Sandesh - Sanskaar Purti - 2 March 2014
મલ્ટિપ્લેક્સ
ફરહાન અખ્તરે કોલેજનું ભણતર પડતું મૂકયું ત્યારે એની મમ્મી ભવિષ્યની ચિંતા કરી કરીને અડધી થઈ જતી હતી. એને સમજાતું નહોતું કે આ આળસુ એદી છોકરો લાઈફમાં શું ઉકાળશે. સુપર ટેલેન્ટેડ ફરહાન એ દિશાહીનતા અને અસ્પષ્ટતાના તબક્કામાંથી કેવી રીતે બહાર આવ્યો?
એક સમયે હોલિવૂડમાં મેરિલ સ્ટ્રીપ માટે જે પુછાતું તે હવે બોલિવૂડમાં પુછાય છેઃ એવું કંઈ છે ખરું જે ફરહાન અખ્તર ન કરી શકે? મેરિલ સ્ટ્રીપનો સંદર્ભ તો ખેર એક્ટિંગ પૂરતો સીમિત છે, પણ આપણા ફરહાનભાઈ તો ડિરેક્શન કરે, લખે, પ્રોડયુસર તરીકેની જવાબદારી સંભાળે, એક્ટિંગ કરે, પોતાના પર ફિલ્માવવાનાં હોય તે ગીતો જાતે ગાય, સ્ટેન્ડ-અપ કોમેડી કરે અને ટીવી શો પણ હોસ્ટ કરે. વળી, આમાંના મોટા ભાગનાં ક્ષેત્રમાં એનું પરફોર્મન્સ એવું હોય જે વહેલા-મોડું એવોર્ડવિનિંગ કક્ષાએ પહોંચતું હોય.
ફરહાન ફિલ્મી પરિવારનું ફરજંદ છે એટલે એ ફિલ્મોમાં જ કંઈક કરશે એ તો પાક્કું હતું. પપ્પા તરીકે જાવેદ અખ્તર જેવા સેલિબ્રિટી રાઈટર હોય એટલે ફિલ્મી હસ્તીઓના ઘરે આવરોજાવરો સ્વાભાવિક છે. અભિષેક બચ્ચન, રિતિક રોશન, ઉદય ચોપડા અને ફરહાન એ વખતે નાના નાના. સૌનાં ઘર પણ એક જ એરિયામાં - મુંબઈના જુહુમાં. ટેણિયાંઓ ભેગાં થાય ત્યારે એક્ટિંગ-એક્ટિંગ રમે અને સૌ એક જ વાત કરેઃ મોટા થઈને મારે બચ્ચન બનવું છે! સુપરમેન-બેટમેન નહીં, પણ અમિતાભ બચ્ચન! ફરહાન ઘરમાં ને દોસ્તો પાસે હીરો લોગની મિમિક્રી કર્યા કરે. ટીનેજર થયો ત્યારે એણે જૂઠું બોલવાનું શરૂ કરી દીધું હતું. જૂઠ છુપાવવા માટે જાતજાતની વાર્તાઓ ઘડી કાઢવી પડતી. આ કામ ફરહાન એટલી સફાઈથી કરતો કે જાવેદસા'બ અને હની ઈરાનીએ લગભગ માની લીધું હતું કે આપણો દીકરો મોટો થઈને એક્ટિંગ જ કરવાનો.
With mother: Farhan and Honey Irani |
થયું કશુંક જુદું. ભણવામાં ફરહાનને ઝાઝો રસ નહોતો. કોલેજ અધૂરી છોડીને એ ઘરમાં એદીની જેમ પડયો રહેતો. હનીને ટેન્શનનો પાર નહીં. જાવેદ અખ્તર સાથે વર્ષો પહેલાં ડિવોર્સ થઈ ગયા હતા એટલે સ્વાભાવિક છે કે એની સઘળી આશા દીકરા પર ટેકવાયેલી હોય. એ જુએ કે દીકરો દોઢ-બે વર્ષથી માત્ર સમય વેડફી રહ્યો છે. આખો દિવસ પોતાના કમરામાં પુરાઈ રહે છે, ઊંઘતો રહે છે, પિક્ચરો જોયા કરે છે, કશું જ કન્સ્ટ્રક્ટિવ કરતો નથી. તરુણાવસ્થામાં કે યુવાવસ્થા દરમિયાન આપણામાંથી ઘણાંએ આ પ્રકારની દિશાહીનતા અનુભવી છે. સમજાય નહીં કે જિંદગીમાં શું કરવું છે. માર્ગ સૂઝતો ન હોય. ગાઈડ કરવાવાળું આસપાસ કોઈ ન હોય. શાનું ગાઈડન્સ જોઈએ તે પણ ખબર ન હોય. અધૂરામાં પૂરું, જુવાન થઈ રહેલાં શરીરની વૃત્તિઓ ઉછાળા મારતી હોય... પણ જો માણસ મૂળભૂત રીતે પ્રતિભાશાળી અને સિન્સિયર હશે તો આવા ધુમ્મસ જેવા તબક્કામાં પણ એની ભીતર સતત કશુંક વલોવાતું હોય છે. એક વિચારચક્ર, એક પ્રક્રિયા ખબર ન પડે તેમ સતત ચાલ્યાં કરતાં હોય છે. સ્પષ્ટતા આખરે આમાંથી જ જન્મતી હોય છે.
