Friday, November 27, 2020

કસરત રાજા છે... પૌષ્ટિક ખોરાક રાણી છે

દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 25 નવેમ્બર 2020 બુધવાર

ટેક ઑફ
શરીરને ચુસ્તદુરસ્ત રાખવાનો શોખ હોવો જોઈએ. ઉંમરનું બહાનું તો કાઢતા જ નહીં. કસરતને ઉંમર સાથે કશું લાગતુંવળગતું નથી.

બેસતા નવા વર્ષે આપણામાંથી ઘણાએ (ફરી એક વાર) નિયમિતપણે કસરત કરવાનો મક્કમ નિર્ધાર કર્યો હશે. સારી વાત છે. શરીર ચુસ્તદુરસ્ત રાખવું જોઈએ, ઘરમાં અથવા ખુલ્લામાં કસરત કરવી જોઈએ, જિમમાં જવું જોઈએ. તમે જિમમાં પગલું માંડો અથવા જિમને દૂરથી જુઓ ત્યારે જૅક લેલેન નામના મહાશયને યાદ કરજો. આ એ વ્યક્તિ છે જેમણે આજથી 84 વર્ષ પહેલાં, છેક 1936માં, અમેરિકાનું સૌથી પહેલું જિમ ખોલ્યું હતું. જૅક લેલેન એટલે અમેરિકામાં આધુનિક જિમ કલ્ચરને જન્મ આપનાર. આ કલ્ચર પછી દુનિયાભરમાં ફેલાયું ને હવે તો મહોલ્લે-મહોલ્લે જિમ ખુલી ગયાં છે. જૅકે ખુદ જિમનાં ઉપકરણો ડિઝાઇન કર્યાં હતા, જેમાંના કેટલાંક આપણે આજે પણ વાપરીએ છીએ.

મજા જુઓ. જૅક નાના હતા ત્યારે સતત માંદલા રહેતા. શરીરે સૂકલકડી. જેટલું વજન હોવું જોઈએ એના કરતાં પંદરેક કિલો ઓછું. નાની છોકરીઓ પણ એમને ધીબેડી જાય. લઘુતાગ્રંથિનો પાર નહીં. પંદર વર્ષના થયા ત્યાં સુધી તેઓ આવા જ રહ્યા. એક વાર એમણે એક હેલ્થ ફૂડના એક્સપર્ટનું ભાષણ સાંભળ્યું ને તેમની જિંદગી પલટાઈ ગઈ.

જૅક લેલને ખુદ બૉડી બનાવવાની અને જિમિંગ કલ્ચરની શરૂઆત કરી ત્યારે ડૉક્ટરોએ એમનો ખૂબ વિરોધ કર્યો હતો. તેઓ કહેતા કે આ તમારા જિમમાં લોકો કસરત કરશે તો એમને હાર્ટ એટેક આવી જશે, સ્ત્રીઓ ભાયડાછાપ બની જશે, પુરુષોની મર્દાનગી મુરઝાઈ જશે, એમની સેક્સલાઇફ ખતમ થઈ જશે. જૅક મક્કમ રહ્યા. એમની દઢતા અને મહેનત રંગ લાવ્યા. ક્રમશઃ તેમણે ખૂબ સફળતા મેળવી. એમણે પુસ્તકો લખ્યા, મોટિવેશનલ સ્પીકર બન્યા. ટીવી પર એમના નામે ધ જૅક લેલેન શો આવતો, જે ખૂબ જોવાતો.

બૉડીબિલ્ડર તરીકે દુનિયાભરમાં નામના કાઢનાર જૅક લેલેન કહે છે, કસરત રાજા છે અને પૌષ્ટિક ખોરાક રાણી છે. જો રાજા-રાણી ભેગાં થઈ જાય તો સમજો કે રજવાડું તમારું છે. તમે માઇન્ડ અને બૉડીને એકબીજાથી અલગ કરી ન શકો. તે શક્ય જ નથી. શરીરને ચુસ્તદુરસ્ત રાખવાનો તમને શોખ હોવો જોઈએ. ઉંમરનું બહાનું તો કાઢતા જ નહીં. કસરતને ઉંમર સાથે કશું લાગતુંવળગતું નથી.

સવારે વહેલા ઉઠીને કે દિવસના કોઈ પણ સમયે કસરત કરવા માટે મનોબળની જરૂર પડે છે. આપણા મન પાસે કસરત ન કરવાનાં પચાસ કારણો તૈયાર જ હોય છે. જૅક લેલેન એટલે જ કહેતા કે, જે લોકો એમ કહેતા હોય કે સવારે ઉઠીને જિમમાં જવું સહેલું છે તેઓ એક નંબરના જૂઠાડા છે! હું મારી જ વાત કરું તો મને ખુદને રોજ સવારે નિયમિતપણે જિમમાં જવામાં જોર પડે છે, પણ પછી એકસરસાઇઝ પૂરી કરીને હું અરીસામાં મારું પ્રતિબિંબ જોઉં છું ને ખુદને કહું છે કે જેક, યુ હેવ ડન ઇટ અગેન!’

