દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 2 જાન્યુઆરી 2019
ટેક ઓફ
ટેક ઓફ
મારી આજની હેપીએસ્ટ મોમેન્ટ કઈ હતી? મેં આજે કઈ
વાતે સૌથી વધુ આનંદ અનુભવ્યો? બસ, એ ક્ષણને યાદ કરીને કાગળની નાનકડી ચબરખીમાં લખી નાખવાનું ને
પારદર્શક બરણીમાં ચિઠ્ઠી નાખી દેવાની. બસ, આટલું જ. આનાથી
કરતાં વધારે સરળ અને કષ્ટ વગરની કોઈ આધ્યાત્મિક પ્રવૃત્તિ નથી.
નવું વર્ષ શરૂ થાય એટલે આપણે આદત મુજબ જાતજાતના ભવ્ય ‘મક્કમ નિર્ધાર’ કરવા માંડીએ છીએ.
હવેથી હું રોજ સવારે પાંચ વાગે ઉઠી જઈશ. હવેથી હું વીકમાં કમસે કમ ચાર દિવસ જિમમાં
કસરત કરીશ. હવેથી હું ગુસ્સો નહીં કરું, વગેરે. આપણો સૌનો અનુભવ છે કે ફેબ્રુઆરી
આવતા સુધીમાં આ પ્રકારના ન્યુ યર રિઝોલ્યુશન્સ ખરી પડતા હોય છે, મગજની પાટી પરથી એ
એવા ભૂંસાઈ જાય છે કે જાણે ક્યારેય લખાયા જ નહોતા. એટલે જ એલિઝાબેથ ગિલ્બર્ટનો ‘હેપીનેસની બરણી’વાળો આઇડિયા આપણને
તો બહુ ગમ્યો.
એલિઝાબેથ ગિલ્બર્ટ એટલે ‘ઇટ પ્રે લવ’ જેવી પ્રચંડ સફળતા મેળવનાર પુસ્તકની બેસ્ટસેલિંગ અમેરિકન લેખિકા. ‘બિગ મેજિક’ નામનું
ક્રિયેટિવિટ પ્રોસેસ વિશે એમણે એક અદભુત પુસ્તક લખ્યું છે. જે લોકો ક્રિયેટિવ
મિજાજ ધરાવતા હોય, લેખન-સંગીત-અભિનય જેવી કળાઓમાં જેમની થોડીઘણી ગતિ હોય એમણે ‘બિગ મેજિક’ અચુક વાંચવું
જોઈએ. એલિઝાબેથ આત્મકથનાત્મક પુસ્તકો, નવલકથાઓ ને નિબંધો લખે છે. એ જેટલું સરસ લખે
છે એટલું સરસ બોલે પણ છે. એમની લાઇફસ્ટાઇલ જરા વિવાદાસ્પદ છે, પણ એ અલગ મુદ્દો
થયો.
એલિઝાબેથ ગિલ્બર્ટ છેલ્લાં કેટલાંક વર્ષથી એક રુટિન પાળે છે. વર્ષની
શરૂઆત થાય એટલે એક સરસ મજાની કાચની કે પ્લાસ્ટિકની પારદર્શક બરણી લે. પછી રોજ
રાત્રે સુતાં પહેલાં યાદ કરે કે મારી આજની હેપીએસ્ટ મોમેન્ટ કઈ હતી? આજે એવી કઈ
ઘટના બની અથવા તો એવી કઈ પળ આવી જ્યારે મેં સૌથી વધુ આનંદ અનુભવ્યો? બસ, એ ક્ષણને
યાદ કરીને કાગળની નાનકડી ચબરખીમાં તે લખી નાખે ને પેલી પારદર્શક બરણીમાં ચિઠ્ઠી
નાખી દે. બસ આટલું જ. માંડ એકાદ મિનિટનું કામ. લખવા માટે ફેન્સી કાગળની પણ જરૂર
નહીં. છાપાના કે કોઈ બિલનો ખૂણો ફાડીને એની ઉપર પણ લખી શકાય. ધેટ્સ ઇટ.
