Sunday, May 17, 2020

અગમનિગમ, ભેદભરમ અને સિગ્મન્ડ ફ્રોઇડ


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 17 May 2020, રવિવાર

મલ્ટિપ્લેક્સ

મેલી વિદ્યા, કપાયેલી આંગળીઓ, લોહીમાં રગદોળાયેલાં નગ્ન સ્ત્રી-પુરુષો, હત્યાઓનો સિલસલો... એક બાયોપિકમાં કેટલી છૂટછાટ લઈ શકાય?  


સિગ્મન્ડ ફ્રોઇડ એટલે આજે આપણે જેને સાઇકોઍનેલિસિસ કહીએ છીએ તેના પિતામહ. માણસજાતે પેદા કરેલા સૌથી પ્રભાવશાળી મનુષ્યોની વાત આવે અનિવાર્યપણે એમનું નામ મૂકવું પડે એટલું વિરાટ કામ સિગ્મન્ડ ફ્રોઇડ કરી ગયા છે. જ્યૂ (યહૂદી) લોકો શા માટે પૃથ્વી પરની સૌથી બુદ્ધિમાન પ્રજા ગણાય છે એની ચર્ચા કરતી વખતે આ એક વાત અવશ્ય કહેવાય છે કે જુઓ, ઇવન સિગ્મન્ડ ફ્રોઇડ પણ એક યહૂદી હતા.
જેના ઉલ્લેખો આજની તારીખે પણ સતત થયા કરતા હોય, તમે ખુદ જેમને અવારનવાર ટાંકતા હો એવા સિગ્મન્ડ ફ્રોઇડના જીવન પરથી જ્યારે આખેઆખી વેબસિરીઝ બને ત્યારે તમને તે જોવાની ઉત્કંઠા થાય જ. જો તમે ફ્રોઇડનું ઓથેન્ટિક ‘જીવન અને કર્મ’ જોવા માગતા હો તો સાવધાન, ‘ફ્રોઇડ’ નામનો આ વેબ શો તમને નિરાશ કરશે. સૌથી પહેલાં તો, આ કંઈ પરંપરાગત અર્થમાં આપણે જેને બાયોપિક કે જીવનકથા કહીએ છીએ એવો શો નથી. આમાં સિગ્મન્ડ ફ્રોઇડ હજુ યુવાન હતા ને માનસશાસ્ત્રી તરીકે પોતાની જાતને એસ્ટાબ્લિશ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા એ સમયગાળાના એક ટુકડાની જ વાત છે. કબૂલ, અસલી માણસના જીવન પર આધારિત ફિલ્મ, નાટક કે વેબ સિરીઝને રસાળ બનાવવા માટે થોડીઘણી ક્રિયેટિવ છૂટછાટ લેવી પડે, પણ ‘ફ્રોઇડ’ શો તો આપણે કલ્પી સુધ્ધાં કરી ન હોય તેવી ભ્રમણકક્ષામાં જતો રહે છે.

સો વાતની એક વાત એ કે ‘ફોઈડ’ વેબ શો મૂળ એક ક્રાઇમ-સસ્પેન્સ થ્રિલર છે, જેમાં સુપરનેચરલ તત્ત્વો અને અસૂરી ભેદભરમની માયાજાળ રચાઈ છે. વાત 1886ના સાલના વિયેનાની છે. વિયેના એટલે ઓસ્ટ્રિયા દેશનું ખૂબસૂરત શહેર, કે જ્યાં અસલી સિગ્મન્ડ ફ્રોઇડનું મોટા ભાગનું જીવન પસાર થયું હતું. ‘ફ્રોઇડ’ શોની શરૂઆતમાં દેખાડવામાં આવે છે કે 30 વર્ષના સિગ્મન્ડ ફ્રોઇડ (રોબર્ટ ફિન્સ્ટર) એક ભાડાના ઘરમાં એકલા રહે છે. ખડૂસ મકાનમાલિક અવારનવાર ધમકાવી જાય છે કે જો હવે ભાડું નહીં ભર્યું તો તને મકાનમાંથી બહાર કાઢી મૂકીશ. ફ્રોઇડ તે અરસામાં હિપ્નોસિસના પ્રયોગો કરી રહ્યા હતા. ફ્રોઇડની થિયરી એવી હતી કે હિસ્ટીરીયાનો (પાગલ જેવું વર્તન કરતો, ચિત્તભ્રમનો ભોગ બનેલો) પેશન્ટ વાસ્તવમાં ભૂતકાળની કોઈ પીડાદાયી ઘટનાની સ્મૃતિઓથી પીડાતો હોય છે. જો આવી વ્યક્તિને હિપ્નોટાઇઝ કરવામાં આવે તો શક્ય છે કે એની સમસ્યાના મૂળ સુધી પહોંચીને તેનો ઇલાજ કરી શકાય. ફ્રોઇડના સાથી અને સિનિયર ડૉક્ટરોને જોકે આ આખી વાત હાસ્યાસ્પદ લાગે છે.
આપણને થાય કે બરાબર છે, આ વેબ શોમાં વાત તો સિગ્મન્ડ ફ્રોઇડના જીવન વિશે જ થઈ રહી છે, પણ ત્યાં તો પહેલા જ એપિસોડમાં એક યુવતીની ભેદી હત્યા થઈ જાય છે. ક્રૂરતાપૂર્ણ સેક્સ્યુઅલ વાયોલન્સનો ભોગ બનેલી આ યુવતીની લોહિયાળ લાશને સિગ્મન્ડ ફ્રોઇડના ટેબલ પર ખડકી દેવામાં આવે છે. બસ, અહીંથી શરૂ થાય છે ‘ખૂની કોણ?’ સવાલનો જવાબ શોધવાની મથામણ. શહેરમાં એક પછી એક ભેદી હત્યાઓ થતી જાય છે ને સિગમન્ડ ફ્રોઇડ ડિટેક્ટિવ બનીને આ હત્યાઓના રહસ્ય સુધી પહોંચવામાં બિઝી થઈ જાય છે.
વેબ શોમાં ખૂબ બધાં પાત્રો છે. ફ્લર સલોમ નામની યુવતી શોની નાયિકા છે. જબરું ઇન્ટરેસ્ટિંગ કિરદાર છે આ. ફ્લેર (ઍલા રમ્ફ) એક ‘મિડીયમ’ છે. એના શરીરમાં જાતજાતના આત્માઓ પ્રવેશે છે. ભયંકર વળગાડ થઈ ગયો હોય તેમ એ પુરુષ જેવા ઘોઘરા અવાજે બોલવા લાગે છે. વશીભૂત અવસ્થામાં એને ભૂતકાળ અને ભવિષ્યની ઘટનાઓનાં દશ્યો દેખાય છે. ફ્લર એક અનાથ યુવતી છે. એને ઓસ્ટ્રિયાના એક શાહી દંપતીએ નાનપણથી દત્તક લીધી હતી. ફ્લરની દત્તક મા સોફિયા મહામાયા છે. શો આગળ વધતો જાય તેમ આપણને ખબર પડે કે સોફિયા તો સામેના માણસને હિપ્નોટાઇઝ કરવાની કળામાં સિગ્મન્ડ ફ્રોઇડ કરતાંય ચાર ચાસણી ચડે એવી છે. સોફિયા વાસ્તવમાં ફ્લરનો ઉપયોગ કરીને પોતાના ખતરનાક ઇરાદાઓને અંજામ આપવા માગે છે.

