Sunday, August 4, 2019

કાન્તિ ભટ્ટઃ તમારા માટે, તમારી સાથે, સતત...


કાન્તિ ભટ્ટના 88મા જન્મદિવસની ઉજવણી કેવી રહી? તૃપ્ત થઈ જવાય, ખુદનો પોતાની જાત સાથે નવેસરથી પરિચય થાય એવી.


લાગે છે, મારે હવે સો વર્ષ જીવવું પડશે...

રેડ કાર્પેટ બિછાવેલાં પગથિયાં રેલિંગના ટેકે ટેકે ચડતી વખતે કાન્તિ ભટ્ટ ઉમંગપૂર્વક કહી રહ્યા હતા.  
સો વર્ષનો આંકડો ઓછો છે. નાનો છે. ગુજરાતી પત્રકારજગતના લિવિંગ લેજન્ડ કાન્તિ ભટ્ટને ઉપરવાળાએ સો વર્ષ કરતાં ઘણું વધારે લાંબુ અને સંપૂર્ણપણે સ્વસ્થ આયુષ્ય લખી આપવું જોઈએ. કાન્તિ ભટ્ટે 88 વર્ષ પૂરાં કર્યાં (જન્મતારીખઃ 15 જુલાઈ 1931). તાજેતરમાં એટલે કે 20 જુલાઈએ મુંબઈના શ્રી વિલે પાર્લે પાટીદાર મંડળના સુશોભિત હૉલમાં સરસ રીતે ઊજવાયો.

હૉલના એન્ટ્રેન્સ પાસે જ કાન્તિ ભટ્ટની વિરાટ તસવીરવાળું સરસ મજાનું હોર્ડિંગ મૂકાયેલું હતું.  પાતળા શરીર પર સફેદ પહેરણ, તેની ઉપર બ્રાઉન કોટ, મસ્તક પર લાક્ષાણિક હેટ અને સ્વચ્છ, પારદર્શક આંખોમાં નિર્દોષતા ને જિજ્ઞાસા. કર્મઠ માણસ જેમ જેમ જ્ઞાનવૃદ્ધ અને વયોવૃદ્ધ બનતો જાય છે તેમ તેમ એની આંખોમાં આપોઆપ બાળક જેવી નિર્દોષતા આવતી જતી હોય છે? કાન્તિ ભટ્ટ હૉલમાં પ્રવેશ કરે તે પહેલાં જ આ હોર્ડિંગના બેકગ્રાઉન્ડમાં એમની સાથે તસવીર ખેંચાવાનો દોર શરૂ થઈ ગયો હતો. કાન્તિ ભટ્ટના હાથ નીચે કોણ જાણે કેટલાય ગુજરાતી પત્રકારો તૈયાર થયા હશે. કાન્તિ ભટ્ટ દ્વારા પ્રત્યક્ષ તાલીમ પામ્યા ન હોય, પણ એકલવ્યની માફક એમની પાસેથી ચિક્કાર શીખ્યા હોય તેવા પત્રકારોની સંખ્યા પણ નાની સૂની નથી.    

આ જ વાત શીલા ભટ્ટ માટે પણ લાગુ પડે છે. કાન્તિ ભટ્ટની માફક શીલા ભટ્ટ પણ પત્રકારોની એક કરતાં વધારે પેઢીઓ માટે રોલ મોડલ રહ્યાં છે. પોતાની સાથે કામ કરી ચુકેલા સાથીઓ અને મિત્રો-શુભેચ્છકો સાથે કાન્તિ ભટ્ટનો 88મો જન્મદિવસ ધામધૂમથી શી રીતે સેલિબ્રેટ કરવો તે વિશે શીલા ભટ્ટ સ્પષ્ટ હતાઃ સાથીઓ-સ્વજનો સ્મરણો તો મમળાવશે જ, પણ સાથે સાથે કાન્તિ ભટ્ટનાં પ્રિય ગીતો તેમજ રાસ-ગરબાની રમઝટ પણ બોલવી જોઈએ.

કાન્તિ ભટ્ટ જેમને પોતાના માનસપુત્ર ગણે છે એવા લેખક-પત્રકાર આશુ પટેલે આખો કાર્યક્રમ જહેમતપૂર્વક ડિઝાઇન કર્યો હતો. સંગીતકાર-ગાયક ઉદય મઝુમદારે કાન્તિ ભટ્ટનાં પ્રિય ગીતો તૈયાર કરાવીને પોતે પણ ગાયાં તેમજ રેખા ત્રિવેદી અને સૌરભ મહેતા પણ ગવડાવ્યાં. મંચ પર સાજિંદાઓ અને ગાયકો હતા, સામે પહેલી હરોળમાં મહેમાનોની સાથે કાન્તિ ભટ્ટ બિરાજમાન હતા. સૌરભ મહેતાએ જેવું પંકજ મલિકે કમ્પોઝ કરેલું અને ગાયેલું પિયા મિલન કો જાના... હાં, પિયા મિલન કો જાના... જગ કી લાજ, મન કી મૌજ, દોનોં કો નિભાના... પિયા મિલન કો જાના... ગીત ગાવાનું શરૂ કર્યું ને કૃષકાય કાન્તિ ભટ્ટમાં અચાનક ગજબની ચેતનાનો સંચાર થયો. તેઓ ઊભા થઈને રીતસર ઝૂમવા-ગાવા લાગ્યા. આખી મ્યુઝિકલ સેશન દરમિયાન આવી તો કેટલીય ક્ષણો આવી. હાજર રહેનારા સૌએ સાનંદાશ્ચર્ય અનુભવ્યું. કાન્તિ ભટ્ટની આ એક સહજ, સ્પોન્ટેનિયસ, બાળસહજ અભિવ્યક્તિ હતી.
સંગીતના જાદુમાં સ્વજનો-મિત્રો-ચાહકોની હૂંફનો જાદુ ઉમેરાય ત્યારે આવી ક્ષણ સર્જાય!

                                           0 0 0  
ચેતનાની ક્ષણે.

