Saturday, April 4, 2015

મલ્ટિપ્લેક્સ : સંઘર્ષ અને સપનાં


Sandesh - Sanskaar Purti - 5 April 2015

મલ્ટિપ્લેક્સ 
પ્રતિભાથી છલકાતા અમદાવાદના ત્રણ જુવાનિયાઓએ 'ગૂંગા પહેલવાન' નામની ડોક્યુમેન્ટરી 
બનાવતી વખતે ક્લ્પના ય કેવી રીતે કરી હોય કે તેમની આ પહેલીવહેલી ફિલ્મ 
નેશનલ અવોર્ડ જીતીને છાકો પાડે દેશે! શું છે આ ગૂંગા પહેલવાનની દાસ્તાન 
અને કોણ છે તેજીલા તોખાર જેવા આ યંગસ્ટર્સ?
                                                   
જુ ગયા અઠવાડિયાની જ વાત. અમદાવાદના ખાનપુર વિસ્તારમાં વિવેક અને 
પ્રતીક નામના ચોવીસેક વર્ષના બે યુવાનો પોતાની ઓફિસમાં બિઝી બિઝી છે. 
ટીવી પર આ વર્ષના નેશનલ એવોર્ડ્ઝ વિજેતાઓનાં નામ એક પછી એક ઘોષિત 
થઈ રહ્યાં છે. 'ક્વીન' માટે કંગના રનૌતને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ, 'મેરી કોમ'ને 
બેસ્ટ પોપ્યુલર ફિલ્મનો એવોર્ડ, 'હૈદર'ને બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન, સિંગર વગેરે 
માટે એવોર્ડ્ઝ... વિવેક કહે છે, "અલ્યા પ્રતીક, નેશનલ એવોર્ડ માટે તો આપણે 
બી એન્ટ્રી મોકલી હતી." 
પ્રતીક માથું ઊંચું કર્યા વિના કહી દે છે, "છોડને લ્યા! ડેડલાઇન માથા 
પર છે. કામ કરને! એવોર્ડવિનર્સનાં નામ પછી જોઈ લઈશું."
વિવેક ડાહ્યોડમરો થઈને પાછો કામમાં ગૂંથાઈ જાય છે. દરમિયાન પ્રતીકનો મોબાઇલ
રણકે છે. સામે છેડે 'બે યાર' અને 'કેવી રીતે જઈશ' જેવી ખૂબ ગાજેલી ગુજરાતી
ફિલ્મના મેકર અભિષેક જૈન છે. પ્રતીકને એકદમ યાદ આવે છે કે અભિષેકનો
કેમેરા અમારી પાસે ક્યારનો પડયો છે, જે હજુ સુધી પાછો અપાયો નથી. મોબાઇલ
કાને માંડીને પ્રતીક કશું સાંભળ્યા વિના કહેવા માંડે છે, "બોસ, બસ, પંદર જ
મિનિટ આપો. મારા માણસને કેમેરા લઈને અબ્બી હાલ તમારી ઓફિસે મોકલું છું." 
અભિષેક કહે છે, "અબ્બે ચૂપ હો જા. કોન્ગ્રેટ્સ." 
પ્રતીક ગૂંચવાય છે, "કેમ?" 
"શું કેમ? તમારી ડોક્યુમેન્ટરીએ નેશનલ એવોર્ડ જીતી લીધો છે!"
"બસ, એ પછીનો અડધો કલાક શું થયું એ મને બિલકુલ યાદ નથી!" પ્રતીક આ કિસ્સો
યાદ કરીને ખડખડાટ હસી પડે છે. કેવી રીતે યાદ હોય! દોસ્તારોની સાથે મળીને જિંદગીમાં
પહેલી જ વાર ડોક્યુમેન્ટરી બનાવી હોય એને ભારતનો સૌથી પ્રતિષ્ઠિત ગણાતો નેશનલ
એવોર્ડ મળી જાય તે ઘટના સપના જેટલી અવાસ્તવિક નથી શું!

                                             
Talented trio: (L to R) Prateek Gupta, Mit Jani and Vivek Chaudhary
'ગૂંગા પહેલવાન' નામની ૪૫ મિનિટની ડોક્યુમેન્ટરીને 'બેસ્ટ ડેબ્યૂ ફિલ્મ ઓફ અ ડિરેક્ટર' (નોન-ફિક્શન) કેટેગરીમાં નેશનલ એવોર્ડ ઘોષિત થયો અને તે સાથે જ આ ફિલ્મને ડિરેક્ટ કરનાર આ ત્રણ ટેલેન્ટેડ યુવાનોનું નામ રાષ્ટ્રીય કક્ષાએ ઊપસી આવ્યું- મીત જાની, પ્રતીક ગુપ્તા અને વિવેક ચૌધરી. મીત મૂળ સુરેન્દ્રનગરનો. પ્રતીક અને વિવેક આમ તો મારવાડી પરિવારના ફરજંદ,પણ એ છે અમદાવાદમાં જન્મીને મોટા થયેલા સવાયા ગુજરાતી. એમના વિશે વધારે વાત કરતાં એ જાણી લઈએ કે ગૂંગા પહેલવાન છે કોણ? આવો સવાલ પૂછવો પડે છે તે એક કમબખ્તી છે. ડોક્યુમેન્ટરીનો એક સૂર આ પણ છે. ગૂંગા પહેલવાન એટલે હરિયાણાના સસરોલી ગામમાં જન્મેલો વિરેન્દર સિંહ, જે કુસ્તીબાજ યા તો રેસ્લર છે, મૂક-બધિર છે અને જેણે ભારતને આંતરરાષ્ટ્રીય કક્ષાના પાંચ-પાંચ મેડલ્સ અપાવ્યા છે. ૨૦૦૫ અને ૨૦૧૨માં અનુક્રમે મેલબોર્ન તેમજ બલ્ગેરિયામાં યોજાયેલા ડેફલિમ્પિક્સ (ખાસ મૂક-બધિરો માટે યોજાતી વિશ્વ ઓલિમ્પિક્સ)માં બંનેમાં ગોલ્ડ મેડલ, ૨૦૦૮માં તાઇવાનમાં આયોજિત ડેફલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ ઉપરાંત ૨૦૦૮ અને ૨૦૧૨માં અનુક્રમે આર્માનિયા તેમજ બલ્ગેરિયાના વર્લ્ડ ડેફ રેસલિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ.

Dangal king : Virender Singh
'ગૂંગા પહેલવાન' ડોક્યુમેન્ટરીમાં વિરેન્દરના સંઘર્ષ અને સપનાંની વાત અફલાતૂન રીતે પેશ થઈ છે. ફિલ્મ એટલી બધી રસપ્રદ બની છે કે જાણે દિલધડક થ્રિલર જોતા હોઈએ એમ આપણે સીટ પર ખોડાઈ જઈએ છીએ. અત્યંત પ્રવાહી નરેટિવ, દર્શકનાં દિલ-દિમાગમાં યોગ્ય જગ્યાએ ઊઠતાં યોગ્ય સ્પંદનો, શ્રેષ્ઠ કક્ષાનું એડિટિંગ, સંગીત અને પૂરક વિઝ્યુઅલ્સનો બુદ્ધિપૂર્વકનો ઉપયોગ, અનુભવી પત્રકારની માફક થયેલું પાક્કું ઇન્વેસ્ટિગેશન - આ બધું જોઈને કલ્પના કરવી મુશ્કેલ થઈ પડે છે કે આ ડોક્યુમેન્ટરી સાવ નવા નિશાળિયાઓએ બનાવી છે. ડુંગળીનાં પડ એક પછી એક ઊતરી રહ્યાં હોય તેમ દર્શકની સામે ધીમે ધીમે ૩૧ વર્ષના ગૂંગા પહેલવાન એટલે કે વિરેન્દર સિંહનું જીવન ક્રમશઃ ઊઘડતું જાય છે. વિરેન્દરનું શરીર બોલિવૂડના હીરોલોગને લઘુતાગ્રંથિનો એટેક આવી જાય એવું સ્નાયુબદ્ધ છે. કમ્યુનિકેટ કરતી વખતે એના હાથની મુદ્રાઓ અને ચહેરાના હાવભાવ એટલાં બોલકાં હોય છે કે સ્ક્રીન પર એનું આખું વ્યકિતત્વ આકર્ષક રીતે જીવંત થઈ ઊઠે છે. એના ચહેરા પર બાળક જેવી નિદોષતા છે અને આંખોમાં ગજબની ચમક છે. મસ્તમૌલા અને ખુશમિજાજ વિરેન્દરની હળવી ફુલ પર્સનાલિટીમાં બિચારાપણું, ફરિયાદ કે સહાનુભૂતિ ઊઘરાવવાની વૃત્તિનો અંશ માત્ર નથી. મોટિવેશનલ કવોલિટી આ ડોક્યુમેન્ટરીનો એક મોટો પ્લસ પોઈન્ટ છે.


"આ ડોક્યુમેન્ટરીની અમારી સફરની શરૂઆત વિવેકે ગૂંગા પહેલવાન વિશે એક લેખ વાંચેલો હતો ત્યારથી થઈ હતી." પ્રતીક કહે છે, "સપ્ટેમ્બર ૨૦૧૨માંં 'મિન્ટ' અખબારની લાઉન્જ પૂર્તિમાં 'ટફ-ઈનફ' નામનો આ લેખ છપાયો હતો. વિવેકે તે લેખ અમારી સાથે શેર કર્યો. અમને આખી વાત બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી. અમે ગૂગલ સર્ચ કરી જોયું. તમે માનશો,ગૂગલ પર તે વખતે ગૂંગા પહેલવાન વિશે ફક્ત એક જ લેખ અને એક જ ફોટો હતા. ધેટ્સ ઇટ. બહુ નવાઈ લાગે એવી આ વાત હતી. ડોક્યુમેન્ટરી બનાવવા માટે અમને ગૂંગા પહેલવાન પરફેક્ટ વિષય લાગ્યો."
હજુ આગલા વર્ષે જ અમદાવાદની એચ.એલ. કોલેજમાંથી કોમર્સ ગ્રેજ્યુએટ થયેલા આ છોકરાઓ ડોક્યુમેન્ટરીના રવાડે કેવી રીતે ચડી ગયા? વિવેક કહે છે, "કોલેજમાં અમારું નવેક જણાનું ગ્રૂપ ફર્સ્ટ યરથી જ એક્સ્ટ્રા-કરિક્યુલર એક્ટિવિટીઝમાં ભાગ લેવા માંડયું હતું. નિરમા કોલેજના હોરાઇઝોન ફેસ્ટિવલમાં કેટલીય કોમ્પિટિશનમાં ભાગ લઈને અમે બેસ્ટ કોલેજ ઓફ ધ યરનો એવોર્ડ સુધ્ધાં જીતી લાવેલા. અમારા માટે આ આખો અનુભવ ર્ટિંનગ પોઇન્ટ જેવો બની રહ્યો. સેકન્ડ યરમાં સૌમ્ય જોશીના ડિરેક્શનમાં'કેમ અને ક્યાં સુધી?' નામનું સ્ટ્રીટ પ્લે ભજવ્યું, આઈઆઈએમમાં મહેશ દત્તાણીનું ગે-લેસ્બિયનની થીમવાળું 'ઓન અ મગી નાઇટ ઇન મુંબઈ' નામનું ઇંગ્લિશ પ્લે પર્ફોર્મ કર્યું. અમે આખો દિવસ કોલેજ કેમ્પસમાં જ હોઈએ, પણ કલાસમાં લેકચર નહીં ભરવાના. ફર્સ્ટ યરમાં મારી અટેન્ડન્સ ૨૦ ટકા હતી, સેક્ન્ડ યરમાં ૧૧ ટકા અને થર્ડ યરમાં ૯ ટકા! છતાંય અમે સારી રીતે પાસ તો થઈ જ જતા."