ફ્લરનું પાત્ર લૂ આન્દ્રિયા સલોમ નામની યુવતી પર આધારિત છે. લૂ અસલી સિગ્મન્ડ ફ્રોઇડની વિદ્યાર્થિની, મિત્ર અને વિશ્વાસુ હતી. એ જોકે મિડીયમ નહોતી ને આત્માઓને પોતાના શરીરમાં બોલાવી શકતી નહોતી, પણ કહે છે કે સામેની વ્યક્તિને પારખી લેવામાં એનો જોટો જડે તેમ નહોતો.   
એક પછી એક એપિસોડની સાથે અજીબોગરીબ ઘટનાઓનો સિલસિલો પણ આગળ વધતો જાય છે. અગમનિગમ ને મેલી વિદ્યાના ભયાવહ પ્રયોગો, જીવતા માણસનું માંસ ખાતાં પાત્રો, કપાયેલી આંગળીઓ, લોહીમાં રગદોળાયેલાં નગ્ન સ્ત્રી-પુરુષો – આ સૌની આ શોમાં ભરમાર છે. જો તમને સુપરનેચરલ તત્ત્વોમાં રસ પડતો હોય તો ‘ફ્રોઇડ’ તમને સારું એવું મનોરંજન આપશે. ‘ફ્રોઇડ’ ઉચ્ચ કક્ષાનું પ્રોડક્શન વેલ્યુ ધરાવતો શો છે, જેમાં તમામ અદાકારોએ મજબૂત એક્ટિંગ કરી છે. અંગ્રેજીમાં ડબ થયેલો ને નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થયેલો આ જર્મન વેબ શો તમારે જોવો જોઈએ કે નહીં તે હવે તમે જાતે નક્કી કરવાનું છે.                      

0 0 0




Thursday, May 7, 2020

ઈશામા કુન્દનિકા, જવા દઈશું તમને...


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 6 May 2020, બુધવાર

ટેક ઑફ

‘અંતિમ ક્ષણોના આકાશમાં એક નવા સંબંધનું, એક નવા પ્રેમનું આમ ઊગવું તે સૌભાગ્ય છે. આનંદથી મરી શકવું તે જ સૌથી મોટું સૌભાગ્ય છે!’



એક લેખક અને ભાવક વચ્ચે કેવો સંબંધ હોય છે? કેવું સંધાન હોય છે? એવું તે શું હોય છે કે જેના કારણે એક વ્યક્તિ (એટલે કે લેખક)નાં મન-હૃદયમાં જન્મેલી કોઈ વાત યા તો સ્પંદન કલમ વાટે અભિવ્યક્તિ પામે ને બીજી વ્યક્તિ (એટલે કે વાચક)નાં મન-હૃદયમાં તે સજ્જડપણે અંકિત થઈ જાય? લેખકના વિચાર, લાગણી, દષ્ટિબિંદુ કે અભિવ્યક્તિમાં એવી તે કેવી પ્રચંડ તાકાત હોય છે કે તે વાચકના ડીએનએનો હિસ્સો બની જાય છે? જાણે કે લેખક પોતાની કલમ દ્વારા વાચકની મનોભૂમિ પર બીજ ફેંકે છે ને તે બીજમાંથી ક્રમશઃ આખેઆખું વૃક્ષ ઊગી નીકળે છે. આખી જિંદગી શાતા આપતું રહે એવું ઘેઘૂર, મા-બાપની છત્રછાયા જેવું વૃક્ષ. અલબત્ત, આવું દરેક લેખક અને દરેક વાચકના સંદર્ભમાં બનતું નથી. લેખક મૂઠીઉંચેરો અને અતિ પ્રતિભાશાળી હોય, વાચક ઉત્સુક, સજ્જ અને સંવેદનાભર્યો હોય ને બન્નેના ભાવવિશ્વ વચ્ચે કશીક અકળ યુતિ સર્જાય ત્યારે જ આ પ્રકારની કેમિસ્ટ્રી રચાતી હોય છે.
કુન્દનિકા કાપડીઆનું નિધન થયું ત્યારે એક બાજુ હૃદયમાં પીડાનાં એકધારાં ટશિયાં ફૂટી રહ્યાં હતાં ને બીજી બાજુ બુદ્ધિ આ ટશિયાંનું પૃથક્કરણ કરી રહી હતી. શા માટે આટલી વેદના થઈ રહી છે? જેની સાથે કેવળ છપાયેલા શબ્દોનો જ નાતો હતો એવી આ વ્યક્તિ પ્રિયજન કરતાંય વધારે પોતીકી કેવી રીતે બની ગઈ? કુન્દનિકા કાપડીઆનાં લખાણોને તરૂણવયથી જબરદસ્ત તીવ્રતાથી ચાહ્યા છે. કુન્દનિકાનાં સર્જનો વડે પોતાની જાતને ડિફાઇન કરી છે. સમજાય છે કે ખુદનું જે સત્ત્વ, સ્વત્ત્વ અને પોતાની નજરમાં ઊભી થયેલી સ્વ-ઓળખ છે તેને આકાર આપવામાં કુન્દનિકા કાપડીઆનો કેટલો પ્રચંડ હિસ્સો છે. બે જ એવાં સર્જકો છે, જેણે માંહ્યલાને આટલી ગાઢ રીતે સ્પર્શ કર્યો હોય – ચંદ્રકાંત બક્ષી અને કુન્દનિકા કાપડીઆ. એકમેક કરતાં તદ્દન જુદો મિજાજ ધરાવતાં બે ગર્વિષ્ઠ ગુજરાતી સર્જકો. ખેર, પછી તો દેશ-વિદેશના કેટલાય લેખકોના સર્જકકર્મના પરિચયમાં આવવાનું થયું, તેમની પ્રત્યે તીવ્ર ખેંચાણ થયું, એમની અસરો પણ ઝીલી. સમજણ પક્વ થતી ગઈ જાય એમ કેટલાય લેખકોને ‘આઉટ-ગ્રો’ પણ થતા ગયા, પણ આ બે સર્જકો સતત સાથે રહ્યાં - ત્વચાની જેમ, શરીરને ટટ્ટાર ઊભા રાખતા મેરુદંડની જેમ.
જીવનના એક તબક્કે તમે પણ લખતા થાઓ છો અને તમારી અભિવ્યક્તિમાં ક્યાંક ક્યાંક કુન્દનિકા કાપડીઆની અસર તમે સ્પષ્ટપણે જોઈ શકો છો. શબ્દોની પસંદગીમાં, ભાષાની રમ્ય છટામાં. તમે આ અસરનો વિરોધ કરતા નથી, બલકે તમને તેની હાજરી ગમે છે. ક્યારેક એવુંય લાગે કે કુન્દનિકા કાપડીઆ જાણે કે એક ઓપરેટિંગ સિસ્ટમનું નામ છે ને તમારી કેટલીય અભિવ્યક્તિઓ આ ઓપરેટિંગ સિસ્ટમમાંથી પ્રોસેસ થઈને બહાર આવે છે.

