દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 30 જાન્યુઆરી 2019
બુધવાર
ટેક ઓફ
ટેક ઓફ
‘ગાંઘીજી હંમેશાં સહનશીલ હિંદુઓને જ કચડતા… કોંગ્રેસે અદભુત નપુંસકતા
દેખાડી અને તે કોઈ સ્થાને હિંદુઓની રક્ષા ન કરી શકી. ગાંધીજી મુસલમાનોનો પક્ષ લેતા
રહ્યા. જે લાખો હિંદુઓ
લૂંટાયા, મરાયા, નષ્ટ થયા, આ ગાંધીજીએ એમને સારુ એક શબ્દ પણ ન કહ્યો.’
બરાબર 71 વર્ષ પહેલાં આજના જ દિવસે, એટલે કે 30 જાન્યુઆરીએ, સાંજે પાંચ વાગીને
17 મિનિટે નાથુરામ વિનાયક ગોડસેએ બંદૂકની ત્રણ ગોળી છોડીને ગાંધીજીને હણી નાખ્યા
હતા.
ગોડસેની દષ્ટિએ ગાંધીજીનો સૌથી મોટો દોષ શો હતો? એ જ કે તેઓ
હંમેશાં મુસલમાનોનો પક્ષ તાણતા ને હિંદુઓને અન્યાય કરતા હતા. ગાંધીજીને હિંદુઓમાં
અનેક દોષ દેખાતા, પણ મુસલમાનોમાં એકેય દોષ દેખાતો નહીં. ગોડસેનો આક્ષેપ હતો કે ગાંધીજી
કહેતા એક અને પછી કરતા કંઈક બીજું જ. ગોડસેએ ગાંધીજીની સત્યનિષ્ઠાને પડકારી હતી. પોતે
કરેલી ગાંધીહત્યાને જસ્ટિફાય કરતું 90 પાનાંનું નિવેદન એણે પછી અદાલતમાં પેશ
કર્યું હતું. ‘મારું જીવન એ જ મારી વાણી’ શીર્ષક હેઠળ ગાંધીજીની અદભુત જીવનચરિત્ર આલેખનાર નારાયણ દેસાઈ ‘જીવ થકી શિવ ગયો’ નામના
પ્રકરણમાં લખે છેઃ
‘ગોડસેના નિવેદનમાં સારા વકતૃત્વની અસરકારકતા હતી તેથી સિમલાની
હાઇકોર્ટમાં જસ્ટિસ ખોસલાએ કહ્યું હતું કે તે દિવસે અદાલતમાં જે દર્શકો હાજર હતા
તેમને જો જ્યૂરી બનાવવામાં આવ્યા હોત તો તેઓ ગોડસેને નિર્દોષ જાહેર કરત!’
બ્રાહ્મણ પરિવારમાં જન્મેલો નાથુરામ ગોડસે અગાઉ રાષ્ટ્રીય સ્વયંસેવક
સંઘ (આરએસએસ)માં હતો. પછી એને છોડીને હિંદુ મહાસભામાં આવી ગયેલો. નારાયણ દેસાઈએ ‘મારું જીવન એ જ
મારી વાણી’માં ગોડસેના નિવેદનમાંથી કેટલાય ફકરા વિસ્તારપૂર્વક ટાંક્યા છે. એના
કેટલાક અંશ પર નજર ફેરવવા જેવી છે. ગોડસે કહે છેઃ
‘એ દિવસોમાં એવી ઘટનાઓ થઈ કે મેં માની લીધું કે સાવરકરજી અને બીજા નેતા
મારી નીતિને ટેકો નહીં આપે... ગાંઘીજી જ્યારે દિલ્હી આવ્યા ત્યારે હરિજન કોલોનીમાં
(ગોડસેએ અહીં હરિજન માટે વપરાતો બે અક્ષરનો અપમાનજનક શબ્દ લખ્યો છે) મંદિરમાં
પ્રાર્થનાસભામાં પૂજારીઓ અને જનતાના વિરોધ છતાંય કુરાનની આયતો વાંચી પણ તેઓ કદી
કોઈ મસ્જિદમાં ગીતા વાંચવા ન પામ્યા. તેઓ હંમેશાં સહનશીલ હિંદુઓને જ કચડતા. મેં
ગાંધીજીના એ વિચારનો નાશ કરવાનું નક્કી કર્યું કે હિંદુ સહનશીલ હોય છે. હું એ
સિદ્ધ કરવા માગતો હતો કે હિંદુનું અપમાન થાય છે ત્યારે તે પણ સહનશીલતા છોડી શકે
છે.
