સંદેશ - અર્ધ
સાપ્તાહિક પૂર્તિ - 25 જુલાઈ 2018
ટેક ઓફ
ટીમ-વર્કમાં માનતો ન હોય એવો માણસ ગમે એટલો બ્રિલિયન્ટ હોય તો પણ નકામો પૂરવાર
થઈ શકે છે. બ્રિલિયન્ટ હોવું એટલે માત્ર પોતાના કામમાં હોશિયાર હોવું એમ નહીં. નેટફ્લિક્સ કંપનીનું કોર્પોરેટ કલ્ચર કહે છે કે તમે સુપર ટેલેન્ટેડ હો અને સાથે સાથે તમારામાં સૌની
સાથે શાલીનતાભર્યો વ્યવહાર કરવાની ક્ષમતા હોય તો જ તમે સાચા અર્થમાં બ્રિલિયન્ટ છો!
નેટફ્લિક્સે
મનોરંજનની દુનિયાનાં સમીકરણો સખળડખળ કરી નાખ્યાં છે એ આજે સૌએ નછૂટકે સ્વીકારવું
પડે એવું સત્ય છે. નેટફ્લિક્સ એટલે મનોરંજનનો ઓનલાઇન ખજાનો. તમે અમુક રકમ ભરીને એના મેમ્બર થઈ જાઓ એટલે
દુનિયાભરની (ખાસ કરીને અંગ્રેજી) ફિલ્મો, ટીવી શોઝ, નેટફ્લિક્સના
ખુદના ઓરિજિનલ શોઝ, ડોક્યુમેન્ટરી વગેરે તમારા કમ્પ્યુટર કે મોબાઇલ પર ગમે ત્યારે જોઈ
શકો. નેટફ્લિક્સની શરૂઆત એક સીધીસાદી ડીવીડી લાઇબ્રેરી તરીકે થઈ હતી, પણ માત્ર વીસ જ
વર્ષમાં એણે જે રીતે પ્રગતિ કરી છે તે જોઈને દુનિયા દંગ થઈ ગઈ છે. આજની તારીખે
દુનિયામાં નેટફ્લિક્સના સાડાબાર કરોડ સબસ્ક્રાઇબર્સ છે. એની સ્ટોક-માર્કેટ વેલ્યુ
લગભગ 165 બિલિયન ડોલર (આશરે 11,390 અબજ રૂપિયા) જેટલી અંકાય છે. ડિઝની સ્ટુડિયો
કરતાં પણ નેટફ્લિક્સનું આર્થિક કદ મોટું થઈ ગયું છે. ઓરિજિનલ શોઝ બનાવવા માટેનું
નેટફ્લિક્સનું 2018નું બજેટ કેટલું છે? 7 બિલિયન ડોલર એટલે કે લગભગ 482 અબજ
રૂપિયા, ફક્ત. ફિલ્મી અવોર્ડ્ઝની દુનિયામાં જેમ ઓસ્કરનું નામ સૌથી મોટું છે એમ
ટીવી ઇન્ડસ્ટ્રીમાં એમી અવોર્ડ્ઝ સૌથી પ્રતિષ્ઠિત ગણાય છે. છેલ્લાં 17 વર્ષથી સૌથી
વધારે એમી નોમિનેશન્સ એચબીઓ તાણી જતું હતું. આ રેકોર્ડ નેટફ્લિક્સે 2018માં તોડ્યો છે. આ વખતે એમીની જુદી જુદી કેટેગરીમાં એચબીઓને કુલ 108 નોમિનેશન્સ
મળ્યાં, જ્યારે નેટફ્લિક્સના નામે 112 નોમિનેશન્સ નોંધાયાં. મનોરંજનની ક્વોલિટીના
સ્તરે પણ નેટફ્લિક્સે (અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સે) એવી ધાક ઊભી કરી છે કે
ફિલ્મી દુનિયાએ પણ પોતાની ગુણવત્તા સુધારવા માટે કમર કસવી પડી છે.
