Wednesday, January 20, 2016

ટેક ઓફ : ગુજરાતી પુસ્તકોની દુનિયામાં લિટરરી એડિટરો કેમ નથી?

Sandesh - Ardh Saptahik Purti - 20 Jan 2016
ટેક ઓફ 
'લેખક કાચો નથી, એનાં લખાણમાં કયાંક કચાશ રહી ગઈ છે, જો આપણે નવી ટેલેન્ટને પ્રોત્સાહન નહીં આપીએ તો ભવિષ્યમાં ગંભીર પરિણામો આવી શકે. હાલ જે લેખકો લખે છે તે બધા ગુજરી જશે અને નવા લેખકો ઊભા જ નહીં થયા હોય તો આપણે છાપીશું શું?'


અખબાર અને મેગેઝિનની ઓફિસમાં અલગ અલગ એડિટરો હોય એ તો જાણે બરાબર છે પણ પુસ્તકોના એડિટર એટલે ? પ્રકાશકો પાસે લેખક બનવા માગતા ઉત્સાહીઓ પોતાનું લખાણ લઈને પહોંચી જતા હોય છે. લિટરરી એડિટર એટલે, સાદી ભાષામાં કહીએ તો, એવી વ્યક્તિ જે કાચી હસ્તપ્રતો કે પ્રિન્ટઆઉટ્સના ઢગલામાંથી સારાં-નરસાં લખાણ અલગ તારવે, જે છાપવા જેવાં લાગે તેને વારંવાર મઠારે, તેમાં વધુ ને વધુ નિખાર લાવવા માટે લેખક પાસે મહેનત કરાવે અને આ આખી પ્રક્રિયા પૂરી કર્યા પછી જ પુસ્તકને છપાવા માટે મોકલે. અંગ્રેજી પ્રકાશકો પાસે એડિટરોની આખી ફોજ હોય છે. પુસ્તક છપાવાના તબક્કે પહોંચે તે પહેલાં એડિટિંગનાં કેટલાંય રાઉન્ડ્સમાંથી પસાર થાય છે. એડિટિંગની પ્રોસેસને કારણે છપાઈને માર્કેટમાં મુકાતાં પુસ્તકોમાં સામાન્યપણે ગુણવત્તાનું એક મિનિમમ સ્તર જળવાઈ રહે છે. ભાષાની ચોખ્ખાઈ, જોડણી અને ફોર્મેટની દૃષ્ટિએ આ પુસ્તકો શિસ્તબદ્ધ લાગે છે.
તકલીફ થાય એવી વાત એ છે કે ગુજરાતી પ્રકાશનજગતમાં એડિટર નામની પ્રજાતિનું લગભગ અસ્તિત્વ જ નથી. ભાગ્યે જ કોઈક પ્રકાશકસંસ્થામાં કન્ટેન્ટ પર કામ કરવા માટે, લેખકો સાથે લખાણ સંબંધિત ચર્ચા કરવા માટે અલાયદી વ્યક્તિઓની નિમણૂક થાય છે. એડિટરો ન હોવાને લીધે ગુજરાતી પુસ્તકોનાં બજારમાં કાચાં, શિસ્તહીન, ચરબીથી લથપથ અને નકામાં પુસ્તકોના ગંજ ખડાકાતા રહે છે. જોડણી અને ભાષાશુદ્ધિની તો વાત ભૂલી જવાની. છાપાંમાં છપાતી કોલમના લેખોને ભેગા કરીને પુસ્તક બનાવી નાખવાનો આપણે ત્યાં ધમધોકાર ટ્રેન્ડ ચાલે છે. દર અઠવાડિયે લખાતા લેખ અને પુસ્તક સ્વરૂપ બહાર આવતાં લખાણની જરૂરિયાત, શિસ્ત અને અપીલ જુદાં છે. લેખોને સંગ્રહ પ્રગટ કરતાં પહેલાં એકની એક વાતનું વારે વારે થતું પુનરાવર્તન તેમજ બિનજરૂરી ચરબી કાઢી નાખવાનાં હોય, 'ગયા અઠવાડિયે આપણે જોયું કે...' પ્રકારની વાકયરચનાઓ દૂર કરી નાખવાની હોય,જરૂર પડે તો અલગ વિભાગો પાડીને વ્યવસ્થિત ફોર્મેટ કરવાનું હોય, પુસ્તકમાં એક ચોક્કસ રિધમ લાવવાની હોય.
આપણા આળસુ લેખકો છાપાનાં કટિંગ્સના થોકડા અપડેટ કર્યા વિના પ્રકાશકના માથે મારે છે ને પ્રકાશકો તે છાપી નાખે છે. ઘણા લેખકો તો 'વધારાની મહેનત કરવાની જ નહીં, હું તો છાપાંમાં જે છપાયું છે તેમાં એક અક્ષર પણ ફેરફાર કર્યા વગર બેઠું પુસ્તક બનાવી નાખુંં' એવું ગર્વથી કહેતા હોય છે. અશ્વિની ભટ્ટ ધારાવાહિક સ્વરૂપમાં છપાઈ ચૂકેલી તેમની નવલકથાઓને પુસ્તકનાં સ્વરૂપે બહાર પાડતાં પહેલાં એના પર નવેસરથી ખૂબ કામ કરતા, જરૂર લાગે તે પોર્શન રી-રાઇટ કરતા. સૌરભ શાહ એમનાં પુસ્તકોની પહેલી આવૃત્તિ તો ઠીક, નવી આવૃત્તિ થવાની હોય ત્યારે પણ નવેસરથી મઠારવામાં પુષ્કળ મહેનત કરતા હોય છે. આ પ્રકારનો એટિટયૂડ લેખનકળાને ગંભીરતાથી લેતા તમામ લેખકોએ અપનાવવા જેવો છે.
Maxwell Perkins

અંગ્રેજી સાહિત્યની દુનિયામાં લેખક, પ્રકાશક અને વિવેચકની સાથે સાથે લિટરરી એડિટરો પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આનું ઉત્તમ ઉદાહરણ મેક્સવેલ પર્કિન્સનું છે. લેખકોનાં જીવન પર અવારનવાર ફિલ્મો બનતી રહે છે પણ પહેલી વાર એવું બની રહ્યું છે કે એક લિટરરી એડિટરનાં જીવન પર હોલિવૂડના ટોચના કલાકારોને લઈને ફિલ્મ બની હોય. આ વર્ષે વિધિવત્ રિલીઝ થનારી જિનિયસ' નામની આ લિટ-ફિક(લિટરરી ફિક્શન)માં કોલિન ફર્થ, જુડ લો અને નિકોલ કિડમેન જેવા ટોચના કલાકારો છે. મેક્સવેલ પર્કિન્સ એ માણસ છે જેણે નોબલ પ્રાઇઝવિનર અર્નેસ્ટ હેમિંગ્વેની ટેલેન્ટ પારખીને એમની નવલકથાઓને નિખારી હતી,જેમણે થોમસ વોફ અને એફ. સ્કોટ ફિટ્ઝજેરલ્ડ જેવા મોટા ગજાના અમેરિકન લેખકોને સફળતાની ઊંચાઈ સુધી લઈ જવામાં મદદ કરી હતી.
હેમિંગ્વે, વોલ્ફે અને ફિટ્ઝજેરલ્ડ ત્રણેય નવલકથાઓ લખતા. માહિતીપ્રધાન અથવા નોનફિક્શન લખાણને મઠારવું એક વાત છે પણ કાબેલ, જેન્યુઇન અને સુસજ્જ એડિટર કોઈએ લખેલી નવલકથાને પણ નિખારી શકે છે. પર્કિન્સે(જન્મ : ૧૮૮૪, મૃત્યુ : ૧૯૪૭) કરિયરની શરૂઆત 'ધ ન્યૂયોર્ક ટાઇમ્સ' અખબારના રિપોર્ટર તરીકે કરી હતી, પછી ચાર્લ્સ સ્ક્રિબનર્સ સન્સ નામની પ્રતિષ્ઠિત પ્રકાશનસંસ્થામાં જોડાયા. એ વખતે ચાર્લ્સ સ્ક્રિબનર્સ સન્સ ઓલરેડી મોટા ગજાના લેખકોનાં પુસ્તકો પ્રકાશિત કરતા હતા. એક વાર પર્કિન્સ પાસે 'ધ રોમેન્ટિક ઇગોઇસ્ટ' નામની નવલકથાની હસ્તપ્રત આવી. કોલેજ પૂરી કરેલા બાવીસ વર્ષના એક છોકરડાએ આ નવલકથા લખી હતી. કંપનીના બીજા એડિટરોને આ નવલકથા જરાય નહોતી ગમી. તેમની નેગેટિવ કોમેન્ટ્સનું કાગળિયું પણ હસ્તપ્રત સાથે બીડેલું હતું. પર્કિન્સે ખુલ્લા દિમાગે વાંચવાનું શરૂ કર્યું. લેખનશૈલી અને કન્ટેન્ટમાં કયાંક કયાંક જે તાકાત વર્તાતી હતી તે જોઈને તેઓ ચકિત થઈ ગયા. તેમણે લેખકનો સંપર્ક કરીને કહ્યું : લખાણ સારુંં છે પણ આટલા ફેરફારો કરવાની જરૂર છે,જો તમને આ સૂચનો યોગ્ય લાગે તો એનો અમલ કરી અમને નવો ડ્રાફ્ટ મોકલી આપજો. એડિટોરિયલ ટીમના બીજા સભ્યોએ પર્કિન્સનો વિરોધ કર્યો : આવા કાચા લેખક પાછળ શા માટે સમય અને શક્તિ વેડફો છો ? પર્કિન્સે કહ્યુંું : લેખક કાચો નથી, એનાં લખાણમાં કયાંક કચાશ રહી ગઈ છે, જો આપણે નવી ટેલેન્ટને પ્રોત્સાહન નહીં આપીએ તો ભવિષ્યમાં ગંભીર પરિણામો આવી શકે. હાલ જે લેખકો લખે છે તે બધા ગુજરી જશે અને નવા લેખકો ઊભા જ નહીં થયા હોય તો આપણે છાપીશું શું ?
પેલો બાવીસ વર્ષનો છોકરડો એટલે એફ. સ્કોટ ફિટ્ઝજેરલ્ડ. પર્કિન્સે એક નહીં પણ બે વાર આખેઆખી નવલકથા ફરીથી લખાવી અને પછી ૧૯૨૦માં શીર્ષક બદલીને 'ધિસ સાઇડ ઓફ પેરેડાઇઝ' નામે છાપી. નવલકથા ખૂબ સફળ થઈ. ફિટ્ઝજેરલ્ડ પહેલા જ પુસ્તકથી સાહિત્યજગતના સ્ટાર બની ગયા. પાંચ વર્ષ પછી એમણે 'ધ ગે્રટ ગેટ્સબાય' નામની નવલકથા લખી, જે આજેય અમેરિકાની ઓલટાઇમ ગે્રટેસ્ટ નોવલ્સમાંની એક ગણાય છે. આ પુસ્તક પરથી હોલિવૂડમાં એક કરતાં વધારે ફિલ્મો બની ચૂકી છે.
Maxwell Perkins and Ernest Hemingway in January 1935

ફિટ્ઝજેરલ્ડે એક વાર પર્કિન્સને વાત કરી : મારો એક દોસ્તાર છે, અમેરિકન છે પણ પેરિસમાં રહે છે અને સરસ લખે છે. મને લાગે છે કે તમને એમાં રસ પડશે. એ છોકરાનું નામ હતું, અર્નેસ્ટ હેમિંગ્વે. પર્કિન્સે હેમિંગ્વેનો કોન્ટેક્ટ કર્યો, એનું લખાણ મગાવ્યું અને તેના પર મહેનત કરી. બે વર્ષ પછી પુસ્તક બહાર પાડયું - 'ધ સન ઓલ્સ રાઇઝિસ'(૧૯૨૬). નવલકથા ખૂબ વખણાઈ અને ફિટ્ઝજેરલ્ડની જેમ ૨૭ વર્ષના હેમિંગ્વેની પણ નામના થઈ ગઈ. આ જ હેમિંગ્વેએ આગળ જતાં સાહિત્યનું નોબલ પ્રાઇઝ જીત્યું. હેમિંગ્વેની મર્દાના શૈલીએ આપણા ચંદ્રકાંત બક્ષી સહિત દુનિયાભરના લેખકોને પ્રભાવિત કર્યા છે. પર્કિન્સ હેમિંગ્વેની કક્ષાના લેખકને કહી શકતા કે ભાઈ, ફલાણા ચેપ્ટરમાં તમે બહુ લાઉડ થઈ ગયા છો, તમારા લખાણને ત્યાં જરા ટોન-ડાઉન કરો તો કેવું !
થોમસ વોફનો કિસ્સો પણ સરસ છે. એમણે 'ઓ લોસ્ટ' નામની ૧,૧૧૪ પાનાંની તોતિંગ નવલકથા લખી હતી. કેટલાય પ્રકાશકો તે રિજેક્ટ કરી ચૂકયા હતા પણ પર્કિન્સે અને વોફે સાથે મળીને મહિનાઓ સુધી કામ કરીને પુસ્તક એડિટ કર્યું, ૯૦,૦૦૦ જેટલા શબ્દો ઓછા કર્યા અને નવલકથાનંુ આખું માળખું બદલી કાઢયું. આ પુસ્તક પછી 'લુક હોમવર્ડ, એન્જલ' ટાઇટલ સાથે ૧૯૨૯માં પ્રકાશિત થયું અને કલાસિક ગણાયું.
આવા ત્રણ ત્રણ જાયન્ટ લેખકો ઉપરાંત બીજા કેટલાય મોડર્ન અમેરિકન સર્જકોની પ્રતિભાને પારખીને, તરાશીને સાહિત્યજગતમાં પ્રવેશ કરાવનારા દીર્ઘદૃષ્ટા મેક્સવેલ પર્કિન્સની પ્રકાશનની દુનિયામાં કેટલી ધાક હશે તે સમજી શકાય એવું છે. અલબત્ત, પર્કિન્સે રાઇટર-એડિટરના સંબંધની ગરિમા અને મર્યાદા હંમેશાં જાળવી, તેઓ કહેતા, 'એડિટર પુસ્તકમાં કશુંય ઉમેરતો નથી, જે કંઈ કરે છે તે લેખક કરે છે. એડિટર બહુ બહુ તો લેખકનો પર્સનલ આસિસ્ટન્ટ બની શકે, આથી એડિટરોએ કયારેય ખોટા ભ્રમમાં ન રહેવું અને ખુદને વધુ પડતું મહત્ત્વ ન આપવું. એડિટર માત્ર લેખકની ક્રિયેટિવ ઊર્જાને દિશા આપી શકે છે. એ ખુદ કશુંય સર્જન કરતો નથી.'
લેખકો સાથે પર્કિન્સની વ્યકિતગત સ્તરે દોસ્તી હતી. તેઓ સાથે ફિશિંગ કરતા, ખાણીપીણી કરતા, બહારગામ ફરવા જતા.ફિટ્ઝજેરલ્ડ એક વાર નાણાભીડમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પર્કિન્સે આર્થિક મદદ કરીને તેમનો સમય સાચવી લીધો હતો. હેમિંગ્વે પોતાનાં અંગત જીવનમાં થઈ રહેલી ઊથલપાથલ વિશે પર્કિન્સ સાથે વાતો કરી દિલનો બોજ હળવો કરી શકતા. લેખકો સાથેનો એનો પત્રવ્યવહાર 'એડિટર ટુ ઓથર' નામનાં પુસ્તકમાં સંગ્રહ પામ્યો છે.
અંગ્રેજી સાહિત્યજગતમાં મેક્સવેલ પર્કિન્સ જેવા દીર્ઘદષ્ટિ અને અંતઃસ્ફૂરણાવાળો ક્રિયેટિવ એડિટર પાકયો નથી. તેમની એક સલાહ ઊભરતા લેખકોએ ધ્યાનથી સાંભળવા જેવી છે : 'નવલકથા લખતી વખતે કયારેક હતાશાની લાગણી જાગવી એ કંઈ ખરાબ વસ્તુ નથી. તમને લાગતું હોય કે મજા આવતી નથી, લખાણમાં જોઈએ એવી જમાવટ થતી નથી, તો સમજી લો કે આ લાગણી મહાન લેખકોને પણ જાગતી હોય છે. આજ સુધીમાં મેં એક પણ એવો ઉત્તમ નવલકથાકારને જોયો નથી જે કોઈક ને કોઈક તબક્કે નાહિંમત ન થઈ ગયો હોય, આથી હતાશાને તો ઊલટાનું સારુંં લક્ષણ ગણ્યું છે.'
ગુજરાતી પ્રકાશકો પાસે કાબેલ એડિટરોની વ્યવસ્થિત ટીમ કામ કરતી હોય તેવું સપનું જોવું જોઈએ ? 
0 0 0 

