Tuesday, November 19, 2013

ટેક ઓફ : જરાક મથી જોઉં...એકાદ ગાંઠ ખૂલતી હોય તો

Sandesh - Ardh Saptahik Purti - 20 Nov 2013

ટેક ઓફ 

જિંદગી સામે જીદ કરીએમાથું ઊંચકીએ તો કારમા પ્રહારો કરીને,આપણને લોહીલુહાણ કરીને આખરે એ પોતાનું ધાર્યું જ નથી કરતી હોતી શું? 

હુ દેખાતાં, બહુ ગાજતાં અને બહુ ઊછળતાં નામો સામાન્યપણે વધારે પોંખાતાં હોય છે. પવનકુમાર જૈનનું નામ ન અત્યધિક ગાજ્યું કે ન ઊછળ્યું. આમ છતાંય તે પોંખાયું ચોક્કસ. અલબત્ત, એક નિશ્ચિત અને નાના ઘેરાવાવાળા વર્તુળમાં. પવનકુમાર જૈન મુંબઈના કવિ-વાર્તાકાર. તેમણે ઓછું પણ બહુ જ ઘૂંટાયેલું, યાદગાર અને મહત્ત્વનું સર્જન કર્યું. ૧૨ નવેમ્બરે એટલે કે ગયા મંગળવારે તેમનું નિધન થયું. એમ જ. કશા જ પૂર્વસંકેત વગર મૃત્યુ આવ્યું અને પળવારમાં આ વિચક્ષણ વ્યક્તિનું અસ્તિત્વ શૂન્ય થઈ ગયું. પવનકુમારને કદાચ આવું જ મૃત્યુ ગમ્યું હોત. અચાનક ઝબકી ગયેલું. ધીમા પગલે, ડરામણી મુદ્રા ધારણ કરીને આવતાં મોતને એમણે સિરિયસલી લીધું ન હોત. ૬૭ વર્ષ પહેલાં થયેલા પોતાના જન્મને પણ ક્યાં સિરિયસલી લીધું હતું? પોતાનાં અવતરણની વાત કરતી 'ઓત્તારીની' શીર્ષકધારી કવિતામાં કૌતુક ઓછું ને ઉપહાસ વધારે છે. જુઓ,
પછી હું જન્મ્યો.
કહોકેવો જન્મ્યો?

અહોએવો જન્મ્યો:
ગંધાતીસાંકડી તિરાડમાંથી
એક અળસિયું મેળેમેળે
બહાર આવે તેમ,
ઊંધે માથે,
નિર્લજ્જનીપટ નાગો,
ઝીણું-ઝીણુંહાસ્યાસ્પદ
કલપતો,
અબૂધઆંધળોમૂંગો,
ભૂખ્યોતરસ્યો,
હાથપગ વીંઝી તરફડતો
અવતર્યો.

ત્યારેલોકોએ હરખપદૂડા
થઈ પેંડા ખાધા બોલો!

ખુદને બહુ ગંભીરતાથી ન લેનાર પવનકુમારે અંતરંગ સંબંધોને ખૂબ ગંભીરતાથી લીધા અને નિભાવ્યા. એમના વ્યક્તિત્વમાં એક આકર્ષક વિરોધ હતો. રોજબરોજનાં કામોમાં એ ભયાનક ચોકસાઈ રાખશે, સામેનો માણસ થાકી જાય એટલું ઝીણું કાંતશે, પણ જીવન પ્રત્યેના એટિટયૂડમાં મસ્તમૌલા રહેશે. એમની એવી પ્રકૃતિ જ નહોતી કે જિંદગીને ચોક્કસ ઘાટ આપવા એકધારું દે-ઠોક કર્યા કરે. વિના અવરોધે લાગણીઓની ભરતી-ઓટ આવતી રહી અને જિંદગી એની સ્વાભાવિક લયમાં વહેતી રહી. ડુઝ એન્ડ ડોન્ટ્સની જાળથી ખુદને બચાવવી જોકે કઠિન હોય છે. આ કવિતા જુઓ :   
સુખમાં ઉલ્લાસિત થવું નહીં,
દુઃખમાં ઉદ્વિગ્ન થવું નહીં,
હારથી અકળાવું નહીં.

આવી શિખામણો માનું
તો હું
મૂર્તિમંત સુવાક્ય હોઈ શકું,
પથ્થરનું પૂતળું હોઈ શકું,
ભરમડાની જેમ ફરતા
સૂર્યચંદ્રતારા હોઈ શકું,
નાગા વરસાદથી રચાતું,
મેઘધનુષ્ય હોઈ શકું,
કાંઠાથી બંધાયેલો સમુદ્ર હોઈ શકું.
એવું અઢળક.

નહીં માનું આવી શિખામણો.
બાપલિયા માણસ છું,
મને માણસ રહેવા દો.

Pavankumar Jain

'મને માણસ રહેવા દો' કહીને સૌથી અઘરી વસ્તુ માગી લીધી પવનકુમારે. વધતી જતી વય સાથે નિર્ભેળપણું અને પારદર્શિતા બહુ ઓછા માણસો ટકાવી શકતા હોય છે. લો-પ્રોફાઇલ રહીને, પ્રચંડ સમપર્ણભાવ સાથે પહેલાં માંદી માને અને પછી માનસિક રીતે વિકલાંગ બહેનને વહાલ અને સેવા બન્ને કરતા રહીને ઝાઝી હાયવોય કર્યા વગર જીવવાનું પવનકુમારને વધારે પસંદ હતું. મહત્ત્વાકાંક્ષાઓમાં સળગતા રહેવાની તેમની તાસીર નહોતી. સતર્ક હોવું અને છતાંય નિસ્પૃહ રહી શકવું એ કેટલી મજાની વાત છે! એમણે સ્વીકૃતિભાવ કેળવી લીધો હતો. વત્તેઓછે અંશે આપણે સૌએ સ્વીકૃતિભાવ કેળવી લેવો પડતો હોય છે. જીદ કરીએ,માથું ઊંચકીએ તો જિંદગી કારમા પ્રહારો કરીને, આપણને લોહીલુહાણ કરીને આખરે પોતાનું ધાર્યું જ નથી કરતી હોતી શું? આ કૃતિમાં પવનકુમાર કેટલી મજાની વાત કરે છે : 
કાચી વયે દાદીમાએ
કહ્યું હતું: "બેટામનમાં 
ગાંઠ વાળ કે..."

પછી તો બા-બાપુજી,
નાના-નાનીમામા-માસી,
કાકા-કાકીપડોશીઓ,
મિત્રોપરિચિતો,
જ્ઞાનીઓસહુ કહેતાં
ગયાં: "મનમાં ગાંઠ
વાળોતો કામો પાર પડશે.
આગળ વધશોસુખી થશો."

હું વર્ષાનુવર્ષ મનમાં
ગાંઠો વાળતો રહ્યો.

આજે જોઉં છું તો
તમારામારાઆપણા
સહુનાં મનમાં
ગાંઠો જ ગાંઠો છે...

કોઈ કામ પાર નથી પડતું,
તસુંય ખસી નથી શકાતું.

નાહવે કામો પાર
નથી પાડવાં,
આગળ નથી વધવું,
સુખી પણ નથી થવું.

નવરા બેઠા
અમસ્તુ
જરાક મથી જોઉં,
એકાદ ગાંઠ
ખૂલતી હોય તો...

મનમાં, સંબંધોમાં અને પરિસ્થિતિઓમાં પડી ગયેલી ગાંઠોને ખોલતા જવું. આપણું જીવનકર્મ આખરે તો અહીં આવીને જ અટકતું હોય છે.
                                                          0 0 0 

Monday, November 18, 2013

Ram-Leela Facebook Review


Facebook - 17 Nov 2013



‘રામ-લીલા’: પ્લીઝ કોઈ નગાડા લાવો, ઢોલ લાવો અને મહેરબાની કરીને કોઈ રાસ-ગરબાના પેલા અદભુત સ્ટેપ્સ શીખવો, કારણ કે હમણાં જ ‘રામ-લીલા’ જોઈને પાછો ફર્યો છું અને મનમાં ને બૉડીમાં જોરદાર થનગાન-થનગાટ અનુભવી રહ્યો છું. અોપનિંગ ક્રેડિટ્સમાં જ ઝવેરચંદમેઘાણીનો સ-સતવીર, સ-આદાર આભાર માનવામાં આવ્યો છે એટલે ફિલ્મની શરુઆતમાં જ જીવને ટાઢક થઈ જાય છે. ઈન ફેક્ટ, ફિલ્મની શરુઆત જ મેઘાણી રચિત ‘મન મોર બની થનગાટ કરે’ના સુપર્બ ઓડિયોથી થાય છે. આખી ફિલ્મમાં જ્યાં જ્યાં અને જ્યારે જયારે ગુજરાતી લોકસંગીતનો ઉપયોગ થયો છે ત્યારે દર વખતે જોરદાર ગૂઝબમ્પ્સ આવ્યા છે.

મેઘાણીના ઋણ-સ્વીકાર ઉપરાંત સંજય લીલા ભણસાલીએ ઑર એક કામ સારું કર્યું છે. રાધર, કરવું પડ્યું. આખી ફિલ્મમાંથી ‘રબારી’ અને ‘રાજપૂત’ શબ્દને રિપ્લેસ કરીને એની જગ્યાએ ભળતા ને કાલ્પનિક શબ્દો મૂકી દીધા તે બહુ સારું થયું, કારણ કે આ જ્ઞાતિઓના સંદર્ભો ફિલ્મમાં એટલી તીક્ષ્ણતાથી સતત વપરાતા રહે છે કે જો ઓરિજિનલ શબ્દો યથાવત રહ્યા હોત તો પરિસ્થિતિ ખરેખર સ્ફોટક બની જાત. ‘અંજાર’ અને ‘નખત્રાણા’ને બદલે એેવા જ ફોનેટિક્સવાળાં બીજાં નામ મૂકાયાં છે તે પણ ઠીક થયું છે. વાર્તા કાલ્પનિક છે, પાત્રો કાલ્પનિક છે, આખો માહોલ કાલ્પનિક છે પછી ઓથેન્ટિક સંદર્ભોની જરુર પણ શી છે.

