દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 19 and26 જાન્યુઆરી
2020, રવિવાર
મલ્ટિપ્લેક્સ
ભારતમાં એક્ટિંગ કૉચનો કોન્સેપ્ટ નવો
છે, પણ હોલિવૂડમાં એક્ટરો સાથે એમના એક્ટિંગ કૉચ સતત સાથે હોય તે વાત કૉમન છે. સેટ પર ડિરેક્ટર હાજરાહાજર હોવા છતાં એક્ટરને અલાયદા એક્ટિંગ કૉચની શા માટે જરૂર પડે છે?
સૌથી પહેલાં તો હૃતિક રોશને એક તાજા વિડીયો ઇન્ટરવ્યુમાં કરેલી
આ વાત ધ્યાનથી સાંભળો. હૃતિક કહે છેઃ
‘મેં ‘કાબિલ’નું શૂટિંગ શરૂ કર્યું તે અરસાની આ વાત છે. મને
સમજાતું હતું કે હું મારી પાસે એક્સપ્રેશન્સનો, રિએક્શન્સનો એક થેલો છે અને જ્યારે
ડિરેક્ટર ‘એક્શન’ બોલે છે ત્યારે હું તે થેલામાંથી બંધબેસતી એક્સપ્રેશન બહાર કાઢીને કેમેરા
સામે ધરી દઉં છું. આ બધી ‘સ્ટોક એક્સપ્રેશન્સ’ હોય છે. મને ખબર
હોય કે કૅમેરા સામે કેવી ચેષ્ટા કરવાથી કેવું પરિણામ આવશે. આથી જ્યારે પણ હું
એક્ટર તરીકે અસલામતી અનુભવતો હોઉં ત્યારે ફટાક કરતો પેલા થેલો ખોલું અને તેમાંથી
જે-તે એક્સપ્રેશન બહાર કાઢીને શોટ આપી દઉં. ‘કાબિલ’ વખતે મેં વિચાર્યું કે ના, મારે આ સ્ટૉક
એક્સપ્રેશન્સ તો નથી જ વાપરવા. આથી મેં એક એક્ટિંગ કૉચની સેવા લેવાનું નક્કી
કર્યું. એનું નામ વિનોદ છે. મેં એને કહ્યું કે જુઓ, તમે મારી અત્યાર સુધીની મારી
બધી ફિલ્મો ધ્યાનથી જોઈ જાઓ અને ‘કાબિલ’ના સેટ પર સતત મારી સાથે રહો. તમારે એ જોવાનું
છે કે હું કૅમેરા સામે ક્યાંક મારા એ જ જૂના ને જાણીતા હાવભાવ તો નથી કરતોને. જેવું
તમને લાગે કે મેં કોઈ સ્ટૉક એક્સપ્રેશનનો ઉપયોગ કર્યો છે તો તરત મને અટકાવી દેવો.’
વિનોદે એક્ઝેક્ટલી એવું જ કર્યું. ડિરેક્ટર સંજય ગુપ્તાએ
કોઈ શોટ ઓકે કરી દીધો હોય તો પણ વિનોદ હૃતિકને બાજુમાં લઈ જઈને કહેશે, ભાઈ, આ
શોટમાં તેં કશું નવું કર્યું નથી, તેં એ જ જૂની સ્ટૉક એક્સપ્રેશન આપી દીધી છે. જા,
જઈને નવેસરથી શોટ આપ. આથી હૃતિક ડાહ્યોડમરો થઈને ડિરેક્ટરને વધારે એક ટેક લેવાની
વિનંતી કરે ને નવા હાવભાવ સાથે ફરીથી શોટ આપે. હૃતિક કહે છેઃ
‘વિનોદ એવો માણસ છે જેનામાં મારી એક્ટિંગ ઑથેન્ટિક
છે કે પછી હું સ્ટૉક એક્સપ્રેશનનો ઉપયોગ કરી રહ્યો છું તે પારખવાની ક્ષમતા છે. સેટ
પર આ રીતે એક્ટિંગ કૉચ રાખવાનું પગલું એક રીતે ભયજનક હતું, કેમ કે વિનોદ મને
અટકાવે પછી મારે એવા વિસ્તારમાં પ્રવેશવું પડતું હતું જે મારા માટે સાવ નવો હતો,
જ્યાં હું ભૂલ કરી શકું એમ હતો... પણ ધીમે ધીમે હું ટેવાતો ગયો ને મને મજા આવવા
લાગી.’