Saturday, January 16, 2016

મલ્ટિપ્લેક્સ : 'ફિલ્મની સ્ક્રિપ્ટ લખવી મેરેથોન દોડવા બરાબર છે'

Sandesh - Sanskaar Purti - 17 January 2016
મલ્ટિપ્લેક્સ 
માણસ પોતાનું શ્રેષ્ઠતમ કામ જીવનનાં કયા દશકામાં કરી નાખતો હોય છે? જાવેદ અખ્તરે સલીમસાહેબ સાથે જોડી બનાવીને 'ઝંજીર', 'શોલે' અને 'દીવાર' જેવી સીમાચિહ્ન બની ગયેલી  ફિલ્માે લખી ત્યારે પૂરા ત્રીસ વર્ષના પણ નહોતા.

જાવેદ અખ્તરે સલીમસાહેબ સાથે દંતકથારુપ જોડી બનાવીને'ઝંજીર', 'શોલે' અને 'દીવાર' જેવી સીમાચિહ્ન બની ગયેલી ફિલ્મો લખી હતી ત્યારે પૂરા ત્રીસ વર્ષના પણ નહોતા થયા. સલીમ ખાન એમના કરતાં દસ વર્ષ મોટા. આજે જાવેદ અખ્તરનો બર્થડે છે. આજે તેઓ ૭૦ પૂરા કરી ૭૧મા વર્ષમાં પ્રવેશ્યા. જાવેદસાહેબ જેટલું સરસ લખે છે એટલું સરસ બોલે પણ છે. એમના ઈન્ટરવ્યુઝ વાંચવાનો કે જોવાનો હંમેશાં જલસો પડે છે. જુદી જુદી મુલાકાતોમાંથી લેવાયેલા આ અંશોમાંથી એમના સર્જક મિજાજની મસ્તમજાની ઝાંખી મળે છે. ઓવર ટુ જાવેદસાહેબ....
           ફિલ્મની સ્ક્રિપ્ટ લખવી મેરેથોન દોડવા બરાબર છે. જો તમારે ભરપૂર ડિટેલિંગ સાથેનો સ્ક્રીનપ્લે લખવો હોય તો પણ રોજની આઠથી દસ કલાકના હિસાબે એક મહિનો લાગી જ જાય. સ્ક્રિપ્ટ કરતાંય ડાયલોગ વર્ઝન લખવાનું કામ વધારે થકવી નાખે એવું છે.
          જો સ્ક્રિપ્ટ લખવાનું કામ મેરેથોન દોડવા બરાબર હોય તો ફિલ્મી ગીત લખવાની પ્રક્રિયા ૧૦૦ યાર્ડ્સની રેસ જેવી છે. ટયુન કોમ્પિલીકેટેડ હોય કે દરેક કડીમાં મીટર બદલતા હોય તો આવું ગીત લખવું સમય માગી લે. સમજોને કે એક-બે કલાક તો થઈ જાય. કેમ? એક-બે કલાક ઓછા લાગ્યા? શબાનાએ મારાં પુસ્તકની એક પ્રસ્તાવનામાં લખ્યું છે કે જો પ્રોડયુસરોને ખબર પડી જાય કે જાવેદ કેટલી ઝડપથી અને કેટલી આસાનીથી ગીતો લખી નાખે છે તો પૈસા આપવાનું જ બંધ કરી દે. આને કહેવાય ઘર કા ભેદી લંકા ઢાયે. થેન્કયુ શબાના, વટાણા વેરી દેવા બદલ!
          ઘણા લોકો પૂછતા હોય છે કે તમને લખવાની પ્રેરણા શામાંથી મળે છે? મારો જવાબ હોય છે, ટેરર, ભય! ડેડલાઈન સાવ સામેે આવી જાય, લખ્યા વગર છટકી શકાય એમ હોય જ નહીં ત્યારે જે ભયંકર ભય અને ફફડાટ પેદા થાય છે એમાંથી જ બધું પેદા થાય છે. મારું દિમાગ ડેડલાઈનનો ફફડાટ અને ભય હોય ત્યારે જ ચાલે છે.
          'એક લડકી કો દેખા તો ઐસા લગા'ની પહેલી કડી મેં આર.ડી. બર્મનના મ્યુઝિક રુમમાં લખી હતી. મેં બર્મનદાને કાગળ આપ્યો, બર્મનદાએ લખાણ પર એક નજર ફેંકી અને પછી એક પણ ફુલસ્ટોપ કે કોમા બદલાવ્યા વગર બીજી જ સેકન્ડે ગીત ગાવા લાગ્યા. આ એ જ ગીત હતું જે બેઠ્ઠું ફિલ્મમાં લેવાયું. આ ગીતની ટયુન બનાવતા પંચમને ફકત અડધી અથવા બહુ બહુ તો એક સેકન્ડ લાગી હતી. પણ આમાં કશું નવું નહોતું. પંચમને આટલી ત્વરાથી ટયુન બનાવતા મેં અગાઉ કેટલીય વાર જોયા હતા. ધેટ મેન વોઝ અ જિનીયસ. આખું ગીત લખાઈ ગયું પછી એવી ચર્ચા ચાલી કે ગીતમાં રેગ્યુલર અંતરો તો છે જ નહીં, આખું ગીત એક ટયુનમાં ચાલ્યા કરે છે. એ વખતે પંચમદાએ કહૃાું કે નહીં, જે છે એ બરાબર છે. આ જ મહાન કલાકારની નિશાની છે. ઊંચા ગજાના કલાકારને ખબર હોય છે કે કેટલું પૂરતું છે. પોતાની કળાને બરાબર સમજતો હોય અને પોતાની જાત પર ભરપૂર કોન્ફિડન્સ હોય એવો કલાકાર જ મિનિમલ (એટલે કે જબરદસ્ત ચોકસાઈવાળું પણ જરુર પૂરતું) કામ કરી શકે છે. અસલામતી અને અનિશ્ચિતતા અનુભવતો કલાકાર અલગ અલગ વર્ઝનો બનાવવામાં ટાઈમ બગાડયા કરશે.

           ફિલ્મમાં ગીતો યોગ્ય જગ્યાએ મૂકાયાં હોય તે ખૂબ મહત્ત્વનું છે. ઊભરતા ફિલ્મલેખકોને એક ટિપ આપવા માગું છું. ફિલ્મમાં ગીત મૂકવાનું પરફેકટ ઠેકાણું છે, ઈન્ટરવલ પછી તરત, ત્રીજી-ચોથી મિનિટે. આઈ પ્રોમીસ યુ, ગીત નબળું હશે તો પણ કોઈ (પેશાબ-પાણી કરવા, સિગારેટ પીવા, મસાલો થૂંકવા) ઊભું નહીં થાય કેમ કે બધાં હમણાં જ પતાવીને બેઠા છે!
            લોકો મને અને સલીમસાહેબને અહંકારી ગણતા. આઈ થિંક, ઈટ વોઝ અન એરોગન્સ ઓફ કલેરિટી. તમારાં મનમાં તમારાં કામ વિશે, તમે જે વાર્તા-ડાયલોગ્ઝ લખ્યાં છે તેના વિશે, તમે રચેલાં પાત્રો વિશે પૂરેપૂરી માનસિક સ્પષ્ટતા હોય ત્યારે બીજાઓની દલીલો કે ભિન્ન મત સાંભળવા જેટલી તમારામાં ઘીરજ ન હોય, તેવું બને. સૌથી પહેલાં તો, મેં અને જાવેદસાહેબે ઓલરેડી ખૂબ બધી ચર્ચા અને દલીલો કરી લીધા પછી જ વસ્તુને કાગળ પર ઉતારી હોય. આથી કોઈ નવેસરથી ચર્ચા છેડવાની કોશિશ કરે ત્યારે શકય છે કે અમે અનુકૂળ રિસ્પોન્સ આપવાને બદલે અમારા મુદ્દાને વળગી રહેતા હોઈએ. આવા વર્તાવને લીધે અમારી ઘમંડી હોવાની છાપ પડી હોય એવું બને, પણ તુમાખી અને એરોગન્સ-ઓફ-કલેરિટી આ બન્ને બહુ અલગ બાબતો છે.
            લખતી વખતે હું કઈ જગ્યાએ કયો શબ્દ વાપરવો તે કેવી રીતે નક્કી કરું છું, એમ? શંુ કોઈએ સચિન તેંડુલકરને કયારેય પૂછ્યું છે કે ૯૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી બોલિંગ થઈ રહૃાું હોય ત્યારે બોલને કઈ ટેકિનકથી ફટકારો તે તું કેવી રીતે નક્કી કરે છે?   
           ચાર સુપરડુપર હિટ ફિલ્મો પછી હું અને સલીમસાહેબ નવ મહિના સુધી કામ વગર બેસી રહૃાા હતા. અમે નક્કી કર્યું હતું કે બે લાખ રુપિયા કરતાં ઓછું મહેનતાણું તો નહીં જ લઈએ. એ જમાનામાં લેખક બે લાખ માગે એટલે આજનો રાઈટર એક ફિલ્મ લખવાના વીસ કરોડ માગતો હોય તેવું લાગે. 'શોલે' માટે અમિતાભ બચ્ચનને પણ બે લાખ નહોતા મળ્યા. અમે ફિલ્મો જતી કરી, પણ બે લાખથી ઓછામાં કામ કરવા તૈયાર ન જ થયા. આખરે અમને અમારી પ્રાઈસ મળી જ. તે પછીની ફિલ્મ માટે અમે પાંચ લાખ ચાર્જ કર્યા અને તેનીય પછીની ફિલ્મ માટે સીધા દસ લાખ.
            જાવેદસાબથી છૂટા પડયા પછી મેં ફિલ્મોની સ્ક્રિપ્ટ્સ કરતાં ગીતો લખવા પર વધારે ધ્યાન આપ્યું, કેમ કે આ કામ મને સંતોષકારક અને અનુકૂળ લાગતું હતું. એક તો, ગીત ફટાફટ લખાઈ જાય, રેકોર્ડ થઈ જાય અને તરત તમને વાહવાહી મળી જાય. ફિલ્મની સ્ક્રિપ્ટ લખતા હો તો વાહવાહી ઊઘરાવવા માટે બે વર્ષ સુધી રાહ જોવી પડે. સ્ક્રિપ્ટ કરતાં ગીતો લખવામાં પ્રશંસાનું પેમેન્ટ બહુ જલદી થઈ જાય છે! વળી, હું બહુ આળસુ માણસ છું. પીઠમાં દુખાવો પણ રહે છે એટલે મારી પાસે વધારે કામ ન કરવાનું વ્યાજબી બહાનું પણ છે, યુ સી!
            જે ઉંમરે લોકો કવિતા લખવાનું બંધ કરે છે તે ઉંમરે મેં કવિતા લખવાનું શરુ કરેલું.
            ડોકયુમેન્ટરી સમાજનું પ્રતિબિંબ ઝીલે છે તે રીતે સિનેમા સમાજનું પ્રતિબિંબ ઝીલતું નથી. સિનેમાનું કામ સમાજનો અહેવાલ આપવાનો નથી. સિનેમા સમાજનાં સપનાં અને મહત્ત્વાકાંક્ષાઓનું પ્રતિબિંબ ઝીલે છે. પડદા પર દેખાતી દુનિયા જેવાં સપનાં જોતો સમાજ કેવો હશે, એનો અંદાજ તમે ફિલ્મો પરથી લગાવી શકો.
            હા, મને 'કુછ કુછ હોતા હૈ' ટાઈટલ વલ્ગર લાગ્યું હતું એટલે મેં તેનાં ગીતો લખવાનું માંડી વાળ્યું હતું. આજે મને અફસોસ છે કે આવી સરસ અને સુપરહિટ ફિલ્મ મેં શા માટે છોડી દીધી, કારણ કે મારા સિવાય કોઈને ટાઈટલમાં અશ્લીલતા ન દેખાઈ! ખેર, યુ વિન સમ, યુ લુઝ સમ. કુછ તો ઉસૂલ રખના ચાહિએ. ફાયદા-નુકસાન તો હોતા રહતા હૈ.