કાન્તિ ભટ્ટે પોતે સ્થાપેલા અભિયાન સાપ્તાહિકમાં આ અફલાતૂન કટાર લખીને નવો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. અગાઉ વાંચકો માટે તંત્રી સતત પડદા પાછળ રહેતી એક રહસ્યમય વ્યક્તિ હતી. કાન્તિ ભટ્ટે ચેતનાની ક્ષણેમાં અસરકારકતાપૂર્વક આ ફોર્થ વૉલ તોડી નાખી. તેમણે વાંચકો સાથે સીધો સંવાદ શરૂ કર્યો. આ સંવાદમાં ફિલોસોફીની, અધ્યાત્મની અને ખાસ તો ખુદના જીવનના અનુભવોના નિચોડની સુવાસ આવતી. કાન્તિ ભટ્ટે એક વાર લખેલું કે આ કૉલમનો ઉદ્દેશ કંઈ વાંચકોને ઉપદેશ આપવાનો નથી. ચેતનાની ક્ષણે તો મારું અને વાંચકોનું એક સામુહિક ચિંતન છે.

કાન્તિ ભટ્ટને એક ચિંતક અને લેખક તરીકે શા માટે વ્યાપક સ્વીકૃતિ આપવામાં આવી નથી?’ અભિયાનના મેનેજિંગ એડિટર રહી ચુકેલા સૌરભ શાહ પોતાનાં વકતવ્યમાં કહી રહ્યા હતા, કાન્તિ ભટ્ટનાં પુસ્તકો આજે પણ ધૂમ વેચાય છે, પણ એમને પત્રકાર ઉપરાંત લેખક તરીકે જે યશ મળવો જોઈતો હતો તે મળ્યો નથી.

જે જમાનામાં ગૂગલ કે વિકીપિડીયાની કોન્સેપ્ટ સુધ્ધાં જન્મી નહોતી તે જમાનામાં કાન્તિ ભટ્ટ એમના લેખોમાં વિપુલ માહિતીનો ભંડાર ખડો કરી દેતા. કાન્તિ ભટ્ટના પત્રકારત્વને સેલિબ્રેટ કરવાને બદલે તેના માટે કાતરિયા-ગુંદરિયા પત્રકારત્વ જેવો નિમ્ન કક્ષાનો શબ્દપ્રયોગ કરીને તેને ઉતારી પાડનારાઓ સામે સૌરભ શાહે રોષ પ્રગટ કર્યો હતો. તેમણે ઉમેર્યું, કાન્તિ ભટ્ટ અને શીલા ભટ્ટે ગુજરાતી 
પત્રકારત્વમાં અનેરી સિદ્ધિઓ મેળવી છે. જો કાન્તિ ભટ્ટ અંગ્રેજી ભાષાના પત્રકાર હોત તો આજ સુધીમાં તેમને કેટલાય ઈન્ટરનેશનલ એવોર્ડસ મળી ચુક્યા હોત.

વિખ્યાત વૈજ્ઞાનિક તથા ઈન્ડિયન પ્લૅનેટરી સોસાયટીના ચૅરમેન ડૉક્ટર જે. જે. રાવલે એ જ સૂરમાં કહ્યું કે કાન્તિ ભટ્ટને પદ્મશ્રી નહીં, પણ પદ્મવિભૂષણનો ખિતાબ મળવો જોઈએ.

અવિનાશ પારેખ અભિયાનના માત્ર પ્રકાશક નહોતા, પ્રકાશક કરતાં ઘણું વિશેષ હતા. એમણે પોતાનાં વકતવ્યમાં કેટલાક સરસ કિસ્સા યાદ કર્યા હતાઃ  મને હજી યાદ છે કે કાન્તિભાઈ સાથે ટ્રેનની મુસાફરી કરવાની હોય ત્યારે હું એવી સીટ શોધતો કે જ્યાં તેમને લખવાનું ફાવે, કેમ કે કાન્તિભાઈ ડાબોડી છે. એક વખત અમે એરપોર્ટ પર સાથે હતા. કાન્તિભાઈની પાસે સામાનમાં ઘણાં બધાં પુસ્તકો હતાં એટલે લગેજનું વજન વધારે થઈ ગયું હતું.  અમને કહેવામાં આવ્યું કે તમારે આના એક્સ્ટ્રા પૈસા ચુકવવા પડશે. અમે થોડી દલીલો કરી. મેં એરપોર્ટ અધિકારીને કહ્યું કે કાન્તિભાઈનું ખુદનું વજન ફક્ત 40 કિલો જ છે. ધારો કે તેમનું વજન 60 કિલો હોત તો પણ તમે એમને પ્લેનમાં જવા જ દીધા હોતને. અત્યારે એમ સમજો કે એ વધારાના વીસ કિલો આ પુસ્તકોના છે. અધિકારીએ હસતા-હસતા કહ્યું કે ઇન ધેટ કેસ, કાન્તિભાઈએ કાર્ગોમાં જવું પડે ને પુસ્તકોને સીટ પર ગોઠવવાં પડે!

જાણીતા સેક્સોલોજિસ્ટ અને પદ્મશ્રી પ્રકાશ કોઠારીએ એક કિસ્સો યાદ કરતાં કહ્યું હતું, ‘ચિત્રલેખાના હરકિસન મહેતાએ એક વાર કાન્તિ ભટ્ટને મારો ઈન્ટરવ્યુ લેવા મોકલ્યા હતા. એમણે મને એટલા બધા સવાલો પૂછ્યા કે મને થયું કે મારી કપરી પરીક્ષા થઈ રહી છે.  તે ઈન્ટરવ્યુ પછી હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો કે સેક્સોલોજીના વિષયમાં દુનિયામાં જો કોઈ માણસ મને ટક્કર આપી શકે તેમ હોય તો એ આ એક જ છે – કાન્તિ ભટ્ટ!

