સંદેશ – સંસ્કાર પૂર્તિ
– 12 ઓગસ્ટ 2018
મલ્ટિપ્લેક્સ
‘સેક્રેડ ગેમ્સ’ શોનું ડિરેક્શન કરનાર અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાણેની દોસ્તી બે
દાયકા કરતાંય વધારે જૂની છે. વિક્રમાદિત્ય મજાકમાં કહેતા હોય છે કે મારી લાઇફનો
હીરો, વિલન અને જોકર ત્રણેય એક જ છે – અનુરાગ કશ્યપ!
‘સેક્રેડ
ગેમ્સ’ સિરીઝ નેટફ્લિક્સ પર મૂકાઈ એ વાતને હજુ દોઢ મહિનો પણ
થયો નથી. આટલા ટૂંકા ગાળમાં એ હદે પોપ્યુલર બની ચુકી છે ને એની એટલી બધી ચર્ચા થઈ
રહી છે કે આપણને આશ્ચર્ય થાય. ‘સેક્રેડ ગેમ્સ’ એટલે નેટફ્લિક્સની સૌથી પહેલી ઓરિજિનલ ભારતીય સિરીઝ. ખૂબ બધો મદાર હતો આ
શો પર. ભારતીય ઓડિયન્સની સામે હજુ હમણાં સુધી હિન્દી એન્ટરટેઇન્મેન્ટ માટે સિનેમા,
ટીવી અને યુટ્યુબના થોડા ઘણા કોન્ટેન્ટ સિવાય ઓર કોઈ વિકલ્પ નહોતો. હા, એમેઝોન
પ્રાઇમની ‘ઇનસાઇડ એજ’ તેમજ ‘બ્રિધ’ જેવી સિરીઝ જરૂર લોકપ્રિય બની હતી. એમ તો
હોટસ્ટાર અને અન્ય ડિજિટલ માધ્યમો પર પણ એકાધિક શોઝનું સ્ટ્રીમિંગ થયું જ છે, પણ ‘સેક્રેડ ગેમ્સ’નો ઇમ્પેક્ટ કંઈક જુદા જ લેવલનો છે. બમ્પર
સફળતા મળવાને કારણે આ શો ગેમ-ચેન્જર પૂરવાર થવાનો છે. નેટફ્લિક્સ, એમેઝોન જેવાં સ્ટ્રીમિંગ
મિડીયા પર આંતરરાષ્ટ્રીય કોન્ટેન્ટની સામે વટથી ઊભા રહી શકે એવા તગડા બજેટ તેમજ ઉત્કૃષ્ટ
ગુણવત્તાવાળા ખૂબ બધા ઓરિજિનલ ભારતીય શોઝ આપણે આવનારા સમયમાં માણી શકવાના.
‘સેક્રેડ
ગેમ્સ’ એ મૂળ વિક્રમ ચંદ્રા લિખિત 928 પાનાંની અંગ્રેજી
નવલકથા છે, જે બાર વર્ષ પહેલાં પ્રકાશિત થયેલી. એમાં 1990ના દાયકાના એક બમ્બૈયા
ગેંગસ્ટર ગણેશ ગાયતોંડે (નવાઝુદ્દીન સિદ્દીકી) અને એના કોમ્પ્લીકેટેડ જીવનના
તાણાવાણા ઉકેલવા મથતા પોલીસ ઓફિસર સરતાજ સિહં (સૈફ અલી ખાન)ની કથા છે. અનુરાગ
કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાણેએ સંયુક્તપણે એનું અફલાતૂન ડિરેક્શન કર્યું છે. આ
બન્ને સુપર ટેલેન્ટેડ ફિલ્મમેકરો હિન્દી સિનેમાના બદલાઈ રહેલા મિજાજના તગડા
પ્રતિનિધિ સમાન છે. 46 વર્ષીય અનુરાગ
કશ્યપ વધારે હાઇ પ્રોફાઇલ, સફળ, બોલકા અને વિદ્રોહી છે. એમના કરતાં પાંચેક વર્ષ
નાના વિક્રમાદિત્ય અંતર્મુખ છે. એ ઓછું બોલે, ઓછું એક્સપ્રેસ કરે. અનુરાગ કશ્યપનાં
નામે ‘બ્લેક ફ્રાયડે’, ‘દેવ.ડી’, ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ જેવી કેટલીય ફિલ્મો બોલે છે, જ્યારે વિક્રમાદિત્યે ‘ઉડાન’, ‘લૂટેરા’, ‘ટ્રેપ્ડ’ અને ‘ભાવેશ જોશી’ આ ચાર ફિલ્મો ડિરેક્ટ કરી છે. અનુરાગ
અને વિક્રમાદિત્યે ખુદનાં ફેન્ટમ ફિલ્મ્સ બેનર હેઠળ ખૂબ બધી ફિલ્મો પ્રોડ્યુસ કરી
છે.