          લોકો ચેઈન-સ્મોકર હોય છે તેમ હું ચેઈન-રીડર હતો. મારી પાસે કાયમ કમસે કમ એક ચોપડી તો હોય જ. લોકલ ટ્રેનમાં મહાલક્ષ્મી સ્ટેશન જવાનું હોય તો આખા રસ્તે હું વાંચતો હોઉં. સ્ટેશને ઉતર્યા પછી ઓછા ટ્રાફિકવાળા રસ્તે જો ચાલતા ચાલતા વાંચી શકાતું હોય તો એમ પણ કરું, નહીં તો કામના સ્થળે જરાક અમથો ટાઈમ મળે કે તરત ચોપડી લઈને બેસી જાઉં. તે વખતે હું થર્ડ આસિસ્ટન્ટ ડિરેકટર કે કલેપર બોય તરીકે કામ કરતો. જેવી ચોપડી પૂરી થાય કે બીજી જ મિનિટે થેલામાંથી નવી ચોપડી કાઢીને વાંચવાનું શરુ કરી દઉં. વાંચન બહુ કામ આવે છે. પુસ્તકમાં રમમાણ થઈ જવાથી હું ભૂલી જતો કે કાલથી મારા પેટમાં અન્નનો એક દાણો સુધ્ધાં પડયો નથી.
         ઘટના અને અનુભવ બન્ને જુદી વસ્તુઓ છે. ઘટનાને અનુભવમાં પરિવર્તિત થતાં થોડો સમય લાગે છે. તમારી સાથે કશુંક બને અથવા તમે કશુંક જુઓ તો તમે તેનો અહેવાલ આપી શકો. એ હજુ તમારો 'અનુભવ' બન્યો નથી, કેમ કે તમે હજુ સુધી'ઘટના'ની અંદર જ છો. સમય વીતે એટલે ઘટના અને તમારી વચ્ચે એક અંતર પેદા થાય અને તે પછી જ તમે ઘટનાને તટસ્થતાથી નિહાળી શકો, એનેલાઈઝ કરી શકો. 'ભૂખ' નામની કવિતા લખી ત્યારે હું પોશ બંગલામાં રહેતો હતો, પણ આ કવિતા હું એટલા માટે લખી શકયો કે ભૂખ અને મુફલિસીમાંથી હું ભૂતકાળમાં પસાર થઈ ચુકયો હતો. વર્ષો બાદ તમે અતીતમાં બની ગયેલી ઘટનાઓ તરફ નજર માંડો છો ત્યારે તમને ઘટનાનો આખો આકાર દેખાય છે, સમજાય છે. તમે તે ઘટનાની એકએક રેખાને નવા પ્રકાશમાં જોઈ શકો છો.
         સંતાનો તમે જે કહો છો તે કરતાં નથી, પણ તમે જે કરો છો તે કરે છે. મારાં બન્ને સંતાનો ફરહાન અને ઝોયાએ નાનપણથી મને અને એમની મા હનીને પુસ્તકો વચ્ચે ઘેરાયેલાં અને વાંચતાં જોયાં છે એટલે તેમને પણ સહજપણે વાંચનનો શોખ લાગ્યો. મારે કબૂલવું પડશે કે એ બન્ને પોતપોતાની ફિલ્મોમાં ખૂબ બિઝી હોય છે તોય આજની તારીખે મારા કરતાં વધારે વાંચે છે.
શો-સ્ટોપર

પૈસે હાં બોલને કે નહીં મિલતે હૈ, પૈસે ના બોલને કે મિલતે હૈ.
- સલીમ ખાન (પ્રોડયુસરો સાથે ફી નગોશિએટ કરવા વિશે)

Wednesday, January 13, 2016

ટેક ઓફ : વેદના... આવ તું, પેટાવ તું, ઝળહળ બનાવી દે મને

Sandesh - Ardh Saptahik Purti - 6 January 2016
ટેક ઓફ

વેદના વરસવાનું એક બહુ મોટું કારણ શું એ નથી હોતું કે આપણા ખુદનાં સાચુકલા સ્વરૂપથી, આપણી ઓથેન્ટિક સેલ્ફથી આપણે દૂર થઈ ગયા હોઈએ છીએ ? જીવનની એક મહત્ત્વની ગતિ,મહત્ત્વનું કર્તવ્ય જ આ છે - ખુદની ઓથેન્ટિક સેલ્ફ સાથે એકરૂપ થઈને રહેવાનું. ધારો કે પૂરેપૂરા એકરૂપ ન થઈ શકાય તો તેનાથી બને તેટલા નિકટ રહેવાની કોશિશ કરવી જોઈએ. વેદનાની ભીષણ ક્ષણો વચ્ચે એક જ શબ્દ દીવાદાંડી જેવો બની રહે છે - ખુદવફાઈ. 


નવા વર્ષની શુભ શરૂઆત કરવા માટે આપણી ભાષાના શ્રેષ્ઠોત્તમ કવિ સિતાંશુ યશશ્ચંદ્રની કવિતા કરતાં બહેતર બીજું શું હોઈ શકે. સામાન્યપણે સિતાંશુ યશશ્ચંદ્ર 'અઘરા' કવિ ગણાય છે પણ આજે જે કૃતિ વિશે વાત કરવી છે તે જરાય કઠિન નથી. એમના લેટેસ્ટ કાવ્યસંગ્રહ 'વખાર'માં સ્થાન પામેલી આ કવિતા એક રીતે પ્રાર્થનાની ગરજ સારે એવી છે. કવિતા ઈશ્વરને નહીં પણ વેદનાને ઉદ્દેશી લખાયેલી છે. એ વેદના જે આપણા માંહ્યલામાં ટીપે ટીપે જમા થઈ છે અથવા એક જ કારમાં સંઘાત સાથે પેદા થઈ ગઈ છે.
કવિ કહે છે :
વેદના, તું અંધ ના કર. વેદના, તું નેત્ર દે.
કોડિયાં ધારી લીધાં બત્રીસ કોઠે, લે હવે,
આવ તું, પેટાવ તું, ઝળહળ બનાવી દે મને.
તેજમાં સુખચેનની ચીજો જ દીઠી ચારેગમ,
તું બતાવે તો મને દેખાય અજવાળાં સ્વયમ્.
ભીંત ગાયબ થાય ચિત્રે, એવું ભીતીચિત્ર દે.
દુઃખ માણસને દિશાહીન બનાવવાની ચેષ્ટા કરે છે. દુઃખના ભારથી બેવડા વળી ગયેલા માણસને શું કરવું ને શું ન કરવું તે સમજાશે નહીં. કયાં જવું, કોની મદદ લેવી તે સૂઝશે નહીં. આવી સ્થિતિમાં કાં તો મૂઢ થઈ જવાય, નિષ્ક્રિય બની જવાય અથવા શકય છે કે ખોટું પગલું ભરાઈ જાય. કવિ કહે છે કે વેદના, તું ભલે આવ, તારુંં સ્વાગત છે, પણ મહેરબાની કરીને મારી આંખો પર બાંધવાની પટ્ટી સાથે ન લાવતી. તું મારી આંખો બંધ કરવાનું નહીં, ખોલવાનું કામ કરજે.
વેદનાનાં આગમન પાછળ કશુંક પ્રયોજન જરૂર હોવાનું. એ જરૂર વિશેષ સંકેતો લઈને આવ્યું હશે. આ પ્રયોજન અને સંકેતો તો જ દેખાશે જો દુઃખ પોતાની સાથે પ્રકાશ પણ લેતું આવે. નવાં સત્યોનો પ્રકાશ. કવિ તો વેદનાને ત્યાં સુધી કહે છે કે તારી જ્યોતથી મને આખોને આખો દીવાની જેમ ઝળહળ પેટાવ. અત્યાર સુધી સુખના ઉજાસમાં ઘણું જોયું, હવે તારા પ્રકાશમાં મારે નવાં સત્યો જોવાં છે.
રવીન્દ્રનાથ ટાગોરે એક જગ્યાએ લખ્યું છે, 'ઈશ્વર જો તને વેદના આપે તો પોતાના દોષથી તે વેદનાને વ્યર્થ બનાવીશ નહીં - તેને સફળ કરવા માટે હ્ય્દય-મનને પૂરેપૂરાં તૈયાર કરીને જાગ્રત થજે. મનમાં કહેજે : હું દુર્બળ નથી, કહેજે કે હું હાર નહીં સ્વીકારુંં. કહેજે કે મારાં ક્ષણિક જીવનની પાછળ અનંત જીવનની પૂંજી રહેલી છે. આ જીવનની બધીય જાળજંજાળ એકેએક છેદાઈ જવાની છે, પરંતુ પેલી પૂંજી કદી ખૂટી જવાની નથી. તે સૂર્યના પ્રકાશની પેઠે અક્ષય છે. ઈશ્વરે તારી અંદર જે મહિમાનું સ્થાન કરેલું છે, તેને સંપૂણપણે જો. પોતાની જાતને દીન-દુર્બળ કહીને, ક્ષૂદ્ર કહીને અપમાન કરીશ નહીં, કારણ, એ વાત સાચી છે જ નહીં. તારા અંતરાત્મામાં વિજયલક્ષ્મી બિરાજેલાં છે.'


કુન્દનિકા કાપડિયાએ એક નવલકથા લખી છે - 'પરોઢ થતાં પહેલાં'. બહુ જ સુંદર પણ ખાસ્સી અંડર-રેટેડ કૃતિ છે આ. તેમાં એક જગ્યાએ કુન્દનિકાજીએ લખ્યું છે :
'દુઃખનું પ્રયોજન શું છે ? દુઃખ કદાચ માણસને તેના સાચા સ્વરૂપની પિછાણ આપવા આવે છે પણ દુઃખથી ભય પામીને માણસ ઝટ તેનાથી છૂટવાનો પ્રયત્ન કરે છે અને તેથી દુઃખનું આવવું સાર્થક થતું નથી, તેથી જ તે ફરી ફરીને આવ્યા કરે છે. દુઃખમાંથી નાસી છૂટવાને બદલે એના ઘોર એકાંતની વચ્ચે બેસીને માણસ પોતાની ગાઢ અતલ એકલતામાં પોતાના સ્વરૂપનો સાચો પરિચય મેળવી લે તો પછી દુઃખની કામગીરી પૂરી થાય, તો તે ફરી ફરી દ્વારે આવીને ઊભું ન રહે... કદાચ.'
આ જ નવલકથામાં બીજી એક જગ્યાએ કહેવાયું છે :
'જીવન કોઈ બિંદુએ, કોઈ આઘાતે અટકી પડવું ન જોઈએ. તેનું ઝરણ નિરંતર વહેતું રહેવું જોઈએ. ગમે તેવું દઃુખ હોય, તેની ગાંઠમાં હ્ય્દયને કુંઠિત બનવા દીધા સિવાય જીવન જીવી શકાય છે તો દુઃખ પણ જીવનનું એક સૌંદર્ય બની રહે.'
આઘાત પામીને કુંઠિત થઈ જવું એટલે દુઃખના કારાવાસમાં કેદ થઈ જવું. આ સ્થિતિ ટાળવાની હોય. દઃુખમાં ઊભા રહી જવાને બદલે આગળ વધી જવાનું હોય, તેથી જ સિતાંશુ યશશ્ચંદ્ર વેદનાને
કહે છે :
તું ન કારાવાસ થા, થા એક અણધાર્યો પ્રવાસ,
કયાં જવું, કયાં થઈ જવું, કે કઈ રીતે - નક્કી ન ખાસ.
એટલું નિશ્ચિત કે જ્યાં છું ત્યાં નથી રહેવું હવે,
થીજવ ના, પીગળાવ તું, મારે સભર વહેવું હવે,
કોઈ સાવ અજાણ જણ પર એક ભલામણપત્ર દે.
કોણ હોઈ શકે આ અજાણ જણ ? ઈશ્વર કદાચ ? આપણી ઓથેન્ટિક સેલ્ફ ? વેદના વરસવાનું એક બહુ મોટું કારણ શું એ નથી હોતું કે આપણા ખુદનાં સાચુકલા સ્વરૂપથી, આપણી ઓથેન્ટિક સેલ્ફથી આપણે દૂર થઈ ગયા હોઈએ છીએ ? જીવનની એક મહત્ત્વની ગતિ,મહત્ત્વનું કર્તવ્ય જ આ છે - ખુદની ઓથેન્ટિક સેલ્ફ સાથે એકરૂપ થઈને રહેવાનું. ધારો કે પૂરેપૂરા એકરૂપ ન થઈ શકાય તો તેનાથી બને તેટલા નિકટ રહેવાની કોશિશ કરવી જોઈએ. વેદનાની ભીષણ ક્ષણો વચ્ચે એક જ શબ્દ દીવાદાંડી જેવો બની રહે છે - ખુદવફાઈ. પોતાની જાત પ્રત્યે વફાદાર રહેવું તે આપણી સૌથી પહેલી ફરજ છે, જો ખુદવફાઈ એની જગ્યા પર સ્થિર હશે તો જીવનનાં બાકીનાં બધાં સમીકરણો વહેલાં-મોડાં સચવાઈ જશે.
સિતાંશુ યશશ્ચંદ્ર અંતે લખે છે :
તો પછી પહોંચાડ, પીડા, ભાનના એવા સીમાડે,
તે પછી કોઈ સીમાડો કયાંય તે આવે ન આડે.
ને વતન થઈ જાય મારુંં સૃષ્ટિનું સહુ પરગણું,
દઈ શકે તો દે મને એક જ્ઞાાનીનું પાગલપણું.
અગન પંપાળી શકે એવો પ્રસન્ન કરાગ્ર દે.
કવિ જે સીમાડાની વાત કરે છે તે શું આ જ છે - ખુદવફાઈનો ઈલાકો ? કદાચ. એકવાર ખુદવફાઈનાં વર્તુળમાં પહોંચી ગયા પછી બીજા કોઈ સીમાડા આડા આવતા નથી. વેદના જાણે કોઈ સામર્થ્યવાન દેવીનું સ્વરૂપ હોય તે રીતે કવિ તેની પાસેથી જ્ઞાાની માણસનું ધૂનીપણું માગે છે, ભરપૂર પ્રસન્નતા સાથે આગ-ખેલ કરી શકાય એવી ક્ષમતા પણ માગી લે છે.
તો આ નવા વર્ષે સંકલ્પ કરીએ કે વેદનાથી ભાગીશું નહીં. બે હાથ પહોળા કરીને એને આવકારીશું. આનું આવવાનું પ્રયોજન શું છે તે જાણવાની કોશિશ કરીશું. વેદના જે સંદેશો લાવી છે તે કાન માંડીને સાંભળીશું, તેનો મર્મ સમજીશું અને પછી તે અનુસાર આપણાં વર્તન-વ્યવહારમાં - આંતરિક અને બાહ્ય એમ બંને સ્તરે - જ્યાં જરૂર લાગે ત્યાં પરિવર્તન લાવીશું.
0 0 0  

Saturday, January 9, 2016

મલ્ટિપ્લેક્સ : નાના પાટેકર : નઠારા, જોખમી અને ડેન્જરસ નટસમ્રાટ!