રણવીર સિંહનો મુછ્છડ લૂક પહેલી વાર જોયો હતો ત્યારથી પસંદ નહોતો આવ્યો, પણ ફિલ્મમાં આ એનર્જેટિક એક્ટર બોમ્બની જેમ ફાટે છે. ‘રામ-લીલા’ રણવીરના કરીઅરને જુદી જ ઊંચાઈ પર પહોંચાડી દેશે. લીલાના રોલમાં પહેલાં કરીના કપૂરની પસંદગી થઈ હતી. બહુ મોડે મોડે પછી આ રોલમાં દીપિકા ફિટ થઈ હતી. ફિટ થઈ એટલે એવી ફિટ થઈ કે હવે આ રોલમાં બીજી કોઈ હિરોઈનને કલ્પવી ગમતી નથી. લીલા આવી જ હોય. તીખી, આક્રમક, હરીભરી, મજબૂત. સાઈઝ ઝીરો કરીના લીલા તરીકે દીપિકા જેવી ન જ જામત. સાઉથ ઈન્ડિયન દીપિકાનું અફલાતૂન રાસ-ગરબા પર્ફોર્મન્સ ઐશ્ર્વર્યા રાયના ‘ઢોલી તારો ઢોલ બાજે’ને ઝાંખુ પાડી દે એવું જાનદાર છે. ફિલ્મનાં બધાં જ ટોપ ફોર્મમાં છે. પૂરક પાત્રો પણ સરસ ઊપસ્યાં છે. સુપ્રિયા પાઠક ખાસ!

સંજય લીલા ભણસાલી - અ કમર્શિયલી સક્સેસફુલ ડિરેક્ટર - ઈઝ ફાયનલી back... એન્ડ હાઉ! આપણને તો જોકે તેમણે ડિરેક્ટ કરેલી ‘સાંવરિયાં’ સિવાયની બધી જ ફિલ્મો ગમી છે. ‘રામ-લીલા’માં એમનો એક અલગ અંદાજ સામે આવ્યો છે. ‘ખામોશી’થી ‘ગુઝારિશ’ સુધીની પોતાની તમામ ફિલ્મોમાં હીરો-હિરોઈનનો રોમાન્સને બહુ જ નજાકતથી, શાલીનતાથી અને ટિપિકલ પારિવારિક ફિલ્મોમાં શોભે એ રીતે ફિલ્માવ્યો, પણ ‘રામ-લીલા’માં એમણે આ સો-કોલ્ડ ભદ્રતાને રીતસર ગોળી મારી દીધી છે. પહેલી વાર એમણે નાયક-નાયિકાના ફિઝિકલ passion ને આશ્ર્ચર્ય થાય એટલી બોલ્ડ રીતે પેશ કર્યું છે. ફિલ્મમાં સેકસ્યુઅલ મજાકો બિન્ધાસ્ત રીતે થાય છે. વળી, સંજય ભણસાલીના ડિરેક્શનવાળી ફિલ્મમાં આટલી બધી હિંસા હોઈ શકે એવીય કલ્પના નહોતી! શું આ બધું ખૂંચે એવું છે? ના. ફિલ્મના માહોલ અને ટોન સાથે બધું સુસંગત છે. વેલ, ઓલમોસ્ટ.

આવતા વર્ષે અવોર્ડ ફંકશન્સમાં ઢગલાબંધ કેટેગરીઝનાં નોમિનેશન્સમાં એનું નામ ગાજવાનું છે. આ ફિલ્મ માસ્ટરપીસ કોઈ એંગલથી નથી, પણ તે એક હાઈલી એન્ટરટેનિંગ પિક્ચર જરુર છે. સો વાતની એક વાત. ‘રામ-લીલા’ જોવાય? બિલકુલ જોવાય.


Link:

https://www.facebook.com/photo.php?fbid=10152021073385792&set=a.76707920791.114271.715995791&type=1&theater

0 0 0 

Sunday, November 17, 2013

મલ્ટિપ્લેક્સ : રામજી કી નિકલી સવારી

Sandesh - Sanskaar Purti - 17 November 2013 

મલ્ટિપ્લેક્સ

અતિ એનર્જેટિક અને અતિ ઉત્સાહી રણવીર સિંહ એવો એકટર છે,જેની પાસેથી મજબૂત ફિલ્મો અને તગડાં પરફોર્મન્સીસની અપેક્ષા રાખવાનું હંમેશાં મન થાય.


'રામ-લીલા' રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મે ગુજરાતીઓનાં મન એક કરતાં વધારે કારણોસર ઊંચાં કરી નાખ્યાં હતાં ને ખાસ્સી નેગેટિવિટી ફેલાવી દીધી હતી તે સાચું, પણ એનો હીરો રણવીર સિંહ ભાવનાની બડો ઇન્ટરેસ્ટિંગ એક્ટર છે તે પણ એટલું જ સાચું. રણવીર મુંબઈના સમૃદ્ધ સિંધી પરિવારનું ફરજંદ છે અને એની અટક ભાવનાની છે. ભાવનાની જેવી સરનેમ કરતાં 'સિંહ'નું પૂછડું વધારે ફિલ્મી ને પ્રભાવશાળી છે એટલે રણવીરે ખુદને કેવળ રણવીર સિંહ તરીકે પ્રસ્થાપિત કર્યો છે. 
રણવીરની પર્સનાલિટી મર્દાના ખરી, પણ એનો ચહેરો કંઈ ટિપિકલ બોલિવૂડ સ્ટાર જેવો ચોકલેટી કે સોહામણો નથી. આમ છતાંય યશરાજ બેનરે એને 'બેન્ડ બાજાં બારાત' (૨૦૧૦)માં લીડ હીરો તરીકે લોન્ચ કર્યો હતો. આદિત્ય ચોપડાને રણવીરનું ઓડિશન પસંદ પડયું ને એને અનુષ્કા શર્માના હીરો તરીકે પસંદ કરી લીધો, પણ ફર્સ્ટ-ટાઇમ-ડિરેક્ટર મનીષ શર્માનું મન આ અજાણ્યા છોકરામાં ઠરતું નહોતું. રણવીરને પછીનાં બે અઠવાડિયાં દરમિયાન કેટલીય વાર બોલાવવામાં આવ્યો, એની પાસે ઈમોશનલ સીન કરાવવામાં આવ્યા, નચાવવામાં આવ્યો, બીજા એક્ટરો સાથે રીડિંગ કરાવવામાં આવ્યું, લુક ટેસ્ટ્સ લેવામાં આવ્યો. આખરે મનીષ શર્મા કન્વિન્સ થયા ખરા કે મતવાલા વેડિંગ પ્લાનરનો બિટ્ટુનો રોલ રણવીર નિભાવી જશે.
એવું જ થયું. રણવીરે પહેલા જ બોલમાં સિક્સર ફટકારી. વેલ, ઓલમોસ્ટ. પોતે માત્ર નાચગાના જ નહીં પણ અભિનય પણ કરી શકે છે તે રણવીરે પહેલી જ ફિલ્મમાં પુરવાર કરી દીધું. અસલી જીવનમાં રણવીર રહ્યો નખશિખ બાન્દ્રાબોય. એની સામે સૌથી મોટો પડકાર બોલચાલમાં દિલ્હીની લઢણ પકડવાનો હતો. મનીષ શર્મા રેકી કરવા દિલ્હી ગયા ત્યારે રણવીરને પોતાની સાથે લઈ ગયા હતા (રેકી એટલે શૂટિંગ શરૂ કરતાં પહેલાં કરવામાં આવતી લોકેશનની શોધખોળ). દિલ્હી યુનિવર્સિટીનાં છોકરાંઓ સાથે રણવીરે પુષ્કળ સમય વીતાવ્યો, દિલ્હીના જુવાનિયાઓ કઈ રીતે બોલેચાલે છે એનો અભ્યાસ કર્યો. સદ્ભાગ્યે, 'બેન્ડ બાજાં બારાત'ના બિટ્ટુના કિરદાર જેવા જ એક યુવાન સાથે રણવીરની દોસ્તી થઈ ગઈ હતી. એ જ એનર્જી લેવલ, એવાં જ કપડાં, એવી જ ઢબછબ. રણવીરે પોતાનું પાત્ર દિલ્હીના આ અસલી લોંડાને ધ્યાનમાં રાખીને ઉપસાવ્યું.