આપણને એવા સર્જકો ગમે છે જે આપણને આપણાં સત્યોની ઓળખાણ કરાવી શકતા હોય, જે આપણા માંહ્યલાની વધુ ને વધુ નિકટ લઈ જઈ શકતા હોય. ‘મહાન પ્રેમ આપણી અંદર મહાનતા માગે છે... બે મનુષ્યોનો એકબીજાના મોં સામે અપલક નિહાળી રહેતો પ્રેમ કોઈ દિવસ પોતાનામાં મહાન બની શકે નહીં. મનુષ્યના પ્રેમને મહાન બનાવનાર એક જુદું જ તત્ત્વ છે જે એ બન્નેમાં વ્યાપ્ત છે ને છતાં બન્નેથી ઉપર છે’... ‘સંપૂર્ણ સુંદર પળે’ નવલિકામાં કુન્દનિકા જ્યારે આવું લખે ત્યારે તમને લાગે કે જાણે તમારી અંદર કશોક તાળો મળી રહ્યો છે, કોઈક ગૂંચ ઉકેલાઈ રહી છે. તમે તરૂણાવસ્થા વટાવીને યુવાનીમાં કદમ માંડી રહ્યા હતા ત્યારે તમારે ‘પરોઢ થતાં પહેલાં’ નવલકથાના નાયક સત્ય જેવા બનવું હતું. સત્ય તમારો રોલમોડલ હતો. કદાચ હજુય છે. સત્ય નામના એ પુરુષપાત્રના આધારે તમે તમારી સેલ્ફ-ઇમેજ ઘડી હતી. એકાએક સમજાય છે કે જીવનના સંઘર્ષો અને વિરોધિતાઓએ તમને આ સેલ્ફ-ઇમેજ કરતાં કેટલા દૂર ફંગોળી દીધા છે. ખેર, હજુય મોડું થયું નથી. હજુય પોતાની જાત પર કામ થઈ શકે છે ને સત્યના થોડાઘણા ગુણો કેળવી શકાય છે. કદાચ...
‘જવા દઈશું તમને’ એ કુન્દનિકા કાપડીઆની અમર વાર્તા છે. એક વૃદ્ધા મૃત્યુના બિછાને પડી છે. કદાચ આજે એની અંતિમ રાત છે. દીકરાઓ-વહુઓ છેલ્લો મોં-મેળાપ કરવા માટે બહારગામથી આવી ગયાં છે. મારિયા નામની સૌથી નાની વહુ અંગ્રેજ છે, જેની સાથે અગાઉ ક્દાચ ક્યારેય મુલાકાત થઈ નથી. મોડી રાત્રે મારિયા વૃદ્ધાના કમરામાં આવે છે. થોડી વાતો કર્યા પછી વૃદ્ધાના મસ્તક પર બહુ જ પ્રેમથી હાથ ફેરવીને એ પૂછે છેઃ તમને ભય નથી લાગતોને? અજ્ઞાતનો ભય. બઘું પરિચિત છોડી શૂન્યમાં સરી જવાનો ભય. આર યુ અફ્રેઇડ?
... ને વૃદ્ધાના હૃદયમાં એક બહુ જ મોટું મોજું ઊછળે છે. આનંદનું મોજું. આ છોકરી મને સમજે છે. મારી ભીતર શી લાગણીઓ છે એ  જાણવાની એને ખેવના છે. મારા ભયની એને ચિંતા છે. એ ભયને કદાચ તે દૂર કરવા માગે છે. વૃદ્ધાને જવાબ આપવો હતો, પણ આ ભરતીથી એ ઉત્તેજિત થઈને થાકી ગઈ. કુન્દનિકા કાપડીઆ આગળ લખે છેઃ
‘જીવનની છેલ્લી પળોમાં એક નવો સંબંધ ઉદય પામ્યો હતો. જરા મોડો, પણ અત્યંત સુંદર... લોકો કહે છે, પતિ જીવંત હોય ત્યાં સુધીમાં પત્ની મરવા-કરવાનું પતાવી લે તો તેને સૌભાગ્યવતી કહેવાય. ઓહ... લોકોને શી ખબર સૌભાગ્ય એટલે શું? આ સૌભાગ્ય છે. અંતિમ ક્ષણોના આકાશમાં એક નવા સંબંધનું, એક નવા પ્રેમનું આમ ઊગવું તે સૌભાગ્ય છે. આનંદથી મરી શકવું તે જ સૌથી મોટું સૌભાગ્ય છે!’
થોડી વાર બેસીને મારિયા વિદાય લે છે. વાર્તાને અંતે વૃદ્ધાને એ કહે છેઃ મે યોર જર્ની બી પીસફુલ.
ઈશામા કુન્દનિકા, તમારા માટે પણ અમારી આ જ પ્રાર્થના છે. મૃત્યુ પછીની તમારી અનંતયાત્રા સુખમય હો, શાંતિપૂર્ણ હો...   
0 0 0 

Sunday, May 3, 2020

રિશી કપૂર અને ઇરફાન પાસેથી આપણે શું શીખવું જોઈએ?


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 3 May 2020 

મલ્ટિપ્લેક્સ

 ‘જિંદગી અનિશ્ચિતતાના નૃત્ય સમાન છે. તેની સામે ન થાઓ, તેને શરણે થઈ જાઓ ને પરમ શક્તિ પર વિશ્વાસ રાખો.’

ઇરફાન ખાનનાં પત્ની સુતપા સિકદરે પોતાના બન્ને દીકરાઓને કહ્યુઃ ‘તમે તમારા ફાધર પાસેથી જે કંઈ શીખ્યા છો તેને ફક્ત એક જ વાક્યમાં કહેવું હોય તો તમે શું કહો?’
દીકરાઓએ સરસ જવાબ આપ્યા. મોટા દીકરા બાબિલે કહ્યું, ‘હું પપ્પા પાસેથી એ શીખ્યો કે જિંદગી અનિશ્ચિતતાના નૃત્ય સમાન છે. તેની સામે ન થાઓ, તેને શરણે થઈ જાઓ ને પરમ શક્તિ પર વિશ્વાસ રાખો.’  બીજા દીકરા અયાને કહ્યું, ‘હું પપ્પા પાસેથી એ શીખ્યો કે મન પર કંટ્રોલ કરતાં આવડવું જોઈએ. આપણાં મન અને વિચારોની લગામ આપણા જ હાથમાં હોવી જોઈએ, બીજાઓના હાથમાં નહીં.’
ઇરફાનના પુત્રોએ ગ્રહણ કરેલી વાતો સાર્વત્રિક સત્યો છે, જે એમના ચાહકોએ પણ શીખવી જોઈએ. ઇરફાન પાસે જીવનનાં સત્યો શીખવાનું માધ્યમ આ એક જ હતું – અભિનય, પોતાનું કામ, જે તેઓ મૃત્યુપર્યુંત  પૂરેપૂરી ઇમાનદારીથી કરતા રહ્યા. એક જગ્યાએ તેમણે કહ્યું હતું કે, ‘આપણે ઘણા એક્ટરોને અદભુત અભિનય કરતાં જોઈએ છીએ. અલગ અલગ પાત્રોમાં તેઓ આશ્ચર્ય થાય એટલી હદે પોતાની જાતને ઢાળી દે છે. આ કંઈ આપોઆપ કે સ્પોન્ટેનિયસલી થતું હોતું નથી. એક્ટરે પોતાની જાત પર બુદ્ધિપૂર્વક કામ કરતાં રહેવું પડે છે. હું જ્યારે અભિનય કરતો ન હોઉં ત્યારે મને મારી જાતનું ફાઇન ટ્યુનિંગ કરતાં, એની મરમ્મત કરતાં આવડવું જોઈએ. તમારે તમારા માંહ્યલાની સંભાળ લેવી જ પડે. માંહ્યલો કામ થકી સમૃદ્ધ થતો હોય છે. જો એમ થતું ન હોય તો સમજી લો કે તમે તમારા કામને પૂરતો ન્યાય આપી રહ્યા નથી.’
અભિનય કરી નાખવો તે એક વાત થઈ, પણ અભિનયને કળાની ઊંચાઈ સુધી પહોંચાડવો તે સાવ અલગ વાત થઈ. આ જ બાબત કળાનાં અન્ય સ્વરૂપોને પણ લાગુ પડે છે. કામ ક્ળાની ઊંચાઈ સુધી કેવી રીતે લઈ જઈ શકાય? ઇરફાને આનો સરસ જવાબ આપ્યો છેઃ
‘કળા ત્યારે જ આકાર લે છે જ્યારે તમે તમારા કામને પર્સનલ બનાવો છો, તેમાં તમારું આંતરિકપણું ઉમેરવાનું શરૂ કરો છો, તમારી આસપાસ જીવાતી જિંદગી વિશે ચિંતન-મનન કરવાનું શરૂ કરો છો. આવું થાય એટલે તમારી આસપાસ બનતી ઘટનાઓ વિશેનાં તમારાં નિરીક્ષણો અને દષ્ટિબિદુંઓ તમારા કામમાં વ્યક્ત થવાનું શરૂ થાય છે, તમારું કામ ક્રમશઃ કળામાં પરિવર્તિત થતી જાય છે. જો આવું ન થાય તો તમે કેવળ એક એન્ટરટેઇનર છો, કલાકાર નહીં.’