‘...મને અને મારા મિત્રોને સાવરકરજીના (આ) વિચારો સંતોષજનક ન લાગ્યા.
અમે હિંદુ જાતિના હિતમાં સાવરકરજીના નેતૃત્વને છોડવાનું ઠરાવ્યું... મને બધા
પક્ષોની મિશ્ર સરકાર બને એની સામે વિરોધ નહોતો પણ કોંગ્રેસ ગાંધીજીના ઈશારા મુજબ
ચાલતી હતી અને કોઈ બાબત સરકાર એમની ન માને તો તેઓ ઉપવાસ કરવાની ધમકી આપતા. અને
સરકારમાં કોંગ્રેસનો બહુમત તો નક્કી જ હતો અને એ પણ નક્કી હતું કે એ સરકાર
ગાંધીજીની આજ્ઞા મુજબ ચાલશે અને એ બધાને લીધે હિંદુઓ પર અન્યાય થતો રહેવાનો એ
નક્કી જ હતું.
‘અમારી પાસે બે જ કાર્યક્રમો હતા. ગાંધીજીની સભાઓમાં શાંતિપૂર્વક
વિરોધી દેખાવો કરવા અને જેમાં હિંદુ વિરોધી ભાષણો થતાં હોય તે સભાઓ થવા જ ન
દેવી... મને કહેવામાં આવે છે કે મે જં કાંઈ કર્યું છે તે સાવરકરના ઈશારાને લીધે જ
કર્યું છે. આ મારા વ્યક્તિત્ત્વનું, મારા
કાર્યનું અને નિર્ણયશક્તિનું અપમાન છે. વીર સાવરકરને મારા આ કાર્યક્રમની
જરાય જાણ નહોતી કે જેને આધારે મેં ગાંધીનો વધ કર્યો.’
ગોડસેએ પોતાના નિવેદનમાં ગાંધીજી પર જે સીધા આક્ષેપો કર્યા હતા તે
જાણવા જેવા છેઃ
‘...આ મહાત્માના 30 વર્ષના નેતૃત્વમાં એવાં એવાં કાળાં કામો થયાં જેવાં
પહેલાં કદી નહોતાં થયાં. વધુમાં વધુ મંદિરોને અપવિત્ર કીધાં. વધુમાં વધુ લોકોને
મુસલમાન બનાવ્યા અને વધુમાં વધુ સ્ત્રીઓનાં અપમાન થયાં. ગાંધીજી તો શિવાજી,
(મહારાણા) પ્રતાપ અને ગુરુ ગોવિંદસિંહ આગળ કાંઈ નહોતા. તેઓ એ વીરોની નીંદા કરતા એ
એમની મર્યાદાની બહારનું અને અનુચિત કામ હતું.
‘ગાંધી એક હિંસક શાંતિમૂર્તિ હતા, જેમણે સત્ય અને અહિંસાને નામે દેશ પર
ઘોર આપત્તિઓ નોતરી. ગાંધીજીના મનમાં હિંદુ અને મુસલમાન બન્નેનું નેતૃત્વ કરવાની
મહત્ત્વાકાંક્ષા પ્રબળ રૂપમાં હતી. આકાંક્ષા તો સાચી હતી પણ આવી જગ્યાએ કેવું
નેતૃત્વ કરવું જોઈએ એનું એમને જ્ઞાન નહોતું... થોડા સમય બાદ ગાંધીજીએ પોતાનું
ધ્યેય મુસલમાનોને સંતુષ્ટ કરવાનું બનાવી દીધું. જેમ જેમ એમનો પરાજય થતો ગયો તેમ
તેમ તેઓ મુસલમાનો માટે વધુ બલિદાન કરવા તત્પર થતા ગયા. મુસ્લિમ લીગની માંગો તો
ઉચિત હોય કે ન હોય તોયે પૂરી કરતા ગયા.
‘હિંદુ-મુસ્લિમ એકતાને નામે ગાંધીના ખોટા માર્ગદર્શનમાં કોંગ્રેસ
પોતાનું સાચું ધ્યેય ખોઈ બેઠી... ભારત આવ્યા પછી ગાંધીજીએ એવી રીતે કામ કર્યું કે
તેઓ પોતાના નિર્ણયને છેવટનો નિર્ણય માનવા લાગ્યા... એમનો સિદ્ધાંત હતો કે
સત્યાગ્રહી કદી અસફળ થઈ જ ન શકે, પણ સત્યાગ્રહની વ્યાખ્યા એમણે કદી સ્પષ્ટ ન કરી.