                                         
આ વર્ષોમાં જ તેઓ દૃષ્ટિ મીડિયા આર્ટ્સ ફોર હ્યુમન રાઇટ્સ નામની એનજીઓ સાથે સંકળાયા. આ એનજીઓ અમદાવાદમાં દર વર્ષે ડોક્યુમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલ યોજે છે. કોલેજનાં ત્રણેય વર્ષો દરમિયાન મીત, વિવેક, પ્રતીક એન્ડ પાર્ટીએ પૂરજોશથી આ ઇવેન્ટમાં ઝુકાવી દીધું. મહેમાનોને એરપોર્ટ પર રિસીવ કરવાથી માંડીને જ્યુરી મેમ્બર બનવા સુધીની કામગીરી બજાવી. જાતજાતના વિષયો પર બનેલી દુનિયાભરની શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી જોવાનો તેમને મોકો મળ્યો. આ એક્સપોઝર તેમના માટે નિર્ણાયક સાબિત થયો. દુનિયાને જોવાની-સમજવાની તેમની
 દૃષ્ટિ ખૂલતી ગઈ. કોલેજના થર્ડ યર દરમિયાન જ તેમણે લગભગ નક્કી કરી નાખ્યું હતું: કંઈ પણ થાય, આપણે પણ એકાદ ડોક્યુમેન્ટરી તો બનાવીશું જ! સદભાગ્યે દષ્ટિમાં તેમને ડોક્યુમેન્ટરી મેકિંગની ટેક્નિકલ ટ્રેનિંગ મળી શકી. ૨૦૧૨માં મીત, પ્રતીક અને આયુષ નામના ઓર એક દૃોસ્તે સાથે મળીને 'મિંયા મહાદેવ' નામની શોર્ટ ફિલ્મ ડિરેકટ કરી. ગોધરાકાંડ પછી અમદાવાદમાં પેદા થયેલી કોમી પરિસ્થિતિ પર અને પછી ઉત્તરપ્રદેશના લેન્ડ માફિયા પર ફિલ્મ બનાવવાનો વિચાર ર્ક્યો હતો, પણ મીત-પ્રતીક-ગૌરવની ત્રિપુટીની પહેલી ડોક્યુમેન્ટરીની કુંડળીમાં ગૂંગો પહેલવાન લખાયો હતો. આ સબ્જેકટ કામ કરવાનું શરૂ કર્યું ત્યારે મીત અને પ્રતીક સીએની ફાઇનલ એક્ઝામ ક્લિયર કરી ચૂક્યા હતા, જ્યારે વિવેક દિલ્હીની પ્રતિષ્ઠિત ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાં એમબીએનું ભણી રહ્યો હતો.

                                     
Directors at work
રિસર્ચ શરૂ થયું. 'મિન્ટ'માં પેલો લેખ લખનાર રુદ્રનીલ સેનગુપ્તા નામના પત્રકારે (કે જે રેસ્લિંગના વિષય પર પુસ્તક્ લખી રહ્યા છે) પોતાના કોન્ટેક્ટ્સનું આખું લિસ્ટ આ ત્રિપુટી સાથે શેર ર્ક્યું.  વિષયને વ્યવસ્થિત સમજવા માટે શરૂઆતમાં તેઓ કેમેરા વગર અલગ અલગ લોકોને મળ્યા. ગૂંગા પહેલવાનના પરિવારના સભ્યો (એના પિતા અને કાકા પણ કુસ્તીબાજ છે), બબ્બે વાર ઓલિમ્પિક મેડલ જીતી લાવનાર કુસ્તીબાજ સુશીલ કુમાર, સુશીલ કુમારના અર્જુન એવોર્ડવિજેતા રેસ્લર ગુરુ સતપાલ સિંહ, કુસ્તીના જુદા જુદા અસોસિએશનના પદાધિકારીઓ, સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીના સાહેબો, અમલદારો વગેરે. જડબેસલાક માહિતી મેળવવા માટે તેમણે રાઇટ-ટુ-ઇન્ફર્મેશન એક્ટનો ઉપયોગ કર્યો અને એકાદ જાહેર હિતની અરજી પણ ફટકારી. સરકારી સાહેબલોકોનો ઉપેક્ષાભર્યો અભિગમ તેમજ અજ્ઞાાન ચોંકાવનારા હતા. મૂક-બધિર કુસ્તીબાજોએ મુખ્ય ઓલિમ્પિક્સમાં ભાગ લીધો હોય તેવા એક કરતાં વધારે કિસ્સા બની ચૂક્યા છે,છતાં ગૂંગા પહેલવાનને ઓલિમ્પિક્સમાં ન જ મોકલવામાં આવ્યો. હરિયાણાના તત્કાલીન મુખ્યપ્રધાન ભૂપેન્દરસિંહ હુડાએ વચન આપ્યું હતંુ કે જો વિરેન્દર ૨૦૧૨ના ડેફલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતી લાવશે તો સરકારી પોલિસીના ભાગ રૂપે પાંચ કરોડ રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવશે. આ નાણું હજુય કેવળ કાગળ પર જ છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ બબ્બે વખત સુવર્ણપદક જીતનાર વિરેન્દરે આજની તારીખેય છત્રસાલ સ્ટેડિયમના અખાડામાં બીજા ચૌદ કુસ્તીબાજો સાથે ગંદો રૂમ શેર કરવો પડે છે.
                             
                                   
 
                                           
પ્રતીક કહે છે, "શરુઆતમાં અમારા મનમાં ડોક્યુમેન્ટરીનો ટોન ગૂંગા પહેલવાન પ્રત્યે લોકોને સહાનુભૂતિ ઊપજે એ પ્રકારનો રાખવાનો હતો, પણ વિરેન્દરની સાથે સમય વિતાવ્યા પછી અમને લાગ્યું કે એના જેવા રમતિયાળ, જીવંત અને બિન્ધાસ્ત માણસની ડોક્યુમેન્ટરી સેડ હોઈ જ ન શકે. આથી અમે ફિલ્મનો ટોન ઉદાસીભર્યો નહીં, પણ આશાભર્યો રાખ્યો."
 દૃષ્ટિ મીડિયા ડોક્યુમેન્ટરીનું ઓફિશિયલ પ્રોડયુસર બન્યું. જોકે, તેના તરફથી મળેલા સાડાત્રણ લાખ રૂપિયા પૂરતા નહોતા એટલે ચારેક લાખ ખિસ્સામાંથી કાઢવા પડયા. એપ્રિલથી ઓગસ્ટ-૨૦૧૩ દરમિયાન ભરપૂર શૂટિંગ થયું. લગભગ ૮૩ કલાકનું ફૂટેજ હતું, જે ફર્સ્ટ ક્ટમાં એક ક્લાક ત્રણ મિનિટ જેટલું સંકોચવામાં આવ્યું. અગાઉ શોર્ટ ફિલ્મ્સ બનાવી ચુકેલા પ્રતીક્ પાસે  એડિિંટગનો થોડોઘણો અનુભવ અને સૂઝ બન્ને હોવાથી આ કામ એ જ કરે એવું નક્કી થયું હતું. જિમી દેસાઈ નામના પ્રોફેશનલ એડિટર તેની સાથે જોડાયા. ફિલ્મનો બીજો ક્ટ ૫૩ મિનિટનો બન્યો.
કેરળના બે અલગ-અલગ પ્રતિષ્ઠિત ડોક્યુમેન્ટરી ફેસ્ટિવલમાં દેશવિદેશના ટોચના ડોક્યુમેન્ટરી મેકર્સની ફિલ્મોની સાથે સાથે સુંદર મોટિવેશનલ ક્વોલિટી ધરાવતી 'ગૂંગા પહેલવાન'નું સ્ક્રીનિંગ થયું. ફિલ્મ ખૂબ વખણાઈ. નંદન સકસેના નામના બબ્બે વખતે નેશનલ અવોર્ડ જીતી ચુકેલા ડોક્યુમેન્ટરી મેકરથી લઈને રાજકુમાર હિરાણી સુધીના મહત્ત્વના લોકોના ફીડબેક તેમજ માર્ગદર્શન મળ્યું. ડોક્યુમેન્ટરી ઓર ટૂંકાવીને ૪૫ મિનિટમાં સમેટી લેવામાં આવી.  આજ સુધીમાં કુલ પાંચ દેશોના કુલ ૧૩ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં 'ગૂંગા પહેલવાન'નું સ્ક્રીનિંગ થઈ ચૂક્યું છે. નેશનલ એવોર્ડ માટે એન્ટ્રી મોકલી ત્યારે ડેડલાઇન લગભગ ચુકાઈ જવાની અણી પર હતી,પણ સદભાગ્યે એન્ટ્રી સ્વીકારાઈ અને પછી જે બન્યું તે ઇતિહાસ છે.

                                             
Artist and their muse: (L to R) Vivek Chaudhary, Goonga Pehalwan, Prateek Gupta and Mit Jani
મીત, પ્રતીક અને વિવેક અમદાવાદમાં 'વીડિયોવાલા' નામની કંપની ચલાવે છે, કોર્પોરેટ ફિલ્મ્સ બનાવે છે. ચાર્ટર્ડ અકાઉન્ટન્સી અને એમબીએ હવે હાંસિયામાં ધકેલાઈ ગયા છે. નેચરલી. મીત કહે છે, "નેક્સ્ટ ડોક્યુમેન્ટરી માટે અમે બે-એક વિષય હાલ પૂરતા શોર્ટલિસ્ટ કરી રાખ્યા છે, પણ એનું રિસર્ચ વગેરે ૨૦૧૬માં શરૂ કરીશું. ફિલ્મ બનાવતા પહેલાં પૈસા પણ કમાવા પડશેને!"
બિલકુલ. કદાચ થોડાં વર્ષો પછી ફિક્શન તરફ પણ ગતિ થાય. નેક્સ્ટ લોજિકલ સ્ટેપ તો ફીચર ફિલ્મ જ છે. ઓલ ધ બેસ્ટ!

0 0 0 

Wednesday, April 1, 2015

ટેક ઓફ : મૂર્ખોપનિષદ

Sandesh - Ardh Saptahik Purti - 1 April 2015
ટેક ઓફ 
"પુત્ર મૂર્ખ પાકે એના કરતાં એ જન્મતાંની સાથે જ સ્વર્ગે સિધાવી જાય તે વધારે સારું ગણાય, કેમ કે મૃત્યુ પામેલો પુત્ર થોડા સમય માટે જ પીડા આપે છે, જ્યારે મૂર્ખ આખું જીવન બાળતો રહે છે."

