Monday, June 24, 2019

ક્રિયેટિવ જિંદગી જીવવાની કળા

દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 19 જૂન 201
ટેક ઓફ
મારામાં પૂરતી ટેલેન્ટ નહીં હોય તોલોકો મારા પર હસશે તો? મારી બિલકુલ નોંધ જ નહીં લે તો? ક્રિયેટિવિટીમાંથી બે પૈસા મળવાના ન હોય તો શું કામ ખોટી માથાકૂટ કરવી

------------------------------------------------------------------------------------

સુપરસ્ટાર અમેરિકન લેખિકા એલિઝાબેથ ગિલ્બર્ટ અત્યારે પાછાં ન્યુઝમાં છે. એમનું લેટેસ્ટ પુસ્તક સિટી ઓફ ગર્લ્સ થોડા દિવસો પહેલાં જ બહાર પડ્યું. આ એક નવલકથા છે, જેમાં જૂના જમાનાના ન્યુ યોર્ક શહેરમાં રહેતી કેટલીક ગ્લેમરસ કન્યાઓની વાત છે. આ કથાનો સૂર એ છે કે સારા માણસ હોવા માટે નૈતિક જીવનશૈલી અપવાવવી જરૂરી નથી. દુનિયાની નજરમાં જે વંઠેલ કે ચારિત્ર્યહીન છે એવાં સ્ત્રી-પુરુષો માણસ તરીકે ઉત્તમ હોઈ શકે છે! 

એલિઝાબેથ ગિલ્બર્ટને આખી દુનિયા ખાસ કરીને એમનાં આત્મકથનાત્મક પુસ્તક ઇટ પ્રે લવ થકી જાણે છે. આ પુસ્તકને એટલી પ્રચંડ સફળતા મળી ચુકી છે કે એલિઝબેથનાં તે પછીનાં પુસ્તકો માટે ઇટ પ્રે લવની સફળતા દોહરાવવી લગભગ અશક્ય બની ગયું છે, પણ તેથી કંઈ એલિઝાબેથ મારાં નેક્સ્ટ પુસ્તકને ઇટ પ્રે લવ જેટલી સફળતા નહીં મળે તો? એવા વિચારથી ડરીને કંઈ નિષ્ક્રિય ન બેસી રહ્યાં. એમણે લખવાનું ચાલુ જ રાખ્યું. 
     
ક્રિયેટિવ જીવન જીવવામાં આપણને જાતજાતના ડર લાગતા હોય છે. એલિઝબેથ ગિલ્બર્ટે બિગ મેજિક નામનું એક અફલાતૂન પુસ્તક લખ્યું છે જે ક્રિયેટિવ મિજાજ ધરાવતા તમામ લોકોએ વાંચવું જોઈએ. ઘણા લોકોને લાગતું હોય છે કે પોતે સારું લખી શકે એમ છે, એક્ટિંગ કરી શકે છે, ગાઈ કે વગાડી શકે એમ છે. તકલીફ એ છે કે આપણે માત્ર આવું વિચારીને બેસી રહીએ છીએ. આપણી અંદરની પ્રતિભાને બહાર લાવવામાં આપણને ગભરામણ થાય છે. જેમ કે આપણને થાય કે મારામાં ટેલેન્ટ છે, પણ તે પૂરતી નહીં હોય તોલોકો મારા પર હસશે તો? બિલકુલ નોંધ જ નહીં લે તોક્રિયેટિવિટીમાંથી બે પૈસા મળવાના ન હોય તો શું કામ ખોટી માથાકૂટ કરવીઓલરેડી કેટલાય ગાયકો-સંગીતકારો-ચિત્રકારો-લેખકો-ખેલાડીઓ અદભુત કામ કરી રહ્યા છે. હું કંઈ એમના કરતાં ચડિયાતું કામ થોડો કરી શકવાનો?