હૃતિક કહે છે કે અભિનય કરવો એ એક
‘લોનલી પ્રોસેસ’ છે. તમે એક્ટિંગ કરતા હો છો ત્યારે તમારા
દિમાગમાં સાવ એકલા હો છો. એ કહે છે, ‘સેટ પર કોઈ સતત મારી એક્ટિંગ પ્રોસેસમાં સાથે
હોય એવું કેમ ન બને? જેની સાથે હું સતત ડિસ્કસ કરી શકું એવું કોઈ
મારી આસપાસ કેમ ન હોય? એક્ટિંગ કૉચ હાયર કરવાનું કારણ આ જ હતું. શરૂઆતમાં
ડર હતો, પણ ધીમે ધીમે એ સ્થિતિ આવતી ગઈ કે મારું દિમાગ મારા શરીરને અનુસરવા
લાગ્યું.’
દિમાગ શરીરને અનુસરે એટલે શું વળી? આ એબ્સ્ટ્રેક્ટ વાતને
હૃતિકે સરસ રીતે સમજાવી છેઃ
‘મારા દિમાગને પહેલેથી ખબર હોય છે કે જે-તે
શોટમાં મારે ક્યાં પહોંચવાનું છે, શું અનુભવવાનું છે. આથી મારું શરીર તે અનુભૂતિ
સુધી પહોંચવા માટે જે કરવાનું હોય તે આપોઆપ કરવા માંડે. જેમ કે, અમુક રીતે ઊભા
થવાનું, બેસવાનું કે વળવાનું, અમુક રીતે મસલ્સ ફૂલાવવાના કે એવું કંઈ પણ. મને ખબર
હોય કે હું આવું-આવું કરીશ એટલે હું દિમાગે અગાઉથી દોરી રાખેલા નક્શા પર આપોઆપ ચાલવા
માંડીશ ને લક્ષ્ય સુધી પહોંચી જઈશ. ‘કાબિલ’માં મેં આવું ન થવા દીધું. મેં સુનિશ્ચિત કર્યું
મારું શરીર મારા દિમાગને ફૉલો ન જ કરે. આ વખતે ઊલટું થયું - મારા દિમાગે શરીરને
ફૉલો કરવાનું શરુ કર્યું. મારે જોવું હતું કે શું હું અમુક જૂના ને જાણીતા હાવભાવ
કરવાની બદલે સાવ જુદી ચેષ્ટા કે હાવભાવ કરું તો પણ પેલા લક્ષ્ય સુધી પહોંચી શકું
એમ છું કેમ કેમ. આ એક નવી જર્ની હતી. ‘કાબિલ’ પછી મારી ભીતર કશુંક શિફ્ટ થયું છે, એક એક્ટર
તરીકે મારી અંદર કશુંક નક્કરપણે બદલાયું છે.’
આ બદલાવની અસર હૃતિકને ‘સુપર થર્ટી’ વખતે અનુભવી. યાદ કરો પેલો સીન કે જેમાં
હૃતિકને સમાચાર મળે છે કે વિદેશની યુનિર્વસિટીમાં એને એડમિશન મળી ગયું છે. એ
ભાવવિભોર થઈ જાય છે, રડી પડે છે. આવો જ એક અફલાતૂન શોટ ફિલ્મના અંતમાં છે, જ્યારે
હૃતિકને કહેવામાં આવે છે કે આપણા ત્રીસેત્રીસ સ્ટુડન્ટ્સ આઇઆઇટીની એન્ટ્રેન્સ
એક્ઝામ્સમાં પાસ થઈ ગયા છે. આ બન્ને અદભુત સીનમાં હૃતિકે કોઈ સ્ટૉક એક્સપ્રેશન્સ
વાપર્યાં નથી. હૃતિક એક અદાકાર તરીકે પરિપક્વ થયો છે અને એની આ નવી જર્નીની શરૂઆત ‘કાબિલ’ના મેકિંગ દરમિયાન
એક્ટિંગ કૉચની મદદ મળવાથી થઈ છે.
