પેલું હિન્દીમાં કહે છેને કે, આંખેં તરસ ગઈ થી! શાના માટે? સિદ્ધાર્થ રાંદેરિયાને આ રંગરૂપમાં જોવા માટે. આ રૂપ એટલે સિદ્ધાર્થભાઈનું ગુજ્જુભાઈ સિવાયનું રૂપ. રંગ એટલે હાસ્યરસ સિવાયના રંગ. ગુજ્જુભાઈ સિરીઝનાં નાટકો અને ફિલ્મો જોઈને આપણે સૌએ સોલિડ એન્ટરટેઇનમેન્ટ મેળવ્યું જ છે, સો ટકા કબૂલ, પણ તોય આપણને સતત થતું રહેતું હતું કે આવો આલા દરજ્જાનો અદાકાર ક્યાં સુધી એકસરખા રિપીટિટીવ રોલ્સ કર્યા કરશે. ભૂતકાળમાં તેઓ રંગભૂમિ પર જે અદભુત રેન્જ ઓલરેડી દેખાડી ચુક્યા છે એ હવે ફરી ક્યારેય જોવા નહીં મળે કે શું?
પણ ભલું થજો 'નટસમ્રાટ'નું. સિદ્ધાર્થ રાંદેરિયા હેઝ રિર્ટન્ડ... એન્ડ હાઉ! 'નટસમ્રાટ' એ રીતે સિદ્ધાર્થ રાંદેરિયાનું કમ-બેક વેહિકલ છે. 'રેવા' જોઈને જે સંતોષ અને આનંદની તીવ્ર લાગણી થઈ હતી એક્ઝેક્ટલી એવી જ ફીલિંગ ગઈ રાત્રે 'નટસમ્રાટ' જોયા પછી થઈ રહી છે. આવી ફિલ્મ જોઈએ ત્યારે નક્કર પ્રતીતિ થાય કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સ્લોલી બટ શ્યોરલી મેચ્યોર થઈ રહી છે.
'નટસમ્રાટ'માં શું છે એ તમે જાણો છો, રાઇટ? ન જાણતા હો તો ટૂંકમાં સાંભળી લો કે આ રંગભૂમિના એક નિવૃત્ત સુપરસ્ટાર અદાકારની હૃદયસ્પર્શી કહાણી છે. એક વાતનો ખાસ ખ્યાલ રાખજો. આ ફિલ્મ જોતી વખતે મહેરબાની કરીને મરાઠી 'નટસમ્રાટ' સાથે એની સરખામણી કર-કર ન કર્યા કરતા. સિદ્ધાર્થભાઈનું જ 'અમારી દુનિયા તમારી દુનિયા' નાટક જો જોયું હોત તો એને પણ ટેમ્પરરી ભુલી જજો. આ પ્રકારના સંદર્ભો ગાળીને, એક સ્ટેન્ડ-અલોન ફિલ્મ તરીકે જોજો. વધારે મજા આવશે. સિદ્ધાર્થ રાંદેરિયા રિઅલ લાઇફમાં ગુજરાતી મેઇનસ્ટ્રીમ રંગભૂમિ પર વર્ષોથી સુપરસ્ટારનો દરજ્જો ભોગવી રહ્યા છે. એ રીતે આ પરફેક્ટ કાસ્ટિંગ છે.
માત્ર ટાઇટલ રોલ જ નહીં, મુખ્ય પાત્રોમાં કાસ્ટ થયેલાં તમામ કલાકારો મજાના છે. દીપિકા ચિખલિયા (રામાનંદ સાગરની 'રામાયણ' સિરીયલવાળાં ઓરિજિનલ સીતામાતા) અસરકારક છે. એમણે ચુનંદી પણ સારી ફિલ્મો કરતાં રહેવું જોઈએ. Samvedna Suwalka સામાન્યપણે પોતાના કિરદારને અન્ડરપ્લે કરવાની ટેન્ડન્સી ધરાવતી એક્ટ્રેસ છે, પણ અહીં નટસમ્રાટની દીકરીના રોલમાં એની એનર્જી અને પિચ બન્ને પરફેક્ટ છે. બહોત અચ્છે, સંવેદના. સ્મિત પંડ્યા, સરસ. (રેડિયો સિટી પરથી પ્રસારિત થતા એમના કિશોરકાકા નામના ગુજરાતી શોનો હું જબરો ફેન છું).