'રામ-લીલા'ના શૂટિંગ પહેલાં પણ રણવીર પોતાની કોસ્ચ્યૂમ ડિઝાઈનર મેક્ઝિમા બસુ સાથે ગુજરાતની એક કરતાં વધારે વખત મુલાકાત લઈ ગયો હતો. સ્થાનિક દુકાનોમાંથી કપડાં ખરીદ્યાં, જાતજાતનાં ઘરેણાં ને એક્સેસરીઝ ખરીદી, કચ્છી જુવાનિયાઓના ફોટા પાડયા, પાઘડી પહેરવાની રીતનો અભ્યાસ કર્યો, પણ રામના પાત્ર માટે રેફરન્સ પોઇન્ટ બનાવી શકાય એવો કોઈ કચ્છી માડુ એને મળ્યો નહીં. કદાચ ત્રણ ફિલ્મો ('બેન્ડ બાજાં બારાત','લેડીઝ વર્સીસ રિકી બહલ' અને લૂટેરે')ના અનુભવ પછી આવી કોઈ જરૂરિયાત નહીં વર્તાઈ હોય. કદાચ અસલી જીવનમાં એ ખુદ રામ જેવો જ મસ્તમૌલા છે એટલે બહારથી પ્રેરણા શોધવાની જરૂર નહીં પડી હોય.
'રામ-લીલા'નું શૂટિંગ શરૂ કરતાં પહેલાં સંજય ભણસાલીએ રણવીર અને દીપિકા સાથે ઘણાં વર્કશોપ કર્યા હતા. બન્ને અદાકારોને તેઓ સતત કહેતા રહ્યા હતા કે તમારી વચ્ચે ચુંબકીય કેમેસ્ટ્રી હોવી અત્યંત જરૂરી છે. રામ લીલા પ્રત્યે અને લીલા રામ પ્રત્યે જલદ શારીરિક આકર્ષણ ધરાવે છે. આ આકર્ષણ, આ આગ પડદા પર ઊભરશે તો જ વાત બનશે. સંજય ભણસાલીને 'રામ-લીલા' ફિલ્મનો આઈડિયા સૌથી પહેલી વાર 'ખામોશી' (૧૯૯૬)ના શૂટિંગ દરમિયાન આવ્યો હતો. જોકે 'ખામોશી' પછી એમણે બનાવી 'હમ દિલ દે ચૂકે સનમ'. એમાંય ગુજરાતી માહોલ હતો એટલે 'રામ-લીલા' માટે વચ્ચે થોડાં વર્ષો જવા દીધાં.
'રામ-લીલા'ને કારણે રણવીર સિંહે અનુરાગ કશ્યપની 'બોમ્બે વેલ્વેટ' નામની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ગુમાવવી પડી છે. સાઠના દાયકાના મુંબઈની વાત કરતી આ ફિલ્મ માટે અનુરાગની ફર્સ્ટ ચોઈસ રણવીર હતો, પણ 'રામ-લીલા' સાથે એનું શૂટિંગ શેડયુલ ટકરાતું હતું એટલે ભારે હૈયે 'બોમ્બે વેલ્વેટ' છોડવી પડી. ખરું-ખોટું રામ જાણે, પણ ઓફિશિયલ વર્ઝન તો આ જ છે. રણવીર સિંહવાળો રોલ હવે રણબીર કપૂર કરી રહ્યો છે. મુંબઈના ફિલ્મસિટી સ્ટુડિયોમાં 'રામ-લીલા'નું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે રણબીર કપૂર સેટ પર હાય-હેલો કરવા આવેલો. તે વખતે 'બોમ્બે વેલ્વેટ' વિશે રણબીર અને રણવીર વચ્ચે ખાસ્સી ચર્ચા પણ થઈ હતી. અંદરખાને બળતરા થતી હોય તો અલગ વાત છે, બાકી બહારથી તો રણવીર સિંહ એવું દેખાડે છે કે એના રિપ્લેસમેન્ટમાં કોઈ આલતુફાલતુ એક્ટર નહીં, પણ રણબીર કપૂર આવ્યો છે તે વાતનો એને સંતોષ છે.
જોકે, રણવીરે પણ એક પ્રોજેક્ટમાં રણબીર કપૂરને રિપ્લેસ કર્યો જ છેને. ઝોયા અખ્તર પોતાની આગામી ફિલ્મમાં કઝિન્સ રણબીર કપૂર અને કરીના કપૂરને ભાઈ-બહેન તરીકે કાસ્ટ કરવા માગતી હતી, પણ મેળ ન પડયો. આ બેના સ્થાને હવે રણવીર સિંહ અને પ્રિયંકા ચોપડા ગોઠવાઈ ગયાં છે. પ્રિયંકાને બહેન બનાવવાનું કોઈ હીરોને ગમે નહીં, પણ એવું વિચારીને સાંત્વન લેવાનું કે 'જોશ'ફિલ્મમાં શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાય સગાં ભાઈ-બહેન બન્યાં જ હતાંને. રણવીરની ઔર બે ફિલ્મો આવી રહી છે, બન્ને યશરાજ બેનરની છે. 'ગુંડે'ના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર છે અને સહ-ગુંડો બન્યો છે, અર્જુન કપૂર. બીજી છે 'કિલ દિલ'. એના ડિરેક્ટર શાદ અલી છે અને રણવીરની હિરોઈન છે, પરીણિતી ચોપડા.


રણવીર સિંહ અચ્છો પરફોર્મર છે. 'લૂટેરે' ભલે ચાલી નહીં, પણ આ ફિલ્મમાં એણે પોતાની ઇમેજ અને પર્સનાલિટીથી વિરુદ્ધ રોલ બખૂબીથી નિભાવ્યો હતો. રણવીર એવો અદાકાર છે, જેની પાસેથી મજબૂત ફિલ્મોની અપેક્ષા રાખવાનું મન થાય. રણવીર સિંહ, રણબીર કપૂર, સુશાંત સિંહ રાજપૂત, આયુષ્યમાન ખુરાના, આદિત્ય રોય કપૂર... બોલિવૂડની લેટેસ્ટ જનરેશનના આ તમામ જુવાનિયા માત્ર સ્ટાર નથી, પણ અચ્છા પરફોર્મર્સ પણ છે એ દિલને ટાઢક થાય એવી હકીકત છે. થ્રી ચિયર્સ ટુ જનરેશન-એક્સ!
શો-સ્ટોપર

હજુય કેટલું બધું કરવાનું બાકી છે. વધારે સારી ફિલ્મો, વધારે સારા રોલ્સ. આજે હું જે પોઝિશન પર છું એનાથી ખુશ જરૂર છું, પણ સંતુષ્ટ નથી.           
- દીપિકા પદુકોણ

Thursday, November 14, 2013

હૉલીવૂડ હન્ડ્રેડ : ૪૮ : ‘ગ્રીઝ’

Mumbai Samachar - Matinee - 15 Nov 2013


હૉલીવૂડ હન્ડ્રેડ : 
મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો
બોલ બેબી બોલ... રૉક એન્ડ રૉલ


હોલીવૂડની મ્યુઝિકલ ફિલ્મોની એક અલગ જ મજા છે. ‘ગ્રીઝ’ એક ટીનએજ લવસ્ટોરી છે. જોન ટ્રવોલ્ટા એના મેઈન હીરો હોવાથી ફિલ્મનો ચાર્મ બેવડાય છે. 

                                                     
                           ફિલ્મ ૪૮ :  ‘ગ્રીઝ’
ફિલ્મ તમને બે કારણોસર ગમી શકે: એક, જો તમે જોન ટ્રવોલ્ટાના ચાહક હો તો અને બે, જો તમને હોલિવૂડની મ્યુઝિકલ્સમાં જલસો પડતો હોય તો. આ જ નામનું એક સુપરહિટ બ્રોડવે મ્યુઝિકલ હતું, જે ફેબ્રુઆરી ૧૯૭૨માં ઓપન થયું હતું. તેના કુલ ૩૩૮૮ શોઝ થયા છે. ઈવન રએલ પદમસીએ પ્રોડ્યુસ કરેલું દેસી ‘ગ્રીઝ’ના પ્રીમિયર શોઝ મુંબઈસ્થિત એનસીપીએમાં ગયા ઓગસ્ટમાં યોજાયા હતા. ફિલ્મ આ જ બ્રોડવે પ્રોડકશન પર આધારિત છે. ‘ગ્રીઝ’ શબ્દ એક અમેરિકન સ્લેન્ગ છે, જેનો એક અર્થ છે, જુની રુઢિઓને તોડીફોડી નાખવી. બીજો અર્થ છે, સેક્સ માણવું અને ત્રીજો મતલબ છે, કોઈને બરાબરનો ધીબેડવો. ફિલ્મમાં આ ત્રણેય અર્થો લાગુ પડે છે.


ફિલ્મમાં શું છે?


‘ગ્રીઝ’ એક ટીનએજ ફેન્ટસી યા તો મ્યુઝિકલ લવસ્ટોરી છે. ૧૯૫૦ના દાયકાની એક અમેરિકન હાઈસ્કૂલનું બેકગ્રાઉન્ડ છે. અમેરિકામાં હાઈસ્કૂલ એટલે મુંબઈમાં આપણે જેને જુનિયર કોલેજ કહીએ છીએ, તે. અહીં ભણતાં છોકરા-છોકરીઓ માંડ સોળ-સત્તર વર્ષનાં છે. ફિલ્મની શરુઆતમાં હીરો ડેની (જોન ટ્રવોલ્ટા) અને હિરોઈન સેન્ડી (ઓલિવિયા ન્યુટન-જોન) એક બીચ પર રોમાન્સ કરતાં દેખાય છે. વેકેશન પૂરું થતાં જ સેન્ડી ઓસ્ટ્રેલિયા જતી રહેવાની છે. પોતાની લવસ્ટોરીનો આ રીતે અંત આવી જવાનો હોવાથી એ દુખી-દુખી છે, પણ ડેની એને સધિયારો આપે છે કે દેશ અલગ થઈ જવાથી આપણી રિલેશનશિપમાં કશો ફર્ક નહીં પડે.



વેકેશન ખૂલતાં જ ડેની પોતાના ટપોરીછાપ દોસ્તો સાથે રાઈડેલ હાઈસ્કૂલમાં પાછો ફરે છે. બોય્ઝ ગેન્ગનું નામ ‘ધ ટી-બર્ડ્ઝ’ છે. ડેની આ સૌનો લીડર છે. છોકરાઓની જુવાની ફાટ ફાટ થઈ રહી છે અને સૌનું મન ચોવીસે કલાક સેક્સ અને છોકરીઓના વિચારોમાં રમમાણ રહે છે. હાઈસ્કૂલમાં છોકરીઓની પણ એક ગેન્ગ છે. એનું નામ ‘ધ પિન્ક લેડીઝ’ છે. બને છે એવું કે સેન્ડીનું ઓસ્ટ્રેલિયા જવાનું કેન્સલ થાય છે. એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ એ પણ રાઈડેલ હાઈસ્કૂલમાં એડમિશન લે છે. સેન્ડી બિચારી સાવ સીધીસાદી છોકરી છે. ‘ધ પિન્ક લેડીઝ’ એને પોતાના ગ્રુપમાં ખેંચી લે છે. એક બાજુ એ શરમાતી શરમાતી બહેનપણીઓને વેકેશનમાં થઈ ગયેલા પ્રેમની વાત કરે છે, તો બીજી બાજુ જોન આ જ વાત પોતાના દોસ્તોને વધારી-વધારીને, સેક્સમાં ઝબોળી-ઝબોળીને વર્ણવે છે. ટિપિકલ હિન્દી ફિલ્મોમાં હોય એવી આ સોંગ-એન્ડ-ડાન્સ સિકવન્સ છે. બન્નેને હજુ સુધી ખબર નથી પડી કે તેઓ એક જ જગ્યાએ ભણે છે. 





