગરેપ, તેમની પાસે વેશ્યાવૃત્તિ કરાવવી વગેરે. અગિયાર-અગિયાર વર્ષની નાનકડી બાળકીઓ પણ બચી ન હતી. આ શેતાની કારનામાં કરનારા પાકિસ્તાની કુળના પુરુષો હોવાનું પછી પુરવાર થયું.
બદમાશો સામાન્યપણે સરકાર અથવા સંસ્થાઓ દ્વારા ચાલતાં ચિલ્ડ્રન્સ હોમ અને અડોપ્ટિંગ એજન્સીઓને ટાર્ગેટ કરતા. ચિલ્ડ્રન્સ હોમમાં એવાં બાળકો હોય જેમનાં મા-બાપમાં સંતાનને ઉછેરવાની ત્રેવડ ન હોય, ખુદ ડ્રગ્ઝના બંધાણી બની ચૂક્યાં હોય, ઘરમાં રોજ મારપીટ થતી હોય. આવા દૂષિત વાતાવરણથી બાળકોને બચાવવા સરકાર એમને ચિલ્ડ્રન્સ હોમમાં મૂકે, પણ અહીં એમની હાલત ઊલમાંથી ચૂલમાં પડવા જેવી થાય. એવું નહોતું કે અપરાધી ગેંગ કેવળ ચિલ્ડ્રન્સ હોમનાં બાળકોને જ નિશાન બનાવતા,તેમની નજર સામાન્ય પરિવારનાં બાળકો પર પણ રહેતી. એમની મોડસ ઓપરેન્ડી સમજવા જેવી છે. સૌથી પહેલાં તો તેઓ અગિયાર-બાર-તેર વર્ષનાં બાળકોને ખાસ કરીને છોકરીઓને 'ગ્રૂમ' કરે. સ્કૂલની બહાર તેમની સાથે દોસ્તી કરે, મોબાઇલ ફોન જેવી મોંઘી ગિફ્ટ્સ આપે, કાર અને ટેક્સીમાં લિફ્ટ આપે. સામાન્યપણે આ કામ કરનારા કોલેજિયન ટાઇપના જુવાનિયા હોય. જોનારાઓને એવું જ લાગે કે આ છોકરીનો બોયફ્રેન્ડ હશે. એક વાર છોકરીને વિશ્વાસ બેસે એટલે જુવાનિયા એની ઓળખાણ મોટી ઉંમરના પુરુષો સાથે કરે. આ પુરુષો તરુણ છોકરીઓને મોંઘી ગિફ્ટ્સ વગેરેથી ભોળવીને ધીમે ધીમે દારૂ અને હળવા નશીલા ડ્રગ્ઝના રવાડે ચડાવે. બચ્ચાઓને ભરપૂર અટેન્શન મળે તે ગમવાનું જ છે. પછી લાગ મળતાં જ એ 'ફ્રેન્ડ' તરુણીને પોતાની હવસનો શિકાર બનાવે.
આ બધાંમાંથી પસાર થઈ ચૂકેલી લિઝા (કાલ્પનિક નામ) નામની યુવતીએ એક ટીવી ચેનલ પર પોતાની કહાણી શેર કરતાં કહ્યું હતું, "આ લોકો પહેલાં વર્ષ દરમિયાન તમને ગ્રૂમ કરતા હોય ત્યારે બિલકુલ જેન્ટલમેનની માફક વર્તે. તમને ટચ પણ ન કરે. એમની કંપનીમાં તમને ક્યારેય અસલામતીની લાગણી ન થાય. એમના પર તમને સજ્જડ વિશ્વાસ બેસી જાય. એવું જ લાગે કે જેમ સ્કૂલમાં ફ્રેન્ડ્ઝ છે તેમ આ લોકો પણ ફ્રેન્ડ્ઝ જ છે, ફક્ત ઉંમરમાં થોડા મોટા છે એટલું જ. એક રાતે જે મેઇન માણસ હતો એણે કેટલાય લોકોની હાજરીમાં એકદમ જંગલીની જેમ મારા પર બળાત્કાર કર્યો. પછી સિલસિલો શરૂ થઈ ગયો. દર અઠવાડિયે મારા પર રેપ થતો. મને એક બંધ ફ્લેટમાં લઈ જવામાં આવતી. પછી જુદા જુદા પુરુષો વારાફરતી મને પીંખી નાખતા. હું મેઇન માણસને કરગરું કે પ્લીઝ હવે વધારે માણસોને અંદર ન મોકલતો, મને ઘરે જવા દે, તો એ ખડખડાટ હસતો ને મને ધમકાવીને ચૂપ કરી દેતો."