તબિયત નાદુરસ્ત હોવાને કારણે જાણીતા પત્રકાર વિક્રમ વકીલ ખુદ તો હાજર નહોતા રહી શક્યા, પણ તેમનો ઑડિયો મેસેજ કાન્તિ ભટ્ટ અને મહેમાનો સુધી  જરૂર પહોંચ્યો. એમણે કહ્યું,કાન્તિ ભટ્ટ આટલાં વર્ષોમાં ક્યારેય કોઈ આઇડીયોલોજી કે રાજકીય વિચારધારાની કંઠી બાંધી નથી.  જો કૉપી નબળી હોય તો તેઓ તે મોં પર મારશે અને જો સારું કામ કર્યું હોય તો પીઠ થાબડીને શાબાશી પણ આપશે. ફિલ્ડ પર જુવાનિયાઓ કરતાં પણ તેઓ વધારે એનર્જીથી કામ કરે. તેથી જ એમની સાથે કામ કરવાની વધુ મજા આવતી.’

કાન્તિ ભટ્ટે માત્ર પત્રકારોને જ પ્રભાવિત કર્યા નથી, આયુર્વેદ તેમજ નેચરોપથીનાં ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા પંકજ નરમ પણ ખુદને ઇન્ફ્લ્યુન્સ કરનારી ટોપ-ટેન વ્યક્તિઓની સુચિમાં કાન્તિ ભટ્ટને પહેલા નંબર પર મૂકે છે. કાન્તિભાઈએ એમને પહેલાં લેખન તરફ વાળ્યા ને પછી આયુર્વેદ તરફ.  
વર્ષા અડાલજા, સોનલ શુક્લ, મૌલિક કોટક ઉપરાંત વિશાળ વાચકવર્ગના પ્રતિનિધિ એવાં રાજુલ શેઠે ટૂંકાં વકતવ્યો આપ્યાં. મધુરી કોટકે આ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપી હતી. સમગ્ર ઇવેન્ટનું દિલપૂર્વક સંચાલન કરનાર પત્રકાર-લેખિકા ગીતા માણેકે એક સરસ વાત કરી હતી કે, કાન્તિ ભટ્ટ ગુજરાતી પત્રકારત્વની યુનિવર્સિટી નહીં, પણ ગુજરાતી પત્રકારત્વનું ગુરૂકુળ છે, જેમાં મારાં જેવા કેટલાંય શિષ્યો તૈયાર થયાં છે. મીનળ પટેલે પોતાના આગવા અંદાજમાં કંઈક ભાળી ગયેલા કવિ રમેશ પારેખની એક મસ્તમજાની કવિતાનું અસરકારક પઠન કર્યું. ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈ અને અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ રોનાલ્ડ રેગને કાન્તિ ભટ્ટને લખેલા પત્રો વિશાળ એલઈડી સ્ક્રીન પર ફ્લેશ થયા ત્યારે કાન્તિ ભટ્ટે સૌને સંબોધતા કહ્યું, ‘આ પ્રામાણિક પત્રકારત્વની તાકાત છે. એ તમને અમેરિકન પ્રેસિડન્ટ કક્ષાના લોકો સુધી પહોંચાડી શકે છે. લોકોને માહિતીમાં રસ છે. એમને માહિતી આપો, તમારાં મંતવ્યો નહીં.

કાર્યક્રમમાં પત્રકાર-લેખક આશુ પટેલે  એક સરસ મજાની જાહેરાત કરી - કાન્તિ ભટ્ટ-શીલા ભટ્ટ ફાઉન્ડેશનની સ્થાપનાની. આ ફાઉન્ડેશન દ્વારા પત્રકારત્વમાં આવવા ઈચ્છતાં યુવક-યુવતીઓને દરેક સ્તરે મદદ કરવામાં આવશે. દર વર્ષે એક પ્રતિભાશાળી યુવા પત્રકારને 21 હજાર રુપિયાના પુરસ્કાર સાથેનો એવોર્ડ પણ આપવામાં આવશે. નાટ્યનિર્માતા મનહર ગઢિયાએ પ્રથમ પુરસ્કાર માટેની રકમ ત્યારે જ ગણી આપી. શીલા ભટ્ટે તાળીઓના ગડગડાટ વચ્ચે આ જાહેરાતને વધાવી લેતા કહ્યું હતું કે મારે આ મુદ્દે બે વાત કરવી છેએક તો આ ફાઉન્ડેશનનું નામ માત્ર ‘કાન્તિ ભટ્ટ ફાઉન્ડેશન’ રાખીએ અને બીજુંપ્રતિભાશાળી પત્રકાર માટે પુરસ્કારની રકમ 21 હજારથી વધારીને 51 હજાર રૂપિયા કરીએ.


અહીં સાથે સાથે એ પણ નોંધી લઈએ કે ધ શક્તિ ભટ્ટ ફાઉન્ડેશન દર વર્ષે ક્રિયેટિવ રાઇટિંગ અને જર્નલિઝમમાં પહેલું પુસ્તક લખનાર તેજસ્વી લેખકો-પત્રકારોને આમંત્રણ આપે છે.  દુનિયાભરમાંથી એન્ટ્રી આવે છે, જેમાંથી વિજેતાને બે લાખ રૂપિયાનું શક્તિ ભટ્ટ ફર્સ્ટ બુક પ્રાઇઝ આપવામાં આવે છે.

સૌથી છેલ્લું વકવ્ય શીલા ભટ્ટનું હતું. હૃદયસ્પર્શી, પ્રામાણિક અને લાગણીભર્યું. એમણે કહ્યું, ‘16 જુલાઈએ અમારાં લગ્નને ચાલીસ વર્ષ પૂરાં થયાં. તે વખતે તો તમે અમારાં લગ્નમાં નહોતા આવ્યા, પણ આજે તમને સૌને અહીં જોઈને લાગે છે કે તમે આજે જાણે અમારાં લગ્નમાં આવ્યા છો. કાન્તિ અને હું જીવનમાં ખૂબ ઝંઝાવાતોમાંથી પસાર થયાં છીએ.  ઘણા ધરતીકંપ સહન કર્યાં, સંજોગોરૂપી પહાડો ચડ્યાં, નદીઓ ઓળંગી, દરિયાઓ તરવા પડ્યાં, જ્વાળામુખીમાં ફેંકાઈ ગયાં હોઈએ એવી લાગણી અનુભવી, ક્યારેક ટૂટી ગયાં, ક્યારેક ફૂરચા ઊડી ગયાં, પણ ટકી ગયાં, જીવી ગયાં. કાન્તિ એકલવાયા જીવ છે. એ પહેલાંય એકલા હતા ને આજે પણ એકલા જ છે. કાન્તિ, તમે ઘણું જીવો અને સરસ જીવો.


