Tuesday, March 25, 2014

મલ્ટિપ્લેક્સ: ટીવીનો સૌથી ઉદ્ધત માણસ કોણ?


Sandesh - Sanskaar - 23 March 2014
મલ્ટિપ્લેક્સ
'રોડીઝશોથી પોપ્યુલર બનેલા રઘુ રામની છાપ આજે સોફિસ્ટીકેટેડ ભારાડી માણસની છે. કન્ટેસ્ટન્ટ્સ છેક શો પૂરો થાય ત્યાં સુધી એનાથી ફફડતા રહે છે. સ્કૂલના જમાનામાં એ માયકાંગલા હતા અને બીજાઓનો માર ખાધા કરતાપણ આજે રઘુની આક્રમકતા જોઈને અર્ણબ ગોસ્વામી પણ બે-ચાર ટિપ્સ લઈ શકે તેમ છે!


એમટીવીનો પોપ્યુલર શો 'રોડીઝ' જેના વગર કલ્પી શકાતો નથી તે રઘુ રામ માટે વપરાતું આ વિશેષણ છે. ટકલુ. કરડી આંખો. ભડકી ઊઠતો ગુસ્સો. સામે બેઠેલો કન્ટેસ્ટન્ટ તુચ્છ મગતરું હોય તેવો એટિટયુડ. આ રઘુની ઇમેજ છે. 'રોડીઝ'ની હાલ અગિયારમી સીઝન ચાલે છે. શો હજુ પ્રોડયુસરોના મનમાં આકાર લઈ રહ્યો હતો ત્યારથી રઘુ તેની સાથે સંકળાયેલા છે. યંગસ્ટર્સમાં 'રોડીઝ'નો ભારે ક્રેઝ છે. સીઝન શરૃ થવાની હોય ત્યારે મુંબઈ, દિલ્હી, પુના, ચંડીગઢ વગેરે શહેરોમાં એનાં ઓડિશન્સ લેવાય. આખા દેશમાંથી ગાંડાની જેમ અઢારથી પચીસ વર્ષનાં છોકરા-છોકરીઓ ઊમટી પડે. સૌથી પહેલાં પોતાનો પરિચય આપતું એક ફોર્મ ભરવું પડે. પછી વીસ-પચીસ યંગસ્ટર્સની ટુકડીઓ પાડીને એમની વચ્ચે જુદા જુદા વિષયો પર હો-હો ને દેકારા વચ્ચે ગ્રુપ ડિસ્કશન થાય (શું અપરાધીઓનું દિમાગ શાંત રહે તે માટે છોકરીઓ અંગપ્રદર્શન કરતાં કપડાં ન પહેરવાં જોઈએ? લિવ-ઇન રિલેશનશિપ સારી કે ન સારી?). આમાંથી સારું પરફોર્મ કરનારાઓને અલગ તારવીને પર્સનલ ઈન્ટરવ્યૂ માટે મોકલવામાં આવે. રઘુ સાચા અર્થમાં હવે રાજાપાઠમાં આવે.
કમરામાં એક બાજુ ટેબલ-ખુરસી પર રઘુ, એમની ડિજિટલ કોપી જેવો દેખાતો જોડિયો ભાઈ રાજીવ અને વીજે રણવિજય બિરાજમાન હોય. સામે હલાલ થવા આવેલા બકરાની જેમ કન્ટેસ્ટન્ટ બેઠો (યા બેઠી) હોય. પછી શરૃ થાય સાયકોલોજિકલ મલ્લયુદ્ધ. ત્રણેય નિર્ણાયકોમાંથી ખાસ કરીને રઘુ કન્ટેસ્ટન્ટ પર એવા પ્રશ્નો, પ્રતિપ્રશ્નો, કોમેન્ટ્સ, ક્રોધ અને ઈવન ગાળોનો વરસાદ વરસે કે પેલો હાંકોબાંકો થઈ જાય, ગેંગેંફેંફેં થવા માંડે, ભડકી ઊઠે, રડી પડે, તૂટી જાય, એની બધી હોશિયારી હવાઈ જાય...અને આ જ પ્રતિક્રિયાઓમાંથી એનું અસલી વ્યકિતત્વ પણ છતું થતું જાય. એનામાં કેવોક દમ છે તે સ્પષ્ટ થવા માંડે. રોડ જર્ની દરમિયાન જે અત્યંત કઠિન ટાસ્કમાંથી ક્રમશઃ પસાર થવાનું છે, તે માટેની કાબેલિયત તેનામાં છે કે નહીં તેનો અંદાજ આવતો જાય.
Raghu, Ranvijay and Rajiv 