સેન્ડીની એક બહેનપણીને ત્યાં બધી છોકરીઓ રાત રોકાય છે. સેન્ડી નથી સિગારેટ પીતી, નથી દારુને હાથ અડાડતી. એક જણી એના કાન વીંધવાની કોશિશ કરે છે પણ લોહીનું એક ટીપું જોતાં જ એને ઊલટી થઈ જાય છે. ગેન્ગલીડર રિઝો (સ્ટોકાર્ડ ચેનિંગ) એનાથી કંટાળી જાય છે. નીચે છોકરાઓ ધમાલ કરી રહ્યા છે. બિન્દાસ રિઝો બાલ્કનીમાંથી નીચે ઉતરીને પોતાના બોયફ્રેન્ડ કેનીકી (જેફ કોનવે) સાથે કારમાં નીકળી પડે છે. એક જગ્યાએ કાર પાર્ક કરીને પાછલી સીટ પર બન્ને હોશકોશ ગુમાવીને ફાટી ગયેલા કોન્ડોમની પરવા કર્યા વિના સેક્સમાં ગુલતાન થઈ જાય છે. 



એક વાર સેન્ડી અને જોન અચાનક આમનેસામને થઈ જાય છે. જોન એની સાથે એકદમ શુષ્કતાથી વર્તે છે. કેમ? સાથે ભાઈબંધો છે, એટલે. રોમાન્સના ટાયલાં તો સ્ત્રૈણ છોકરાઓ કરે, બાકી મર્દાનગીભર્યા મચો છોકરાઓએ તો છોકરીને પગની જૂતી સમજવાની હોય, એનો ઉપભોગ કરીને ફેંકી દેવાની હોય. આવું કરે તો જ એ ‘કૂલ’ ગણાય! જોકે ડેનીને પછી પોતાની ભુલ સમજાય છે. એને સેન્ડી ખરેખર પસંદ છે. સેન્ડીને ઈમ્પ્રેસ કરવાની એ ખૂબ કોશિશ કરે છે. સેન્ડી આખરે માની જાય છે. પછી સામાન્યપણે હાઈસ્કૂલ-કોલેજમાં જે પ્રકારની ભંકસ થતી હોય છે તે બધું જ અહીં થાય છે. રિસામણા-મનામણા, હરીફ ગેન્ગ સાથે મારામારી, કાર રેસ, ટીચરો સામે દાંડાઈ, ડાન્સ કોમ્પિટીશન, ઈર્ષ્યા, માલિકીભાવ, વગેેરે. ડેની બહુ સરસ નાચી જાણે છે. એક ડાન્સ-શોમાં એ અધવચ્ચેથી સેન્ડીને છોડીને બીજી કોઈ ક્ધયાને પકડે છે એટલે પેલી પાછી વીફરે છે. ડ્રાઈવ-ઈન થિયેટરમાં એ સેન્ડી સાથે છૂટછાટ લેવાની કોશિશ કરે છે ત્યારે પણ એને માઠું લાગી જાય છે. દરમિયાન રિઝોને ખબર પડે છે કે પોતે પ્રેગનન્ટ છે. વાયુવેગે આખી હાઈસ્કૂલમાં વાત ફેલાઈ જાય છે. રિઝોની છાપ આમેય વંઠેલ છોકરીની છે. પોતાના બોયફ્રેન્ડને એ કહી દે છે: તારે ટેન્શન લેવાની જરુર નથી. મારા પેટમાં છે બાળક છે તે તારું નથી, બીજા કોઈનું છે. જોકે પ્રેગનન્સીવાળી વાત પછી ખોટી સાબિત થાય છે. બસ, આવું જ બધું ચાલતું રહે છે. ફિલ્મના એન્ડમાં સેન્ડીનું અણધાર્યું મેકઓવર થાય છે. એ રાતોરાત અતિ સ્ટાઈલિશ ક્ધયા બની જાય છે. નાચતાં-ગાતાં જોન અને સેન્ડી સૌને બાય-બાય કરીને સરસ મજાની કારમાં રવાનાં થાય છે. ફિલ્મ અહીં પૂરી થાય છે. 


કથા પહેલાંની અને પછીની


‘ગ્રીઝ’ જોતી વખતે એક વાત ખાસ યાદ રાખવી પડે કે ફિલ્મની વાર્તાનો સમયગાળો ૧૯૫૦ના દાયકાનો છે. આ સંદર્ભ સતત મનમાં નહીં રાખીએ તો ફિલ્મ સાવ મામૂલી લાગશે અને મનમાં થયા કરશે કે આમાં શું નવું છે. આવી સ્ટોરી, આવાં ડાન્સ સ્ટેપ્સ આપણે અસંખ્ય વખત જોઈ ચુક્યા છીએ. 


                                   
 


ફિલ્મનાં તમામ કિરદાર સોળ-સત્તર વર્ષનાં છે, પણ સમ ખાવા પૂરતો એક પણ મુખ્ય કલાકાર આ એજગ્રુપનો નથી. ફિલ્મ બની ત્યારે જોન ટ્રવોલ્ટા ૨૩ વર્ષના હતા, હિરોઈન ઓલિવિયા ૨૮ની હતી, જેફ કોનવે ૨૬નો હતો અને રિઝો બનતી સ્ટોકાર્ડ ચેનિંગ તો ૩૩ વર્ષની હતી! આ જ કારણ છે કે ફિલ્મ જોતી વખતે બધા જ છોકરા-છોકરીઓ બહુ મોટાં-મોટાં દેખાય છે. ‘ગ્રીઝ’નો આ મોટો માઈનસ પોઈન્ટ છે. જોકે ફિલ્મનું મુખ્ય આકર્ષણ જોન ટ્રવોલ્ટા છે. અમેરિકામાં એમને એક કલ્ચરલ આઈકોન તરીકે જોવાય છે. શુઝમાં સ્પ્રિંગ ફિટ કરાવી હોય તેમ એમની કૂદતા કૂદતા ચાલવાની સ્ટાઈલ, એમનું ડાન્સિંગ, છબઢબ આ બધું ખૂબ ચાર્મિંગ છે. લીડ હિરોઈન ઓલિવિયા ન્યુટન-જોનને ‘ગ્રીઝ’ની પહેલાં અભિનયનો ખાસ અનુભવ નહોતો. ક્ાસ્ટ કરતાં પહેલાં ઓડિશન લેવામાં આવ્યું ત્યારે એની પાસે ડ્રાઈવ-ઈન થિયેટરવાળો સીન કરાવવામાં આવ્યો હતો. 

                                             




ફિલ્મ સુપરડુપર હિટ સાબિત થઈ. એક સમયે તે સિનેમાના ઈતિહાસની સૌથી વધારે કમાણી કરનારી ત્રીજા નંબરની ફિલ્મ હતી. પહેલી બે ફિલ્મો હતી, ‘જાઝ’ અને ‘સ્ટાર વોર્સ’. ‘ગ્રીઝ’ નાટકમાં સેકસ્યુઅલ ઉલ્લેખો ઘણા વધારે હતા, પણ સેન્સરના ડરે ફિલ્મમાં ઘણું બધું ગાળી લેવામાં આવ્યું છે. બ્રોડવે મ્યુઝિકલનાં ઘણાં ગીતો ફિલ્મમાં સમાવી શકાયાં નથી. જોકે ફિલ્મનું મ્યુઝિક આલબમ પણ ધૂમ વેચાયું. એમાં કુલ ૨૬ ગીતો છે. ‘હોપલેસલી ડીવોટેડ ટુ યુ’, ‘યુ આર ધ વન ધેટ આઈ વોન્ટ’, ટાઈટલ સોંગ સહિતનાં કેટલાંય ગીતો ચાર્ટબસ્ટર બન્યાં. ૧૯૮૨માં ‘ગ્રીઝ-ટુ’ નામની સિક્વલ બની હતી. તેમાં મેક્સવેલ કોલફિલ્ડ અને મિશેલ ફાઈફર લીડ એક્ટર્સ હતાં. આ ફિલ્મ ફ્લોપ થઈ ગઈ. વાસ્તવમાં પેરેમાઉન્ટ સ્ટુડિયોનું પ્લાનિંગ તો ત્રણ સિક્વલ અને એક ટીવી સિરીઝ બનાવવાનું હતું, પણ ‘ગ્રીઝ-ટુ’ ન ચાલી એટલે બધું પડતું મૂકાયું. 


લેખની શરુઆતમાં કરી હતી તે વાત ફરી એક વાર. જો તમે જોન ટ્રવોલ્ટા યા તો મ્યુઝિકલ્સના ચાહક હો તો જ આ ફિલ્મ જોજો. જોન ટ્રવોલ્ટાની ઑર એક સુપરડુપર હિટ મ્યુઝિકલ ‘સેટરડે નાઈટ ફિવર’ વિશે આપણે આ સિરીઝમાં અગાઉ વાત કરી ચુક્યા છીએ. ‘ગ્રીઝ’ અને ‘સેટરડે નાઈટ ફિવર’માંથી કોઈ એકની પસંદગી કરવી હોય તો ‘સેટરડે...’ને સિલેક્ટ કરજો, કારણ કે ‘ગ્રીઝ’ કરતાં તે અનેકગણી બહેતર ફિલ્મ છે.


 ‘ગ્રીઝ’ ફેક્ટ ફાઈલ 


ડિરેક્શન : રેન્ડલ ક્લીઝર

મૂળ બ્રોડવે મ્યુઝિકલ : જિમ જેકોબ્સ અને વોરન કેસી રચિત ‘ગ્રીઝ’ 

સ્ક્રીનપ્લે : બ્રોન્ટ વૂડાર્ડ, એલન કાર

કલાકાર : જોન ટ્રવોલ્ટા, ઓલિવિયા ન્યુટન-જોન, સ્ટોકાર્ડ ચેનિંગ, જેફ કોનવે

રિલીઝ ડેટ : ૧૬ જૂન, ૧૯૭૮

મહત્ત્વના અવોર્ડઝ : જોન ફેરરે ગાયેલાં ‘હોપલેસલી ડીવોટેડ ઈન લવ’ ગીતને બેસ્ટ ઓરિજિનલ સોંગનું ઓસ્કર નોમિનેશન


                                                   0 0 0 


Tuesday, November 12, 2013

ટેક ઓફ : હાજી કાસમ તારી વીજળી વેરણ થઈ


Sandesh - Ardh Saptahik Purti - 13 Nov 2013

ટેક ઓફ 

સવાસો વર્ષ અગાઉ માંડવી બંદરેથી ૭૪૬ માણસોને લઈને ઊપડેલું 'વીજળી' નામનું સુંદર જહાજ મુંબઈ પહોંચે તે પહેલાં જ ભયાનક દરિયાઈ તોફાનનો ભોગ બની રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું. 'વીજળી' કઈ રીતે તૂટી તે નહીં, પણ આજ સુધી તેના અવશેષનો એક અંશ સુધ્ધાં કેમ મળ્યો નથી તે ખરું રહસ્ય છે.

