Friday, November 29, 2013

બોલીવૂડ એક્સપ્રેસ : ગુથ્થીની ગરબડ અને પલકનું રિપ્લેસમેન્ટ


Sandesh - Cine Sandesh - 29 Nov 2013

બોલિવૂડ એક્સપ્રેસ 



હાય. પહલે ઇન્ટ્રોડક્શન તો કરા દું. બોબો-વાચકો... વાચકો-સંદેશ... સંદેશ-શુક્રવાર... શુક્રવાર-ફિલ્મી પૂર્તિ... ફિલ્મી પૂર્તિ- સ્ટાર્સની પંચાત... સ્ટાર્સની પંચાત-ટાઇમપાસ... ટાઇમપાસ-વાચકો... વાચકો-બોબો!
ઓ ગુથ્થી... તૂ કહાં ચલી ગઈ? વી મિસ યુ! સાચું કહેજો, કઢંગા ઇન્ટ્રોડક્શન કરાવીને ફેમસ થઈ ગયેલી ચાંપલી ગુથ્થી વગર 'કોમેડી નાઇટ્સ વિથ કપિલ'ની મજા પચીસ ટકા ઓછી થઈ ગઈ છે એવું તમને પણ નથી લાગતું? આટલા તાજા તાજા શોમાંથી કોઈ એક આર્ટિસ્ટના જવાથી આટલો મોટો વિવાદ થઈ ગયો હોય એવું કદાચ પહેલી વાર બન્યું છે. પોતાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા જરૂરી પગલાં ભરવાં તે કોઈ પણ કલાકારનો હક છે, પણ બો-બો ઉર્ફ બોલિવૂડ બોયને લાગે છે કે ગુથ્થી બનતા સુનીલ ગ્રોવરે ગૂડ-બાય કહેવામાં જરા ઉતાવળ કરી નાખી. એણે થોડા મહિના રાહ જોવાની જરૂર હતી. શોમાં થોડી યાંત્રિકતા પ્રવેશી ગઈ હોત, તે બીબાંઢાળ અને બોરિંગ બની રહ્યો હોય તેવી ફીલિંગ આવવાની શરૂ થઈ ગઈ હોય ત્યારે શો છોડયો હોત તો સારું થાત. અત્યારે તો શો હજુ કિલકિલાટ કરતાં વહાલીડા બાળકની માફક સરસ રીતે ગ્રો થઈ રહ્યો છે. કમબખ્તી એ થઈ છે કે જે ચેનલ પર શો પ્રસારિત થતો હતો એ કંપનીએ સુનીલ ગ્રોવરને કાનૂની સકંજામાં બાંધી દીધો છે એટલે એ બીજી કોઈ ચેનલ પર ગુથ્થી પ્રકારનું પાત્ર નિભાવી શકશે નહીં. બાપડા સુનીલ ગ્રોવરની હાલત ન ઘરના ન ઘાટના જેવી થઈ ગઈ છે.
ચેનલ ભલે શોના ફોર્મેટના નામે છાતી ફુલાવીને ફરે, બાકી તમે જાણો છો કે સેલિબ્રિટી ઘરે ઇન્ટરવ્યૂ આપવા આવે ને ઇન્ટરવ્યૂ લેનારનું વિચિત્ર ફેમિલી એને હેરાન પરેશાન કરી મૂકે તે આઇડિયા ઓરિજિનલ નથી? વર્ષો પહેલાં ટીવી પર એક હિટ બ્રિટિશ શો આવતો હતો- 'ધ કુમાર્સ એટ ફોર્ટી-ટુ'. ઇન્ડિયન આર્ટિસ્ટોવાળા આ શોમાં આ જ વાત હતી. તેના પરથી હેટ્સ ઓફ પ્રોડક્શને 'બાટલીવાલા હાઉસ નંબર ૪૩' નામનો શો બનાવ્યો હતો, જેમાં સિદ્ધાર્થ 'ગુજ્જુભાઈ' રાંદેરિયા એક્ટિંગ કરતા હતા. તેમાં આ જ બધું હતું - ઘર સાથે એટેચ્ડ સ્ટુડિયોમાં સેલિબ્રિટી ઇન્ટરવ્યૂ આપવા આવે, સોફા પર પરિવારના આઇટમ સદસ્યો લાઇનમાં બેસી જાય ને સેલિબ્રિટીનું લોહી પી જાય. આ શો જોકે ખાસ ચાલ્યો નહોતો.
બેક ટુ કોમેડી નાઇટ્સ. ગુથ્થીની એક્ઝિટ પાછળ તેજોદ્વેષ, અતિ મહત્ત્વાકાંક્ષા, પૈસાની ખેંચતાણ, ઇન્ટર્નલ પોલિટિક્સ કે બીજું કોઈ પણ કારણ હોય, વર્તમાન સિનારિયામાં આદર્શ સ્થિતિ એ છે કે તમામ સંબંધિત પાર્ટી વચ્ચે કોમ્પ્રો થઈ જાય અને ગુથ્થી શોમાં નવેસરથી શાનદાર એન્ટ્રી મારે. આ જે કંઈ નાટક થયાં તેને કારણે ત્રણ વાત બની છે. એક તો, સુનીલ ગ્રોવરને પોતાની સ્ટારવેલ્યૂ સમજાઈ ગઈ. બીજું, કપિલ શર્માને પોતાનો શો કેટલી હદે પોપ્યુલર બની ચૂક્યો છે એનો ઔર એક પુરાવો મળ્યો અને ત્રીજું, ધારો કે ગુથ્થીની એક્ઝિટ પછીના એપિસોડ્સના ટીઆરપીમાં ખાસ દેખીતો ઘટાડો નહીં નોંધાયો હોય (નહીં જ નોંધાયો હોય) તો ચેનલને પણ સમજાઈ જશે કે આ સુપરહિટ શોની લોકપ્રિયતામાં કોઈ એક આર્ટિસ્ટના હોવા ન હોવાથી કશો ફરક પડવાનો નથી. તેથી વાયડા સુનીલ ગ્રોવર સામે બહુ ગરજ દેખાડવાની જરૂર નથી. હંમેશાં શો મોટો હોય છે, આર્ટિસ્ટ નહીં. 'ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી'ના મિહિરથી લઈને 'બાલિકા વધૂ'ની આનંદી સુધીનાં કેટલાંય કિરદાર નિભાવતા કલાકારોએ અધવચ્ચેથી એક્ઝિટ લીધી જ છેને. અલબત્ત, એ બધા ફિક્શનલ શોઝ હતા યા તો છે. ઓડિયન્સને 'કોમેડી નાઇટ્સ વિથ કપિલ'માં ગુથ્થીના રોલમાં બીજા કોઈ પણ એક્ટરને જોવો નહીં જ ગમે. આ સુનીલ ગ્રોવરની સિદ્ધિ છે. ખેર, એ શોમાં પુનરાગમન કરે તો સારું જ છે. ધારો કે ન કરે તો જાડી ઢમઢોલ ગોળમટોળ પલકથી કામ ચલાવી લેવાનું, બીજું શું.
                                                        0 0 0 