Anurag Kshyap (R) and Vikramaditya Motwane |
|
બાપ અને ટીનેજર દીકરા
વચ્ચેના તંગ સંબંધના વિષયવાળી 'ઉડાન' માર્કેટની દૃષ્ટિએ નાની ફિલ્મ હતી, પણ એણે જે અસર ઊભી કરી એ કમાલની હતી. રણવીર
સિંહને તદ્દન જુદા જ રૂપમાં પેશ કરતી ‘લૂટેરા’ ફિલ્મ કલાત્મક જરૂર
હતી, પણ ઘણા લોકોને એ નહોતી ગમી. એક જ ઘરમાં આકાર લેતી ‘ટ્રેપ્ડ’ પણ ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ હતી. વિક્રમાદિત્યની લેટેસ્ટ ‘ભાવેશ જોશી’ જોકે ખરાબ રીતે પિટાઈ ગઈ. ભલું થજો ‘સેક્રેડ ગેમ્સ’નું કે જેના કારણે વિક્રમાદિત્ય ડિરેક્ટર
તરીકે પુનઃ ફોર્મમાં આવી ગયા છે.
વિક્રમાદિત્યનાં મમ્મી
એક ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર માટે પ્રોડક્શન મેનેજર તરીકે કામ કરતાં હતાં. પછી
ટેલિવિઝન શોઝ માટે પ્રોડક્શનની જવાબદારી સંભાળવા લાગ્યાં. વિક્રમાદિત્ય સત્તર-અઢાર વર્ષના હતા ત્યારથી મમ્મીના સેટ પર
જતા. એને નાનાં-મોટાં કામમાં મદદ કરતા, થોડુંક પોકેટમની કમાઈ લેતા. પછી 'હમ દિલ દે ચૂકે સનમ' અને 'દેવદાસ'ના મેકિંગ દરમિયાન સંજય ભણસાલીનો આસિસ્ટન્ટ
ડિરેક્ટર બન્યા. વિક્રમાદિત્ય આજની તારીખે પણ સ્વીકારે છે કે એની પાસે સિનેમાનું જે કંઈ જ્ઞાન છે
તે સંજયસરને કારણે છે. વિક્રમાદિત્ય અને અનુરાગની સૌથી પહેલી મુલાકાત ઓસ્કર
નોમિનેટેડ ફિલ્મ ‘વોટર’ (2005)ના સેટ પર થઈ હતી. દીપા મહેતા આ ફિલ્મનાં ડિરેક્ટર હતાં, અનુરાગે ડાયલોગ્સ લખ્યા હતા અને વિક્રમાદિત્યે કોરિયોગ્રાફી કરી હતી.