શીલા ભટ્ટ આ બોલી રહ્યાં હતાં ત્યારે એમની અતિ તેજસ્વી સ્વર્ગસ્થ પુત્રી શક્તિનું સ્મરણ હાજર રહેલા સૌના ચિત્તમાં એકસાથે ધબકી રહ્યું હતું. શક્તિ, તમે પણ ઘણું જીવો - સૂક્ષ્મ રૂપે, અદશ્યપણે, તમારાં મા-બાપના શ્વાસમાં, એમના પત્રકારત્વમાં, એમનાં સ્મરણમાં, અમારી સૌની સ્મૃતિમાં...   

                                          0 0  0

-અને પછી રાસ-ગરબા. પત્રકારોથી છલકાતા ફંકશનમાં રાસ-ગરબા શા માટે? આનો જવાબ શીલાબહેને પોતાનાં વકતવ્યમાં હસતાં હસતાં આપી દીધો હતોઃ 

મેં કાન્તિ સાથે લગ્ન કર્યાં તે પછી પહેલી નવરાત્રિ આવી ત્યારની આ વાત છે. એમણે મને કહેલુઃ લે! તને ગરબા લેતા આવડતું નથી! આ કહેતી વખતે એમના ચહેરા પર જે દુખનો ભાવ ઊપસ્યો હતો તે મને આજેય બરાબર યાદ છે!’       

પણ આજે કાન્તિ ભટ્ટ પ્રસન્ન-પ્રસન્ન હતા. મંચ પરથી લાઇવ ગરબા ગવાઈ રહ્યા હતા ત્યારે કેટલીય વાર તેઓ ઊભા થઈને થોડી થોડી વાર ઝુમ્યા.

સેલિબ્રેશનનું સમાપન સ્વાદિષ્ટ ભોજનથી થયું. આ મામલામાં પણ શીલા ભટ્ટ પૂરેપૂરાં સ્પષ્ટ હતાઃ ભોજન નિર્ભેળપણે, માત્ર અને માત્ર ગુજરાતી જ હોવું જોઈએ! ભારે ચીવટપૂર્વક એમણે મેનુ નક્કી કર્યું હતું. શું શું હતું જમવામાં? ભરેલા ભીંડાનું શાક, સંભારિયા બટેટા, ગ્રીન ગુજરાતી (એક પ્રકારનું ઉંધિયું), રાયના દેશી ઘીના ચુરમાના લાડુ, ન્યાતના જમણવારમાં પીરસાય એવી દેસી દાળ, ઢોકળાં, ફુલકા, પુરી, ભાત અને છેલ્લે કુલ્ફી વિથ ફાલુદા!

કાર્યક્રમ ખરેખર ખૂબ સરસ રહ્યો. તૃપ્ત થઈ જવાય, ખુદનો પોતાની જાત સાથે નવેસરથી પરિચય કરાવે એવો. કાન્તિ ભટ્ટોત્સવની આ તો શરૂઆત છે. સંભવતઃ આ શૃંખલા આગળ વધશે અને ગુજરાતનાં જુદાં જુદાં શહેરો તેમાં જોડાતાં જશે.  

ઓવર ટુ રાજકોટ...   

0 0 0


(પૂરક માહિતીઃ દિવ્યકાંત પંડ્યા)

Friday, August 2, 2019

ડિપ્રેશન હૈ ક્યા?


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 31 જુલાઈ 2019, બુધવાર
ટેક ઓફ
શું હું 'હું' તો જ રહી શકીશ જો માનસિક બીમારીના ડૉક્ટરે લખી આપેલી ગોળીઓ ગળતો રહીશ? ધારો કે ગોળી ખાવાનું બંધ કરું તો શું કેમિકલ લોચાને કારણે મારું આખું વ્યક્તિત્વ બદલાઈ જશે

કંગના રનૌતની જજમેન્ટલ હૈ ક્યા? નામની ફિલ્મ ગયા અઠવાડિયે રિલીઝ થઈ. એમાં એને અક્યુટ સાઇકોસિસ નામની માનસિક બીમારી થઈ છે. આ ગંભીર બીમારીના ઉલ્લેખો આપણી આંખે કે કાને રોજબરોજ પડતા નથી, પણ ડિપ્રેશન એક એવો શબ્દ છે જે આજકાલ પંદર-સોળ વર્ષના ટીનેજરો પણ છૂટથી વાપરે છે. ઓહ, મારી પાસે પાર્ટીમાં પહેરવા માટે સારો ડ્રેસ નથી, આઇ એમ ડિપ્રેસ્ડ. ઓહ, ફલાણીએ મારી ફ્રેન્ડ્સ રિક્વેસ્ટ એક્સેપ્ટ ન કરી, આઇ એમ ડિપ્રેસ્ડ.  

ઇવન કેટલાક વડીલો પણ ઉચાટ અનુભવતા હોય, કોઈ વાતે સહેજ ટેન્શન જેવું હોય કે અકળાયેલા હોય તો પણ હું ડિપ્રેશનમાં છું એવું કહેતા હોય છે. ડિપ્રેશન શબ્દનો સમજ્યા વગર ઉપયોગ કરતા રહેવાથી એની ગંભીરતા ઘટી જાય છે. આ સંદર્ભમાં એન્ડ્ર્યુ સોલોમન નામના એક આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામેલા લેખકની ટેડ ટૉક સાંભળવા જેવી છે. 'અ નૂન-ડે ડેમનઃ અન એટલાસ ઓફ ડિપ્રેશનનામનું એમનું પુસ્તક ખૂબ વખણાયું છે. ચોવીસ ભાષાઓમાં એનું ભાષાંતર થયું છે. અમેરિકા અને ઈંગ્લેન્ડ બન્ને દેશોની નાગરિકતા ધરાવતા આ અવોર્ડવિનિંગ લેખક ડિપ્રેશનના વિષય પર વક્તવ્યો આપવા દુનિયાભરમાં ઊડાઊડ કરે છે.