પ્રિલ ફૂલ્સ ડેનો સંબંધ નિર્દોષભાવે થતી બેવકૂફી સાથે છે, ગંભીર કક્ષાની મૂર્ખતા સાથે નહીં. કૂટનીતિજ્ઞા ચાણક્યને મૂર્ખતા સામે એટલો બધો વાંધો હતો કે આજે જો તેઓ જીવતા હોત તો કદાચ ફર્સ્ટ એપ્રિલની બિલકુલ નિરુપદ્રવી ઉજવણી પર પણ પ્રતિબંધ મુકાવી દીધો હોત. આશરે ૨૩૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલા ચાણક્ય અતિ વિચક્ષણ વ્યક્તિત્વ હતું. એમના જેવો હાઈલી ઓપિનિએટેડ માણસ જડવો મુશ્કેલ છે. અમુક વિષયોમાં તેમનાં મંતવ્યો આજે આપણને આત્યંતિક લાગે છે. ખાસ કરીને સ્ત્રી વિશેના તેમના અમુક વિચારો ખૂબ આકરા લાગે એવા છે. આપણને થાય કે ચાણક્યને સ્ત્રીઓના એવા તો કેવા અનુભવો થયા હશે અથવા તો એમણે એવાં તો કેવાં નિરીક્ષણો કર્યાં હશે કે સ્ત્રીને એ આટલી નિમ્ન દૃષ્ટિએ જુએ છે. ખેર, ચાણક્યના જે વિચારો સાથે સહમત થઈ શકાતું ન હોય તેને બાજુ પર મૂકીને સિલેક્ટિવ રીડિંગ કરતાં જઈએ તો ચાણક્યનું નીતિશાસ્ત્ર આજે પણ પ્રસ્તુત લાગે છે. આવતી કાલે પણ લાગવાનું. વિરાટ પ્રતિભા ધરાવતા ઇતિહાસપુરુષના ડહાપણનું આ જ તો પ્રમુખ લક્ષણ છે. 
વાત મૂર્ખતા વિશે થઈ રહી હતી. ચાણક્યનીતિમાં મૂર્ખ વ્યક્તિ અને મૂર્ખતા વિશે કેટલાંય શ્લોક અથવા સૂત્ર છે. મૂળ સંસ્કૃત ઉક્તિ ટાંકવાને બદલે સીધા ભાવાનુવાદ જ જોઈએ. એક જગ્યાએ ચાણક્ય કહે છેઃ
"સાપ, રાજા, સિંહ, કીડા, બાળક, બીજાનાં કૂતરાં અને મૂર્ખ - આ સાત સૂતાં જ સારાં."
જેમ સાવજ, સાપ, અજાણ્યાં કૂતરાં અને જીવજંતુથી દૂર રહેવું જોઈએ તેમ રાજા (અથવા આધુનિક જમાનામાં બોસ) અને મૂર્ખ માણસથી પણ જેટલાં આઘા રહેવાય એટલું સારું. આ બધાં સૂતા હોય ત્યાં સુધી શાંતિ રહે છે, પણ જેવાં એ જાગીને સક્રિય થયાં કે માર્યા ઠાર. આ બધાં ટેમ્પરામેન્ટલ જીવ છે. ક્યારે શું કરી બેસે તે નક્કી નહીં. કજિયા કરી કરીને આખું ઘર માથે લેતું નાનું બાળક સૂતું હોય ત્યારે જ સ્વીટ લાગે છે!
"અગ્નિ, પાણી, સ્ત્રી, મૂર્ખ, સાપ અને રાજા સાથે નિકટતા ધરાવનારા સાથે સંબંધ બાંધતી વખતે સાવધાની રાખવી, કેમ કે આ છ તરત પ્રાણ હરી લઈ શકે છે."
કહે છેને કે આગ સાથે રમત ન કરાય. અજાણ્યા પાણીમાં ધુબાકો ન મરાય. ચાણક્ય કહે છે કે રાજા યા તો બોસના ખાસ માણસ સાથે દોસ્તી ટકી રહે ત્યાં સુધી બધું બરાબર છે, પણ જો એની સાથે વાંકું પડયું તો બોસ પાસે તમારા વિરુદ્ધ કાનભંભેરણી થઈ જ સમજો. મૂર્ખ માણસની મૂર્ખાઈ બીજા માટે જીવલેણ નીવડી શકે છે. ચાણક્ય આ લિસ્ટમાં સ્ત્રીને પણ ઉમેરે છે. અહીં સ્ત્રી એટલે કુટિલ અને તમારું સત્ત્વ હણી નાખે એવી હાર્મફુલ સ્ત્રી. કુટિલ અને હાર્મફુલ પુરુષથી પણ દૂર જ રહેવાનું હોય.
"માંસ ખાનારા, શરાબ પીનારા અને અભણ મૂર્ખાઓ જેવાં માનવ રૂપધારી પશુઓના ભારથી પૃથ્વી દુઃખી રહે છે."
માંસ-મદિરાના સખત વિરોધી ચાણક્યના મતે સ્વયં ધરતીમાતાને પણ મૂર્ખ માણસનો ભાર વેંઢારવામાં તકલીફ પડે છે! ઊંચા અને મહત્ત્વના પદે બુદ્ધિમાન વ્યક્તિ જ બેઠી હોય તે જરૂરી નથી. ક્યારેક નસીબનો બળિયો મૂરખો પણ સારી પોઝિશન પર ગોઠવાઈ જાય છે. એ તો ઠીક, એને સાચુંખોટું માનપાન પણ મળવા લાગે છે. તેથી જ ચાણક્ય કહે છે કે-
"જ્યાં મૂર્ખાઓનું સન્માન થતું નથી, ત્યાં અન્નના ભંડારને સુરક્ષિત રાખવામાં આવે છે અને જ્યાં સ્ત્રી-પુરુષ વચ્ચે ઝઘડા થતા નથી ત્યાં લક્ષ્મી સ્વયં પગલાં પાડે છે."
વ્યવસ્થિત ગોડાઉન ન હોવાને કારણે યા તો સંગ્રહ કરવાની પૂરતી વ્યવસ્થાના અભાવે અનાજ સડી જવાના કિસ્સા આપણે ત્યાં સતત બનતા રહે છે. આવી સ્થિતિમાં રિદ્ધિ-સિદ્ધિ કેવી રીતે આવે. પતિ-પત્ની એકબીજાને કમ્પેટિબલ હોય, એકબીજા પ્રત્યે જેન્યુઈન પ્રેમ અને આદર હોય તેમજ હૂંફાળી મિત્રતા જળવાઈ રહી હોય તો ઘર સુખ સમૃદ્ધિથી છલકાઈ જાય છે. અરે, સ્વર્ગ સ્વયં એડ્રેસ પૂછતંુ ઘરે પહોંચી જાય છે. સ્વર્ગમાં મૂર્ખનું કોઈ સ્થાન નથી. ચાણક્યને તો સ્વર્ગમાં તો ઠીક ઘરમાં પણ મૂર્ખની હાજરી મંજૂર નથી. કહે છે-
"એવી ગાયથી શો લાભ જે ન દૂધ આપે કે ન વાછડાં જણે. એવા પુત્રનો શો ફાયદો જે ન બુદ્ધિશાળી હોય કે ન ઈશ્વરનો ભક્ત હોય."
ચાણક્ય આગળ વધીને આકરું વિધાન કરી નાખે છે-
"પુત્ર મૂર્ખ પાકે એના કરતાં એ જન્મતાંની સાથે જ સ્વર્ગે સિધાવી જાય તે વધારે સારું ગણાય, કેમ કે મૃત્યુ પામેલો પુત્ર થોડા સમય માટે જ પીડા આપે છે, જ્યારે મૂર્ખ આખું જીવન બાળતો રહે છે."
કેવળ બીમારી નહીં, બીજી એવી ઘણી બાબતો છે જે ખબર ન પડે તેમ શરીરને અંદરથી ધીમે ધીમે ખતમ કરી નાખે છે. કઈ બાબતો?
"ખરાબ ગામમાં વાસ, નીચ કુળની સેવા, ખરાબ ભોજન, ઝઘડાળુ પત્ની, મૂર્ખ પુત્ર અને વિધવા પુત્રી - આ છ વગર આગે શરીરને બાળી નાખે છે."
અહીં ખરાબ ગામ એટલે ખરાબ લોકાલિટી. યાદ રહે, આ સૂત્રો સદીઓ પહેલાં લખાયાં છે કે જ્યારે વર્ણવ્યવસ્થા સજ્જડ હતી,ઊંચ-નીચના ભેદભાવ સંપૂર્ણ હતા અને સ્ત્રી-સ્વાતંત્ર્ય કે વિધવાવિવાહનો વિચાર પણ કરી શકાતો નહોતો. વિધવા પુત્રીની માફક મૂર્ખ પુત્રની ફિકર કરી કરીને બાપ અડધો થઈ જાય છે. અલબત્ત, સાવ એવુંય નથી કે મૂર્ખ માણસ સાથે ડીલ કરી જ ન શકાય.
"લોભીને ધનથી, ઘમંડીને હાથ જોડીને, મૂર્ખ સાથે એને અનુકૂળ વર્તન કરીને અને પંડિતને સચ્ચાઈથી વશમાં કરી શકાય છે."

આદર્શ સ્થિતિ તો એ છે કે મૂર્ખ સાથે ડીલ કરવી જ ન પડે. આવા માણસને છેટેથી જ નમસ્કાર કરી દેવા.
"મૂર્ખથી બચવું જોઈએ, કેમ કે ઉપરવાળાએ ભલે એને માણસનું શરીર આપ્યું, પણ મૂળ એ છે તો બે પગવાળું જનાવર જ. જેમ કાંટા અંધ વ્યક્તિના પગમાં ખૂંચે છે તેમ મૂર્ખ વ્યક્તિનાં વેણ પણ સામેની વ્યક્તિને ખૂંચી જાય છે."
સ્વામી સચ્ચિદાનંદે 'ચાણક્યની રાજનીતિ' નામનું સુંદર પુસ્તક લખ્યું છે. શાસકે અથવા રાષ્ટ્રનેતાએ કઈ રીતે શાસન ચલાવવું એ મુદ્દો તેના કેન્દ્રમાં છે. (આ પુસ્તક સ્વામીજીએ નરેન્દ્ર મોદીને અર્પણ કર્યું છે!) અહીં પણ ચાણક્યના આ જ ઢાળનાં કેટલાંક સૂત્ર નોંધાયાં છે. જેમ કે-
"મૂર્ખાઓ ન કહેવા જેવી વાતને ગમે ત્યારે ગમે તેની પાસે બોલી નાખે છે."
મૂર્ખ માણસને બોલવાનું ભાન હોતું નથી. કોઈએ એના પર ભરોસો મૂકીને બહુ જ અંગત વાત કહી હોય તો પણ એ બીજાઓ સામે બકી નાખે છે. મૂર્ખ માણસમાં સંવેદનશીલતાની પણ કમી હોય છે. એના કડવાં વેણ સામેવાળાને ખૂંચી જાય છે. સાચી વાત કડવી લાગે તે એક વાત છે, જ્યારે મૂર્ખ માણસ દ્વારા અણઘડ રીતે ફેંકવામાં આવેલી સાવ ખોટી વાતોથી આકળવિકળ થઈ જવું તદ્દન જુદી બાબત છે. તેથી જ ચાણક્યે કહ્યું છે કે નાસ્ત્યધીમતઃ સખા. અર્થાત્ મૂર્ખને કોઈ મિત્ર નથી હોતો. એની સાથે દલીલબાજી કરવાનો પણ કોઈ મતલબ નથી.
"જ્ઞાાની, મૂર્ખ, મિત્ર, ગુરુ અને સ્વામી સાથે વિવાદ કરવો નહીં." 
જ્ઞાાની માણસ અને આપણને જ્ઞાાન આપનાર ગુરુ સાથે ચર્ચા કરી શકાય,પણ જો વિવાદ કરવા બેસીએ તો આપણે જ નાદાન દેખાઈએ. દલીલબાજી ક્યારેક અતિ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે છે. એનાથી મૈત્રીમાં તિરાડ પણ પડી શકે છે. મૂર્ખ સામે ગમે તેટલી આર્ગ્યુમેન્ટ કરીશું, હાર તો આપણી જ થવાની છે. હવે આજનું છેલ્લું ચાણક્ય સૂત્રઃ
"મૂર્ખાઓ દાન પણ કકળીને આપે છે."
આવા દાનનો શો મતલબ? પોતાનો ને સામેના માણસનો જીવ બાળીને દાન આપવા કરતાં દાન ન દેવું સારું. એનાથી કોઈનું ભલું થતું નથી. આવા મહામૂર્ખ લોકો સાથે ક્યારેય પનારો ન પડે એવી પ્રાર્થના અને આજનો એપ્રિલ ફૂલનો આખો દિવસ હસતાંરમતાં વીતે એવી કામના!
0 0 0 

Saturday, March 28, 2015

મલ્ટિપ્લેક્સ : ડિપ્રેશન, ડિબેટ અને દીપિકા

Sandesh - Ardh Saptahik Purti - 29 March 2015
મલ્ટિપ્લેક્સ 

દીપિકા પદુકોણે માનસિક દર્દીઓની મદદ માટે એણે જે સંસ્થા સ્થાપી છે એ કેટલી જેન્યુઈન હોવાની?શુ એ મેન્ટલ હેલ્થનો ઝંડો પબ્લિસિટી માટે ફરકાવી રહી છે? વાંકદેખા એવુંય કહેવાના કે આવું કરવાના એને પૈસા મળ્યા હશે.  હકીકત એ છે કે નંબર વન હિરોઈન બન્યા પછી દીપિકા ડિપ્રેશન નામના નર્કમાં જઈને પાછી ફરી છે. એના આશય અને પ્રયત્નો વિશે શંકા-કુશંકા કરવાનો મતલબ નથી. મેન્ટલ હેલ્થની વ્યાપક સમસ્યા વિશે નક્કરપણે પોતાનાથી થાય એટલું કરવા માગતી દીપિકાના આશયમાં કશી બનાવટ નથી એવું આપણે સ્વીકારી લઈએ. દીપિકાને ડિપ્રેશન દરમિયાન એક્ઝેક્ટલી શું થયું હતું? આ સવાલનો જવાબ વિગતે જાણવા જેવો છે, કેમ કે એના જેવી માનસિક બીમારી કોઈને પણ થઈ શકે છે.