આજના લેખનો વિષય જ આ જ છેઃ એક્ટિંગના કૉચે શું કરવાનું હોય? એક્ટરને એક્ટિંગ
કૉચની જરૂર શા માટે પડવી જોઈએ? શું ફિલ્મનો ડિરેક્ટર પોતે જ એનો એક્ટિંગ કૉચ
નથી? ડિરેક્ટરનું કામ જ એક્ટરનું માર્ગદર્શન કરવાનું, શું કરવું ને શું ન કરવું તે
કહેવાનું છે. શૂટિંગ શરૂ થાય તે પહેલાં અને સેટ પર ડિરેક્ટર હાજર હોય જ છે છતાં પણ
અલાયદા એક્ટિંગ કૉચની આવશ્યકતા શા માટે વર્તાવી જોઈએ? બીજો સવાલ એ પણ છે
કે, સેટ પર એક્ટિંગ કૉચ પણ એક્ટરને સમાંતરે સૂચનાઓ આપતો રહે અને એક્ટર એનું વધારે
સાંભળતો હોય તો ડિરેક્ટરને ખલેલ ન પહોંચે? એનો અહમ્ ન ઘવાય?
સાંભળી લો કે ભારતમાં એક્ટિંગ કૉચનો કોન્સેપ્ટ નવો છે, પણ
હોલિવૂડમાં તે દાયકાઓથી પ્રચલિત છે. અરે, જૂના જમાનાની ગ્લેમરસ એક્ટ્રેસ મેરિલીન મનરો
સુધ્ધાં એક્ટિંગ કૉચની મદદ લેતી હતી. ભારે ઇન્ટરેસ્ટિંગ છે આ આખી વાત. એને વિગતવાર
સમજવા જેવી છે, પણ હવે કૉલમ અહીં જ પૂરી કરવી પડશે. વધુ વાત હવે પછી.
0 0 0
દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 26 જાન્યુઆરી 2020, રવિવાર
એક્ટિંગ કૉચે
એક્ટરને પોતાના રોલ પર ફૉકસ કરવામાં, અભિનય કરતી વખતે સાચો સૂર પકડવામાં અને એને
કૉન્ફિડન્સ આપવામાં શી રીતે મદદકરે છે?
આપણે વાત માંડી હતી એક્ટિંગ કૉચ વિશે. સવાલ એ છે કે એક્ટરનું માર્ગદર્શન કરવા માટે ફિલ્મનો
ડિરેક્ટર હાજરાહજૂર હોય તો પણ એને વધારાના એક્ટિંગ કૉચની જરૂર શા માટે પડવી જોઈએ? આ રહ્યો જવાબઃ સેટ
પર એક્ટરે ઘણી બાબતો પર ધ્યાન રાખવું પડતું હોય છે, જેમ કે શોટની કન્ટિન્યુટી,
કેમેરા મુવમેન્ટ્સ, ડાયલોગ યાદ રાખવા, પોતાનો લૂક તેમજ મેકઅપ - કોસ્ચ્યુમ બરાબર છે
કે કેમ તેની તકેદારી લેવી, સાથીકલાકારોને સાથે વાતચીત કરવી અને એવું કેટલુંય. આ
બધી કડાકૂટમાં કરવામાં ક્યારેક એક્ટિંગ પર સૌથી ઓછું ધ્યાન આપી શકાય એવું બને.
ડિરેક્ટરે તો સેટ પર હજાર કામ કરવાનાં હોય. એણે તમામ કલાકાર-કસબીઓને અટેન્ડ કરવાના
હોય. એ બધા એક્ટરોને તે ઇચ્છે એટલો સમય ન આપી શકે. એક્ટિંગ કૉચે અહીં જ પોતાની
ભુમિકા ભજવવાની હોય છે. તે એક્ટરને પોતાના રોલ પર ફોકસ રહેવામાં, અભિનય કરતી વખતે સાચો
સૂર પકડવામાં અને એને કૉન્ફિડન્સ આપવામાં મદદ કરે છે. સારો કૉચને એક્ટરના પ્લસ-માઇનસ
પોઇન્ટ્સની ખબર હોય છે. એક્ટિંગ કૉચ સુનિશ્ચિત કરે છે કે કૅમેરા સામે પોતાનો એક્ટર
ક્યાંય અટકી ન પડે.