Sandesh - Sanskaar Purti - 10 January 2016
મલ્ટિપ્લેક્સ 
સંજય ભણસાળીએ કહેલું કે 'ખામોશી'નાં શૂટિંગ દરમિયાન નાના પાટેકરે મને એટલો બધો હેરાન કર્યો હતો કે ફિલ્મ બનાવવાની આખી મજા મરી ગઈ હતી. 'પરિંદા'નું શૂટિંગ ચાલતું હતું ત્યારે ડિરેક્ટર વિધુ વિનોદ ચોપડા સાથે એમની છુટ્ટા હાથની મારામારી થઈ ગઈ હતી. સ્વભાવની વિચિત્રતાઓ એક વાત થઈ પણ એક એક્ટર તરીકે નાના પાટેકર ઓડિયન્સને જલસો કરાવે છે એવું એમના દુશ્મનોએ પણ જખ મારીને સ્વીકારવું પડે છે. 

વર્ષના પ્રારંભમાં જ ધ્યાન ખેંચે એવી ઘટના એ બની છે કે નાના પાટેકરની મરાઠી ફિલ્મ 'નટસમ્રાટ' મહારાષ્ટ્ર જ નહીં, ગુજરાતનાં પસંદગીનાં થિયેટરોમાં પણ ધૂમ મચાવી રહી છે. મરાઠી કલાજગતમાં એવી છાપ છે કે જે એક્ટર 'નટસમ્રાટ'નો લીડ રોલ કરે - પછી તે નાટક હોય કે ફિલ્મ - તો તેના પર સંપૂર્ણ અદાકારનો આઈએસઆઈનો માર્કો આપોઆપ લાગી જાય. 'નટસમ્રાટ' જોઈને અમિતાભ બચ્ચન જેવા સિનિયર સુદ્ધાંએ ભરપૂર વખાણ કર્યાં તેથી નાના પાટેકર રાજીના રેડ છે. ફિલ્મ રંગભૂમિના એક સુપરસ્ટારનાં જીવનની ચડતી-પડતી વિશે છે. ફિલ્મ તમને 'બાગબાન' અને 'અવતાર'ની યાદ અપાવશે. મસ્ત રડકુ ફિલ્મ છે એટલે ટિસ્યૂપેપરનું આખું બોક્સ સાથે રાખજો. આજ સુધી એક પણ મરાઠી ફિલ્મ થિયેટરમાં જોઈ ન હોય તેવા દર્શકોએ 'નટસમ્રાટ'થી શરૂઆત કરવા જેવી છે. મરાઠી ભાષા જરાય નહીં આવડતી હોય તો પણ ફિલ્મ માણી શકશો, વળી અંગ્રેજી સબટાઇટલ્સની સુવિધા તો છે જ. 
૬૫ વર્ષીય નાના પાટેકર આ ફિલ્મના ૩૫ ટકા પ્રોડયુસર પણ છે. ફિલ્મનાં પ્રમોશન દરમિયાન એક જગ્યાએ એમણે કહેલું કે, 'નટસમ્રાટ' જોતી વખતે તમારે સબટાઇટલ્સ વાંચવાની પણ જરૂર નથી. કમસે કમ પહેલી વાર જુઓ ત્યારે તો નહીં જ, સિનેમાની કોઈ ભાષા હોતી નથી. સંગીતની જેમ." પાટેકર કદાચ બિન-મરાઠીઓને એમ કહેવા માગતા હતા કે ફિલ્મ બની શકે તો બે વાર જોજો. પહેલી વાર ફકત મારો અભિનય ફોકસ કરજો અને બીજી વાર જરૂર પડે તો સબટાઇટલ્સ પર ! ઉપેન્દ્ર ત્રિવેદીનાં યાદગાર નાટક 'અભિનયસમ્રાટ' અને મહેશ માંજરેકરે ડિરેક્ટ કરેલી આ 'નટસમ્રાટ' વચ્ચે એકસરખાં લાગતાં ટાઇટલ સિવાય બીજો કોઈ સંબંધ નથી. બંને જુદા જુદા મરાઠી લેખકો દ્વારા લખાયેલી બિલકુલ અલગ કૃતિઓ પર આધારિત છે.
'નટસમ્રાટ'ના નાયકની જેમ નાના પાટેકરનું અસલી જીવન પણ ડ્રામા અને મેલોડ્રામાંથી ભરપૂર છે. ટિપિકલ બોલિવૂડ એક્ટરો કરતાં નાના પાટકેરનું વ્યક્તિત્વ અને તાસીર ખાસ્સાં જુદાં છે. કેટલાંય વર્ષ પહેલાં મહારાષ્ટ્ર સરકારના કલાકારો માટેના ક્વોટામાંથી તેમણે સસ્તામાં - ફકત ૧.૧ લાખ રૂપિયામાં - અંધેરીસ્થિત લોખંડવાલા કોમ્પ્લેક્સમાં સાડાસાતસો સ્ક્વેરફૂટનો ફ્લેટ ખરીદ્યો હતો. આજની તારીખે પણ નાના એ જ વન બેડરૂમ-હોલ-કિચનના ફ્લેટમાં રહે છે. ગણેશોત્સવના દશ દિવસો દરમિયાન તો તેઓ માટુંગાની ચાલીમાં આવેલા એક રૂમ-રસોડાનાં ઘરમાં જ પરિવાર સાથે હોય છે. હા, અલીબાગ પાસે આવેલાં એમના વતન મરુડ જંજિરામાં, પુનામાં અને ગોવામાં પણ ઘર ખરીદ્યાં છે ખરાં. એમનું પોતાનું ખેતર પણ છે. મુંબઈમાં ફિલ્મોનાં શૂટિંગ પૂરતા જ રહે છે. શૂટિંગમાંથી નવરા પડતા જ મુંબઈ છોડીને નાસી જાય છે.
નાનાને સાત ભાઈ-બહેન, એ રંગે શામળા પણ ભાઈઓ દેખાવે બહુ રૂપાળા. નાનાને સતત એવું થયા કરે કે હું કાળો છું એટલે મા-બાપ મને ભાઈઓ કરતાં ઓછું વહાલ કરે છે. એમના પાડોશમાં ચાર-પાંચ વર્ષની એક બેબલી રહેતી, એ ઘરે રમવા આવે એટલે ગમ્મતમાં એને પૂછવામાં આવે : બોલ, મોટી થઈને તું કોની સાથે લગ્ન કરીશ - નાના સાથે કે દિલીપ(મોટાભાઈ) સાથે ? બેબલી કહેતી : દિલીપ સાથે. કેમ દિલીપ સાથે ? નાના સાથે કેમ નહીં ? બેબલી કાલી કાલી ભાષામાં જવાબ આપતી : નાના કાળો છે ને દિલીપ ગોરો છે એટલે. આ સાંભળીને બધા મોટેથી હસી પડતાં પણ નાનાને ક્ષોભનો પાર ન રહેતો. નાનાનું બાળપણ તીવ્ર લઘુતાગ્રંથિમાં વીત્યું એનું એક મોટું કારણ એમનો કાળો રંગ અને મામૂલી સિકલ-સૂરત હતાં.

નાનામાં જરા સુધારો થાય તે માટે મા-બાપે એમને ગામડેથી મુંબઈ રહેતી એમની માસીને ત્યાં મોકલી આપ્યા. એક વર્ષમાં માસી ત્રાસી ગયાં. એમણે નાનાને પાછા ગામડે મોકલી આપ્યા. કહૃાું : નાનાને વધારે સમય મારે ત્યાં રાખીશ તો એ તો નહીં સુધરે પણ મારા દીકરા જરૂર બગડી જશે !
નાનાના પિતા કમાવા માટે મુંબઈ ગયેલા. એમને રંગ અને રસાયણોનું સાધારણ કામકાજ હતું. નાટક-ચેટક-તમાશા વગેરે જોવાનો એમને બહુ શોખ. એકવાર ગામમાં 'વાલ્મીકિ' નામનું નાટક ભજવાયું, જેમાં નાનાએ પણ ભાગ લીધો હતો. આ નાટક જોવા પિતાજી ખાસ મુંબઈથી ગામ આવેલા. નાનાનું કામ જોઈને પિતાજીએ એમને ખૂબ શાબાશી આપી. નાનાએ વિચાર્યું : જો પિતાજીનું અટેન્શન મેળવવું હશે તો નાટકોમાં કામ કરતાં રહેવું પડશે. નાના પાટેકરને એક્ટિંગનો કીડો આ રીતે કરડયો.
એ તેર વર્ષના હતા ત્યારે કોઈ સંબંધીએ કાગળિયા પર પિતાજીની સહી કરાવી લીધી. પિતાજીની બધી મૂડી ધોવાઈ ગઈ. પાટેકર પરિવાર ગરીબ થઈ ગયો. બે પૈસા કમાવા માટે નાનાને પાછા મુંબઈ મોકલવામાં આવ્યા. એક જગ્યાએ સિનેમાનાં પોસ્ટરો બનાવવાનું કામ મળ્યું. સવારની સ્કૂલ પતાવીને તેર વર્ષના નાના રોજ માટુંગાથી ચુનાભઠ્ઠી સુધીનું આઠ કિલોમીટરનું અંતર ચાલીને કાપતા. વળતી વખતે ફરી પાછું આટલું અંતર પગપાળા કાપવાનું. મહિને ૩૫ રૂપિયાનો પગાર ને એક ટંક જમવાનું મળતું. રજાના દિવસે રસ્તા પર ઝિબ્રાક્રોસિંગના પટ્ટા રંગવાનું કામ કરતા. ચાર છોકરાની ટોળી સાથે મળીને આ કામ કરતી. એક ઝિબ્રાક્રોસિંગ રંગવાના ચાર રૂપિયા મળે. એક દિવસમાં દસેક સ્પીડબ્રેકર રંગે એટલે ચાલીસ રૂપિયા જેટલી કમાણી થઈ જાય. એ જમાનામાં પંદર પૈસાનું ઉસળ મળતું. ઘરેથી છાપામાં રોટલી બાંધીને લાવ્યા હોય, ઠંડી રોટલી અને ઉસળ એ એમનું લંચ. ગરીબી એટલી ભીષણ હતી કે નાના જમવાના સમયે દોસ્તારનાં ઘરે બહાનું કાઢીને પહોંચી જતા. મનમાં આશા હોય કે દોસ્તારની મા એને પણ જમવા બેસાડી દેશે. આ એવો તબક્કો હતો જ્યારે ડગલે ને પગલે અપમાન થયા કરતું પણ નાનાનો એક જ ઉદ્દેશ હતો : કોઈ પણ ભોગે બે પૈસા કમાઈને પિતાજીને મદદ કરવી છે. એક તરફ લઘુતાગ્રંથિ ઘૂંટાઇ રહી હતી પણ બીજી બાજુ ભૂખ અને અવહેલના જિંદગીના સૌથી કઠિન સબક શીખવી રહી હતી. આ સઘળા અનુભવો ભવિષ્યમાં એમને એક એક્ટર તરીકે કામ આવવાના હતા.
નાના બાન્દ્રા સ્કૂલ ઓફ આર્ટ્સ (જે હવે રાહેજા સ્કૂલ ઓફ આર્ટ્સ તરીકે ઓળખાય છે)માં ભણ્યા હતા ત્યારબાદ જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં કોમર્શિયલ આર્ટ્સનું ભણ્યા. નાનાને અંગ્રેજી બોલવાનાં ફાંફાં પણ અહીં જીભ નહીં પણ પીંછી ને પેન્સિલ ચલાવવાનાં હતાં. કોલેજ બાદ એક એડવર્ટાઈઝિંગ એજન્સીમાં વિઝ્યુલાઇઝર તરીકે નોકરી શરૂ કરી. આ દરમિયાન તેઓ થિયેટર સતત કરતા રહ્યા. સુલભા દેશપાંડે અને અરવિંદ દેશપાંડેનું આવિષ્કાર થિયેટર ગ્રૂપ એમણે જોઈન કરેલું. એક સમય એવો આવ્યો કે જ્યારે નક્કી કરવાનું હતું કે લાઈફમાં આગળ શું કરવું છે - નોકરી કે થિયેટર ? અંદરથી જવાબ મળ્યો : થિયેટર. નાનાએ વિચાર્યું કે કોઈ છોકરી મારી ટૂંકી કમાણીમાં ઘર ચલાવવા તૈયાર થશે નહીં એટલે લગ્ન તો આમેય થવાનાં નથી.
સદભાગ્યે આવી છોકરી મળી ગઈ - નીલકાંતિ. આ બ્રાહ્મણ છોકરી બેન્કમાં નોકરીની સાથે સાથે થિયેટર પણ કરતી હતી. નાના એ વખતે નાટકોના શો કરીને મહિને માંડ સાતસો - સાડાસાતસો રૂપિયા જેવું કમાતા, જ્યારે નીલકાંતિનો પગાર અઢી હજાર રૂપિયા હતો. બંને પ્રેમમાં પડયાં ને પરણી ગયાં. નાના તે વખતે ૨૭ વર્ષના હતા. નીલકાંતિએ કહૃાું : નાના, તું ઘરની ચિંતા ન કરીશ. હું કમાઇશ. તું થિયેટર કર. આજે નહીં તો કાલે, કયારેક તો તું સરખું કમાતો થઇશને. નાના પાટેકર અભિનયનાં ક્ષેત્રમાં આગળ આવી શકયા એમાં એમની પત્નીનું બહુ મોટું યોગદાન છે. નીલકાંતિએ 'આત્મવિશ્વાસ' નામની એક જ ફિલ્મમાં એક્ટિંગ કરી છે. સચિન પિલગાંવકર તેના ડિરેક્ટર હતા. આ ફિલ્મ માટે નીલકાંતિને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો.
ડિરેક્ટર-પ્રોડયુસર વિજયા મહેતાનાં પ્રોફેશનલ નાટકોમાં નાના પાટેકર ખૂબ નીખર્યા. એમનાં હમિદાબાઈ ચી કોઠી', 'મહાનગર', 'પુરુષ' જેવાં નાટકો ખૂબ વખણાયાં. નાના રંગભૂમિ પર ખુશ હતા, પણ સ્મિતા પાટિલ તેમને ફિલ્મોમાં ખેંચી લાવ્યાં. બંને નાટકોને લીધે એકમેકના પરિચયમાં હતાં. 'ગમન' નાનાની પહેલી ફિલ્મ, ધીમે ધીમે ફિલ્મી સફર આગળ વધતી ગઈ. 'અંકુશ', 'સલામ બોમ્બે', 'ક્રાંતિવીર', 'થોડા સા રુમાની હો જાએ', 'તિરંગા' જેવી ફિલ્મોમાં ડ્રામેટિક રોલ કર્યા, તો 'વેલકમ' જેવી મસાલા ફિલ્મમાં કોમેડી પણ કરી. ફિલ્મોએ નામ અને દામ બંને આપ્યા તો પણ નાનાએ થિયેટર કરવાનું બંધ નહોતું કર્યું. 'પુરુષ' એમણે સોળ વર્ષ સુધી ભજવ્યંુ હતુંં. આમાં નાનાનું નેગેટિવ કેરેક્ટર હતું પણ તેઓ સ્ટેજ પર જેવો પગમાં મૂકતા કે ઓડિટોરિયમ તાળીઓના ગડગડાટથી છલકાઇ જતું. સ્ત્રી પર બળાત્કાર કરવાનાં દૃશ્યમાં પણ તાળીઓ પડતી ! આથી નાનાએ નાટક શરૂ થતાં પહેલાં ઓડિયન્સ સામે આવીને વિનંતી કરવાનું શરૂ કર્યું કે હું ફિલ્મસ્ટાર છું એ વાત ભૂલીને નાટક જોજો અને મહેરબાની કરીને કારણ વગર મને તાળીઓથી વધાવશો નહીં પણ પ્રેક્ષકો તો પ્રેક્ષકો છે. નાનાને સાક્ષાત આંખ સામે જોતાં જ એમનાથી અનાયાસ તાળી પડાઇ જતી. નાનાએ આખરે 'પુરુષ'નું કિરદાર ભજવવાનું બંધ કર્યું.

