Sunday, March 15, 2015

મલ્ટિપ્લેક્સ : આહ, એડી! વાહ, એડી!

Sandesh - Sanskar purti - 15 March 2015
મલ્ટિપ્લેક્સ 
 'ધ થિયરી ઓફ એવરીથિંગ'જોતી વખતે આપણાં મનના એક ખૂણે સતત સવાલ સળવળતો રહે છે કે એડી રેડમેઈન આવો આબેહૂબ આંગિક અભિનય કેવી રીતે કરી શક્યો હશે!

"જોયું? મેં નહોતું કહ્યું કે આ અવોર્ડ એડી રેડમેઈન જ તાણી જશે?"
આ વખતે ઓસ્કર સેરિમનીમાં બેસ્ટ એક્ટર તરીકે 'ધ થિયરી ઓફ એવરીથિંગ'ના હીરો એડી રેડમેઈનનું નામ ઘોષિત થયું ત્યારે આવું કહેવાવાળા અને વિચારવાવાળા બહુમતીમાં હતા. બેસ્ટ એક્ટર કેટેગરીમાં આ વખતે જબરદસ્ત ટક્કર હતી છતાંય વિખ્યાત વૈજ્ઞાાનિક ડો. સ્ટીવન હોકિંગનું વ્હીલચેરબદ્ધ કિરદાર ગજબનાક રીતે પડદા પર સાકાર કરનાર એડી રેડમેઈન સર્વશ્રેષ્ઠ અભિનેતાના ખિતાબ માટે શરૂઆતથી જ ઓબ્વિયસ ચોઈસ લાગતો હતો.
ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મનું પ્રિમીયર યોજાયું ત્યારથી જ એડી ઓસ્કરના દાવેદાર ગણાવા લાગ્યો હતો અને સાથે સાથે એની તુલના ડેનિયલ ડે-લેવિસ સાથે પણ થવા માંડી હતી. ડેનિયલ ડે-લેવિસ એટલે ત્રણ-ત્રણ વખત બેસ્ટ એક્ટરનો ઓસ્કર જીતીને ઇતિહાસ સર્જી ચૂકેલા કમાલના અદાકાર. ઘણા એમને ટેક્નિકલી વિશ્વના સર્વોત્તમ એક્ટર ગણે છે. 'માય લેફ્ટ ફૂટ' (૧૯૮૯) ફિલ્મમાં એમણે ડો. સ્ટીવન હોકિંગ (સ્પેલિંગ ભલે સ્ટીફન હોય, પણ ઉચ્ચાર સ્ટીવન થાય) જેવી જ બીમારીથી પીડાતા એક અપંગ કવિની બેનમૂન ભુમિકા ભજવી હતી. આ ફિલ્મ માટે ડેનિયલ ડે-લેવિસને બેસ્ટ એક્ટર તરીકેનો પહેલો ઓસ્કર મળ્યો હતો. એડીના 'ધ થિયરી ઓફ એવરીથિંગ'નાં પર્ફોર્મન્સની તુલના ડેનિયલનાં 'માય લેફ્ટ ફૂટ'ના અભિનય સાથે થવી સ્વાભાવિક હતી. કહેનારા એવુંય કહેતા હતા કે ક્યાં ડેનિયલ ડે-લેવિસ જેવા મહાન અભિનેતા ને ક્યાં એડી રેડમેઈન જેવો હજુ ઊગીને ઊભો થતો એક્ટર. હકીકત એ છે કે ડેનિયલને 'માય લેફ્ટ ફૂટ' માટે ઓસ્કર મળ્યો ત્યારે એ પણ કંઈ વિશ્વસ્તરે ખાસ કંઈ જાણીતા નહોતા થયા. વળી, એ વખતે એમની ઉંમર એકઝેક્ટલી એટલી જ હતી, જેટલી 'ધ થિયરી ઓફ એવરીથિંગ' કરતી વખતે એડીની હતી - ૩૨ વર્ષ.
Eddie Redmayne in The Theory of Everything (Left): (Right) Daniel Day Lewis in My Left Foot