રાબર સવાસો વર્ષ પહેલાં એક ઘટના બની હતી. પાક્કી તારીખ સાથે વાત કરીએ તો ૮ નવેમ્બર, ૧૮૮૮ની આ વાત. કચ્છના માંડવી બંદરેથી સવારના સાડા સાત વાગ્યે 'વૈતરણા' નામનું એક જહાજ રવાના થાય છે. 'વૈતરણા' ઓફિશિયલ નામ, પણ જહાજ પર ઇલેક્ટ્રિક લાઇટો જડી હોવાને કારણે એ 'વીજળી'ના નામથી વધારે ઓળખાય. મુસાફરો અને કર્મચારીઓ મળીને કુલ ૭૪૬ માણસો આ ત્રણ વર્ષ જૂની આગબોટ પર સવાર છે. 'વીજળી'નું ગંતવ્યસ્થાન છે મુંબઈ. માંડવીથી દરિયાઈ માર્ગે મુંબઈ સુધીનું અંતર કાપતા સામાન્ય સંજોગોમાં ત્રીસેક કલાક થાય, પણ આવનારા કલાકોમાં અત્યંત અસામાન્ય અને ભયંકર સંજોગો ઊભા થવાના છે એવી તો કલ્પના પણ ક્યાંથી હોય!
ખેર, મુંબઈ પહોંચતા પહેલાં 'વીજળી' દ્વારકા લાંગરે છે. અહીં થોડા મુસાફરોની ચડ-ઊતર થાય છે. પછીનું સ્ટોપ છે પોરબંદર. અહીંથી લગભગ સો મુસાફરો ચડવાના છે, પણ આજે દરિયો તોફાની છે, તેથી પોરબંદરના બંદરમાં લાંગરવાને બદલે 'વીજળી' વ્હિસલ મારીને મુંબઈ તરફ આગળ વધી જાય છે. તે વખતે સાંજના સાડા પાંચ થયા છે. રાત્રે એક વાગ્યે 'વીજળી' માંગરોળ પાસેથી પસાર થાય છે. તે પછી સંભવતઃ માધવપુર (ધેડ) પાસે પણ અમુક લોકો દૂરથી 'વીજળી'ને દરિયામાં સરકતી જુએ છે. બસ. 'વીજળી'ની આ અંતિમ ઝલક. મધદરિયે ભયાનક તોફાન ઊઠે છે અને 'વીજળી' દરિયાના પેટાળમાં ગરક થઈ જાય છે. 'વીજળી' માત્ર ડૂબતી નથી, તે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે. નથી એના ભંગારનો એક અંશ જડતો કે નથી એના પર સવાર થયેલા એક પણ મનુષ્યજીવનો દેહ મળતો. 'વીજળી' એક વિરાટ પ્રશ્નચિહ્ન, એક કરુણાંતિકા, એક રહસ્ય બનીને રહી જાય છે.
વાય.એમ. ચીતલવાલાએ ભારે જહેમત ઉઠાવીને 'વીજળી હાજી કાસમની' નામનું નાનું પણ મહત્ત્વનું પુસ્તક લખ્યું છે. આ સિલસિલાબંધ પુસ્તકમાં તેઓ 'વીજળી'ને યોગ્ય રીતે 'ટાઇટેનિક' સાથે સરખાવે છે. બન્ને જહાજ ઇંગ્લેન્ડમાં બન્યાં હતાં. 'વીજળી' પર લંડનસ્થિત શેફર્ડ કંપનીની માલિકી હતી. તેનું રજિસ્ટ્રેશન પણ લંડનમાં થયેલું. 'વીજળી' ૧૮૮૮માં ડૂબી, 'ટાઇટેનિક' એનાં ચોવીસ વર્ષ પછી ૧૯૧૨માં ગરક થઈ. બન્નેની બનાવટના મૂળ સિદ્ધાંતો સરખા હતા. 'ટાઇટેનિક'માં જાણે 'વીજળી'ના એન્જિનનું વિરાટ સ્વરૂપ ફિટ કરાયું હતું. 'વીજળી'ની જેમ 'ટાઇટેનિક'માં પણ સાત વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ હતાં કે જેથી એકથી વધુ કમ્પાર્ટમેન્ટમાં પાણી પેસી જાય તોપણ તે તરતી રહી શકે, પરંતુ ભયાનક વેગ સાથે ફૂંકાતા પવન સામે ઝીંક ઝીલવાની 'વીજળી'ની તાકાત કેટલી? કદ અને વૈભવની દૃષ્ટિએ બન્ને જહાજો વચ્ચે કોઈ તુલના નથી. 'વીજળી' ૧૭૦ ફૂટ લાંબી, ૨૬.પ ફૂટ પહોળી અને ૯.૨ ફૂટની ઊંડાઈ ધરાવતી હતી, જ્યારે 'ટાઇટેનિક' ૮૮૨ ફૂટ લાંબી અને ૧૦૪ ફૂટ એટલે કે લગભગ દસ માળની બિલ્ડિંગ જેટલી ઊંચી હતી. 'વીજળી' પર સવાર થયેલા તમામ ૭૪૬ જેટલાં સ્ત્રી-પુરુષો-બાળકો નામશેષ થઈ ગયાં, જ્યારે 'ટાઇટેનિક'ની સાથે ૧૫૧૩ માણસોએ જળસમાધિ લીધી, પણ ૭૧૧ માણસો બચી ગયા. 
સૌથી મોટો ફર્ક ઇતિહાસે જે રીતે આ જહાજોને યાદ રાખ્યાં છે તેમાં છે. 'ટાઇટેનિક'ના કાટમાળ સંબંધે સઘન સંશોધનો થયાં, પુષ્કળ લેખો અને પુસ્તકો લખાયાં, કેટલીય ડોક્યુમેન્ટરી બની, ભવ્ય મ્યુઝિયમ ઊભું થયું અને હોલિવૂડના ફિલ્મમેકર જેમ્સ કેમરોને 'ટાઇટેનિક' જેવી અપ્રતિમ ફિલ્મ બનાવીને આ જહાજને અમર બનાવી દીધું છે. તેની તુલનામાં 'વીજળી'ને યાદ રાખવા માટે ગુજરાતે શું કર્યું છે? થોડી લોકવાયકાઓને જન્મ આપી અને થોડું (પણ બહુ મહત્ત્વનું) સાહિત્ય રચ્યું, બસ.
રહસ્યના ધુમ્મસમાં ઓગળી જતી કરુણાંતિકા હંમેશાં દંતકથાઓને જન્મ આપી દે છે. તે સમયે મેટ્રિકની પરીક્ષા મુંબઈમાં ડિસેમ્બર માસમાં લેવાતી. તેથી 'વીજળી'માં તે ગોઝારા દિવસે કેટલાક વિદ્યાર્થીઓ હતા. કહે છે કે આ જહાજમાં તેર વરરાજા ને જાનૈયા મુસાફરી કરી રહ્યા હતા. આ સૌનો જીવનદીપ એક ઝાટકે બુઝાઈ જવાથી હાહાકાર મચી ગયો. એક અત્યંત કરુણ કાવ્ય આ જ અરસામાં રચાયું:


વાણિયા વાંચેભાટિયા વાંચેઘરોઘર રુંગા થાય... કાસમ
મામા-ભાણેજો ડૂસકે રુએરુએ ઘરની નાર... કાસમ
સગાં રુએ ને સગવા રુએબેની રોવે બારે માસ... કાસમ 
પીઠી ચોળેલી લાડકી રુએમાંડવે ઊઠી આગ... કાસમ 
ફટ રે ભૂંડી વીજળી તુંને તેરસો માણસ જાય... કાસમ 
વીજળી કે મારો વાંક નહીં બાવાલખ્યા છઠ્ઠીના લેખ... કાસમ.
કાસમ એટલે 'વીજળી'ના કપ્તાન કાસમ ઇબ્રાહિમ. આ ઉપરાંત એક હાજી કાસમ નૂરમોહમ્મદ હતા, જેમને શેફર્ડ કંપનીએ પોરબંદર ખાતે બુકિંગ એજન્ટ નીમ્યા હતા. વાય. એમ. ચીતલવાલાનું નિરીક્ષણ કહે છે કે વિખ્યાત સાહિત્યકાર ગુણવંતરાય આચાર્યે ૧૯૫૪માં 'હાજી કાસમ તારી વીજળી ડૂબી' નામની નવલકથા લખીને શ્રેષ્ઠ કામ કર્યું છે, પણ આ કથામાં ઐતિહાસિક તથ્યો કરતાં કલ્પનાને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. 'વીજળી' ડૂબી પછી ટૂંક સમયમાં જામનગરના કવિ દુર્લભરાય વિ. શ્યામજી ધ્રુવે 'વીજળી વિલાપ' નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો. તે પછી ભીખારામ સવજી જોશીએ એ જ શીર્ષક હેઠળ વિલાપિકાની રચના કરી. જહાજ ડૂબું ડૂબું થઈ રહ્યું છે ત્યારે કલ્પાંત કરતા લોકોને કપ્તાન કહે છેઃ
નહીં ગભરાવો અમને લોકોલીઓ ખુદાનું નામ,
ગરબડ થાતાં ગમ નથી પડતી બોલો નહીં મુદ્દામ,

રે સૌ ઠીક થવાનું ખુદા ખલકને સહીસલામત રાખશે.