હો, આ બોલિવૂડવાળા આપણને બહેરા કરીને જ છોડશે. હજુ 'ગોલિયોં કી રાસલીલા : રામલીલા'ના કડાકાભડાકાથી કાનમાં ત્રમ ત્રમ ત્રમ થવાનું બંધ થયું નથી ત્યાં 'બુલેટ રાજા' નવો દારૂગોળો લઈને આવી રહ્યા છે. આઈ મીન સૈફ અલી આમાં પિક્ચરના નામ પ્રમાણે ગુંડો બન્યો છે. દસેય દિશાઓમાં ફૂલી-ફાલી-ફદફદી ગયેલી, રાંધણગેસના સિલિન્ડરની દર્દનાક યાદ અપાવતી, દેડકા જેવા ફૂલેલા ગાલોવાળી વિરાટકાય સોનાક્ષી સિંહા એની ગર્લફ્રેન્ડ બની છે. (એક મિનિટ, ધારો કે 'કોમેડી નાઇટ્સ વિથ કપિલ'માંથી પેલી જાડી ઢમઢોલ ગોળમટોળ પલક પણ એક્ઝિટ લઈ લે તો એની જગ્યાએ સોનાક્ષીને ફિટ કરી શકાય કે નહીં?)
એની વે. બૂલેટ કિંગ સૈફનું એક ક્વોટ સાંભળોઃ "એક એક્ટર તરીકે કોઈની સામે બંદૂક તાકવામાં મારે એટલી જ તકેદારી રાખવી પડે જેટલી રૂપાળી કન્યા સામે ગુલાબનું ફૂલ ધરવામાં. આ કામ ચોક્કસ રીતે જ કરવું પડે. નાના છોકરાઓ ચોર-પોલીસ રમતા હોય ત્યારે કેવા નકલી બંદૂક હાથમાં લઈને દોડાદોડી કરતા હોય છે! અમારે એક્ટરોએ પણ એમ જ કરવાનું હોય છે. અલબત્ત,એકદમ સિરિયસ થઈને, હાથમાં સાચી બંદૂક પકડી હોય એવો ભાવ લાવીને. આવું ન કરીએ તો આખા સીનનો કચરો થઈ જાય!"
ભલે ત્યારે. સૈફ-બોબો... બોબો-વાચકો... વાચકો-ટાટા... ટાટા-બાય બાય!
                                             0 0 0 

No comments:

Post a Comment