દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 16 જૂન 2019
મલ્ટિપ્લેક્સ
ગિરીશ કર્નાડ લિખિત ‘બ્રોકન ઇમેજિસ’ નાટકમાં શબાના આઝમીએ કેવીક કમાલ કરી છે?
આપણે તાજેતરમાં ગિરીશ કર્નાડ જેવા ધરખમ લેખક અને અદાકાર ગુમાવ્યા. મૂળ તો એ કન્નડ
કલાકાર, જેમને આપણે ‘નિશાંત’, ‘મંથન’થી માંડીને ‘ઇકબાલ’, ‘ડોર’થી લઈને છેક ‘એક થા ટાઇગર’ તેમજ ‘ટાઇગર ઝિંદા હૈ’ સુધીની કેટલીય
હિન્દી ફિલ્મોમાં જોયા છે. ‘હયાતિ’, ‘હયવદન’, ‘તુઘલક’ જેવાં લેન્ડમાર્ક
નાટકો લખનારા ગિરીશ કર્નાડના એક ઓર નાટક ‘બ્રોકન ઇમેજિસ’ વિશે આજે વાત કરવી
છે. મૂળ નાટક ‘ઓડાકાલુ બિમ્બા’ 2005માં કન્નડ ભાષામાં લખાયું
હતું. પછી કન્નડ, અંગ્રેજી અને હિન્દી રંગમંચ પર તે ભજવાયું. અલેક પદમસીએ એનું અંગ્રેજી વર્ઝન
રિવાઇવ કરીને એમાં શબાના આઝમીને કાસ્ટ કર્યાં.
‘બ્રોકન ઈમેજિસ'માં તેઓ પણ સ્ટેજનાં જન્મજાત સમ્રાજ્ઞી હોય તે રીતે જ
પર્ફોર્મ કરે છે. આ વન-વુમન શો છે. મંચ પર શરુઆતથી લઈને અંત સુધી માત્ર એક જ
અદૃાકારની ઉપસ્થિતિ રહે છે - શબાના આઝમીની. હા, તેમને કંપની આપવા માટે સ્ટેજ પર એક એલઈડી ટીવીનો વિશાળ
સ્ક્રીન જરુર છે. આ સ્ક્રીન પર જે વ્યકિત ઉપસે છે તે પણ શબાના આઝમી જ છે. આ
બન્ને શબાનાઓ વચ્ચે બોલાતી સંવાદૃોની રમઝટ અને તેમની વચ્ચે થતી છીનાઝપટી નાટકનો સૌથી
મોટો પ્લસ પોઈન્ટ છે.
મંજુલા શર્મા (શબાના) એક સેલિબ્રિટી
લેખિકા છે. એક વાર ઈન્ટરવ્યુ આપવા એ કોઈ ટીવી ચેનલના સ્ટુડિયોમાં આવી છે અને
અહીંથી નાટકનો ઉઘાડ થાય છે. મંજુલા ટીવી કેમેરા સામે ગોઠવાઈને કહે છે કે આ
નવલકથાની પ્રેરણા મારી બહેન માલિનીએ આપી છે. જન્મથી અપંગ માલિનીનું કમરથી નીચેનું
શરીર આજીવન ચેતનાહીન રહ્યું. મા-બાપ ગુજરી ગયાં પછી મંજુલા બહેનને પોતાનાં ઘરે લઈ
આવી. સદભાગ્યે મંજુલાના પતિ સાથે માલિનીને સારું બનતું હતું. હજુ ગયા વર્ષે
માલિનીનું નિધન થયું. માલિનીની પીડા, એની અસહાયતા મંજુલાએ નિકટથી જોઈ હતી. તેનું આલેખન તેણે એક
નવલકથામાં કર્યું, જે સુપરહિટ
પૂરવાર થઈ. આ વાત કરતાં કરતાં મંજુલા રડી પડે છે. આંસુ લૂછીને, સ્વસ્થ થઈને તે પોતાનું વકતવ્ય પૂરું કરે છે.