આવા તો અસંખ્ય પ્રકારના ડર હોઈ શકે છે. એલિઝાબેથ ગિલ્બર્ટને ડર અને ક્રિયેટિવિટી કન્જોઈન્ડ ટ્વિન્સ જેવાં ગણે છે. બન્ને એકમેકથી જોડાયેલાં. અમુક અંગ-ઉપાંગ બન્નેમાં કોમન. લેખિકાએ તો ડર માટે રીતસર એક લાંબી વેલકમ સ્પીચ તૈયાર કરી છે. નવો પ્રોજેકટ શરૂ કરવાનો હોય ત્યારે એ ડરને મનોમન કહે છેઃ
'ડિયેરેસ્ટ ડર, જો, હું અને ક્રિએટિવિટીસાથે રોડટ્રિપ પર નીકળવાનાં છીએ. હું માની લઉં છું કે તું પણ અમારી સાથે જોઈન થઈ જ જઈશ. હું કશુંક સરસ કામ કરવાની હોઉં બરાબર ત્યારે જ હો-હોનો દેકારો કરીને મને ગભરાવી મૂકવાની મોટી જવાબદારી તને સોંપવામાં આવી છે ને આ જવાબદારી પૂરી કરવા માટે જીવ રેડી દઈશ તે ય હું જાણું છું. ભલે. હું તો આ રોડટ્રિપ દરમિયાન મારું કામ કરવાની જ છું. શું છે મારું કામપુષ્કળ મહેનત કરવી અને ફોકસ્ડ રહેવું. મારી સાથે ક્રિએટિવિટી પણ એનું કામ કરશે. એનું કામ શું છેઉત્સાહ અને ઉમંગ ટકાવી રાખવા. તું પરિવારનો હિસ્સો છે એટલે તારું માન જરૂર રાખીશ. તને તારું કામ કરવા દઈશ. કારમાં આપણા ત્રણેય માટે પૂરતી મોકળાશ છે એટલે તને બેસવાની જગ્યા દઈશપણ એક વાત કાન ખોલીને સાંભળી લે. આખા રસ્તે તમામ નિર્ણયો તો હું અને ક્રિયેટિવિટી જ લઈશું. કયા રસ્તે જવું, કયાં હોલ્ટ લેવો, કયાંથી બાયપાસ લઈને ફંટાઈ જવું, કયાંથી યુ-ટર્ન મારવોકારમાં એસી કેટલું તેજ રાખવું - આ બધું માત્ર અને માત્ર હું અને ક્રિયેટિવિટી નક્કી કરીશું. તારે સૂચન પણ નહીં કરવાનું. રોડ-મેપ શુંએફએમ રેડિયોને પણ હાથ નહીં લગાડવાનો. કારનું સ્ટિયરિંગ હાથમાં લેવાનું તો વિચારવાનું પણ નહી, સમજ્યો?'

ને પછી લેખિકાક્રિયેટિવિટી અને ડર એકસાથે પ્રવાસ પર નીકળી પડે. પ્રવાસ (એટલે કે પ્રોજેક્ટ)નું પરિણામ ધાર્યું હતું એવું જ મળે છે, ધાર્યા કરતાંય વધારે સુંદર મળે છે કે તદ્દન વાહિયાત મળે છે એ પછીની વાત છેપણ પ્રવાસ રોમાંચક અને ઘટનાપ્રચુર પુરવાર થશે એ તો નક્કી છે. સો વાતની એક વાત એ કે મનગમતું કામ કરવા માગતા હોઈએ ત્યારે ડરના વશમાં થવાનું નથી. એનો સંગાથ અપ્રિય લાગે તો લાગે. જો ડર સાથે પ્રવાસ કરતા નહીં શીખીએ તો કયારેય કોઈ સરસ સ્થળે પહોંચી નહીં શકીએ. લાઈફમાં કયારેય કોઈ ઈન્ટરેસ્ટિંગ કામ કરી નહીં શકીએ.

હું માનું છું કે આ પૃથ્વી પર માત્ર માણસો, પશુપક્ષીઓ, વનસ્પતિ, બેકટરિયા અને વાઈરસ જ વસતા નથી. આ બધાની સાથે સાથે પૃથ્વી પર આઈડિયાઝ પણ વસવાટ કરે છે,' એલિઝાબેથ ગિલ્બર્ટ ‘બિગ મેજિક' પુસ્તક્માં કહે છે, ‘આઈડિયા પાસે શરીર ભલે ન હોય પણ એનામાં આત્મા જરુર હોય છે. ઈચ્છાશકિત તો ચોક્કસપણે હોય છે. આઈડિયાની સર્વોપરી ઈચ્છા એક જ છે - એને વ્યકત થવું હોય છે. આઈડિયા આપણી દુનિયામાં એક જ રીતે વ્યકત થઈ શકે - માણસ સાથે પાર્ટનરશિપ કરીને. જો માણસ પ્રયત્ન  કરે તો અને તો જ માનમોંઘો આઈડિયા અમૂર્ત વિશ્ર્વમાંથી બહાર નીક્ળીને મૂર્ત એટલે કે વાસ્તવિક્ દુનિયામાં પ્રવેશી શકે.

યાદ રહે, અહીં કેવળ કવિતા- વાર્તા-પેઈન્ટિંગના આઈડિયાની વાત નથી. આ આઈડિયા આર્ટિસ્ટિક ઉપરાંત વિજ્ઞાન, વેપારઉદ્યોગ, રમતગમત, ધર્મ, રાજકારણ કે એવા કોઈ પણ ક્ષેત્રને લગતા હોઈ શકે. લેખિકા  ક્હે છે કે આ આઈડિયાઝ આપણી આપસપાસ હવામાં ઘુમરાતા રહે છે અને પોતાને આવકારવા તૈયાર હોય તેવા માણસને શોધતા રહે છે. એને લાગે કે ફલાણો માણસ મને દુનિયામાં અવતારવા માટે સક્ષમ છે તો એનું ધ્યાન ખેંચવાની કોશિશ કરશે.

