Tuesday, December 17, 2013

ટેક ઓફ : મન મારું લઈ જાય ત્યાં જાવું

Sandesh - Ardh Saptahik Purti - 18 Dec 2013

ટેક ઓફ 

જીવનમાં કુંઠિત કરી નાખે એવી જીવલેણ પરિસ્થિતિઓ અને પીડાઓ ત્રાટકે ત્યારે ઘાંઘાં થઈ જવાને બદલે રાજેન્દ્ર શાહની આ પંક્તિઓ યાદ કરવાનીઃ આપણાં દુઃખનું કેટલું જોર? નાની એવી જાતક વાતનો નહીં મચાવીએ શોર! નિબિડ રાતનાં કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર...
રાજેન્દ્ર શાહ
  
મીઠી અતિશયોક્તિ કરીને કહીએ તો આવતા શુક્ર-શનિ-રવિ દરમિયાન ગુજરાતનાં ત્રણ શહેરો નડિયાદ, કપડવંજ અને વલ્લભવિદ્યાનગર - રાજેન્દ્ર શાહમય બની જવાનાં છે. વીસમી સદીના આ મૂઠી ઊંચેરા કવિનું નવી દિલ્હીની સાહિત્ય અકાદમીએ દરજ્જેદાર શતાબ્દીસ્મરણ સમારોહનું આયોજન કર્યું છે. માત્ર ગુજરાતી ભાષાના જ નહીં, બલકે રાષ્ટ્રીય સ્તરના અન્ય ભાષી કવિઓ પણ એમાં ભાગ લેવાના છે.
૧૯૧૩માં જન્મેલા કવિ રાજેન્દ્ર શાહ ૯૬ વર્ષનું દીર્ઘાયુ પામ્યા અને ચિક્કાર કાવ્યસર્જન કર્યું. તેમનાં કાવ્યોનો વ્યાપ ચકિત કરી મૂકે એવો છે. એક તરફ ટાગોર-શ્રીધરાણીથી પ્રભાવિત સંસ્કૃત પ્રચુર સૌંદર્યલક્ષી રચનાઓ છે તો બીજી તરફ લોકગીતની ઊંચાઈ ધારણ કરી ચૂકેલી અતિ લોકપ્રિય તળપદી કૃતિઓ છે. જેના વગર નવરાત્રિનો થનગાટ બિલકુલ અધૂરો રહી જાય તે "ઈંધણાં વીણવાં ગૈ'તી મોરી સૈયર" ગીતના રચયિતા રાજેન્દ્ર શાહ છે, તે કેટલા ખેલૈયાઓ જાણતા હશે? ભર્યા બપોરે ઈંધણાં (એટલે કે ઈંધણ, છાણાં) વીણવાં સીમમાં ગયેલી ગામડાગામની મુગ્ધાની અનુભૂતિ સાંભળોઃ
ઈંધણાં વીણવાં ગૈ'તી મોરી સૈયર
ઈંધણાં વીણવાં ગઈ'તી રે લોલ,
વેળા બપોરની થૈ'તી મોરી સૈયર
વેળા બપોરની થઈ'તી રે લોલ.
ચઇતરનું આભ સાવ સૂનું સૂનું ને તોય
કંઈથી કોકિલકંઠ બોલે રે લોલ,
વનની વનરાઈ બધી નવલી તે કૂંપળે,
દખ્ખણને વાયરે ડોલે રે લોલ.

ઈંધણાં તો એક બહાનું હતું સીમમાં જવાનું. ખરું કારણ છે પ્રિયતમને મળવાનું, એની સાથે ભીનો ભીનો સમય વીતાવવાનું. મુગ્ધા આ વાત પોતાની સહિયરને આ રીતે કહે છેઃ
જેની તે વાટ જોઈ રૈ'તી મોરી સૈયર
જેની તે વાટ જોઈ રહી'તી રે લોલ.
તેની સંગાથ વેળ વૈ'તી મોરી સૈયર
તેની સંગાથ વેળ વહી'તી રે લોલ.
સૂકી મેં વીણી કાંઈ ડાળી ને ડાળખી,
સૂકાં અડૈયાં ને વીણ્યાં રે લોલ,
લીલી તે પાંખડીમાં મ્હેકંત ફૂલ બે'ક
મોર અંબોડલે ખીલ્યા રે લોલ.
વાતરક વ્હેણમાં નઈ'તી મોરી સૈયર,
વાતરક વ્હેણમાં નહી'તી રે લોલ.
ઈંધણાં વીણવાં ગૈ'તી મોરી સૈયર
ઈંધણાં વીણવાં ગઈ'તી રે લોલ.

કેટલી સાદગીભરી છતાં કેટલી અસરકારક રચના. 'કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે, મૂઈ રે એની મ્હેક, કલેજે દાવ ઝાઝેરો લાગ્યો રે' પણ ખૂબ જ લોકપ્રિય ગીત, જેની એક કડીમાં કવિ કન્યા પાસે બોલાવડાવે છેઃ
તાવ હોય જો કડો ટાઢિયો
કવાથ કૂલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો
ભૂવો કરી મંતરીએ.
રુંવે રુંવે પીડ જેની એ તો જડે નહીં કહીં ભાંગ્યો રે
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

ઈંધણાં વીણવાં ગયેલી પેલી મુગ્ધા અને વનવગડામાં પ્રેમડંખ ખાઈને આવેલી નાયિકા બન્ને એક જ છે? કદાચ! અહીં તો ખેર કુમળી વયે થયેલા સુકુમાર પ્રેમની મીઠી વેદનાની વાત છે, પણ જીવનમાં આગળ જતાં કુંઠિત કરી નાખે એવી જીવલેણ પરિસ્થિતિઓ અને પીડાઓ આવવાની. આવા સમયે ઘાંઘાં થઈ જવાને બદલે રાજેન્દ્ર શાહની આ પંક્તિઓ યાદ કરવાનીઃ
આપણાં દુઃખનું કેટલું જોર?
નાની એવી જાતક વાતનો નહીં મચાવીએ શોર!
નિબિડ રાતનાં કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.



જ્ઞાનપીઠ વિજેતા કવિ રાજેન્દ્ર શાહની આ લોકપ્રિય મુદ્રા થઈ. એમના માંહ્યલાની અલગારી મુદ્રા જોવી હોય તો 'નિરુદ્દેશે' કાવ્ય પાસે જવું પડેઃ
નિરુદ્દેશે
સંસાર મુજ મુગ્ધ ભ્રમણ
પાંશુ-મલિન વેશે.

આ જીવન એ કેવળ મુગ્ધ અને મુક્ત ભ્રમણ નહીં તો બીજું શું છે! કવિ નિર્ભાર થઈને, અલ્હડ બનીને, કોઈ જ સવાલ કર્યા વગર મન થાય ત્યાં, જ્યાં પ્રેમ દેખાય ત્યાં જવાની વાત કરે છેઃ
મન મારું લઈ જાય ત્યાં જાવું
પ્રેમને સન્નિવેશે.
પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ
ત્યાં જ રચું મુજ કેડી,
તેજછાયા તણે લોક, પ્રસન્ન-
વીણા પર પૂરવી છેડી,
એક આનંદના સાગરને જલ
જાય સરી મુજ બેડી,
હું જ રહું વિલસી સહુ સંગ ને
હું જ રહું અવશેષે.

રાજેન્દ્ર શાહની કવિતાની વાત માંડી હોય ત્યારે 'આયુષ્યના અવશેષે'ની સોનેટમાળાનો ઉલ્લેખ ન કરીએ તો ગોઠડી અધૂરી રહી જાય. આ સોનેટ જેટલાં લાગણીભર્યાં છે એટલાં ચિત્રાત્મક પણ છે. એક સોનેટમાં કોણ જાણે કેટલાય સમયથી બંધ પડેલા વતનના ઘરમાં નાયક પ્રવેશે છે અને તે સાથે જ સ્વજનોની સ્મૃતિઓ એને ઘેરી વળે છેઃ
મુખ મરકતું માનું જેના સ્વરે ઘર ગુંજતું,
નિતનિત વલોણાનાં એનાં અમી ધરતી હતી.
સુરભિ હતી જ્યાં સૌની વાંછા સદા ફળતી હતી,
અવ અહીં ઝૂલે ખાલી સીકું, વિના દધિ ઝૂરતું.

મા હતી ત્યારે ઘર એના મલકાટથી છલકતું રહેતં, એના ઉલ્લાસભર્યા અવાજોથી ઘર ગુંજતું રહેતું. આજે મા નથી. હવે વલોણાં ઘૂમતાં નથી અને માખણનો ઝુરાપો વેઠી રહેલું ખાલી શીકું અર્થહીન ઝુલી રહૃં છે...
 સિતાંશુ યશશ્ચંદ્ર
૧૯-૨૦-૨૧ ડિસેમ્બરે યોજાઈ રહેલા રાજેન્દ્ર શાહ શતાબ્દીસ્મરણ સમારોહમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર કવિ સિતાંશુ યશશ્ચંદ્ર,રાજેન્દ્ર શાહને પોતાના કાવ્યગુરુ ગણે છે. સાહિત્ય અકાદમી (દિલ્હી)ના ગુજરાતી એડવાઈઝરી બોર્ડના કન્વેનર સિતાંશુ યશશ્ચંદ્ર કહે છે, "૧૯૬૦-૬૫ દરમિયાન મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણતો હતો ત્યારે અમે દર ગુરુવારે રાજેન્દ્ર શાહને મળીએ. અમે એટલે ઘણું કરીને મણિલાલ દેસાઈ, દિલીપ ઝવેરી, હરીન્દ્ર દવે, જયંત પારેખ અને હું. ચીરાબજારમાં રાજેન્દ્ર શાહનું પ્રિન્ટિંગ પ્રેસ હતું. તેમાં પુસ્તકો પણ છપાય અને આમંત્રણ પત્રિકાઓ જેવી સામગ્રી પણ છપાય. કમ્પોઝિટર બીબાં લઈને આવે એટલે કવિ લોખંડની ફૂટપટ્ટી અને મેગ્નિફાઈંગ ગ્લાસ કાઢે. ઈંચેઈંચ ધ્યાનથી માપે. એક બાજુ ખટાખટ મશીન ગાજતું હોય અને સાથે સાથે અમારું ગુરુવારિયું ચાલતું હોય. અમે નવશીખીયાઓ જે કંઈ લખીને લાવ્યા હોઈએ તે કાઢીને વાંચીએ ત્યારે કવિ અમારી કવિતાના લયના પણ ઈંચેઈંચ માપે. અમારી રચનાઓને એટલી ચીવટથી તપાસે કે અમને થાય કે કવિતાના મીટર માપવા ક્યાંક પેલી લોખંડની ફૂટપટ્ટી કાઢશે કે શું! ક્યારેક અમને ઘરે જમવા લઈ જાય. એમનાં પત્ની મંજુબહેન બહુ જ સ્વાદિષ્ટ પુરણપોળી બનાવતાં. થાળીમાં ત્રણચાર ચમચી મૂકી હોય. કવિની સ્પષ્ટ સૂચના હોય કે દાળની ચમચી દૂધપાકની વાટકીમાં નહીં બોળવાની. સ્વાદમાં સેળભેળ થઈ જાય. અલગ અલગ પ્રવાહી વ્યંજન માટે જુદી જુદી ચમચી જ વાપરવાની! આમ, રાજેન્દ્ર શાહ માત્ર છપાવા જઈ રહેલી સામગ્રી કે કવિતામાં જ નહીં, સ્વાદમાં પણ તસુએ તસુ માપે! એ જે કંઈ કરતા ભારે ઉત્કટતાથી કરતા. હી વોઝ સચ અ પેશનેટ મેન!'
પેશનેટ કવિને આપણાં પ્રેમભર્યાં પ્રણામ.        

0 0 0

1 comment:

  1. ખુબ સરસ.. આપના આ વિચાર માટે ધન્ય વાદ ..સાથે આવી સુંદર અને માહિતી સભર ગુજરાતી વેબ સાઈટ બદલ http://www.jeevanshailee.com (ગુજરાતી વિચાર સંગ્રહ) તરફથી સૌ વાચકોને ધન્યવાદ. હું વેબ સાઇટ બનાવનારના આ પ્રયાસો ને બિરદાવું છું અને હમેશા આપ આ કાર્ય માં આગળ વધો એવી મારી અંતહ કારણ ની શુભેચ્છાઓ . ખુબ ખુબ ધન્ય વાદ..

    ReplyDelete