- અને Manoj Joshi. ફિલ્મમાં એમનાં દશ્યોની સંખ્યા ઓછી છે, પણ થોડા સ્ક્રીન-ટાઇમમાં પણ તેઓ કેવી અફલાતૂન ઇમ્પેક્ટ છોડે છે! મનોજ જોશી મીઠો અસંતોષ જન્માવી દે છે. આપણને થાય કે અરે યાર, એમના વધારે સીન્સ હોવાં જોઈતા હતાં. આપણે રેસ્ટોરામાં ગુજરાતી થાળી જમવા ગયા હોઈએ અને થાળીમાં આપણી મોસ્ટ ફેવરિટ આઇટમ ગુલાબજાંબુના બે જ પીસ જોઈને વેઇટરને કહીએ કે યાર, પાંચ-સાત જાંબુ એકસાથે મૂકી દે, ને એ જવાબ આપે કે સોરી સાહેબ, લિમિટેડ થાળી છે, આમાં બે જ ગુલાબજાંબુ આવે, ત્યારે આપણને કેવું થાય! બસ, 'નટસમ્રાટ'માં મનોજ જોશી માટે એક્ઝેક્ટલી આવી જ ફીલિંગ આવે છે. મનોજ જોશી 'નટસમ્રાટ'ના ગુલાબજાંબુ છે! રેસ્ટોરામાં તો ખેર, વધારે પૈસા ચુકવીને એકસ્ટ્રા ગુલાબજાંબુ મગાવી શકાય છે, પણ ફિલ્મોમાં હજુ આ પ્રકારની ફેસિલિટી આવી નથી! મનોજ જોશી અને સિદ્ધાર્થ રાંદરિયાનાં સંયુક્ત દશ્યો આ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે. આવા બબ્બે મંજાયેલા કલાકારને એકસાથે સ્ક્રીન પર જોવા ખરેખર એક લહાવો છે.
મારા માટે સરપ્રાઇઝ 'મુંબઈ સમાચાર' અખબારના તંત્રી Nilesh Dave હતા. ફિલ્મમાં એમણે નટસમ્રાટના જમાઈના બોસનો ટચૂકડો રોલ કર્યો છે. સ્ક્રીન પર જામો છો, નીલશભાઈ. ચાલો, ગુજરાતી ફિલ્મોમાં ગુજરાતી લેખકો-પત્રકારો પાસે કેમીઓ કરાવવાનો સરસ ટ્રેન્ડ બની રહ્યો છે. 'બે યાર'માં Jay Vasavada દેખાયા હતા, 'લવની ભવાઈ'માં Bhavin Adhyaru અને હવે 'નટસમ્રાટ'માં નીલેશ દવે. નોટ બેડ!
'નટસમ્રાટ' ઓવરઓલ એક સરસ પેકેજ છે. ટેક્નિકલ પાસાં અપ-ટુ-માર્ક છે. સ્ટીરિયોફોનિક સાઉન્ડમાં Dilip Rawal દિલીપ રાવલ લિખિત ગીતો ગાઈ રહેલા આલાપ દેસાઈનો મીઠો અવાજ કેટલો સરસ ગૂંજે છે. અને - આહા! - ફિલ્મમાં શ્રેયા ઘોષાલે પણ એક ડ્યુએટ ગાયું છે. ફિલ્મમાં ગીત-સંગીતનો બહુ જ સંયમિત ઉપયોગ થયો છે, જે તરત ધ્યાન ખેંચે છે. Sneha Desai, યુ રોક, ઓલવેઝ. ફિલ્મમાં મેલોડ્રામા છે, પણ ક્યાંય ગ્લિસરીનના ફુવારા છૂટતા નથી, ક્યાંય કશુંય ઓવર-ધ-ટોપ નથી, કશુંય બિનજરૂરી નથી. ફિલ્મનો સૂર સતત કરેક્ટ રીતે જળવાયો છે. આનું શ્રેય જયંત ગિલ્ટારના કોન્ફિડન્ટ ડિરેક્શનને મળવું જોઈએ.
