Saturday, July 20, 2019

પ્રતિભા ચડે કે ચારિત્ર્ય?


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 23 જૂન 2019

મલ્ટિપ્લેક્સ

સુપર થર્ટી જેવી સુંદર ફિલ્મ બનાવનાર વિકાસ બહલના વ્યક્તિત્ત્વને એમની પ્રતિભાને આધારે મૂલવવું જોઈએ? કે પછી, મી ટુ મૂવમેન્ટ દરમિયાન એમના પર જે અત્યંત ઘટિયા આક્ષેપો થયા હતા એના આધારે?


મૈં તો ચાહતી હી નહીં હૂં કિ સુપર થર્ટી રિલીઝ હો. આ ફિલ્મના ડિરેક્ટર તરીકે વિકાસ બહલનું નામ હટાવી લેવામાં આવે અને આ એના કરીઅરની છેલ્લી ફિલ્મ બની રહે તો મને તો એ ગમશે.

આ નયની દીક્ષિત નામની એક્ટ્રેસનું સ્ટેટમેન્ટ છે. ક્વીનમાં એ કંગના રનૌતની સખી બની હતી. મિડીયાએ નયની દીક્ષિતની નોંધ પહેલી (અને અત્યાર સુધીમાં છેલ્લી) વાર ત્યારે લીધી જ્યારે એણે મી ટુ મૂવમેન્ટ દરમિયાન ક્વીન અને સુપર થર્ટીના ડિરેક્ટર વિકાસ બહલ વિરુદ્ધ મોં ખોલ્યું હતું. ગોવામાં વિકાસની અત્યંત ઘટિયા અને કથિત હરકતનો ભોગ બનેલી બીજી એક યુવતીને સપોર્ટ કરતી વખતે નયની મિડીયા સામે આવી હતી.  

કંગના રનૌતે સુધ્ધાં એ મતલબનું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે, ક્વીનના મેકિંગ દરમિયાન વિકાસ ઘણી વાર મને રોફથી કહેતો કે હું તો રોજ નવી નવી છોકરી સાથે સેક્સ માણું છું. બે પરિચિત વ્યક્તિ એકબીજાને મળે ત્યારે હળવું આલિંગન આપવું એ હવે હાથ મિલાવવા જેવું કોમન થઈ ગયું છે, પણ વિકાસે આ ચેષ્ટાને નિર્દોષ રહેવા દીધી નહોતી. એ કંગનાને એટલી કચકચાવીને ભેટી પડતો કે એનાથી છૂટવા કંગનાએ જોર લગાવવું પડતું. વિકાસ પાછું બોલતો ય ખરો કે કંગના, મને તારા વાળની સુગંધ ખૂબ પસંદ છે!   

આ બધું તો બહુ મોડેથી બહાર આવ્યું, મી ટુ મૂવમેન્ટ શરૂ થઈ પછી. ક્વીન 2014માં રિલીઝ થઈ. સર્વત્ર વિકાસ બહલનો જયજયકાર થયો. કંગનાની કરીઅર એક જુદી જ ભ્રમણકક્ષામાં મૂકાઈ ગઈ. 2015માં  બોમ્બે વેલ્વેટના પ્રમોશન દરમિયાન વિકાસે પેલો ગોવાવાળો કાંડ કર્યો. એ જ વર્ષે વિકાસે આલિયા ભટ્ટ અને શાહિદ કપૂરને લઈને શાનદાર બનાવી. આ ચક્રમ જેવી ફિલ્મ ન ચાલી. વિકાસે પછી હૃતિક રોશનની સાથે સુપર થર્ટી પર કામ કરવાનું શરૂ કર્યું. આ ફિલ્મ લગભગ પોસ્ટ પ્રોડક્શન સ્ટેજમાં હતી બરાબર ત્યારે જ મી ટુ મૂવમેન્ટમાં વિકાસનું નામ ઊછળ્યું. ફેન્ટમ ફિલ્મ્સના અન્ય કો-ફાઉન્ડર્સ અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાણેએ માફામાફી કરી. ફેન્ટમ બેનરને આખરે તાળાં જ લાગી ગયાં. વિકાસ એ અરસામાં આમિર ખાનને લઈને ટી સિરીઝવાળા ગુલશન કુમારની બાયોપિક બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. વિકાસનું નામ ખરડાયું એટલે આમિરે ધડ દઈને કહી દીધું કે મારે આવા નઠારા માણસ સાથે કામ નથી કરવું. હૃતિક રોશને પણ રોષ પ્રગટ કર્યો. સુપર થર્ટીમાં ડિરેક્ટર તરીકે વિકાસનું નામ નહીં મૂકાય એવી વાત આવી. ફિલ્મનાં પોસ્ટ પ્રોડક્શનનું કામ અનુરાગે સંભાળવું પડ્યું.