ખરેખર, ખુદની ક્રિયેટિવ પ્રોસેસને બારીકાઈથી સમજી શકવું ને શબ્દોમાં વ્યક્ત કરી શકવું તે પણ એક કળા છે. નિખાલસ બનવું, પારદર્શક હોવું, જેવા હોઈએ એવા જ દેખાવું – શું આ પણ જીવન જીવવાની એક કળા નથી શું? રિશી કપૂરે આ કળામાં જેટલી મહારત હાંસલ કરી હતી તેટલી બહુ ઓછા લોકો કરી શકતા હોય છે. એમની મુલાકાતો વાંચો-સાંભળો કે એમની આત્મકથા ‘ખુલ્લમખુલ્લા’માંથી પસાર થાઓ તો નવાઈ લાગે કે સેલિબ્રિટી હોવો છતાં આ માણસ પોલિટિકલ કરેક્ટનેસથી કેટલી સહજતાપૂર્વક દૂર રહી શક્યા! બે જ વર્ષ પહેલાંના એક ટીવી ઇન્ટરવ્યુમાં અર્ણવ ગોસ્વામીએ એમને મી ટુ કન્ટ્રોવર્સી, બોલિવૂડમાં નેપોટિઝમ (સગાવાદ), રાષ્ટ્રવાદ વગેરે જેવા મુદ્દા પર ખૂબ આકરા સવાલો પૂછ્યા હતા. રિશી કપૂરે  જોરશોરથી ખુદનો બચાવ કર્યો, બન્ને વચ્ચે ખાસ્સી ગરમાગરમી થઈ ગઈ, પણ ઇન્ટરવ્યુ પૂરો થયો પછી રિશી કપૂરે કહ્યું, ‘અર્ણવ, સારું થયું તેં આ બધા સવાલો મને પૂછ્યા. હું આના પર હવે જરૂર વિચાર કરીશ!’
કશી જરૂર નહોતી રિશીને આવું બોલવાની. તેઓ ખુદનો કક્કો ખરો કરી જ શક્યા હોત. એના બદલે તેમણે સ્વીકાર્યું કે હું અત્યાર સુધી જે માનતો આવ્યો છું કે કરતો આવ્યો છું તે કદાચ દર વખતે સાચું ન પણ હોય, હું તેના વિશે ચિંતન કરીશ ને મારા એટિટ્યુડમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરીશ! આને કહેવાય સ્પિરિટ, આને કહેવાય ખુલ્લાપણું. રિશી કપૂર પાસેથી આપણે આ શીખવાનું છે.       
 0 0 0 

Tuesday, April 28, 2020

નંબર વન ન્યુઝ ચેનલ કેવી રીતે બનાય?


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 29 એપ્રિલ 2020
ટેક ઓફ 
દેશના વિરાટ મધ્યમવર્ગનો અવાજ બનવું, ચાંપલા લિબરલો અને લેફ્ટિસ્ટોની પરવા કર્યા વગર રાષ્ટ્રવાદ પર ફોકસ કરવું – અમેરિકાની ફૉક્સ ન્યુઝ ચેનલનો આ સક્સેસ મંત્ર છે.

આજકાલ ન્યુઝ એન્કર અર્ણવ ગોસ્વામી ખુદ ન્યુઝમાં છે. જે કારમાં તેઓ પોતાનાં પત્રકારપત્ની સાથે ઘરે જઈ રહ્યા હતા તેના પર હુમલો થયો હતો. અર્ણવ આમ તો એમની અતિ આક્રમક અને લાઉડ શૈલીને કારણે વર્ષોથી ચર્ચામાં છે. તેઓ અગાઉ અંગ્રેજી ન્યુઝ ચેનલ ટાઇમ્સ નાઉના એડિટર-ઇન-ચીફ હતા. હાલ રિપબ્લિક ટીવી (અંગ્રેજી) અને રિપબ્લિક ભારત (હિન્દી) ચેનલના માલિક વત્તા એડિટર-ઇન-ચીફ છે. અર્ણવ આ ત્રણેય ચેનલોને ટોચ પર પહોંચાડી શક્યા. અર્ણવ માટે હંમેશાં કહેવાયું છે કે તેઓ અમેરિકાની ફૉક્સ ન્યુઝ ચેનલથી ખાસ્સા પ્રભાવિત રહ્યા છે અને પોતાની ચેનલોને ચલાવતી વખતે તેઓ ફૉક્સ ન્યુઝ ચેનલના મૉડલને અનુસરે છે. અર્ણવ ખુદ હવે આ વાત સ્વીકારતા નથી તે અલગ વાત થઈ.

સીએનએન, એમએસએનબીસી, એનબીસી, એબીસી, ઓએએન (વન અમેરિકા ન્યુઝ નેટવર્ક), ફૉક્સ વગેરે અમેરિકાની પહેલી હરોળની ન્યુઝ ચેનલો છે. અમેરિકામાં સમાચાર જોતા દર્શકોના બે સ્પષ્ટ ભાગ થઈ ગયા છે. કન્ઝર્વેટિવ, મધ્યમવર્ગીય, રાઇટ-વિંગર અમેરિકનો ફૉક્સ ન્યુઝ જોવાનું પસંદ કરે છે, જ્યારે ડાબેરી વિચારધારા ધરાવતા લિબરલોને બાકીની ન્યુઝ ચેનલો વધારે માફક આવે છે. ફૉક્સ ન્યુઝ ચેનલ વ્યુઅરશિપની દૃષ્ટિએ અમેરિકાની ટોચની ન્યુઝ ચેનલ છે.

આ ચેનલ કેવી રીતે લોન્ચ થઈ ને વિકસી તે વાત ઇન્ટરેસ્ટિંગ છે. રોજર એઇલ્સ નામના એક મહાશય. અમેરિકાના રાજકીય પક્ષ રિપબ્લિકન પાર્ટી વતી પ્રેસિડન્ટ બનેલા રિચર્ડ નિક્સન, રોનાલ્ડ રેગન અને જ્યોર્જ બુશના મિડીયા કન્સલ્ટન્ટ તરીકે કામ કરવાનો તેમને વર્ષોનો અનુભવ. રોજર એઇલ્સ અને મિડીયા મોગલ રુપર્ટ મર્ડોકે એકબીજા સાથે હાથ મિલાવીને 1996માં ફૉક્સ ન્યુઝ નામની ન્યુઝ ચેનલ લૉન્ચ કરી. રોજર શરીરે દુંદાળા, પણ એમનું દિમાગ અતિ શાર્પ. સ્વભાવ તામસી. બીજાઓ પર બિન્દાસ આધિપત્ય જમાવે. ઑફિસની મિટીંગોમાં ગાળાગાળી કરી મૂકે. નવી ન્યુઝ ચેનલમાં પોતાને શું જોઈએ છે એ મામલે તેમના મનમાં કોઈ અવઢવ નહીં. પોતાની ટીમને તેઓ કહેલું કે, અત્યાર સુધી અમેરિકામાં ડાબેરી ઝોક ધરાવતી સીએનએન અને એનબીસી જેવી ચેનલોનું આધિપત્ય રહ્યું છે. પોતાને લિબરલ ગણાવતી આ ચેનલો દેશમાં ચાલતી રાજકીય અને અન્ય ગતિવિધિઓનું નરેટિવ સેટ કરતી આવી છે, પણ હવે આપણે અમેરિકાના મધ્યમ વર્ગના અવાજ બનવાનું છે. આ વર્ગ ખરેખર તો બહુમતીમાં છે. રોજરની સ્પષ્ટ બ્રિફ હતી કે ફૉક્સ ન્યુઝને આપણે એક રાષ્ટ્રવાદી ચેનલ તરીકે એસ્ટાબ્લિશ કરવાની છે. 