આ પાવર-પેકડ ઈન્ટરવ્યૂ રાઉન્ડ્સ 'રોડીઝ'ની જાન છે. ખરેખરી રોડ જર્ની કરતાંય બંધ કમરામાં લેવાતાં આ ઈન્ટરવ્યૂ જોવાની અનેકગણી વધારે મજા આવે છે, તેનું મુખ્ય કારણ રઘુ છે. એની આક્રમકતા એવી છે કે અર્ણબ ગોસ્વામી પણ બે-ચાર ટિપ્સ લઈ શકે! (એ વાત અલગ છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીની નેતા શાઝિયા ઈલ્મીનો પ્રચાર કરતી વખતે રઘુ 'રોડીઝ'ના તેવરમાં આવીને ટોચના કોંગ્રેસી નેતા માટે 'હરામી' જેવો અપશબ્દ વાપરી બેઠા હતા. જોકે, ભુલ સમજાતાં રઘુ-શાઝિયા બન્નેએ તરત માફી પણ માગી લીધી હતી.)

રઘુએ તાજેતરમાં એક અંગ્રેજી પુસ્તક બહાર પાડયું છે- 'રિઅરવ્યૂ : માય રોડીઝ જર્ની'. ૩૮-૩૯ વર્ષની ઉંમર આત્મકથનાત્મક પુસ્તક લખવા માટે આમ તો નાની કહેવાય, પણ પુસ્તક 'રોડીઝ'ના, ખાસ તો રઘુના ચાહકોને મજા પડે તેવું બન્યું છે. 'રોડીઝ' શોનું મૂળ ફોર્મેટ એવું હતું કે સાત સ્પધર્કો બાઇક પર એકસાથે નીકળી પડે અને રસ્તામાં એમને જાતજાતના અનુભવો થાય. શોનું ટાઈટલ 'સાત-સાથ' રાખવામાં આવ્યું હતું. રઘુને આ ટાઇટલ સહેજે નહોતું ગમતું. 'સાત-સાથ' એટલે શું વળી? આ કંઈ કરણ જોહરની ફિલ્મ થોડી છે? આખરે શોનાં કામચલાઉ ટાઇટલ 'રોડીઝ'ને ફાયનલાઇઝ કરવામાં આવ્યું.
સ્કૂલ, કોલેજ અને હોસ્ટેલનાં વર્ષોમાં આપણને એક વાત સમજાઈ જતી હોય છે કે ભલે માણસ ગમે તેટલો સુસંસ્કૃત અને શિક્ષિત બને, પણ આખરે તો એ 'પ્રાણી' છે. અમુક પરિસ્થિતિઓમાં બુદ્ધિ, સંસ્કાર, સ્વભાવ, બેકગ્રાઉન્ડ કશું જ કામ આવતું નથી, કામ આવે છે કેવળ શારીરિક તાકાત, ખુદને બચાવવા માટે સામેવાળા પર શારીરિક પ્રહાર કરી શકવાની ક્ષમતા. રઘુની છાપ આજે ભારાડી માણસ તરીકેની છે, 'રોડીઝ'ના કન્ટેસ્ટન્ટ્સ છેક શો પૂરો થાય ત્યાં સુધી એનાથી ફફડતા રહે છે, પણ એ દિલ્હીમાં સ્કૂલના ભણતર વખતે હકીકત ઊલટી હતી. નવમા ધોરણમાં આવ્યા ત્યાં સુધી જોડિયા ભાઈઓનો અવાજ 'ક્રેક' થયો નહોતો. દાઢીમૂછના વાળ પણ બીજા છોકરાઓની સરખામણીમાં મોડા ઊગ્યા. સિનિયર છોકરાઓ સતત આ દુબળાપાતળા જંતુડાને દબાવ્યા કરે. કારણ વગર મારતા રહે. બધી સ્કૂલોમાં આવા દાદા ટાઇપના છોકરાઓ હોય છે.