ફરહાનના કાકા સાઇકોએનાલિસ્ટ છે. દિશાહીનતાના આ ગાળા દરમિયાન એક વાર એમણે ફરહાનને પૂછ્યું: "બેટા, તને ફિલ્મો જોવાનો બહુ શોખ છે?" ફરહાન કહેઃ "હા, છે તો ખરો." અંકલ કહેઃ "તું કઈ રીતે ફિલ્મો પસંદ કરે છે?" ફરહાન કહેઃ "આઈ ડોન્ટ નો! હું તો બસ, હાથમાં જે સીડી કે કેસેટ આવી જાય તે જોઈ કાઢું છું." અંકલ કહેઃ "આમ આડેધડ ફિલ્મો જોવાનું બંધ કર. એક કામ કર. તને બહુ ગમતા દસ એકટરો-ડિરેક્ટરોનું લિસ્ટ બનાવ. પછી એક-એકને પકડીને એની તમામ ફિલ્મો જોઈ કાઢ. સાથે એક ડાયરી બનાવ. એમાં લખતો જા કે કઈ ફિલ્મમાં તને શું ગમ્યું અને શા માટે ગમ્યું. આ રીતે તને એ આર્ટિસ્ટનો ગ્રોથ, એનો ગ્રાફ,એની શૈલી વગેરે વ્યવસ્થિતપણે સમજાશે."
courtesy: SantaBanta.com |
ફરહાને ડાયરી-બાયરી તો ન બનાવી પણ ગાંડાની જેમ ફિલ્મો જોવાનું જરૂર શરૂ કરી દીધં. સૌથી પહેલાં અમિતાભ બચ્ચનની ફિલ્મો જોઈ કાઢી. એક વાર હોલિવૂડના ગ્રેટ એકટર રોબર્ટ દ નીરોની ફિલ્મ 'અનટચેબલ્સ' આવી ગઈ. એમનો અભિનય જોઈને ફરહાન ચકિત થઈ ગયો. ફરહાને ફટાફટ એમની બીજી ફિલ્મો જોઈ કાઢી - 'રેજિંગ બુલ', 'ટેક્સી ડ્રાઈવર', 'મીન સ્ટ્રીટ' વગેરે. એકમાંથી બીજી બારી ખૂલતી ગઈ. રોબર્ટ દ નીરો પછી માર્ટિન સ્કોર્સેઝી, ફ્રાન્સીસ ફોર્ડ કપોલા, અલ પચીનો. ફરહાન સામે વિદેશી સિનેમાની આખી દુનિયા ખૂલી ગઈ.
ફરહાનને ફોટોગ્રાફીનો પણ શોખ હતો. સાવકી મા શબાના આઝમીના સિનેમેટોગ્રાફર ભાઈ બાબા આઝમીએ એને સ્ટિલ કેમેરા આપ્યો હતો. ફરહાન તે લઈને ફર્યા કરતો અને ચીજવસ્તુઓના, દોસ્તારોના ફોટા પાડયા કરતો. મમ્મીએ કહ્યું કે તને ફોટોગ્રાફીમાં રસ હોય તો કોઈ સિનેમેટોગ્રાફરનો આસિસ્ટન્ટ બન, કંઈક શીખ. ફરહાનને થયું, વાત તો બરાબર છે. હાલો, સિનેમેટોગ્રાફર તરીકે કરિયર બનાવીએ. સિનેમેટોગ્રાફર બનવા માટે આમ તો સારી ફિલ્મ ઈન્સ્ટિટયૂટમાં સિનેમેટોગ્રાફીનો કોર્સ કરવો પડે. ખાટલે મોટી ખોડ એ હતી કે તેમાં એડમિશન લેવા માટે સાયન્સ ગ્રેજ્યુએટ હોવું જોઈએ.
ફરહાનમિયાં પાસે ડિગ્રી-બિગ્રી તો હતી નહીં એટલે એણે મનમોહનસિંહ નામના નામી સિનેમેટોગ્રાફરના આસિસ્ટન્ટ તરીકે કામ શરૂ કર્યું.
સેટ પર કામ કરતાં કરતાં ફરહાને ફિલ્મના ડિરેક્ટરને આસિસ્ટ કરતાં છોકરાં- છોકરીઓને જોયાં. એને થયું, મારા કરતાં તો આ લોકોનું કામ વધારે ઈન્ટરેસ્ટિંગ છે. અમારે તો ફક્ત વિઝ્યુઅલ્સનું જોવાનું હોય, પણ આ લોકોએ તો સ્ટોરી, ડાયલોગ, લોકેશન, કપડાં, કન્ટિન્યુટી આ બધાંનું પણ ધ્યાન રાખવાનું હોય. તો પછી સિનેમેટોગ્રાફર બનવા કરતાં હાલો, ડિરેક્ટર બનીએ!