જેવી મંજુલા ઊભી થઈને ટીવી સ્ટુડિયોમાંથી બહાર નીકળવા પગલાં ભરે છે કે જાણે જાદુ થાય છે. પેલી ટીવી સ્ક્રીન પર બીજી શબાના આઝમી ઉપસે છે. એણે મંજુલા જેવાં જ વસ્ત્રો પહેયાર્ર્ છે. સ્ક્રીન પર દેખાતી સ્ત્રી કહે છે કે મારાથી ગભરાય છે શું કામ. તું તો મને સારી રીતે ઓળખે છે. હું ‘તું જ છું - મંજુલા!'
સ્ક્રીન પર દેખાતી સ્ત્રી મંજુલાનો અંતરાત્મા છે. એનો માંહ્યલો. બન્ને મંજુલાઓ વચ્ચે ગોઠડી મંડાય છે. શરુઆત તો હળવાશથી થાય છે. ધીમે ધીમે સ્ક્રીનવાળી સ્ત્રીના સવાલો વ્યંગાત્મક અને વધુને વધુ અણિયાળા બનતા જાય છે. ડુંગળી પરથી એક પછી એક પારદૃર્શક પડ ઉખેડાતાં જતાં હોય તેમ ધીમે ધીમે મંજુલાના વ્યકિતત્ત્વના અને જીવનના નવાં નવાં પાસાં બહાર આવતા જાય છે. કોણ સાચું છે? થોડી વાર પહેલાં પોતાની અપંગ બહેનને યાદ કરીને આસું સારી રહેલી મંજુલા કે અત્યારે ખુદના અંતરાત્માની આકરી પૂછપરછથી બેબાકળી બની ગયેલી મંજુલા? પતિ સાથે એના ખરેખર મધુર સંબંધો છે કે પછી વાસ્તવિકતા કંઈક જુદૃી જ છે? માહોલ સ્ફોટક બનતો જાય છે. નાટકનો અંત એકઝેકટલી શું છે તે તમને નહીં કહીએ. હા, એટલું જરુર કહીશું કે નાટકનો એન્ડ જોઈને તમે સીટ પરથી ઊછળી પડશો એ તો નક્કી.
નાટક એક લાઈવ આર્ટ છે. ઈમ્પ્રોવાઈઝ કરવું, કશુંક નવું કે અણધાયુર્ર્ કરવું, ઓડિયન્સની પ્રતિક્રિયા પ્રમાણે પોતાનાં પર્ફોર્મન્સમાં ફેરફાર કરવા એ રંગભૂમિની મજા છે, પણ ‘બ્રોકન ઈમેજિસ' શબાનાને સજ્જડ બાંધી દે છે. સ્ક્રીન પર દેખાતી શબાનાનું શૂટિંગ આગોતરું થઈ ગયું છે અને દરેક શોમાં તે એકસરખું રહે છે. મંચ પર પર્ફોર્મ કરી રહેલી શબાનાએ તે રેકોર્ડિંગ અનુસાર, તેની સાથે સંપૂર્ણપણે સિન્ક્રોનાઈઝ થઈને, એકેએક સેકન્ડ પાક્કો હિસાબ રાખીને અભિનય કરવાનો છે. બન્ને સ્ત્રીઓ વચ્ચેના સંવાદોમાં સતત દલીલબાજી થતી રહે છે, સામસામી ચાબૂક વીંઝાતી રહે છે. વાતો કરતાં કરતાં બન્ને એકમેકને તાળી આપે છે, એક છીંક ખાય તો બીજી ડાયલોગ અટકાવીને તરત ‘ગોડ બ્લેસ યુ કહે છે. આ બધું જ ઘડિયાળના કાંટે થાય તો જ ધારી અસર ઉપજે. માત્ર સંવાદો જ નહીં, કોરિયોગ્રાફીમાં પણ સતત સમતુલા જાળવી રાખવી પડે. મંચ પરની શબાના ચાલતી ચાલતી સ્ટેજ પર ડાબેથી જમણે જાય તો એની સાથે સાથે સ્ક્રીન પરની શબાનાની આંખો પણ ડાબેથી જમણી તરફ ફરે. ટૂંકમાં, ઈમ્પ્રોવાઈઝેશનનો અહીં કોઈ સ્કોપ જ નથી. એક-સવા કલાક સુધી જીવંત અભિનય અને ટેકનોલોજી વચ્ચે કમાલની જુગલબંધી ચાલતી રહે છે.