પણ 'વીજળી'ની મદદે ન ભગવાન આવ્યા, ન અલ્લાહ. 'વીજળી' વેરણ થતાં કેટલાય પ્રશ્નો અનુત્તર રહી ગયા. શું કપ્તાને દરિયાઈ તોફાનની ચેતવણી અવગણી હતી? શું જહાજ પોરબંદરથી પાછું માંડવી તરફ વાળી શકાયું હોત?
ઉત્તર દખણ વાયરા વાયાવીજલી ઝોલાં ખાય કાસમ,
લેલી સાહબની ચીઠીયું મલીયુંવીજળી પાછી વાળ કાસમ.
મિસ્ટર લેલી એટલે પોરબંદરના તે સમયના અંગ્રેજ એડમિનિસ્ટ્રેટર, જેમણે 'વીજળી'ને પાછી વાળવાનું ફરમાન કર્યું હતું. જોકે કપ્તાનને ખરેખર આવો કોઈ આદેશ મળ્યો હોવાનો પુરાવો સાંપડયો નથી. લોકોમાં થતી ચર્ચાને આધારે કવિએ એક યુવાન અને કપ્તાન વચ્ચેનો કાલ્પનિક સંવાદ કવિતારૂપે લખ્યો છેઃ
એક જુવાનિયો - કેમ ઉતાર્યો નહીં પોરમાંદે કપ્તાન જવાબ,
નહીં તો હમણાં વાત કરું છુંપીધો હતો શરાબ.
કપ્તાન- નહીં કર ગુસ્સોબેસ જગાએહતી ઝડીની ચોટ,
થાય પછી શું જવાબ દે તું ટકી શકી નહીં બોટ...

'વીજળી' કઈ રીતે તૂટી તે નહીં, પણ આજ સુધી તેના અવશેષનો એક અંશ સુધ્ધાં કેમ મળ્યો નથી તે ખરું રહસ્ય છે. દુર્ઘટના ઘટી પછી વર્ષો સુધી સૌરાષ્ટ્રના દરિયામાં ક્યારેક 'વીજળી'નું ભૂત એટલે કે ઘોસ્ટ શિપ દેખાતું રહ્યું એવી પણ વાયકા છે. ગુજરાતના સામુદ્રિક ઇતિહાસમાં 'વીજળી' હંમેશાં ચમકતી રહેશે, મન-હૃદયને પીડા આપતા જખમની જેમ.
                                         0 0 0 

Monday, November 11, 2013

હૉલીવૂડ હન્ડ્રેડ : 47 : લા ડોલ્ચે વિતા

Mumbai Samachar  - Matinee Purti - 8 Nov 2013

હૉલીવૂડ હન્ડ્રેડ : મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

દુનિયા મેં હમ આયે હૈં તો જીના હી પડેગા...

કદાચ પરફેક્ટ લાઈફ જેવું કશું હોતું જ નથી અને આ સત્ય સુધી માણસે પોતપોતાની રીતે મથામણ કરીને, સુખ-દુખ-પીડામાંથી પસાર થઈને પહોંચવાનું હોય છે. કંઈક આવો સંદેશો આપવા માગતા ઈટાલિયન ફિલ્મમેકર ફેડરિકો ફેલિનીની ‘લા ડોલ્ચે વિતા’ વિશ્ર્વસિનેમાની સર્વકાલીન શ્રેષ્ઠતમ ફિલ્મોમાં સ્થાન પામે છે.

                                                


ફિલ્મ ૪૭ : ‘લા ડોલ્ચે વિતા’

સિનેમાના માસ્ટર ફેડરિકો ફેલિનીની એક ફિલ્મ ‘એઈટ એન્ડ અ હાફ’ વિશે આપણે આ કોલમમાં અગાઉ વિગતે વાત કરી હતી. આજે એમની ઑર એક ઈટાલિયન ફિલ્મ ‘લા ડોલ્ચે વિતા’ અથવા તો ‘અ સ્વીટ લાઈફ’ યા ‘અ ગુડ લાઈફ’નો વારો. ફિલ્મ ખાસ્સી ઓફબીટ અને ‘અઘરી’ છે, પણ વિશ્ર્વસિનેમાની સર્વકાલીન શ્રેષ્ઠતમ ફિલ્મોમાં તેનું નામ છે.

ફિલ્મમાં શું છે?

સ્થૂળ સ્તરે વાત કરીએ તો આ ફિલ્મ માર્સેલો (માર્સેલો મેસ્ત્રોએની) નામના પત્રકારની વાત છે. એ ગોસિપ રાઈટર છે. હાઈ સોસાયટીના સફળ, ગ્લેમરસ અને ધનિક લોકો સાથે ઊઠબેસ કરીને તેમના વિશે ચટપટી વાતો પોતાની કોલમમાં લખે છે. માર્સેલો રોમમાં એક અઠવાડિયું વીતાવે છે. દરમિયાન એને અનેક પ્રકારના અનુભવો થાય છે. આ સાત દિવસ અને સાત રાતોનો અહેવાલ એટલે આ ફિલ્મની કહાણી. પ્રચલિત અર્થઘટન એવું છે કે ફેલિનીએ આ ફિલ્મમાં બાઈબલમાં વર્ણવવામાં આવેલાં સાત પાપને વણી લીધાં છે. આ સાત પાપ એટલે ક્રોધ, લોભ, લાલચ, ઘમંડ, આળસ, વાસના અને અકરાંતિયાપણું. જોકે ઘણાં સમીક્ષકોનું કહેવું છે કે ફિલ્મના નરેટિવ (કથાપ્રવાહ)ને આ રીતે સાત પાપોને સંદર્ભ આપી દેવાથી એની અપીલ સીમિત થઈ જાય છે. આમ જોવા જાઓ તો ફિલ્મમાં વાર્તા જેવું કશું છે જ નહીં. ફિલ્મ કેરેક્ટર-ડ્રિવન છે. મતલબ કે અહીં પાત્રો કેન્દ્રમાં છે. આ પાત્રોને અને એક પછી એક બનતી ઘટનાઓને એકમેક સાથે સીધો સંબંધ હોય અથવા ન પણ હોય. રાઈટર-ડિરેક્ટર ફેલિનીને ‘વ્યુઅર-ફ્રેન્ડલી’ બનવાના કોઈ ધખારા નથી. એ નથી કોઈ ખુલાસા કરતા કે નથી માંડીને વાત કરતા. ફિલ્મની પેટર્ન કંઈક એવી છે કે સાત એપિસોડ્સમાં વહેંચાયેલી ફિલ્મ રોજ સાંજે શરુ થાય અને વહેલી પરોઢે ખતમ થાય. આ સિલસિલો સપ્તાહ સુધી ચાલ્યા કરે.





ફિલ્મની શરુઆતમાં જિસસ ક્રાઈસ્ટને ઊંચકીને લઈ જતું એક હેલિકોપ્ટર રોમ શહેર પરથી પસાર થતું દેખાય છે. હીરો માર્સેલોનું હેલિકોપ્ટર પીછો કરી રહ્યું છે. સાથે પાપારાઝો નામનો ફોટોગ્રાફર પણ છે. રાત્રે એક નાઈટકલબમાં માર્સેલોની મુલાકાત રાજવી પરિવારની એક ધનાઢ્ય સ્ત્રી સાથે થાય છે. એક વેશ્યાના ઘરમાં બન્ને વચ્ચે શરીર સંબંધ બંધાય છે. પરોઢિયે હોટલના કમરામાં પહોંચે છે ત્યારે ખબર પડે છે કે એની અતિ માલિકીભાવ ધરાવતી પ્રેમિકા ઍમા (ઈવન ફરનો)એ ખૂબ બધી ટેબ્લેટ્સ ગળીને આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. હોસ્પિટલના કમરામાં માર્સેલો એને ખાતરી આપે છે કે સ્વીટહાર્ટ, હું ફકત તારો જ છું. જોકે કમરાની બહાર જઈને આગલી રાતે જે સ્ત્રી સાથે ગાળી હતી એની સાથે ફોન પર વાત કરવાનું ચુકતો નથી.

બીજા દિવસે સિલ્વિયા (અનિતા એકબર્ગ) નામની એક ફેમસ સ્વિડિશ-અમેરિકન એક્ટ્રેસ રોમ આવે છે. પત્રકારો અને ફોટોગ્રાફરોના ટોળેટોળા વચ્ચે માર્સેલો એવી યુક્તિ કરે છે કે જેથી સિલ્વિયા સાથે એકલા સમય ગાળી શકાય. રાત્રે ક્લબમાં એની સાથે ડાન્સ કરે છે ને પછી બન્ને વિખ્યાત ટ્રેવી ફાઉન્ટનમાં જલક્રીડા પણ કરે છે. સિલ્વિયાના પ્રેમીથી આ બધું સહન થતું નથી. એ સિલ્વિયાને લાફો ઠોકી દે છે. માર્સેલો ગમ ખાઈને જતો રહે છે. તે પછી એની મુલાકાત સ્ટીનર (એલેઈન કુની) નામના બૌદ્ધિક સાથે થાય છે. એના ઘરે પાર્ટીમાં કલાકારો, સંગીતકારો વગેરે ભેગા થઈને ઊંચી ફિલોસોફિકલ વાતો કરે છે. સ્ટીનરનું જીવન આમ તો પરફેક્ટ છે. પત્ની છે, બાળકો છે, સામાજિક પ્રતિષ્ઠા છે. સ્ટીનર કબૂલે છે કે પોતે ભોતિક સુખ અને આધ્યાત્મિક શાંતિની શોધ વચ્ચે રહેંસાઈ રહ્યો છે. પ્રેમની ઝંખના તેમજ મોટા થતાં જતાં બાળકો વિશેની અસલામતી વિશે પણ ચર્ચા થાય છે. 