થોડા અરસા પહેલાં દીપિકા પાદુકોણે એક એવી અંગત વાત જાહેર કરી હતી કે તે સાંભળીને સૌ ચોંકી ઊઠયા હતા. ૨૦૧૩ એટલે દીપિકાની કરિયરનું બેસ્ટ યર. 'રેસ-૨', 'યે જવાની હૈ દીવાની', 'ચેન્નાઈ એક્સપ્રેસ' અને 'રામલીલા' જેવી બેક-ટુ-બેક સુપરહિટ ફિલ્મો આપીને એ અધિકારપૂર્વક નંબર વન પોઝિશન પર પહોંચી ગઈ હતી. એણે ઢગલાબંધ એવોર્ડ્ઝ જીત્યા. પર્સનલ લાઇફ પણ સરસ જઈ રહી. આવા યાદગાર વર્ષનું મીઠું હેંગઓવર મહિનાઓ સુધી અકબંધ રહેવું જોઈતું હતું. બન્યું એના કરતાં વિપરીત. ૨૦૧૪ના પ્રારંભમાં જ એ ડિપ્રેશનનો ભોગ બની. ડિપ્રેશન એટલે એક પ્રકારનો માનસિક રોગ, જેમાં માણસને તીવ્ર બેચેની લાગે અને ભયંકર ખાલીપાની લાગણી જીવવું ઝેર કરી નાખે.
સામાન્યપણે માનસિક બીમારીની વાત છુપાવવામાં આવતી હોય છે, કેમ કે આપણા સમાજમાં માનસિક દર્દી એટલે પાગલ એવી એક ભ્રામક છાપ છે. આમ છતાંય નોર્મલ થઈ ગયા પછી દીપિકાએ હિંમતભેર એક અખબારને પોતાના ડિપ્રેશન વિશે ઇન્ટરવ્યૂ આપ્યો. બોલિવૂડ અને આમજનતા સૌ આંચકો ખાઈ ગયાં કે દીપિકા પાદુકોણ જેવી સુપર સક્સેસફુલ અને ટોપ એક્ટ્રેસને કઈ વાતનું ડિપ્રેશન હોઈ શકે? લેટેસ્ટ સમાચાર એ છે કે દીપિકાએ એક ડગલું આગળ વધીને ડિપ્રેશન તેમજ અન્ય માનસિક બીમારીઓના દર્દીઓની મદદ માટે સંસ્થા સ્થાપી છે. એનું નામ રાખ્યું છે, લિવ-લાફ-લવ ફાઉન્ડેશન. તાજેતરમાં એણે એક ટીવી ચેનલ પર ડિપ્રેશનના પોતાના પીડાદાયી અનુભવ વિશે ઝીણવટભેર વાત કરી હતી.
કહેનારાઓ કહેવાના કે દીપિકા આ બધું પબ્લિસિટી ખાતર કરી રહી છે. વાંકદેખા એવુંય કહેવાના કે દીપિકા માનસિક બીમારીના કોઝનો ઝંડો લઈને એટલા માટે ફરી રહી છે કે એને આવું કરવાના પૈસા મળ્યા હશે. એણે જે ફાઉન્ડેશન સ્થાપ્યું છે એ કેટલું જેન્યુઇન છે તે વિશેય શંકા થવાની. ખેર, આ પ્રકારની શંકા-કુશંકાનો આ તબક્કે કશો મતલબ નથી. મેન્ટલ હેલ્થની વ્યાપક સમસ્યા વિશે નક્કરપણે પોતાનાથી થાય એટલું કરવા માગતી દીપિકાના આશયમાં કશી બનાવટ નથી એવું આપણે સ્વીકારી લઈએ છીએ. દીપિકાને ડિપ્રેશન દરમિયાન એક્ઝેક્ટલી શું થયું હતું? આ સવાલનો જવાબ વિગતે જાણવા જેવો છે, કેમ કે દીપિકા જેવી માનસિક બીમારી કોઈને પણ થઈ શકે છે.
"ગયા વર્ષની પંદરમી ફેબ્રુઆરીની વાત છે," દીપિકા પાક્કી તારીખ ટાંકીને વાત કરે છે, "તે સવારે હું રોજની જેમ ઊઠી તો ખરી, પણ ઊઠયા પછી ખબર જ ન પડે કે મારે શું કરવાનું છે, ક્યાં જવાનું છે. એટલી બધી ખરાબ ફીલિંગ થવા લાગી કે હું ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. આ પહેલી વાર નહોતું. આવું મને છેલ્લાં કેટલાય સમયથી થઈ રહ્યું હતું."
દીપિકા મુંબઈમાં એકલી રહે છે. સદ્ભાગ્યે તે દિવસોમાં દીપિકાનાં મમ્મી-પપ્પા અને નાની બહેન અનિશા બેંગલુરુથી મુંબઈ એનાં ત્યાં આવ્યાં હતાં. ઇન ફેક્ટ, તેઓ એ દિવસે પાછાં બેંગલુરુ જવાનાં હતાં. પરિવાર મુંબઈ આવ્યો હોય અથવા દીપિકા બેંગલુરુ ગઈ હોય ત્યારે વિખૂટા પડતી વખતે થોડા ઢીલા પડી જવું સ્વાભાવિક છે, પણ આ વખતે એરપોર્ટ જવાના થોડા કલાકો પહેલાં દીપિકા મમ્મી-પપ્પા પાસે બેઠી હતી ત્યારે હીબકાં ભરીને રડવા લાગી. માંડ શાંત થઈ. થોડી વાર પછી પાછી મોટે મોટેથી રડી પડી. અઢાર વર્ષની ઉંમરથી દીપિકા પોતાના પગ પર ઊભી થઈ ગઈ છે. ખૂબ મજબૂત મનની છોકરી છે એ. તેથી જ આજે એ જે રીતે વારે વારે રડી પડતી હતી તે જોઈને મમ્મીને અજુગતું લાગ્યું. એમણે દીકરીને પાસે બેસાડીને પ્રેમથી પૂછયું કે બેટા, શું વાત છે? કેમ આજે આટલું બધું રડે છે? કોઈએ તને કશું કહ્યું? પર્સનલ લાઇફમાં કોઈ પ્રોબ્લેમ છે? દીપિકાએ કહ્યું કે મમ્મી, કશો જ પ્રોબ્લેમ નથી, બધું જ બરાબર છે. દીપિકાને ખુદને સમજાતું નથી કે આજે એને શું થઈ રહ્યુંં છે. મમ્મીએ ત્વરીત નિર્ણય લઈ લીધો. તેમણે પતિ પ્રકાશ પાદુકોણ (વિખ્યાત બેડમિન્ટન પ્લેયર)ને કહ્યું: દીપિકાની હાલત ઠીક નથી લાગતી. એક કામ કરો, તમે નાની અનિશાને લઈને બેંગલુરુ નીકળો, હું દીપિકા પાસે રોકાઈ જાઉં છું. 

  
"અને મમ્મી એક આખો મહિનો સતત મારી સાથે રહી," દીપિકા કહે છે, "પણ આની પહેલાંના દિવસો ભયંકર હતા. ક્યારેક હું ખુશ હોઉં ને પછી ઓચિંતા રડવા માંડું. સેટ પર એકાએક મારી વેનિટી વેનમાં દોડીને એકલી એકલી રડયા કરું. એરપોર્ટ પર પ્લેનની રાહ જોતી હોઉં ત્યારે પણ આવું થાય. લોકોની નજરથી બચવા વોશરૂમ તરફ દોડીને દરવાજો અંદરથી લોક કરી ફૂટી ફૂટીને રડતી રહું. એક વાર મારે દિલ્હીમાં એક ઇવેન્ટમાં બોલવા જવાનું હતું. લેક્ચર પહેલાં હું હોટલની રૂમમાં એટલું બધું રડી. પછી માંડ માંડ સ્વસ્થ થઈ, મેકઅપ ઠીક કરી, ચહેરા પર સ્માઇલ લાવી ઇવેન્ટમાં પહોંચી. વક્રતા જુઓ, મારે તે દિવસે 'નંબર વન હિરોઇન હોવું એટલે શું' તે વિષય પર બોલવાનું હતું! હું અમેરિકા ફક્ત એક એવોર્ડ લેવા માટે ફંક્શન એટેન્ડ કરવા ગઈ હતી. મને એમ કે મુંબઈના માહોલથી દૂર રહીશ તો જરા ચેઇન્જ જેવું લાગશે. ત્યાં લોકોની વચ્ચે હોઉં ત્યાં સુધી બધું ઠીક લાગતું, પણ જેવી હોટલના કમરામાં એકલી પડું એટલે પાછી એ જ હાલત. મને સમજાતું જ નહોતું કે મને શા માટે આટલું લો ફીલ થાય છે, મને કઈ વાતનું રડવું આવે છે. ભૂખ લાગે પણ જમવા બેસું તો ગળેથી કોળિયા ન ઊતરે. સવારે ઊઠું ત્યારે ભયંકર થાક વર્તાય અને ઊભા થવાની જ ઇચ્છા ન થાય. એ દિવસોમાં એવું લાગતું હતું કે જાણે કોઈએ મને કાળી કોટડીમાં પૂરી દીધી છે અને હું એ કોટડીમાંથી કેમેય કરીને બહાર આવી શકું તેમ નથી."
તે દિવસોમાં દીપિકાની 'હેપી ન્યૂ યર'નું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ ફિલ્મમાં આપણે દીપિકાને હસતી, નાચતી, કોમેડી કરતાં જોઈએ છીએ, પણ તેના શૂટિંગ દરમિયાન અંદરખાને એ તીવ્ર પીડાદાયી મનોદશામાંથી પસાર થઈ રહી હતી તેવી કલ્પના પણ થઈ શકે છે? મેકઅપ કરીને, કોસ્ચ્યુમ ચડાવીને શોટ આપવાના, લોકો અને મીડિયા સામે મોઢું હસતું રાખવાનું, તમામ કમિટમેન્ટ્સ નિભાવવાના ને પછી એકલા પડતાં જ જાણે કોઈએ ખીણમાં ધક્કો મારી દીધો હોય તેવી માનસિક પરિસ્થિતિમાં ફેંકાઈ જવાનું. દીપિકા કહે છે, "તે દિવસોમાં હું યંત્ર જેવી થઈ ગઈ હતી. જાણે ઓટો-પાઇલટ પર કામ કરતી હતી. હું કોઈ સાથે મનની વાત શેર પણ કરી શકતી નહોતી. એવું નહોતું કે મારે છુપાવવું હતું, પણ હું શું શેર કરું? મને ખુદને સમજાતું નહોતું કે આ ટેમ્પરરી ફેઝ છે કે કાયમી છે?" પણ મમ્મી એક મહિનો પડછાયાની જેમ સાથે રહી અને ચિત્ર બદલાયું. 
દીપિકાની નાની બહેન અનિશાએ જ મમ્મીને સલાહ આપી કે આપણે એનાઆન્ટીની મદદ લઈએ. પ્રોફેશનલ કાઉન્સેલર એના ચંડી પાદુકોણ પરિવારનાં વર્ષોજૂનાં મિત્ર છે. એનાને સમજાતાં વાર ન લાગી કે મામલો સિરિયસ છે. દીપિકા એની સામે એક જ વાત દોહરાવતી હતીઃ આઈ એમ ફીલિંગ એમ્પ્ટી. દીપિકાને મળ્યા પછી એનાએ સાઇકિયાટ્રિસ્ટ પાસે જવાની સલાહ આપી. દીપિકા સતત નકારતી રહી. કેટલીય સમજાવટને અંતે એ માંડ બંગલુરુના ડો. શ્યામ ભટ્ટ નામના માનસ ચિકિત્સક પાસે આવવા તૈયાર થઈ. ડો. ભટ્ટે ડિપ્રેશનનું નિદાન કરી તરત સારવાર શરૂ કરી. દવાદારૂને લીધે દિમાગમાં થઈ ગયેલા કેમિકલ લોચા ધીમે ધીમે દૂર થયા. બે આખા મહિના બેંગલુરુમાં પરિવાર સાથે રહ્યા બાદ એ ડિપ્રેશનની અસરમાંથી પૂરેપૂરી બહાર આવી ગઈ.
"મારા એક ફ્રેન્ડના ફ્રેન્ડે આ જ અરસામાં ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરીને જીવ ટૂંકાવ્યો." દીપિકા કહે છે, "એટલો ખુશમિજાજ છોકરો. આપણને કલ્પના પણ ન આવે કે અંદરથી તે આટલો બધો રિબાતો હશે. એક હદ કરતાં વધારે એ ડિપ્રેશન સહી ન શક્યો ને એણે સ્યુસાઇડ કરી નાખ્યું. આ ઘટનાએ મને હલાવી દીધી. મેં લિવ-લાફ-લવ ફાઉન્ડેશન સ્થાપવાનો નિર્ણય લીધો એનું એક કારણ આ પણ છે. હું પોતે નરક જેવી યાતના ભોગવીને બહાર આવી છું. જો મારા પ્રયત્નોથી એક માણસનો જાન પણ બચશે તો હું મારી જાતને સફળ માનીશ."