કસરત એ જૅક લેલેનના જીવનની ટોપ પ્રાયોરિટી હતી. કંઈ પણ થઈ જાય, રોજ જિમ જવાનું એટલે જવાનું. એમણે ગોઠણના ઓપરેશન માટે બે વાર હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું, પણ ત્યાંય  એનેસ્થેશિયાની અસર ઓછી થઈ નથી ને ડમ્બબેલ્સ હાથમાં લીધા નથી. જૅક લેલેન કહે છે, કેટલાય લોકોને આર્થરાઇટિસ હોય છે, પીઠનો કે ઘૂંટણનો દુખાવો રહેતો હોય છે. અમુક લોકોની ટચલી આંગળી સહેજ અમથી દુખતી હોય તો પણ કહી દેશે કે આજે મારાથી એક્સરસાઇઝ નહીં થાય! ભાઇસાહેબ, તમારા શરીરમાં 640 સ્નાયુઓ છે. શક્ય છે કે તમે અમુક કસરત ન કરી શકો, પણ તેની સામે એવી બીજી અઢળક કસરતો છે જે તમે કરી જ શકો છો. લોકો બહાનાં કાઢતા હોય છે કે હું હવે બુઢો થઈ ગયો છું, મારી પાસે ટાઇમ નથી, મારી પાસે જિમની ફી ભરવાના પૈસા નથી, વગેરે. તેઓ શરીર પ્રત્યે તદ્દન બેદરકાર રહેશે, પછી બીમાર પડશે ને ડૉક્ટરોની ફી તેમજ દવાદારૂમાં હજારો-લાખો રૂપિયા ફૂંકી મારશે.

કસરત જેટલું જ મહત્ત્વ યોગ્ય ખાનપાનનું છે. વર્કઆઉટ્સ અને યોગ્ય ડાયેટ આ બન્નેનું કોમ્બિનેશન થાય તો જ ધાર્યું પરિણામ આવે. જૅક લેલેન રોજ છથી સાત શાકભાજી અને પાંચેક તાજાં ફળ ખાય. રોજ એગ વ્હાઇટ પણ ખાય. જો બ્રેડ ખાવી પડે તેમ હોય તો આખા ઘઉંની બ્રાઉન બ્રેડ જ ખાય. દિવસમાં બે જ વાર જમવાનું - સવારે 11 વાગે અને સાંજે સાત વાગે. આ બન્નેની વચ્ચે કશું જ પેટમાં નહીં પધરાવવાનું.

તેઓ સતત લોકોને કહેતા કે વજન માપવાના મશીન પર બહુ ભરોસો ન કરવો. તમે કૉલેજમાં હો ત્યારે માનો કે તમારું વજન 70 કિલો છે ને તમારી કમર 30 ઇંચની છે. શક્ય છે કે પંચાવન વર્ષની ઉંમરે પણ તમારું વજન 70 કિલો જ હશે, પણ ત્યારે તમારી કમર 35 ઇંચની થઈ ગઈ હશે. એવું બને કે તમે 10થી 15 કિલો જેટલાં મસલ્સ ગુમાવી ચુક્યા હશો ને એટલા જ વજન જેટલી ચરબી તમારા શરીર પર ચડી ગઈ હશે. તેથી જ વચ્ચે વચ્ચે મેઝરટેપથી કમર અને નિતંબ માપતા રહેવું. મેઝર ટેપ ક્યારેય ખોટું નહીં બોલે. તમે જુવાનીમાં ચુસ્તદુરસ્ત હતા તે વખતના આંકડા તમારી માપપટ્ટી ન દેખાડે ત્યાં સુધી કસરત કરતા રહેવાની ને વધારાની કેલરી બાળતા રહેવાની.        

જૅક લેલેન મન કે શરીરથી કદી વૃદ્ધ ન થયા. પાછલી ઉંમરે પણ તેમણે શરીરબળના હેરતઅંગેજ કારનામા કર્યા. તેઓ કહેતા, હું મરી ન શકું. હું મરું તો મારી ઇમેજ ખરાબ થઈ જાય!’ જીવતેજીવ ફિટનેસ લેજન્ડ બની ચુકેલા જૅક લેલેન, ખેર, 96 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા.

જૅક લેલેન પાસેથી શીખવા જેવી વાત એ છે કે ફિઝિકલ ફિટનેસ માટે પોતાની જાત સાથે કમિટમેન્ટ કરવું પડે ને તે આજીવન નિભાવવું પડે. કહેવાય છેને કે રેસ્ટ ઑફ યોર લાઇફ ઇઝ ધ બેસ્ટ ઑફ યોર લાઇફ. તમારા જીવનનાં જેટલાં વર્ષો હજુ બાકી છે તે શ્રેષ્ઠ વર્ષો હોવાનાં. હવે પછીનું જીવન સાચા અર્થમાં ઉત્તમ પૂરવાર થાય તે માટે નિયમત કસરત કરવાનો આ બેસતા વર્ષે લીધેલો નિર્ણય અતૂટ રાખવો પડશે. યાદ રાખજો!  

0000

 

 

No comments:

Post a Comment