માનસિક પીડાની જુદી જુદી તીવ્રતા સૂચવતા શબ્દોની તંગી ગુજરાતીની માફક અંગ્રેજીમાં પણ છે. સાદી ભાષામાં કહીએ તો ડિપ્રેશન એટલે ઉગ્ર માનસિક તાણ. એન્ડ્ર્યુ સોલોમન સ્વયં ભયાનક ડિપ્રેશનમાંથી પસાર થઈ ચૂક્યા છે. સંપૂર્ણપણે મુક્ત તો હજુય થયા નથી. એમને અગાઉ લાગતું પોતે નર્કની યાતના સહેવી પડે તો પણ તૂટે નહીં એવા મજબૂત મનના માણસ છે. અઠ્ઠાવીસ-ત્રીસ વર્ષની ઉંમરે એમના પર એકસાથે બે મોટાં દુઃખ આવી પડયાં. એક બાજુ મા મૃત્યુ પામી તો બીજી બાજુ પ્રેમસંબંધનો અંત આવ્યો. સમયની સાથે દુઃખ હળવું થવું જોઈતું હતું. એવું ન બન્યું. ત્રણેક વર્ષમાં એવી સ્થિતિ આવી ગઈ કે જે બાબતોમાં અત્યાર સુધી ખૂબ રસ પડતો હતો એમાંથી પણ મન ઊઠવા લાગ્યું. સમજાતું નહોતું કે કેમ આવું થાય છે. કોઈની સાથે વાત કરવાનું મન ન થાયડાઈનિંગ ટેબલ પર જમવા બેસવું હોય તો પણ જાણે પહાડ ચડવાનો હોય એટલું ટેન્શન થઈ જાય. ઉચાટની સ્થિતિ તીવ્રતર બનતી ગઈ. એન્ડ્ર્યુ કહે છે કે આપણે ચાલતાં ચાલતાં ઓચિંતા ઠેસ લાગે ને ધડામ કરતાં ઊંધા મોંએ પટકાઈએ ત્યારે પછડાટની એ અડધી-એક સેકન્ડ દરમિયાન જમીન ભયાનક ઝડપથી આપણા ચહેરા સામે ધસી આવતી દેખાય. આપણો જીવ અધ્ધર ચડી જાય. કલ્પના કરોઆ જીવ અધ્ધર ચડી જવાનીભયની અનુભૂતિ અડધી-એક સેકન્ડમાં પૂરી થઈ જવાને બદલે કલાકો સુધીદિવસો અને ક્યારેક મહિનાઓના મહિનાઓ સુધી ખેંચાયા કરે તો?


હું લાગલગાટ છ મહિના સુધી આવી સ્થિતિમાં રહ્યો, એન્ડ્ર્યુ કહે છે, મને એ પણ સમજાતું નહોતું કે હું કઈ વસ્તુથી સતત ડર્યા કરું છું. ધીમે ધીમે સ્થિતિ એટલી દર્દનાક બનતી ગઈ મને થવા લાગ્યું કે આ રીતે રીબાવા કરતાં મરી જવું સારુંપણ પછી મને સ્વજનોનો વિચાર આવતો. હું આત્મહત્યા તરફ આગળ વધતાં અટકી જતો. એક સવારે ઊંઘ ઊડી ત્યારે મારું આખું શરીર સજ્જડ થીજેલું હતું. મને થયું કે હાર્ટએટેક આવ્યો કે શું. આંગળી પણ હલે નહીં. કોઈની મદદ માટે ફોન કેવી રીતે કરવોચાર કલાક સુધી આ જ હાલતમાં પડયો રહ્યો. આખરે ફોન રણક્યો ત્યારે ગમે તેમ કરીને એને હાથમાં લીધો. સામે છેડે મારા ફાધર હતા. મેં કહ્યું, મને કંઈક થઈ ગયું છેજલદી કંઈક કરો.
બીજા દિવસથી દવાદારૂ શરૂ થઈ ગયાં. પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડીપણ એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે એન્ડ્ર્યુ સોલોમને ડિપ્રેશન પર અંકુશ રાખવા હવે આખી જિંદગી સાઇકિયાટ્રિસ્ટે આપેલી દવા ખાધા કરવી પડશે. પોતે મજબૂત મનના માણસ છે એ માન્યતા તો ખંડિત થઈ જ ચૂકી હતીપણ એ સિવાય પણ પોતાની જાત વિશે કેટલાંય પ્રશ્નો ઊભા થઈ ગયા હતાઃ શું હું 'હું' તો જ રહી શકીશ જો આ ગોળીઓ ગળતો રહીશઅને ધારો કે ગોળી ખાવાનું બંધ કરું તો શું કેમિકલ લોચાને કારણે મારું આખું વ્યક્તિત્વ બદલાઈ જશેઆ કેમિકલ પ્રોબ્લેમ છે કે સાઇકોલોજિકલ પ્રોબ્લેમ છેઆનો ઉકેલ મેડિકલ સાયન્સ પાસે છે કે અધ્યાત્મ પાસે?