એક અંદાજ પ્રમાણે ભારતની ૩૬ ટકા પ્રજા ડિપ્રેશનથી પીડાય છે. ભારતની ૭૦ ટકા વસતીની ઉંમર ૩૫ વર્ષ કરતાં ઓછી છે. ૧૫થી ૨૯ વર્ષના વયજૂથમાં આત્મહત્યાનું પ્રમાણ આપણા દેશમાં દુનિયાના બીજા કોઈ પણ દેશ કરતાં ઊંચું છે. જે રીતે સ્ટ્રેસનું પ્રમાણ વધી રહ્યું છે તે જોતાં આ પરિસ્થિતિ ભવિષ્યમાં વકરવાની છે. શરીરની જેમ મન પણ બીમાર થઈ શકે છે. એમાં કશું જ અસાધારણ નથી. મેન્ટલ હેલ્થ વિશે લોકોમાં જાગૃતિ વધશે તો જ માનસિક બીમારી સાથે જોડાયેલી શરમ યા તો કલંકની ભાવના ઝાંખી થશે અને ડિપ્રેશન સહિતના દિમાગના રોગોનું પ્રમાણ ઘટશે. દીપિકા પાદુકોણ જેવી સેલિબ્રિટી મેન્ટલ હેલ્થના ક્ષેત્રમાં સક્રિય બને તે સારું જ છે.
0 0 0 

Tuesday, March 24, 2015

ટેક ઓફ : નારીવાદી ખીચડીમાં પોર્નોગ્રાફીનો વઘાર!

sandesh - Ardh spatihik purti - 25 Mar 2015
ટેક ઓફ 
ફેમિનિસ્ટ પોર્નોગ્રાફી એટલે સ્ત્રીઓ દ્વારા, સ્ત્રીના દૃષ્ટિકોણથી બનાવાતી પોર્ન ફિલ્મો, જેમાં સ્ત્રીની સેક્સ્યુઅલ ફેન્ટસી અને પ્લેઝરનું ચિત્રણ હોય. તેમાં સ્ત્રી ફક્ત ઉપભોગની વસ્તુ નહીં પણ પુરુષની સમોવડી હોય. ફેમિનિસ્ટ પોર્નોગ્રાફી નારીવાદનો જ એક વરણાગી પ્રકાર છે!
a Jocelyn Braxton Armstrong sculpture 

ન્ટરનેટ પર કેવળ સોશિયલ મીડિયા ઊથલાવવા ઉપરાંત સારી અને ગુણવત્તાસભર વેબસાઇટ્સનું ર્સિંફગ કરવાના શોખ ધરાવનારાઓ માટે ટેડ.કોમ એક પ્રિય સરનામું છે. 'આઇડિયાઝ વર્થ સ્પે્રડિંગ' આ પોપ્યુલર વેબસાઇટની ટેગલાઇન છે. જાતજાતના ને ભાતભાતના વિષયો પર દુુનિયાભરના એક્સપર્ટ્સ લાઇવ ઓડિયન્સ સામે પાંચથી પચીસ મિનિટનું વક્તવ્ય પેશ કરે. વક્તવ્યોમાં બૌદ્ધિક કક્ષા ઊંચી હોય, રસપ્રદ હોય અને તેમાં નવાં સંશોધનો, તારણો, જાતઅનુભવો અથવા વિચારો વણી લેવાયાં હોય. આ ઇવેન્ટનો વીડિયો પછી ટેડની સાઇટ પર શેર થાય. આ પ્રકારની સ્તરીય વેબસાઇટ પર ઓચિંતા હાર્ડકોર પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવનાર વ્યક્તિ - અને તે પણ મહિલા - વક્તા તરીકે તમારી સામે આવી જાય તો ચમકી તો જવાય જ. થોડુંક કૌતુક પણ થાય. જોકે, પછી તરત તમને સમજાય કે અહીં પોર્નોગ્રાફીની વાત છે જ, પણ વક્તા ફેમિનિઝમ વિશે પણ ચર્ચા કરવા માગે છે. એરિકા નામની આ માનુની 'ફેમિનિસ્ટ પોર્નોગ્રાફર' છે, જેણે એવોર્ડવિનિંગ પોર્નફિલ્મો બનાવી છે. (હા, પોર્ન ઇન્ડસ્ટ્રીમાં પણ ઓસ્કર અને ફિલ્મફેર જેવા રીતસર એવોર્ડ ફંક્શન્સ યોજાય છે અને આ પ્રકારના એવોર્ડ્ઝ અપાય છે.) એરિકા પોતાને ફેમિનિસ્ટ ઉપરાંત એક્ટિવિસ્ટ પણ ગણાવે છે. ફેમિનિઝમની ખીચડીમાં થયેલો પોર્નોગ્રાફી નામનો આ નવો વઘાર કુતૂહલપ્રેરક છે!
"હું સ્વિડનમાં મોટી થઈ છું" એરિકા કહે છે, "અને ફેમિનિસ્ટ તાસીર માટે દુનિયામાં સ્વિડન કરતાં વધારે અનુકૂળ કદાચ બીજો કોઈ દેશ નથી."
એરિકાએ જિંદગીમાં સૌથી પહેલી વાર પોર્ન ફિલ્મ પોતાની બહેનપણીઓ સાથે જોઈ હતી. છોકરીઓનું ટોળું એક રાતે એક જણીને ત્યાં રાત રોકાવા એકઠું થયું. સૌના મનમાં પોર્ન ફિલ્મ જોવાની ચટપટી હતી. સૌને એમ કે બસ, હમણાં કામશાસ્ત્રનાં ગૂઢ રહસ્યો પરથી પડદો ઊઠયો જ સમજો. મજાક-મસ્તી અને જાતજાતની કમેન્ટ્સ વચ્ચે ફિલ્મ જોવાતી ગઈ, પણ તે પૂરી થઈ પછી એરિકા અને એની બહેનપણીઓના મનમાં નિરાશા હતી. આ સેક્સ? સાવ આવું અણઘડ?
છ વર્ષ પછી એરિકા યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સ ભણતી હતી ત્યારે એના તે વખતના બોયફ્રેન્ડ સાથે ફરી એક વાર પોર્ન ફિલ્મ જોવાનું બન્યું. "આ ફિલ્મમાંય બધું એનું એ જ હતું." એરિકા કહે છે, "આમાંય સ્ત્રીને કેવળ એક વાસનાપૂર્તિના સાધન તરીકે પેશ કરવામાં આવી હતી. હું પોર્ન જોઈને એક્સાઇટ જરૂર થઈ ગઈ હતી. આ એક્સાઇટમેન્ટ મીઠું પણ લાગતું હતું, પણ સ્ત્રીનું ઓબ્જેક્ટિફિકેશન જોઈને મારા મનમાં કડવાશ વ્યાપી ગઈ. મારી અંદર રહેલી ફેમિનિસ્ટ અને એક્ટિવિસ્ટ ઊકળી ઊઠી. હું ગૂંચવાઈ ગઈ. ગંૂચવાયેલી હાલતમાં છોકરીઓ સામાન્યપણે જે કરતી હોય છે તેવું મેં પણ કર્યું - મેં બોયફ્રેન્ડને તતડાવી નાખ્યો. આ બધો તારો જ વાંક છે!"
એરિકાનું કન્ફ્યુઝન આખરે બર્કલી યુનિવર્સિટીના પ્રો. લિન્ડા વિલિયમ્સે લખેલા 'હાર્ડકોર' નામના પુસ્તકે દૂર કર્યું. એમાં લખ્યું હતું કે પોર્નોગ્રાફીને ફક્ત પોર્નોગ્રાફી તરીકે ન જુઓ, આ ઉઘાડી ફિલ્મો ખરેખર તો સેક્સ્યુઆલિટી વિશેનો વાર્તાલાપ છે, પુરુષત્વ અને સ્ત્રીત્વ વિશેનું વિવરણ છે, અંગત જીવનમાં તેમનું જે સ્થાન છે અને તેઓ જે ભૂમિકા ભજવે છે તે વિશેની ચર્ચા છે.

