Monday, November 11, 2013

હૉલીવૂડ હન્ડ્રેડ : 47 : લા ડોલ્ચે વિતા

Mumbai Samachar  - Matinee Purti - 8 Nov 2013

હૉલીવૂડ હન્ડ્રેડ : મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

દુનિયા મેં હમ આયે હૈં તો જીના હી પડેગા...

કદાચ પરફેક્ટ લાઈફ જેવું કશું હોતું જ નથી અને આ સત્ય સુધી માણસે પોતપોતાની રીતે મથામણ કરીને, સુખ-દુખ-પીડામાંથી પસાર થઈને પહોંચવાનું હોય છે. કંઈક આવો સંદેશો આપવા માગતા ઈટાલિયન ફિલ્મમેકર ફેડરિકો ફેલિનીની ‘લા ડોલ્ચે વિતા’ વિશ્ર્વસિનેમાની સર્વકાલીન શ્રેષ્ઠતમ ફિલ્મોમાં સ્થાન પામે છે.

                                                


ફિલ્મ ૪૭ : ‘લા ડોલ્ચે વિતા’

સિનેમાના માસ્ટર ફેડરિકો ફેલિનીની એક ફિલ્મ ‘એઈટ એન્ડ અ હાફ’ વિશે આપણે આ કોલમમાં અગાઉ વિગતે વાત કરી હતી. આજે એમની ઑર એક ઈટાલિયન ફિલ્મ ‘લા ડોલ્ચે વિતા’ અથવા તો ‘અ સ્વીટ લાઈફ’ યા ‘અ ગુડ લાઈફ’નો વારો. ફિલ્મ ખાસ્સી ઓફબીટ અને ‘અઘરી’ છે, પણ વિશ્ર્વસિનેમાની સર્વકાલીન શ્રેષ્ઠતમ ફિલ્મોમાં તેનું નામ છે.

ફિલ્મમાં શું છે?

સ્થૂળ સ્તરે વાત કરીએ તો આ ફિલ્મ માર્સેલો (માર્સેલો મેસ્ત્રોએની) નામના પત્રકારની વાત છે. એ ગોસિપ રાઈટર છે. હાઈ સોસાયટીના સફળ, ગ્લેમરસ અને ધનિક લોકો સાથે ઊઠબેસ કરીને તેમના વિશે ચટપટી વાતો પોતાની કોલમમાં લખે છે. માર્સેલો રોમમાં એક અઠવાડિયું વીતાવે છે. દરમિયાન એને અનેક પ્રકારના અનુભવો થાય છે. આ સાત દિવસ અને સાત રાતોનો અહેવાલ એટલે આ ફિલ્મની કહાણી. પ્રચલિત અર્થઘટન એવું છે કે ફેલિનીએ આ ફિલ્મમાં બાઈબલમાં વર્ણવવામાં આવેલાં સાત પાપને વણી લીધાં છે. આ સાત પાપ એટલે ક્રોધ, લોભ, લાલચ, ઘમંડ, આળસ, વાસના અને અકરાંતિયાપણું. જોકે ઘણાં સમીક્ષકોનું કહેવું છે કે ફિલ્મના નરેટિવ (કથાપ્રવાહ)ને આ રીતે સાત પાપોને સંદર્ભ આપી દેવાથી એની અપીલ સીમિત થઈ જાય છે. આમ જોવા જાઓ તો ફિલ્મમાં વાર્તા જેવું કશું છે જ નહીં. ફિલ્મ કેરેક્ટર-ડ્રિવન છે. મતલબ કે અહીં પાત્રો કેન્દ્રમાં છે. આ પાત્રોને અને એક પછી એક બનતી ઘટનાઓને એકમેક સાથે સીધો સંબંધ હોય અથવા ન પણ હોય. રાઈટર-ડિરેક્ટર ફેલિનીને ‘વ્યુઅર-ફ્રેન્ડલી’ બનવાના કોઈ ધખારા નથી. એ નથી કોઈ ખુલાસા કરતા કે નથી માંડીને વાત કરતા. ફિલ્મની પેટર્ન કંઈક એવી છે કે સાત એપિસોડ્સમાં વહેંચાયેલી ફિલ્મ રોજ સાંજે શરુ થાય અને વહેલી પરોઢે ખતમ થાય. આ સિલસિલો સપ્તાહ સુધી ચાલ્યા કરે.