નાના પાટેકરની સફળતાનો ગ્રાફ ઉપર ચડતો ગયો પણ તેમનું લગ્નજીવન નિષ્ફળ થતું ગયું. પતિ-પત્ની વચ્ચે ઝઘડા વધતા ગયા. ડિવોર્સ તો ન થયા પણ નાના પત્નીથી અલગ રહેવા લાગ્યા. એમનું પહેલું સંતાન અઢી વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યું હતું જ્યારે ભડભાદર થઈ ગયેલો બીજો દીકરો મલ્હાર આજે ફિલ્મોના એક્ટિંગ સિવાયના ડિપાર્ટમેન્ટ્સમાં રસ દેખાડી રહૃાો છે. નાનાનાં જીવનમાં મનીષા કોઈરાલા સહિત ઘણી સ્ત્રીઓ આવી અને ગઈ પણ પત્ની પ્રત્યેનો આદરભાવ કયારેય ભૂંસાયો નહીં. આજની તારીખે અલગ અલગ છત નીચે રહેવા છતાં નાના અને નીલકાંતિ એકમેકની પૂરી તકેદારી લે છે.
નાના પાટેકરના ક્રોધી સ્વભાવના કેટલાય કિસ્સા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાતા રહે છે. આમાંના મોટાભાગના કિસ્સા સાચા છે. હમણાં 'બાજીરાવ મસ્તાની'નાં પ્રમોશન દરમિયાન સંજય ભણસાળીએ કહેલું કે 'ખામોશી'નાં શૂટિંગ દરમિયાન નાના પાટેકરે મને એટલો બધો હેરાન કર્યો હતો કે ફિલ્મ બનાવવાની આખી મજા મરી ગઈ હતી. આજેય 'ખામોશી'ની વાત નીકળે છે ત્યારે એ બધા કિસ્સા યાદ આવતાં સંજય ભણસાલીનું મોઢું કડવું થઈ જાય છે. 'પરિંદા'ના યાદગાર અભિનય બદલ નાના પાટેકરને કરિયરનો પહેલો નેશનલ એવોર્ડ મળ્યોે પણ ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું ત્યારે ડિરેક્ટર વિધુ વિનોદ ચોપડા સાથે એમની છુટ્ટા હાથની મારામારી થઈ ગઈ હતી. 'રાજનીતિ' વખતે પ્રકાશ ઝાને રડાવ્યા હતા. અનુરાગ કશ્યપને એકવાર થપ્પડ મારી દીધેલી. 'ધ વેન્સડે'માં નાના પાટેકરને લેવાની વાત હતી પણ નીરજ પાંડેને ગભરામણ થઈ ગઈ એટલે નાનાને બદલે નસિરુદ્દીન શાહની વરણી કરવામાં આવી. નાના પોતાના લગભગ બધા ડિરેક્ટર-પ્રોડયુસરો સાથે બાખડયા છે. લેખકો અને ઈવન સેટ-ડિઝાઇનરો સામે પણ એમને વાંધા પડતા હોય છે. નાના પાટેકર ખુદ કહે છે કે હા, હું છું નઠારો, જોખમી અને ડેન્જરસ. મારો સીધો હિસાબ છે : કાં સામેવાળો મને કન્વિન્સ કરે અને જો કન્વિન્સ ન કરી શકે તો હું કહું તેનો અમલ કરે ! 
સ્વભાવની વિચિત્રતાઓ એક વાત થઈ પણ એક એક્ટર તરીકે નાના પાટેકર ઓડિયન્સને જલસો કરાવે છે એવું એમના દુશ્મનોએ પણ જખ મારીને સ્વીકારવું પડે છે. ગરીબ ખેડૂત પરિવારો માટે નાના સરસ કામ કરી રહૃાા છે. આખરે બધું ભુલાઈ-ભૂંસાઈ જતું હોય છે, ફકત માણસનું કામ યાદ રહેતું હોય છેે... 
0 0 0 

Wednesday, December 30, 2015

ટેક ઓફ : જે સપનાંએ તમને આ વર્ષે સૂવા નથી દીધા એેને આવતા વર્ષે પણ જાગતું રાખજો...

Take off - Ardh-Saptahik purti - 23 December 2015

ટેક ઓફ 

૨૦૧૫નું વર્ષ પૂરું થઈ જાય તે પહેલાં કોઈ પણ કારણસર દૂર થઈ ગયેલા કમસે કમ એક સ્વજન કે દોસ્તનો સંપર્ક કરજો. એની સાથે દિલપૂર્વક, ખૂલીને વાત કરો. ગેરસમજણ થઈ હોય તો દૂર કરો. માફ કરી દો અથવા માફી માગી લો. ટૂંકમાં, પાટા પરથી નીચે ઉતરી ગયેલા સંબંધને પાછો પાટા પર ચડાવી દો. કમસે કમ પ્રયત્ન તો કરો!

વર્ષ પૂરું થવા આવે એટલે આપણે એકાએક ફિલોસોફિકલ બની જઈએ છીએ. આપણી જાતને સવાલ પૂછીએ છીએ કે કેવું ગયું આ વર્ષ? સારું કે ખરાબ કે સાધારણ? શા માટે? શી રીતે અમુક કામ સરસ રીતે થઈ શકયાં? શા માટે અમુક ધારેલાં કામ ન થયાં?વર્ષનો અંત આત્મમંથન અને સ્વમૂલ્યાંકન કરવાનો સમય છે. આગામી નવાં વર્ષમાં શું શું કરવું છે એનું પ્લાનિંગ કરવાનો સમય છે.
દુનિયાભરના ડાહૃાા લોકોએ વર્ષના અંત અને નવા વર્ષના પ્રારંભ વિશે સારી સારી, પાનો ચડાવે એવી વાતો કરી છે. તે ધ્યાનથી સાંભળીએ અને પછી તેને આપણી રીતે ઈન્ટરપ્રીટ તેમજ મોડિફાય કરીએ.
  -૨૦૧૫નું વર્ષ પૂરું થવામાં છે. હાથમાં લીધેલાં કામ પૂરાં કરવા માટે અને નવાં શરુ કરવા માટે આપણા હાથમાં હજુ નવ દિવસ છે. આ કંઈ ઓછો સમય ન કહેવાય. આ નવ દિવસમાં બન્ને ચીજ કરો 
- જૂના પ્રોજેકટ્સ પૂર પૂર્ણવિરામ મૂકી દેવાની ભરપૂર કોશિશ કરો, શકય હોય તો પૂરા કરી જ નાખો અને સાથે સાથે નવા શરુ કરી દો. નવું કામ હાથમાં લેવા માટે નવું વર્ષ શરુ થાય તેની રાહ જોવાની જરુર નથી.
- આ વર્ષ પૂરું થઈ રહૃાું છે, નવું શરુ થવાનું છે એનો અર્થ એમ કે યાત્રા ચાલુ છે, થંભી ગઈ નથી. વર્ષ પૂરું થવા આવ્યું ને આપણે હજુય સાજા-નરવા-હેમખેમ-જીવતા-ધબકતા છીએ. આ કેટલી મોટી વાત છે. ચિયર્સ! ઈશ્વરનો દિલથી આભાર માનો. ઉપરવાળાએ આપણને જે કંઈ આપ્યંુ છે તે બદલ ધન્યતા અનુભવો.
 - ૨૦૧૫નું વર્ષ પૂરું થઈ જાય તે પહેલાં કોઈ પણ કારણસર દૂર થઈ ગયેલા કમસે કમ એક સ્વજન કે દોસ્ત સાથે દિલપૂર્વક,ખૂલીને વાત કરો. ગેરસમજણ થઈ હોય તો દૂર કરો. માફ કરી દો અથવા માફી માગી લો. ટૂંકમાં, પાટા પરથી નીચે ઉતરી ગયેલા સંબંધને પાછો પાટા પર ચડાવી દો. કમસે કમ પ્રયત્ન તો કરો!
- જો બદલાવ ઈચ્છતા હો તો નવું વર્ષ બેસે એની રાહ શું કામ જોવાની? આજનો દિવસ શું ખોટો છે?
 - ૩૧મી ડિસેમ્બર કોઈક માટે વર્ષનો અંત છે, કોઈક માટે નવી શરુઆત છે, જ્યારે અમુક ભાગ્યશાળીઓ માટે તે ફકત ઓર એક પરફેકટ દિવસ છે.
 - વર્ષનો અંત નથી આરંભબિંદુ કે નથી પૂર્ણવિરામ. આ તો કેવળ નિરંતર ચાલતી પ્રક્રિયાનો હિસ્સો છે. એવી અપેક્ષા જરુર રહે કે આ વર્ષે જે કોઈ અનુભવો મેળવ્યા છે એનંુ ડહાપણ આપણામાં ઉતર્યું હોય. નવા વર્ષને પોઝિટિવ એટિટયુડ સાથે વધાવી લેવાનું હોય અને વિચારવાનું હોય કે ચાલો, અત્યાર સુધી જે કરતાં આવડયું નથી તે કરવાનો ઓર એક મોકો મળ્યો છે.
 - થોડા સમયમાં આ વર્ષ પૂરું થશે, નવું વર્ષ આવશે. નવા વર્ષમાંય આપણે ભુલો કરીશું, પણ ભુલોથી ડરવાની જરુર નથી. સાચી દિશામાં થયેલી ભુલો દર્શાવે છે કે આપણે કમસે કમ કશુંક કરવાની, નવું શીખવાની, જીવવાની, ખુદને પુશ કરવાની, ખુદને બદલવાની, આસપાસના માહોલમાં પરિવર્તન લાવવાની કમસે કમ કોશિશ તો કરી છે. પોઝિટિવ ભુલો સાબિત કરે છે કે આપણે, એટલીસ્ટ, સક્રિય છીએ. હાથ પર હાથ ધરીને બેઠા નથી.
 - નવું વર્ષ એટલે ૩૬૫ પાનાંની નોટબુકનું પહેલું પાનું. વિદ્યાર્થીઓ જેમ રફ નોટને ફેર નોટથી અલગ રાખતા હોય છે તેમ તમે આવનારાં વર્ષને ફેર બનાવજો, રફ નહીં. સુંદર અને મરોડદાર અક્ષરોથી એનાં પાનાં ભરજો.
 - આગામી નવું વર્ષ તમારા માટે કશુંક નવું લાવે એવું ઈચ્છતા હો તો શરીર હલાવો, બુદ્ધિને ઝંઝોળો, કામે લાગો. જસ્ટ એકટ!
- એક વાત દિલની કિતાબ પર લખી નાખોઃ નવા વર્ષનો પ્રત્યેક દિવસ બેસ્ટ જ હોવાનો. સઘળો આધાર તમે એનો કેવી રીતે ઉપયોગ કરો છો તેના પર રહેશે. નવું વર્ષ તમને શું આપે છે એનો સઘળો આધાર એના પર રહે છે કે તમે નવાં વર્ષને શું આપવાના છો.