ત્રણ મહિના પછી છોકરી હિંમત કરીને પોલીસ સ્ટેશને ગઈ હતી. પુરાવારૂપે પોતાનાં કપડાં પોલીસને સુપરત કર્યાં હતાં, છતાંય કોઈની સામે કશું જ પગલું ન ભરાયું. કેમ? પોલીસે છોકરીનાં કપડાં ખોઈ નાખ્યાં અને પુરાવા વગર એક્શન કેવી રીતે લેવાય?લિઝા તેરથી પંદર વર્ષની થઈ ત્યાં સુધી આ સિલસિલો ચાલતો રહ્યો. આખરે એણે મમ્મી-પપ્પાને વાત કરી હતી. હેબતાઈ ગયેલાં મા-બાપ પોલીસ સ્ટેશને દોડયાં, પણ તેમને કહી દેવામાં આવ્યું કે અમે તમારી દીકરીની પર્સનલ સિક્યોરિટીની જવાબદારી લઈ શકીએ તેમ નથી! યાદ રહે, આ ઇંગ્લેન્ડ જેવા કહેવાતા સુધરેલા અને આધુનિક દેશની પોલીસની વાત થઈ રહી છે. પેલી ગુંડા ટોળકીએ લિઝાના આખા પરિવારને પજવવાનું શરૂ કર્યું. ઘરની બહાર કાર પાર્ક કરીને બેસી રહે. ડોરબેલ વગાડી વગાડીને પરેશાન કરે. લિઝાને ધમકી આપે કે જો હોશિયારી કરી છે તો તારી મા પર રેપ કરી નાખીશું! આખરે ત્રાસીને લિઝાના પરિવારે શહેર છોડવું પડયું. માનસિક સ્તરે લિઝા ખતમ થઈ ગઈ હતી. એ હવે પુખ્ત બની ગઈ છે, પણ સાઇકિયાટ્રિસ્ટની સારવાર આજની તારીખે પણ ચાલે છે. એની જિંદગી ધૂળધાણી કરનારી ટોળકી હજુ છૂટથી ફરે છે.
આ તો એક કિસ્સો થયો. આવા કમ સે કમ ૧૪૦૦ કિસ્સા છે, જેમાંના સેંકડો કિસ્સા લિઝાના કેસ જેટલા જ ગંભીર હોવાના. બાળકો મોં ન ખોલે તે માટે શરીર પર પેટ્રોલ છાંટીને ધમકાવવાના બનાવ પણ બન્યા છે. જો ચૂં-ચાં કરી છે તો તને સળગાવી દઈશ! પાશવી બળાત્કાર થઈ રહ્યો હોય ત્યારે એમને હાજર રખાતાં. જો અમારી વાત નહીં માને તો તારા હાલ પણ આવા જ થશે!