કોઈ પણ આઈડિયાને તમારામાં યોગ્યતા દૃેખાય એટલે એ શું કરે? સૌથી પહેલાં તો તમને રોમાંચિત કરી  નાખશે. ત્યાર બાદ એક પછી એક એવા સંજોગ સર્જશે કે જેથી એનામાં તમારો ઈન્ટરેસ્ટ જીવંત રહે. જાણે પ્રેત વળગ્યું હોય તેમ હાલતા-ચાલતા-ઉઠતા-બેસતા તમને બસ તે આઈડિયાના જ વિચારો આવતા રહેશે. મધરાતે અચાનક ઊંઘ ઉડે ને ખબર પડે કે સનામાં ય તમે એ જ આઈડિયા વિશે વિચારી રહ્યા હતા. આઈડિયાને ખાતરી થાય કે તમે એના પર પૂરેપુરું ધ્યાન આપવા તૈયાર છો ત્યારે હળવેક્થી તમને પૂછશે:

દોસ્ત, તું મારી સાથે કામ કરવા, મારો પાર્ટનર બનવા તૈયાર છે?'

આ સ્થિતિમાં તમારી પાસે બે વિક્લ્પો હોય. કાં તો તમે હા પાડશો અથવા ના પાડશો. ધારો કે આઈડિયા જે સમયે તમારા થકી જન્મ લેવા માગતો હોય તે વખતે તમે જીવનજંજાળમાં ગૂંચવાયેલા હો, અસલામતીથી પીડાતા હો અથવા ખુદૃની નિષ્ફળતાઓ અને ભુલોનું વિશ્ર્લેષણ કરવામાંથી ઊંચા આવતા ન હો તો શક્ય છે કે પેલો આઈડિયા થોડી મિનિટો, થોડા દિવસો, થોડાં અઠવાડિયાં કે ઈવન થોડાં વર્ષો સુધી તમારી રાહ જોશે. તે પછીય તમે આઈડિયા પર ધ્યાન ન આપો, નિષ્ક્રિય રહો કે ના પાડી દો એટલે એ બાપડો નછૂટકે  કંટાળીને તમને છોડીને એવા કોઈ માણસની શોધમાં જતો રહેેશે જે એની સાથે પાર્ટનરશિપમાં કામ કરવા તૈયાર હોય.          
કેટલી સરસ થિયરી.

-
અને ધારો કે તમે તમારી આસપાસ હવામાં ઘુમરાતા આઈડિયાને અથવા તમારી ભીતર જન્મેલી પ્રેરણાને હા પાડો તો? હવે શું બનશે? તમે પ્રેરણા સાથે કાયદેસર કોન્ટ્રેકટ કરશો. તમારું કામ હવે સરળ પણ બની જશે અને અઘરું પણ બની જશે. હવે તમે જાણો છો કે સઘળી શકિત કઈ દિશામાં લગાડવાની છે. તમે એ આઈડિયાને નક્કર દેહ આપવાની જવાબદારી સ્વીકારી છે. તમે એક ક્રિયેટિવ પ્રોસેસની શરુઆત કરવા તૈયાર થયા છો. આ પ્રક્રિયાને અંતે તમે જબરદસ્ત સફળતા પામો એવું ય બને, તમે સાવ મિડીયોકર પૂરવાર થાય એવું ય બને અથવા ઊંધાં મોંએ પટકાઓ એવું ય બને.

ક્રિયેટિવ જિંદગી જીવવા માગતા સૌએ પોતપોતાની વાસ્તવિક્તા અનુસાર નિર્ણય લેવાનો છે. જોવાનું એટલું જ છે કે ક્રિયેટિવ જિંદગી પ્રસન્નતાથી ભરપૂર હોવી જોઈએ, માનસિક્ તાણ પેદા  કરે એવી નહીં. હંમેશા એલર્ટ રહેવું પડશે કેમ કે કોઈ ગ્રેટ આઈડિયા ગમે ત્યારે પાર્ટનરશિપની ઓફર લઈને તમારી પાસે આવી શકે  છે.

સો વાતની એક વાત. કશુંક ક્રિયેટિવ કરવા માગો છો? તો કરો. પૂરી જવાબદારી લઈને કરો. ડરો નહીં. જો ડર ગયા સો મર ગયા અને ડર કે આગે જીત હૈ એ સૂત્રો હંમેશાં યાદ રાખવાનાં!

0 0 0 


Monday, June 17, 2019

હું વિરુદ્ધ હું


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 16 જૂન 2019

મલ્ટિપ્લેક્સ

ગિરીશ કર્નાડ લિખિત બ્રોકન ઇમેજિસ નાટકમાં શબાના આઝમીએ કેવીક કમાલ કરી છે?