છ જ મહિનામાં આખું માળખું ઊભું કરીને રોજર ઑક્ટોબર 1996માં ફૉક્સ ન્યુઝ ચેનલ શરૂ કરી દીધી. નાઇન ઇલેવન (11 સપ્ટેમ્બર 2001)ના ટરેરિસ્ટ અટેક વખતે ફૉક્સના કવરેજનો સૂર અન્ય ચેનલો કરતાં અલગ હતો. રોજર ઓડિયન્સને એ આપવા માગતા હતા, જે એમને સાંભળવું હતું, જોવું હતું. જોતજોતામાં અમેરિકાની નંબર વન ન્યુઝ ચેનલ બની ગયેલી ફૉક્સ ન્યુઝ ચેનલ રિપબ્લિકન પાર્ટીના મુખપત્ર જેવી ગણાવા માંડી, પણ રોજરને એની પરવા નહોતી. એમને તો ફૉક્સ ન્યુઝ ચેનલનો રાષ્ટ્રવાદી સૂર તીવ્ર બનાવતા જવામાં રસ હતો. કહે છે કે અમેરિકાના ધ્વજની પ્રિન્ટ ધરાવતા પિનવાળા બેજ પોતાના સ્ટાફમાં વહેંચીને રોજર એઇલ્સે સ્પષ્ટ સૂચના આપી દીધી હતી કે તમારે અમેરિકન ધ્વજવાળો આ બિલ્લો કાયમ છાતી પર પહેરી રાખવાનો. કોઈ સસ્તી મૉટલમાં કૉલગર્લ સાથે સેક્સ માણવા જાઓ ત્યારે પણ આ બિલ્લો દૂર નહીં કરવાનો!

એક થિયરી એવી છે કે લોકો ટીવી પર જ્યારે તેઓ કોઈ રાજકીય કે સામાજિક મુદ્દે રાડારાડી યા તો ઉગ્રતાભેર થતી રજૂઆત થતી જુએ ત્યારે તેઓ બે ઘડી માટે ખુદની તકલીફો ભૂલી જાય છે. તેમને આવેશયુક્ત ચર્ચાની લત લાગી જાય છે. સ્ક્રીન પર નાની લંબચોરસ બારીઓમાં પેનલિસ્ટોને બેસાડીને ઊંચા અવાજે ચર્ચા કરવાનું અર્ણવ ફૉક્સ ન્યુઝ પાસેથી શીખ્યા છે.     

રોજર એઇલ્સ પર છ મહિલાઓએ સેક્સ્યુઅલ હેરેસમેન્ટના આક્ષેપો કર્યા હતા. 2016માં રોજરે ફૉક્સ ન્યુઝના સીઈઓ તરીકે રાજીનામું આપવું પડ્યું. 2016માં જ તેઓ ડોનાલ્ડ ટ્રમ્પ કેમ્પેઇનના મિડીયા એડવાઇઝર બનીને તેમને ડિબેટ માટે તૈયારી કરાવતા. 2017માં 77 વર્ષની વયે એમનું મૃત્યુ થયું.
છેલ્લે એક આડવાત. રોજર એઇલ્સના જીવન પરથી  ‘ધ લાઉડેસ્ટ વૉઇસ’  નામની સાત એપિસોડની વેબ સિરીઝ બની છે. તેની ટેગલાઇન છે, ‘મીટ રોજર એઇલ્સ, ધ એક્સ-સીઇઓ ઑફ ફૉક્સ ન્યુઝ એન્ડ ધ મેન હુ ચેન્જ્ડ અમેરિકા’. આ જ શોની ઑર એક હૂક-લાઇન છેઃ ‘ધ મેન હુ ક્રિએટેડ ડોનાલ્ડ ટ્રમ્પ’. ટકલા, જાડિયા, માથાફરેલા રોજર એઇલ્સની મુખ્ય ભુમિકા ઑસ્કરવિનિંગ એક્ટર રસલ ક્રૉએ ભજવી છે.
દેશના વિરાટ મધ્યમવર્ગનો અવાજ બનવું, ચાંપલા લિબરલો અને લેફ્ટિસ્ટોની પરવા કર્યા વગર આમજનતાની પીડા અને લાગણીઓ પર ફોકસ કરવું – ફૉક્સ ન્યુઝ ચેનલનો આ સક્સેસ મંત્ર રહ્યો છે. અર્ણવ ગોસ્વામીની ચેનલોનો પણ.   

0 0 0 

Saturday, April 25, 2020

તમારે 'પંચાયત' વેબ સિરીઝ શા માટે જોવી જોઈએ


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 26 March 2020

મલ્ટિપ્લેક્સ

વેબ સિરીઝ એટલે ગાળાગાળી, હિંસા અને સેક્સ એવું કોણે કહ્યું? ‘પંચાયત’ નામનો અફલાતૂન શો આ થિયરીને મસ્ત રીતે ખોટી પાડે છે.   


એક શહેરી જુવાનિયો છે. અભિષેક એનું નામ. એના લગભગ બધા દોસ્તારોને સરસ પૅકેજવાળી કૉર્પોરેટ જૉબ મળી ગઈ છે, પણ અભિષેક સામે હાલ એક જ વિકલ્પ છેઃ ઉત્તરપ્રદેશના ફુલેરા નામના કોઈ અજાણ્યા અંતરિયાળ ગામડામાં પંચાયત સેક્રેટરીની સરકારી નોકરી સ્વીકારી લેવાનો. અભિષેકના ફ્રસ્ટ્રેશનનો પાર નથી. એનો દોસ્તાર કોઈ ફેન્સી મૉલના એસ્કેલેટર પર સરકતાં સરકતાં સમજાવવાનો પ્રયાસ કરે છેઃ યાર, લઈ લે આ જૉબ. ‘સ્વદેસ’ના શાહરૂખ ખાનને યાદ કર. એ અમેરિકામાં નાસા જેવી કંપનીમાં કામ કરતો હતો તોય કેવો ભારત પાછો આવીને ગામડાગામનો ઉદ્ધાર કરે છે! બસ, તને હવે એક્ઝેક્ટલી આવો જ મોકો મળ્યો છે. જરા વિચાર તો કર, પંચાયત સેક્રેટરી તરીકે તું રસ્તાઓ બનાવી શકીશ, ગામનો વિકાસ કરી શકીશ! અભિષેક કહે છેઃ અલ્યા, પગાર તો જો – વીસ હજાર રૂપરડી. આટલો તો તારો દર મહિને ટેક્સ કપાય છે! દોસ્તાર કહે છેઃ તારે ક્યાં ગામડે પરમેન્ટલી સેટલ થવું છે? આને એક સ્ટોપ-ગૅપ અરેન્જમેન્ટ તરીકે જો. આમેય તું એમબીએની તૈયારી કરવાનો છે. તારી પાસે જો રુરલ કામકાજનો આવો નક્કર અનુભવ હશે તો તું વધારે આસાનીથી ઇન્ટરવ્યુ ક્રૅક કરી શકીશ.
ખેર, ક-મને અભિષેક નોકરી સ્વીકારે છે. બાઇક અને બિસ્તરાં-પોટલાં એસટી બસ પર ચડાવીને એ ફુલેરા પહોંચી જાય છે. પછી શું થાય છે? બસ, આનો જવાબ તમારે અમેઝોન પ્રાઇમની અફલાતૂન નવી વેબસિરીઝ ‘પંચાયત’ જોઈને જાતે શોધી લેવાનો છે.
વેબ સિરીઝ એટલે આડેધડ ગાળાગાળી, સેક્સ અને હિંસા – તમારા મનમાં જો આવી ઇમેજ બની ગઈ હોય (જે ઠીક ઠીક અંશે સાચી પણ છે) તો સાંભળી લો કે ‘પંચાયત’, ટિપિકલ ભાષામાં કહીએ તો, તમને તાજગીની લહેરખીનો અનુભવ કરાવશે. સેક્સ, હિંસા ને ગાળાગાળી તો જવા દો, અહીં તો સૉલિડ કૉન્ફિલક્ટ્સ પણ નથી. શોઝ, નાટકો, ફિલ્મો લખનારા ને બનાવનારાઓના મનમાં વર્ષોથી એક વાત સજ્જડપણે  ઘૂસી ગઈ છે કૉન્ફિલક્ટ (એટલે કે પાત્રો અને પરિસ્થિતિઓમાં પેદા થતી જોરદાર ટક્કર) તો જોઈએ જ. તો જ ‘ડ્રામો’ પેદા થાય ને દર્શકોનો રસ જળવાઈ રહે. ટીવીએફે (ધ વાઇરલ ફિવર) પ્રોડ્યુસ કરેલો ‘પંચાચત’ શો આ દલીલને મસ્ત રીતે ખોટી સાબિત કરે છે. અહીં નાટ્યાત્મક ઘટનાઓ છે ખરી, પણ કેવી? ઑફિસમાંથી મોનિટર ચોરાઈ જવું, પાસપોર્ટ સાઇઝનો ફોટો પડાવવા માટે સંઘર્ષ કરવો, દીવાલ પર ચિતરેલું સંતતિનિયમનનું સરકારી સ્લોગન વાંચીને ગામવાસીઓનું નારાજ થઈ જવું, વગેરે. સાવ નાની નાની, સાદી સાદી વાતો, પણ તોય એમાંથી એટલી સરસ રીતે રમૂજ પેદા થતી રહે ને વાર્તા આગળ વહેતી રહે કે અડધી-અડધી કલાકના આઠ એપિસોડ ક્યારે પૂરા થઈ ગયા એની ખબર પણ નહીં પડે.