એડી રેડમેઈનનું 'ધ થિયરી ઓફ એવરીથિંગ'નું પર્ફોર્મન્સ જોઈને ખરેખર ચકિત થઈ જવાય છે. એકવીસ વર્ષની ઉંમરે ડો. સ્ટીવન હોકિંગની મોટર ન્યુરોન ડિસીઝ (એમએનડી) નામની ખતરનાક બીમારી ડિટેક્ટ થઈ હતી, જેમાં ધીમે ધીમે કરતાં શરીરના એક પછી એક અંગના સ્નાયુઓ કામ કરતા બંધ થતા જાય. આંગળી હલાવવી હોય તોય જાણે પહાડ ચડવો હોય એટલું જોર લગાવવું પડે. શરૂઆતમાં લાકડીના ટેકે ડગુમગુ ડગુમગુ ચાલી શકાય, પણ પછી આખું શરીર વ્હીલચેરને હવાલે કરી દેવું પડે. શરીરનું પડીકું વળી ગયું હોય તેમ સંકોચાઈ ગયેલાં ધડ પરથી માથું એક તરફ ઢળી પડયું હોય. પક્ષાઘાત થઈ ગયો હોય તેમ મોઢું વિકૃત થઈને વંકાઈ ગયું હોય. હાલી-ચાલી-બોલી ન શકાય. બસ, એક માત્ર દિમાગ સાબૂત હોય. 'ધ થિયરી ઓફ એવરીથિંગ'જોતી વખતે આપણાં મનના એક ખૂણે સતત સવાલ સળવળતો રહે છે કે એડી રેડમેઈન આવો આબેહૂબ આંગિક અભિનય કેવી રીતે કરી શક્યો હશે!
Eddie Redmayne on the set on The Theory of Everything