પણે તાજેતરમાં ગિરીશ કર્નાડ જેવા ધરખમ લેખક અને અદાકાર ગુમાવ્યા. મૂળ તો એ કન્નડ કલાકાર, જેમને આપણે નિશાંત, મંથનથી માંડીને ઇકબાલ, ડોરથી લઈને છેક એક થા ટાઇગર તેમજ ટાઇગર ઝિંદા હૈ સુધીની કેટલીય હિન્દી ફિલ્મોમાં જોયા છે. હયાતિ, હયવદન, તુઘલક જેવાં લેન્ડમાર્ક નાટકો લખનારા ગિરીશ કર્નાડના એક ઓર નાટક બ્રોકન ઇમેજિસ વિશે આજે વાત કરવી છે. મૂળ નાટક ઓડાકાલુ બિમ્બા 2005માં કન્નડ ભાષામાં લખાયું હતું. પછી કન્નડ, અંગ્રેજી અને હિન્દી રંગમંચ પર તે ભજવાયું. અલેક પદમસીએ એનું અંગ્રેજી વર્ઝન રિવાઇવ કરીને એમાં શબાના આઝમીને કાસ્ટ કર્યાં.
‘બ્રોકન ઈમેજિસ'માં તેઓ પણ સ્ટેજનાં જન્મજાત સમ્રાજ્ઞી હોય તે રીતે જ પર્ફોર્મ કરે છે. આ વન-વુમન શો છે. મંચ પર શરુઆતથી લઈને અંત સુધી માત્ર એક જ અદૃાકારની ઉપસ્થિતિ રહે છે - શબાના આઝમીની. હા, તેમને કંપની આપવા માટે સ્ટેજ પર એક એલઈડી ટીવીનો વિશાળ સ્ક્રીન જરુર છે. આ સ્ક્રીન પર જે  વ્યકિત ઉપસે છે તે પણ શબાના આઝમી જ છે. આ બન્ને શબાનાઓ વચ્ચે બોલાતી સંવાદૃોની રમઝટ અને તેમની વચ્ચે થતી છીનાઝપટી નાટકનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે.

મંજુલા શર્મા (શબાના) એક સેલિબ્રિટી લેખિકા છે. એક વાર ઈન્ટરવ્યુ આપવા એ કોઈ ટીવી ચેનલના સ્ટુડિયોમાં આવી છે અને અહીંથી નાટકનો ઉઘાડ થાય છે. મંજુલા ટીવી કેમેરા સામે ગોઠવાઈને કહે છે કે આ નવલકથાની પ્રેરણા મારી બહેન માલિનીએ આપી છે. જન્મથી અપંગ માલિનીનું કમરથી નીચેનું શરીર આજીવન ચેતનાહીન રહ્યું. મા-બાપ ગુજરી ગયાં પછી મંજુલા બહેનને પોતાનાં ઘરે લઈ આવી. સદભાગ્યે મંજુલાના પતિ સાથે માલિનીને સારું બનતું હતું. હજુ ગયા વર્ષે માલિનીનું નિધન થયું. માલિનીની પીડા, એની અસહાયતા મંજુલાએ નિકટથી જોઈ હતી. તેનું આલેખન તેણે એક નવલકથામાં કર્યું, જે સુપરહિટ પૂરવાર થઈ. આ વાત કરતાં કરતાં મંજુલા રડી પડે છે. આંસુ લૂછીને, સ્વસ્થ થઈને તે પોતાનું વકતવ્ય પૂરું કરે છે.



જેવી મંજુલા ઊભી થઈને ટીવી સ્ટુડિયોમાંથી બહાર નીકળવા પગલાં ભરે છે કે જાણે જાદુ થાય છે. પેલી ટીવી સ્ક્રીન પર બીજી શબાના આઝમી ઉપસે છે. એણે મંજુલા જેવાં જ વસ્ત્રો પહેયાર્ર્ છે. સ્ક્રીન પર દેખાતી સ્ત્રી કહે છે કે મારાથી ગભરાય છે શું કામ. તું તો મને સારી રીતે ઓળખે છે. હું ‘તું જ છું - મંજુલા!'

સ્ક્રીન પર  દેખાતી સ્ત્રી મંજુલાનો અંતરાત્મા છે. એનો માંહ્યલો. બન્ને મંજુલાઓ વચ્ચે ગોઠડી મંડાય છે. શરુઆત તો હળવાશથી થાય છે. ધીમે ધીમે સ્ક્રીનવાળી સ્ત્રીના સવાલો વ્યંગાત્મક અને વધુને વધુ  અણિયાળા બનતા જાય છે. ડુંગળી પરથી એક પછી એક પારદૃર્શક પડ ઉખેડાતાં જતાં હોય તેમ ધીમે ધીમે મંજુલાના વ્યકિતત્ત્વના અને જીવનના નવાં નવાં પાસાં બહાર આવતા જાય છે. કોણ સાચું છે? થોડી વાર પહેલાં પોતાની અપંગ બહેનને યાદ કરીને આસું સારી રહેલી મંજુલા કે અત્યારે ખુદના અંતરાત્માની આકરી પૂછપરછથી બેબાકળી બની ગયેલી મંજુલા? પતિ સાથે એના ખરેખર મધુર સંબંધો છે કે પછી વાસ્તવિકતા કંઈક જુદૃી જ છે? માહોલ સ્ફોટક બનતો જાય છે. નાટકનો અંત એકઝેકટલી શું છે તે તમને નહીં કહીએ. હા, એટલું જરુર કહીશું કે નાટકનો એન્ડ જોઈને તમે સીટ પરથી ઊછળી પડશો એ તો નક્કી.

