Tuesday, March 26, 2019

‘મેઇડ ઇન હેવન’માં શું છે?


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 24 March 2019
મલ્ટિપ્લેક્સ
અભિનય, પ્રોડક્શન વેલ્યુ, ડિટેલિંગ આ બધું જ  અફલાતૂન, પણ ઝોયા અખ્તરના આ નવાનક્કોર વેબ શોમાં ખૂટતું તત્ત્વ આ એક જ છે – નાવીન્ય.    



ટ્સ ઓફિશિયલઃ ઝોયા અખ્તર આજની તારીખે આ લખનારની અને એના જેવા અસંખ્ય સિનેમાપ્રેમીઓની મોસ્ટ ફેવરિટ હિન્દી ફિલ્મમેકર છે. ઝૂમાવી દે એવી અફલાતૂન કન્ટેમ્પરરી ક્લાસિક ગલી બોયફિલ્મે પુનઃ જડબેસલાક રીતે પૂરવાર કરી દીધું કે ઝોયા જેવું સ્ટોરીટેલિંગ, દષ્ટિ અને વાર્તા-પાત્રોની સૂક્ષ્મતાઓ ઝડપી શકવાની ક્ષમતા બહુ ઓછા ફિલ્મમેકરો પાસે છે.     

ગલી બોય રિલીઝ થઈ એ વાતને હજુ એક મહિનો પણ થયો નહોતો ત્યાં ઝોયા અખ્તરનું ઓર એક સર્જન આપણી સામે પેશ થાય છે. આ વખતે વેબ સિરીઝના સ્વરૂપમાં. તેનું નામ છે મેઇડ ઇન હેવન. એમેઝોન પ્રાઇમની આ ઓરિજિનલ પેશકશ છે. વેલ, મેઇડ ઇન હેવનને માત્ર ઝોયા અખ્તરનું સર્જન ન કહેવું જોઈએ. ઝોયા અને સુપર ટેલેન્ટેડ સાથીદાર રીમા કાગતી બન્ને આ શોનાં ક્રિયેટર છે. આ શોનાં લેખક તરીકે આ બે મહિલાઓ ઉપરાંત અલંકૃતા શ્રીવાસ્તવનું નામ પણ બોલે છે. કુલ નવ એપિસોડમાંથી ઝોયાએ ફક્ત પહેલા બે એપિસોડ જ ડિરેક્ટ કર્યા છે. બાકીના સાત એપિસોડનું ડિરેક્શન નિત્યા મહેરા, પ્રશાંત નાયર અને અલંકૃતા વચ્ચે વહેંચાઈ ગયું છે.  

તો કેવો છે મેઇન ઇન હેવન શો? ઝોયા અખ્તરની ફિલ્મોની ગુણવત્તા અને સ્ટાન્ડર્ડ આ શોમાં મેઇન્ટેઇન થયાં છે? ઉત્તર છેઃ ના. આ શોનું ટીઝર જોયું હતું ત્યારે મનમાં સવાલ જાગ્યો હતો કે આમાં નવું શું છે? નવેનવ એપિસોડમાંથી પસાર થયા પછી જે પ્રમુખ લાગણી મનમાં તરતી રહી તે આ જ છેઃ શોમાં બધું સરસ અને રૂપકડું છે, રસ પડે અને ઇવન જકડી રાખે એવું છે, પણ આમાં ઝોયા એન્ડ પાર્ટીએ નવું શું કહ્યું? શોનાં પાત્રો, દુનિયા, સંબંધો, કોમ્પ્લિકેશન્સ આ બધું જ આપણે અગાઉ જોઈ ચુક્યા છીએ.