ઘણા બધા વેરવિખેર પ્રસંગો બનતા રહે છે, જેમાં માર્સેલોની એના પિતા સાથેની સિકવન્સ મુખ્ય છે. પિતા રોમ ફરવા આવ્યા છે. એક નાઈટક્લબમાં બન્ને મળે છે. નાનપણમાં માર્સેલોએ પિતા સાથે બહુ ઓછો સમય ગાળ્યો હતો. ક્લબમાં માર્સેલો પિતાની ઓળખાણ ફની નામની એક ડાન્સર સાથે કરાવે છે, જેની સાથે એ એક રાત ગાળી ચુક્યો છે. ફનીને પિતાજીમાં રસ પડે છે. એમને એ પોતાના ઘરે લઈ જાય છે, પણ ત્યાં એમને અચાનક હાર્ટએટેક આવે છે. માર્સેેલો પિતાજી સાથે વધારે સમય ગાળવા માગે છે, પણ પિતાજી થોડાઘણા સ્વસ્થ થતાં જ પાછા જતા રહે છે.

ઓર થોડી ધટનાઓ. માર્સેેલો અને ઍમા વચ્ચે ઝઘડો થવો, પેચ-અપ થવું, સ્ટીનરનું પોતાનાં બન્ને સંતાનોની હત્યા કરીને આત્મહત્યા કરી લેવી, પાર્ટીઓ-પાર્ટીઓ-પાર્ટીઓ અને આવા જ કોઈ બિંદુ પર ફિલ્મનું પૂર્ણવિરામ આવવું.

કથા પહેલાંની અને પછીની

ફેડરિકો ફેલિનીને આ ફિલ્મની પ્રેરણા ક્યાંથી મળી? રોમમાં એક તબક્કે ફેશનનો સ્ફોટ થયો હતો. સ્ત્રીઓ ચિત્રવિચિત્ર કપડાં પહેરીને રસ્તા પર ફર્યાં કરતી. એમને જોઈને ફેલિનીને રોમના પેજ-થ્રી ક્રાઉડને કેન્દ્રમાં રાખીને આ ફિલ્મ બનાવવાનો આઈડિયા આવ્યો. આ ફિલ્મમાં અત્યંત લાઉડ કોશ્ચ્યુમ પહેરેલાં કેટલાંક સ્ત્રીપાત્રો જોવા મળે છે. યોગાનુયોગે આ ફિલ્મને બેસ્ટ કોશ્ચ્યુમ્સ ડિઝાઈન (બ્લેક એન્ડ વ્હાઈટ)નો ઓસ્કર ઍવોર્ડ પણ મળ્યો છે. મોટા ભાગની ફિલ્મનું શૂુટિંગ રોમના સિનેસિટ્ટા સ્ટુડિયોમાં થયું છે. લગભગ ૮૦ જેટલા સેટ્સ બનાવવામાં આવ્યા હતા.

સંતાનોની હત્યા કરીને આપઘાત કરી લેનાર બૌદ્ધિકનું પાત્ર ફેલિનીએ સીઝર પવેઝી નામના નવલકથાકાર પરથી બનાવ્યું હતું. ફેલિની અને સીઝર સ્કૂલમાં સાથે ભણતા. અતિ બૌદ્ધિકતાને લીધે લાગણીના સ્તરે એ સૂકા રહી ગયેલા. એમણે આખરે હોટલના કમરામાં આત્મહત્યા કરી નાખી હતી.





‘પાપારાઝી’ શબ્દ આ ફિલ્મની દેન છે. ફિલ્મમાં નાયકના ફોટોગ્રાફર દોસ્તનું નામ પાપારાઝો છે. એક ઈટાલિયન બોલીમાં પાપારાઝો એટલે ચકલી. તેના પરથી સેલિબ્રિટીઓની અંગત સ્પેસમાં ઘૂસણખોરી કરતા ફોટોગ્રાફરો માટે પાપારાઝી શબ્દ બન્યો જે દુનિયાભરની કેટલીય ભાષાઓની ડિક્શનરીઓનો હિસ્સો બની ગયો. પાપારાઝો એકવચન છે, પાપારાઝી બહુવચન.

ફિલ્મ ટોચના ફિલ્મ ફેસ્ટિવલ્સમાં દેખાડાઈ અને પછી વિધિવત રિલીઝ પણ થઈ. એની નવી-અનોખી સિનેમેટિક લૅંગ્વેજ પર વિવેચકો સમરકંદ બુખારા ઓવારી ગયા. કશુંક જુદું જોવા માગતા ઓડિયન્સને જુદો જ અનુભવ થયો. આ ફિલ્મ સૌથી પ્રભાવશાળી યુરોપિયન ફિલ્મોમાંની એક બની રહી.

આ ફિલ્મમાં ‘કવિ’ આખરે કહેવા શું માગે છે? સુખની શોધ ક્યારેય પૂરી થતી નથી, સુખ મૃગજળ જેવું છે, સંપૂર્ણ સુખ માણસને ક્યારેય પ્રાપ્ત થતું નથી, એમ? કદાચ, હા. કદાચ સ્વીટ લાઈફ કે પરફેક્ટ લાઈફ જેવું કશું હોતું જ નથી અને આ સત્ય સુધી માણસે પોતપોતાની રીતે મથામણ કરીને, સુખ-દુખ-પીડામાંથી પસાર થયા પછી પહોંચવાનું હોય છે. આ ફિલ્મનું તમે સમયાંતરે જુદું જુદું અર્થઘટન કરી શકો છો. કદાચ એની આ લાક્ષણિકતા જ એને ક્લાસિકનો દરજ્જો આપી દે છે. 





જોતા જ ફટાફ કરતી મજા પડી જાય તેવી આ ફિલ્મ નથી. એ દર્શકને બૌદ્ધિક કસરત કરાવે છે. એની પાસેથી પુષ્કળ ધીરજની અપેક્ષા રાખે છે. વળી, ફિલ્મની રિધમ પકડવા માટે તેને એક કરતાં વધારે વખત જોવી પડશે. જો આ બધું કરવા તૈયાર હો તો ‘લા ડોલ્ચે વિતા’ પાસે જરૂર જવું. અનુભવ સરવાળે સંતોષકારક સાબિત થશે.


'લા ડોલ્ચે વિતાફેક્ટ ફાઈલ 

ડિરેક્ટર - કો-રાઈટર : ફેડરિકો ફેલિની 


કલાકાર : માર્શેલો મેસ્ત્રોએની, અનિતા ઈકબર્ગ, એલેઈન કુમી, ઈવન ફુરનો

ભાષા : ઈટાલિયન

રિલીઝ ડેટ : ૫ ફેબ્રુઆરી ૧૯૬૦

મહત્ત્વના ઍવોર્ડઝ : બેસ્ટ કોશ્ચ્યુમ ડિઝાઈન (બ્લેક એન્ડ વ્હાઈટ) માટે ઑસ્કર ઍવોર્ડ

                                        0 0 0 

Tuesday, November 5, 2013

મલ્ટિપ્લેક્સ : થોડા હૈ... થોડે કી જરૂરત હૈ

Sandesh - Sanskar Purti - 3 Nov 2013
મલ્ટિપ્લેક્સ  
'જુલી'નું સુપરડુપર મ્યુઝિક તૈયાર કર્યું ત્યારે રાજેશ રોશનની ઉંમર ફક્ત વીસ વર્ષ હતી! 'ક્રિશ-થ્રી'નાં ગીતોએ ભલે જોઈએ એવી જમાવટ ન કરી હોય, પણ આ લો-પ્રોફાઇલ મ્યુઝિક ડિરેક્ટરે ચાર દાયકાની કારકિર્દી દરમિયાન આપણને એક એકથી ચઢિયાતાં ગીતો આપ્યાં છે.

શુક્રવારે 'ક્રિશ-થ્રી' રિલીઝ થઈ એટલે ફિલ્મ કેવી છે, એની આપણને ખબર પડી, પણ એનું સંગીત ખાસ જમાવટ કરતું નથી તેની જાણ ક્યારની થઈ ચૂકી હતી. રાજેશ રોશનના ચાહકો નિરાશ છે. તેઓ જાણે છે કે મોટા ભાઈ રાકેશ રોશનની હવે પછીની ફિલ્મ નહીં આવે ત્યાં સુધી આ પ્રમાદી સંગીતકાર એક-બે વર્ષના પ્રલંબ વેકેશન પર ઊતરી જવાના.
હંમેશાં લો-પ્રોફાઇલ રહેલા રાજેશ રોશનનાં હિટ ગીતોની આજે વાત કરવી છે. કંઈકેટલાય સુપરડુપર, મહત્ત્વનાં અને કદીય ન ભુલાય એવાં ગીતો આપ્યાં છતાંય કોણ જાણે કેમ તેમની આસપાસ ઝગમગતું આભામંડળ ક્યારેય રચાયું નહીં. એમણે કરિયરની શરૂઆત ૧૯૭૪માં 'કંવારા બાપ'થી કરી હતી ને બીજે જ વર્ષે 'જુલી'નું સુપર્બ મ્યુઝિક આપીને પુરવાર કરી નાખ્યું કે પોતે કેટલા સશક્ત સંગીતકાર છે. 'જુલી' વખતે એમની ઉંમર હતી ફક્ત વીસ વર્ષ, કેન યુ બિલીવ ઇટ! 'જુલી'માં 'દિલ ક્યા કરે જબ કિસી કો... કિસી સે પ્યાર હો જાએ...'માં કિશોર કુમારે પ્રેમમાં તરફડતા પુરૂષના આવેગને જે રીતે વ્યક્ત કર્યો છે તે જુઓ. 'જુલી'ના ટાઇટલ સોંગમાં નાયક-નાયિકા તીવ્ર કામાવેગ અનુભવી રહ્યાં છે, પણ આ લાગણીને લતા-કિશોરે કેટલી ગરિમા સાથે પેશ કરી છે અને પ્રીતિ સાગરે ગાયેલું અંગ્રેજી ગીત, 'માય હાર્ટ ઇઝ બીટિંગ'! હિન્દી ફિલ્મમાં આખું ઈંગ્લિશ સોંગ મુકાયું હોય ને પાછું તે અત્યંત પોપ્યુલર પણ થયું હોય એવું અગાઉ કદાચ ક્યારેય નહોતું બન્યું.
નેકસ્ટ યર, ૧૯૭૬. રાજેશ રોશન 'સ્વામી'માં એક એવું અમર ગીત આપે છે, જેના લીધે મ્યુઝિક કંપોઝર તરીકેની એમની ધાક ઓર મજબૂત બને છે. આ ગીત એટલે 'કા કરૂ સજની આયે ના બાલમ... ખોજ રહી હૈ પિયા પરદેસી અખિયાં આયે ના બાલમ...' પ્રેમની વેદના, પે્રેમનો વિરહ અને તેમાંથી જન્મતી નિરાશા યેશુદાસના અવાજમાં કેટલી ગજબનાક રીતે વ્યક્ત થયાં છે. આ જ ફિલ્મમાં લતા મંગેશકરનું 'પલ ભર મેં યે ક્યા હો ગયા... ' ગીત પણ બહુ મીઠું છે. યેશુદાસના 'કા કરૂ સજની... 'ની સાથે તરત જ વિષાદમાં ઝબોળાયેલું રાજેશ રોશનની બીજું એક ગીત યાદ આવે. એ છે, અનવરે હ્ય્દયના ઊંડાણથી ગાયેલું 'હમે સે કયા ભુલ હુઈ જો યે સજા હમ કો મિલી...'. ૧૯૭૯માં રિલીઝ થયેલી ફિલ્મ 'જનતા હવાલદાર'ના આ ગીતનો ભાવ જુદો છે, પણ કારૂણ્યની તીવ્રતા સાંભળનારની ભીતર શારડીની જેમ ઊતરી જાય છે. વોઈસ-ઓફ-રફી ગણાયેલા અનવરે જિંદગીમાં બીજું કશું જ ન કર્યું હોત તોપણ ફક્ત આ ગીતને કારણે તેમને લોકો યાદ કરતા રહેત.