નાટક એક લાઈવ આર્ટ છે. ઈમ્પ્રોવાઈઝ કરવું, કશુંક નવું કે અણધાયુર્ર્ કરવું, ઓડિયન્સની પ્રતિક્રિયા પ્રમાણે પોતાનાં પર્ફોર્મન્સમાં ફેરફાર કરવા એ રંગભૂમિની મજા છે, પણ ‘બ્રોકન ઈમેજિસ' શબાનાને સજ્જડ બાંધી દે છે. સ્ક્રીન પર દેખાતી શબાનાનું શૂટિંગ આગોતરું થઈ ગયું છે અને દરેક શોમાં તે એકસરખું  રહે છે. મંચ પર પર્ફોર્મ કરી રહેલી શબાનાએ તે રેકોર્ડિંગ અનુસાર, તેની સાથે સંપૂર્ણપણે સિન્ક્રોનાઈઝ થઈને, એકેએક સેકન્ડ પાક્કો હિસાબ રાખીને અભિનય કરવાનો છે. બન્ને સ્ત્રીઓ વચ્ચેના સંવાદોમાં સતત દલીલબાજી થતી રહે છે, સામસામી ચાબૂક વીંઝાતી રહે છે. વાતો કરતાં કરતાં બન્ને એકમેકને તાળી આપે છે, એક છીંક ખાય તો બીજી ડાયલોગ અટકાવીને તરત ‘ગોડ બ્લેસ યુ કહે છે. આ બધું જ ઘડિયાળના કાંટે થાય તો જ ધારી અસર ઉપજે. માત્ર સંવાદો જ નહીં, કોરિયોગ્રાફીમાં  પણ સતત સમતુલા જાળવી રાખવી પડે. મંચ પરની શબાના ચાલતી ચાલતી સ્ટેજ પર ડાબેથી જમણે જાય તો એની સાથે સાથે સ્ક્રીન પરની શબાનાની આંખો પણ ડાબેથી જમણી તરફ ફરે. ટૂંકમાં, ઈમ્પ્રોવાઈઝેશનનો અહીં કોઈ સ્કોપ જ નથી. એક-સવા કલાક સુધી જીવંત અભિનય અને ટેકનોલોજી વચ્ચે કમાલની જુગલબંધી ચાલતી રહે છે.

છતાંય આ તો મંચ છે. કલ્પ્યાં ન હોય એવા અણધાર્યા બનાવો તો બનવાના જ.  નાટક પૂરું થયા પછી શબાના મંચ પરથી ઓડિયન્સ સાથે આ નાટક વિશે ગોઠડી માંડે ને અમુક પ્રસંગો શેર કરે એટલે આપણને જાણે અણધાર્યું બોનસ મળ્યું હોય તેવો આનંદ થાય. નાટકમાં એક મોમેન્ટ એવી આવે છે કે શબાના ડાયલોગ બોલતા બોલતા ટીવીની પાછળથી પસાર થાય, ફરી આગળ આવે અને સંવાદ પૂરો કરે. અમેરિકાના એક શોમાં એક વાર બન્યું એવું કે શબાના ટીવીની પાછળથી પસાર થઈ રહ્યાં હતો ત્યારે તેમનો પગ અચાનક કેબલ પર પડતાં પ્લગ નીકળી ગયો અને ટીવી પરનું ચિત્ર ગાયબ થઈ ગયું! શબાનાએ સમયસૂચકતા વાપરી. તેઓ સંવાદ બોલતાં બોલતાં ફરી પાછા ટીવીની પાછળ ગયાં પ્લગમાંથી નીકળી ગયેલો વાયર ફિટ કરી દૃીધો. તરત સ્ક્રીન પર ચિત્ર ઊપસી આવ્યું અને નાટક વિના વિઘ્ને આગળ વધ્યું.



'
મજાની વાત એ છે કે ઓડિયન્સને આ ગરબડની ખબર જ ન પડી, શબાનાએ કહે છે, લોકોએ તો એમ જ માની લીધું કે આ બધું નાટકનો જ એક હિસ્સો હશે! બીજો કિસ્સો રોહતકમાં બન્યો. નાટક શરુ થાય એની વીસ મિનિટ પહેલાં આયોજન મને કહે છે, મેડમ, એવું છેને કે  અહીંના એંસી ટકા ઓડિયન્સને અંગ્રેજી આવડતું નથી. તમે જરા હિન્દૃીમાં બોલજોને! મને તેના ગાલ પર કચકચાવીને લાફો ઠોકવાની ઈચ્છા થઈ ગઈ. ભલા માણસ, આ તું છેક છેલ્લી ઘડીએ બોલે છે? પણ મેં હિંમત ન હારી. સ્ટેજ પર ટાઈિંમગ સાચવતાં સાચવતાં હું મંજુલાના ડાયલોગ્ઝનું મારી રીતે  હિન્દી કરતી ગઈ અને બોલતી ગઈ. ભગવાનનો પાડ કે શો ખૂબ સરસ રહ્યો અને ઓડિયન્સે ખૂબ એન્જોય કર્યું... પણ સાચું માનજો, તે દિવસે ઈગ્લિંશમાંથી હિન્દીમાં ઈન્સ્ટન્ટ અનુવાદ મેં કઈ રીતે કરી નાખ્યો તે મને આજ સુધી સમજાયું નથી!