- જે સપનું ખુલ્લી આંખે જોયા વિનાનો એક પણ દિવસ આ વર્ષે વીત્યો નથી તે સપનાંને આવતાં વર્ષે પણ જાગતું રાખજો.
- જે સપનાં જોવા માગો છે તે જરુર જુઓ. જ્યાં જવા માગો છો ત્યાં જરુર જાઓ. જે બનવા માગો છો તે જરુર બનો. તમે જે ઈચ્છો છો તે શકય બને તે માટે ઉપરવાળો તમને ઓર એક બ્રાન્ડ-ન્યુ વર્ષની ભેટ આપવા જઈ રહૃાો છે. પ્રયત્નો કયારેય છોડતા નહીં.
- જુઓ, નવું વર્ષ સાવ આંખ સામે ઊભું છે ત્યારે તમે જે કરવા માગો છો અથવા તો જે કરવાનાં તમે સપનાં જોયાં છે તે તરફ આગળ વધવાનું પહેલંુ કદમ ભરી જ દો. નીડર બનો. તમને જેની જરુર છે એવી તમામ તાકાત અને તમામ જાદુ નિર્ભયતામાં સમાયેલાં છે.
 - નવું વર્ષ શા માટે આવે છે? આત્મામાં નવા રંગો પૂરવા માટે.
- ચાલો, નિર્ણય કરો કે આવતું આખું વર્ષ તમે તમારી નબળાઈઓ પર કે તમે કયાં કાચા પડો છો એના પર નહીં, પણ તમારામાં કેટકેટલી અદભુત શકિતઓ અને શકયતાઓ પડી છે તેના પર ફોકસ કરશો.
 - જિંદગીમાં કોઈ પણ વાતનો અફસોસ નહીં રહી જવો જોઈએ કે કાશ, પાંચ-દસ-પંદર-વીસ વર્ષ પહેલાં આમ કર્યું હોત તો કેટલું સારું થાત. આથી નીકળી પડો. આગળ વધો. એકસપ્લોર કરો... અને આનંદો! લક્ષ્યસિદ્ધિ માટે ઈશ્વર તમને ઓર એક વર્ષની ભેટ આપવાનું નક્કી કરી લીધું છે.
 - આ વર્ષ પૂરું થતાં જ તમે દીવાલ પરથી કે જૂનુ કેલેન્ડર કાઢી નાખશો. શો અર્થ થયો આનો? એ જ કે તમે નવા વિચારો માટે જગ્યા બનાવી રહૃાા છો.
- આવતા વર્ષે કરવાનાં મહત્ત્વનાં કામનું લિસ્ટ બનાવો પછી એવું નહીં વિચારતા કે ઓહો, આ બધું કરવા માટે હજુ તો આખું વર્ષ પડયું છે.
 - માણસ પરિવર્તનશીલ પ્રાણી છે. આપણે સમયની સાથે સતત બદલતા રહેતા હોઈએ છીએ. અલબત્ત, વર્ષો ભલે બદલાયાં કરે,આપણાં મૂળભૂત મૂલ્યો અને સંસ્કાર અકબંધ રહેવાં જોઈએ. સંકલ્પ કરો કે આગામી નવાં વર્ષમાંય તમે તમારાં મૂલ્યોનું જીવની જેમ જતન કરશો.
 - સફળ અને સુખી થવા માટે જે કંઈ જરુરી છે તે સઘળું આપણી ભીતર પડયું છે. નવા વર્ષે સંકલ્પ કરજો કે તમે ખુશ રહેશો. બસ,પછી જુઓ કે નિરાશા અને નેગેટિવ લાગણીઓ થાકીને કંટાળીને કેવી તમારાથી દૂર ભાગે છે.
 - વર્ષ પૂરું થવા આવે કે આપણે નવાં વર્ષે કયાં સંકલ્પો લેવા તે વિશે વિચારવા લાગીએ છીએ. સંકલ્પ લેતી વખતે સૌ ઉત્સાહમાં હોય છે, પણ ખરી મજા સંકલ્પની ગરમી આખું વર્ષ અનુભવાતી રહે તેમાં છે. સંકલ્પસિદ્ધિ આપણા ચારિત્ર્યની તાકાતનું માપ છે.
 - તમે જીવનમાં બદલાવ ઈચ્છતા હશો, પણ દિશા નહીં બદલો તો ૨૦૧૬નું વર્ષ પૂરું થશે તો પણ જ્યાં હતા ત્યાં ને ત્યાં જ રહેશો.
 - આવતા વર્ષે આ એક સંકલ્પ કરવા જેવો છેઃ હું રોજ એટલીસ્ટ રોજની પંદર મિનિટ કશુંક સરસ વાંચવા પાછળ ગાળીશ. વર્ષ પૂરું થશે ત્યાં સુધીમાં તમારી જાત પર પડેલો આ વાંચનનો પ્રભાવ તમે સ્પષ્ટપણે જોઈ શકશો.
 - જો આપણે આપણી જાતમાં કે આપણા કામમાં પ્રત્યેક અઠવાડિયે ફકત ત્રણ નાના નાના સુધારા કરીશું તો પણ આવતું વર્ષ પૂરું થશે ત્યાં સુધીમાં લગભગ દોઢસો સુધારા કરી નાખ્યા હશે! 
 - આ એક સંકલ્પ સૌએ લેવા જેવો છેઃ હું ક્ષુલ્લક વાતોમાં બિલકુલ સમય અને શકિત નહીં બગાડું.
- યુવાન એટલે? થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાતને મોડે સુધી મસ્તીથી સેલિબ્રેટ કરી શકે એ. બુઝુર્ગ એટલે? થર્ટી ફર્સ્ટની રાતે મોડે સુધી સેલિબ્રેટ કરવા માટે જેેને ખુદને ધક્કા મારવા પડે એ!
0 0 0 

Thursday, December 17, 2015

મલ્ટિપ્લેક્સ રણવીરસિંહ : બંદે મેં હૈ દમ...

Sandesh - Sanskar purti - 13 Dec 2015

મલ્ટિપ્લેક્સ 

'હું જ્યારે મહાન એક્ટરો વિશે વાંચું છું ત્યારે મને જોરદાર ચાનક ચડે છે. આઈ ફીલ સો ઇન્સપાયર્ડ! આ લોકો જે એક્સ્ટ્રીમ પર જઈને તૈયારી કરે છે એની સરખામણીમાં મારી તો કોઈ વિસાત નથી. ડેનિયલ ડે-લેવિસનું ક્વોટ મને બહુ ગમે છે : કયારેય કોઈ એક્ટરની પ્રોસેસ સામે સવાલ ઉઠાવવો જોઈએ નહીં. દરેક એક્ટરની પોતપોતાની રીત હોય છે, પોતપોતાની પદ્ધતિ હોય છે. એક એક્ટરની પદ્ધતિ બીજા એક્ટરને લાગુ ન પણ પડે. હું(એટલે કે ડેનિયલ) એક્સ્ટ્રીમ કહેવાય એવી તૈયારી કરું છું, કેમ કે આ સિવાયની બીજી કોઈ રીત મને ફાવતી નથી કે આવડતી પણ નથી.'



બાંદરામાં ઉછરેલો ટિપિકલ બોમ્બે-બોય હોવા છતાં રણવીરસિંહે જે કોન્ફિડન્સ અને કન્વિક્શન સાથે પોતાની પહેલી ફિલ્મ 'બેન્ડ બાજા બારાત'માં દિલ્હી કા લૌંડાનું કિરદાર નિભાવ્યું હતું તે જોઈને સૌને લાગ્યું હતું : કંઈક તો છે આ છોકરામાં...! છોકરામાં કંઈક નહીં, ઘણુંબધું હોવું જોઈએ. એ સિવાય યશરાજ જેવું બેનર એને હીરો તરીકે લોન્ચ શા માટે કરે ? અફવા તો એવી ઊડી હતી કે 'બેન્ડ બાજા બારાત'થી રણવીરને લોન્ચ કરવા માટે એના પૈસાદાર પપ્પાએ કરોડો રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે. યશરાજ જેવું પ્રતિષ્ઠિત બેનર આ પ્રકારનું 'ઇન્વેસ્ટમેન્ટ' કે 'પ્રપોઝલ' સ્વીકારે તે વાતમાં માલ નથી. નબળા ઘોડાને ચાબુક મારી મારીને તમે કેટલો દોડાવી શકો ?
એક સ્ટાર-પર્ફોર્મર-એક્ટર તરીકે પોતે દમદાર છે એ રણવીરે આ પાંચ વર્ષમાં પુરવાર કરી દીધું છે. 'લેડિઝ વર્સસ રિકી બહલ'(સાધારણ ફિલ્મ, ડિસન્ટ અભિનય), 'લૂટેરા' (સુંદર, આર્ટી-આર્ટી પણ ફ્લોપ ફિલ્મ, સરસ અભિનય), 'ગુંડે'(હિટ ફિલ્મ, ટિપિકલ બોલિવૂડ હીરો ટાઇપનું મસાલા પર્ફોર્મન્સ), 'કિલ દિલ'(ફ્લોપ ફિલ્મ, રણવીરે કેવો અભિનય કર્યો હતો એ તો રામ જાણે,કહે છે કે આમાંય એનો અભિનય વખણાયો હતો), 'ગોલિયોં કી રાસલીલા : રામ-લીલા'(હિટ ફિલ્મ, પ્રભાવશાળી અભિનય), 'દિલ ધડકને દો' (મજાની ફિલ્મ, રણવીરનું સંભવતઃ કરિયર-બેસ્ટ પર્ફોર્મન્સ) અને હવે આવતા શુક્રવારે રિલીઝ થઈ રહેલી અતિ મહત્ત્વાકાંક્ષી 'બાજીરાવ મસ્તાની' જેના પર અદૃશ્યપણે પણ મોટા મોટા અક્ષરોમાં 'હિટ' શબ્દ લખાયેલો છે. કોઈ પણ સમકાલીન એક્ટર ઇર્ષ્યાથી જલી ઊઠે એવો પ્રભાવશાળી આ બાયોડેટા છે.
રણવીરસિંહનો(મૂળ સિંધી અટક : ભગનાની) કરિયર ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે, પોપ્યુલારિટી એકધારી વધી રહી છે તે દીવા જેવી સ્પષ્ટ વાત છે. રણબીર કપૂર જેવા બ્રિલિયન્ટ સ્ટાર-એક્ટરની ઉપરાછાપરી ચાર ફિલ્મો ફ્લોપ ગઈ પણ રણવીરસિંહે આવી ભયંકર પછડાટ હજુ સુધી ખાવી પડી નથી.

આજની તારીખે ઇન્ડસ્ટ્રીમાં રણબીર કપૂર કરતાં રણવીરસિંહ જેવા આઉટસાઇડરની પોઝિશન ટેક્નિકલી વધારે મજબૂત છે. રણવીરસિંહ કન્વેન્શનલ અર્થમાં હેન્ડસમ નથી. એની પાસે કપૂરબોય જેવો ઈઝી ચાર્મ કે જોેતાં જ ગમી જાય એવું હૂંફાળું રૂપ નથી. રણવીરની અપીલ જરા જુદા પ્રકારની છે. રણબીર 'કયુટ' છે, તો કસાયેલું શરીર ધરાવતો રણવીરસિંહ 'હોટ' છે. રણવીરનાં વ્યક્તિત્ત્વમાં તોફાની ટિનેજર જેવો થનગનાટ છે. સામેવાળાને કે ઈવન ઓડિટોરિયમમાં બેઠેલા ઓડિયન્સને ઊર્જાની રીતસર છાલક વાગે એવું ગજબનું એનું એનર્જીલેવલ છે. અંગત જીવનમાં રણવીર બહિર્મુખ અને અત્યંત મળતાવડો યુવાન છે. અજાણી વ્યક્તિને પહેલી વાર મળશે તો એટલા ખૂલીને અને આત્મીયતાથી વાતો કરશે જાણે એને વર્ષોથી ઓળખતો હોય. રણવીર બિન્દાસ બંદો છે. એની ડિક્શનરીમાં શરમ કે સંકોચ જેવા કોઈ શબ્દ નથી. કેમેરા સામે પર્ફોર્મ કરતી વખતે આ 'ગુણ' એને ખૂબ કામ આવે છે.
ફિલ્મોમાં આવતાં પહેલાં રણવીરે અમેરિકામાં એક્િંટગનો કોર્સ કર્યો હતો અને પછી મુંબઈ આવીને એક થિયેટર વર્કશોપ જોઈન કર્યું હતું. રિચા ચઢ્ઢા પણ આ વર્કશોપમાં આવતી. ગ્રૂપમાં બીજા યુવાનો સીધાસાદા હતા, એકમાત્ર રણવીર જ જિમમાં જોવા મળતા બાવડાબાજ જેવો દેખાતો. એના ફિલ્મીવેડાથી વર્કશોપ કંડક્ટ કરી રહેલી ટીચર એવી કંટાળી ગઈ કે આખરે બધાની વચ્ચે એનું અપમાન કરી નાખ્યું : ભાઈ, તું થિયેટરમાં નહીં ચાલે, તું ફિલ્મોમાં જ ટ્રાય કર. યુ આર અન આઈ-સોર. મતલબ કે તને જોઈને મને ત્રાસ થાય છે !
રણવીરનું આવું અપમાન પછી જિંદગીમાં કયારેય થયું નથી. કોઈ પણ સ્ટ્રગલરની જેમ ઓડિશનો આપી આપીને એ આગળ આવ્યો છે. રણવીર ભલે મસ્તીખોર રહ્યો પણ પોતાનાં કામમાં ભારે સિન્સિયર છે, એટલે તો સંજય લીલા ભણસાલી જેવા માથાભારે ડિરેક્ટરે એને 'ગોલિયોં કી રાસલીલા : રામ-લીલા' પછી 'બાજીરાવ મસ્તાની' જેવા પોતાના ડ્રીમ પ્રોજેક્ટમાં રિપીટ કર્યો. રણવીરને પોતાના કિરદાર નિભાવવા માટે ખૂબ તૈયારી કરવા જોઈએ. જેમ કે, 'લૂટેરા'માં એનુંં કિરદાર નિતંબમાં બંદૂકની ગોળી વાગવાથી ઘાયલ થઈ જાય છે, જેના નિતંબમાં ગોળી ખૂંપેલી હોય તેવા માણસની ચાલ કેવી હોય ? એ કેવી રીતે ઊભો રહે, કેવી રીતે મુવમેન્ટ્સ કરે ? જ્યાં સુધી આ બધું સંતોષકારક રીતે સમજાય નહીં ત્યાં સુધી રણવીરને જપ વળે તેમ નહોતો. આથી આર્મીના કેટલાક જવાનોને મળીને એણે જાણવાની કોશિશ કરી કે ગોળી વાગે ત્યારે અને તે પછી એક્ઝેક્ટલી કેવું ફીલ થાય. પોતાના એક ડોક્ટર અંકલને ય પૃચ્છા કરી. ડોક્ટર અંકલે કહ્યું : જો તારી એક્ટિંગના ક્રાફ્ટમાં મને બહુ ખબર ન પડે પણ હું તને એક ઉપાય જરૂર સૂચવી શકું એમ છું.