કૉચ બે પ્રકારના હોય છે. હોલિવૂડમાં ઘણા કલાકારો કોઈ મોટી
ફિલ્મ કે ટીવી યા તો વેબ સિરીઝ માટે ઑડિશન આપતાં પહેલાં એક્ટિંગ કૉચની મદદ લે છે. એક્ટિંગ
કૉચ અદાકારને સીન કે ડાયલોગ સમજવામાં મદદ કરે છે, એને પાક્કું રિહર્સલ કરાવે છે કે
જેથી ઑડિશન વખતે એક્ટર પૂરેપૂરો સજ્જ હોય અને આત્મવિશ્વાસપૂર્વક કૅમેરા સામે
પર્ફોર્મ કરી શકે. બીજા પ્રકારના એક્ટિંગ કૉચ ફિલ્મના સેટ પર એક્ટર સાથે હાજર રહે
છે. હોલિવુડમાં ક્યારેક સ્ટુડિયો ખુદ એક્ટરોને કૉચ પૂરા પાડે છે તો ક્યારેક એક્ટરો
પોતાની રીતે કૉચ હાયર કરે છે.
ભારતમાં ફિલ્મ-એક્ટિંગના કૉચનો કોન્સેપ્ટ નવો છે, પણ
હોલિવૂડના એક્ટરો દાયકાઓથી કૉચની મદદ લેતા આવ્યા છે. દંતકથારૂપ બની ગયેલી હોલિવુડની
ગ્લેમર ક્વીન મૅરિલીન મૅનરોનો સિતારો જ્યારે સૌથી વધારે ચમકતો હતો ત્યારે લી
સ્ટ્રાસબર્ગ અને એની પત્ની પૌલા સ્ટાસબર્ગ એક્ટિંગ કૉચ તરીકે સતત એની સાથે રહેતાં.
1955માં મૅરિલીન પહેલી વાર પૌલાને મળી. તે પછી એવો એક પણ દિવસ નહોતો જ્યારે
ફિલ્મના સેટ પર પૌલા એની સાથે ન હોય. ડિરેક્ટર શોટ ઓકે કરી દે પછી મૅરિલીન તરત
પૌલા સામે જુએ. પૌલા હકારમાં માથું હલાવે પછી જ શોટ ખરેખર ઓકે થયેલો ગણાય. મૅરિલીન
પર પૌલાનો એટલો બધો કાબૂ હતો કે હોલિવુડના ડિરેક્ટરોને તે દીઠી ન ગમતી. 1962માં
મૅરિલીને આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી નાખ્યું તે પછી એની માલમિલકતનો પોણો હિસ્સો
સ્ટ્રાસબર્ગ દંપતીના ભાગે ગયો હતો.
બર્નાર્ડ હિલર |
નિકોલ કિડમેન અને એની એક્ટિંગ કૉચ સુસાન બેટ્સનની જોડી
જાણીતી છે. મેગા સ્ટાર ટોમ ક્રુઝ સાથે ડિવોર્સ થયા બાદ નિકોલે પોતાની તમામ શક્તિ
પોતાના કામમાં વાળી દીધી હતી. આ એ તબક્કો હતો જ્યારે એક એક્ટ્રેસ તરીકે નિકોલની
કાયાપલટ થવાની શરૂઆત થઈ હતી. હોલિવુડમાં નિકોલની ગણના એક સિરિયસ એક્ટ્રેસ તરીકે
થવા માંડી એની પાછળ સુસાનનું મહત્ત્વનું યોગદાન છે. નિકોલે જાહરેમાં કબૂલ કર્યું છે
કે, ‘જો સુસાન સાથે મારો ભેટો થયો ન હોત તો આજે હું જ્યાં ઊભી છું ત્યારે ક્યારેય
પહોંચી શકી ન હોત. સુસાને મને મારી જાતમાં, મારા સત્યમાં ભરોસો રાખતાં શીખવ્યું. મારી
આ સચ્ચાઈ જ પછી મારા પર્ફોર્મન્સીસમાં, મેં જે કિરદારો ભજવ્યાં એમાં રિફલેક્ટ થઈ.