ગિરીશ કર્નાડનું નિધન થયું એટલે શક્ય છે કે બ્રોકન ઇમેજિસના નવા શોઝ ગોઠવાય. તક મળે તો આ નાટક જરૂર જોજો ને ગિરીશ કર્નાડને મનોમન અંજલિ આપજો. 

0 0 0

Thursday, June 6, 2019

પેલી એરિનનું પછી શું થયું?


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 5 જૂન 2019

ટેક ઓફ
શહેરોમાં પ્રદૂષણની સ્થિતિ તો જ સુધરશે જો આપણે સૌ સંપીને સત્તાવાળાઓને જવાબદાર ઠેરવીશું. માત્ર કેન્દ્ર સરકાર જ નહીં, સ્થાનિક પ્રતિનિધિઓને ચૂંટવામાં પણ આપણે એટલા જ સતર્ક રહેવું જોઈએ.

જો તમે પર્યાવરણના સંવર્ધન માટે મોટા ગજાનું કામ કરતા વિશ્વસ્તરના એક્ટિવિસ્ટોને ફોલો કરતા હશો તો શક્ય છે કે તેમે એરિન બ્રોકોવિચનું નામ જાણતા હો. જો તમે હોલિવૂડ સુપરસ્ટાર જુલિયા રોબર્ટ્સના ચાહક હશો તો તો તમે એરિન બ્રોકોવિચનું નામ સો ટકા જાણતા હશો. જુલિયા રોબર્ટ્સે 2000ની સાલમાં આ એન્વાયર્મેન્ટલ એક્ટિવિસ્ટના જીવન પરથી બનેલી એરિન બ્રોકોવિચમાં ટાઇટલ રોલ કર્યો હતો. એનો અભિનય એટલો અફલાતૂન હતો કે એ બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કર અવોર્ડ જીતી ગઈ હતી. આ ફિલ્મ બનાવનાર સ્ટીવન સોડનબર્ગને પણ બેસ્ટ ડિરેક્ટરનો ઓસ્કર મળ્યો હતો.

એક પર્યાવરણવાદી એક્ટિવિસ્ટના જીવનમાં એવું તે શું હોઈ શકે કે એના પરથી આખેઆખી બિગ બજેટ ફિલ્મ બનાવવી પડે? બીજો મહત્ત્વનો સવાલ આ છેઃ એરિન બ્રોકોવિચે બે દાયકા પહેલાં અમુકતમુક પરાક્રમ કર્યા, જેને કારણે એની ખૂબ વાહવાહી થઈ, પણ પછી શું? જીવનમાં આગળ વધ્યા પછી એણે એ જ કક્ષાનાં બીજાં કામ કર્યાં કે નહીં? લેખ આગળ વધારતા પહેલાં જે સનસનખેજ કેસને કારણે એરિન એન્વાયર્મેન્ટલ એક્ટિવિસ્ટ તરીકે વર્લ્ડફેમસ થઈ ગઈ તેના વિશે વાત કરી લઈએ.  

મારફાડ સ્વભાવ ધરાવતી એરિન પચ્ચીસેક વર્ષ પહેલાં એક લૉ ફર્મમાં સાવ ઓછા પગારે લીગલ આસિસ્ટન્ટની નોકરી કરતી હતી ત્યારની આ વાત છે.  એ વખતે એની પાસે નહોતો કોઈ અનુભવ કે નહોતું ક્વોલિફિકેશન. એના બે વાર ડિવોર્સ થઈ ચુક્યા હતા. સિંગલ મધર તરીકે ત્રણ બચ્ચાંની જવાબદારી એ માંડ માંડ ઉપાડતી હતી.  

એક વાર એરિનની લૉ ફર્મ પાસે પેસિફિક ગેસ એન્ડ ઈલેક્ટ્રિક (પીજી એન્ડ ઈ) નામની એક જાયન્ટ કંપનીનો પ્રોપર્ટીનો એક કેસ આવ્યો. કંપની કેલિફોર્નિયામાં ડોના નામની કોઈ સ્ત્રીનું ઘર ખરીદવા માગતી હતી. ફાઈલમાં જાતજાતના મેડિકલ રિપોર્ટ્સ પણ હતા. એરિનને નવાઈ લાગી કે પ્રોપર્ટીની મેટરમાં મેડિકલ રિપોર્ટ્સ શા માટે બીડ્યા છે? એરિન ડોનાને મળવા ગઈ. એ બિચારીને ભયાનક ગાંઠો થઈ ગઈ હતી. એના પતિને પણ કોઈક ગંભીર બીમારી હતી. ડોના વાતવાતમાં બોલી ગઈ કે, જોને, આ કંપનીવાળા કેટલા સારા છે. અમારો ટ્રીટમેન્ટનો બધો ખર્ચ કંપનીએ ઉપાડી લીધો છે. એરિને પૂછ્યુઃ પણ તારી બીમારી સાથે કંપનીને શું લાગેવળગે? ડોનાએ જવાબ આપ્યોઃ એ તો ક્રોમિયમનું કંઈક છેને એટલે. 