અચાનક ગયા મહિનાના પ્રારંભમાં સમાચાર આવ્યા કે આઇસીસી (ઇન્ટરનલ કંપ્લેઇન્ટ્સ કમિટી)એ પૂરતા પૂરાવાના અભાવે ગોવાકાંડમાં ખરડાયેલા વિકાસ બહલને ક્લીન ચીટ આપી દીધી છે. વિકાસને તમામ મી ટુ આક્ષેપોમાંથી મુક્ત કરવામાં આવ્યા. મજા જુઓ. આઇસીસી નામની આ ભેદી કમિટી ફેન્ટમ ફિલ્મ્સવાળાઓએ જ બનાવી હતી. વિક્રમાદિત્ય મોટવણેનાં મમ્મી કમિટીનાં વડાં હતાં. ઘરના જ ભૂવા ને ઘરના જ ડાકલા. ચિત્ર તો એવું જ ઊપસે છે કે સુપર થર્ટી હેમખેમ રિલીઝ થઈ શકે, વિકાસને તેના ડિરેક્ટર તરીકે વ્યવસ્થિત ક્રેડિટ મળે, એની ઠપ્પ થઈ ગયેલી કરીઅરમાં પાછો જીવ આવે અને ફેન્ટમ ફિલ્મ્સના ઇન્વેસ્ટરોનું હિત સચવાઈ જાય એ જ આ કમિટીનો ઉદ્દેશ હતો. પેલી મી ટુ અબળાને થયેલા ન્યાય-અન્યાયની ઐસી તૈસી.  

નયની દીક્ષિતનો શ્રાપ હોવા છતાં ગયા અઠવાડિયે સુપર થર્ટી રિલીઝ થઈ. ખરેખર અતિ સુંદર, ગર્વ થાય એવી ફિલ્મ. બોક્સઓફિસ પર પણ તે સફળ રહી. સર્વત્ર હૃતિકનો જયજયકાર થયો. જેના જીવન પરથી આ ફિલ્મ બની છે એ બિહારીબાબુ આનંદ કુમારનો જયજયકાર થયો. વિકાસ બહલની ડિરેક્ટોરિઅલ ક્ષમતાનો પણ નવેસરથી જયજયકાર થયો. લોકોએ કહેવા માંડ્યું કે કે વિકાસ ભલે ઘોતિયાઢીલો રહ્યો, ભલે એનું કેરેક્ટર ઢીલું રહ્યું, ભલે ખુદ એના દોસ્તોએ એને સેક્સ્યુઅલ ઓફેન્ડરનું બિરુદ આપ્યું, પણ ફિલ્મમેકર તરીકે એ ખૂબ પ્રતિભાશાળી છે એની ના નહીં.   

ફરી ફરીને એ જ સવાલ ઊભો થાય છેઃ આર્ટિસ્ટને માત્ર એની ટેલેન્ટના જોરે મૂલવવો જોઈએ કે એના સમગ્ર વ્યક્તિત્ત્વના આધારે? આપણી નિસબત માત્ર કલાકારની કળા સાથે હોવી જોઈએ કે એ પોતાના અંગત જીવનમાં એ કંઈ કરતો હોય એ બધું પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ? અમુક માણસ બહુ સારો એક્ટર, ડિરેક્ટર, ગાયક, લેખક, ચિત્રકાર કે ખેલાડી હોય, પોતાની પ્રતિભા દ્વારા એ પ્રજાનું સફળતાપૂર્વક મનોરંજન કરી શકતો હોય તો એટલું પૂરતું નથી? ઉદાહરણ તરીકે રણવીર સિંહ અંગત જીવનમાં અતિ દુષ્ટ અને કજિયાખોર હોય તો એનાથી આપણને કશો ફરક પડે ખરો? એ જ રીતે વિરાટ કોહલી અંગત જીવનમાં ઇર્ષ્ળાળુ, ચિંગુસ કે અતિ ક્રોધી હોય તો ય શું ને ન હોય તો ય શું.               