ડો. સ્ટીવન હોકિંગના રોલ માટે છ એક્ટરો કન્સિડર થઈ રહ્યા હતા, જેમાં એડી રેડમેઈનનું નામોનિશાન ન હતું. જેવી એડીને ખબર પડી કે આવી કોઈ ફિલ્મ પ્લાન થઈ રહી છે કે એ આદુ ખાઈને ડિરેકટર જેમ્સ માર્શની રીતસર પાછળ પડી ગયો. જેમ્સ માર્શ અગાઉ 'મેન ઓફ વાયર' નામની ઓસ્કર-વિનિંગ ડોક્યુમેન્ટરી બનાવી ચૂક્યા હતા. એક સાંજે જેમ્સે એને રેસ્ટોરાંમાં મળવા બોલાવ્યો. એડીએ બિયર ઓર્ડર કર્યો, જેમ્સે કોફી. બિયરના મગ અને કોફીના કપ એક પછી એક ખાલી થતા રહ્યા, વાતો થતી ગઈ. જેમ્સે જોયું કે આ છોકરાને ડો. સ્ટીવન હોકિંગનો રોલ કરવાની માત્ર ઈચ્છા નથી, એનામાં આ કિરદાર નિભાવવાની રાક્ષસી ભૂખ છે! એક પ્રોજેક્ટ પર કામ કરતા ક્રિયેટિવ માણસોનું એકબીજા સાથે 'ક્લિક' થવું બહુ જરૂરી હોય છે. એક કેમેસ્ટ્રી રચાવી જોઈએ, પ્રારંભિક પરિચય દરમિયાન બન્ને પાર્ટીને અંદરથી ગ્રીન સિગ્નલ મળવું જોઈએ કે આની સાથે કામ કરી શકાશે, આની સાથે કામ કરવાની મજા આવશે. એડી રેડમેઈન સાથે વાત કરતાં કરતાં જેમ્સ માર્શને સમજાઈ ગયું કે આ કરેક્ટ માણસ છે, એ સરસ કામ કરશે. કામ કરવાની તીવ્ર અને સાચી ઝંખના હોય તો એ સંદેશો સામેના માણસને મળી જ જતો હોય છે. જેમ્સ માર્શે એક પણ ઓડિશન લીધા વગર એડી રેડમેઈનને પોતાની ફિલ્મ માટે સાઈન કરી લીધો!
સૌથી પડકારરૂપ કામ હતું, ડો. સ્ટીવન હોકિંગ જેવી બોડી લેંગ્વેજ શીખવાનું. એડી જેવા સાજાસારા તંદુરસ્ત માણસે પોતાના શરીરને અપાહિજ બનાવવાનું હતું. એણે લંડનના ક્વીન સ્ક્વેર સેન્ટર ફોર ન્યુરોમસ્ક્યુલર ડિસીઝની અનેક વાર મુલાકાત લીધી, ડોકટરો સાથે લાંબી ચર્ચા કરી, એમએનડીથી પીડાતા પેશન્ટ્સ અને એના પરિવારને મળ્યો. એડીની મદદ માટે બે પ્રોફેશનલ્સને હાયર કરવામાં આવ્યા હતા. એક હતા ડેન સ્ટુડાર્ડ નામના ઓસ્ટિયોપેથ (સાંધા અને સ્નાયુ સંબંધિત રોગોના જાણકાર) અને બીજા હતા એલેકસ રેનોલ્ડ્સ નામનો કોરિયોગ્રાફર યા તો મૂવમેન્ટ સ્પેશિયલિસ્ટ. એલેકસે ભૂતકાળમાં 'વર્લ્ડ વોર ઝેડ' નામની ફિલ્મમાં ઝોમ્બી બનેલા એક્ટરોને મડદા જેવા શરીરે વાંકાચૂકા કેમ ચાલવું તે શીખવ્યું હતું... અને હવે એ ડો. સ્ટીવન હોકિંગની ફિલ્મ પર કામ કરી રહ્યો હતો!
તૈયારીના ભાગરૂપે એડીએ ડો. સ્ટીવન હોકિંગ વિશેનું જે કંઈ મટીરિયલ ઉપલબ્ધ હતું તે બધું જ વાંચી કાઢયું હતું - જેના આધારે ફિલ્મ બની રહી હતી તે ડો. હોકિંગની પૂર્વપત્ની જેન હોકિંગનું પુસ્તક 'ટ્રાવેલિંગ ટુ ઈન્ફિનિટીઃ માય લાઇફ વિથ સ્ટીવન', ડો. હોકિંગ લિખિત બેસ્ટસેલર 'અ બ્રિફ હિસ્ટ્રી ઓફ ટાઈમ', છાપાં-મેગેઝિનનાં કટિંગ્સ, ઈન્ટરનેટ પર અવેલેબલ સામગ્રી બધું જ. ડો. હોકિંગ વિશેના જે કોઈ વિડિયો યુટયુબ પર અથવા અન્યત્ર ઉપલબ્ધ હતું તે સઘળાનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો. ડો. હોકિંગનું મોટા ભાગનું વિડિયો ફૂટેજ ૧૯૮૦ના દાયકા અને તેના પછીનું છે, જ્યારે ફિલ્મની કહાણી દાયકાઓ પહેલાં શરૂ થાય છે. આ વચ્ચેના ગાળાના કેવળ ફોટોગ્રાફ્સ જ અવેલેબલ હતા. આ તમામ મટીરિયલ વિશે ડોકટરો સાથે થયેલી ઊંડી ચર્ચાના આધારે એક ચાર્ટ તૈયાર કરવામાં આવ્યો, જેમાં ડો. હોકિંગની બીમારી ઉંમરની સાથે શી રીતે વધતી ગઈ તેની ઝીણામાં ઝીણી વિગતો નોંધવામાં આવી. એડી આ ચાર્ટને જીવની જેમ કાયમ સાથે રાખતો. એનું કારણ એ હતું કે ફિલ્મનાં દશ્યો આડાઅવળાં ક્રમમાં શૂટ થવાનાં હતાં. એક દિવસે એડીએ પચીસ વર્ષના ડો. હોકિંગ બનવાનું હોય, તો બીજા જ દિવસે પચાસ વર્ષના ડો. હોકિંગની એકિટંગ કરવાની હોય. એડીએ જે-તે સમયગાળાને ધ્યાન રાખીને એડીએ બોડી લેંગ્વેજનું ડિટેલિંગ કરવું પડતું!
Reel and real: Eddie Redmayne with Dr. Stephen Hawking