તારા (શોભિતા ધૂલીપાલા) અને કરણ (અર્જુન માથુર) મુખ્ય પાત્રો છે. બન્નેની ઉંમર હશે ત્રીસની આસપાસ. તેઓ મેઇન ઇન હેવન નામની વેડિંગ પ્લાનર એજન્સી ચલાવે છે. લગ્નપ્રસંગ માટે ચાર-પાંચ કરોડનું બજેટ હસતાંરમતાં ફાળવી નાખતા સાઉથ દિલ્હીના અત્યંત ધનાઢ્ય પરિવારો એમનાં ક્લાયન્ટ્સ છે. આ અતિ હાઇ-ફાઇના લોકોનાં જીવનમાં કેવી સમસ્યાઓ, વિચિત્રતાઓ અને વિરોધિતાઓ છે? એમનાં લગ્નો રંગેચંગે ઉકેલી આપનારાં તારા અને અર્જુનનું અંગત જીવન કેવું છે? આ બધા સવાલના જવાબ શોના નવ એપિસોડ દરમિયાન ધીમે ધીમે ઊઘડતા જાય છે.



તારા મૂળ મધ્યમ-મધ્યમ વર્ગની છોકરી. જે કંપનીમાં જુનિયર લેવલ પર કામ કરતી હતી એના જ બોસ આદિલ (જિમ સર્બ) સાથે એ લગ્ન કરે છે. એકાએક એ દિલ્હીના ભદ્ર વર્તુળની સદસ્ય બની જાય છે. બહુ ઝડપથી એ નવા માહોલમાં એડજસ્ટ થઈ જાય છે. પતિ એને ખૂબ પ્રેમ કરે છે, પણ એને જ્યારે એને ખબર પડે છે કે પીઠ પાછળ પતિદેવનું પોતાની જ પાક્કી બહેનપણી ફૈઝા (કલ્કિ કોચલીન) સાથે અફેર ચાલે છે ત્યારે એની દુનિયા ડામાડોળ થઈ જાય છે.

સોહામણો, શાલીન અને મહત્ત્વાકાંક્ષી કરણ બેડરૂમના અંધકારમાં હોમોસેક્સ્યુઅલ છે. સ્કૂલનાં વર્ષોમાં મમ્મીને જ્યારે કરણના સેક્યુઅલ ઓરિએન્ટેશન વિશે ખબર પડી ગયેલી ત્યારે એણે દીકરાને બેટથી એટલો ધીબેડ્યો હતો કે એનો હાથ તૂટી ગયેલો. કરણને જોકે ખુદની સચ્ચાઈ સામે કોઈ વિરોધ નથી. એ અલગ મકાનમાં ભાડે રહે છે અને મોજમસ્તી માટે નવા નવા પુરુષોને ઘરે લાવે છે. સૃષ્ટિ વિરુદ્ધ કર્મ કરવા બદલ એ જેલની હવા પણ ખાઈ આવ્યો છે, પણ હવે એનામાં હિંમત આવી ગઈ છે. એલજીબીટી વર્ગના અધિકારો માટે એ ખુલ્લી લડત ચલાવતો થઈ ગયો છે. શોમાં ગે સેક્સના નવાઈ લાગે એવાં ઉઘાડાં દશ્યો છે.

તારા અને કરણના ભૂતકાળની વિગતો ફ્લેશબેકના ટુકડાઓમાં આવતી રહે છે. શોના લગભગ દરેક એપિસોડમાં એક નવા લગ્નસમારોહની વાત છે. ક્યાંક છોકરાના પરિવારને બેકગ્રાઉન્ડ ચેકિંગ દરમિયાન ખબર પડે છે કે કન્યા ભૂતકાળમાં અબોર્શન કરાવી ચુકી છે, તો ક્યાંક પરિવારની કન્યા સંગીતસંધ્યામાં પર્ફોર્મ કરવા આવેલા બોલિવૂડના હીરો સાથે સૂઈ જાય છે. ક્યાંક એનઆરઆઇ મુરતિયાને પરણવા ઇચ્છતી કોડીલી કન્યાઓ માટે રીતસર બ્યુટી કોન્ટેસ્ટ ગોઠવાય છે (દિલ્હીમાં ખરેખર આ પ્રકારનાં નાટક થાય છે), તો ક્યાંક મુરતિયાનો બાપ છેલ્લી મિનિટે કરોડોનું દહેજ માગે છે. ક્યાંક લગ્નના અંચળા હેઠળ રાજકીય પક્ષો વચ્ચે જોડાણ થાય છે, તો ક્યાંક રોયલ ફેમિલીના કર્તાધર્તા મેંદી મૂકવા આવેલી છોકરીનું શિયળ લૂંટવાની કોશિશ કરે છે. તારા અને કરણ લગ્નનાં હજાર કામોની વચ્ચે આ બધી સમસ્યાઓ પણ સોલ્વ કરતાં રહે છે.