છતાંય આ તો મંચ છે. કલ્પ્યાં ન હોય એવા અણધાર્યા બનાવો તો બનવાના જ. નાટક પૂરું થયા પછી શબાના મંચ પરથી ઓડિયન્સ સાથે આ નાટક વિશે ગોઠડી માંડે ને અમુક પ્રસંગો શેર કરે એટલે આપણને જાણે અણધાર્યું બોનસ મળ્યું હોય તેવો આનંદ થાય. નાટકમાં એક મોમેન્ટ એવી આવે છે કે શબાના ડાયલોગ બોલતા બોલતા ટીવીની પાછળથી પસાર થાય, ફરી આગળ આવે અને સંવાદ પૂરો કરે. અમેરિકાના એક શોમાં એક વાર બન્યું એવું કે શબાના ટીવીની પાછળથી પસાર થઈ રહ્યાં હતો ત્યારે તેમનો પગ અચાનક કેબલ પર પડતાં પ્લગ નીકળી ગયો અને ટીવી પરનું ચિત્ર ગાયબ થઈ ગયું! શબાનાએ સમયસૂચકતા વાપરી. તેઓ સંવાદ બોલતાં બોલતાં ફરી પાછા ટીવીની પાછળ ગયાં પ્લગમાંથી નીકળી ગયેલો વાયર ફિટ કરી દૃીધો. તરત સ્ક્રીન પર ચિત્ર ઊપસી આવ્યું અને નાટક વિના વિઘ્ને આગળ વધ્યું.
'મજાની વાત એ છે કે ઓડિયન્સને આ ગરબડની ખબર જ ન પડી,’ શબાનાએ કહે છે, ‘લોકોએ તો એમ જ માની લીધું કે આ બધું નાટકનો જ એક હિસ્સો હશે! બીજો કિસ્સો રોહતકમાં બન્યો. નાટક શરુ થાય એની વીસ મિનિટ પહેલાં આયોજન મને કહે છે, મેડમ, એવું છેને કે અહીંના એંસી ટકા ઓડિયન્સને અંગ્રેજી આવડતું નથી. તમે જરા હિન્દૃીમાં બોલજોને! મને તેના ગાલ પર કચકચાવીને લાફો ઠોકવાની ઈચ્છા થઈ ગઈ. ભલા માણસ, આ તું છેક છેલ્લી ઘડીએ બોલે છે? પણ મેં હિંમત ન હારી. સ્ટેજ પર ટાઈિંમગ સાચવતાં સાચવતાં હું મંજુલાના ડાયલોગ્ઝનું મારી રીતે હિન્દી કરતી ગઈ અને બોલતી ગઈ. ભગવાનનો પાડ કે શો ખૂબ સરસ રહ્યો અને ઓડિયન્સે ખૂબ એન્જોય કર્યું... પણ સાચું માનજો, તે દિવસે ઈગ્લિંશમાંથી હિન્દીમાં ઈન્સ્ટન્ટ અનુવાદ મેં કઈ રીતે કરી નાખ્યો તે મને આજ સુધી સમજાયું નથી!'
ગિરીશ કર્નાડનું નિધન થયું એટલે શક્ય છે
કે ‘બ્રોકન ઇમેજિસ’ના નવા શોઝ ગોઠવાય. તક મળે તો આ નાટક જરૂર જોજો ને ગિરીશ કર્નાડને મનોમન અંજલિ
આપજો.
0 0 0
No comments:
Post a Comment