સંજય ભણસાલી કરતાં
અનુરાગની સેન્સિબિલિટી સાવ અલગ. અનુરાગની સૌથી પહેલી 'પાંચ' નામની અન-રિલીઝ્ડ ફિલ્મના મેકિંગ દરમિયાન
વિક્રમાદિત્યે એમની સાથે કામ કર્યું હતું. 'ઉડાન'ની સ્ક્રિપ્ટ વિક્રમાદિત્યે આ વર્ષોમાં લખી નાખી હતી. અનુરાગ સ્વયં તે
અરસામાં લગભગ સ્ટ્રગલર હતા. તેઓ વિક્રમાદિત્યને કહ્યા કરતા કે જો હું પ્રોડયુસર હોત તો તારી આ
ફિલ્મ હું જ પ્રોડયુસ કરત. એવું જ થયું. અનુરાગ જરા પાવરફુલ પોઝિશનમાં આવ્યા ને
એમણે 'ઉડાન' પ્રોડયુસ કરી.
‘સેક્રેડ
ગેમ્સ’ની સફળતાનો જશ વિક્રમાદિત્યને વધારે મળવો જોઈએ, કેમ કે
એણે ડિરેક્શન ઉપરાંત બીજી ઘણી બધી જવાબદારીઓ એમણે ઉપાડી હતી. સિરીઝનાં નવાઝવાળાં
દશ્યો અનુરાગે શૂટ કર્યાં છે, જ્યારે સૈફવાળા ટ્રેકનું શૂટિંગ વિક્રમાદિત્યે કર્યું
છે. આઠ એપિસોડમાં ફેલાયેલી આ ફર્સ્ટ સિઝનના કુલ કોન્ટેન્ટમાં અનુરાગ કરતાં
વિક્રમાદિત્યે શૂટ કરેલો હિસ્સો મોટો છે.
અનુરાગ અને
વિક્રમાદિત્ય વચ્ચેનું ક્રિયેટિવ સમીકરણ ભારે ઇન્ટરેસ્ટિંગ છે. બન્નેની દોસ્તી બે
દાયકા કરતાં વધારે અંતરાલમાં ફેલાયેલી છે. વિક્રમાદિત્ય મજાકમાં કહેતા હોય છે કે
મારી લાઇફનો હીરો, વિલન અને જોકર ત્રણેય એક જ છે – અનુરાગ કશ્યપ! એક ઇન્ટરવ્યુમાં વિક્રમાદિત્યે
કહેલું કે, ‘હું અને અનુરાગ ‘સેક્રેડ
ગેમ્સ’ના કો-ડિરેક્ટર્સ ખરા, પણ એ શૂટિંગ કરતો હોય ત્યારે
હું સેટ પર ન જાઉં ને હું શૂટિંગ કરતો હોઉં ત્યારે એ સેટ પર પગ ન મૂકે. અમારી કામ
કરવાની શૈલી અને અપ્રોચ એકબીજા કરતાં એટલી હદે અલગ છે કે ધારો કે સેટ પર અમે
ભુલેચુકેય ભેગા થઈ જઈએ તો ખૂન-ખરાબા થઈ જાય!’
અનુરાગ માને છે કે
ક્રિયેટિવિટી ક્યારેય સંયુક્ત ન હોય, એ વ્યક્તિગત જ હોઈ શકે. ‘ગેંગ્સ ઓફ વાસેપુર’નું ડિરેક્શન અનુરાગે કર્યું, પણ એડિટિંગ ટેબલ પર એડિટરની સાથે
વિક્રમાદિત્ય બેઠા. અનુરાગ તો શૂટિંગ પતાવીને વિદેશ જતા રહેલા, કારણ કે જો બન્ને
પોસ્ટ-પ્રોડક્શન સંભાળવા બેઠા હોત તો એટલા ઝઘડા થયા હોત કે એમણે એકબીજાનાં મર્ડર
કરી નાખ્યાં હોત. આવું ખુદ અનુરાગનું કહેવું છે!
ખેર, હવે સૌને ‘સેક્રેડ ગેમ્સ’ની બીજી સિઝનની પ્રતિક્ષા છે. સંભવતઃ નવી સિઝનમાં કોઈ ત્રીજા ડિરેક્ટર
સંકળાશે. હજુ સુધી આ સિરીઝ જોઈ ન હોય તો જોઈ કાઢજો. હાઇલી રિકમન્ડેડ!
No comments:
Post a Comment