શૂટિંગ પહેલાં એડી અસલી ડો. સ્ટીવન હોકિંગને મળવા એના કેમ્બ્રિજ સ્થિત ઘરે ગયો હતો. મનમાં સતત સવાલ ઉછળકૂદ કરતો હતો કે આ ચાર મહિના અમે સાચી દિશામાં જ મહેનત કરી હશેને? ધારો કે અમારા ફંડા જ સાવ ખોટા પડશે તો? સદ્ભાગ્યે એવું કશું ન થયું. મુલાકાત સુખદ પુરવાર થઈ. એડીએ નોંધ્યંુ કે ડો. હોકિંગની આંખોમાં વચ્ચે વચ્ચે કમાલની મસ્તીખોર ચમક આવી જાય છે. આ મહત્ત્વની વિગત પછી એણે પોતાનાં પર્ફોર્મન્સમાં ઉમેરી.
એક મુલાકાતમાં એડી રેડમેઈન કહે છે, "મોટર ન્યુરોન ડિસીઝમાં અપર ન્યુરોન અને લોઅર ન્યુરોન અલગ અલગ રીતે વર્તતા હોય. જો અપર ન્યુરોન નિષ્ક્રિય થાય તો સ્નાયુ જડ થઈ જાય અને જો લોઅર ન્યુરોન નિષ્ક્રિય થાય તો સ્નાયુ સાવ લબડી પડે. એમએનડીમાં આ બન્ને સ્થિતિનું મિક્સચર હોય છે. દાખલા તરીકે, લોઅર ન્યુરોનને લીધે તમારો પગ જકડાઈ ગયો હોય, પણ તે જ વખતે તમારી કોણીથી પંજા સુધીનો ભાગ અપર ન્યુરોનની અસર હેઠળ હોવાથી સાવ ઢીલો પડી ગયો હોય. ડાન્સર જેમ ડાન્સની મુવમેન્ટ્સ શીખે તેમ મારે આ રોગની મુવમેન્ટ્સ શીખવાની હતી. ફર્ક એટલો હતો કે ડાન્સરે સ્નાયુઓને સ્ટ્રેચ કરવાના હોય, જ્યારે મારે તે સંકોચવાના હતા."
શૂટિંગના પહેલાં જ દિવસે એડીએ ત્રણ સીન ભજવવાના હતા અને ત્રણેય સીનમાં ડો. હોકિંગના જીવનના જુદા જુદા સમયગાળો દેખાડવાનો હતો. ડિરેકટર જેમ્સ માર્શને બહુ જલદી ખાતરી થઈ ગઈ હતી કે આ છોકરો એકસ્ટ્રાઓર્ડિનરી રિઝલ્ટ આપવાનો છે!
"આ રોલની વિચિત્રતા શું છે, ખબર છે?" એડી કહે છે, "તદ્દન સ્થિર બેસવાનો શોટ હોય તેમાં મારે સૌથી વધારે એનર્જી ખર્ચવી પડતી. ચહેરો કે કોઈ અંગ ભલે હલતું ન હોય, પણ એનો અર્થ એવો નહીં કે મારે કશું કરવાનું નથી. માત્ર વ્હીલચેર પર બેસી રહેવાનું હોય તોપણ મારે ભયંકર કંટ્રોલ્ડ મુદ્રા ધારણ કરવી પડતી."

Before the tragedy : Eddie Redmayne (L) and Dr. Stephen Hawking

ફિલ્મ આખરે બની. ખુદ ડો. સ્ટીવન હોકિંગ તે જોવા બેઠા ત્યારે એડીની નર્વસનેસનો પાર ન હતો. સદ્નસીબે એડી અને આખી ટીમની મહેનત ફળી. એડીનો અભિનય અને આખેઆખી આટલી હદે કન્વિન્સિંગ લાગશે એવી અપેક્ષા ડો. સ્ટીવન હોકિંગ નહોતી રાખી. એમણે તો ત્યાં સુધી કહ્યું કે ફિલ્મ જોતી વખતે ક્યારેક તો મને એવું લાગતું હતું કે સ્ક્રીન પર એડી રેડમેઈન નહીં, હું જ છું! એડીને ખરેખરો ઓસ્કર તો ડો. હોકિંગે આ પ્રશંસા કરી ત્યારે જ મળી ગયો કહેવાય! 

એડી રેડમેઈન આજે એક ગ્લોબલ સેલિબ્રિટી બની ચૂક્યો છે. એની કરીઅર હવે કઈ રીતે આગળ વધે છે તે જોવાની આપણને બહુ મોજ પડવાની છે.

0 0 0

1 comment: