Sunday, December 29, 2013

હૉલીવૂડ હન્ડ્રેડ : 54 : ‘ટેક્સી ડ્રાઈવર’

Mumbai Samachar_Matinee Purti_ 27 Dec 2013

હૉલીવૂડ હન્ડ્રેડ : મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

એક અકેલા ઈસ શહર મેં...



ગ્રેટ ફિલ્મમેકર માર્ટિન સ્કોર્સેઝી  અને ગ્રેટ એક્ટર રોબર્ટ દ નીરો ભેગા થાય ત્યારે ફક્ત કમાલ થઈ શકે. રાઈટર-ડિરેક્ટરે પાત્રાલેખન કરતી વખતે બહુ વિગતો ન મૂકી હોય તો પણ માત્ર સંવેદનાના આધારે કેરેક્ટરને કેટલી અદ્ભુત રીતે ઉપસાવી શકાય એ રોબર્ટ દ નીરોએ ‘ટેક્સી ડ્રાઈવર’ના ટાઈટલ રોલ થકી દેખાડી આપ્યું છે 




Film No. 54. ‘ટેક્સી ડ્રાઈવર’


હાન ફિલ્મમેકર માર્ટિન સ્કોર્સેઝી અને મહાન અદાકાર રોબર્ટ દ નીરો - આ બન્નેને એકબીજાની કરીઅરને ઊંચાઈ પર પહોંચાડવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. સ્કોર્સેેઝી- દ નીરોની જોડીએ અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે, જેમાંની એક કરતાં વધારે ફિલ્મો ‘ધ ગ્રેટેસ્ટ ફિલ્મ્સ ઓફ ઓલ ટાઈમ’ લિસ્ટમાં સ્થાન પામી છે. આજે એમાંની એક ‘ટેક્સી ડ્રાઈવર’ વિશે વાત કરીએ.

ફિલ્મમાં શું છે?

ટ્રેવિસ બિકલ (રોબર્ટ દ નીરો) નામનો એક અમેરિકન જુવાનિયો છે. વિયેતનામ વૉર વખતે એ અમેરિકન નૌકાદળમાં કામ કરતો હતો. હાલ ન્યૂયોર્ક જેવા ધમધમતા શહેરના કોઈ ખખડધજ ફ્લેટમાં એકલો રહે છે. એ મૂળ ક્યાંનો છે, એનાં માતા-પિતા ક્યાં રહે છે તે વિશે કોઈ સ્પષ્ટતા થતી નથી. મા-બાપ સાથે જાણે માત્ર ક્રિસમસ, બર્થડે હોય ત્યારે મા-બાપને કાગળ કે કાર્ડ લખવા સિવાય જાણે કોઈ સંબંધ બચ્યો નથી. અધૂરામાં પૂરું બાપડો તીવ્ર અનિદ્રાની બીમારીથી પીડાય છે. દિવસે ફાલતું થિયેટરોમાં જઈને પોર્નોેગ્રાફિક ફિલ્મો જોયા કરે અને રાતે સમય પસાર થઈ જાય તે માટે ટેક્સી ડ્રાઈવર તરીકે કામ કરે. મધરાતે કોઈક જગ્યાએ લૂસ-લૂસ ખાઈ લે, કૉફી પીધા કરે. માથાફરેેલ ટ્રેવિસ ઓછોબોલો ને અતડો છે, પણ વિઝાર્ડ નામના ઑર એક ટેક્સી-ડ્રાઈવર સાથે એને થોડીઘણી દોસ્તી થઈ ગઈ છે. ન્યૂયોર્કમાં ગુંડાગીરી અને વેશ્યાવૃત્તિ એટલી વધી ગઈ છે કે આ શહેર હવે રહેવા જેવું રહ્યું નથી એ ટાઈપની વાતો બન્ને વચ્ચે થયા કરતી હોય.

તદ્દન શુષ્ક અને યાંત્રિક જિંદગી જીવન જીવતા ટ્રેવિસને બેટ્સી (સિબિલ શેફર્ડ) નામની યુવતી પસંદ છે. અમેરિકાના પ્રેસિડન્ટની ચૂંટણી લડી રહેલા એક સેનેટર માટે બેટ્સી પ્રચારનું કામ કરે છે. શરૂઆતમાં તો બેટ્સીને પણ ટ્રેવિસ ગમી જાય છે. એક વાર ટ્રેવિસ એને ડેટ પર લઈ જાય છે. ક્યાં? એક પોર્નોેગ્રાફિક ફિલ્મ જોવા. બેટ્સી ભડકી ઊઠે છે: તું મને સમજે છે શું? આવી ગંધારી પિક્ચર દેખાડવા તું મને લઈ આવ્યો છે? એ ટ્રેવિસને તરછોડીને જતી રહે છે. ટ્રેવિસને પોતાની ભૂલ સમજાય છે. બીજા દિવસે બેટ્સીને મનાવવાની કોશિશ પણ કરે છે, પણ બેટ્સીનું મન હવે એના પરથી ઊઠી ગયું છે.





એકવાર રાતે ટેક્સીમાં રઝળપાટ કરતી વખતે ટ્રેવિસનો ભેટો આઈરિસ (જુડી ફોસ્ટર) નામની વેશ્યા સાથે થાય છે. વાસ્તવમાં આઈરિસ વેશ્યા નહીં, પણ બાળવેશ્યા છે. એ ફક્ત બાર જ વર્ષની છે. મેથ્યુ ‘સ્પોર્ટ’ હિગિન્સ (હાર્વે કીટલ) નામના દલાલની ચુંગાલમાંથી બચવા એ ટ્રેવિસની ટેક્સીમાં ઘૂસી જાય છે, પણ સ્પોર્ટ એને ઢસડીને લઈ જાય છે. કોણ જાણે કેમ પણ આ છોકરી ટ્રેવિસના દિમાગમાંથી ખસતી નથી. કોણ હશે આ માસૂમ બાળકી? કેમ અવળા રસ્તે ચડી ગઈ છે એ? શું મજબૂરી હશે એની? ટ્રેવિસ મનોમન નક્કી કરી લે છે કે હું છોકરીને ગમે તેમ કરીને આ ગંદકીમાંથી બહાર કાઢીને જ રહીશ. એ દિવસે આઈરિસને મળીને એને સમજાવે છે, પોતાનાં મા-બાપ પાસે જવા એના હાથમાં પૈસા પણ મૂકે છે.

ટ્રેવિસનું વર્તન ધીમે ધીમે વધારે વિચિત્ર અને આક્રમક બનતું જાય છે. એ વિચિત્ર રીતે માથું મૂંડાવે છે. (‘બિગ બોસ’માં એક ટાસ્ક દરમિયાન અપૂર્વ અગ્નિહોત્રી અને સંગ્રામ સિંહે એક ટાસ્ક દરમિયાન માથાં પર વચ્ચે વાળનો જથ્થો છોડીને બન્ને સાઈડથી ટકલું કરાવ્યું હતું, યાદ છે? બસ, એવું જ કંઈક.) એની પાસે ગન છે અને એ ચૂંટણી લડી રહેલા પેલા સેનેટરને ઉડાવી દેવા માગે છે. સેનેટરની એક સભા વખતે એ ગન લઈને નીકળે પણ છે, પણ સિક્યોરિટી એજન્ટસને એના પર શંકા જતા એ શૂટઆઉટનો વિચાર માંડી વાળે છે. એના હાથમાંથી હજુ ખજવાળ ગઈ નથી. એ પેલી બાળવેશ્યા આઈરિસના દલાલને ઉડાવી દે છે. એના વેશ્યાવાડામાં જઈને બાઉન્સર જેવા દેખાતા માણસ પર ગોળી ચલાવીને જીવ લે છે. એ પોતે પણ ઘાયલ થાય છે. લોહીની હોળી ખેલ્યા પછી ટ્રેવિસ આત્મહત્યા કરવાની કોશિશ કરે છે, પણ બંદૂકમાં ગોળી ખૂટી પડી છે. પોલીસ આવે છે. આઈરિસને એનાં માબાપ પાસે મોકલી દેવામાં આવે છે. ગળગળું થઈ ગયેલું દંપતી ટ્રેવિસને કાગળ લખીને આભાર વ્યક્ત કરે છે. ટ્રેવિસે એક સારું કામ કર્યું છે તેથી મીડિયા એની નોંધ લે છે.






ફિલ્મના અંતમાં બેટ્સી સાથે ફરી એની મુલાકાત થાય છે. બેટ્સી એની ટેક્સીમાં બેસે છે, સામેથી એની સાથે વાતો કરે છે, એનું જે નામ થયું છે તેના વિશે ચર્ચા કરે છે, પણ ટ્રેવિસ હવે એના પ્રત્યે ઉદાસીન થઈ ગયો છે. એ બેટ્સીને એનાં ગંતવ્યસ્થાને ઉતારે છે અને ટેક્સીભાડું ધરાર લેતો નથી. રિઅરવ્યૂ અરીસામાં બેટ્સી તરફ અછડતી નજર ફેંકીને એ રવાના થઈ જાય છે.


કથા પહેલાંની અને પછીની

‘ટેક્સી ડ્રાઈવર’ ડિરેક્ટ કરવા માટે સૌથી પહેલાં બ્રાયન દ પાલ્માનો અપ્રોચ કરવામાં આવ્યો હતો. કોઈક કારણસર બ્રાયને પ્રોજેક્ટ છોડ્યો ને તેમના સ્થાને માર્ટિન સ્કોર્સેઝી ગોઠવાઈ ગયા. રોબર્ટ દ નીરોને ૩૫,૦૦૦ ડોલરમાં સાઈન કરવામાં આવ્યા હતા, પણ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું હતું એ જ અરસામાં એમને ‘ધ ગોડફાધર’ પાર્ટ ટુ માટે ઓસ્કર એવૉર્ડ મળ્યો. પ્રોડ્યુસરોને ટેન્શન થઈ ગયું કે રોબર્ટ દ નીરો હવે વધારે પૈસાની માગણી કરશે. સદ્ભાગ્યે, એવું ન થયું. રોબર્ટ દ નીરોએ એમને ખાતરી આપી કે ફિકર ન કરો, જેટલા પૈસા નક્કી થયા છે એટલા જ મને આપજો. 



Martin Scorsese

એક થિયરી એવી છે કે લેખક પૉલ શ્રેડરે માત્ર પાંચ દિવસમાં ફિલ્મની સ્ક્રિપ્ટ લખી નાખી હતી. કોઈક જગ્યાએ ત્રીસ દિવસનો સમય નોંધાયો છે. એવુ પણ કહેવાય છે કે સતત પ્રેરણા મળતી રહે તે માટે પૉલ ફિલ્મ લખતી વખતે ટેબલ પર ભરી બંદૂક મૂકી રાખતા! ‘ટૅક્સી ડ્રાઈવર’ની વાર્તા કંઈક અંશે આત્મકથનાત્મક છે. લેખક પૉલ શ્રેડર નર્વસ બ્રેકડાઉનમાંથી તાજા તાજા પસાર થયા હતા. એમના ડિવોર્સની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હતી. મિત્રો દૂર થઈ ગયા હતા. ભયંકર એકલતા અનુભવી રહ્યા હતા એ. અઠવાડિયાઓ સુધી એ કોઈની સાથે એક શબ્દ નહોતા બોલતા. આ અરસામાં તેમને બંદૂકો પ્રત્યે ગજબનું વળગળ થઈ ગયું હતું. દિવસોના દિવસો સુધી એ કારમાં એકલા એકલા ફર્યા કરતા. એમને થતું કે હું ટેક્સી ડ્રાઈવર હોત તો? લોસ એન્જલસથી ન્યૂયોર્ક શિફ્ટ થઈને તેમણે ટેક્સી ડ્રાઈવર બનવાનો લગભગ નિર્ણય લઈ લીધો હતો.



પૉલ ‘ટેક્સી ડ્રાઈવર’માં ખાસ તો એકલતા વિશે લખવા માગતા હતા સ્વાનુભાવ ઉપરાંત બે પુસ્તકોનાં વાંચનને લીધે એમને ક્રિયેટિવ ધક્કો અનુભવાયો. એક તો, આર્થર બ્રીમર નામના માણસની પુસ્તકરૂપે પ્રકાશિત થયેલી ડાયરી પરથી. આર્થરે પ્રેસિડન્શીયલ ચૂંટણીમાં ઝુકાવવા માગતા જ્યોર્જ વૉલેસ પર ગોળી ચલાવી હતી. આ ગુના માટે તેમને સજા પણ થઈ હતી. મહાન રશિયન લેખક દોસ્તોવ્યસ્કીએ પોતાના કારાવાસના અનુભવો ‘નોટ્સ ફ્રોમ અન્ડરગ્રાઉન્ડ’ પુસ્તકમાં આલેખ્યા છે. આ પુસ્તકે પણ ધારી અસર કરી. 







ટાઈટલ રોલમાં રોબર્ટ દ નીરોએ કમાલ કરી છે. તીવ્ર એકલતા અનુભવતો ટેક્સી ડ્રાઈવર માનવસંબંધો કાપીને બેઠો છે. એ સંબંધ બનાવવા, કનેક્ટ થવા માગે છે, પણ એમ કરી શકતો નથી. એ ખૂલવા માગે છે, પણ ખૂલી શકતો નથી, સફળતાપૂર્વક કે અર્થપૂર્ણ રીતે કમ્યુનિકેટ કરી શકતો નથી. અંદરને અંદર ધૂંધવાયા કરે છે. રાઈટર-ડિરેક્ટરે પાત્રાલેખન કરતી વખતે બહુ વિગતો ન મૂકી હોય તો પણ માત્ર સંવેદનાના આધારે કેરેક્ટરને કેટલી અદભુત રીતે ઊપસાવી શકાય એ રોબર્ટ દ નીરોએ આ રોલ થકી દેખાડી આપ્યું. અરીસામાં પોતાના પ્રતિબિંબને જોઈને ‘આર યુ ટોકિંગ યુ મી?’ ડાયલોગ અને તે સીન અવિસ્મરણીય બની ગયો છે. તે આખો સીન રોબર્ટ દ નીરોએ જાતે ઈમ્પ્રોવાઈઝ કરેલો છે.

બ્રાયન દ પાલ્મા ડિરેક્ટર તરીકે પસંદ થયેલા ત્યારે બાળવેશ્યા તરીકે મેલેની ગ્રિફિથને પસંદ કરી હતી, પણ માર્ટિન સ્કોર્સેઝીએ જુડી ફોસ્ટને કાસ્ટ કરી. જુડી એ વખતે ખરેખર બાર વર્ષની હતી. એ ત્રણ વર્ષની ઉંમરથી બાળકલાકાર તરીકે કામ કરતી આવી છે. એની હરીફાઈમાં બીજાં નામો પણ હતાં, જે આગળ જતાં જાણીતાં બન્યાં: કેરી ફિશર, બો ડેરેક, મિશેલ ફાઈફર વગેરે. શૂટિંગ શરૂ કરતાં પહેલાં કેલિફોર્નિયાના લેબર બોર્ડના લૉ પ્રમાણે જુડી ફોસ્ટરનું સાઈકોલોજિકલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. હિંસાના ચિક્કાર દશ્યોવાળી ફિલ્મમાં વેશ્યાનો રોલ કરવાથી એના બાળમાનસ પર કોઈ ખરાબ અસર નહીં થાયને, તે ચકાસવા! ‘ટેક્સી ડ્રાઈવર’ બોક્સ ઓફિસ પર પણ સરસ ચાલી. એને ચાર ઓસ્કર નોમિનેશન મળ્યાં. અમુક ફિલ્મો એવરગ્રીન હોય છે જેને કેટલીય વાર જોઈ શક્ાય અને દરેક વખતે નવેસરથી મજા જ આવે. ‘ટેક્સી ડ્રાઈવર’ એ કક્ષાની ક્લાસિક ફિલ્મ છે. ડોન્ટ મિસ ઈટ!


'ટેક્સી ડ્રાઈવર' ફેક્ટ ફાઈલ 



ડિરેક્ટર : માર્ટિન સ્કોેર્સેઝી

રાઈટર : પૉલ શ્રેડર

કલાકાર : રોબર્ટ દ નીરો, જુડી ફોસ્ટર, સિબિલ શેફર્ડ, હાર્વે કીટલ

રિલીઝ ડેટ : ૮ ફેબ્રુઆરી, ૧૯૭૬

મહત્ત્વના એવૉર્ડઝ : બેસ્ટ પિક્ચર, ડિરેક્ટર, એક્ટર ઈન લીડિંગ રોલ (રોબર્ટ દ નીરો), એક્ટ્રેસ ઈન સપોર્ટિંગ રોલ (જુડી ફોસ્ટર), મ્યુઝિક માટેનાં ઓસ્કર નોમિનેશન્સ                                                                               0 0 0 

Saturday, December 21, 2013

મલ્ટિપ્લેક્સ : ફ્લેશબેક ૨૦૧૩


Sandesh - Sanskar Purti - 22 Dec 2013

મલ્ટિપ્લેક્સ 

આ વર્ષે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કઈ ટેલેન્ટ્સ ઊભરીકોણે ધ્યાન ખેંચ્યુંકોણે લાંબી રેસના ઘોડા હોવાનો ભરોસો પેદા કર્યોપેશ છે એક સિંહાવલોકન.

મયને જતાં ક્યાં વાર લાગે છે. હજુ હમણાં ૨૦૧૩ની શરૂઆતમાં અતરંગી 'મટરૂ કી બીજલી કા મન્ડોલા' આવી હતી ને લો, જોતજોતામાં વર્ષ પૂરું પણ થઈ ગયું. વેલ, ઓલમોસ્ટ. ૨૦૧૩માં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કઈ ટેલેન્ટ્સ ઊભરી? કોણે ધ્યાન ખેંચ્યું? કોણે લાંબી રેસના ઘોડા હોવાનો ભરોસો પેદા કર્યો? ચાલો, સિંહની જેમ પાછળ ગરદન ઘુમાવીને વીતેલાં વર્ષ પર નજર ફેરવીને જવાબો શોધવાનો પ્રયત્ન કરીએ. આજે ફક્ત બિહાઈન્ડ-ધ-સ્ક્રીન તરખાટ મચાવનાર અથવા તો તરખાટ મચાવવાની કોશિશ કરનાર કલાકારોની વાત કરીશું. શરૂઆત કરીએ, ૨૦૧૩ના બ્રાન્ડ-ન્યૂ ડિરેક્ટર્સથી.
આનંદ ગાંધી : 

હિન્દી સિનેમાના ઇતિહાસમાં કદાચ કોઈ આર્ટ ફિલ્મનું થયું ન હોય એવું ભવ્ય અને ગ્લેમરસ સ્વાગત મુંબઈના આ સુપર ટેલેન્ટેડ ગુજરાતી યુવાનની સર્વપ્રથમ ફીચર ફિલ્મ'ધ શિપ ઓફ થિસિઅસ'નું થયું. એક મિનિટ. 'ધ શિપ ઓફ થિસિઅસ' પર આર્ટ ફિલ્મનું લેબલ ચીટકાડીને એની અપીલને સીમિત કરી નાખવાની ભૂલ કરવા જેવી નથી. વિચારશીલ દર્શકને સતત જકડી રાખે અને અંદરથી ઝંકૃત કરી દે એવી આ ફિલ્મ વિશ્વસ્તરે પોંખાઈ અને ઘરઆંગણે પણ ખૂબ જોવાઈ. આનંદ ગાંધી નામના આ વિચક્ષણ યુવાને પુષ્કળ આશાઓ જન્માવી છે. એના પ્રોડક્શન હાઉસમાં બનેલી આગામી ફિલ્મ 'તુમ્બાડ'ની ક્વોલિટી ફિલ્મના ચાહકો અધ્ધર શ્વાસે રાહ જોઈને બેઠા છે.
રિતેશ બત્રા : 

મૂળ તો એ ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર, પણ એમની પહેલીવહેલી ફીચર ફિલ્મ 'ધ લંચબોક્સે' જબરી હવા ઊભી કરી. પહેલાં આંતરરાષ્ટ્રીય સ્તરે અને પછી ઘરઆંગણે. એક વિધુર ક્લર્ક (ઈરફાન ખાન) અને રૂટિન જીવન જીવી રહેલી સીધીસાદી હાઉસવાઈફ (નિમરત કૌર)ની આ અનોખી લવસ્ટોરી સહેજ ઓવરરેટેડ ખરી, પરંતુ ભારતની આ વખતની ઓસ્કર એન્ટ્રી તરીકેનું નોમિનેશન એને મળશે એવું લાગતું હતું. એની તીવ્ર હરીફાઈ 'ધ શિપ ઓફ થિસિઅસ' સાથે હતી, પણ કોણ જાણે શું ભેદભરમ થયા કે આ બેય સહિત કેટલીય લાયક ફિલ્મોને પાછળ રાખીને 'ધ ગૂડ રોડ' નામની ફિલ્મ ઓસ્કર રેસમાં આગળ થઈ ગઈ. ખેર.
Kannan ઐયર :

વિશાલ ભારદ્વાજે પ્રોડયુસ કરેલી સુપરનેચરલ ફિલ્મ 'એક થી ડાયન'ને મિશ્ર પ્રતિસાદ મળ્યો. ફર્સ્ટટાઈમ ડિરેક્ટર Kannan ઐયરે ફિલ્મનો પૂર્વાર્ધ મસ્ત જમાવ્યો, પણ સેકન્ડ હાફમાં ગરબડ કરી નાખી. કોંકણા સેન શર્માનું પરફોર્મન્સ આ ફિલ્મનો મોટો પ્લસ પોઈન્ટ છે. Kannan ઐયરના કૌવતનું ખરું માપ એમની હવે પછીની અને જુદા પ્રકારની ફિલ્મો પરથી નીકળશે.
અજય બહલ : 


વચ્ચે 'બીએ પાસ' નામની સહેજ વિવાદાસ્પદ ફિલ્મ આવી હતી. ફિલ્મનું ટાઈટલ ભલે શૈક્ષણિક રહ્યું પણ કન્ટેન્ટ પૂરેપૂરું સેક્સ્યુઅલ હતું. મા-બાપ વગરનો, મામૂલી દેખાવ ધરાવતો, બીએ ભણતો છોકરો (શાદાબ કમલ) એક કામુક આન્ટી (શિલ્પા શુક્લા) થકી સેક્સ રેકેટમાં ઊંડો ઊતરતો જાય છે. આખરે એનો અંજામ અતિ કરુણ આવે છે. ફેસ્ટિવલ ફિલ્મ જેવી ફીલ ધરાવતી અને બોલ્ડ દૃશ્યોની ભરમારવાળી આ ફિલ્મની ઠીક ઠીક તારીફ થઈ હતી. મહેશ ભટ્ટ આ નવા નિશાળિયા ડિરેક્ટરથી ખાસ્સા પ્રભાવિત થયા હતા. અજય બહલની આગામી ફિલ્મ એક જપાની નોવેલ પર આધારિત છે. મર્ડર મિસ્ટરીની થીમ ધરાવતી આ ફિલ્મનું ટેન્ટેટિવ ટાઈટલ છે, 'ઈન્ફોર્મર'.
સોનમ નૈયર : 

એક જાડ્ડીપાડ્ડી ગોળમટોળ ટીનેજરની વાત કરતી 'ગિપ્પી' નામની સ્વીટ, સિમ્પલ આ વર્ષે ફિલ્મ આવી હતી. મહિલા ડિરેક્ટર સોનમ નૈયરે ઉંમરમાં આવી રહેલી તરુણીની સમસ્યાઓને હળવાશથી રજૂ કરી હતી. સોનમના બાયોડેટામાં'વેકઅપ સિડ'નું નામ પણ બોલે છે. આ ફિલ્મમાં અલબત્ત, તેમણે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જવાબદારી નિભાવી હતી.  
વિશેષ ભટ્ટ :

મૂકેશ ભટ્ટના સુપુત્ર અને મહેશ ભટ્ટના ભત્રીજા વિશેષે ડિરેક્ટ કરેલી 'મર્ડર-થ્રી' હાડોહાડ કમર્શિયલ ફિલ્મ હતી. મર્યાદિત બજેટમાં ઉપરાછાપરી હિટ ફિલ્મો આપતાં મહેશ-મૂકેશ ભટ્ટનાં વિશેષ ફિલ્મ્સ બેનરનું નામ આ પાટવી કુંવર પરથી તો પડયું છે. રણદીપ હૂડા, અદિતી હૈદર અને સારા લોરેન નામની નવી કન્યાને ચમકાવતી 'મર્ડર-થ્રી'ને એની આગલી પ્રિકવલ્સ સાથે ટાઇટલને બાદ કરતાં નહાવાનિચોવવાનોય સંબંધ નહોતો. આ ફિલ્મે બોક્સઓફિસ પર વિજયપતાકા ફરકાવી નથી, પણ વિશેષ ભટ્ટ આગળ જતાં બહેતર ફિલ્મો આપી શકશે એવી આશા જરૂર બંધાય છે.
અશિમા છિબ્બર :


'મેરે ડેડ કી મારુતિ' નામની લો-બજેટ કોમેડી ફિલ્મ જોઈ હતી તમે? દિલ્હીના ટિપિકલ પંજાબી પરિવારમાં દીકરીનાં લગ્ન છે. જમાઈને દહેજમાં યા તો ભેટમાં મારુતિ કાર આપવાનું નક્કી થયું છે, પણ બહેનનો અપલખણો ભાઈ કાર ગાયબ કરી નાખે છે. જોકે અણીના સમયે ગાડી હાજર પણ કરી દે છે. ૨૦૧૩ની આ સરપ્રાઈઝ હિટ છે. ટાઈમપાસ માટે ટીવી પર જોવા જેવી ખરી.
અહિશોર સોલોમોન જેવું કેમેય કરીને યાદ ન રહે એવું નામ ધરાવતા ફર્સ્ટ-ટાઈમરની ફિલ્મ પણ ખાસ યાદ રાખવાને લાયક નથી - 'જોન ડે'. તેમાં નસિરુદ્દીન શાહ અને રણદીપ હૂડા જેવા કલાકારો હતા, તો પણ. આ વર્ષે 'ફુકરે' નામની સરપ્રાઈઝ હિટ આવી હતી. એના ડિરેક્ટર મૃગદીપ સિંહ લાંબાનું નામ પહેલી વાર પ્રકાશમાં આવ્યું, પણ આ તેમની પહેલી ફિલ્મ નહોતી. ભૂતકાળમાં 'તીન થે ભાઈ' નામની સુપરફ્લોપ ફિલ્મ તેઓ બનાવી ચૂક્યા છે. તે જ પ્રમાણે ડિરેક્ટર-બેલડી કૃષ્ણા ડી.કે. અને રાજ નિદીમોરુ ભલે ઝોમ્બી ફિલ્મ 'ગો ગોવા ગોન'થી જરા લાઈમલાઈટમાં આવ્યાં, પણ તેઓય અગાઉ 'નાઈન્ટીનાઈન' નામની ફિલ્મ બનાવી ચૂક્યાં છે. 
Bhoomi Trivedi
હવે પડદા પાછળના થોડા ઔર કલાકાર કસબીઓની નોંધ લઈ લઈએ. સંજય ભણસાલીની 'રામ-લીલા' થકી ત્રણ ટેલેન્ટેડ યંગસ્ટર્સની કરિયરની શરૂઆત થઈ છે. એક છે, આપણા વડોદરાની અને બુલંદ સ્વરની માલિકણ ભૂમિ ત્રિવેદી, જેણે 'રામ chahe લીલા chahe' આઈટમ સોંગ ગાયું છે. આ ફિલ્મની લેખકજોડીનું નામ છે સિદ્ધાર્થ અને ગરિમા. તેમણે સંજય ભણસાલી સાથે સ્ક્રીનપ્લેનું સહલેખન કર્યું છે, ડાયલોગ્ઝ લખ્યાં છે અને ફિલ્મનાં ઘણાં ખરાં ગીતો પણ લખ્યાં છે. 
Ankit Tiwari
આ વર્ષે 'આશિકી-ટુ'નું એક ગીત બહુ જ ચગ્યું છે- 'સુન રહા હૈ...' તે અંકિત તિવારી નામના કાનપુરના યુવાને ગાયું છે. ભૂતકાળમાં 'દો દૂની ચાર' અને 'સાહબ બીવી ઔર ગેંગસ્ટર'નું મ્યુઝિક એમણે કમ્પોઝ કર્યું હતું, પણ ખરી પ્રસિદ્ધિ 'આશિકી-ટુ'ના આ મસ્તમજાના ગીતની ગાયકીથી જ મળી. 
                                               0 0 0 

Tuesday, December 17, 2013

ટેક ઓફ : મન મારું લઈ જાય ત્યાં જાવું

Sandesh - Ardh Saptahik Purti - 18 Dec 2013

ટેક ઓફ 

જીવનમાં કુંઠિત કરી નાખે એવી જીવલેણ પરિસ્થિતિઓ અને પીડાઓ ત્રાટકે ત્યારે ઘાંઘાં થઈ જવાને બદલે રાજેન્દ્ર શાહની આ પંક્તિઓ યાદ કરવાનીઃ આપણાં દુઃખનું કેટલું જોર? નાની એવી જાતક વાતનો નહીં મચાવીએ શોર! નિબિડ રાતનાં કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર...
રાજેન્દ્ર શાહ
  
મીઠી અતિશયોક્તિ કરીને કહીએ તો આવતા શુક્ર-શનિ-રવિ દરમિયાન ગુજરાતનાં ત્રણ શહેરો નડિયાદ, કપડવંજ અને વલ્લભવિદ્યાનગર - રાજેન્દ્ર શાહમય બની જવાનાં છે. વીસમી સદીના આ મૂઠી ઊંચેરા કવિનું નવી દિલ્હીની સાહિત્ય અકાદમીએ દરજ્જેદાર શતાબ્દીસ્મરણ સમારોહનું આયોજન કર્યું છે. માત્ર ગુજરાતી ભાષાના જ નહીં, બલકે રાષ્ટ્રીય સ્તરના અન્ય ભાષી કવિઓ પણ એમાં ભાગ લેવાના છે.
૧૯૧૩માં જન્મેલા કવિ રાજેન્દ્ર શાહ ૯૬ વર્ષનું દીર્ઘાયુ પામ્યા અને ચિક્કાર કાવ્યસર્જન કર્યું. તેમનાં કાવ્યોનો વ્યાપ ચકિત કરી મૂકે એવો છે. એક તરફ ટાગોર-શ્રીધરાણીથી પ્રભાવિત સંસ્કૃત પ્રચુર સૌંદર્યલક્ષી રચનાઓ છે તો બીજી તરફ લોકગીતની ઊંચાઈ ધારણ કરી ચૂકેલી અતિ લોકપ્રિય તળપદી કૃતિઓ છે. જેના વગર નવરાત્રિનો થનગાટ બિલકુલ અધૂરો રહી જાય તે "ઈંધણાં વીણવાં ગૈ'તી મોરી સૈયર" ગીતના રચયિતા રાજેન્દ્ર શાહ છે, તે કેટલા ખેલૈયાઓ જાણતા હશે? ભર્યા બપોરે ઈંધણાં (એટલે કે ઈંધણ, છાણાં) વીણવાં સીમમાં ગયેલી ગામડાગામની મુગ્ધાની અનુભૂતિ સાંભળોઃ
ઈંધણાં વીણવાં ગૈ'તી મોરી સૈયર
ઈંધણાં વીણવાં ગઈ'તી રે લોલ,
વેળા બપોરની થૈ'તી મોરી સૈયર
વેળા બપોરની થઈ'તી રે લોલ.
ચઇતરનું આભ સાવ સૂનું સૂનું ને તોય
કંઈથી કોકિલકંઠ બોલે રે લોલ,
વનની વનરાઈ બધી નવલી તે કૂંપળે,
દખ્ખણને વાયરે ડોલે રે લોલ.

ઈંધણાં તો એક બહાનું હતું સીમમાં જવાનું. ખરું કારણ છે પ્રિયતમને મળવાનું, એની સાથે ભીનો ભીનો સમય વીતાવવાનું. મુગ્ધા આ વાત પોતાની સહિયરને આ રીતે કહે છેઃ
જેની તે વાટ જોઈ રૈ'તી મોરી સૈયર
જેની તે વાટ જોઈ રહી'તી રે લોલ.
તેની સંગાથ વેળ વૈ'તી મોરી સૈયર
તેની સંગાથ વેળ વહી'તી રે લોલ.
સૂકી મેં વીણી કાંઈ ડાળી ને ડાળખી,
સૂકાં અડૈયાં ને વીણ્યાં રે લોલ,
લીલી તે પાંખડીમાં મ્હેકંત ફૂલ બે'ક
મોર અંબોડલે ખીલ્યા રે લોલ.
વાતરક વ્હેણમાં નઈ'તી મોરી સૈયર,
વાતરક વ્હેણમાં નહી'તી રે લોલ.
ઈંધણાં વીણવાં ગૈ'તી મોરી સૈયર
ઈંધણાં વીણવાં ગઈ'તી રે લોલ.

કેટલી સાદગીભરી છતાં કેટલી અસરકારક રચના. 'કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે, મૂઈ રે એની મ્હેક, કલેજે દાવ ઝાઝેરો લાગ્યો રે' પણ ખૂબ જ લોકપ્રિય ગીત, જેની એક કડીમાં કવિ કન્યા પાસે બોલાવડાવે છેઃ
તાવ હોય જો કડો ટાઢિયો
કવાથ કૂલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો
ભૂવો કરી મંતરીએ.
રુંવે રુંવે પીડ જેની એ તો જડે નહીં કહીં ભાંગ્યો રે
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

ઈંધણાં વીણવાં ગયેલી પેલી મુગ્ધા અને વનવગડામાં પ્રેમડંખ ખાઈને આવેલી નાયિકા બન્ને એક જ છે? કદાચ! અહીં તો ખેર કુમળી વયે થયેલા સુકુમાર પ્રેમની મીઠી વેદનાની વાત છે, પણ જીવનમાં આગળ જતાં કુંઠિત કરી નાખે એવી જીવલેણ પરિસ્થિતિઓ અને પીડાઓ આવવાની. આવા સમયે ઘાંઘાં થઈ જવાને બદલે રાજેન્દ્ર શાહની આ પંક્તિઓ યાદ કરવાનીઃ
આપણાં દુઃખનું કેટલું જોર?
નાની એવી જાતક વાતનો નહીં મચાવીએ શોર!
નિબિડ રાતનાં કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.



જ્ઞાનપીઠ વિજેતા કવિ રાજેન્દ્ર શાહની આ લોકપ્રિય મુદ્રા થઈ. એમના માંહ્યલાની અલગારી મુદ્રા જોવી હોય તો 'નિરુદ્દેશે' કાવ્ય પાસે જવું પડેઃ
નિરુદ્દેશે
સંસાર મુજ મુગ્ધ ભ્રમણ
પાંશુ-મલિન વેશે.

આ જીવન એ કેવળ મુગ્ધ અને મુક્ત ભ્રમણ નહીં તો બીજું શું છે! કવિ નિર્ભાર થઈને, અલ્હડ બનીને, કોઈ જ સવાલ કર્યા વગર મન થાય ત્યાં, જ્યાં પ્રેમ દેખાય ત્યાં જવાની વાત કરે છેઃ
મન મારું લઈ જાય ત્યાં જાવું
પ્રેમને સન્નિવેશે.
પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ
ત્યાં જ રચું મુજ કેડી,
તેજછાયા તણે લોક, પ્રસન્ન-
વીણા પર પૂરવી છેડી,
એક આનંદના સાગરને જલ
જાય સરી મુજ બેડી,
હું જ રહું વિલસી સહુ સંગ ને
હું જ રહું અવશેષે.

રાજેન્દ્ર શાહની કવિતાની વાત માંડી હોય ત્યારે 'આયુષ્યના અવશેષે'ની સોનેટમાળાનો ઉલ્લેખ ન કરીએ તો ગોઠડી અધૂરી રહી જાય. આ સોનેટ જેટલાં લાગણીભર્યાં છે એટલાં ચિત્રાત્મક પણ છે. એક સોનેટમાં કોણ જાણે કેટલાય સમયથી બંધ પડેલા વતનના ઘરમાં નાયક પ્રવેશે છે અને તે સાથે જ સ્વજનોની સ્મૃતિઓ એને ઘેરી વળે છેઃ
મુખ મરકતું માનું જેના સ્વરે ઘર ગુંજતું,
નિતનિત વલોણાનાં એનાં અમી ધરતી હતી.
સુરભિ હતી જ્યાં સૌની વાંછા સદા ફળતી હતી,
અવ અહીં ઝૂલે ખાલી સીકું, વિના દધિ ઝૂરતું.

મા હતી ત્યારે ઘર એના મલકાટથી છલકતું રહેતં, એના ઉલ્લાસભર્યા અવાજોથી ઘર ગુંજતું રહેતું. આજે મા નથી. હવે વલોણાં ઘૂમતાં નથી અને માખણનો ઝુરાપો વેઠી રહેલું ખાલી શીકું અર્થહીન ઝુલી રહૃં છે...
 સિતાંશુ યશશ્ચંદ્ર
૧૯-૨૦-૨૧ ડિસેમ્બરે યોજાઈ રહેલા રાજેન્દ્ર શાહ શતાબ્દીસ્મરણ સમારોહમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર કવિ સિતાંશુ યશશ્ચંદ્ર,રાજેન્દ્ર શાહને પોતાના કાવ્યગુરુ ગણે છે. સાહિત્ય અકાદમી (દિલ્હી)ના ગુજરાતી એડવાઈઝરી બોર્ડના કન્વેનર સિતાંશુ યશશ્ચંદ્ર કહે છે, "૧૯૬૦-૬૫ દરમિયાન મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણતો હતો ત્યારે અમે દર ગુરુવારે રાજેન્દ્ર શાહને મળીએ. અમે એટલે ઘણું કરીને મણિલાલ દેસાઈ, દિલીપ ઝવેરી, હરીન્દ્ર દવે, જયંત પારેખ અને હું. ચીરાબજારમાં રાજેન્દ્ર શાહનું પ્રિન્ટિંગ પ્રેસ હતું. તેમાં પુસ્તકો પણ છપાય અને આમંત્રણ પત્રિકાઓ જેવી સામગ્રી પણ છપાય. કમ્પોઝિટર બીબાં લઈને આવે એટલે કવિ લોખંડની ફૂટપટ્ટી અને મેગ્નિફાઈંગ ગ્લાસ કાઢે. ઈંચેઈંચ ધ્યાનથી માપે. એક બાજુ ખટાખટ મશીન ગાજતું હોય અને સાથે સાથે અમારું ગુરુવારિયું ચાલતું હોય. અમે નવશીખીયાઓ જે કંઈ લખીને લાવ્યા હોઈએ તે કાઢીને વાંચીએ ત્યારે કવિ અમારી કવિતાના લયના પણ ઈંચેઈંચ માપે. અમારી રચનાઓને એટલી ચીવટથી તપાસે કે અમને થાય કે કવિતાના મીટર માપવા ક્યાંક પેલી લોખંડની ફૂટપટ્ટી કાઢશે કે શું! ક્યારેક અમને ઘરે જમવા લઈ જાય. એમનાં પત્ની મંજુબહેન બહુ જ સ્વાદિષ્ટ પુરણપોળી બનાવતાં. થાળીમાં ત્રણચાર ચમચી મૂકી હોય. કવિની સ્પષ્ટ સૂચના હોય કે દાળની ચમચી દૂધપાકની વાટકીમાં નહીં બોળવાની. સ્વાદમાં સેળભેળ થઈ જાય. અલગ અલગ પ્રવાહી વ્યંજન માટે જુદી જુદી ચમચી જ વાપરવાની! આમ, રાજેન્દ્ર શાહ માત્ર છપાવા જઈ રહેલી સામગ્રી કે કવિતામાં જ નહીં, સ્વાદમાં પણ તસુએ તસુ માપે! એ જે કંઈ કરતા ભારે ઉત્કટતાથી કરતા. હી વોઝ સચ અ પેશનેટ મેન!'
પેશનેટ કવિને આપણાં પ્રેમભર્યાં પ્રણામ.        

0 0 0

મલ્ટિપ્લેક્સ : અંતરંગ આમિર

Sandesh - Sanskaar Purti (Sunday) - 15 Dec 2013 

મલ્ટિપ્લેક્સ

આમિર એક લિવિંગ લેજન્ડ છે. પોતાના સમકાલીનો કરતાં બિલકુલ જુદી જ ભ્રમણકક્ષામાં એ એકધારી ઉર્ધ્વગતિ કરી રહ્યો છે. ખેર,પ્રોફેશનલ સિદ્ધિઓ અલગ વસ્તુ છેપણ અંગત જીવનના તૂટેલા લયને પુનઃ સાંધતા પણ આમિરને સરસ આવડે છે.

૧૮એપ્રિલ, ૧૯૮૬નો એ દિવસ. કોલેજિયન જેવો દેખાતો રૂપકડો છોકરો. ગર્લફ્રેન્ડ લગભગ એની જ ઉંમરની. પ્રેમની તીવ્રતા એટલી વધી ગઈ છે કે પોતાના સંબંધને લોજિકલ લેવલ પર લઈ જવા માટે બન્ને કોર્ટમાં જઈને ગુપચુપ લગ્ન કરી લે છે. વિધિ પતાવીને બન્ને ડાહ્યાંડમરાં થઈને જાણે કંઈ બન્યું જ ન હોય તેમ પોતપોતાનાં ઘરે જતાં રહે છે. તે દિવસે શારજાહમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રસાકસીભરી મેચ ચાલી રહી છે. ઈન્ડિયા મેચ જીતી જ જશે એવું લગભગ નિશ્ચિત છે. છોકરો મનોમન ખુશ થઈ રહ્યો છેઃ વાહ! કેટલો સરસ દિવસ છે આજે. સવારે ગર્લફ્રેન્ડ સાથે મેરેજ ને હવે પાકિસ્તાન સામે જીત! પણ આ તો ક્રિકેટ છે. કુછ ભી હો સકતા હૈ. એક છેલ્લો બોલ બચ્યો છે ને જાવેદ મિંયાદાદ કચકચાવીને પેલો અવિસ્મરણીય છગ્ગો ફટકારે છે. પત્યું. એક બોલમાં આખી વાર્તા પલટાઈ જાય છે. ભારત હારી જાય છે, પાકિસ્તાન જીતી જાય છે!
એક દિવસમાં આટલી બધી રોમાંચક ઘટનાઓમાંથી પસાર થનાર પેલો યુવાન એટલે આમિર ખાન અને એની ગર્લફ્રેન્ડમાંથી પત્ની બનેલી યુવતી એટલે રીના દત્તા! ક્રિકેટની જેમ જીવનમાં પણ કંઈ પણ બની શકે છે. લગ્નજીવનનાં ૧૬ વર્ષે એકાએક સમાચાર આવે છે કે બોલિવૂડનાં આદર્શરૂપ ગણાતાં આ દંપતીએ ડિવોર્સ લઈ લીધા છે. આમિરના ચાહકો અને ઈન્ડસ્ટ્રીમાં આંચકો ફેલાઈ જાય છે. હોય નહીં! આમિર અને રીનાના છૂટાછેડા? પણ કેમ? બે સરસ મજાનાં સંતાનો હોવા છતાં લગ્નસંબંધનું તૂટવું એ પીડાદાયક ઘટના છે. આ અત્યંત અંગત બાબત છે, જાહેર જોણું કે પંચાત કે ગોસિપનો વિષય નથી. આમિર અને રીના બન્ને સંપૂર્ણ ગરિમા સાથે મૌન જાળવી રાખે છે.
એક સમયે કંઈકેટલાંય ખૂબસૂરત પડાવોમાંથી પસાર થયેલો ઘનિષ્ઠ સંબંધ વખત જતાં પોતાનું સત્ત્વ ગુમાવીને ભારરૂપ બની જાય, એમ બને. નિર્જીવ બની ગયેલા સંબંધના બોજને ઊંચકીને ચાલવા કરતાં તેના પર પૂર્ણવિરામ મૂકી દેવાથી ઘણી વાર નવી શક્યતાઓ ઊઘડતી હોય છે. આમિરના જીવનમાં નવી શક્યતા અને નવા ઉઘાડ કેવી રીતે સર્જાયા?


૧૯૯૯માં 'લગાન' માટે આમિર બસમાં સવાર થઈને કચ્છમાં લોકેશન શોધી રહ્યો હતો ત્યારે કિરણ રાવ નામની યુવતી સાથે એની પહેલી વાર મુલાકાત થઈ હતી. આમિર તે વખતે હેપીલી મેરિડ હતો. ઈન ફેક્ટ, પત્ની રીનાએ ફિલ્મના એક્ઝિક્યુટિવ પ્રોડયુસર તરીકેની કઠિન જવાબદારી ઉપાડી હતી. કિરણ નામની દિલ્હીથી આવેલી આ નવીસવી છોકરી ડિરેક્ટર આશુતોષ ગોવારીકરની થર્ડ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી. તે દિવસે બસમાં કિરણના મનમાં આવેલો સૌથી પહેલો વિચાર આ હતોઃ આવડો મોટો સુપરસ્ટાર અલગ કારમાં જવાને બદલે અમારી સૌની સાથે બસમાં ટ્રાવેલ કરે છે ને પાછો સૌને હાય-હેલો કરે છે ને સૌનાં નામ પણ પૂછે છે! કિરણના મનમાં પડેલી આમિરની સૌથી પહેલી ઈમ્પ્રેશન મારા-તમારા જેવા તદ્દન સીધાસાદા, રેગ્યુલર અને નોન-ફિલ્મી માણસ તરીકે પડી, જે સાચી હતી. 'લગાન'ના નિર્માણ દરમિયાન કિરણની જવાબદારી હતી, સવારના પહોરમાં કલાકારોને હેર-મેકઅપ-કોસ્ચ્યૂમ સાથે રેડી કરીને લોકેશન પર સમયસર પહોંચાડી દેવાની. એક સીનમાં ગામડિયા ભુવન બનેલા આમિરે કાનમાં એરિંગ્સ પહેરવાનાં હતાં. એની નજર કિરણના કાન પર પડી. એણે કહ્યું: યાર, તારાં એરિંગ્સ જરા ટ્રાય કરવા દેને! કિરણના એરિંગ્સ એને એવાં ગમી ગયાં કે પછી આખી ફિલ્મમાં એ જ પહેર્યાં.
'લગાન' બની ગઈ. સુપરડુપર હિટ થઈ. ઓસ્કર સુધી પહોંચી ગઈ ને પછી ટીમ વીખરાઈ ગઈ. 'દિલ ચાહતા હૈ'ના ગોવાના શેડયુલ દરમિયાન અચાનક આમિરનો ભેટો કિરણ સાથે થઈ ગયો. કિરણ 'દિલ ચાહતા હૈ'ની પ્રોડક્શન ટીમ સાથે ગોવા પૂરતી સંકળાયેલી હતી. કિરણે હસીને હળવેકથી યાદ કરાવ્યું: આમિર, તે દિવસે તેં મારાં એરિંગ્સ લીધાં એ લીધાં, મને હજુ સુધી એ પાછાં નથી મળ્યાં! કિરણે તો મજાક કરી હતી, પણ આમિર પત્ની રીનાને લઈને હોટેલ તાજના શોપિંગ આર્કેડમાંથી ખરેખર એરિંગ્સ ખરીદી લાવ્યો ને કિરણને આપ્યાં. આમિરના મનમાં કિરણની સ્પષ્ટ નોંધ 'એરિંગ્સવાલી લડકી' તરીકે થઈ. એવી ચશ્મીશ લડકી કે જે બ્રાઈટ છે, ખુશમિજાજ છે, વાતોડિયણ છે અને કાયમ હસતી હોય છે!
એકમેક સાથેના સંબંધ વિશે આમિર અને કિરણ બન્નેએ ખૂલીને વાતો કરી છે. ર૦૦૩માં કિરણ સાથે પાછો ભેટો થયો ત્યારે આમિરના ડિવોર્સ થઈ ચૂક્યા હતા. આમિર કોકાકોલા માટે મોડેલિંગ કરી રહ્યો હતો. આ એડ્સનું પ્રોડક્શન એની જ કંપની કરી રહી હતી. કિરણ આ પ્રોજેક્ટમાં એની સાથે જોડાઈ. એકમેકની સાથે ખૂબ બધો સમય વિતાવ્યો હોય એવું આ વખતે પહેલી વાર બન્યું. બન્ને સિંગલ હતાં, એક જ એરિયા બાન્દ્રામાં રહેતાં હતાં એટલે પ્રસંગોપાત કામ ન હોય તો પણ હળવામળવાનું શરૂ થયું. કિરણને શરૂઆતમાં એ જાણવામાં રસ હતો કે આમિર ખાન નામનો આ માણસ એક્ઝેક્ટલી છે કેવો. એને આમિરની સાદગી અને વૈચારિક સ્પષ્ટતા ગમતા હતા. હળવામળવાનું વધ્યું એટલે ધીમે ધીમે આમિર માણસ તરીકે ગમવા લાગ્યો. એની બીજી ખૂબીઓ દેખાવા માંડી.
આમિરના મનમાં ડિવોર્સનો ઘા સાવ તાજો હતો. એની માનસિક સ્થિતિ એવી હતી કે નવી રિલેશનશિપ વિશે વિચારી સુધ્ધાં ન શકે. એનું પીવાનું ખૂબ વધી ગયું હતં. મૂડ ઠેકાણે રહેતો નહોતો, પણ ધીમે ધીમે આમિરને પ્રતીતિ થવા લાગી કે કિરણની સાથે હોઉં છું ત્યારે હું ખરેખર ખુશ હોઉં છું. એક વાર એ કોઈક કામસર લંડન ગયેલો. હોટેલના કમરામાં દુઃખી દુઃખી થઈને એકલો બેઠો હતો ત્યાં અચાનક કિરણનો ફોન આવ્યો. અમસ્તો જ. કેમ છો-કેમ નહીં પૂછવા માટે. આમિરને કોઈ વાત કરવાવાળું આત્મીય માણસ જોઈતું હતું. અડધી-પોણી કલાક સુધી એ કિરણ સાથે વાતો કરતો રહ્યો. ફોન પૂરો થયો ત્યાં સુધીમાં એ એકદમ મૂડમાં આવી ગયો હતો. તે વખતે આમિરને પહેલી વાર તીવ્રતાથી લાગ્યું કે અરે યાર, આ છોકરી ખરેખર મારી ઉદાસી દૂર કરી શકે છે,મને સુખી કરી શકે છે!
આમિરે સૌથી પહેલાં પોતાની કઝીન નુઝહત (ઈમરાન ખાનની મમ્મી)ને વાત કરી કે આ કિરણ મને ખરેખર ગમી રહી છે. નુઝહતે સલાહ આપી કે આમિર, તું અત્યારે એટલો બધો ઈમોશનલી ડેમેજ્ડ છો કે આ સ્થિતિમાં કોઈ મોટો નિર્ણય લેવાની ભૂલ ન કરતો. જો તને કિરણની કદર હોય, તને એ ખરેખર ગમતી હોય અને તને લાગતું હોય કે તમારી રિલેશનશિપને આગળ વધારી શકાય તેમ છે તો પ્લીઝ, અત્યારે તું અટકી જા. તારી જાતને સ્પેસ આપ. કિરણને સ્પેસ આપ. તારા મનને શાંત થવા દે અને પછી વિચાર કે તમે લોકો ખરેખર શું કરવા માગો છો.

આમિરે બહેનની સલાહ માની. એણે કિરણને કહી દીધું કે પ્લીઝ, મને લાગે છે કે આપણે હવે હળવામળવાનું બંધ કરીએ. પણ પછી આમિરને જ સવાલ થયો કે આવું હું શું કામ કરું છું? કિરણ સૌથી પહેલાં તો મારી બહુ સારી ફ્રેન્ડ છે. એની હાજરીમાં હું સૌથી વધારે રિલેક્સ્ડ ફીલ કરું છું, એની સાથે મનની કોઈ પણ વાત, કોઈ પણ લાગણી શેર કરી શકું છું, હું જેવો છું એવો આખો ને આખો વ્યક્ત થઈ શકું છું. તો પછી અંતર શું કામ? પછીની મુલાકાતમાં આમિરે કિરણને કહ્યું: મને લાગે છે કે આપણે આપણી રિલેશનશિપને અજમાવવી જોઈએ. વ્હાય ડોન્ટ યુ મૂવ ઈન? આપણે એક છત નીચે રહીશું તો એકમેકને વધારે સારી રીતે ઓળખી શકીશું અને પછી આપણે નક્કી કરી શકીશું કે રિલેશનશિપને નેકસ્ટ લેવલ પર લઈ જવી છે કે કેમ.
આમિર અને કિરણની લિવ-ઈન રિલેશનશિપ દોઢ વર્ષ ચાલી. પછી કુદરતી રીતે જ તેઓ ડિસિઝન પર પહોંચી ગયાં કે ઓકે ફાઈન, ચાલો હવે પરણી જઈએ! આમિર-કિરણ લગ્ન વગર પણ સુખી જ હતાં, પણ કિરણનાં મમ્મી-પપ્પા અને બીજા સગાંવહાલાંનું કહેવું હતું કે જો તમારે ભેગાં જ રહેવું હોય તો લગ્ન કેમ કરી લેતાં નથી?
અને બસ, રેસ્ટ ઈઝ હિસ્ટ્રી. આજે આમિર-કિરણનો દીકરો આઝાદ બે વર્ષનો થઈ ગયો છે. પૂર્વ-પત્ની રીનાનાં બન્ને સંતાનો સાથે કિરણના સુમેળભર્યા, દોસ્તીના સંબંધ છે. આમિરે રિલેશનશિપની શરૂઆતમાં જ સ્પષ્ટતા કરી દીધી હતી કે મારાં સંતાનોને વિશ્વાસમાં લીધા વગર હું એક પગલું પણ નહીં ભરું. ફિલ્મી હસ્તી તરીકે આમિર એક લેજન્ડ છે, જબરદસ્ત નિષ્ઠા અને પરિશ્રમના પ્રતાપે પોતાના સમકાલીનો કરતાં બિલકુલ જુદી જ ભ્રમણકક્ષામાં એ એકધારી ઉર્ધ્વગતિ કરી રહ્યો છે. એની આગામી 'ધૂમ-થ્રી'સંભવતઃ બોક્સઓફિસ પર ઘણાં રેકોર્ડ્ઝ તોડશે એવી હવા બની રહી છે. ખેર, પ્રોફેશનલ સિદ્ધિઓ અલગ વસ્તુ છે, પણ અંગત જીવનના તૂટેલા લયને પુનઃ સાંધતા પણ આમિરને સરસ આવડે છે.
શો-સ્ટોપર

રણબીરનાં લગ્ન કેટરીના સાથે થશે ત્યારે હું મારી ભાભી કેટરીનાના તમામ સુપરહિટ સોંગ્સ પર સોલો ડાન્સ કરવાની છું. મેં તો લગ્નમાં કયો ડ્રેસ પહેરવો છે તે પણ નક્કી કરી લીધું છે!
- કરીના કપૂર (કોફી વિથ કરણમાં કરેલો એકરાર)

Monday, December 9, 2013

ટેક ઓફ : જોગિંગ-જિમિંગના મામલામાં તમે કેવાંક સિન્સિયર છો?

Sandesh - Ardh Saptahik Purti- 4 Dec 2013

ટેક ઓફ 

ચાલવું કે દોડવું આમ તો સૌથી સસ્તી અને સરળ ફિટનેસ એક્ટિવિટી છેપણ આપણને કોઈ પણ ચીજનું સીધાસાદાપણું પચતું નથી. વોકિંગ-જોગિંગ-રનિંગને લગતાં જાતજાતનાં ઉપકરણો આ પ્રવૃત્તિને વધારે ઝમકદાર બનાવે છે કે વધારે કોમ્પ્લિકેટેડ?




શિયાળો ધીમે ધીમે નિકટ આવી રહ્યો છે. આ ઋતુમાં સામાન્યપણે સવારે તમે શું કરો છો? રજાઈને કાન સુધી ખેંચીને ટેસથી મીઠી નિદ્રા માણતા રહો છો? કે પછી મન મક્કમ કરીને, બિસ્તર ત્યાગ કરીને વોકિંગ-જોગિંગ-રનિંગ કરવા નીકળી પડો છો? ચાલવું કે દોડવું એ સૌથી સસ્તી ફિટનેસ એક્ટિવિટી છે. એમાં નથી કોઈ ઉપકરણની જરૂર પડતી કે નથી કોઈ જિમ, ક્લબ યા ટીમમાં જોડાવું પડતું. તમારી પાસે બે સાબૂત પગ અને દિલમાં ઇરાદો હોય એટલું પૂરતું છે!
પણ કોઈ ચીજનું સીધાસાદાપણું આપણને સદતું નથી. વોકિંગ-જોગિંગ-રનિંગને ઝમકદાર (કે કોમ્પ્લિકેટેડ?) બનાવી દેતી પ્રકાર-પ્રકારની ચીજવસ્તુઓનું આખું બજાર ધમધમે છે. વોકિંગ શૂઝ અને રનિંગ શૂઝ બન્ને અલગ વસ્તુઓ છે અને તેમાં ગૂંચવાઈ જવાય એટલું બધું વૈવિધ્ય છલકાય છે. અઠંગ દોડવીરો રનિંગ શૂઝ ખરીદતી વખતે પોતાના પગનું પ્રોનેશન ધ્યાનમાં રાખે છે. દોડતી વખતે પગ એડીથી અંગૂઠા તરફ જે રીતે વળે છે તેને પ્રોનેશન કહે છે. હિલ-ટુ-ટો મૂવમેન્ટ જો એકસમાન હોય તો તે ન્યુટ્રલ પ્રોનેશન છે. પગનો પછડાટ જો પાનીની બહારનો ભાગ વધારે એબ્સોર્બ કરતો હોય તો તેને અન્ડર-પ્રોનેશન કહે છે. પાનીના અંદરના ભાગ પર શોક વધારે ઝીલાતો હોત તો તેને ઓવર-પ્રોનેશન કહે છે. દોડવાની સ્ટાઇલ અને પ્રોનેશનના પ્રકાર પરથી દોડવીરે નક્કી કરવાનું છે કે એણે કેવા સોલવાળા જૂતાં ખરીદવાં- મોશન કન્ટ્રોલ રનિંગ શૂઝ, ન્યુટ્રલ કુશન્ડ રનિંગ શૂઝ કે સ્ટેબિલિટી રનિંગ શૂઝ!


Normal Foot
શૂઝ સિલેક્ટ કરવામાં સુગમતા રહે તે માટે તમારા પગનો પ્રકાર જાણી લો. તમારો પગ ભીનો કરી તેની છાપ લો. જો ફૂટ પ્રિન્ટ ઘાટીલી હોય, એડી અને પાનીને જોડતી સરસ મજાની પહોળી પટ્ટી દેખાતી હોય તો તમારો પગ 'નોર્મલ' છે. એને રનર્સ ફૂટ પણ કહે છે. તમારા માટે સ્ટેબિલિટી શૂઝ બેસ્ટ છે. જો તમારા પગની છાપ એકદમ પહોળી હોય તો ફ્લેટ ફૂટ ધરાવો છો (ઓવર પ્રોનેટેડ) જેના માટે મોશન કંટ્રોલ શૂઝ યોગ્ય રહેશે. ફૂટ પ્રિન્ટમાં પાની અને એડી વચ્ચે ખાલી જગ્યા દેખાતી હોય તો એનો મતલબ એ થયો કે તમે હાઈ આર્ચ્ડ ફૂટ ધરાવો છો (અન્ડર પ્રોનેટેડ). તમારે કુશન્ડ યા તો ન્યુટ્રલ શૂઝ પહેરવા. જો ઊબડખાબડ કે પથરીલા રસ્તા પર ઓફ-રોડ રનિંગ કરવું હોય તો ટ્રેઇલ શૂઝ પહેરો અને ઘાસ પર, માટી પર કે બરફ પર દોડવું હોય તો ક્રોસકન્ટ્રી સ્પાઇક્સ ધારણ કરો. ઉફ્ફ! આ બધું સાંભળીને ચક્કર આવી ગયાં? ડોન્ટ વરી. મોંઘા માંહ્યલા બ્રાન્ડેડ શૂઝના શો રૂમના સેલ્સમેનને પણ આ બધામાં ગતાગમ પડતી નથી!

Wide Foot
ઓકે, ચાલો, કાચી-પાકી સમજણના આધારે રનિંગ શૂઝ લેવાઈ ગયા. પછી? હવે બજેટ તગડું બનાવો અને માંડો પ્રકાર-પ્રકારનાં ઉપકરણો પસંદ કરવાં. એક રનિંગ વોચ વસાવી લો. તમે કેટલું અંતર કાપ્યું, કઈ સ્પીડથી કાપ્યું અને કેટલા સમયમાં કાપ્યું એની નોંધ આ ઘડિયાળ કરતી જશે. રનિંગ વોચનાં સારાં મોડલ્સ પલ્સ રેટ મોનિટર પણ ધરાવતું હોય છે. દોડતાં દોડતાં હાંફ ચડી જાય, હૃદયના ધબકારા હદ કરતાં વધારે વધી જાય તો તે બધા પર આ પલ્સ રેટ મોનિટર ચાંપતી નજર રાખશે. તમે જેટલી કેલરી બાળી હોય એનો આંકડો પણ સતત ડિસ્પ્લે થયા કરશે. તમે કયા રૂટ પર કેટલું દોડયા એની પાક્કી નોંધ રાખતી જીપીએસ (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) ધરાવતી વોચ પણ અવેલેબલ છે. તમે સાદા મેદાન પર યા તો જોગિંગ ટ્રેક પર ગોળ-ગોળ ચક્કર મારતા હો તો અલગ વાત છે, પણ જો ડિસ્ટન્સ રનર હો તો રનિંગ બેલ્ટ વસાવવો પડશે. આ કમરપટ્ટામાં તમારો મોબાઇલ, ચાવીઓ, કેમેરા અને એનર્જી જેલ
Narrow Foot
જેવો સામાન રહી જશે. પાણીની નાની બોટલ ભરાવી શકાય તે માટેના લૂપ પણ એમાં હશે. પાણી માટે એક ઔર વિકલ્પ પણ છે- કેમલબેક! દેખાવે તે બેકપેક યા તો કોલેજિયનોની શોલ્ડર-બેગ જેવી હોય છે. કેમલબેકમાં બે-ત્રણ લિટર પાણી સહેજે સમાઈ શકે. એમાંથી એક પાતળી પાઇપ નીકળતી હોય જેને તમે સીધી મોંમાં લઈ પાણીના ઘૂંટ ભરી શકો. મતલબ કે પાણી પીવા માટે ખાસ બ્રેક લેવાની જરૂર નથી.      
ધારો કે તમે બહુ બિઝી માણસ છો, તમને રનિંગ માટે મોડી રાતે જ ટાઇમ મળે છે અને તમને રસ્તા પર જ દોડવામાં મોજ પડે છે. આ સ્થિતિમાં એક રિફ્લેક્ટિવ વેસ્ટ કે રિફ્લેક્ટિવ જેકેટ વસાવી લેવું. એમાં એલઈડી (લાઇટ એમિટિંગ ડાયોડ્સ) જડેલાં હોય છે. તમે રોડ પર દોડતા હશો ત્યારે આ એલઈડી લબૂકઝબૂક થયા કરશે, તેથી તમારી પાછળથી કે સામેથી આવતાં વાહનોના ડ્રાઇવર્સનું દૂરથી જ ધ્યાન જશે અને એક્સિડન્ટ-બેક્સિડન્ટ થતાં રહી જશે. આખું જેકેટ ન પહેરવું હોય તો ફક્ત કાંડે બાંધવાના રિફ્લેક્ટિવ બેન્ડ પણ ધારણ કરી શકો છો.

દોડવું આમ તો એકાકી ક્રિયા છે, પણ મ્યુઝિક તમને કંપની આપી શકે છે. જો હજુ સુધી આઈપોડ ન વસાવ્યું હોય તો વસાવી લો,એમાં તમારાં મનગમતાં ગીતડાં સ્ટોર કરી લો ને પછી પછી દોડતાં દોડતાં સાંભળતા રહો. હા, 'લહુ મુંહ લગ ગયા' સાંભળતી વખતે આસપાસના માહોલનું ને ટ્રાફિકનું ધ્યાન રાખવાનું. નહીં તો મુંહ, હાથ, પગ, પીઠ, ગોઠણ બધે જ લહુ લાગી જશે.


મોબાઇલ દોડવીરોથી દૂર રહી જાય તેવું કેમ બને? રનર્સ લોકોને મોજ પડી જાય એવી કંઈકેટલીય મોબાઈલ એપ્લિકેશન્સ ઉપલબ્ધ છે. તેમાંથી RunKeeper (રન કીપર) અને   Map My Run (મેપ માય રન) સૌથી પોપ્યુલર છે. રનકીપર ૨૦૦૮માં લોન્ચ થયેલી ઇન-બિલ્ટ જીપીએસ ધરાવતી ફિટનેસ-ટ્રેકિંગ એપ્ છે, જેને અત્યાર સુધીમાં ૨ કરોડ ૩૦ લાખ લોકો ફ્રી ડાઉનલોડ કરી ચૂક્યા છે એવો દાવો કરાય છે. તમારા વિશેની માહિતી તેમાં ઇનપુટ કરવાની અને દોડતી વખતે સ્માર્ટફોન ખિસ્સામાં મૂકીને એપ્ ઓન કરી દેવાની. તમે કાપેલું અંતર, સમય, તમારો પ્રોગ્રેસ, તમારું બેસ્ટ પર્ફોર્મન્સ વગેરે માહિતી રનકીપર એકધારું નોંધતું રહેશે. તમારો ડેટા વખતોવખત ઈ-મેઇલ કરતા રહીને તમને સતર્ક પણ રાખશે. ફેસબુક અને ટ્વિટર સાથે પણ રનકીપરનું સંધાન છે એટલે તમે દોસ્તો સાથે ડેટા શેર કરતા રહીને એકમેકને પાનો ચડાવી શકો છો.
આપણામાં એક કહેવત છે- ઠોઠ નિશાળિયાને વતરણાં ઝાઝાં. મતલબ કે વિદ્યાર્થી ઠોઠ હશે તો હજાર નખરાં કરશે ને ભણવા સિવાયની બધી બાબતોમાં ધ્યાન આપશે. કેટલાય આળસુડાઓ શરીરને હલાવવાનું કષ્ટ નહીં કરે, પણ ઉપર નોંધ્યાં એવાં ઉપકરણોનું શોપિંગ કરશે, રનિંગ વિશેની ચોપડીઓ અને મેગેઝિનોનાં પાનાં ફેરવશે, યુટયુબ પર જઈને રનિંગ વિશેના વીડિયો જોયા કરશે અને આટલું કરીને ઓર્ગેઝમ જેવો પરમ સંતોષ અનુભવવા લાગશે. અચ્છા, જોગિંગ-જિમિંગના મામલામાં તમે કેવાંક સિન્સિયર છો?         

Saturday, December 7, 2013

મલ્ટિપ્લેક્સ : ગો...ગોવા...ગોન!

Sandesh - Sanskaar Purti - 8 Dec 2013

મલ્ટિપ્લેક્સ

ગોવામાં યોજાઈ ગયેલા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે કઈ ફિલ્મો ગાજી?

Beatriz's War

શીલા ગોવામાં નવેમ્બરમાં માત્ર નઠારો તહલકા કાંડ જ નહોતો થયો, એક મસ્તમજાની ઇવેન્ટ પણ થઈ હતી - ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (આઈએફએફઆઈ). ૨૦થી ૩૦ નવેમ્બર દરમિયાન યોજાઈ ગયેલા આ ફેસ્ટિવલમાં એક અંદાજ મુજબ દુનિયાભરની ૩૨૬ ફિલ્મોનું સ્ક્રીનિંગ થયું. તેમાંની ૧૫ ફિલ્મો એવી હતી, જે ઓસ્કર-૨૦૧૪માં ઓલરેડી નોમિનેટ થઈ ચૂકી છે. બધી ફિલ્મો વિશે વાત કરવા જેટલો અવકાશ નથી, પણ ચાલો, ગોવાના ફિલ્મી જલસામાં વિજેતારૂપ બનેલાં પિક્ચરો વિશે થોડું જાણીએ. અવોડ્ર્ઝ સમજીવિચારીને યોગ્ય ફિલ્મોને અને કલાકારોને જ આપવામાં આવ્યા હશે, એવું આપણે હાલ સગવડ પૂરતું સ્વીકારી લઈએ.
'બીટ્રીઝીસ વોર' નામની ફિલ્મને ગોલ્ડન પીકોક અવોર્ડ મળ્યો. આ ફિલ્મ કરતાંય એ જ્યાં બની છે તે દેશની કહાણી વધારે ઈન્ટરેસ્ટિંગ છે. ઈસ્ટ તિમોર નામના દેશનું નામ સાંભળ્યું છે? સાઉથ-ઈસ્ટ એશિયામાં ઈન્ડોનેશિયા પાસે આ ટચૂકડો આઈલેન્ડ કન્ટ્રી આવ્યો છે. તેના પર સોળમી સદીથી પોર્ટુગલનું રાજ ચાલતું હતું. તે ઓળખાતું પણ પોર્ટુગીઝ તિમોર તરીકે. છેક ૧૯૭૫માં પોર્ટુગલે એને આઝાદ કર્યું. હજુ તો મુક્તિના શ્વાસ લે- ન લે ત્યાં ઈન્ડોનેશિયાએ એના પર કબજો જમાવી દીધો. સ્થાનિક લોકોના લોહિયાળ સંઘર્ષ અને યુનાઈટેડ નેશન્સની દરમિયાનગીરીના પરિણામ સ્વરૂપે ૧૯૯૯માં ઈન્ડોનેશિયન આર્મીએ ત્યાંથી ઉચાળા ભર્યા. આખરે ૨૦૦૨માં આ પ્રદેશનું 'ઈસ્ટ તિમોર' એવું નામકરણ કરવામાં આવ્યું અને તેને સ્વતંત્ર દેશ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો. એકવીસમી સદીમાં દુનિયાના નક્શા પર અસ્તિત્વમાં આવેલો આ સૌથી પહેલો નવો દેશ.
સંઘર્ષમય ઇતિહાસ ધરાવતા અને પા-પા પગલી ભરી રહેલાં આ અલ્પવિકસિત દેશમાં સિનેમા કલ્ચરની શરૂઆત થઈ છે.'બીટ્રીઝીસ વોર' આ દેશની સર્વપ્રથમ ફિલ્મ છે. ઓસ્ટ્રેલિયન ફિલ્મમેકરોની મદદથી કેવળ બે લાખ ડોલર્સના બેબી-બજેટમાં આ ફુલલેન્થ ફીચર ફિલ્મ બનાવવામાં આવી છે. ફિલ્મની કહાણીમાં દેશના ઇતિહાસનું પ્રતિબિંબ ન પડે તો જ આશ્ચર્ય. બીટ્રીઝ ફિલ્મની નાયિકાનું નામ છે. પોર્ટુ-ગીઝોએ દેશ મુક્ત કર્યો એ વર્ષે, ૧૯૭૫માં, તોમસ સાથે એનાં લગ્ન થાય છે. થોડા મહિનાઓ પછી ઈન્ડોનેશિયન લશ્કર ગામડાંઓમાં અમાનુષી કત્લેઆમ ચલાવે છે, કેટલાંય લોકોને બંદી બનાવીને લઈ જાય છે. એમાં તોમસનો નંબર પણ લાગી જાય છે. આખરે ૧૯૯૯માં ઈન્ડોનેશિયાના લશ્કરી શાસનમાંથી મુક્તિ મળી પછી તોમસ ગામ પાછો ફરે છે. બીટ્રીઝ રાજી રાજી થઈ જાય છે, પણ એને ક્યાં ખબર છે કે જે માણસને પોતાનો પતિ ગણે છે એ વાસ્તવમાં તોમસનો હમશકલ છે! તો અસલી તોમસ ક્યાં ગયો? કોણ છે આ બહુરૂપિયો? ફિલ્મ આ ગુથ્થી સુલઝાવતી આગળ વધે છે.

Thou Gild'st the Even

'ધાઉ ગિલ્ડસ્ટ ધ ઈવન' નામની તુર્કીશ ફિલ્મને સ્પેશિયલ જ્યુરી અવોર્ડ યા તો સિલ્વર પીકોક અવોર્ડ મળ્યો. આ ટાઈટલ શેક્સપિયરના એક સોનેટ પરથી લેવાનું આવ્યું છે. માણસમાત્ર મૂંઝવણનો શિકાર છે, તે આ બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મની વાર્તાનો કેન્દ્રીય વિચાર છે. ડિરેક્ટર ઓનુર ઉનુલુએ અહીં મેજિક રિઅલિઝમનો છૂટથી ઉપયોગ કર્યો છે. સિમેલ નામનો એક યુવાન છે. આગની દુર્ઘટનામાં એની મા અને ભાઈ-બહેન સૌ મૃત્યુ પામ્યાં છે. દુઃખી દુઃખી થઈ ગયેલો સિમેલ પણ મરવા માગે છે. સિમેલનું ગામ અસાધારણ છે. અહીં આકાશમાં બે સૂર્ય અને રાત્રે ત્રણ ચંદ્ર ઊગે છે. ગામના લોકો વિશિષ્ટ શક્તિઓ ધરાવે છે. જેમકે, એક પાડોશીને અમરત્વનું વરદાન મળ્યું છે, એક સ્ત્રી છે, જે ઇચ્છે ત્યારે અદૃશ્ય થઈ શકે છે, એક કિરદાર તાળી પાડીને સમયને વહેતો અટકાવી શકે છે. સિમેલ એક છોકરીના પ્રેમમાં પડીને એની સાથે લગ્ન કરે છે. એને એમ કે હવે એના દુઃખના દિવસો પૂરા થયા,પણ થાય છે કશુંક બીજું જ. ફિલ્મમાં બધું જ પ્રતીકાત્મક છે. તમારે જે અર્થ કાઢવો હોય તે કાઢી લેવાનો!

A Place in Heaven

'અ પ્લેસ ઇન હેવન' નામની ઈઝરાયલી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર એલોન મોનીને બેસ્ટ એક્ટર (મેલ)નો અવોર્ડ મળ્યો. સાવ ટૂંકમાં કહીએ તો, અહીં એકલતા અનુભવી રહેલા એક રિટાયર્ડ જનરલ (એલોન મોની)ની વાત છે. એ મરણપથારીએ પડયા છે. એમના મનમાં કડવાશ છલકાય છે. રૂઢિચુસ્ત યહૂદી દીકરા સાથે આત્મીયતાભર્યું કમ્યુનિકેશન થઈ શકતું નથી. બાપ ઇચ્છે છે કે દીકરો કંઈક એવા પ્રયત્નો કરે કે જેથી મર્યા પછી એનો આત્મા નર્કની પીડાથી દૂર રહે.

In Hiding

બેસ્ટ એક્ટ્રેસ (ફીમેલ)નો અવોર્ડ મળ્યો બોકઝારસ્કા મેગડેલ નામનાં અભિનેત્રીને, 'ઇન હાઇડિંગ' નામની પોલિશ ફિલ્મ માટે. એની વાર્તા કંઈક એવી છે કે બીજા વિશ્વયુદ્ધના સમાપ્તિના દિવસો છે. જેનિના (મેગડેલ)ની માતાનું કરુણ મોત થઈ ગયું છે. ઘરમાં એ અને એના ફોટોગ્રાફર પિતા બે જ છે. પિતા એક યહૂદી દોસ્તની દીકરીને ઘરમાં છુપાવવા માગે છે. જેનિનાની જરાય ઇચ્છા નથી કે કોઈ અજાણી છોકરી પોતાની સાથે રહેવા આવે, પણ પિતાની વાત માન્યા વિના છૂટકો નથી. એક વાર સ્ટ્રીટ રાઉન્ડઅપ દરમિયાન પિતાની ધરપકડ થાય છે. હવે ઘરમાં બે છોકરીઓ જ છે. બન્ને એકલતા અનુભવે છે, બન્નેનાં મનમાં ફફડાટ છે. એકમેક સિવાય એમની પાસે કોઈ સહારો નથી. ધીમે ધીમે તેમની વચ્ચે દોસ્તી થાય છે. તાણભરી પરિસ્થિતિમાં પેદા થયેલી આત્મીયતા શારીરિક નિકટતામાં પરિણમે છે. યુદ્ધ પૂરું થાય છે. આગંતુક છોકરી હવે ધારે તો ઘર છોડીને મુક્ત વાતાવરણમાં જઈ શકે છે, પણ હવે સ્થિતિ એવી સર્જાઈ ગઈ છે કે એકબીજાં વગર તેઓ રહી શકે તેમ નથી!

Apur Panchali

આ તો થઈ વિદેશી ફિલ્મો. છેલ્લે 'અપુર પાંચાલી' નામની ફિલ્મની વાત કરી લઈએ. તેના ડિરેક્ટર કૌશિક ગાંગુલીને ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ડિરેક્ટરનો અવોર્ડ આપવામાં આવ્યો. સત્યજિત રાયની 'પાથેર પાંચાલી' આપણે જોઈ છે. એમાં અપુ બનેલો પેલો ક્યૂટ બાળકલાકાર યાદ છે? એનું નામ છે સુબીર બેનર્જી. 'પાથેર પાંચાલી' તો અમર બની ગઈ, ખૂબ વાહવાહી મળી, આજેય મળે છે, પણ સુબીર ગાંગુલીએ જુવાન થયા પછી આજ સુધી એક પણ ફિલ્મમાં કામ કર્યું નથી. 'પાથેર પાંચાલી' એમની પહેલી ને છેલ્લી ફિલ્મ. એવા અસંખ્ય બાળકલાકારો છે, જે નાનપણમાં યાદગાર પાત્ર ભજવીને લોકોનાં દિલમાં સ્થાન બનાવી લે છે, પણ મોટા થયા પછી ક્યાં ખોવાઈ જાય છે તેની કોઈને ખબર પડતી નથી. 'અપુર પાંચાલી' યાદગાર બાળકલાકારમાંથી અનામી આમ આદમી બની ગયેલા સુબીર બેનર્જીની કહાણી છે.
તક મળે ત્યારે આ ફિલ્મો જોવા જેવી ખરી!

શો-સ્ટોપર

મુંબઈ શહેર નથી, એક વિરાટ ઓફિસ છે. અહીં લોકો બહારથી કામ કરવા ને કરિયર બનાવવા આવે છે. સૌનો કોઈ બોસ છે, કોઈ સુપિરિયર છે. વતન અલાહાબાદમાં પગ મૂકતાં જ જાણે હું દબંગ હોઉં એવી ફીલિંગ આવવા લાગે, પણ મુંબઈમાં મારી તાસીર બદલાઈ જાય છે.
- તિગ્માંશુ ધૂલિયા (ફિલ્મમેકર)

Tuesday, December 3, 2013

હૉલીવૂડ હન્ડ્રેડ : ૫૦ : ‘ધ ગૉડફાધર’

Hollywood 100 - Mumbai Samachar - Matinee Purti - 29 Nov 2013

હૉલીવૂડ હન્ડ્રેડ : મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

ગંદા હૈ પર ધંધા હૈ યે...
ધ ગૉડફાધર’ એટલી માતબર ફિલ્મ છે કે વિશ્ર્વસિનેમાની શ્રેષ્ઠતમ સો નહીં, પણ ટોપ-ટેન ફિલ્મોની તમામ સૂચિમાં અધિકારપૂર્વક સામેલ થાય છે. 

ફિલ્મ ૫૦ - ‘ધ ગૉડફાધર’



સારું છે કે ‘હોલિવૂડ હંડ્રેડ’ કોલમમાં ક્રમનું મહત્ત્વ નથી, નહીં તો ‘ધ ગૉડફાધર’ જેવી સુપર ક્લાસિક ફિલ્મ છેક પચાસમા ક્રમે મુકવી મોટો અપરાધ ગણાઈ જાત. આજે ‘હોલિવૂડ હંડ્રેડ’નું ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશન આ સોના જેવી મહામૂલી અને મહાપ્રભાવશાળી ફિલ્મ વિશે વાત કરીને કરીશું. ‘ધ ગૉડફાધર’ વિશ્ર્વની સર્વકાલીન શ્રેષ્ઠ સો નહીં, પણ શ્રેષ્ઠતમ દસ ફિલ્મોમાં સ્થાન પામતી માતબર કૃતિ છે.

ફિલ્મમાં શું છે?


 આ એક અન્ડરવર્લ્ડ ડૉનની પારિવારિક અપરાધકથા છે. ૧૯૪૫થી ૧૯૫૫નો સમયગાળો છે. ન્યુયોર્કનું લોકાલ છે. ઈટાલિયન મૂળિયાં ધરાવતા ડૉનનું નામ છે, વિતો કૉર્લીઓન (માર્લોેન બ્રાન્ડો). એમના ત્રણ દીકરા. સૌથી મોટો સૉન્ટિનો (જેમ્સ કાન), જે સનીના હુલામણા નામે ઓળખાય છે. ભારે રુઆબી અને રંગીલો. બીજો દીકરો ફ્રેડરિકો અથવા તો ફ્રેડો (જાન ક્રેઝલ). મોટો જેટલો તેજતર્રાર છે એટલો જ આ ઠંડો છે. ત્રીજો માઈકલ (અલ પચીનો) ઘરના બધા પુરુષો કરતાં સાવ જુદો છે. બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન અમેરિકન સૈન્યનો હિસ્સો બની ચુકેલા માઈકલને માફિયાગિરીમાં નહીં, પણ નોર્મલ લાઈફ જીવવામાં રસ છે.

 ફિલ્મની શરુઆત ડૉનની દીકરી કૉનીનાં લગ્નથી થાય છે. ડૉન અને તેમનો ફેમિલી લૉયર ટોમ હેગન (રોબર્ટ ડુવેલ) સભા ભરીને બેઠા છે. અનાથ ટોમને ડૉન પોતાના દીકરા જેવો ગણે છે. સભામાં લોકો ફરિયાદ અથવા તો કંઈને કંઈ માગણી લઈને આવ્યા છે. ડૉન વારાફરતી સૌનો ન્યાય તોળતા જાય છે. ઈટાલિયનોમાં રિવાજ છે કે દીકરીનાં લગ્ન હોય તે દિવસે કોઈની વિનંતીને નકારી ન શકાય. દરમિયાન માઈકલ પોતાની ગર્લફ્રેન્ડ કય એડમ્સ (ડિએન કીટન)ને લઈને રિસેપ્શનમાં આવે છે. પરિવારમાં સૌની ઓળખાણ કરાવે છે, એમના ક્રાઈમકથાઓ કહે છે અને ખાતરી પણ આપે છે કે પોતે આવાં કામોથી દુનિયાની દૂર જ રહેવા માગે છે. 




ભપકાદાર રિસેપ્શનમાં જાણીતો ગાયક જાની ફોન્ટેન (અલ માર્ટિનો) પણ આવ્યો છે. એને હોલિવૂડની એક ફિલ્મમાં રોલ જોઈએ છે. એ ઈચ્છે છે કે ડૉન કંઈક ચક્કર ચલાવીને આ રોલ એને અપાવે કે જેથી એની ઠંડી પડી ગયેલી કરીઅરમાં કંઈક જીવ આવે. સ્ટુડિયોનું મોટું માથું ગણાતા જેક વોલ્ટ્ઝને જાનીને રોલ આપવામાં કોઈ રસ નથી. જાનીને દિલાસો આપીને ડૉન પેલો યાદગાર ડાયલોગ બોલે છે, ‘આઈ એમ ગોન્ના મેક હિમ અન ઓફર હી કાન્ટ રિફ્યુઝ.’ મતલબ કે હું સ્ટુડિયોના બૉસ સામે એક એવી ઓફર મૂકીશ કે એ તને ના પાડવાની હિંમત નહીં કરી શકે. રિસેપ્શન પછી ડૉન ટોમને લોસ એન્જલસ મોકલે છે, વોલ્ટ્ઝને મળવા. વોલ્ટ્ઝ ગુસ્સે થઈને ચોખ્ખી ના પાડી દે છે કે મારી ફિલ્મમાં જાનીને ચાન્સ નહીં જ આપું. બીજા દિવસે સવારે કોઈ હિરોઈન સાથે બિસ્તરમાં પડેલો વોલ્ટ્ઝને ચાદર અચાનક ભીની ભીની લાગે છે. ચાદર ખસેડતાં એ શું જુએ છે? લોહીમાં લથપથતું એના સૌથી પ્રિય ઘોડાનું કપાયેલું માથું. 

વર્જિલ સોલોઝો (અલ લેટીરી) નામનો આદમી ડૉનના પરિવારને મળે છે. ડૉનના હરીફ ગણાતા ટેટાગ્લીઆ ફેમિલી સાથે પણ એનો સંબંધ છે. સોલોઝો ઈચ્છે છે કે નશીલી દવા ઈમ્પોર્ટ કરવાના અને ડિસ્ટ્રીબ્યુટ કરવાના કામમાં ડૉન કૉર્લીઓન પોતાની વગનો ઉપયોગ કરીને એને મદદ કરે. આ કામમાં પુષ્કળ પૈસા છે,પણ ડૉન નશીલી દવાઓમાં પડવા માગતા નથી. મોટા દીકરા સનીને જોકે આ લાઈનમાં ઝુકાવી દેવામાં બહુ રસ છે. ડૉન લુકા નામના પોતાના એક આદમીને ટેટેગ્લીઆના નેટવર્કમાં ઘૂસણખોરી કરીને અંદરની માહિતી લઈ આવવા મોકલે છે. લુકાનું ખૂન થઈ જાય છે. 




આ તો શરુઆત છે. ડૉન કૉર્લીઓન પર એમની ઓફિસની બહાર જ ગોળીબાર થાય છે અને પરિસ્થિતિ વણસવા લાગે છે. ડૉનનો જીવ જતો રહ્યો છે કે કેમ તે તરત સ્પષ્ટ થતું નથી, પણ એમના બોડીગાર્ડની ગેરહાજરીમાં ફ્રેડો પિતાનું રક્ષણ કરવા માટે બિલકુલ સમર્થ નથી તે ઘીના દીવા જેવું સ્પષ્ટ થઈ જાય છે. સોલોઝો ટોમ હેગનનું અપહરણ કરે છે. સની ટેટેગ્લીઆ એન્ડ કંપનીને ચેતવણી આપે છે, પણ તેની અવગણના કરવામાં આવે છે. માઈકલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ડૉનને મળવા આવે છે. પિતાજીનું રક્ષણ કરવા કોઈ જ હાજર નથી તે જોઈને એ ચોંકે છે. ડૉન પર ફરી ખૂની હુમલો થઈ શકે તેમ છે. આ ધમાલમાં માઈકલ પણ ઘવાય છે. બાપ-દીકરાને ઘરે ખસેડવામાં આવે છે. દુશ્મન ડૉનનો સૌથી મોટા દીકરાનો જીવ જાય છે અને પછી તો ઘણું બઘું બને છે. બધાને નવાઈ ત્યારે લાગે છે જ્યારે માઈકલ પોતાના હાથ લોહીથી રંગવા તૈયાર થાય છે. માઈકલ સોલોઝો અને મેકક્લ્સ્કી નામના કરપ્ટ પોલીસને ઉડાવી દે છે. માઈકલને સિલિલી મોકલી આપવામાં આવે છે. 

દરમિયાન બહેન કૉનીનું લગ્નજીવન ખરાબે ચડે છે. લફડેબાજ બનેવી કાર્લો રિઝી એક વાર પ્રેગનન્ટ કૉની પર હાથ ઉપાડે છે તેથી સનીનો પિત્તો જાય છે. એ જિજાજીને ભરબજારે ધીબેડે છે. ગિન્નાયેલો કાર્લો દુશ્મન ગેંગ સાથે હાથ મિલાવે છે. પરિણામ: સનીની પણ હત્યા થઈ જાય છે. ડૉન કૉલીઓન વધારે ખૂનખરાબા ઈચ્છતા નથી. એ દુશ્મન ગેંગ સાથે સંધિ કરીને તેમને નશીલી દવામાં પોલિટિકલ પ્રોટેક્શન અપાવવાની બાંહેધરી આપે છે. 

પછી શું થાય છે? બન્ને દુશ્મન ગેંગ વચ્ચે સાચા અર્થમાં કોમ્પ્રો થાય છે? ખૂનામરકી પર પૂર્ણવિરામ મૂકાય છે? દેશનિકાલની સજા પામેલા કેદીની માફક સિસિલીમાં સમય વીતાવી રહેલો માઈકલ ક્યારે પાછો અમેરિકા આવે છે? એની પ્રેમિકાનું શું થયું? માઈકલ પુન: સીધુસાદું જીવન તરફ આગળ વધે છે કે ડર્ટી બિઝનેસના કાદવમાં ઊંડો ખૂંપતો જાય છે? આ બધા સવાલોના જવાબ તમારે સ્વયં ‘ધ ગૉડફાધર’ની ડીવીડી જોઈને મેળવી લેવાનો છે. ફિલ્મ જોવા ઉપરાંત તમારે એક ઑર કામ કરવાનું છે - જે પુસ્તક પર આ ફિલ્મ આધારિત છે તે મારિયો પૂઝોની ‘ધ ગૉડફાધર’ નવલકથાનો સૌરભ શાહે ગુજરાતીમાં કરેલા અફલાતૂન અનુવાદને વાંચી જવાનું. જલસો પડશે.

કથા પહેલાંની અને પછીની

પેરેમાઉન્ટ સ્ટુડિયોનો મૂળ આઈડિયા તો એ લૉ-બજેટ ગેંગસ્ટર ફિલ્મ બનાવવાની હતી. મૂળ નવલકથા ‘ધ ગૉડફાધર’ના જ લેખક મારિયો પૂઝોએ સ્ક્રિપ્ટનો પહેલો ડ્રાફ્ટ એ જ રીતે લખેલો, પણ ડિરેક્ટર ફ્રાન્સિસ ફોર્ડ 
કોપોલાએ આ વર્ઝન રિજેક્ટ કરી નાખ્યું. વાસ્તવમાં ‘ધ ગૉડફાધર’ ડિરેક્ટ કરવા માટે ‘ધ ગુડ, ધ બેડ, ધ અગ્લી’ જેવી એકાધિક અફલાતૂન ફિલ્મોના ડિરેક્ટર સર્જીઓ લિઓનનો અપ્રોચ કરવામાં આવ્યો હતો, પણ સર્જીઓને લાગ્યું કે આ ફિલ્મથી માફિયાઓ નાહકના ગ્લોરિયાફાય થઈ જશે. તેથી તેમણે ઓફર ઠુકરાવી દીધી. જોકે ફિલ્મે પછી જે કક્ષાની સફળતા મેળવી તે જોઈને સર્જીઓ પોતાના નિર્ણય બદલ પેટ ભરીને પસ્તાયા હતા. આ ફિલ્મ ઓફર થઈ ત્યારે બાલબચ્ચાવાળા ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા દેવામાં ડૂબેલા હતા.


Mario Puzo

ગૉડફાધરના ટાઈટલ રોલ માટે કેટલાય એક્ટરોનાં નામ વિચારાયાં હતાં. ફ્રાન્સિસ ફોર્ડ કપોલાના મનમાં જોકે બે જ એક્ટર હતા - લોરેન્સ ઓલિવિઅર અને માર્લોેન બ્રાન્ડો. પહેલાં લોરેન્સ ઓલિવિયરનો સંપર્ક કરવામાં આવ્યો. એ દિવસોમાં તેઓ બીમાર રહેતા હતા અને નવાં કામ સ્વીકારતાં નહોતા તેથી એમનાં નામ પર ચોકડી મૂકાઈ ગઈ. તે પછી ૪૭ વર્ષના માર્લોેન બ્રાન્ડોને ડૉન કૉર્લીઓન તરીકે ફાયનલાઈઝ કરવામાં આવ્યા. ફ્રેન્ક સિનાત્રાએ આ રોલની સામેથી માગણી કરી હતી, પણ 
કોપોલા બ્રાન્ડોની પસંદગી પર મક્કમ રહ્યા.


બ્રાન્ડોની આગલી ફિલ્મ ‘બર્ન!’ સુપરફ્લોપ થઈ હતી. હોલિવૂડમાં કહેવાતું હતું કે બ્રાન્ડોની કરીઅર હવે ખતમ થઈ ગઈ છે. માર્લોન બ્રાન્ડોની છાપ હંમેશા એક બહુ જ ડિફિકલ્ટ એક્ટર તરીકેની રહી છે. એમને હેન્ડલ કરવામાં ડિરેક્ટરોને પરસેવો વળી જાય. ડાયલોગ્ઝ ગોખવાની તસ્દી ન લે એટલે એ શોટ આપતા હોય ત્યારે સંવાદ લખેલા પતાકડા પકડીને સામે માણસો ઊભા રાખવા પડે અથવા સંવાદોના કાગળિયાં કેમેરામાં દેખાઈ ન જાય તે રીતે આસપાસ ચીટકાડવા પડે. સ્ુટડિયોના સાહેબોએ Coppola સામે શરત મૂકી હતી કે અમે તમને તો જ બ્રાન્ડોને કાસ્ટ કરવા દઈશું જો એ પોતાની ફી ઓછી કરશે, સ્ક્રીન ટેસ્ટ આપીને એમાં પાસ થશે તેમજ લિખિતમાં ખાતરી આપશે કે પોતે ક્યારેય શૂટિંગ નહી રખડાવે!