રોમન પોલન્સ્કી નામના ફ્રેન્ચ-પોલિશ ફિલ્મમેકરે વિશ્વસિનેમાના ઇતિહાસમાં લેન્ડમાર્ક કહી શકાય એવી ફિલ્મો બનાવી છે. 1977માં અમેરિકામાં એમના પર 14 વર્ષની તરૂણી પર બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો. આ આરોપ એમણે સ્વીકાર્યો પણ ખરો. કોર્ટ સજા સુણાવે એ પહેલાં તેઓ દેશ છોડીને ફ્રાન્સ ભાગી ગયા, કેમ કે એમની પાસે ફ્રાન્સની નાગરિકતા હતી. પોલન્સ્કી પછી અમેરિકા પાછા ક્યારેય ગયા જ નહીં. શું આ અપરાધ અને બદનામીને કારણે રોમન પોલન્સ્કીની ફિલ્મમેકર તરીકેની કરીઅર ખતમ થઈ ગઈ? ના રે ના. અમેરિકાથી નાસી ગયા બાદ એમણે 14 ફિલ્મો બનાવી, જેમાં ધ પિયાનિસ્ટ (2002)નો સમાવેશ પણ થઈ ગયો. ધ પિયાનિસ્ટને બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એક્ટર અને બેસ્ટ અડેપ્ટેડ સ્ક્રીનપ્લેના ઓસ્કર અવોર્ડ સુધ્ધાં મળ્યા. એમના વિરુદ્ધ 42 વર્ષ પહેલાં થયેલો બળાત્કારનો કેસ અને સજાની સુનાવણી આજની તારીખે ય એમનાં એમ ઊભાં છે.

માણસની ક્રિયેટિવ સાઇડ અને સેક્સ્યુઅલ સાઇડ એકબીજા કરતાં તદ્દન ભિન્ન અને સ્વતંત્ર હોઈ શકે. હોય જ છે. માણસ ખુદ વિરોધાભાસોનું પૂતળું છે. સુપર થર્ટીઅને ક્વીનની જ વાત કરો. કેટલી સુંદર, આપણને પાનો ચડાવી દે એવી પ્રેરણાદાયી ફિલ્મો. વિકાસ બહલે ક્વીનમાં સ્ત્રી સશક્તિકરણની વાત કરી ને સુપર થર્ટીમાં ગમે તેવી કપરી પરિસ્થિતિમાંય હિંમત ન હારવાની, પોતાની કિસ્મત જાતે જ લખવાની વાત કરી. આવી ડાહી ડાહી ફિલ્મો બનાવનારો ડિરેક્ટર દારૂ પીને જુનિયર યુવતીઓના બેડરૂમમાં ઘૂસી જતો હોય ન કરવાનાં કૃત્યો કરતો હોય તો આપણે શું સમજવાનું? બહલબાબુ હવે સુધરી ગયા હશે કે કૂતરાની પૂંછડી હજુ ય વાંકી જ હશે તે આપણે જાણતા નથી. તો શું મી ટુ કાંડ ભૂલી જઈને સુપર થર્ટી જેવી મસ્તમજાની ફિલ્મ બનાવવા બદલ વિકાસ બહલને અભિનંદન આપવા? કે પછી, મિડીયા રિપોર્ટ્સના આધારે જે ચિત્ર ઊપસ્યું છે તેના આધારે વિકાસને જજ કરીને ગાળો આપતા રહેવી? ચોઇસ ઇઝ યોર્સ!  
        

0 0 0 



No comments:

Post a Comment