‘આનાથી કરતાં વધારે સરળ અને કષ્ટ વગરની કોઈ આધ્યાત્મિક પ્રવૃત્તિ મેં
જોઈ નથી,’ એલિઝાબેથ ગિલ્બર્ટ એક જગ્યાએ કહે છે, ‘માત્ર એક જ
મિનિટ ફાળવવાની અને એમાં આખા દિવસમાં તમે જે વાતે ધન્યતા કે કૃતાર્થતા અનુભવી હોય
એની લખીને નોંધ લેવાની. તમને આજે કંઈક ગમ્યું હોય તો એ લખવાનું, હું લકી છું એવી
ફીલિંગ આવી હોય તો એ લખવાનું. બીજું કંઈ ન સૂઝે તો હું હજુ જીવું છું એવું પણ લખી
શકાય.’
હસવાની જરૂર નથી. આપણે હજુ જીવતા છીએ અને આપણા શ્વાસ હજુ ચાલે છે એ
શું નાની ઘટના છે? દુનિયામાં રોજ દોઢથી બે લાખ લોકો મૃત્યુ પામે છે. આ દોઢ-બે લાખમાં
હજુ સુધી આપણો નંબર લાગ્યો નથી એ શું જબરદસ્ત હકીકત નથી? આજે મને અવોર્ડ
મળ્યો કે આજે મારી નવી ફેક્ટરીનું ઉદઘાટન થયું કે આજે મારું નવું પુસ્તક છપાઈને
આવ્યું કે આજે હું બાપ બન્યો – આ પ્રકારની એવી મોટી મોટી ઘટના જ સુખ આપી શકે એવું
કોણે કહ્યું? ત્રીજા માળે રહેતા ખડૂસ અંકલ પહેલી વાર આપણી સામે જોઈને સ્માઇલ કરે,
પાર્કમાં બે નવા માણસો સાથે ઓળખાણ થાય, કોઈ લેખ વાંચીને મજા પડી જાય, ગુડ
મોર્નિંગના રુટિન ફોરવર્ડમાં કોઈ સુવિચાર સોલિડ ગમી જાય, સખત બિઝી દિવસમાં પત્ની
સાથે ફોન પર વાત કરવા માટે દસ મિનિટની મોકળાશ મળે તો આ બધું પણ આનંદનાં કારણ બની
શકે છે. એલિઝાબેથ ગિલ્બર્ટ લખે છેઃ
‘મેં નોંધ્યું છે કે હું ગમે તેવા પીડાદાયી તબક્કામાંથી પસાર થઈ રહી
હોઉં તો પણ દિવસમાં એકાદ-બે હેપી મોમેન્ટ તો આવી જ જતી હોય છે. તમે ઉદાસ કે ગુસ્સે
હો ત્યારે કોઈ મિત્ર તમને સાંત્વનના બે શબ્દ કહે તો એ તમારી હેપી મોમેન્ટ હોઈ શકે
છે. ભરચક બસ કે ટ્રેનમાં તમને બેસવાની જગ્યા મળી જાય તો એ હેપી મોમેન્ટ હોઈ શકે
છે. તમે ટ્રાફિક સિગ્નલ પાસે પહોંચો ને તે સાથે જ ગ્રીન લાઇટ થતાં તમે સડસડાટ
નીકળી જાઓ તો એ હેપી મોમેન્ટ હોઈ શકે છે. ફોન પર કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ તમારી
સાથે વિવેકથી વાત કરે ને તમારો પ્રોબ્લેમ સોલ્વ કરવામાં મદદ કરે તો એ હેપી મોમેન્ટ
હોઈ શકે છે. તમારા કહ્યા વિના કોઈ તમારા હાથમાં ગરમાગરમ ચાનો કપ મૂકી દે તો એ હેપી
મોમેન્ટ હોઈ શકે છે.’