"મારા માટે આ યુરેકા મોમેન્ટ હતી!" એરિકા કહે છે, "મને સમજાયું કે પોર્નોગ્રાફી એક એવો વાર્તાલાપ છે જેમાં કેવળ પુરુષો જ ભાગ લે છે. એય પાછા સ્ત્રીને ઊતરતી સમજતા, સંકુચિત માનસિકતા ધરાવતા અને સાવ ઓછી સેક્સ્યુઅલ ઇન્ટેલિજન્સ ધરાવતા પુરુષો. સમય બદલાઈ ગયો છે, સમાજમાં સ્ત્રીનું સ્થાન બદલાઈ ગયું છે, બધે સ્ત્રી-પુરુષ સમાનતાની ચર્ચા ચાલે છે, તો પોર્ન ઇન્ડસ્ટ્રી શા માટે બાકાત રહી જવી જોઈએ? ઇટ્સ ટાઇમ ફોર પોર્ન ટુ ચેઇન્જ! એ માટે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં સ્ત્રીઓએ આગેવાની લેવી પડે - પ્રોડયુસર તરીકે, ડિરેક્ટર તરીકે, સ્ક્રિપ્ટ રાઇટર તરીકે. સ્ત્રીઓએ કેમેરાની સામે જ નહીં, કેમેરાની પાછળ પણ કામ કરવું પડે... અને મેં એ જ કર્યું!"
એરિકા તે વખતે ફિલ્મ ડિરેક્શનનું ભણી રહી હતી. ફાઇનલ યરમાં એણે સ્ટુડન્ટ પ્રોજેક્ટ તરીકે એક શોર્ટ ફિલ્મ બનાવવાની હતી. એરિકાને થયું કે શોર્ટ પોર્નોગ્રાફી ફિલ્મ જ શું કામ ન બનાવવી, જે હટકે હોય અને એમાં મારા વિચારો અને માનસિકતા વ્યક્ત થતા હોય! એણે પાંચ-છ મિનિટની શોર્ટ પોર્ન ફિલ્મ બનાવી, ઇન્ટરનેટ પર અપલોડ કરી. જંગી રિસ્પોન્સ મળ્યો. ગણતરીના દિવસોમાં લાખો લોકોએ ફિલ્મ જોઈ. મીડિયાનું પણ ધ્યાન ખેંચાયું.
"મને સમજાઈ ગયું કે આ જ મારી કરિયર છે. મારે પોર્નોગ્રાફર નહીં, પણ એક ફિલ્મમેકર બનવું હતું જે સ્ત્રીના દૃષ્ટિકોણથી સેક્સનું સૌંદર્ય પેશ કરતી હોય. તમને ગમે કે ન ગમે, પણ હકીકત એ જ છે કે ટીનેજરો પોર્ન જોઈને જ સેક્સ વિશેની જાણકારી મેળવે છે. ઓનલાઇન પોર્નના આધારે ટીનેજરોના મનમાં સેક્સ વિશેના ખ્યાલો બંધાય છે. આ પોર્ન ફિલ્મો સામાન્યપણે કેવી હોય છે? ગંદી, સ્ત્રીને નિમ્ન સ્તરે મૂકતી, તેથી જ પોર્ન ઇન્ડસ્ટ્રીમાં પરિવર્તનનો સમય આવી ગયો છે. સેક્સ ભલે ડર્ટી હોય, પણ વેલ્યૂઝ ક્લીન હોવી જોઈએ!"
એક ફેમિનિસ્ટ મહિલા પોર્નોગ્રાફી વિશે વાત કરતી વખતે ડર્ટી સેક્સ અને નીતિમૂલ્યોની વાતો એકશ્વાસે અને એકસાથે કરી શકે છે! એક ઇન્ટરવ્યૂમાં એરિકા કહે છે, "પોર્ન અને ફેમિનિઝમ વચ્ચે હંમેશાં લવ-હેટનો સંબંધ રહ્યો છે. એક ફેમિનિસ્ટ તરીકે મને લાગે છે કે ફેમિનિઝમની વાત થતી હોય ત્યારે કલ્ચર અને આર્ટસ્ટિક એક્સપ્રેશન્સનાં તમામ પાસાંને આવરી લેવાં જોઈએ. એમાં પોર્નોગ્રાફી પણ આવી ગયું." 

Erika

'ફેમિનિસ્ટ પોર્નોગ્રાફી' શબ્દપ્રયોગ ચલણમાં આવી ચૂક્યો છે. ફેમિનિસ્ટ પોર્નોગ્રાફી એટલે સ્ત્રીઓ દ્વારા બનાવાતી પોર્ન ફિલ્મો, જેમાં સ્ત્રીની સેક્સસ્યુઅલ ફેન્ટસીઓ અને પ્લેઝરનું ચિત્રણ હોય, જેમાં સ્ત્રી ફક્સ ઉપભોગની વસ્તુ નહીં પણ પુરુષની સમોવડી હોય! આ ફિલ્મોની પ્રોડક્શન વેલ્યૂ સારી હોય, એસ્થેટિક સેન્સ જળવાઈ હોય અને ખાસ તો એમાં સ્ત્રી-પુરુષો જનાવરની જેમ ધમપછાડ નહીં પણ સિરિયસ લવ-મેકિંગ કરતાં હોય! આ પોર્ન, અલબત્ત, પુરુષો પણ માણી શકે છે. ૨૦૧૪માં હોલિવૂડની સૌથી વધારે કમાણી કરનાર મેઇનસ્ટ્રીમ ફિલ્મોમાંથી ફક્ત ૮ ટકા ફિલ્મો મહિલા ડિરેક્ટરોએ બનાવી હતી. તેની તુલનામાં પોર્ન ઇન્ડસ્ટ્રીમાં પ્રોડયુસર-ડિરેક્ટર તરીકે મહિલાઓની વ્યવસ્થિત એન્ટ્રી છેક ૨૦૦૨માં થઈ, પણ આ બાર-તેર વર્ષમાં તેઓ એડલ્ટ ઇન્ડસ્ટ્રી પર છવાઈ ગઈ છે. મતલબ કે પશ્ચિમના મેઇનસ્ટ્રીમ સિનેમાની તુલનામાં પોર્ન ઇન્ડસ્ટ્રીમાં સ્ત્રીઓનું સ્થાન ઘણું વધારે પાવરફુલ છે!
ફેમિનિઝમનાં કોન્સેપ્ટમાં સમયની સાથે સતત પરિવર્તનો આવ્યાં છે. આ સંકલ્પના ખેંચાઈને છેક પોર્નોગ્રાફીમાંય પ્રવેશી ચૂકી છે. ફેમિનિસ્ટ પોર્નોગ્રાફી એ નારીવાદનો જ એક વરણાગી પ્રકાર છે!
                                                       0 0 0 

Sunday, March 15, 2015

મલ્ટિપ્લેક્સ : આહ, એડી! વાહ, એડી!

Sandesh - Sanskar purti - 15 March 2015
મલ્ટિપ્લેક્સ 
 'ધ થિયરી ઓફ એવરીથિંગ'જોતી વખતે આપણાં મનના એક ખૂણે સતત સવાલ સળવળતો રહે છે કે એડી રેડમેઈન આવો આબેહૂબ આંગિક અભિનય કેવી રીતે કરી શક્યો હશે!

"જોયું? મેં નહોતું કહ્યું કે આ અવોર્ડ એડી રેડમેઈન જ તાણી જશે?"
આ વખતે ઓસ્કર સેરિમનીમાં બેસ્ટ એક્ટર તરીકે 'ધ થિયરી ઓફ એવરીથિંગ'ના હીરો એડી રેડમેઈનનું નામ ઘોષિત થયું ત્યારે આવું કહેવાવાળા અને વિચારવાવાળા બહુમતીમાં હતા. બેસ્ટ એક્ટર કેટેગરીમાં આ વખતે જબરદસ્ત ટક્કર હતી છતાંય વિખ્યાત વૈજ્ઞાાનિક ડો. સ્ટીવન હોકિંગનું વ્હીલચેરબદ્ધ કિરદાર ગજબનાક રીતે પડદા પર સાકાર કરનાર એડી રેડમેઈન સર્વશ્રેષ્ઠ અભિનેતાના ખિતાબ માટે શરૂઆતથી જ ઓબ્વિયસ ચોઈસ લાગતો હતો.
ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મનું પ્રિમીયર યોજાયું ત્યારથી જ એડી ઓસ્કરના દાવેદાર ગણાવા લાગ્યો હતો અને સાથે સાથે એની તુલના ડેનિયલ ડે-લેવિસ સાથે પણ થવા માંડી હતી. ડેનિયલ ડે-લેવિસ એટલે ત્રણ-ત્રણ વખત બેસ્ટ એક્ટરનો ઓસ્કર જીતીને ઇતિહાસ સર્જી ચૂકેલા કમાલના અદાકાર. ઘણા એમને ટેક્નિકલી વિશ્વના સર્વોત્તમ એક્ટર ગણે છે. 'માય લેફ્ટ ફૂટ' (૧૯૮૯) ફિલ્મમાં એમણે ડો. સ્ટીવન હોકિંગ (સ્પેલિંગ ભલે સ્ટીફન હોય, પણ ઉચ્ચાર સ્ટીવન થાય) જેવી જ બીમારીથી પીડાતા એક અપંગ કવિની બેનમૂન ભુમિકા ભજવી હતી. આ ફિલ્મ માટે ડેનિયલ ડે-લેવિસને બેસ્ટ એક્ટર તરીકેનો પહેલો ઓસ્કર મળ્યો હતો. એડીના 'ધ થિયરી ઓફ એવરીથિંગ'નાં પર્ફોર્મન્સની તુલના ડેનિયલનાં 'માય લેફ્ટ ફૂટ'ના અભિનય સાથે થવી સ્વાભાવિક હતી. કહેનારા એવુંય કહેતા હતા કે ક્યાં ડેનિયલ ડે-લેવિસ જેવા મહાન અભિનેતા ને ક્યાં એડી રેડમેઈન જેવો હજુ ઊગીને ઊભો થતો એક્ટર. હકીકત એ છે કે ડેનિયલને 'માય લેફ્ટ ફૂટ' માટે ઓસ્કર મળ્યો ત્યારે એ પણ કંઈ વિશ્વસ્તરે ખાસ કંઈ જાણીતા નહોતા થયા. વળી, એ વખતે એમની ઉંમર એકઝેક્ટલી એટલી જ હતી, જેટલી 'ધ થિયરી ઓફ એવરીથિંગ' કરતી વખતે એડીની હતી - ૩૨ વર્ષ.
Eddie Redmayne in The Theory of Everything (Left): (Right) Daniel Day Lewis in My Left Foot

એડી રેડમેઈનનું 'ધ થિયરી ઓફ એવરીથિંગ'નું પર્ફોર્મન્સ જોઈને ખરેખર ચકિત થઈ જવાય છે. એકવીસ વર્ષની ઉંમરે ડો. સ્ટીવન હોકિંગની મોટર ન્યુરોન ડિસીઝ (એમએનડી) નામની ખતરનાક બીમારી ડિટેક્ટ થઈ હતી, જેમાં ધીમે ધીમે કરતાં શરીરના એક પછી એક અંગના સ્નાયુઓ કામ કરતા બંધ થતા જાય. આંગળી હલાવવી હોય તોય જાણે પહાડ ચડવો હોય એટલું જોર લગાવવું પડે. શરૂઆતમાં લાકડીના ટેકે ડગુમગુ ડગુમગુ ચાલી શકાય, પણ પછી આખું શરીર વ્હીલચેરને હવાલે કરી દેવું પડે. શરીરનું પડીકું વળી ગયું હોય તેમ સંકોચાઈ ગયેલાં ધડ પરથી માથું એક તરફ ઢળી પડયું હોય. પક્ષાઘાત થઈ ગયો હોય તેમ મોઢું વિકૃત થઈને વંકાઈ ગયું હોય. હાલી-ચાલી-બોલી ન શકાય. બસ, એક માત્ર દિમાગ સાબૂત હોય. 'ધ થિયરી ઓફ એવરીથિંગ'જોતી વખતે આપણાં મનના એક ખૂણે સતત સવાલ સળવળતો રહે છે કે એડી રેડમેઈન આવો આબેહૂબ આંગિક અભિનય કેવી રીતે કરી શક્યો હશે!
Eddie Redmayne on the set on The Theory of Everything