'નટસમ્રાટ' જોયા પછી કલ્પના કરવાનું મન થાય છે કે આ ફિલ્મમાં જેમ સિદ્ધાર્થ રાંદેરિયા અને મનોજ જોશી જેવા બે પ્રથમકક્ષ અદાકારોની જુગલબંદી થઈ એ રીતે આવનારા દિવસોમાં પરેશ રાવલ, દર્શન જરીવાલા, હિતેન કુમાર, ધર્મેન્દ્ર ગોહિલ વગેરે જેવા મંજાયેલા સિનિયર કલાકારો તગડા રોલ્સમાં એકસાથે કાસ્ટ થશે અને સામસામા ટકરાશે ત્યારે કેવી મજા આવશે. આપણી પાસે રાષ્ટ્રીય સ્તરે વટથી ઊભા રહી શકે, હિન્દી-બંગાળી-મરાઠી-મલયાલમ-તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક્ટરોની આંખોમાં આંખ મિલાવી શકે એવા દમદાર એક્ટરો છે જ. હંમેશા હતા. એમની ટેલેન્ટને જસ્ટિફાય કરવા માટે ગુજરાતી ફિલ્મ ડિરેક્ટરો અને સ્ક્રીનરાઇટરોએ હવે એમના સ્તર સુધી પહોંચવું પડશે.
'નટસમ્રાટ'ની આખી ટીમ મુંબઇના ગુજરાતી કલાકાર-કસબીઓની છે. ધારો કે મુંબઇની ગુજરાતી ફિલ્મો અને ગુજરાતમાં બનતી ગુજરાતી ફિલ્મો એવા અદશ્ય ભાગલા પડે અને એમની વચ્ચે તંદુરસ્ત કોમ્પિટીશનનો ભાવ જાગે તો એમાં ખોટું શું છે!
'નટસમ્રાટ'નો માઇનસ પોઇન્ટ મારી દષ્ટિએ આ એક જ છે - કંગાળ પ્રમોશન. આટલા સરસ કલાકારો હોય, આટલી સારી ફિલ્મ હોય, 'લગાન' - 'સત્યા' - 'હમ દિલ દે ચુકે સનમ' તેમજ મણિરત્નમની ફિલ્મો સાથે સંકળાયેલા પ્રોડ્યુસર-ડિસ્ટ્રીબ્યુટર જામુ સુગંઘના વારસદારો ઇન્વોલ્વ્ડ હોય છતાંય ફિલ્મ રિલીઝ થતાં પહેલાં એની ખાસ કંઈ હવા ન બને એ કેવું? 'નટસમ્રાટ' ખરેખર તો એક ઇવેન્ટ ફિલ્મ યા તો 'મોસ્ટ અવેઇટેડ ફિલ્મ' તરીકે ધામધૂમથી પેશ થવી જોઈતી હતી. એવું શા માટે બન્યું નથી એ મોટો સવાલ છે. સદભાગ્યે, બોલિવૂડની ફિલ્મોની જેમ ગુજરાતી ફિલ્મો ત્રણ દિવસનો ખેલ હોતી નથી. વર્ડ-ઓફ-માઉથથી 'નટસમ્રાટ' ચાલવી નહીં, દોડવી જોઈએ. 'સૈરાટ' નહોતી આવી ત્યાં સુધી મરાઠી 'નટસમ્રાટ' મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ ગણાતી હતી. આ પ્રકારની સ્થિતિ ગુજરાતી 'નટસમ્રાટ' માટે પણ પેદા થઈ શકે એવું કૌવત આ ફિલ્મમાં છે.
જો તમે સિદ્ધાર્થ રાંદેરિયા અને એમના ગુજ્જુભાઈના ફેન હો તો તમારે 'નટસમ્રાટ' જોવી જોઈએ. મમ્મી-પપ્પા-સાસુ-સસરાને સાથે લઈને જોવી જોઈએ. જો તમને અમિતાભ-હેમા માલિનીવાળી 'બાગબાન' તેમજ રાજેશ ખન્ના-શબાના આઝમીવાળી 'અવતાર' ગમી હશે તો તો 'નટસમ્રાટ' ખૂબ ગમશે. લખી રાખો!
0 0 0
No comments:
Post a Comment