શોની પહેલી જેન્યુઇન ઇમોશનલ મોમેન્ટ છેક ત્રીજા એપિસોડમાં આવે છે, જેમાં દીપ્તિ નવલ હમઉમ્ર સિનિયર સિટીઝન સાથે લગ્ન કરવા માગે છે, પણ એનાં સંતાનોને માનાં પુનર્લગ્ન સામે તીવ્ર વિરોધ છે. શોમાં ઉત્તમ અદાકારોની ચકાચૌંધ કરી મૂકે એવી આખી આકાશગંગા છે – નીના ગુપ્તા, વિજય રાઝ, વિનય પાઠક, પુલકિત સમ્રાટ, શ્વેતા ત્રિપાઠી, રસિકા દુગ્ગલ, વિક્રાંત મેસી... આ સૌએ ટચૂકડા એપિસોડિક રોલ્સ કર્યા છે. જાઝ અથવા જસપ્રીત બનતી શિવાની રઘુવંશી નામની ટેલેન્ટેડ યુવા અભિનેત્રીની ગાડી આ શો પછી ચાલી નીકળશે તે નક્કી. વિડીયોગ્રાફર બનેલો શશાંક અરોરા દરેક એપિસોડને અંતે મોરલ-ઓફ-ધ-સ્ટોરી અથવા ટૂંકસાર બોલે છે, જેની બિલકુલ જરૂર નથી. ઝોયા અખ્તર અને રીમા કાગતી સૂત્રધાર પ્રકારનું કિરદાર વિકસાવવામાં આ વખતે ફરી પાછું ગોથું ખાઈ ગયાં. અગાઉ દિલ ધડકને દોમાં આમિર ખાનના અવાજમાં સૂત્રધારવેડા કરતો કૂતરો પણ જરાય જામ્યો નહોતો. 


અફલાતૂન અભિનય, સુપર્બ પ્રોડક્શન વેલ્યુ અને પ્રભાવશાળી ડિટેલિંગ - શોનાં આ સૌથી મોટાં પ્લસ પોઇન્ટ્સ છે. આ શો જોતી વખતે તમને રણવીર સિંહની બેન્ડ બાજા બારાત અને મીરા નાયરની અદભુત મોનસૂન વેડિંગ જરૂર યાદ આવશે. મેઇડ ઇન હેવનમાં લગ્નસંસ્થા અને સંબંધોનું તકલાદીપણું, વર્ગભેદ, સ્વીકૃતિ મેળવવા માટેનીં ઝંખના, વિવિધ પ્રકારની આઇડેન્ટિટી ક્રાઇસિસ વગેરે સહેજ પણ લાઉડ બન્યા વિના સરસ હાઇલાઇટ થયાં છે, પણ તકલીફ એ છે કે આ બધું આપણે અગાઉ જોઈ ચુક્યા છીએ.

વેલ, આમ છતાંય શો સારો છે. ચારે બાજુ ઓલરેડી એની જોરદાર પ્રશંસા થઈ રહી છે. જો તમે ઝોયા અખ્તરનું ઉચ્ચ સ્ટાન્ડર્ડઅને વધારે પડતી ઊંચી અપેક્ષાઓને એક બાજુ રાખીને ખુલ્લા મનથી શો જોશો તો તમને તેમાં મજા પડે એવી પૂરી શક્યતા છે. ઇન એની કેસ, તે બિન્જ-વર્ધી તો છે જ એટલે કે તમે એક વાર જોવાનું શરૂ કરશો પછી શોને અધવચ્ચેથી છોડવાનું મન નહીં થાય. તમારી સામે જ્યારે મનોરંજનના અસંખ્ય વિક્લ્પો ઉપલબ્ધ હોય ત્યારે બિન્જ-વર્ધી હોવું એ પણ કંઈ નાનીસૂની સિદ્ધિ થોડી છે!

 0 0 0 



No comments:

Post a Comment