એન્ડ્ર્યુ નોંધે છે કે માનસિક રોગોની જે રીતે ટ્રીટમેન્ટ થાય છે તે ઘણી વાર આઘાતજનક હોય છે. આ ટ્રીટમેન્ટ બહુ મોંઘી હોય છે, બિનઅસરકારક પણ હોય છે. જાતજાતની સાઈડ ઈફેક્ટસ તો લટકામાં. આમ છતાંય પચાસ વર્ષ પહેલાં માનસિક ઉપચારની જે હાલત હતી એના કરતાં આજે ઘણી સારી હાલત છે. ખેરડિપ્રેશનમાંથી બહાર આવ્યા પછી લેખકે આ બીમારીને સમજવા માટે ઉદ્યમ શરૃ કર્યો. ડિપ્રેશનમાંથી પસાર થઈ ચૂકેલા અને થઈ રહેલા અસંખ્ય લોકોના ઈન્ટરવ્યુ કર્યા. એમને એ સમજવું હતું કે અમુક લોકો ડિપ્રેશનમાં ટકી જાય છે ને અમુક લોકો તૂટી જાય છે. આવું કેમમેગી રોબિન્સ નામની એક મહિલા કોલેજમાં હતી ત્યારથી મંદ ડિપ્રેશનથી પીડાતી હતી. ધીમે ધીમે ડિપ્રેશન વધતું ગયું. કેટલાંય વર્ષ સાઇકિયાટ્રિસ્ટે આપેલી દવા ખાઈ ખાઈને પસાર કર્યાં. આખરે એક વાર દવા ન લઈએ તો શું અસર થાય છે તે જોવાનું નક્કી થયું. પરિણામ અત્યંત ખરાબ આવ્યું. અગાઉ ક્યારેય નહોતો આવ્યો એવા જબરદસ્ત ડિપ્રેશનનો અટેક આવી ગયો. દિવસોના દિવસો સુધી એ રૂમમાંથી બહાર ન નીકળે. સતત આત્મહત્યાના વિચારો આવ્યા કરેપણ આજે મેગી રોબિન્સ સારાં કવયિત્રી છે. ખુદ એક ક્વોલિફાઇડ સાઇકોથેરાપિસ્ટ છે અને બીજાઓના ઈલાજ કરે છે. જીબિલકુલ. ગમે તેવા ખરાબ ડિપ્રેશનમાંથી પણ બહાર આવી શકાય છે.



એન્ડ્ર્યુ કહે છે કે સ્કિઝોફ્રેનિયાની બીમારી હોય તો કમસે કમ નોર્મલ પળોમાં પેશન્ટને એટલી તો ખબર હોય છે કે એના શરીરમાં જાણે કોઈક અણજોઈતું તત્ત્વ ઘૂસી ગયું છે જેને બહાર ભગાડી દેવાનું છે. ડિપ્રેશનમાં આવું નથી હોતું. એમાં માણસની આંખો પરથી સુખ-આનંદનો પડદો હટી જાય છે. તે પોતાની નગ્ન વિષાદી નજરથી દુનિયાને જોતો રહે છે અને જે દેખાય છે એને જ સાચું માનતો રહે છે (બધા નકામા છે, મતલબી છેકોઈ મને પ્રેમ કરતું નથીબધા એક નંબરના ઢોંગી ને જૂઠાડા છે). ડિપ્રેસ્ડ માણસને લાગતું રહે છે કે એને હવે સૌની અસલિયતનીસચ્ચાઈની ખબર પડી ગઈ છે, પણ એન્ડ્ર્યુ કહે છે તેમઆવા સંજોગોમાં સચ્ચાઈ પણ જૂઠું બોલતી હોય છે.  

વૈકલ્પિક ઉપચારો કરવાથી કે કોઈ પ્રવૃત્તિથી મનને સારું લાગતું હોય તે કરવાનું. પછી એ ભરતગૂંથણ હોઈ શકેયોગસાધના હોઈ શકે કે બીજું કંઈ પણ. ડિપ્રેશન હોય તો એને નકારવું નહીં. હાહું માનસિક રીતે ખુશ નથીહું ડિપ્રેસ્ડ છું તે હકીકત સ્વીકારી લેવી. ડિપ્રેશન બીજાઓથી છુપાવવું પણ નહીં. આ બીમારી માણસને અધમૂઓ કરી નાખે છે, એનો સમય ને શક્તિ ખર્ચી નાખે છે. એમાંય જો એને છુપાવ-છુપાવ કરીશું તો બોજ ઔર વધશેસમસ્યા વકરશે.
ફ્રેન્કને એક વાર સિન્ગ્યુલોટોમી નામની બ્રેન સર્જરી વિશે જાણ થઈ. ફ્રેન્કને થયું કે ડિપ્રેશનમાંથી છુટકારો મળવાના થોડાઘણા પણ ચાન્સ હોય તો સર્જરી કરાવવામાં શું વાંધો છે. એણે સર્જરી કરાવીજે સફળ થઈ. ફ્રેન્ક ચમત્કારિક રીતે સાજો થવા માંડયો. આજે એ પોતાનાં બીવી-બચ્ચાં સાથે ખુશહાલ જિંદગી જીવે છે. આ કિસ્સામાં નોંધવા જેવી વાત એ છે કે માણસ ભયાનક માનસિક યાતના વચ્ચે પણ આશાને જીવતી રાખી શકે છે અને તેમાંથી બહાર પણ આવી શકે છે.

એન્ડ્ર્યુ સોલોમન છેલ્લે સરસ વાત કરે છે, ડિપ્રેશનનો વિરોધી શબ્દ હેપીનેસ નહીંજીવંતતા છે. મને હવે મારું ડિપ્રેશન ગમવા લાગ્યું છેકેમ કે એના લીધે હું પોઝિટિવ લાગણીઓની કિંમત કરતાં શીખ્યો છું. આનંદનું કારણ કે ખુશાલીની પળ આવે ત્યારે હું એને છોડતો નથીએને કચકચાવીને પકડી લઉં છુંભરપૂરપણે દિલથી માણી લઉં છું. હું હવે રોજ ઊઠીને જીવતા રહેવાનાંસુખ અનુભવવાનાં કારણો શોધું છું. ડિપ્રેશનની આ બહુ મજાની સાઈડ ઈફેક્ટ છે.


                                                             0 0 0 


Saturday, July 20, 2019

પ્રતિભા ચડે કે ચારિત્ર્ય?