ફિલ્મ બનાવવા માટે એક વાર્તા જોઈએ. ફરહાને ત્રણ દોસ્તોની કહાણી લખવી શરૂ કરી. પોતાના અનુભવો, ફ્રેન્ડ્સના અનુભવો,કલ્પના આ બધું ઉપયોગમાં લઈને જે સ્ટોરી લખી એનું નામ આપ્યું, 'દિલ ચાહતા હૈ'. નેચરલી, રિતિક અને અભિષેક બાળપણના દોસ્તારો હતા એટલે સૌથી પહેલાં આ બન્નેને સ્ટોરી સંભળાવી. કાં તો ફરહાન જેવા નવા નિશાળિયાની ક્ષમતા પર ભરોસો નહીં હોય, અથવા સમયનો જેન્યુઈન પ્રોબ્લેમ હશે, પણ રિતિક -અભિષેક બન્નેએ ના પાડી દીધી. સદ્નસીબે આમિર ખાને સ્ટોરી અને ફરહાન બન્નેનું હીર પારખી લીધું. એણે હા પાડી. ફરહાનની ઇચ્છા હતી કે ડિમ્પલ કાપડિયાના પ્રેમીવાળો રોલ આમિર કરે, પણ એને બીજો રોલ પસંદ પડયો. ડિમ્પલના યંગ લવરવાળી ભૂમિકા પછી અક્ષય ખન્નાએ કરી. આમિર જેવા ટોપ-સ્ટારે હા પાડી એટલે ફરહાનમાં હિંમત અને કોન્ફિડન્સ આવ્યાં. એણે મમ્મી-પપ્પા સામે ધડાકો કર્ર્યોઃ મૈં ડિરેક્ટર બનના ચાહતા હૂં! જાવેદ અખ્તરને ચક્કર આવી ગયાં: "તું ડિરેક્શન કરીશ? પણ તારે તો હીરો બનવું હતુંને! ને વચ્ચે તેં કંઈક સિનેમેટોગ્રાફીનું પણ કરેલું, એનુ શું થયું?" ફરહાન કહેઃ "ના, પણ હવે મારે ડિરેક્શન કરવું છે અને આમિર મારી ફિલ્મમાં કામ કરવા તૈયાર પણ થઈ ગયો છે!" દીકરો સ્ક્રિપ્ટ લખવાની મથામણ કરી રહ્યો છે એની મમ્મીને ખબર હતી એટલે એને બહુ નવાઈ ન લાગી.
With dad: Farhan and Javed Akhtar |
ખેર, 'દિલ ચાહતા હૈ' આખરે બની, રિલીઝ થઈ... એન્ડ રેસ્ટ ઈઝ હિસ્ટરી! મોડર્ન અર્બન યૂથને આટલી કમાલ રીતે પેશ કરતી હિન્દી ફિલ્મ આપણે અગાઉ જોઈ નહોતી. ફિલ્મનાં તમામ પાસાં વખણાયાં. બોક્સઓફિસ પર તે સુપરહિટ થઈ. ફરહાને એદીની જેમ ગાળેલાં પેલાં બે વર્ષની આ ફળશ્રુતિ હતી. આ બે વર્ષ એની પ્રભાવશાળી કરિયરનું ટ્રેનિંગ ગ્રાઉન્ડ સાબિત થયું.
ધીમે ધીમે બધું જ બહાર આવ્યું. ફરહાનને મૂળ એક્ટર બનવું હતું. એ બન્યો. જે નહોતું ધાર્યું (ટીવી હોસ્ટ, સિંગર) એ પણ બન્યો. જો મૂળિયાં મજબૂત હોય તો જુવાનીની એક પણ ક્ષણ નકામી જતી નથી. જુવાની વેડફાઈ રહી હોય એવું બહારથી લાગતું હોય,ત્યારે પણ નહીં. માણસમાં જો વિત્ત હશે તો એની કહેવાતી આળસ, પ્રમાદ અને શિસ્તહીનતાની ભીતર પણ કશુંક બહુ જ મૂલ્યવાન, બહુ જ નક્કર ચીજ ઉછેરતી હોય છે. આવી સ્થિતિમાં આસપાસના લોકોએ ધૈર્યપૂર્વક રાહ જોવાની હોય છે. યોગ્ય સમયે તે મૂલ્યવાન ચીજ બહાર આવશે જ... ફરહાનની જેમ!
શો સ્ટોપર
મારા દાદા રાજ કપૂર રાઈટર-ડિરેક્ટર-પ્રોડયુસર બન્યા ત્યારે ૨૧ વર્ષના હતા. મેં છેક ૩૦ વર્ષની ઉંમરે પ્રોડયુસર બનવાની તજવીજ શરૂ કરી છે.
- રણબીર કપૂર
All the best, Jitatman.
ReplyDeleteબધા જ લેખો ખૂબ જ સુંદર હોય છે શિશિરભાઈ તમારા. હું નિયમિત તમારા લેખો વાંચુ છું પણ નિયમિત કમેન્ટ નથી કરી શકતો. છાપામાં ના વંચાય તો બ્લોગ પર અને બ્લોગ પર નાં વંચાય તો છાપામાં... સતત સારી સારી માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર....
ReplyDelete