‘ગાંધીજીએ ‘શિવબાવની’ જેવી સાહિત્યિક અને ઐતિહાસિક રચના પર પણ પ્રતિબંધ લગાવડાવી દીધો.
(1944માં) ગાંધીજી રોજ ઝીણાને ઘેર જતા હતા અને એમનાં વખાણ કરતા હતા, એમને ભેટતા,
પણ ઝીણા પોતાની પાકિસ્તાનની માગણીથી એક તસુએ ન હઠ્યો... સીધાં પગલાંથી હાનિ કેવળ
હિંદુઓની જ થઈ. કોંગ્રેસે તે વખતે અદભુત નપુંસકતા દેખાડી અને તે કોઈ સ્થાને
હિંદુઓની રક્ષા ન કરી શકી. ગાંધીજી મુસલમાનોનો પક્ષ લેતા રહ્યા. જે લાખો હિંદુઓ
લૂંટાયા, મરાયા, નષ્ટ થયા, આ ગાંધીજીએ એમને સારુ એક શબ્દ પણ ન કહ્યો.
‘ગાંઘીજીને જો પોતાની અહિંસા પર વિશ્વાસ હોત તો તેઓ કાશ્મીરમાં સેનાને
બદલે સત્યાગ્રહી, રાઇફલોને બદલે તકલીઓ અને બંદૂકોને બદલે રેંટિયા મોકલાવત.
‘જ્યારે ઉચ્ચ નેતાઓએ ગાંધીજીની સહમતિથી માતૃભૂમિના ટુકડા કરી નાખ્યા
ત્યારે મારું હૃદય ક્ષોભથી ભરાઈ ગયું... મારે હાથ એટલા સારુ ઉઠાવવો પડ્યો કે પાકિસ્તાન
થયા પછી જે કાંઈ ભયંકર ઘટનાઓ થઈ છે એને સારુ કેવળ ગાંધીજી જ જવાબદાર છે. સરકારે
પંચાવન કરોડ ન આપવાનો નિર્ણય જનતાના પ્રતિનિધિને નાતે કર્યો હતો, પણ ગાંધીજીના
અનશને આ નિર્ણયને બદલી દીધો ત્યારે હું સમજ્યો કે ગાંધીજીની પાકિસ્તાનપરસ્તી આગળ
જનતાના મનનું કોઈ મહત્ત્વ નથી.
‘દેશભક્તિ જો પાપ હોય તો હું કબૂલ કરું છું કે મેં પાપ કર્યું છે. એ જો
પ્રશંસનીય હોય તો હું મારી જાતને પ્રશંસાનો અધિકારી માનું છું. હું એ વાત માનવા
તૈયાર છું કે ગાંધીજીએ દેશ સારું ઘણાં કષ્ટ વેઠ્યાં. એમણે જનતામાં જાગૃતિ પેદા
કરી. એમણે પોતાના સ્વાર્થ ખાતર કશું નથી કર્યું, પણ દુખ એનું છે કે એઓ એટલા
ઇમાનદાર નહોતા કે અહિંસાની હારને સ્વીકારી લે. મેં જે કૃત્ય કર્યું છે તેના નૈતિક
પાસા અંગે મારો આત્મા કદી વિચલિત થયો નથી. મને જરાયે સંદેહ નથી કે ભવિષ્યમાં
ઇતિહાસકારો આ ઇતિહાસને સચ્ચાઈ અને ઇમાનદારીથી લખશે ત્યારે મારાં કાર્યો અને
પરિણામોનું સાચું મૂલ્યાંકન થશે.’
ખેર, પોતાની જાતને સાચી પૂરવાર કરવા નાથુરામ ગોડસેએ પોતાના નિવેદનમાં
જે જૂઠાણાં અને અર્ધસત્યોનો આશરો લીધો હતો એની પોકળતા સમજવા માટે ભાવિ
ઇતિહાસકારોના મૂલ્યાંકનની જરૂર જ નહોતી. નારાયણ દેસાઈ કહે છે તેમ, ગાંધીજીના સમગ્ર
જીવનમાં જ ગોડસેના આક્ષેપોના જવાબ ઠેર ઠેર વેરાયેલા પડ્યા છે. ક્યાં અને શી રીતે? ઉત્તર આવતા
બુધવારે.
0 0 0