ગમે તે થઈ જાય, પણ પોતાના સત્યને સતત જીવતાં રાખવું, એનું રક્ષણ કરવું – આ વાત હું
સુસાન પાસેથી શીખી છું.’
મિશેલ ડેનર નામનાં મહિલાનું પણ આજે હોલિવુડમાં એક્ટિંગ કૉચ
તરીકે મોટું નામ છે. તેઓ ખુદ સારાં એક્ટ્રેસ છે. તેઓ કહે છે, ‘ઘણા લોકોમાં પોતાની
ટેલેન્ટની માવજત કરવાની ટેલેન્ટ હોતી નથી! એકલી પ્રતિભા પૂરતી નથી, તમારે એને નિખારવા
માટે મહેનત કરવી પડે. એક એક્ટિંગ કૉચ તરીકે હું એક્ટરોને ખુલવામાં મદદ કરું છું.
એમના ઇમોશનલ ટ્રિગર ક્યા છે તે હું શોધી કાઢું છું કે જેથી કૅમેરાનો સામનો કરતી
વખતે એક્ટર તેનો ઉપયોગ કરીને ઉત્તમ પર્ફોર્મન્સ આપી શકે.’
આજે હોલિવુડમાં બર્નાર્ડ હિલરનું એક્ટિંગ કૉચ તરીકે સન્માનનીય ગણાય છે. દુનિયાભરમાં યોજાતા એમના
માસ્ટરક્લાસ એક્ટરો જ નહીં, મોટા મોટા ડિરેક્ટરો પણ અટેન્ડ કરે છે. 2015માં રિલીઝ થયેલી ‘ગ્રીન બુક’ને બબ્બે ઓસ્કર અવૉર્ડ્ઝ મળ્યા હતા. ઑસ્કર
સેરીમનીના થોડા જ કલાકો પછી ‘ગ્રીન બુક’ના ડિરેક્ટર પીટર ફેરેલી બર્નાર્ડના
માસ્ટરક્લાસમાં બેઠા હતા! લિઓનાર્ડો દ કેપ્રિયોને ‘ધ રેવનન્ટ’ (2016) માટે
ત્રીજું ઓસ્કર નોમિનેશન મળ્યું (જે તે જીતી ગયેલો) તે પછી એ બર્નાર્ડ પાસે ગયો
હતો. શા માટે? એક એક્ટર તરીકે એને હજુય બહેતર બનવું હતું, એટલે!
બર્નાર્ડ સરસ વાત કરે છે કે, ‘સફળતા ક્યારેક
આકસ્મિક રીતે મળતી નથી. સફળતાને પ્લાન કરવી પડે છે. ઇફ યુ ફેઇલ ટુ પ્લાન યોર
પ્લાન, યુ પ્લાન ટુ ફેઇલ! સાધારણ માણસો ક્યારેય અભ્યાસ કરતા નથી, નવું શીખવા માટે કોઈની મદદ લેતા નથી. એટલે જ તેઓ
એવરેજ રહી જાય છે ને ક્યારેય મહાન બની શકતા નથી. સફળ લોકોનું એક મોટું સિક્રેટ એ
છે કે અમુક વસ્તુ મને હજુ આવડતી નથી એવું કબૂલ કરવામાં તેમને સંકોચ થતો નથી. અહમને
વચ્ચે લાવ્યા વગર તેઓ નવું શીખવા માટે જે-તે વિષયના જાણકારની મદદ લેતા રહે છે.’
આપણે ત્યાં પણ વહેલામોડું એક્ટિંગ કૉચનું કલ્ચર વિકસે તેવી
અપેક્ષા રાખવામાં કશું ખોટું નથી!
0 0 0
No comments:
Post a Comment