પત્યું! એ ભોળી મહિલાને કલ્પના નહોતી કે એનો આ ટૂંકો ને ટચ જવાબ કેટલી મોટી બબાલ ઊભી કરી દેશે. એરિન કેસમાં ઊંડી ઊતરી. એને ખબર પડી કે ડોના જે વિસ્તારમાં રહે છે એનું પાણી પ્રદૂષિત છે. પીજી એન્ડ ઈ કંપનીએ પૂરતી તકેદારી રાખી ન હોવાથી એની ફેક્ટરીમાંથી ઝરતું હેક્ઝાવેલન્ટ ક્રોમિયમ નામનું ખતરનાક કેમિકલ પીવાના ને અન્ય ઉપયોગમાં લેવાના પાણીના સ્ત્રોતમાં ભળી ગયું હતું, જે સ્થાનિક લોકોના શરીરમાં પહોંચીને ભયાનક નુકશાન પહોંચાડી રહ્યું હતું. આ ક્રોમિયમના પાપે કોઈને કેન્સર થયા હતા, કોઈને ત્વચાના રોગ લાગુ પડ્યા હતા, તો કેટલીક સ્ત્રીઓને વારંવાર ગર્ભપાત થયા કરતા હતા. કંપનીએ સ્થાનિક લોકોને ક્રોમિયમની ખતરનાક આડઅસરો વિશે તદ્દન ભ્રમમાં રાખ્યા હતા. વળી, આ બધાંની ટ્રીટમેન્ટ કરવા કંપનીએ ખુદના ડોક્ટરો નીમ્યા હતા એટલે સચ્ચાઈ ઢંકાઈ ગઈ હતી. 



એરિન કંપની વિરુદ્ધ નક્કર પૂરાવા એકઠા કરવા મચી પડી. એને અમુક એવા ડોક્યુમેન્ટ્સ મળ્યા જેના પરથી એક સ્પષ્ટપણે સાબિત થઈ ગઈઃ કંપનીના સાહેબોને પાક્કા પાયે ખબર હતી કે ઝેરી ક્રોમિયમથી પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે. તેમ છતાં તેમણે આ સિલસિલો અટકાવવાની કોઈ જ કોશિશ નહોતી કરી. ઊલટાનું, આખી વાતનો વીંટો વાળી દેવાની કોશિશ કરી હતી. 

એરિને હેક્ઝાવેલન્ટ ક્રોમિયમથી નુક્સાન પામેલા ૬૩૪ લોકોને એકઠા કર્યા, એમને વિશ્ર્વાસમાં લીધા. તમામ લોકો વતી એરિન અને તેના બોસની કંપનીના હાઈ પ્રોફાઈલ પ્રતિનિધિઓ સાથે મીટિંગો થઈ. વાતને વધારે ખેંચવાને બદલે કંપનીના સાહેબલોકો જલદી માંડવાળ કરવા માગતા હતા. આખરે સેટલમેન્ટનો અધધધ આંકડો નક્કી થયો – 333 મિલિયન ડોલર્સ એટલે કે આજના હિસાબે આશરે 23 અબજ 17 કરોડ રૂપિયા, ફક્ત! અમેરિકાની કોર્પોરેટ હિસ્ટ્રીનો આ એક વિક્રમ હતો. અગાઉ નક્કી થયા પ્રમાણે ૪૦ ટકા રકમ ફી પેટે એરિનના બોસને મળ્યા. બાકીની રકમ ૬૩૪ લોકો વચ્ચે વહેંચવમાં આવી. એરિનને ખુદને અઢી મિલિયન ડોલર્સનું તોતિંગ બોનસ આપવામાં આવ્યું. આ સમગ્ર ઘટનાક્રમ બન્યો 1995-96માં. એરિન બ્રોકોવિચ ફિલ્મમાં પીજી એન્ડ ઇ લિટિગેશન કેસ સરસ રીતે સમાવી લેવામાં આવ્યો છે.

આ તો થઈ બે-અઢી દાયકા પહેલાંની વાત. પીજી એન્ડ ઇવાળા કિસ્સા પછી એરિન બ્રોકોવિચે એ જ કામ કર્યું જેમાં એની માસ્ટરી આવી ગઈ હતી. એણે પછી બીજા ઘણા એન્ટી-પોલ્યુશન કેસમાં ભરપૂર ઝનૂનથી કામ કર્યું. કેલિફોર્નિયામાં વ્હિટમેન કોર્પોરેશન નામની એક કંપની પણ હાનિકારક ક્રોમિયમ પેદા કરતી હતી. એરિને આ કંપની સામે યુદ્ધે ચડી અને જીતી. પીજી એન્ડ ઈ કંપની સામે એણે ઓર એક કેસ કર્યો. આ વખતે કેન્દ્રમાં એક કંપ્રેસર સ્ટેશન હતું. 1200 જેટલા લોકોના સ્વાસ્થ્ય પર એના લીધે માઠી અસર થઈ હતી. 2006માં કંપનીએ 335 મિલિયન ડોલર જેટલું અધધધ નાણું સેટલમેન્ટ રૂપે છૂટું કરવું પડ્યું.