શું હતો આ ઉપાય ? રણવીરના નિતંબમાં એક કરતાં વધારે મેડિકલ સ્ટેપલરની પિન મારવી ! આ એક એવી વિધિ હતી જેનાથી નિતંબમાં ગોળી લાગવાથી કેવી પીડા થાય તેનો કંઈક અંશે અંદાજ મળી શકે તેમ હતો. રણવીરે આવા પિનવાળા ઘાયલ નિતંબ સાથે શૂટિંગ કર્યું. 'લૂટેરા'ની પેલી સિક્વન્સ તમે જોશો કે નિતંબમાંથી બુલેટ કાઢતી વખતે રણવીરનાં મોંમાંથી દર્દના માર્યા રાડ નીકળી જાય છે. તે ઠાલો અભિનય નથી, સાચુકલી પીડા છે !
રણવીર એક મુલાકાતમાં કહે છે, 'જેના માટે મને પુષ્કળ માન છે એવા સિનિયર એક્ટરો પણ સવાલ કરતા હોય છે કે આવું બધું કરવાની શું જરૂર હતી ? ઈવન પ્રિયંકા ચોપરાએ પણ મને કહેલું કે તું શું કામ તારી જાત પર આટલો બધો અત્યાચાર કરે છે ? આના જવાબમાં હું હંમેશાં ડેનિયલ ડે-લેવિસના કિસ્સા ટાંકતો હોઉં છું.'
ડેનિયલ ડે-લેવિસ બેસ્ટ એક્ટર માટે ત્રણ-ત્રણ વાર ઓસ્કર એવોર્ડ જીતનાર દુનિયાનો એકમાત્ર એક્ટર છે. ટેક્નિકલી એને દુનિયાનો શ્રેષ્ઠતમ અભિનેતા કહી શકાય. રણવીર આ મેથડ એક્ટરથી ખૂબ પ્રભાવિત છે. 'માય લેફ્ટ ફૂટ'માં ડેનિયલે સેરેબ્રલ પાલ્સીથી પીડાતા અને સતત વ્હિલચેરમાં જડાયેલા અપંગ આદમીનું પાત્ર અદ્ભુત રીતે નિભાવ્યું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન એ સતત વ્હિલચેર પર બેસી રહેતા. કોઈ એને કોળિયા ભરીને જમાડે, બીજું કોઈ એની વ્હિલચેરને ધક્કા મારીને આમથી તેમ ખસેડે. સારી અકિટંગ કરવા માટે ડેનિયલને સતત જે-તે પાત્રના માનસિક-શારીરિક વાતાવરણમાં રહેવાનું જરૂરી લાગે છે. 'લિંકન'નાં શૂટિંગના ગાળામાં એ ખરેખર અબ્રાહમ લિંકનની જેમ કોઈ ફાર્મમાં રહેવા જતા રહ્યા હતા. ઈવન 'ધ ડાર્ક નાઈટ'માં ખૂંખાર જોકરનું યાદગાર પાત્ર ભજવનાર હીથ લેજરે પણ આ જ પ્રકારનો એપ્રોચ અપનાવેલો.

'હું જ્યારે આ એક્ટરો વિશે વાંચું છું ત્યારે મને જોરદાર ચાનક ચડે છે. આઈ ફીલ સો ઇન્સપાયર્ડ!' રણવીર કહે છે, 'આ લોકો જે એક્સ્ટ્રીમ પર જઈને તૈયારી કરે છે એની સરખામણીમાં મારી તો કોઈ વિસાત નથી. ડેનિયલ ડે-લેવિસનું ક્વોટ મને બહુ ગમે છે : કયારેય કોઈ એક્ટરની પ્રોસેસ સામે સવાલ ઉઠાવવો જોઈએ નહીં. દરેક એક્ટરની પોતપોતાની રીત હોય છે, પોતપોતાની પદ્ધતિ હોય છે. એક એક્ટરની પદ્ધતિ બીજા એક્ટરને લાગુ ન પણ પડે. હું(એટલે કે ડેનિયલ) એક્સ્ટ્રીમ કહેવાય એવી તૈયારી કરું છું, કેમ કે આ સિવાયની બીજી કોઈ રીત મને ફાવતી નથી કે આવડતી પણ નથી.'
આટલું કહીને રણવીર ઊમેરે છે, 'ઘણાં લોકોને મારો અપ્રોચ સ્ટુપિડ જેવો લાગે છે, બટ આઈ ડોન્ટ કેર. કેમેરા સામે બને એટલી સચ્ચાઈથી એક્ટિંગ કરવા માટે હું જે કોઈ રીત અખત્યાર કરી શકું તેમ હાઉં તે હું કરીશ જ. મને કંઈ ખુદના શરીર પર ત્રાસ ગુજારવામાં આનંદ આવતો નથી. આ કંઈ નખરાં કે નાટક નથી. હંુ કોઈને દેખાડી દેવા પણ આવું કરતો નથી. એક એક્ટર તરીકે આ મારી પ્રોસેસ છે. ધેટ્સ ઈટ.'
સંજય લીલા ભણસાલીએ 'બાજીરાવ મસ્તાની' માટે રણવીરને પસંદ કર્યો ત્યારે એ રાજીના રેડ થઈ ગયો હતો પણ જ્યારે એને આખી ફિલ્મની વાર્તા સીન-બાય-સીન સંભળાવવામાં આવી ત્યારે પરસેવો છૂટી ગયો હતો. 'નરેશન સુન કે મેરી ફટ ગઈ થી!' રણવીર કહે છે, 'ઐતિહાસિક માહોલ, મરાઠી છાંટવાળા ભારેખમ સંવાદો, યુદ્ધનાં દૃશ્યો, રોમાન્સ, ઇન્ટેન્સ ડ્રામા... અને સંજયસર જેવા ભયંકર ડિમાન્ડિંગ ડિરેક્ટર ! મને સમજાતું નહોતું કે આ બધું હું કેવી રીતે મેનેજ કરી શકીશ. આ જ તો ચેલેન્જ હતી. કોઈ પણ પ્રોજેક્ટ પસંદ કરવાનો મારો એક જ માપદંડ છે-બસ, ફટની ચાહિએ! તો જ કામ કરવાની મજા આવે !'
રણવીર 'બાજીરાવ મસ્તાની'ની તૈયારીના ભાગરૂપે ત્રણ અઠવાડિયાં માટે એક ફાઇવસ્ટાર હોટેલના કમરામાં પુરાઈ ગયો હતો. અંગરખું અને ધોતિયું પહેરીને રૂમમાં આમથી તેમ આંટા મારતો રહ્યો. સૌથી પહેલાં કેરેક્ટરનો લુક ધારણ કરવાની કોશિશ કરવાની. એક એક્ટર તરીકેની એની પ્રોસેસની શરૂઆત આ રીતે થાય. ધીમે ધીમે દિલ-દિમાગમાં કેરેક્ટરની જુદી જુદી છટા, એની લાગણીઓ અને માનસિકતા ખૂલતાં જાય, સ્પષ્ટ થતાં જાય. સામાન્યપણે ધમાલમસ્તી કરતો રણવીર 'બાજીરાવ મસ્તાની'ના મેકિંગ દરમિયાન કોચલામાં ભરાઈ ગયો હતો. સેટ પર કોઈની સાથે વાત નહીં કરવાની. શૂટિંગ પતાવીને ઘરે આવીને કોઈને મળ્યા વગર સીધા પોતાના રૂમમાં જતા રહેવાનું. સવારે નાહીધોઈને સીધા સેટ પર.

'બટ યુ નો વોટ, જોરદાર તૈયારી કરી હોય, લાંબા લાંબા ડાયલોગ્ઝ ગોખી રાખ્યા હોય ને સેટ પર સંજયસર બધું જ બદલી નાખે !' રણવીર કહે છે, 'સેટના એક્ચ્યુઅલ માહોલમાં સંજયસરને નવું નવું સૂઝે ને છેલ્લી ઘડીએ અમારા હાથમાં નવા ડાયલોગ પકડાવીને કહેશે : જૂનું ભૂલી જાઓ, આ તૈયાર કરો. બી સ્પોન્ટેનિયસ! 'ગોલિયોં કી રાસલીલા : રામ-લીલા' વખતે તેમણે મને કહ્યું હતું : મને ખબર નથી કે રામ કઈ ટાઈપનો માણસ છે. તું તારી રીતે તારાં પાત્રને ઇન્ટરપ્રિટ કર ને પછી પર્ફોર્મ કર. હું તારા પર્ફોર્મન્સના આધારે આગળ વધતો જઈશ ! આ સાંભળીને મારી શી હાલત થઈ હશે તે સમજાય છે ? બટ લેટ મી ટેલ યુ, 'બાજીરાવ મસ્તાની' સંજયસરે બહુ જ મજા કરતાં કરતાં બનાવી છે.'
'બાજીરાવ મસ્તાની' જો લોકોને ગમી જશે અને બોકસઓફિસ પર હિટ થશે(જેના ચાન્સ પૂરેપૂરા છે) તો રણવીરનો બાયોડેટા પહેલાં કરતાં અનેકગણો વધારે ઝળહળતો થઈ જવાનો એ તો નક્કી.
શો-સ્ટોપર
'દિલ ધડકને દો'માં ભાઈ-બહેન તરીકે ઓડિયન્સ કન્વિન્સ કર્યા પછી હું અને રણવીરસિંહ જો 'બાજીરાવ મસ્તાની'માં પતિ-પત્ની તરીકે ઓડિયન્સને ફરીથી કન્વિન્સ કરી શકીએ તો એનો અર્થ એ થયો કે એક્ટર તરીકે અમે સાચા રસ્તે ચાલી રહ્યાં છીએ.
-પ્રિયંકા ચોપરા

Monday, December 7, 2015

મલ્ટિપ્લેક્સ : એક ગુજરાતી બંદાની કાર્ટૂન-કથા

Sandesh - Sanskar Purti - 6 Dec 2015
મલ્ટિપ્લેક્સ 
 સંજય પટેલ એક કાબેલ એનિમેટર અને સ્ટોરી-આર્ટિસ્ટ છે, જેમણે  'ટોય સ્ટોરી', 'ફાઈન્ડિંગ નેમો', 'કાર્સ' જેવી સુપરડુપર ફિલ્મો બનાવતા  પિક્સર એનિમેશન સ્ટુડિયોની કેટલીય બ્લોકબસ્ટરમાં પોતાની ક્રિયેટિવિટી દેખાડી છે. એમણે બનાવેલી 'સંજય્ઝ સુપર ટીમ' નામની મસ્ત મજાની શોર્ટ એનિમેશન ફિલ્મ આગામી ઓસ્કર માટે શોર્ટ-લિસ્ટ થઈ છે. ભારતીય પાત્રો લઈને ફિલ્મ બનાવી હોય એવું પિક્સરના ઈતિહાસમાં પહેલી વાર બન્યું છે. 


'મને લાગે છે કે પિકસર કંપની નેક્સ્ટ ડિઝની બની શકે તેમ છે. તે ડિઝનીનું સ્થાન પચાવી પાડશે તેમ નહીં પણ એનામાં બીજી ડિઝની બની શકવાનું કૌવત જરૂર છે.'
દૂરંદેશી સ્ટીવ જોબ્સે ૧૯૯૮માં પોતાની માલિકીના પિક્સર એનિમેશન સ્ટુડિયો વિશે આ વાત કરી હતી ત્યારે કદાચ વિચાર્યુંંર્ નહીં હોય કે આઠ વર્ષ પછી ધ વોલ્ટ ડિઝની કંપની લગભગ સાડાસાત બિલિયન ડોલર ચૂકવીને તેની પાસેથી પિક્સર સ્ટુડિયો ખરીદી લેવાની છે. સ્ટીવ જોબ્સે એવી કલ્પના ય નહીં કરી હોય કે'ટોય સ્ટોરી', 'ફાઇન્ડિંંગ નેમો', 'કાર્સ' જેવી એકએકથી ચડિયાતી એનિમેશન ફિલ્મો બનાવીને દુનિયાભરના પ્રેક્ષકોને પુલકિત કરી દેનારો એનો પિક્સર સ્ટુડિયો ભવિષ્યમાં કયારેક નખશીખ ભારતીય પાત્રો ધરાવતી એનિમેશન ફિલ્મ પણ બનાવશે, એટલું જ નહીં, તે ફિલ્મ ઓસ્કર એેવોર્ડ માટે શોર્ટ-લિસ્ટ સુદ્ધાં થશે !
વાત થઈ રહી છે પિક્સરની બ્રાન્ડ-ન્યૂ એનિમેશન ફિલ્મ, 'સંજય્ઝ સુપર ટીમ'ની. 'સંજય્ઝ સુપર ટીમ', અલબત્ત, ફુલલેન્થ નહીં પણ સાત મિનિટની શોર્ટ એનિમેશન ફિલ્મ છે. આપણને મજા પડે એવી વાત એ છે કે આ ફિલ્મ સંજય પટેલ નામના મૂળ ગુજરાતી બંદાએ બનાવી છે. પિક્સરની એક પરંપરા છે. ફુલલેન્થ એનિમેશન ફિલ્મ રિલીઝ કરતી વખતે લટકામાં એક ટચૂકડી શોર્ટ ફિલ્મ પણ ઓડિયન્સને બતાવવી. આ શુક્રવારે આપણે ત્યાં પિક્સરની 'ધ ગુડ ડાઇનોસોર' નામની ફિલ્મી રિલીઝ થઈ, એમાં શરૂઆતમાં સાત મિનિટની 'સંજય્ઝ સુપર ટીેમ' પણ બતાવવામાં આવે છે.