અભિષેકનું પાત્ર ‘પિચર્સ’, ‘કોટા ફેક્ટરી’ જેવા વેબ શોઝ અને ‘શુભ મંગલમ્ જ્યાદા સાવધાન’ જેવી ફિલ્મમાં ચમકી ચુકેલા જિતેન્દ્ર કુમારે ભજવ્યું છે. જિતેન્દ્ર કુમાર આજનો અમોલ પાલેકર છે. સીધો-સપાટ, ઘરેલુ, ઝીરો ગ્લૅમર ઘરાવતા, નૅક્સ્ટ-ડોર-નૅબર પ્રકારના રોલ આજકાલ જિતેન્દ્ર કુમાર જેટલી સરસ રીતે બીજું કોઈ ભજવતું નથી. નીના ગુપ્તા ગામનાં સરપંચ છે, પણ ફક્ત નામનાં. સરકારે મહિલાઓ માટે ક્વોટા રાખ્યો હતો એટલે એ ચુંટાઈ આવ્યાં છે, બાકી સરપંચ તરીકેનું બધું કામકાજ તો એમના ‘પ્રધાનપતિ’ રઘુવીર યાદવ જ સંભાળે છે. બન્ને વચ્ચેની નોંકઝોંક અને બોન્ડિંગ જોજો. માત્ર એક લૂકથી કે ચહેરાના હાવભાવથી આ બન્ને કેવી ધારી અસર ઊભી કરી શકે છે‘! નીના ગુપ્તા અને રઘુવીર યાદવ ગજબનાં એક્ટરો છે જ અને જિતેન્દ્ર પણ હવે સર્વસ્વીકૃત અદાકાર બની ચુક્યા છે, પણ તમારું ધ્યાન સૌથી વધુ કોઈ ખેંચતું હોય તો તે છે, ચંદન રૉય. એ પંચાયતની ઑફિસમાં કામ કરતા અતિ ઉત્સાહી આસિસ્ટન્ટનો રોલ કરે છે. આપણે માની જ શકતા નથી કે આ અસલી ગામડિયો નહીં, બલકે કોઈ એક્ટર છે. ઉપ-સરપંચ બનતા ફૈઝલ મલિક પણ કમાલના છે. ક્યાંથી શોધી લાવે છે ટીવીએફવાળા આવા ઉત્તમ એક્ટરોને!
આ શોમાં એક નહીં પણ બે ચંદનોએ ઉત્તમોત્તમ કામ કર્યું છે. એક તો ચંદન રૉય અને બીજા છે, શોના લેખક, ચંદન કુમાર. સાચું પૂછો તો લખાણ જ આ શોનો અસલી હીરો છે. એમ તો ડિરેક્ટર દીપકકુમાર મિશ્રાને પણ આ શોને આટલી સરસ રીતે એક્ઝિક્યુટ કરવા માટે ફુલ માર્ક્સ આપવા પડે. શો જે છે તે સ્વરૂપમાં સરસ જ છે, તોય એવો વિચાર જરૂર આવે કે જિતેન્દ્ર કુમારની દેસી પર્સનાલિટી આમેય અડધાપડધા ગામડિયા જેવી છે. એના બદલે મેઇન લીડમાં ‘ટીવીએફ ટ્રિપલિંગ’ના ચિતવન (અમોલ પરાશર) પ્રકારના કોઈ નખશિખ શહેરી લૂક, ફીલ અને એટિટ્યુડ ધરાવતા એક્ટરને કાસ્ટ કરવામાં આવ્યો હોત તો વાત ઑર ન જામત?
સો વાતની એક વાત. જો તમને ‘માલગુડી ડેઝ’, ‘મુંગેરીલાલ કે હસીન સપનેં’ જેવી સિરીયલો ગમતી હોય તો લગભગ એવી જ તાસીર ધરાવતો ‘પંચાયત’ શો જોઈ કાઢો. બાકી જો તમારે જો ‘સેક્સ એન્ડ ધ સિટી’ના અનૌરસ સાઉથ બમ્બૈયા સંતાન જેવો ગ્લેમર, ગાળાગાળી અને સેક્સમાં ડીપ ફ્રાય કરેલો અર્બન મસાલો ચગળવો હોય તો ‘ફોર મોર શોટ્સ પ્લીઝ!’ છે જ.                       

હું બહુ ડિપ્રેશનમાં છું...


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 22 એપ્રિલ 2020, બુધવાર
ટેક ઓફ 
‘વિચારવું’ અને ‘અનુભવવું’ આ બન્ને અલગ વસ્તુઓ છે. કોઈ પણ લાગણીને ‘અનુભવતા’ પહેલાં તેને ‘સમજવી’ પડે છે.