ડો. સ્ટીવન હોકિંગના રોલ માટે છ એક્ટરો કન્સિડર થઈ રહ્યા હતા, જેમાં એડી રેડમેઈનનું નામોનિશાન ન હતું. જેવી એડીને ખબર પડી કે આવી કોઈ ફિલ્મ પ્લાન થઈ રહી છે કે એ આદુ ખાઈને ડિરેકટર જેમ્સ માર્શની રીતસર પાછળ પડી ગયો. જેમ્સ માર્શ અગાઉ 'મેન ઓફ વાયર' નામની ઓસ્કર-વિનિંગ ડોક્યુમેન્ટરી બનાવી ચૂક્યા હતા. એક સાંજે જેમ્સે એને રેસ્ટોરાંમાં મળવા બોલાવ્યો. એડીએ બિયર ઓર્ડર કર્યો, જેમ્સે કોફી. બિયરના મગ અને કોફીના કપ એક પછી એક ખાલી થતા રહ્યા, વાતો થતી ગઈ. જેમ્સે જોયું કે આ છોકરાને ડો. સ્ટીવન હોકિંગનો રોલ કરવાની માત્ર ઈચ્છા નથી, એનામાં આ કિરદાર નિભાવવાની રાક્ષસી ભૂખ છે! એક પ્રોજેક્ટ પર કામ કરતા ક્રિયેટિવ માણસોનું એકબીજા સાથે 'ક્લિક' થવું બહુ જરૂરી હોય છે. એક કેમેસ્ટ્રી રચાવી જોઈએ, પ્રારંભિક પરિચય દરમિયાન બન્ને પાર્ટીને અંદરથી ગ્રીન સિગ્નલ મળવું જોઈએ કે આની સાથે કામ કરી શકાશે, આની સાથે કામ કરવાની મજા આવશે. એડી રેડમેઈન સાથે વાત કરતાં કરતાં જેમ્સ માર્શને સમજાઈ ગયું કે આ કરેક્ટ માણસ છે, એ સરસ કામ કરશે. કામ કરવાની તીવ્ર અને સાચી ઝંખના હોય તો એ સંદેશો સામેના માણસને મળી જ જતો હોય છે. જેમ્સ માર્શે એક પણ ઓડિશન લીધા વગર એડી રેડમેઈનને પોતાની ફિલ્મ માટે સાઈન કરી લીધો!
સૌથી પડકારરૂપ કામ હતું, ડો. સ્ટીવન હોકિંગ જેવી બોડી લેંગ્વેજ શીખવાનું. એડી જેવા સાજાસારા તંદુરસ્ત માણસે પોતાના શરીરને અપાહિજ બનાવવાનું હતું. એણે લંડનના ક્વીન સ્ક્વેર સેન્ટર ફોર ન્યુરોમસ્ક્યુલર ડિસીઝની અનેક વાર મુલાકાત લીધી, ડોકટરો સાથે લાંબી ચર્ચા કરી, એમએનડીથી પીડાતા પેશન્ટ્સ અને એના પરિવારને મળ્યો. એડીની મદદ માટે બે પ્રોફેશનલ્સને હાયર કરવામાં આવ્યા હતા. એક હતા ડેન સ્ટુડાર્ડ નામના ઓસ્ટિયોપેથ (સાંધા અને સ્નાયુ સંબંધિત રોગોના જાણકાર) અને બીજા હતા એલેકસ રેનોલ્ડ્સ નામનો કોરિયોગ્રાફર યા તો મૂવમેન્ટ સ્પેશિયલિસ્ટ. એલેકસે ભૂતકાળમાં 'વર્લ્ડ વોર ઝેડ' નામની ફિલ્મમાં ઝોમ્બી બનેલા એક્ટરોને મડદા જેવા શરીરે વાંકાચૂકા કેમ ચાલવું તે શીખવ્યું હતું... અને હવે એ ડો. સ્ટીવન હોકિંગની ફિલ્મ પર કામ કરી રહ્યો હતો!
તૈયારીના ભાગરૂપે એડીએ ડો. સ્ટીવન હોકિંગ વિશેનું જે કંઈ મટીરિયલ ઉપલબ્ધ હતું તે બધું જ વાંચી કાઢયું હતું - જેના આધારે ફિલ્મ બની રહી હતી તે ડો. હોકિંગની પૂર્વપત્ની જેન હોકિંગનું પુસ્તક 'ટ્રાવેલિંગ ટુ ઈન્ફિનિટીઃ માય લાઇફ વિથ સ્ટીવન', ડો. હોકિંગ લિખિત બેસ્ટસેલર 'અ બ્રિફ હિસ્ટ્રી ઓફ ટાઈમ', છાપાં-મેગેઝિનનાં કટિંગ્સ, ઈન્ટરનેટ પર અવેલેબલ સામગ્રી બધું જ. ડો. હોકિંગ વિશેના જે કોઈ વિડિયો યુટયુબ પર અથવા અન્યત્ર ઉપલબ્ધ હતું તે સઘળાનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો. ડો. હોકિંગનું મોટા ભાગનું વિડિયો ફૂટેજ ૧૯૮૦ના દાયકા અને તેના પછીનું છે, જ્યારે ફિલ્મની કહાણી દાયકાઓ પહેલાં શરૂ થાય છે. આ વચ્ચેના ગાળાના કેવળ ફોટોગ્રાફ્સ જ અવેલેબલ હતા. આ તમામ મટીરિયલ વિશે ડોકટરો સાથે થયેલી ઊંડી ચર્ચાના આધારે એક ચાર્ટ તૈયાર કરવામાં આવ્યો, જેમાં ડો. હોકિંગની બીમારી ઉંમરની સાથે શી રીતે વધતી ગઈ તેની ઝીણામાં ઝીણી વિગતો નોંધવામાં આવી. એડી આ ચાર્ટને જીવની જેમ કાયમ સાથે રાખતો. એનું કારણ એ હતું કે ફિલ્મનાં દશ્યો આડાઅવળાં ક્રમમાં શૂટ થવાનાં હતાં. એક દિવસે એડીએ પચીસ વર્ષના ડો. હોકિંગ બનવાનું હોય, તો બીજા જ દિવસે પચાસ વર્ષના ડો. હોકિંગની એકિટંગ કરવાની હોય. એડીએ જે-તે સમયગાળાને ધ્યાન રાખીને એડીએ બોડી લેંગ્વેજનું ડિટેલિંગ કરવું પડતું!
Reel and real: Eddie Redmayne with Dr. Stephen Hawking

શૂટિંગ પહેલાં એડી અસલી ડો. સ્ટીવન હોકિંગને મળવા એના કેમ્બ્રિજ સ્થિત ઘરે ગયો હતો. મનમાં સતત સવાલ ઉછળકૂદ કરતો હતો કે આ ચાર મહિના અમે સાચી દિશામાં જ મહેનત કરી હશેને? ધારો કે અમારા ફંડા જ સાવ ખોટા પડશે તો? સદ્ભાગ્યે એવું કશું ન થયું. મુલાકાત સુખદ પુરવાર થઈ. એડીએ નોંધ્યંુ કે ડો. હોકિંગની આંખોમાં વચ્ચે વચ્ચે કમાલની મસ્તીખોર ચમક આવી જાય છે. આ મહત્ત્વની વિગત પછી એણે પોતાનાં પર્ફોર્મન્સમાં ઉમેરી.
એક મુલાકાતમાં એડી રેડમેઈન કહે છે, "મોટર ન્યુરોન ડિસીઝમાં અપર ન્યુરોન અને લોઅર ન્યુરોન અલગ અલગ રીતે વર્તતા હોય. જો અપર ન્યુરોન નિષ્ક્રિય થાય તો સ્નાયુ જડ થઈ જાય અને જો લોઅર ન્યુરોન નિષ્ક્રિય થાય તો સ્નાયુ સાવ લબડી પડે. એમએનડીમાં આ બન્ને સ્થિતિનું મિક્સચર હોય છે. દાખલા તરીકે, લોઅર ન્યુરોનને લીધે તમારો પગ જકડાઈ ગયો હોય, પણ તે જ વખતે તમારી કોણીથી પંજા સુધીનો ભાગ અપર ન્યુરોનની અસર હેઠળ હોવાથી સાવ ઢીલો પડી ગયો હોય. ડાન્સર જેમ ડાન્સની મુવમેન્ટ્સ શીખે તેમ મારે આ રોગની મુવમેન્ટ્સ શીખવાની હતી. ફર્ક એટલો હતો કે ડાન્સરે સ્નાયુઓને સ્ટ્રેચ કરવાના હોય, જ્યારે મારે તે સંકોચવાના હતા."
શૂટિંગના પહેલાં જ દિવસે એડીએ ત્રણ સીન ભજવવાના હતા અને ત્રણેય સીનમાં ડો. હોકિંગના જીવનના જુદા જુદા સમયગાળો દેખાડવાનો હતો. ડિરેકટર જેમ્સ માર્શને બહુ જલદી ખાતરી થઈ ગઈ હતી કે આ છોકરો એકસ્ટ્રાઓર્ડિનરી રિઝલ્ટ આપવાનો છે!
"આ રોલની વિચિત્રતા શું છે, ખબર છે?" એડી કહે છે, "તદ્દન સ્થિર બેસવાનો શોટ હોય તેમાં મારે સૌથી વધારે એનર્જી ખર્ચવી પડતી. ચહેરો કે કોઈ અંગ ભલે હલતું ન હોય, પણ એનો અર્થ એવો નહીં કે મારે કશું કરવાનું નથી. માત્ર વ્હીલચેર પર બેસી રહેવાનું હોય તોપણ મારે ભયંકર કંટ્રોલ્ડ મુદ્રા ધારણ કરવી પડતી."

Before the tragedy : Eddie Redmayne (L) and Dr. Stephen Hawking

ફિલ્મ આખરે બની. ખુદ ડો. સ્ટીવન હોકિંગ તે જોવા બેઠા ત્યારે એડીની નર્વસનેસનો પાર ન હતો. સદ્નસીબે એડી અને આખી ટીમની મહેનત ફળી. એડીનો અભિનય અને આખેઆખી આટલી હદે કન્વિન્સિંગ લાગશે એવી અપેક્ષા ડો. સ્ટીવન હોકિંગ નહોતી રાખી. એમણે તો ત્યાં સુધી કહ્યું કે ફિલ્મ જોતી વખતે ક્યારેક તો મને એવું લાગતું હતું કે સ્ક્રીન પર એડી રેડમેઈન નહીં, હું જ છું! એડીને ખરેખરો ઓસ્કર તો ડો. હોકિંગે આ પ્રશંસા કરી ત્યારે જ મળી ગયો કહેવાય! 

એડી રેડમેઈન આજે એક ગ્લોબલ સેલિબ્રિટી બની ચૂક્યો છે. એની કરીઅર હવે કઈ રીતે આગળ વધે છે તે જોવાની આપણને બહુ મોજ પડવાની છે.

0 0 0

Wednesday, March 11, 2015

ટેક ઓફ : હજુ થોડુંક ફરવાનું બાકી છે...

Sandesh - Ardh Saptahik Purti - 11 March 2015
ટેક ઓફ 
ઊંચાં ઊંચાં લક્ષ્યો પાર પાડીએ ને મોટાં મોટાં કામ કરીએ તો જ જિંદગી સફળ થઈ કહેવાય એવું કોણે કહ્યું? થોડા સાચા સંબંધો મળી જાય, આનંદ અને મસ્તીની મુઠ્ઠીભર ક્ષણો મળી જાય તો એટલું પણ કદાચ પૂરતું હોય છે.


નિરંજન નરહરિલાલ ભગતને તાજેતરમાં એક એવોર્ડ મળ્યો હોવાથી તેઓ ન્યૂઝમાં છે એવું તો શી રીતે કહેવાય. હકીકત તો એ છે કે નિરંજન ભગત જેવા આપણી ભાષાના સમર્થ કવિ સાથે સંકળાવાથી કાવ્યમુદ્રા વિનોદ નિઓટિયા એવોર્ડ પર આપણું ધ્યાન ગયું છે. ગુજરાતી, હિન્દી અને ઉર્દૂ સાહિત્યજગતના વરિષ્ઠ સર્જકોને આ એવોર્ડ અપાય છે. દાયકાઓ પહેલાં કુમારચંદ્રક, નર્મદચંદ્રક,રણજિતરામ સુવર્ણંચંદ્રક વગેરે જીતી ચૂકેલા નિરંજન ભગત હવે ૮૮ વર્ષની પક્વ ઉંમરે એટલી ઊંચી ભ્રમણકક્ષામાં પહોંચી ચૂક્યા છે કે જ્યાં માન-અકરામોનાં સ્પંદનો કદાચ પહોંચતાં પણ નહીં હોય. નિરંજન ભગતની બે કવિતાઓને ગુજરાતી પ્રજાએ સૌથી વધારે પ્રેમ કર્યો છે. એક તો આઃ
કાળની કેડીએ ઘડીક સંગ,
રે ભાઈ, આપણો ઘડીક સંગ.

આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ!
ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા!
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા!
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગા!
પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરણું નેનની ઝારી,
કંટકપંથે સ્મિત વેરીને મ્હોરશું ફૂલની ક્યારી,
એકબીજાને જીતશું રે ભાઈ, જાતને જાશું હારી!
ક્યાંય ન માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ! રે ભાઈ, આપણો ઘડીક સંગ...
ક્ષણભંગુર જીવન છે, આપણો એકબીજા સાથેનો સંગ પણ ઘડીકનો છે, તો શું કામ ખોટા લોહીઉકાળા કરવા, શા માટે નફરત ને ઈર્ષ્યા ને એવી બધી નેગેટિવ ઇમોશન્સથી સળગતા રહેવું. સામેની વ્યક્તિને જીતી લેવા માટે જો હારવું પડે તો હારી સુધ્ધાં જવાનું! આ કવિતામાં અલ્હડપણું પણ છે અને ઊંડાણ પણ છે. આવું જ કોમ્બિનેશન નિરંજન ભગતની આ બીજી લોકપ્રિય કવિતામાં પણ થયું છેઃ 
હું તો બસ ફરવા આવ્યો છું!
હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું!
અહીં પથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા!
- રે ચહું ન પાછો ઘરે જવા!
હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્ન મહીં સરવા આવ્યો છું!
જાદુ એવો જાય જડી
કે ચાહી શકું બે-ચાર ઘડી
ને ગાઈ શકું બે-ચાર કડી,
તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપેટે ધરવા આવ્યો છું!
હું તો બસ ફરવા આવ્યો છું!
ઊંચાં ઊંચાં લક્ષ્યો પાર પાડીએ ને મોટાં મોટાં કામ કરીએ તો જ જિંદગી સફળ થઈ કહેવાય એવું કોણે કહ્યું? થોડા સાચા સંબંધો મળી જાય, આનંદ અને મસ્તીની મુઠ્ઠીભર ક્ષણો મળી જાય તો એટલું પણ કદાચ પૂરતું હોય છે જિંદગી સાર્થક થવા માટે! આત્મસભાન બન્યા વગર, કોઈ પણ ભાર વિના સહજભાવે વર્તમાનમાં જીવવું બહુ મોટી વાત છે!
Niranjan Bhagat

"હું તો બસ ફરવા આવ્યો છું" એવું ગાનારા કવિ જીવનનાં પંચોતેરમા વર્ષે પાછળ વળીને જુએ ત્યારે એમને શું દેખાય છે? ખાસ તો, હવે આવનારાં વર્ષોનું કેવું ચિત્ર તેઓ જુએ છે? શું હજુય તેમને એવું લાગે છે કે તેઓ તો બસ ફરવા આવ્યા છે? નિરંજન ભગત 'પંચોતેરમે' શીર્ષકધારી કવિતામાં લખે છેઃ
આમ ને આમ પંચોતેર તો ગયાં,
હતાં ન હતાં થયાં, છ થયાં.
હજુ બીજાં પચીસ બાકી હોય જો રહ્યાં...
રહ્યાં જ જો હશે
તો ભલે સો થશે,

ને એય તે જો સુખમાં જવાનાં હશે તે જશે.
એક વાર ગાયું હતું, "હું તો બસ ફરવા આવ્યો છું."
તો અમદાવાદના અનેક જૂના-નવા રસ્તાઓમાં
ને મુંબઈના ફ્લોરા ફાઉન્ટનમાં.
એથેન્સના એગોરામાં
ને રોમના ફોરમમાં,
પેરિસના કાર્તિયે લાતામાં
ને લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેરમાં,
ન્યૂ યોર્કના ફિફ્થ એવન્યુમાં
ને ન જોયાં, ન જાણ્યાં એવાં કોઈક નગરોમાં

હજુ થોડુંક ફરવાનું બાકી છે.
વળી ગાયું હતું, "હું ક્યાં એકે કામ
તમારું કે મારું કરવા આવ્યો છું?"
તમારું કે મારું તો નહીં, પણ હજુ થોડુંક કવિતાનું કામ-
છંદ ને યતિ વિનાની,
વિરામચિહ્નો પણ વિનાની,
વાઘા કે ધાગા વિનાની,
મિશ્ર કે મુક્ત લયની,
બોલચાલના ગદ્યની,
સીધી, સાદી, ભલી, ભોલી
એવી કોઈક કવિતાનું કામ કરવાનું બાકી છે.
કવિતાના અંતિમ ચરણમાં કવિ કહે છે-
પંચોતેર વર્ષોમાં ક્યારેક ક્યારેક કેટલાંક સ્વપ્નો વાવ્યાં હતાં,
એમાંથી થોડાંક ફળ્યાં,
વસંતનો વાયુ,

ને વર્ષાનું જલ,
પૃથ્વીનો રસ

ને સૂર્યનું તેજ
એ તો સર્વદા સદાયના સુલભ,
પણ એ સૌની સાથે જો વિધાતાનું વરદાન
ને કાળપુરુષની કરુણા હશે,
તો હજુ થોડાંક સ્વપ્નોને ફળવાનું બાકી છે.
આજે મિત્રોની વચ્ચે કાવ્ય આ ભણી રહ્યો,
વર્ષોથી મૈત્રીના વાણાતાણા વણી રહ્યો,
આજે હવે પછીનાં જે વર્ષો ગણી રહ્યો,
મિત્રોની શુભેચ્છા એ જ મારી શ્રદ્ધા હશે,
પંચોતેર ગયાં ને પચીસ બીજાં જશે,
તો તો જરૂર હા, જરૂર સો પૂરાં થશે.



કવિ જીવનવાદી છે. નિષ્ક્રિયપણે મૃત્યુની પ્રતીક્ષા કરી રહેલા મનુષ્યપ્રાણીનું ચિત્ર એમને મંજૂર નથી. શાંત અપેક્ષાઓ હજુ કશેક સળવળી રહી છે. હજુ થોડુંક ફરવાનું બાકી રહી ગયું છે, હજુ થોડીક કવિતા કરવાની ખ્વાહિશ છે, હજુ થોડાંક સ્વપ્નો સાકાર થઈ જાય એવી ઇચ્છા છે! બે વર્ષ પછી નિરંજન ભગત ઔર એક કાવ્ય રચે છે - 'સિત્યોતેરમે'. આ બે વર્ષમાં એમની દૃષ્ટિમાં શો ફર્ક આવ્યો છે?
વર્ષે વર્ષે એની એ જ વર્ષગાંઠ,
સિત્યોતેર હોય કે સોળ હોય કે સાઠ.
વર્ષે વર્ષે એનો એ વૈશાખ,
દેહ પર ચોળી એણે એની એ જ રાખ.
એની એ લૂ ને એની એ લ્હાય,
એનો એ જ રૌદ્ર તાપે તપ્યો વાયુ વાય.
વર્ષે વર્ષે એનું એ જ ઋતુચક્ર ચાલે,
આજે પણ એનું એ જ, જેવું હતું કાલે.
વર્ષે વર્ષે એનો એ જ પ્રકૃતિનો શુકપાઠ,
વર્ષે વર્ષે એની એ જ વર્ષગાંઠ.
આ પંક્તિઓમાં ભલે જન્મદિવસ સાથે સંકળાયેલા રૂટિનની નિરાશા હોય, પણ કવિતાના ઉત્તરાર્ધમાં કવિ મૃત્યુય તોડી ન શકે તેવા સંંબંધ જોડવાની વાત કરે છે. સાંભળોઃ
પણ વચ્ચે વચ્ચે નવી નવી ગાંઠ જે મેં બાંધી,
ક્યારે પણ કોઈ છૂટી હોય, તૂટી હોય તો મેં સાંધી.
રેશમની ને હીરની દોરીથી હળવે હાથે,
સગાં ને સ્વજન સાથે, દેશ ને વિદેશ સાથે.
જેમ જેમ બાંધી તેમ વધુ વધુ લાધી,
જેમ જેમ બાંધી તેમ નિત નિત વાધી.
તે સૌ રસી રસી એવી તો મેં સાધી,
તે સૌ કસી કસી એવી તો મેં બાંધી.
મનુષ્યોથી હવે નહીં કદીય તે છૂટી શકે,
મૃત્યુથીયે હવે નહીં એક પણ તૂટી શકે.
શું પક્વ ઉંમરે વિધાતાએ આંકેલી આયુષ્યરેખાના સામા છેડાની રાહ જોવાનું બાકી રહી જતું હોય છે? નિરંજન ભગતે જન્મદિનને કેન્દ્રમાં રાખીને ઔર એક કવિતા લખી છે એનો ઉઘાડ જુઓઃ
જાણું નહીં હજુ કેટલા જન્મદિવસ બાકી હશે,
એટલું તો જાણું કે આ આયુષ્યની અવધ ક્યાંક તો આંકી હશે.
જે વર્ષો ગયાં એમાં શું રહ્યું અને શું ન રહ્યું,
એનો નથી હર્ષ, નથી શોક, જે કૈં થવાનું હતું તે થયું.
જે કંઈ જીવન જિવાયું છે એનો હરખ-શોક ન હોવો તે સારી અને ઇચ્છનીય સ્થિતિ છે. જીવનની સંધ્યાએ પહોંચી ગયેલા કવિને આત્મકથા લખવાની ઇચ્છા ક્યારેય થઈ નથી. કેમ કે,
જે કંઈ જીવ્યા તે લખવું ન્હોય
ને જે ન જીવ્યા તે જ લખવું હોય.
તો શું 'આત્મકથા' હોય એનું નામ?
સત્ય જીવવું-જીરવવું હોય દોહ્યલું
ને સત્ય લખવું જો ન્હોય સોહ્યલું,
તો આત્મકથા લખવી જ શું કામ?
પ્રામાણિકતા બન્ને રીતે વ્યક્ત થઈ શકે છે, આત્મકથા લખીને પણ અને ન લખીને પણ. આ પૃથ્વી પર ક્યારેક તો વિદાય લેવાની જ છે અને તે ક્ષણની પ્રતીક્ષા પ્રામાણિકતા અને ગરિમા સાથે થવી જોઈએ, અફસોસ કે કડવાશ સાથે નહીં.
વિદાયવેળા નવ કો વ્યથા હો! નિઃશ્વાસ ના, નીર ના હો નેણમાં,
ના મ્લાન એકે મુખરેખ, વેણમાં કૃતઘ્નતાની નવ કો કથા હો.
બે માનવીનું મળવું અનન્ય! એમાંય જો આદર-સ્નેહ સાંપડે,
ના સ્વર્ગ અન્યત્ર, સદાય ત્યાં જડે, કૃતાર્થ આ જીવન, પર્વ ધન્ય.
અહીં મળે માનવ જે ગમી જતું તો જજો તો બે ક્ષણ ચાહી લેવું
અને પછી સંગ ઉરે રમી જતું જો ગીત, તો બે ક્ષણ ગાઈ લેવું!
હો ધન્ય સૌ માનવલોકમેળા, કૃતજ્ઞતા, માત્ર વિદાયવેળા!
જીવન જીવતાં જીવતાં કોઈ માણસ ગમી જાય તો હૃદયને રોકવું નહીં, એને ચાહી લેવું. સાચા સંબંધ અને સાચા પ્રેમથી ચઢિયાતું બીજું કશું નથી. મૃત્યુ પછી સ્વર્ગે જવાની ઝંખના પાળવાની જરૂર જ શી છે? જીવતેજીવ સચ્ચાઈભર્યો પ્રેમ અને આદર જડી જવાની સ્થિતિ એ જ સ્વર્ગ છે! 
0 0 0