ફિલ્મની શરુઆતમાં જિસસ ક્રાઈસ્ટને ઊંચકીને લઈ જતું એક હેલિકોપ્ટર રોમ શહેર પરથી પસાર થતું દેખાય છે. હીરો માર્સેલોનું હેલિકોપ્ટર પીછો કરી રહ્યું છે. સાથે પાપારાઝો નામનો ફોટોગ્રાફર પણ છે. રાત્રે એક નાઈટકલબમાં માર્સેલોની મુલાકાત રાજવી પરિવારની એક ધનાઢ્ય સ્ત્રી સાથે થાય છે. એક વેશ્યાના ઘરમાં બન્ને વચ્ચે શરીર સંબંધ બંધાય છે. પરોઢિયે હોટલના કમરામાં પહોંચે છે ત્યારે ખબર પડે છે કે એની અતિ માલિકીભાવ ધરાવતી પ્રેમિકા ઍમા (ઈવન ફરનો)એ ખૂબ બધી ટેબ્લેટ્સ ગળીને આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. હોસ્પિટલના કમરામાં માર્સેલો એને ખાતરી આપે છે કે સ્વીટહાર્ટ, હું ફકત તારો જ છું. જોકે કમરાની બહાર જઈને આગલી રાતે જે સ્ત્રી સાથે ગાળી હતી એની સાથે ફોન પર વાત કરવાનું ચુકતો નથી.

બીજા દિવસે સિલ્વિયા (અનિતા એકબર્ગ) નામની એક ફેમસ સ્વિડિશ-અમેરિકન એક્ટ્રેસ રોમ આવે છે. પત્રકારો અને ફોટોગ્રાફરોના ટોળેટોળા વચ્ચે માર્સેલો એવી યુક્તિ કરે છે કે જેથી સિલ્વિયા સાથે એકલા સમય ગાળી શકાય. રાત્રે ક્લબમાં એની સાથે ડાન્સ કરે છે ને પછી બન્ને વિખ્યાત ટ્રેવી ફાઉન્ટનમાં જલક્રીડા પણ કરે છે. સિલ્વિયાના પ્રેમીથી આ બધું સહન થતું નથી. એ સિલ્વિયાને લાફો ઠોકી દે છે. માર્સેલો ગમ ખાઈને જતો રહે છે. તે પછી એની મુલાકાત સ્ટીનર (એલેઈન કુની) નામના બૌદ્ધિક સાથે થાય છે. એના ઘરે પાર્ટીમાં કલાકારો, સંગીતકારો વગેરે ભેગા થઈને ઊંચી ફિલોસોફિકલ વાતો કરે છે. સ્ટીનરનું જીવન આમ તો પરફેક્ટ છે. પત્ની છે, બાળકો છે, સામાજિક પ્રતિષ્ઠા છે. સ્ટીનર કબૂલે છે કે પોતે ભોતિક સુખ અને આધ્યાત્મિક શાંતિની શોધ વચ્ચે રહેંસાઈ રહ્યો છે. પ્રેમની ઝંખના તેમજ મોટા થતાં જતાં બાળકો વિશેની અસલામતી વિશે પણ ચર્ચા થાય છે. 





ઘણા બધા વેરવિખેર પ્રસંગો બનતા રહે છે, જેમાં માર્સેલોની એના પિતા સાથેની સિકવન્સ મુખ્ય છે. પિતા રોમ ફરવા આવ્યા છે. એક નાઈટક્લબમાં બન્ને મળે છે. નાનપણમાં માર્સેલોએ પિતા સાથે બહુ ઓછો સમય ગાળ્યો હતો. ક્લબમાં માર્સેલો પિતાની ઓળખાણ ફની નામની એક ડાન્સર સાથે કરાવે છે, જેની સાથે એ એક રાત ગાળી ચુક્યો છે. ફનીને પિતાજીમાં રસ પડે છે. એમને એ પોતાના ઘરે લઈ જાય છે, પણ ત્યાં એમને અચાનક હાર્ટએટેક આવે છે. માર્સેેલો પિતાજી સાથે વધારે સમય ગાળવા માગે છે, પણ પિતાજી થોડાઘણા સ્વસ્થ થતાં જ પાછા જતા રહે છે.

ઓર થોડી ધટનાઓ. માર્સેેલો અને ઍમા વચ્ચે ઝઘડો થવો, પેચ-અપ થવું, સ્ટીનરનું પોતાનાં બન્ને સંતાનોની હત્યા કરીને આત્મહત્યા કરી લેવી, પાર્ટીઓ-પાર્ટીઓ-પાર્ટીઓ અને આવા જ કોઈ બિંદુ પર ફિલ્મનું પૂર્ણવિરામ આવવું.

