Take off - Ardh-Saptahik purti - 23 December 2015
ટેક ઓફ
૨૦૧૫નું વર્ષ પૂરું થઈ જાય તે પહેલાં કોઈ પણ કારણસર દૂર થઈ ગયેલા કમસે કમ એક સ્વજન કે દોસ્તનો સંપર્ક કરજો. એની સાથે દિલપૂર્વક, ખૂલીને વાત કરો. ગેરસમજણ થઈ હોય તો દૂર કરો. માફ કરી દો અથવા માફી માગી લો. ટૂંકમાં, પાટા પરથી નીચે ઉતરી ગયેલા સંબંધને પાછો પાટા પર ચડાવી દો. કમસે કમ પ્રયત્ન તો કરો!
વર્ષ પૂરું થવા આવે એટલે આપણે એકાએક ફિલોસોફિકલ બની જઈએ છીએ. આપણી જાતને સવાલ પૂછીએ છીએ કે કેવું ગયું આ વર્ષ? સારું કે ખરાબ કે સાધારણ? શા માટે? શી રીતે અમુક કામ સરસ રીતે થઈ શકયાં? શા માટે અમુક ધારેલાં કામ ન થયાં?વર્ષનો અંત આત્મમંથન અને સ્વમૂલ્યાંકન કરવાનો સમય છે. આગામી નવાં વર્ષમાં શું શું કરવું છે એનું પ્લાનિંગ કરવાનો સમય છે.
દુનિયાભરના ડાહૃાા લોકોએ વર્ષના અંત અને નવા વર્ષના પ્રારંભ વિશે સારી સારી, પાનો ચડાવે એવી વાતો કરી છે. તે ધ્યાનથી સાંભળીએ અને પછી તેને આપણી રીતે ઈન્ટરપ્રીટ તેમજ મોડિફાય કરીએ.
-૨૦૧૫નું વર્ષ પૂરું થવામાં છે. હાથમાં લીધેલાં કામ પૂરાં કરવા માટે અને નવાં શરુ કરવા માટે આપણા હાથમાં હજુ નવ દિવસ છે. આ કંઈ ઓછો સમય ન કહેવાય. આ નવ દિવસમાં બન્ને ચીજ કરો
- જૂના પ્રોજેકટ્સ પૂર પૂર્ણવિરામ મૂકી દેવાની ભરપૂર કોશિશ કરો, શકય હોય તો પૂરા કરી જ નાખો અને સાથે સાથે નવા શરુ કરી દો. નવું કામ હાથમાં લેવા માટે નવું વર્ષ શરુ થાય તેની રાહ જોવાની જરુર નથી.
- આ વર્ષ પૂરું થઈ રહૃાું છે, નવું શરુ થવાનું છે એનો અર્થ એમ કે યાત્રા ચાલુ છે, થંભી ગઈ નથી. વર્ષ પૂરું થવા આવ્યું ને આપણે હજુય સાજા-નરવા-હેમખેમ-જીવતા-ધબકતા છીએ. આ કેટલી મોટી વાત છે. ચિયર્સ! ઈશ્વરનો દિલથી આભાર માનો. ઉપરવાળાએ આપણને જે કંઈ આપ્યંુ છે તે બદલ ધન્યતા અનુભવો.
- ૨૦૧૫નું વર્ષ પૂરું થઈ જાય તે પહેલાં કોઈ પણ કારણસર દૂર થઈ ગયેલા કમસે કમ એક સ્વજન કે દોસ્ત સાથે દિલપૂર્વક,ખૂલીને વાત કરો. ગેરસમજણ થઈ હોય તો દૂર કરો. માફ કરી દો અથવા માફી માગી લો. ટૂંકમાં, પાટા પરથી નીચે ઉતરી ગયેલા સંબંધને પાછો પાટા પર ચડાવી દો. કમસે કમ પ્રયત્ન તો કરો!
- જો બદલાવ ઈચ્છતા હો તો નવું વર્ષ બેસે એની રાહ શું કામ જોવાની? આજનો દિવસ શું ખોટો છે?
- ૩૧મી ડિસેમ્બર કોઈક માટે વર્ષનો અંત છે, કોઈક માટે નવી શરુઆત છે, જ્યારે અમુક ભાગ્યશાળીઓ માટે તે ફકત ઓર એક પરફેકટ દિવસ છે.