ડૉનના કિરદાર માટે બ્રાન્ડોએ પોતાનો અવાજ બદલ્યો હતો. અવાજ બદલવાનો આઈડિયા તેમને ફ્રેન્ક કોસ્ટેલો નામના અસલી ગેંગસ્ટરનો ટીવી ઈન્ટરવ્યુ જોઈને આવ્યો હતો. ‘ધ ગૉડફાધર’નું શૂટિંગ ૭૭ દિવસ ચાલ્યું. એમાંથી બ્રાન્ડોએ કુલ ૩૫ દિવસ કામ કર્યું, કારણ કે આ જ અરસામાં તેમને ‘લાસ્ટ ટેન્ગો ઈન પેરિસ’નું શૂટિંગ પણ ભેગાભેગું પતાવવાનું હતું. વિવાદાસ્પદ ‘લાસ્ટ ટેન્ગો ઈન પેરિસ’ની ગણના પણ એક ક્લાસિક ફિલ્મ તરીકે થાય છે (‘હોલિવૂડ હંડ્રેડ’માં આપણે એના વિશે વાત કરી ચુક્યા છીએ). કલ્પના કરો, બ્રાન્ડો વિશ્ર્વસિનેમાની બબ્બે ઓલ-ટાઈમ-ગ્રેટેસ્ટફિલ્મોમાં એકસાથે કામ કરી રહ્યા હતા!

માઈકલના રોલ માટે સ્ટુડિયોની ઈચ્છા રોબર્ટ રેડફોર્ડ યા તો રાયન ઓ’નીલને લેવાની હતી, પણ કપોલા કોઈ ઓછા જાણીતા એક્ટરને કાસ્ટ કરવા માગતા હતા, જેનો દેખાવ અમેરિકન-ઈટાલિયન જેવો હોય. આ રીતે અલ પચીનોની પસંદગી થઈ. પચીનોએ અગાઉ બે તદ્દન મામૂલી ફિલ્મો કરી હતી.

સ્ટુડિયોના સાહેબોને પચીનોના સિલેક્શન સામેય વાંધો હતો. એમને એની હાઈટ ઓછી લાગતી હતી! ડૉનના નઠારા જમાઈ કાર્લો રિઝીનો રોલ મેળવવા માટે ગિઆની રુસો નામના તદ્દન બિનઅનુભવી એક્ટરે ખરેખરા અન્ડરવર્લ્ડ કનેક્શનનો ઉપયોગ કર્યો હતો! એ પોતાની કેમેરા ટીમને લઈને ધરાર ઓડિશન આપવા પહોંચી ગયેલો. એનું સિલેક્શન પણ થઈ ગયું. જોકે માર્લોન બ્રાન્ડો નારાજ થઈ ગયા હતા. એમનું કહેવું હતું કે જે માણસને એક્ટિંગના ‘એ’ની પણ ખબર નથી એ શું રોલ કરવાનો. રુસોની કમાન છટકી. એ રાતોપીળો થઈને બ્રાન્ડોને ધમકાવવા પહોંચી ગયો. એની આ ટપોરીગીરી ફાયદારુપ સાબિત થઈ. એના તેવર જોઈને બ્રાન્ડો કન્વિન્સ થઈ ગયા કે આ માણસ જો આવું જ વર્તન કેમેરા સામે કરશે તો કામ ચાલી જશે! નવોદિત સિલ્વેસ્ટર સ્ટોલને પણ બનેવીના રોલ માટે ઓડિશન આપ્યું હતું, પણ તેમને રિજેક્ટ કરવામાં આવેલા. ફ્રાન્સિસ કપોલાના કેટલાય પરિવારજનોએ ફિલ્મમાં નાનામોટા રોલ કર્યા છે. કપોલાની મા, પિતા, બહેન, બન્ને દીકરા અને દીકરી કોઈકને કોઈ સીનમાં દેખાય છે. બહેન ટેલીયા શાઈરે તો ફિલ્મના ત્રણેય ભાગમાં ડૉનની દીકરી કૉની કૉર્લીઓનના મહત્ત્વનો રોલ કર્યો છે.

‘ધ ગૉડફાધર’માં અંધારું-અંધારું ખૂબ છે. ઈન્ટીરિયર સીન્સમાં સિનેમેટોગ્રાફર ગોર્ડન વિલિસે જાણી જોઈને શોટ્સને ખૂબ બધી લાઈટ્સથી ઝળહળતો કરી દેવાને બદલે જરુર કરતા ઓછો પ્રકાશ વાપર્યો છે. પેરેમાઉન્ટ સ્ટુડિયોના સાહેબો તો રફ ફૂટેજમાં અધારું-અંધારું જોઈને મૂંઝાઈ ગયા હતા. તેમને શંકા ગઈ કે પ્રિન્ટ ડેવલપ કરતી વખતે લેબોરેટરીમાં કંઈ ગરબડ થઈ કે શું? પણ કપોલા અને ગોર્ડન વિલિસે એમને સમજાવ્યું કે આ ડાર્કનેસ ફિલ્મની ડાર્ક થીમનું અને ગેંગસ્ટર્સનાં કાળાં કારનામાંનું પ્રતીક છે. પછી તો ખાસ કરીને ગેંગસ્ટરની થીમવાળી ફિલ્મોમાં આ પ્રકારની ડિમ-લિટ સિનેમેટોગ્રાફીની ખૂબ નકલ થઈ છે. આજની તારીખે પણ થઈ રહી છે.

ઈટાલિયનો ખાધોકડી પ્રજા છે. ફિલ્મમાં ખાવા-પીવાના અધધધ ૬૧ દશ્યો છે! સામાન્યપણે ડિરેક્ટર ફિલ્મ એડિટ કર્યા પછી પહેલો કટ અથવા તો વર્ઝન તૈયાર કરે તે પ્રમાણમાં લાંબો હોય. ‘ધ ગૉડફાધર’ના કેસમાં ઊલટું થયું. ફર્સ્ટ કટ ફક્ત ૧૨૬ મિનિટનો હતો. હોલિવૂડના સ્ટાન્ડર્ડ પ્રમાણે જોકે આ પણ વધારે જ કહેવાય. પ્રોડક્શન ચીફ રોબર્ટ ઈવાન્સે સૂચના આપી કે ફિલ્મને ઑર લાંબી કરો, એમાં ફેમિલીનાં દશ્યો ઉમેરો. આથી Coppolaએ એડિટ થઈ ચુકેલા મટિરીયલમાંથી કુલ પચાસ મિનિટ જેટલાં દશ્યો ઉમેરીને બીજું અને ફાઈનલ વર્ઝન તૈયાર કર્યું. શૂટિંગ દરમિયાન રોબર્ટ ઈવાન્સને લાગતું હતું કે ફિલ્મ ગેંગસ્ટર વિશેની છે, પણ આમાં એક્શન સીન્સ માંડ સમ ખાવા પૂરતાં છે. તેઓ વધારાનો એક્શન ડિરેક્ટર લેવા માગતા હતા. ઈવાન્સના જીવને નિરાંત થાય તે માટે કપોલાએ કૉની અને તેના વર કાર્લોના લાંબા ઝઘડાવાળો સીન ઉમેરવો પડ્યો!





વક્રતા જુઓ. Coppola સરસ કામ કરી રહ્યા હતા, પણ શૂટિંગ દરમિયાન પેરેમાઉન્ટ સ્ટુડિયોના બોસલોકો કાચું ફૂટેજ જોઈને એટલા બધા અસંતુષ્ટ હતા કે તેઓ Coppolaને ડિરેક્ટરપદેથી તગેડી મૂકવા માગવા હતા! તેઓ એલિયા કઝાન નામના ડિરેક્ટરને લાવવા માગતા હતા. મેનેજમેન્ટનું માનવું હતું કે કઝાન પાસે માર્લોન બ્રાન્ડો સીધા ચાલશે. માર્લોેન બ્રાન્ડોને જેવી આ હિલચાલની ગંધ આવી કે તેમણે ચોખ્ખું સંભળાવી દીધું કે જો તમે Coppolaને કાઢી મૂકશો તો હું પણ ફિલ્મ અધૂરી મૂકીને જતો રહીશ! સાહેબલોકોએ નછૂટકે Coppolaને ફિલ્મ પૂરી કરવા દેવી પડી. કોઈ પણ કંપનીની મેનેજમેન્ટ ટીમમાં બુદ્ધિશાળી માણસો બેઠા હોય છે તેવી એક માન્યતા છે, પણ આ નોન-ક્રિયેટિવ લોકો કેટલી હદે બાલિશ, ખોટા અને ઈવન હાનિકાકર હોઈ શકે છે એનું ‘ધ ગૉડફાધર’ ઉત્તમ ઉદાહરણ છે. ફ્રાન્સિસ ફોર્ડ Coppola માટે આ ફિલ્મ બનાવવાનો અનુભવ પીડાદાયી સાબિત થયો. તેમને સતત ફફડાટ રહેતો હતો કે સાહેબલોકો એને ગમે તે ઘડીએ તગેડી મૂકશે. તેમનો આત્મવિશ્ર્વાસ એટલો બધો નીચે ઉતરી ગયો હતો કે ફિલ્મ પૂરી થઈ પછીય તેમને ખાતરી થતી નહોતી કે પોતે એક સારી ફિલ્મ બનાવી છે. એમને થતું હતું કે ‘ધ ગૉડફાધર’ પછી એક પણ નવી ફિલ્મ ડિરેક્ટ કરવા નહીં મળે.

પણ ‘ધ ગૉડફાધર’ રિલીઝ થતાંની સાથે જ સુપરડુપર હિટ થઈ. એણે કેટલાય બોક્સઓફિસ રેકાર્ડ્સ તોડી નાખ્યા. જે કાસ્ટિંગ માટે સ્ટુડિયોના સાહેબો Coppolaનું લોહી પી ગયા હતા તે પરફેક્ટ પૂરવાર થયું. અવોર્ડ્ઝનો વરસાદ વરસ્યો. અલ પચીનોને એમની કરીઅરનું પહેલું ઓસ્કર નોમિનેશન મળ્યું, પણ રાજી થવાને બદલે તેઓ ક્રોધે ભરાઈ ગયા. તેમનું કહેવું હતું કે મને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર કેટેગરીમાં માટે શા માટે નોમિનેટ કરવામાં આવ્યો છે? મારો રોલ વધારે લાંબો છે, સ્ક્રીન પર હું માર્લોેન બ્રાન્ડો કરતાં વધારે દેખાઉં છું તો મને બેસ્ટ એક્ટરની કેટેગરીમાં નોમિનેટ કરવો જોઈતો હતો! અલ પચીનો એટલા બધા નારાજ થઈ ગયેલા કે તેઓ ઓસ્કર ફંકશનમાં હાજર સુધ્ધાં ન રહ્યા. ઉપસ્થિત રહ્યા હોત તો કદાચ એમને ઑર બળતરા થઈ હોત, કેમ કે બ્રાન્ડો બેસ્ટ એક્ટરનો ઓસ્કર જીતી ગયા. બ્રાન્ડો પણ અવોર્ડ ફંકશનમાં પ્રતીકાત્મક રીતે હાજર રહ્યા ન હતા. તેમનો વાંધો એ વાત સામે હતો કે અમેરિકન ફિલ્મો અને ટીવી સિરિયલોમાં અમેરિકાના મૂળ વતનીઓ એવા રેડ ઈન્ડિયનોનું ચિત્રણ નકારાત્મક કરવામાં આવે છે.

ફિલ્મ રિલીઝ થઈ તે પહેલાં જ એની એટલી સરસ હવા બની ગઈ હતી કે ‘ધ ગૉડફાધર’ પાર્ટ ટુ અને થ્રી બનાવવાનો નિર્ણય લઈ લેવામાં આવેલો. આ ફિલ્મો બની પણ ખરી અને તે પણ પહેલા પાર્ટ જેટલી જ અદભુત પૂરવાર થઈ. આ બન્ને સિક્વલ વિશે ‘હોલિવૂડ હંડ્રેડ’ સિરીઝના ઉત્તરાર્ધમાં ફરી ક્યારેક.

‘ધ ગૉડફાધર’ ફેક્ટ ફાઈલ 

ડિરેક્ટર : ફ્રાન્સિસ ફોર્ડ Coppola 



મૂળ નવલકથાકાર અને સ્ક્રિપ્ટરાઈટર: મારિયો પૂઝો

કલાકાર : માર્લોન બ્રાન્ડો, અલ પચીનો, જેમ્સ કાન, રોબર્ટ ડુવોલ, ડીએન કીટન, જોન કેઝન, અલ લિટેરી

રિલીઝ ડેટ : ૧૫ માર્ચ ૧૯૭૨

મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ પિક્ચર, એક્ટર ઈન લીડીંગ રોલ અને એડેપ્ટેડ સ્ક્રીનપ્લે માટે ઓસ્કર અવોર્ડ્ઝ. બેસ્ટ ડિરેક્ટર, એક્ટર ઈન સપોર્ટિંગ રોલ (અલ પચીનો, જેમ્સ કાન, રોબર્ટ ડુવોલ), કોસ્ચ્યુમ ડિઝાઈન, એડિટિંગ, સાઉન્ડ અને ઓરિજિનલ મ્યુઝિક માટે ઓસ્કર નોમિનેશન્સ.