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 23 જૂન 2019

મલ્ટિપ્લેક્સ

સુપર થર્ટી જેવી સુંદર ફિલ્મ બનાવનાર વિકાસ બહલના વ્યક્તિત્ત્વને એમની પ્રતિભાને આધારે મૂલવવું જોઈએ? કે પછી, મી ટુ મૂવમેન્ટ દરમિયાન એમના પર જે અત્યંત ઘટિયા આક્ષેપો થયા હતા એના આધારે?


મૈં તો ચાહતી હી નહીં હૂં કિ સુપર થર્ટી રિલીઝ હો. આ ફિલ્મના ડિરેક્ટર તરીકે વિકાસ બહલનું નામ હટાવી લેવામાં આવે અને આ એના કરીઅરની છેલ્લી ફિલ્મ બની રહે તો મને તો એ ગમશે.

આ નયની દીક્ષિત નામની એક્ટ્રેસનું સ્ટેટમેન્ટ છે. ક્વીનમાં એ કંગના રનૌતની સખી બની હતી. મિડીયાએ નયની દીક્ષિતની નોંધ પહેલી (અને અત્યાર સુધીમાં છેલ્લી) વાર ત્યારે લીધી જ્યારે એણે મી ટુ મૂવમેન્ટ દરમિયાન ક્વીન અને સુપર થર્ટીના ડિરેક્ટર વિકાસ બહલ વિરુદ્ધ મોં ખોલ્યું હતું. ગોવામાં વિકાસની અત્યંત ઘટિયા અને કથિત હરકતનો ભોગ બનેલી બીજી એક યુવતીને સપોર્ટ કરતી વખતે નયની મિડીયા સામે આવી હતી.  

કંગના રનૌતે સુધ્ધાં એ મતલબનું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે, ક્વીનના મેકિંગ દરમિયાન વિકાસ ઘણી વાર મને રોફથી કહેતો કે હું તો રોજ નવી નવી છોકરી સાથે સેક્સ માણું છું. બે પરિચિત વ્યક્તિ એકબીજાને મળે ત્યારે હળવું આલિંગન આપવું એ હવે હાથ મિલાવવા જેવું કોમન થઈ ગયું છે, પણ વિકાસે આ ચેષ્ટાને નિર્દોષ રહેવા દીધી નહોતી. એ કંગનાને એટલી કચકચાવીને ભેટી પડતો કે એનાથી છૂટવા કંગનાએ જોર લગાવવું પડતું. વિકાસ પાછું બોલતો ય ખરો કે કંગના, મને તારા વાળની સુગંધ ખૂબ પસંદ છે!   

આ બધું તો બહુ મોડેથી બહાર આવ્યું, મી ટુ મૂવમેન્ટ શરૂ થઈ પછી. ક્વીન 2014માં રિલીઝ થઈ. સર્વત્ર વિકાસ બહલનો જયજયકાર થયો. કંગનાની કરીઅર એક જુદી જ ભ્રમણકક્ષામાં મૂકાઈ ગઈ. 2015માં  બોમ્બે વેલ્વેટના પ્રમોશન દરમિયાન વિકાસે પેલો ગોવાવાળો કાંડ કર્યો. એ જ વર્ષે વિકાસે આલિયા ભટ્ટ અને શાહિદ કપૂરને લઈને શાનદાર બનાવી. આ ચક્રમ જેવી ફિલ્મ ન ચાલી. વિકાસે પછી હૃતિક રોશનની સાથે સુપર થર્ટી પર કામ કરવાનું શરૂ કર્યું. આ ફિલ્મ લગભગ પોસ્ટ પ્રોડક્શન સ્ટેજમાં હતી બરાબર ત્યારે જ મી ટુ મૂવમેન્ટમાં વિકાસનું નામ ઊછળ્યું. ફેન્ટમ ફિલ્મ્સના અન્ય કો-ફાઉન્ડર્સ અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાણેએ માફામાફી કરી. ફેન્ટમ બેનરને આખરે તાળાં જ લાગી ગયાં. વિકાસ એ અરસામાં આમિર ખાનને લઈને ટી સિરીઝવાળા ગુલશન કુમારની બાયોપિક બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. વિકાસનું નામ ખરડાયું એટલે આમિરે ધડ દઈને કહી દીધું કે મારે આવા નઠારા માણસ સાથે કામ નથી કરવું. હૃતિક રોશને પણ રોષ પ્રગટ કર્યો. સુપર થર્ટીમાં ડિરેક્ટર તરીકે વિકાસનું નામ નહીં મૂકાય એવી વાત આવી. ફિલ્મનાં પોસ્ટ પ્રોડક્શનનું કામ અનુરાગે સંભાળવું પડ્યું.


અચાનક ગયા મહિનાના પ્રારંભમાં સમાચાર આવ્યા કે આઇસીસી (ઇન્ટરનલ કંપ્લેઇન્ટ્સ કમિટી)એ પૂરતા પૂરાવાના અભાવે ગોવાકાંડમાં ખરડાયેલા વિકાસ બહલને ક્લીન ચીટ આપી દીધી છે. વિકાસને તમામ મી ટુ આક્ષેપોમાંથી મુક્ત કરવામાં આવ્યા. મજા જુઓ. આઇસીસી નામની આ ભેદી કમિટી ફેન્ટમ ફિલ્મ્સવાળાઓએ જ બનાવી હતી. વિક્રમાદિત્ય મોટવણેનાં મમ્મી કમિટીનાં વડાં હતાં. ઘરના જ ભૂવા ને ઘરના જ ડાકલા. ચિત્ર તો એવું જ ઊપસે છે કે સુપર થર્ટી હેમખેમ રિલીઝ થઈ શકે, વિકાસને તેના ડિરેક્ટર તરીકે વ્યવસ્થિત ક્રેડિટ મળે, એની ઠપ્પ થઈ ગયેલી કરીઅરમાં પાછો જીવ આવે અને ફેન્ટમ ફિલ્મ્સના ઇન્વેસ્ટરોનું હિત સચવાઈ જાય એ જ આ કમિટીનો ઉદ્દેશ હતો. પેલી મી ટુ અબળાને થયેલા ન્યાય-અન્યાયની ઐસી તૈસી.  