માર પડે ત્યારે ફકત શરીર પર નહીં, આત્મસન્માન પર પણ ઘા થતો હોય છે. એક દિવસ રઘુએ વિચારી લીધું: ઇનફ ઇઝ ઇનફ. હવે હું વધારે માર નહીં ખાઉં. બીજા દિવસે રિસેસમાં આદત મુજબ પેલા મવાલી છોકરાઓએ વાયડાઈ શરૃ કરી. રઘુને કારણ વગર ધક્કે ચડાવ્યો, એક-બે લાફા ઠોકી દીધા, પેટમાં ઘુસ્તા માર્યા. આસપાસ ઊભેલા બીજા છોકરાઓ હસવા લાગ્યા. ટીનેજર રઘુ આજે સમસમીને ચૂપ ન રહ્યો. એણે પોતાનો સાંઠીકડા જેવો હાથ ઊગામ્યો અને પેલા છોકરાને સામી ઝીંકી દીધી. છોકરો ચમકી ગયો. આ મચ્છરે મને માર્યું? એ રઘુ પર તૂટી પડયો. રઘુ પણ પોતાનાથી થાય એવો પ્રતિકાર કરતો રહ્યો. બાહુબળના મામલામાં બન્ને વચ્ચે કોઈ તુલના જ નહોતી, રઘુના મુક્કા કદાચ પેલાના શરીર પર બરાબર પડતા પણ નહોતા. તે દિવસે રઘુને ઊલટાનો રોજ કરતાં વધારે માર પડયો, પણ રઘુ માટે તે વાત મહત્ત્વની નહોતી. એના માટે મોટી વાત આ હતીઃ આજે હું લડયો, મેં ચુપચાપ સહન ન કર્યું, મેં સામનો કર્યો!
"તે ઘટના પછી પણ મારું માર ખાવાનું કંઈ બંધ નહોતું થયું," રઘુ કહે છે, "મને ધીબેડવાનો કાર્યક્રમ ચાલુ જ રહ્યો, સ્કૂલે જવાના વિચાર માત્રથી મને ત્રાસ થતો, પણ આજે ટીવી પર લોકો જે આક્રમક રઘુને જુએ છે એનો જન્મ પેલી દસ મિનિટમાં થયો. પછી તો ખેર ઘણું બન્યું. મારા અને રાજીવ જેવા માયકાંગલા છોકરાઓએ ગેંગ બનાવી. અમે બધા ભેગાભેગા જ ફરતા એટલે પરિસ્થિતિ જરા સુધરી. પછી સ્કૂલ બદલી. અમારો દેખાવ પુરુષ જેવો થવા લાગ્યો. આત્મસન્માનનું સ્તર ઊંચકાયું. વ્યકિતત્વમાં સેલ્ફ-ડિફેન્સ માટે જરૃરી હોય એવી કરડાકી આવતી ગઈ. કહેવાનો મુદ્દો એ છે કે મવાલીઓને ઉપદેશ આપવા ન બેસાય. એમના પર હાથ જ ઉગામવો પડે. એ આપણા કરતાં વધારે જોરાવર હોય તોપણ. એને સ્પષ્ટ સંદેશો મળી જવો જોઈએ કે જો હું એક ઘુસ્તો મારીશ તો સામે બે ઘુસ્તા ખાવા પડશે. એક વાર એને આ સમજાઈ જશે એટલે હાથ ઉગામતા પહેલાં બે વાર વિચાર કરશે. અલબત્ત, આ બધામાં આપણને ખુદને ખૂબ માર ખાવો પડશે, ઉઝરડા પડશે, દાંત તૂટશે, લોહી નીકળશે, પણ કમ સે કમ ખુદની નજરમાંથી નીચા નહીં પડીએ."
'રોડીઝ'માં કન્ટેસ્ટન્ટ્સ સામે એક સવાલ સતત ઊભો થતો રહે છેઃ વિનિંગ ઓર રિસ્પેકટ? જુઠું બોલીને, છળકપટ અને દગાબાજી કરીનેય ટાસ્ક જીતવી છે? કે પછી, બીજાઓની અને ખુદની નજરમાં સન્માનનીય બનવું છે? શોના બંધારણમાં આ જે છટા ઊપસી છે એનાં મૂળિયાં પણ કદાચ રઘુની તરુણાવસ્થાના અનુભવોમાં દટાયેલા છે.
અગિયારમી સીઝન સુધી પહોંચી ગયેલો આ શો જે રીતે આકાર લઈ રહ્યો છે, એમાં ભાગ લઈ ચૂકેલા યંગસ્ટર્સને જે રીતે મિની-સિલિબ્રિટી સ્ટેટસ મળે છે, જે રીતે એમાંના કેટલાયની કરીઅર બની ગઈ છે તે જોતાં 'રોડીઝ'નું આયુષ્ય ઘણું લાંબુ હોવાનું.
શો-સ્ટોપર

મહિલાપ્રધાન ફિલ્મો કરવાની બહુ મજા આવે. સેટ પર તમારું નામ લખેલી સ્પેશિયલ ખુરશી હોય. મલ્ટિસ્ટારર ફિલ્મોમાં આવી આળપંપાળ ન થાય.
- કંગન રનૌત

No comments:

Post a Comment