કથા પહેલાંની અને પછીની

ફેડરિકો ફેલિનીને આ ફિલ્મની પ્રેરણા ક્યાંથી મળી? રોમમાં એક તબક્કે ફેશનનો સ્ફોટ થયો હતો. સ્ત્રીઓ ચિત્રવિચિત્ર કપડાં પહેરીને રસ્તા પર ફર્યાં કરતી. એમને જોઈને ફેલિનીને રોમના પેજ-થ્રી ક્રાઉડને કેન્દ્રમાં રાખીને આ ફિલ્મ બનાવવાનો આઈડિયા આવ્યો. આ ફિલ્મમાં અત્યંત લાઉડ કોશ્ચ્યુમ પહેરેલાં કેટલાંક સ્ત્રીપાત્રો જોવા મળે છે. યોગાનુયોગે આ ફિલ્મને બેસ્ટ કોશ્ચ્યુમ્સ ડિઝાઈન (બ્લેક એન્ડ વ્હાઈટ)નો ઓસ્કર ઍવોર્ડ પણ મળ્યો છે. મોટા ભાગની ફિલ્મનું શૂુટિંગ રોમના સિનેસિટ્ટા સ્ટુડિયોમાં થયું છે. લગભગ ૮૦ જેટલા સેટ્સ બનાવવામાં આવ્યા હતા.

સંતાનોની હત્યા કરીને આપઘાત કરી લેનાર બૌદ્ધિકનું પાત્ર ફેલિનીએ સીઝર પવેઝી નામના નવલકથાકાર પરથી બનાવ્યું હતું. ફેલિની અને સીઝર સ્કૂલમાં સાથે ભણતા. અતિ બૌદ્ધિકતાને લીધે લાગણીના સ્તરે એ સૂકા રહી ગયેલા. એમણે આખરે હોટલના કમરામાં આત્મહત્યા કરી નાખી હતી.





‘પાપારાઝી’ શબ્દ આ ફિલ્મની દેન છે. ફિલ્મમાં નાયકના ફોટોગ્રાફર દોસ્તનું નામ પાપારાઝો છે. એક ઈટાલિયન બોલીમાં પાપારાઝો એટલે ચકલી. તેના પરથી સેલિબ્રિટીઓની અંગત સ્પેસમાં ઘૂસણખોરી કરતા ફોટોગ્રાફરો માટે પાપારાઝી શબ્દ બન્યો જે દુનિયાભરની કેટલીય ભાષાઓની ડિક્શનરીઓનો હિસ્સો બની ગયો. પાપારાઝો એકવચન છે, પાપારાઝી બહુવચન.

ફિલ્મ ટોચના ફિલ્મ ફેસ્ટિવલ્સમાં દેખાડાઈ અને પછી વિધિવત રિલીઝ પણ થઈ. એની નવી-અનોખી સિનેમેટિક લૅંગ્વેજ પર વિવેચકો સમરકંદ બુખારા ઓવારી ગયા. કશુંક જુદું જોવા માગતા ઓડિયન્સને જુદો જ અનુભવ થયો. આ ફિલ્મ સૌથી પ્રભાવશાળી યુરોપિયન ફિલ્મોમાંની એક બની રહી.

આ ફિલ્મમાં ‘કવિ’ આખરે કહેવા શું માગે છે? સુખની શોધ ક્યારેય પૂરી થતી નથી, સુખ મૃગજળ જેવું છે, સંપૂર્ણ સુખ માણસને ક્યારેય પ્રાપ્ત થતું નથી, એમ? કદાચ, હા. કદાચ સ્વીટ લાઈફ કે પરફેક્ટ લાઈફ જેવું કશું હોતું જ નથી અને આ સત્ય સુધી માણસે પોતપોતાની રીતે મથામણ કરીને, સુખ-દુખ-પીડામાંથી પસાર થયા પછી પહોંચવાનું હોય છે. આ ફિલ્મનું તમે સમયાંતરે જુદું જુદું અર્થઘટન કરી શકો છો. કદાચ એની આ લાક્ષણિકતા જ એને ક્લાસિકનો દરજ્જો આપી દે છે. 





જોતા જ ફટાફ કરતી મજા પડી જાય તેવી આ ફિલ્મ નથી. એ દર્શકને બૌદ્ધિક કસરત કરાવે છે. એની પાસેથી પુષ્કળ ધીરજની અપેક્ષા રાખે છે. વળી, ફિલ્મની રિધમ પકડવા માટે તેને એક કરતાં વધારે વખત જોવી પડશે. જો આ બધું કરવા તૈયાર હો તો ‘લા ડોલ્ચે વિતા’ પાસે જરૂર જવું. અનુભવ સરવાળે સંતોષકારક સાબિત થશે.


'લા ડોલ્ચે વિતાફેક્ટ ફાઈલ 

ડિરેક્ટર - કો-રાઈટર : ફેડરિકો ફેલિની 


કલાકાર : માર્શેલો મેસ્ત્રોએની, અનિતા ઈકબર્ગ, એલેઈન કુમી, ઈવન ફુરનો

ભાષા : ઈટાલિયન

રિલીઝ ડેટ : ૫ ફેબ્રુઆરી ૧૯૬૦

મહત્ત્વના ઍવોર્ડઝ : બેસ્ટ કોશ્ચ્યુમ ડિઝાઈન (બ્લેક એન્ડ વ્હાઈટ) માટે ઑસ્કર ઍવોર્ડ

                                        0 0 0 

No comments:

Post a Comment