નયની દીક્ષિતનો શ્રાપ હોવા છતાં ગયા અઠવાડિયે સુપર થર્ટી રિલીઝ થઈ. ખરેખર અતિ સુંદર, ગર્વ થાય એવી ફિલ્મ. બોક્સઓફિસ પર પણ તે સફળ રહી. સર્વત્ર હૃતિકનો જયજયકાર થયો. જેના જીવન પરથી આ ફિલ્મ બની છે એ બિહારીબાબુ આનંદ કુમારનો જયજયકાર થયો. વિકાસ બહલની ડિરેક્ટોરિઅલ ક્ષમતાનો પણ નવેસરથી જયજયકાર થયો. લોકોએ કહેવા માંડ્યું કે કે વિકાસ ભલે ઘોતિયાઢીલો રહ્યો, ભલે એનું કેરેક્ટર ઢીલું રહ્યું, ભલે ખુદ એના દોસ્તોએ એને સેક્સ્યુઅલ ઓફેન્ડરનું બિરુદ આપ્યું, પણ ફિલ્મમેકર તરીકે એ ખૂબ પ્રતિભાશાળી છે એની ના નહીં.   

ફરી ફરીને એ જ સવાલ ઊભો થાય છેઃ આર્ટિસ્ટને માત્ર એની ટેલેન્ટના જોરે મૂલવવો જોઈએ કે એના સમગ્ર વ્યક્તિત્ત્વના આધારે? આપણી નિસબત માત્ર કલાકારની કળા સાથે હોવી જોઈએ કે એ પોતાના અંગત જીવનમાં એ કંઈ કરતો હોય એ બધું પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ? અમુક માણસ બહુ સારો એક્ટર, ડિરેક્ટર, ગાયક, લેખક, ચિત્રકાર કે ખેલાડી હોય, પોતાની પ્રતિભા દ્વારા એ પ્રજાનું સફળતાપૂર્વક મનોરંજન કરી શકતો હોય તો એટલું પૂરતું નથી? ઉદાહરણ તરીકે રણવીર સિંહ અંગત જીવનમાં અતિ દુષ્ટ અને કજિયાખોર હોય તો એનાથી આપણને કશો ફરક પડે ખરો? એ જ રીતે વિરાટ કોહલી અંગત જીવનમાં ઇર્ષ્ળાળુ, ચિંગુસ કે અતિ ક્રોધી હોય તો ય શું ને ન હોય તો ય શું.               

રોમન પોલન્સ્કી નામના ફ્રેન્ચ-પોલિશ ફિલ્મમેકરે વિશ્વસિનેમાના ઇતિહાસમાં લેન્ડમાર્ક કહી શકાય એવી ફિલ્મો બનાવી છે. 1977માં અમેરિકામાં એમના પર 14 વર્ષની તરૂણી પર બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો. આ આરોપ એમણે સ્વીકાર્યો પણ ખરો. કોર્ટ સજા સુણાવે એ પહેલાં તેઓ દેશ છોડીને ફ્રાન્સ ભાગી ગયા, કેમ કે એમની પાસે ફ્રાન્સની નાગરિકતા હતી. પોલન્સ્કી પછી અમેરિકા પાછા ક્યારેય ગયા જ નહીં. શું આ અપરાધ અને બદનામીને કારણે રોમન પોલન્સ્કીની ફિલ્મમેકર તરીકેની કરીઅર ખતમ થઈ ગઈ? ના રે ના. અમેરિકાથી નાસી ગયા બાદ એમણે 14 ફિલ્મો બનાવી, જેમાં ધ પિયાનિસ્ટ (2002)નો સમાવેશ પણ થઈ ગયો. ધ પિયાનિસ્ટને બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એક્ટર અને બેસ્ટ અડેપ્ટેડ સ્ક્રીનપ્લેના ઓસ્કર અવોર્ડ સુધ્ધાં મળ્યા. એમના વિરુદ્ધ 42 વર્ષ પહેલાં થયેલો બળાત્કારનો કેસ અને સજાની સુનાવણી આજની તારીખે ય એમનાં એમ ઊભાં છે.

માણસની ક્રિયેટિવ સાઇડ અને સેક્સ્યુઅલ સાઇડ એકબીજા કરતાં તદ્દન ભિન્ન અને સ્વતંત્ર હોઈ શકે. હોય જ છે. માણસ ખુદ વિરોધાભાસોનું પૂતળું છે. સુપર થર્ટીઅને ક્વીનની જ વાત કરો. કેટલી સુંદર, આપણને પાનો ચડાવી દે એવી પ્રેરણાદાયી ફિલ્મો. વિકાસ બહલે ક્વીનમાં સ્ત્રી સશક્તિકરણની વાત કરી ને સુપર થર્ટીમાં ગમે તેવી કપરી પરિસ્થિતિમાંય હિંમત ન હારવાની, પોતાની કિસ્મત જાતે જ લખવાની વાત કરી. આવી ડાહી ડાહી ફિલ્મો બનાવનારો ડિરેક્ટર દારૂ પીને જુનિયર યુવતીઓના બેડરૂમમાં ઘૂસી જતો હોય ન કરવાનાં કૃત્યો કરતો હોય તો આપણે શું સમજવાનું? બહલબાબુ હવે સુધરી ગયા હશે કે કૂતરાની પૂંછડી હજુ ય વાંકી જ હશે તે આપણે જાણતા નથી. તો શું મી ટુ કાંડ ભૂલી જઈને સુપર થર્ટી જેવી મસ્તમજાની ફિલ્મ બનાવવા બદલ વિકાસ બહલને અભિનંદન આપવા? કે પછી, મિડીયા રિપોર્ટ્સના આધારે જે ચિત્ર ઊપસ્યું છે તેના આધારે વિકાસને જજ કરીને ગાળો આપતા રહેવી? ચોઇસ ઇઝ યોર્સ!  
        

0 0 0