કોરોના ક્વોરન્ટાઇનને કારણે આપણે અત્યારે જાતજાતની લાગણીઓમાંથી પસાર થઈ રહ્યા છીએ. ક્યારેક પરિવારજનો સાથે ખૂબ હસીએ-બોલીએ છીએ ને સૉલિડ મોજમાં રહીએ છીએ, તો ક્યારેક એમની એકધારી હાજરીથી અકળાઈ જઈએ છીએ. ક્યારેક પોતાની જાત સાથે એકલા રહેવામાં આનંદ અનુભવાય છે, તો ક્યારેક ઘર છોડીને બહાર ભાગવાનું મન થાય છે. ટૂંકમાં, આપણા મૂડ દિવસમાં કેટલીય વાર બદલાય છે.
આપણી વર્તમાન મનોસ્થિતિના સંદર્ભમાં ડૉ. ડેવિડ બર્ન્સ નામના જાણીતા અમેરિકન સાઇકિએટ્રિસ્ટે લખેલા ‘ફીલિંગ ગુડઃ ધ ન્યુ મૂડ થેરાપી’ નામના પુસ્તકમાંથી પસાર થવા જેવું છે. પુસ્તકના શીર્ષકની ટેગલાઇન ખાસ ધ્યાન ખેંચે છેઃ ‘ધ ક્લિનિકલી પ્રૂવન ડ્રગ-ફ્રી ટ્રીટમેન્ટ ફોર ડિપ્રેશન’.  
ડૉ. બર્ન્સ કહે છે કે ડિપ્રેશન એ ઇમોશનલ ડિસઑર્ડર છે જ નહીં. તમે આમ તો સાજાસારા હો, પણ અચાનક તમારો મૂડ ઑફ થઈ જાય તો આ બદલાવનું એટલું જ મહત્ત્વ છે, જેટલું તમે ત્રણ માળ દાદરા ચડીને આવ્યા હો ને હાંફી રહ્યા હો. ડૉક્ટર બર્ન્સ કહે છે કે તમારા મનમાં જે કંઈ ખરાબ લાગણી જાગે છે તે તમારા ડિસ્ટોર્ડેટ (વિકૃત) નેગેટિવ થિંકિંગનું પરિણામ હોઈ શકે છે.
તમે જોજો, આપણે કોઈ નેગેટિવ વિચારે ચડી ગયા હોઈએ ત્યારે અચૂકપણે કોઈક ખરાબ અનુભવને યાદ કરતા હોઈએ છીએ યા તો કોઈ પીડાદાયક લાગણી આ નેગેટિવ વિચારને મમળાવતા હોઈએ છીએ. તમે અપસેટ ન હો ત્યારે તમારા મનમાં જાગતા વિચારો અને અપસેટ હો ત્યારે મનમાં જાગતા વિચારો એકબીજાથી બહુ જ અલગ હોવાના. જો આપણે આ નેગેટિવ વિચારોની પેટર્ન પકડી લઈએ તો ઘણી રાહત મળી શકે છે.
કેવી રીતે આ પેટર્ન પકડવી? ડૉ. બર્ન્સ કહે છે કે જ્યારે પણ તમને લાગે કે હું ડિપ્રેસ્ડ છું ત્યારે આ સમયગાળા દરમિયાન અથવા ડિપ્રેશન જેવું લાગવાનું શરૂ થયું તેની જસ્ટ પહેલાં તમારા મનમાં કયા નેગેટિવ વિચાર ચાલતા હતા તે ઓળખી કાઢવાનો પ્રયાસ કરવો. શક્ય છે કે કોઈ ચોક્કસ ઘટનાને બદલે ભળતા જ વિચારોને કારણે તમારો મૂડ ખરાબ થઈ ગયો હોય. નેગેટિવ થિંકિંગ આપણા માટે લગભગ ઑટોમેટિક બની ગયું છે. નેગેટિવ વિચારવા માટે આપણે કોઈ જ પ્રયત્ન કરવો પડતો નથી. નકામા વિચારો એની મેળે જ દિમાગમાં ઊછળવા માંડતા હોય છે.

‘વિચારવું’ અને ‘અનુભવવું’ આ બન્ને અલગ વસ્તુઓ છે, પણ બન્ને વચ્ચે ગાઢ સંબંધ છે. લાગણીઓનો સઘળો આધાર આપણે જે-તે વસ્તુસ્થિતિને કેવી રીતે ‘જોઈએ’ અને ‘મૂલવીએ’ છીએ તેના પર રહેલો છે. આપણે કોઈ ઘટના કે લાગણી અનુભવીએ ત્યારે સૌથી પહેલાં તો મગજમાં તે પ્રોસેસ થાય છે. તેના કારણે તે લાગણી કે ઘટનાને અર્થ મળે છે. સીધી વાત છે કે કોઈ પણ લાગણીને ‘અનુભવતા’ પહેલાં તેને ‘સમજવી’ પડે.  
જે કંઈ બની રહ્યું છે તે પૂરેપૂરી સ્પષ્ટતાથી સમજી શકતા હોઈશું તો આપણી લાગણીઓ નોર્મલ રહેશે, પણ જો આપણી સમજણ યા તો દષ્ટિ અપરિપક્વ, વિકૃત કે ખોટી હશે તો આપણો ઇમોશનલ રિસ્પોન્સ એબ્નોર્મલ હશે. ડૉ. બર્ન્સ આપણા મનને રેડિયો સાથે સરખાવે છે. માનો કે રેડિયોમાંથી ચીંઈઈઈ... કરતો અવાજ આવી રહ્યો ને ગીત બરાબર સંભળાતું ન હોય, તો આનો અર્થ એવો નથી કે રેડિયો ખરાબ થઈ ગયો છે. આનો અર્થ એટલો જ થયો કે તમે કાં તો સ્ટેશન બરાબર સેટ કર્યું નથી અથવા ખરાબ હવામાનને કારણે ડિસ્ટર્બન્સ આવે છે. આવી સ્થિતિમાં શું કરવાનું? કળ ઘુમાવીને સ્ટેશન બરાબર સેટ કરવાનું. મેન્ટલ ટ્યુનિંગનું પણ એવું છે. એક વાર નેગેટિવ વિચારોનું વાદળિયું વિખરાઈ જાય છે એટલે ગીત બરાબર સંભળાવા લાગે છે.
કોઈ એમ પણ કહી શકે કે પણ ભાઈસાહેબ, મારો રેડિયો સાચે જ સાવ બગડી ગયો છે, એના પૂરજેપૂરજાનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. ઉપરછલ્લા ટ્યુનિંગથી કશું નહીં થાય, હું ખરેખર બહુ જ ડિપ્રેશનમાં છું. ડૉ. બર્ન્સ કહે છે, ‘આવું હું અસંખ્ય વાર સાંભળું છું. લગભગ દરેક ડિપ્રેસ્ડ વ્યક્તિને એવું જ લાગતું હોય છે કે એનો કેસ સાવ હોપલેસ છે, અસામાન્ય છે. વાસ્તવમાં મોટા ભાગના ડિપ્રેશનના કેસ સાધારણ હોય છે. દર્દીને ‘હું ખૂબ ડિપ્રેશનમાં છું’ એવો ભ્રમ હોય છે ને આ ભ્રમનું કારણ એનું મેન્ટલ પ્રોસેસિંગ હોય છે.’
આપણે ડિસ્ટર્બ્ડ યા તો વિકૃત કહી શકાય એવું નેગેટિવ થિંકિંગ કરીએ છીએ એવી શી રીતે ખબર પડે? તેમાંથી કેવી રીતે બહાર આવી શકાય? વેલ, વાત જરાક લાંબી છે એટલે તેના વિશે ફરી ક્યારેક શૅર કરીશું. આપણે હાલ પૂરતું એક જ વસ્તુ સમજવાની છે કે ‘હું ખૂબ ડિપ્રેશનમાં છું’ એવા નિર્ણય પર કૂદકો મારીને પહોંચી જવાનું નહીં. મોટે ભાગે તો તમારો મૂડ ખરાબ હશે યા તો તમારી વિચારપ્રક્રિયા નેગેટિવ પેટર્નમાં ફસાઈ ગઈ હશે. ડિપ્રેશન એક ભારે શબ્દ છે. એને ગમે તેમ વાપરવાનો નહીં. સો રિલેક્સ, ચિલ... ઑલ ઇઝ વેલ!   
0 0 0 


Tuesday, April 21, 2020

'અસુર': ડેડલી દૈત્યકથા


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 5 એપ્રિલ 2020, રવિવાર
મલ્ટિપ્લેક્સ 
રહસ્ય, રોમાંચ, હિંસા અને પૌરાણિક સંદર્ભોથી છલોછલ ‘અસુર’ વેબ શો કેવો છે?