સંજય પટેલ પિક્સરમાં એનિમેટર અને સ્ટોરી-આર્ટિસ્ટ તરીકે વીસ વર્ષથી કામ કરે છે. પિક્સરની કેટલીય સુપરડુપર હિટ એનિમેશન ફિલ્મોમાં સંજય પટેલનું નક્કર યોગદાન રહ્યું છે. પિક્સર જેટલી ધૂમધામ 'ધ ગુડ ડાઇનોસોર' માટે કરી છે લગભગ એટલી જ હાઈપ 'સંજય્ઝ સુપર ટીમ' માટે પણ કરી છે. આ શોર્ટ ફિલ્મને પુષ્કળ મીડિયા અટેન્શન મળી રહ્યું છે એનું કારણ, અગાઉ કહ્યું તેમ, તે ઓસ્કરની રેસમાં સામેલ થઈ ગઈ છે, તે છે.
 'સંજય્ઝ સુપર ટીમ' સહિત દસ શોર્ટ-લિસ્ટેડ શોર્ટ ફિલ્મોમાંથી કોઈ પાંચને ઓસ્કર નોમિનેશન મળશે, જેમાંથી આખરે કોઇ એક એવોર્ડ જીતી જશે.
'સંજય્ઝ સુપર ટીમ'માં શું છે તે જાણતાં પહેલાં સંજય પટેલ કોણ છે તે જાણી લઈએ. સંજય ગુજરાતી ખરા પણ એમનો જન્મ થયો ઇંલેન્ડમાં. નાનપણમાં મમ્મી-પપ્પા સાથે અમેરિકા શિફ્ટ થઈ ગયા. કેલિફોર્નિયામાં લોસ એન્જલસ નજીક તેમના પપ્પા મોટેલ ચલાવતા હતા. સંજય જે સ્કૂલમાં ભણતા હતા તેમાં એમના સિવાય બીજું કોઇ ઇન્ડિયન બાળક નહીં. હાઈસ્કૂલમાં પણ એ એક જ ઇન્ડિયન, બીજાં બાળકો કરતાં એમનો દેખાવ સાવ જુદો, રીતભાત જુદી, ઘરનો માહોલ જુદો. ગોરાં ટાબરિયાં એને વિચિત્ર નજરે જોયા કરે. સંજયને તીવ્ર આઇડેન્ટિટી ક્રાઇસિસ થવા માંડી. હું આ લોકો જેવો કેમ નથી? મારું નામ અને અટક કેમ એમનાં જેવાં નથી? મારાં મમ્મી-પપ્પા કેમ આ બધાનાં મમ્મી-પપ્પા જેવાં દેખાતાં નથી? પોતે બીજા કરતાં અલગ છે એ વાતથી સંજયને શરમ આવતી.
સંજયે એકવાર જીદ કરેલી : મને મારું નામ બદલવું છે, મારું નામ ટ્રેવિસ કરી નાખો! સંજયનાં મા-બાપ આ માગણી સાંભળીને હસી પડેલાં. સંજયનાં ઘરનો માહોલ ટિપિકલ ગુજરાતી. પપ્પા સ્વભાવે ધાર્મિક, રોજ સવારે ડ્રોઇંગરૂમના એક ખૂણામાં ગોઠવેલાં ટચૂકડાં મંદિર સામે પલાંઠી વાળીને પૂજાપાઠ કરે, ભગવાનની મૂર્તિઓ સામે દીવા-અગરબત્તી કરે. સંજયને આ જરાય ગમે નહીં,કેમ કે એને આ સમયે ટીવી પર સુપર હીરોનાં કાર્ટૂન જોવાં હોય. ટીવીના અવાજથી પપ્પાને ડિસ્ટર્બ થાય એટલે રિમોટથી ટીવી બંધ કરી દે ને દીકરાને ધરાર પોતાની બાજુમાં ભગવાનની પ્રાર્થના કરવા બેસાડી દે. પપ્પા વધારે નારાજ ન થાય તે માટે નાનકડો સંજય મોઢું બગાડીને ચૂપચાપ બેસી રહે. બાપ-દીકરાનો આ રોજનો ક્રમ.

સંજય મોટા થયા, આર્ટ સ્કૂલમાં એડમિશન લીધું. અહીં પણ બધાં ગોરાં છોકરા-છોકરીઓ. સંજય એમનામાં ભળી જવા મથે, સતત એમની સ્વીકૃતિ ઝંખે. પોતાનાં મા-બાપ દેશી છે અને પોતે મૂળ અમેરિકન નથી તે હકીકતથી સંજય હજુ કમ્ફર્ટેબલ થયા નહોતા. એ વખતે એમને કયાં ખબર હતી કે વર્ષો પછી એમનું આ જ ભારતીયપણું તેમજ મા-બાપ તરફથી મળેલા સંસ્કાર જોરદાર ખ્યાતિ અપાવવાના છે !
સંજય વીસ વર્ષ પહેલાં પિક્સર સ્ટુડિયોમાં એનિમેટર તરીકે જોડાયા તે પછી ધીમે ધીમે પોતાનાં ભારતીય મૂળિયાં તરફ સભાન થયા. પિક્સરે અત્યાર સુધીમાં લેટેસ્ટ 'ધ ગુડ ડાઇનોસોર' સહિત કુલ સોળ ફુલલેન્થ ફિલ્મો અને 'સંજય્ઝ સુપર ટીમ' સહિત ત્રીસ શોર્ટ ફિલ્મો બનાવી છે. સામાન્યપણે બનતું એવું હોય છે કે પિક્સરના સાહેબલોકો સમયાંતરે સ્ટાફના સ્ટોરી-રાઇટરોમાં વાત વહેતી મૂકે કે આપણે શોર્ટ ફિલ્મ માટે સારા આઇડિયા શોધી રહ્યાં છીએ, તમારી પાસે જો કોઇ સારી થીમ હોય તો અમને કહેજો. રાઇટરો પોતાના આઇડિયા પેશ કરે. સાહેબોની કમિટી એના પર ચર્ચા કરે. આખરે ચીફ એકિઝકયુટિવ ઓફિસર જોન લેસેસ્ટર કોઇ એક આઇડિયા પર પસંદગીનો કળશ ઢોળે ત્યાર બાદ કામકાજ ચાલુ થાય.
સંજય પટેલના કેસમાં ઊલટું બન્યુંં. થયું એવું કે સાન ફ્રાન્સિસ્કોનાં એશિયન આર્ટ મ્યુઝિયમમાં એક વાર સંજયનું આર્ટ એકિઝબિશન ગોઠવાયું હતું. પિક્સરના એક સિનિયરે એમને કહ્યું : આપણા સ્ટુડિયોમાં આપણી પોતાની આર્ટ ગેેલેરી છે. તું તારુ થોડું આર્ટ-વર્ક અહીં લાવી શકે એમ હોય તો આપણે ઈન-હાઉસ એકિઝબિશન રાખીશું. સંજયને વાત ગમી. ઈન-હાઉસ એકિઝબિશન ગોઠવાયું. પિક્સરના બિગ બોસ જોન લેસેસ્ટર આ ચિત્રો જોતાવેંત પ્રેમમાં પડી ગયા. કહે : અરે વાહ, આ અમેઝિંગ કામ આપણા સંજય પટેલે કર્યું છે ? હી શુડ મેક અ ફિલ્મ !

બીજું કોઇ હોત તો આ સાંભળીને ઊછળી પડત પણ સંજય પટેલ જેનું નામ. એમણે આ વાતને ગંભીરતાથી ન લીધી. એમને ફરીથી કહેવામાં આવ્યું કે દોસ્ત, શોર્ટ ફિલ્મ માટે કોઇ સારો આઇડિયા આપ, આપણી કંપનીને તે પ્રોડયુસ કરવામાં રસ છે. ફિલ્મનો ડિરેક્ટર પણ તું જ! ત્રણ-ત્રણ વાર કહેણ આવ્યા પછી સંજયે ઉત્સાહ ન બતાવ્યો ત્યારે એક સિનિયરે એમને પોતાની કેબિનમાં બોલાવીને પૂછ્યું : સંજય, શું પ્રોબ્લેમ છે? કેમ તારા તરફથી પોઝિટિવ રિસ્પોન્સ આવતો નથી ? સંજયે કહ્યું કે સર, મારી પાસે એક સ્ટોરી આઇડિયા તો છે પણ મને તેના પરથી ફિલ્મ બનાવવાના વિચાર માત્રથી ડર લાગે છે.
શું હતો આ સ્ટોરી આઇડિયા? એક નાનકડો છોકરો છે ને એના પિતાજી છે, બંને ઇન્ડિયન છે. છોકરાને પોતાનાં ભારતીય કલ્ચર પ્રત્યે જરાય માન નથી પણ ધીમે ધીમે એવું કશુંક બને છે કે એને ખુદની સંસ્કૃતિની મહાનતાનો પરિચય થાય છે. ફિલ્મ પૂરી થતાં સુધીમાં છોકરો પોતાની અસલી ઓળખનો આદર કરતાં શીખી જાય છે.
સંજયને ડર એ વાતનો હતો કે આ વાર્તા એની પોતાની હતી, જે ચીજથી પોતે આખી જિંદગી ક્ષોભ અનુભવ્યો છે એના પર ફિલ્મ બનાવીને આખી દુનિયા સામે પેશ કેવી રીતે કરી શકાય ? જોકે એમને ખાતરી હતી કે આજ સુધી પિક્સરની એક પણ ફિલ્મમાં ઇન્ડિયન કેરેક્ટર આવ્યું નથી એટલે પિક્સરના સાહેબલોકોને આમેય મારા આઈડિયામાં રસ પડવાનો નથી. બન્યું એનાથી ઊલટું. જોન લેસેસ્ટર સ્ટોરી આઈડિયા સાંભળીને ઊછળી પડયા : બ્રિલિયન્ટ આઈડિયા છે. સંજય, કામ શરૂ કરી દો!
હવે છટકી શકાય એમ હતું નહીં. સંજય પટેલે ધીમે ધીમે પ્રક્રિયા શરૂ કરી. સ્ટોરીબોર્ડ બન્યું. રિસર્ચવર્ક આગળ વધ્યંુ. જોન લેસેસ્ટર સતત સંજયના કામમાં રસ લેતા રહ્યા. એમણે સૂચન કર્યું કે ફિલ્મને બને એટલી પર્સનલ બનાવજો, એટલું જ નહીં,ફિલ્મનાં ટાઇટલમાં પણ સંજયનું નામ આવવું જાઇએ એવો તેમણે આગ્રહ રાખ્યો. તેઓ આટલેથી અટકયા નહીં. ફિલ્મ પૂરી થાય પછી સંજય અને એમના પિતાનો અસલી ફોટોગ્રાફ પણ મુકાવ્યો કે જેથી ઓડિયન્સને ખાતરી થાય કે ફિલ્મ સત્ય હકીકત પર આધારિત છે !
Memories: Sanjay Patel with his father

એક પણ ડાયલોગ ન ધરાવતી 'સંજય્ઝ સુપર ટીમ'ની શરૂઆત ટીવી પર કાર્ટૂન જોવાની જીદ કરતરાં છોકરા અને પૂજા કરી રહેલા પપ્પાના સીનથી થાય છે. ધરાર પૂજા કરવા બેઠેલો ટાબરિયો દીવો કરે છે. તે સાથે જ એ કોઇ પ્રાચીન મંદિરમાં પહોંચી જાય છે. એકાએક રાવણ પ્રગટે છે. ટાબરિયાને રાવણથી બચાવવા વિષ્ણુ, દુર્ગા અને હનુમાનની મૂર્તિઓ સજીવન થઇ ઊઠે છે. ભગવાન એને નવાં રમકડાં પણ આપે છે. છોકરાને ભારતીય દેવી-દેવતા બહુ 'કૂલ' લાગે છે. એ પોતાની સુપર ટીમનું ચિત્ર બનાવે છે. આ ટીમમાં ભારતીય દેવી-દેવતાઓને જોઇને પપ્પાને જબરું સાનંદાશ્ચર્ય થાય છે. ફિલ્મ અહીં પૂરી થાય ને પછી સંજય પટેલ અને તેમને પિતાજીની તસવીર ડિસ્પ્લે થાય છે.
સાત મિનિટની 'સંજય્ઝ સુપર ટીમ' બનાવવામાં સંજય પટેલે અઢી વર્ષ લીધાં! આનું મુખ્ય કારણ એ હતું કે પિક્સરની ફુલલેન્થ એનિમેશન ફિલ્મોને પહેલી પ્રાયોરિટી આપવાની હતી. બે ફિલ્મોની વચ્ચે સમય મળે ત્યારે પોતાની શોર્ટ ફિલ્મનું કામ આગળ વધારવાનું હતું. ફિલ્મ બની ગઇ પછી તે જોવા માટે એમણે પપ્પાને સ્ટુડિયોમાં તેડાવ્યા. પપ્પાને હરામ બરાબર એનિમેશન ફિલ્મોમાં જરા અમથો ય રસ હોય તો. દીકરો પિક્સર જેવી વર્લ્ડ કલાસ એનિમેશન સ્ટુડિયોમાં કામ કરતો હોવા છતાં ભાગ્યે જ એમણે પિક્સરની કોઇ ફિલ્મ જોઇ હતી... પણ 'સંજય્ઝ સુપર ટીમ' જોઇને પપ્પા એકદમ ઈમોશનલ બની ગયા, કેમ કે આ એમની જ કહાણી હતી.
ધારો કે 'સંજય્ઝ સુપર ટીમ'ને પહેલાં ઓસ્કરનું નોમિનેશન ને પછી આખેઆખો એવોર્ડ મળે તો એ જરૂર વિષ્ણુ-દુર્ગા-હનુમાનની કૃપા હોવાની. ટચવૂડ !
શો-સ્ટોપર

હવે હું પહેલાં કરતાં શાંત થઈ ગયો છું, હવે હું સેટ પર નથી રાડો પાડતો કે નથી મોબાઈલના છુટ્ટા ઘા કરતો.
-સંજય લીલા ભણસાલી