એક કંપની લેધરના પ્રોડક્શનમાંથી પેદા થયેલા કચરામાંથી ખાતર બનાવતી હતી, જે અમેરિકાના ઘણા ખેડૂતો વાપરતા હતા. ખતરનાક રસાયણવાળા આ ખાતરને લીધે આ પંથકમાં બ્રેઇન ટ્યુમરના કેસ એકાએક વધવા લાગ્યા હતા. એરિને આ કેસ હાથમાં લીધો. હાલ અદાલત આ મામલે છાનબીન કરી રહી છે. ટેક્સાસ રાજ્યના એક નગરમાં તો સરકાર દ્વારા પૂરા પાડવામાં આવતા પાણીમાં જ હેક્ઝાવેલન્ટ ક્રોમિયમનું ભયજનક પ્રમાણ હોવાનું જાણવામાં આવ્યું. 2016માં એક જગ્યાએ અન્ડરગ્રાઉન્ડ સ્ટોર કરવામાં આવેલા ગેસમાંથી મિથન વાયુ લીક થતું હોવાનું જાણવા મળ્યું. સધર્ન કેલિફોર્નિયા ગેસ નામની આ કંપની પણ એરિનના રડારમાં આવી ગઈ છે. આ સિવાય અન્ય કેટલાય કેસમાં એણે પ્રદૂષણ પેદા કરતી જુદી જુદી કંપનીના છક્કા છોડાવી દીધા છે.

એરિન કહે છે, શહેરોમાં પ્રદૂષણની સ્થિતિ તો જ સુધરશે જો આપણે સૌ સંપીને સત્તાવાળાઓ પાસે જઈશું અને દઢતાપૂર્વક કહીશું કે ફલાણી સમસ્યા માટે અમે તમને જવાબદાર ઠેરવીએ છીએ. તમારી આસપાસ જે કંઈ થઈ રહ્યું છે એની પાક્કી માહિતી એકઠી કરો, લાગતાવળગતાને સવાલો પૂછો, મિટીંગોમાં ભાગ લો. માત્ર કેન્દ્ર સરકારની ચુંટણી જ મહત્ત્તની નથી. સ્થાનિક સ્તરે યોજાતી ચૂંટણીઓને પણ એટલી જ ગંભીરતાથી લો.

સિંગર મધર તરીકે એરિને પુષ્કળ સંઘર્ષ કર્યો હતો. એણે સતત નાણાભીડ જોઈ હતી. પીજી એન્ડ ઈ કેસના પ્રતાપે એને અઢી મિલિયન ડોલર જેવી જે માતબર રકમ મળી એમાંથી એણે સૌથી પહેલાં તો લોસ એન્જલસના એક સબર્બમાં પોશ બંગલો ખરીદી લીધો. પોતે ખૂબ કામ કરતી હોવાથી સંતાનોની અવગણના થઈ રહી છે એવું ગિલ્ટ એને હંમેશાં રહ્યા કરતું. આથી એણે પેલાં ફદિયામાંથી સંતાનોને ખૂબ લાડ લડાવ્યા. પરિણામ એ આવ્યું કે મોટાં બે સંતાનો સાવ વંઠી ગયાં. ડ્રગ્ઝના એવા બંધાણી થઈ ગયા કે એમને મોંઘાદાટ રિહેબ સેન્ટરમાં મૂકવા પડ્યાં. અધૂરામાં પૂરું, એના બે ભૂતપૂર્વ પતિઓ સંપીને અમને પણ ભાગ જોઈએ કરતાં પહોંચી ગયા. એરિને એમને ગણકાર્યા નહીં એટલે એમણે કોર્ટમાં કેસ કર્યો. સદભાગ્યે એરિન આ કેસ જીતી ગઈ.

એરિને ટેક ઇટ ફ્રોમ મીઃ લાઇફ ઇઝ અ સ્ટ્રગલ બટ યુ કેન વિન નામનું પુસ્તક પણ લખ્યું છે, જે આત્મકથનાત્મક પણ છે અને પ્રેરણાદાયી પણ છે. એરિન આજે દુનિયાભરમાં પ્રદૂષણ સંબંધિત પ્રવચનો આપે છે, પોતાનો અનુભવ અને જ્ઞાન શેર કરે છે. એને કંઈકેટલાય અવોર્ડ્ઝ મળ્યા છે. બ્રોકોવિચ રિસર્ચ એન્ડ કન્સલ્ટિંગ નામની સફળ એજન્સીની એ પ્રેસિડન્ટ છે. આ સિવાય દેશ-વિદેશની કેટલીક ફર્મ્સ સાથે કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે.

ટૂંકમાં એરિન એવું જીવન જીવી છે કે એરિન બ્રોકોવિચ ફિલ્મની સિક્વલ બનાવવી હોય તો પૂરતો મસાલો મળી રહે!

0 0 0