૨૦૧૦માં આખરે ઇંગ્લેન્ડમાં સ્થાયી થયેલા પાંચ પાકિસ્તાનીઓને જેલભેગા કરવામાં આવ્યા હતા. આ પાંચેય ટેક્સીચાલકો હતા. જોકે, રોધરહેમમાં ચાલી રહેલી ગુનાખોરી પર તે પછીય પૂર્ણવિરામ ન મુકાયું, કેમ કે એક અંદાજ મુજબ રોધરહેમના આ પ્રકારના ગોરખધંધા કરતી ૮૦થી ૯૦ એશિયનોની ટોળકી કાર્યરત છે. આઘાતની વાત એ છે કે અગાઉ છેક ૨૦૦૨, ૨૦૦૩ અને ૨૦૦૬માં પ્રશાસકો તેમજ પોલીસ અધિકારીઓને બાળકો પર થઈ રહેલા જાતીય અત્યાચારના રિપોર્ટ્સ ઓલરેડી સુપરત કરવામાં આવ્યા હતા, પણ એમણે આંખ આડા કાન કર્યા, એટલું જ નહીં, આ રિપોર્ટ્સને દબાવી દીધા. આનાં બે-ત્રણ કારણો હતાં. એક તો, એમને રિપોર્ટની વિગતો ખોટી લાગી, આંકડા 'અતિશયોક્તિપૂર્ણ અને વધુ પડતા' લાગ્યા. આ કક્ષાની ગુનાખોરી રોધરહેમમાં શક્ય જ નથી એવું તેમનું માનવું હતું. બીજું, ધારો કે આ વિગતો સાચી પુરવાર થાય તો પોતાની અક્ષમતા છતી થઈ જાય અને ત્રીજું,તેમને રંગભેદના આક્ષેપનો ડર હતો. જો એશિયન ગેંગ વિરુદ્ધ કામ ચલાવીશું તો રેસિસ્ટ ગણાઈ જઈશું! સરવાળે ગુનેગારો વિરુદ્ધ નક્કર પગલાં લેવામાં ભયંકર બેદરકારી થઈ. બાળકો પર થઈ રહેલા સેક્સ્યુઅલ અત્યાચારનો સિલસિલો ચાલતો રહ્યો. એક સ્થાનિક પોલીસ ઓફિસર ખુદ બાળકીઓ પર જાતીય અત્યાચાર કરે છે એવો આરોપ મુકાયો છે.
રોધરહેમ ચાઇલ્ડ સેક્સ અબ્યુઝ વિશે મીડિયામાં છૂટાછવાયા રિપોર્ટ્સ આવતા રહેતા હતા. ૨૦૧૦ પછી રાજકારણીઓ, પ્રશાસકો અને પોલીસ ઓફિસરો પર પસ્તાળ પડવાનું શરૂ થઈ ગયું હતું. કેટલાંયનાં માથાં વધેરાયાં, પણ સાત મહિના પહેલાં પ્રો. એલેક્સિસનો જડબેસલાક રિપોર્ટ જાહેર થતાં ઇંગ્લેન્ડ સ્તબ્ધ થઈ ગયું. આ આખેઆખો રિપોર્ટ ઇન્ટરનેટ પર અવેલેબલ છે. રોધરહેમ કેસમાં હજુ દર અઠવાડિયે નવા નવા ફણગા ફૂટી રહ્યા છે. નવી વીતકકથાઓ સામે આવી રહી છે.
Prof. Alexis Jay |
આપણે ભારતીયો આપણા સરકારી અમલદારોને ગાળો દેતા રહીએ છીએ, પણ રોધરહેમ કેસની વિગતો જાણ્યા પછી ઇંગ્લેન્ડની પોલીસ અને પ્રશાસકોની નિમ્નતા, મૂર્ખતા, ભ્રષ્ટતા અને બેજવાબદારી જોઈને હબક ખાઈ જવાય છે. તેઓ ધારત તો વર્ષો પહેલાં ગુનાખોરીનો ઘટનાક્રમ અટકાવી શક્યા હોત ને કેટલાંય બાળકોનાં જીવન રોળાઈ જતાં અટકાવી શક્યા હોત.
આવું કેમ ન કર્યું એ લોકોએ? ભારત આવીને નિર્ભયાની ડોક્યુમેન્ટરી બનાવી ગયેલી લેસ્લી અડવિનનું શું કહેવું છે આના વિશે? પોતાના દેશનો આ શર્મનાક ચાઇલ્ડ સેક્સ અબ્યુઝ કેસ એના ધ્યાનમાં આવ્યો નથી કે શું? કે પછી આમાં 'મસાલો' ઓછો પડે છે? નિર્ભયાની ડોક્યુમેન્ટરી તો બનાવી નાખી, હવે આ રોધરહેમ સેક્સ સ્કેન્ડલ પર એક ધમાકેદાર commercial ડોક્યુમેન્ટરી બનાવીને દુનિયાભરમાં ક્યારે ટેલિકાસ્ટ કરો છો, મિસ લેસ્લી?
0 0 0
Excellent Piece Shishirbhai
ReplyDelete