- વર્ષનો અંત નથી આરંભબિંદુ કે નથી પૂર્ણવિરામ. આ તો કેવળ નિરંતર ચાલતી પ્રક્રિયાનો હિસ્સો છે. એવી અપેક્ષા જરુર રહે કે આ વર્ષે જે કોઈ અનુભવો મેળવ્યા છે એનંુ ડહાપણ આપણામાં ઉતર્યું હોય. નવા વર્ષને પોઝિટિવ એટિટયુડ સાથે વધાવી લેવાનું હોય અને વિચારવાનું હોય કે ચાલો, અત્યાર સુધી જે કરતાં આવડયું નથી તે કરવાનો ઓર એક મોકો મળ્યો છે.
- થોડા સમયમાં આ વર્ષ પૂરું થશે, નવું વર્ષ આવશે. નવા વર્ષમાંય આપણે ભુલો કરીશું, પણ ભુલોથી ડરવાની જરુર નથી. સાચી દિશામાં થયેલી ભુલો દર્શાવે છે કે આપણે કમસે કમ કશુંક કરવાની, નવું શીખવાની, જીવવાની, ખુદને પુશ કરવાની, ખુદને બદલવાની, આસપાસના માહોલમાં પરિવર્તન લાવવાની કમસે કમ કોશિશ તો કરી છે. પોઝિટિવ ભુલો સાબિત કરે છે કે આપણે, એટલીસ્ટ, સક્રિય છીએ. હાથ પર હાથ ધરીને બેઠા નથી.
- નવું વર્ષ એટલે ૩૬૫ પાનાંની નોટબુકનું પહેલું પાનું. વિદ્યાર્થીઓ જેમ રફ નોટને ફેર નોટથી અલગ રાખતા હોય છે તેમ તમે આવનારાં વર્ષને ફેર બનાવજો, રફ નહીં. સુંદર અને મરોડદાર અક્ષરોથી એનાં પાનાં ભરજો.
- આગામી નવું વર્ષ તમારા માટે કશુંક નવું લાવે એવું ઈચ્છતા હો તો શરીર હલાવો, બુદ્ધિને ઝંઝોળો, કામે લાગો. જસ્ટ એકટ!
- એક વાત દિલની કિતાબ પર લખી નાખોઃ નવા વર્ષનો પ્રત્યેક દિવસ બેસ્ટ જ હોવાનો. સઘળો આધાર તમે એનો કેવી રીતે ઉપયોગ કરો છો તેના પર રહેશે. નવું વર્ષ તમને શું આપે છે એનો સઘળો આધાર એના પર રહે છે કે તમે નવાં વર્ષને શું આપવાના છો.
- જે સપનું ખુલ્લી આંખે જોયા વિનાનો એક પણ દિવસ આ વર્ષે વીત્યો નથી તે સપનાંને આવતાં વર્ષે પણ જાગતું રાખજો.
- જે સપનાં જોવા માગો છે તે જરુર જુઓ. જ્યાં જવા માગો છો ત્યાં જરુર જાઓ. જે બનવા માગો છો તે જરુર બનો. તમે જે ઈચ્છો છો તે શકય બને તે માટે ઉપરવાળો તમને ઓર એક બ્રાન્ડ-ન્યુ વર્ષની ભેટ આપવા જઈ રહૃાો છે. પ્રયત્નો કયારેય છોડતા નહીં.
- જુઓ, નવું વર્ષ સાવ આંખ સામે ઊભું છે ત્યારે તમે જે કરવા માગો છો અથવા તો જે કરવાનાં તમે સપનાં જોયાં છે તે તરફ આગળ વધવાનું પહેલંુ કદમ ભરી જ દો. નીડર બનો. તમને જેની જરુર છે એવી તમામ તાકાત અને તમામ જાદુ નિર્ભયતામાં સમાયેલાં છે.
- નવું વર્ષ શા માટે આવે છે? આત્મામાં નવા રંગો પૂરવા માટે.
- ચાલો, નિર્ણય કરો કે આવતું આખું વર્ષ તમે તમારી નબળાઈઓ પર કે તમે કયાં કાચા પડો છો એના પર નહીં, પણ તમારામાં કેટકેટલી અદભુત શકિતઓ અને શકયતાઓ પડી છે તેના પર ફોકસ કરશો.