એક બાજુ આ દર્દભરે નગ્મે છે તો બીજી બાજુ છે, ૧૯૭૯માં જ રિલીઝ થયેલી 'મિસ્ટર નટવરલાલ'નાં સદાબહાર ગીતો. સૌથી પહેલું તો, 'પરદેસીયા... યે સચ હૈ પિયા લોગ કહતે હૈં મૈંને તુજકો દિલ દે દિયા...' ખરેખર એ નક્કી કરવું મુશ્કેલ બની જાય કે આ ગીતમાં લતા-કિશોરની ગાયકી પર ડોલવું કે પછી અમિતાભ-રેખાની ફૂલગુલાબી રોમેન્ટિક કેમિસ્ટ્રી જોઈને ઝૂમવું! અમિતાભ બચ્ચન પાસે ગીતો ગવડાવવાની શરૂઆત કરનાર રાજેશ રોશન. 'મેરે પાસ આઓ મેરે દોસ્તો એક કિસ્સા સુનાઉં...' - હિન્દી સિનેમાનાં શ્રેષ્ઠ બાળગીતોનું લિસ્ટ બનાવવામાં આવે આ ગીત ચોક્કસપણે ટોપ-ટેનમાં સ્થાન પામે. બિગ બીની કેટલીય ફિલ્મોમાં રાજેશ રોશને મસ્તમજાનાં ગીતો આપ્યાં છે. જેમ કે 'છૂ કર મેરે મન કો... કિયા તૂને ક્યા ઈશારા' સહિતનાં 'યારાના' (૧૯૮૧)નાં એકાધિક ગીતો, શંકર મહાદેવનનાં 'બ્રેધલેસ' સોંગના પરદાદા જેવું સુપર સ્પીડે ગવાયેલું 'તૂને અભી દેખા નહીં દેખા હૈ તો જાના નહીં' (દો ઔર દો પાંચ, ૧૯૮૦), 'કાલા પત્થર' (૧૯૭૯)નું 'એક રાસ્તા હૈ જિંદગી', ૧૯૮૨માં આવેલી 'ખુદ્દાર'નું 'મચ ગયા શોર સારી નગરી રે... આયા બિરજ કા બાંકા સંભાલ તેરી ગગરી રે' કે જેના વગર આજે પણ મટકીફોડની ઉજવણી અધૂરી રહી જાય છે.
રાજેશ રોશનને આ બે હસ્તીઓ સાથે કામ કરવાનું ફળ્યું છે - બાસુ ચેટર્જી અને દેવ આનંદ. બાસુ'દા-આરઆરના કોમ્બોએ કેવાં લાજવાબ ગીતો આપ્યાં? 'બાતોં બાતોં મેં' (૧૯૭૯)નાં ચારેય ગીતો લઈ લોઃ 'સુનિયે કહીએ... કહીએ સુનિયે', 'ના બોલે તુમ ના મૈંને કુછ કહા' (આ ગીતની ટયૂન અમેરિકન સિવિલ વોરના માર્ચિગ સોંગ પરથી પ્રેરિત હતી), 'કહાં તક યે મન કો..' અને 'ઉઠે સબ કે કદમ તારા રમ પમ પમ'. બાસુ'દાની 'ખટ્ટામીઠા' (૧૯૭૯)માં કિશોર'દાએ 'થોડા હૈ થોડી કી જરૂરત હૈ...' જેવું યાદગાર ગીત ગાયું. આ ફિલ્મનાં બીજાં ગીતો પણ સરસ. દેવ આનંદ માટે કંપોઝ કરેલાં રાજેશ રોશનનાં ગમતીલાં ગીતો કયાં? ઘણાં બધાં. 'દેસ પરદેસ' (૧૯૭૮)નાં એક સે બઢ કર ગીતો આ રહ્યાં: લતાનું 'આપ કહે ઔર હમ ના આએ ઐસે તો હાલાત નહીં...', ઓલ-ટાઇમ-ગ્રેટ દારૂસોંગ 'તૂ પી ઔર જી', કિશોરનું બીજું બહુ જ મીઠ્ઠું મધુરું 'નઝરાના... ભેજા કિસી ને પ્યાર કા'. ટાઈટલ સોંગ્સ તો ખરાં જ. 'લૂટમાર' (૧૯૮૦)માં એક બાજુ કિશોર કુમારનું ઈન્સ્પિરેશનલ 'હંસ તુ હરદમ' છે તો બીજી બાજુ આશા ભોસલેનું 'જબ છાએ તેરા જાદુ... કોઈ બચ ન પાએ' છે. આવું જ એક નશીલું ગીત 'ઓ... મુંગડા મુંગડા' પણ રાજેશ રોશનનું જ સર્જન. ઉષા મંગેશકરનું કદાચ આ એકમાત્ર સુપરડુપર હિટ સોંગ. આ એક ગીતના જોર પર ૧૯૭૮માં આવેલી 'ઈન્કાર' નામની ફિલ્મની આખી ઓળખ ઊભી છે.
રાજેશજીનાં ગીતોવાળું એક ઔર પર્સનલ ફેવરિટ આલબમ છે, 'દૂસરા આદમી'. આ ફિલ્મ યશ ચોપડાએ ૧૯૭૭માં બનાવી હતી. આહા, શું ગીતો છે એમાં. સાંભળોઃ 'નઝરોં સે કહ દો પ્યાર મેં મિલને કા મૌસમ આ ગયા...', 'ક્યા મૌસમ હૈ... ચલ કહીં દૂર નિકલ જાએ' ,'આંખોં મેં... કાજલ હૈ' અને 'આઓ મનાએ રસ્મ-એ-મોહબ્બત...'. ચારેય ગીતો લતા-કિશોરનાં. રાજેશ રોશનની આગવી સ્ટાઈલ આ ફિલ્મે સજ્જડ રીતે પ્રસ્થાપિત કરી દીધી હતી. 'આપ કે દીવાને' (૧૯૮૦) માટે લતા-રફી-કિશોરે ગાયેલાં 'મેરે દિલ મેં જો હોતા હૈ...' ગીતની અનિયમિત રિધમ જોજો. દીવાના થઈ જશો.
(L to R) Rakesh, Hritik and Rajesh Roshan

આ સિવાય પણ ઘણાં ગીતો છે. 'કામચોર' (૧૯૮૨)નું 'તુમ સે બઢકર દુનિયા મેં ના દેખા કોઈ ઔર જુબાં પર...' દિલને ગજબની ટાઢક પહોંચાડે છે. કિશોરકુમાર પાસેથી રાજેશ રોશને ખરેખર ઉત્તમ કામ લીધું છે. તેમની વચ્ચે ઘણી નિકટતા હતી. કદાચ એટલે જ કિશોર'દાની એક જુદી જ છટા રાજેશ રોશને કંપોઝ કરેલાં ગીતો દ્વારા આપણી સામે પેશ થાય છે. બાય ધ વે, 'તુમ સે બઢકર...'ગીતમાં અલકા યાજ્ઞિકનો અવાજ કેટલો માસૂમ લાગે છે!
રાજેશ રોશનને 'ગરીબોના આર.ડી. બર્મન' કહીને ઉતારી પાડવાની જરૂર નથી. તેમણે પોતાની કરિયરના પહેલા દાયકામાં શ્રેષ્ઠતમ ગીતો આપ્યાં છે. ૧૯૯૦નો દાયકો નબળો ગયો. કારકિર્દીનો ઉત્તરાર્ધ પોતાના ભાઈ રાકેશ અને ભત્રીજા હૃતિકના નામે કરી દીધો. સમયની સાથે ચાલીને 'કહો ના પ્યાર હૈ', 'કોઈ મિલ ગયા' વગેરેમાં મોડર્ન મ્યુઝિક આપવામાં તેઓ સફળ રહ્યા, પણ 'કાઇટ્સ' પછી પાછી 'ક્રિશ-થ્રી'માં ગરબડ કરી નાખી. ઠીક છે. ચાલ્યા કરે એ તો. આગલી ફિલ્મમાં તેઓ બાઉન્સ-બેક કરશે. ટચવૂડ!
શો-સ્ટોપર

'એક દૂજે કે લિયે'માં એસ.પી. બાલાસુબ્રહ્મણ્યમનાં ગીતો સુપરહિટ થઈ જવાથી કિશોરકુમાર ઇન્સિક્યોર થઈને ક્યારેક બોલી ઊઠતા - અબ મૈ ગાંવ ચલા જાતા હૂં!
- રાજેશ રોશન