એલિઝાબેથ ગિલ્બર્ટ આગળ કહે છેઃ
‘હેપીનેસ ઇઝ અ કન્સીક્વન્સ ઓફ પર્સનલ એફર્ટ. સુખ અનુભવવા માટે સહેજ
પ્રયત્ન કરવો પડે, સભાન બનવું પડે, જીવનની નાની નાની વાતો પર ધ્યાન આપવું પડે. હેપીનેસની
બરણી એ ઈરાદાપૂર્વક એવા પૂરાવાઓ એકઠા કરવાની પ્રક્રિયા છે, જેનાથી તમને ખાતરી થાય કે
તમે નસીબવાળા છો, તમારા પર ઉપરવાળાના, વડીલોના ને ગુરૂના આશીર્વાદ છે. જરા આંખ
ખોલીને આસપાસ નજર ફેરવો, તમને પૂરાવા દેખાશે જ. આ પુરાવા તોતિંગ હોય તે જરૂરી નથી.
હેપીનેસની બરણીમાં રોજ ચિઠ્ઠી નાખવાનો મારો ઉદ્દેશ દુખ સામે સુરક્ષાકવચ ઊભું
કરવાનું નથી. જીવનમાં દુખ તો હોવાનું જ છે. અત્યારે નહીં હોય તો ભવિષ્યમાં આવવાનું
છે. આ રૂટિન હું એટલા માટે પાળું છું કે જેથી અજબ ચમત્કાર જેવું જે જીવન મને
મળ્યું છે એ બદલ હું જીદપૂર્વક ધન્યતા અને કૃતાર્થતા વ્યક્ત કરી શકું.’
કેટલી સરસ વાત. આ પ્રવૃત્તિને કારણે દિલ-દિમાગમાં એક પ્રકારની
હકારાત્મકતા પેદા થાય છે એ બિલકુલ સમજી શકાય એવું છે. એક વાત તો નિશ્ચિત છે. મન
ઉદાસ હોય ત્યારે હેપીનેસની બરણી ખોલીને એક પછી એક ચિઠ્ઠીઓ વાંચવાનું શરૂ કરીએ તો
વિષાદ ઓછો થવા માંડે એ તો નક્કી. વર્ષો જૂની બરણી ખોલીને ચિઠ્ઠીઓ પર નજર ફેરવતી
વખતે સુખની એ વીતી ગયેલી ક્ષણોમાં નવેસરથી જીવવાની મજા આવે જ આવે. (‘વર્ષના પહેલાં જ
દિવસે દોસ્તારો ‘સિમ્બા’ જોતી વખતે અજય દેવગણની એન્ટ્રી વખતે જોરજોરથી સીટીઓ પાડવાની બહુ મજા
આવી!) હેપીનેસની
બરણી આ અર્થમાં ડાયરીની ગરજ પણ સારે છે.
હેપીનેસની બરણી ભરવા માટે નવા વર્ષની રાહ જોવાની પણ જરૂર નથી. આ
એક્ટિવિટી તો તમે ગમે ત્યારે શરૂ કરી શકો. નવી ફેન્સી બરણી ખરીદવા માટે બજારમાં
કષ્ટ શા માટે લેવાનું? ઘરમાં કોઈ ચા-ખાંડ રાખવાનો જૂનો ડબ્બો પડ્યો હોય તો એ પણ ચાલે. અરે,
પ્લાસ્ટિકની જૂની કોથળી પણ ચાલે. એલિઝાબેથ ગિલ્બર્ટ પાસે આવી હેપીનેસની બરણીઓનું
આખું કલેક્શન છે. એક વર્ષની એક બરણી. એમના ઇજનથી એમના કેટલાય વાચકોએ પણ આ રીતે
હેપીનેસની બરણી ભરવાનું શરૂ કર્યું છે. હેપીનેસની બરણીના આઇડિયામાં દમ તો છે. આ
સાઇકોલોજિકલ-કમ-સ્પિરિચ્યુઅલ થેરાપી જેવી ફીલ-ગુડ એક્ટિવિટીનો અખતરો કરવા જેવો છે. હેપી એક્ટિવિટી. હેપી ન્યુ યર!
0 0 0
No comments:
Post a Comment