- જિંદગીમાં કોઈ પણ વાતનો અફસોસ નહીં રહી જવો જોઈએ કે કાશ, પાંચ-દસ-પંદર-વીસ વર્ષ પહેલાં આમ કર્યું હોત તો કેટલું સારું થાત. આથી નીકળી પડો. આગળ વધો. એકસપ્લોર કરો... અને આનંદો! લક્ષ્યસિદ્ધિ માટે ઈશ્વર તમને ઓર એક વર્ષની ભેટ આપવાનું નક્કી કરી લીધું છે.
- આ વર્ષ પૂરું થતાં જ તમે દીવાલ પરથી કે જૂનુ કેલેન્ડર કાઢી નાખશો. શો અર્થ થયો આનો? એ જ કે તમે નવા વિચારો માટે જગ્યા બનાવી રહૃાા છો.
- આવતા વર્ષે કરવાનાં મહત્ત્વનાં કામનું લિસ્ટ બનાવો પછી એવું નહીં વિચારતા કે ઓહો, આ બધું કરવા માટે હજુ તો આખું વર્ષ પડયું છે.
- માણસ પરિવર્તનશીલ પ્રાણી છે. આપણે સમયની સાથે સતત બદલતા રહેતા હોઈએ છીએ. અલબત્ત, વર્ષો ભલે બદલાયાં કરે,આપણાં મૂળભૂત મૂલ્યો અને સંસ્કાર અકબંધ રહેવાં જોઈએ. સંકલ્પ કરો કે આગામી નવાં વર્ષમાંય તમે તમારાં મૂલ્યોનું જીવની જેમ જતન કરશો.
- સફળ અને સુખી થવા માટે જે કંઈ જરુરી છે તે સઘળું આપણી ભીતર પડયું છે. નવા વર્ષે સંકલ્પ કરજો કે તમે ખુશ રહેશો. બસ,પછી જુઓ કે નિરાશા અને નેગેટિવ લાગણીઓ થાકીને કંટાળીને કેવી તમારાથી દૂર ભાગે છે.
- વર્ષ પૂરું થવા આવે કે આપણે નવાં વર્ષે કયાં સંકલ્પો લેવા તે વિશે વિચારવા લાગીએ છીએ. સંકલ્પ લેતી વખતે સૌ ઉત્સાહમાં હોય છે, પણ ખરી મજા સંકલ્પની ગરમી આખું વર્ષ અનુભવાતી રહે તેમાં છે. સંકલ્પસિદ્ધિ આપણા ચારિત્ર્યની તાકાતનું માપ છે.
- તમે જીવનમાં બદલાવ ઈચ્છતા હશો, પણ દિશા નહીં બદલો તો ૨૦૧૬નું વર્ષ પૂરું થશે તો પણ જ્યાં હતા ત્યાં ને ત્યાં જ રહેશો.
- આવતા વર્ષે આ એક સંકલ્પ કરવા જેવો છેઃ હું રોજ એટલીસ્ટ રોજની પંદર મિનિટ કશુંક સરસ વાંચવા પાછળ ગાળીશ. વર્ષ પૂરું થશે ત્યાં સુધીમાં તમારી જાત પર પડેલો આ વાંચનનો પ્રભાવ તમે સ્પષ્ટપણે જોઈ શકશો.
- જો આપણે આપણી જાતમાં કે આપણા કામમાં પ્રત્યેક અઠવાડિયે ફકત ત્રણ નાના નાના સુધારા કરીશું તો પણ આવતું વર્ષ પૂરું થશે ત્યાં સુધીમાં લગભગ દોઢસો સુધારા કરી નાખ્યા હશે!
- આ એક સંકલ્પ સૌએ લેવા જેવો છેઃ હું ક્ષુલ્લક વાતોમાં બિલકુલ સમય અને શકિત નહીં બગાડું.
- યુવાન એટલે? થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાતને મોડે સુધી મસ્તીથી સેલિબ્રેટ કરી શકે એ. બુઝુર્ગ એટલે? થર્ટી ફર્સ્ટની રાતે મોડે સુધી સેલિબ્રેટ કરવા માટે જેેને ખુદને ધક્કા મારવા પડે એ!
0 0 0
No comments:
Post a Comment