‘બેટા, મોટો થઈને તું શું બનીશ?’
એક ચાઇલ્ડ સાઇકોલોજિસ્ટ દસેક વર્ષના છોકરાને પ્રશ્ન પૂછે છે. છોકરાનો ચહેરો સપાટ છે. સપાટ અને બરફમાં દટાયેલા ખંજર જેવો ઠંડો. એ સામેની વ્યક્તિને જોતો નથી, બલકે એની તરફ ત્રાટક કરે છે.
‘અસુર,’ પાંપણ પટપટાવ્યા વગર છોકરો જવાબ આપે છે.
‘હેં?’ ડૉક્ટર ફરી પૂછે છે, ‘શું બનવું છે તારે?’
‘અસુર.’
અસુર એટલે દાનવ, દૈત્ય. છોકરો અસુર બનવા માગે છે, કેમ કે બનારસી બ્રાહ્મણ પિતાએ એના મનમાં આ શબ્દ કોતરી નાખ્યો છે. નફરતથી, ક્રોધથી. છોકરાના જન્મ સાથે જ એની મા મૃત્યુ પામી હતી. બાપ માને છે કે આ છોકરો જ પોતાની પત્નીને ભરખી ગયો છે. છોકરામાં અસાધારણ શક્તિઓ છે. એ જાડા થોથા જેવા પુસ્તકનાં પાનાં ફેરવીને ગણતરીની મિનિટોમાં સઘળું લખાણ પામી શકે છે, એટલું જ નહીં, યાદ પર રાખી શકે છે. પિતા માને છે કે આ બધાં અસુરી લક્ષણો છે. સગા સંતાનની માનસિકતા પર  સતત કુઠરાઘાત કરતા રહેતા પિતાએ દીકરાના અસુરીપણાનો ભોગ બનવું પડે છે. પુખ્ત થતાં પહેલાં જ છોકરો એવા એવા કાંડ કરે છે કે...
આ છે વૂટ સિલેક્ટ નામના ડિજિટલ પ્લેટફૉર્મ પર મૂકાયેલી નવીનક્કોર વેબ સિરીઝ ‘અસુર’ની કથાનું આરંભબિંદુ. આ ખતરનાક છોકરો મોટો થઈને કેવા કારનામા કરે છે? એને કોણ કેવી રીતે કાબૂમાં લે છે? આ પ્રશ્નોના ઉત્તરમાં ‘અસુર’ના આઠ એપિસોડની કથા સમાયેલી છે. કોરોના વાઇરસના હાહાકાર વચ્ચે બાકીની દુનિયા ભલે ઠપ્પ થઈ ગઈ હોય, પણ નેટફ્લિક્સ, અમેઝોન પ્રાઇમ, વૂટ વગેરે જેવાં ડિજિટલ પ્લેટફૉર્મ્સ જોરદાર ફૉર્મમાં છે. લૉકડાઉન થઈને ઘરમાં પૂરાયેલા લોકો બીજું કરેય શું, આંકરાતિયાના માફક દિવસ-રાત ડિજિટલ મનોરંજન ઓહિયા કર્યા સિવાય? ‘અસુર’ જેવા સાઇકોલોજિકલ ક્રાઇમ શો પ્રેક્ષકો સામે મૂકવા માટે આના કરતાં વધારે બહેતર સમય બીજો કોઈ હોઈ શક્યો ન હોત. મજાની વાત એ છે કે શો સરસ બન્યો છે. તમે એક વાર જોવાનું શરૂ કરો એટલે પૂરો કર્યે જ છૂટકો કરો એટલો રસપ્રદ. આમેય પ્રેક્ષક બિન્જ વૉચ કરવા માટે મજબૂર થઈ જાય એવા ચોટડૂક હોવું તે એપિસોડિક ડિજિટલ શોની પૂર્વશરત છે.

બનારસથી શરૂ થયેલી ‘અસુર’ની કથા તરત દસેક વર્ષ કૂદાવીને અમેરિકા શિફ્ટ થાય છે. ક્રમશઃ મુખ્ય પાત્રો એક પછી એક ઇન્ટ્રોડ્યુસ થવા લાગે છે. સુંદર પત્ની અને રૂપકડી દીકરી સાથે રહેતા નિખિલ (વરૂણ સોબતી), જે એફબીઆઈમાં ફોરેન્સિક સાયન્સ ભણાવવાનું કામ કરે છે, એને સમયાંતરે મેસેજ મળતા રહે છે. આ સંદેશામાં ચોક્કસ લોકેશન દેખાડતાં કો-ઓર્ડિનેટ્સ હોય છે. તમામ લોકેશન ભારતનાં છે અને દરેક જગ્યાથી લાશ મળી આવે છે. નિખિલ અગાઉ સીબીઆઇમાં કામ કરતો હતો, પણ પોતાના સિનિયર ધનંજય (અરશદ વારસી) સાથે અણબનાવ થયા પછી એ અમેરિકા જતો રહ્યો હતો. એફબીઆઈના એના કામમાં હવે આમેય કોઈ રોમાંચ રહ્યો નહોતો એટલે એ ભારત પાછો આવીને પુનઃ સીબીઆઇ જોઇન કરી લે છે, પેલા ખતરનાક સિરિયલ કિલરની શોધ કરવા.  
પછી શ્વાસ અધ્ધર કરી દે, જોતાં તકલીફ થઈ જાય એવી ઘટનાઓ બનતી રહે છે. ઓની સેને ડિરેક્ટ કરેલા ‘અસુર’ શોના ત્રણ લેખકોની ટીમમાં ભાવનગરી નિરેન ભટ્ટ (‘બે યાર’થી લઈને ‘બાલા’ સુધીની કેટલીય ફિલ્મોના લેખક અને ‘વાલમ આવોને’ જેવાં ઢગલાબંધ ગીતોનાં સર્જક) પણ છે. આ શોનો પ્લસ પૉઇન્ટ એ છે કે એની સ્ટોરીલાઇનમાં ભારતના પૌરાણિક સંદર્ભો અને રૂપકોને આકર્ષક રીતે વણી લેવામાં આવ્યા છે. રહસ્ય, રોમાંચ, ટ્વિસ્ટ્સ-એન્ડ-ટર્ન્સ અને ઉત્તમ અભિનયનું આ શોમાં સરસ કોમ્બિનેશન થયું છે. સાચ્ચે, અરશદ વારસીને ચક્રમ જેવા કૉમેડીને બદલે, ફોર અ ચેન્જ, એક ઇન્ટેલિજન્ટ અને માથાફરેલ સીબીઆઇ ઑફિસરના રોલમાં જોવાની ખરેખર મજા આવે છે. શોનો માઇનસ પૉઇન્ટ એ છે કે પાછલા એપિસોડ્સ, શરૂઆતના એપિસોડ્સ જેટલા દમદાર નથી. ક્યારેક પકડ છૂટી જતી હોય એવુંય લાગે. એક તબક્કા પછી અસુરના અતિ શુદ્ધ હિન્દી ડાયલોગ્સ સહેજ બનાવટી લાગવા માંડે છે. આ બધી ક્ષતિઓ સહિત પણ ‘અસુર’ એક સ્તરીય શો તો ખરો જ.  
બાય ધ વે, શું પહેલી સિઝનમાં મુખ્ય અસુરની એન્ટ્રી હજુ થઈ જ નથી? આ સવાલનો જવાબ આપણને બીજી સિઝનમાં મળશે. અત્યારે સૌથી મહત્ત્વનો સવાલ તો આ છેઃ શું ‘અસુર’ જોવાય? જવાબ છેઃ ચોક્કસ જોવાય.
0 0 0