શું છે નેટફ્લિક્સની પ્રચંડ સફળતાનું રહસ્ય? આ કંપની શી રીતે કામ કરે છે? અન્ય કંપનીઓ કરતાં તે શી રીતે જુદી પડે છે? આ સવાલના જવાબ નેટફ્લિક્સે ખુદ દુનિયા સાથે
શેર કર્યા છે. નેટફ્લિક્સના મેનેજમેન્ટે બંધ બારણે નહીં, પણ પોતાના કર્મચારીઓ સાથે મુક્તપણે સતત
ચર્ચા કરતા રહીને કંપનીના કલ્ચર તેમજ પોલિસી વિશે સવાસો પાનાનો દસ્તાવેજ તૈયાર
કર્યો છે. ‘નેટફ્લિક્સ
કલ્ચર ડેક’ નામનું આ પાવરપોઇન્ટ
પ્રેઝન્ટેશન 2009થી ઓનલાઇન ઉપલબ્ધ છે. એમાં સમયાંતરે સુધારાવધારા થતા રહે છે. અત્યાર
સુધીમાં કરોડો લોકો આ પ્રેઝન્ટેશન વાંચી ચુક્યા છે.
નેટફ્લિક્સનું હેડક્વાર્ટર ભલે અમેરિકામાં ગૂગલ, ફેસબુક, યાહૂ અને બીજા
સંખ્યાબંધ સ્ટાર્ટ-અપની ઓફિસોની બાજુમાં ઊભું હોય, પણ તે ટિપિકલ સિલિકોન વેલીની
કંપની નથી. ટેકનોલોજી ક્ષેત્રની જાયન્ટ કંપનીઓ કરતાં નેટફ્લિક્સનું કલ્ચર ઘણું અલગ
છે. નેટફ્લિક્સના પેલા કલ્ચર ડોક્યુમેન્ટમાં કહેવાયું છે કે ઓફિસમાં ફાઇવસ્ટાર કાફેટેરિયા હોય, અફલાતૂન
જિમ હોય, વારેતહેવારે પાર્ટીઓ થયા કરતી હોય - અમારા માટે ઉત્તમ વર્કપ્લેસની
સંકલ્પના આ નથી. અમારા માટે ઉત્તમ વર્કપ્લેસ એટલે જબરદસ્ત મહત્ત્વાકાંક્ષી અને
સુપર ટેલેન્ટેડ લોકોની ડ્રીમટીમ જે એક કોમન ધ્યેય માટે કામ કરતી હોય! નેટફ્લિક્સ કંપનીમાં હાલ લગભગ સાડાપાંચ હજાર લોકો કામ કરે છે, જેમાંના છસ્સોએક ટેમ્પરરી છે, બાકીના ફુલટાઇમ કર્મચારી છે.
Netflix headquarters, USA |
નેટફ્લિક્સની ખાસ કરીને ફ્રીડમ એન્ડ રિસ્પોન્સિબિલિટી પોલિસીની ભારે
પ્રશંસા થઈ છે. જો તમે નેટફ્લિક્સના પગારદાર હો તો ગમે ત્યારે, ગમે એટલા દિવસનું,
ગમે એટલી વાર વેકેશન લઈ શકો છો. તે પણ પેઇડ લીવ! તમે ખુદ નક્કી કરો કે તમારે કેટલા દિવસ, અઠવાડિયાં કે મહિના ઓફિસમાં ગેરહાજર રહેવું
છે. બસ, તમારા વગર કામ અટકી ન પડે એનું ધ્યાન રાખવાનું અને અફ કોર્સ, તમે ફરી ઓફિસ જોઈન કરો પછી જરૂર પડે ત્યારે વધારે કલાકો સુધી કામ કરવા માટે
પણ તૈયાર રહેવાનું. નેટફ્લિક્સમાં કર્મચારીઓને પસર્નલ ટાઇમ અને પ્રોફેશનલ ટાઇમની
તંદુરસ્ત સેળભેળ કરવા માટે પ્રોત્સાહન અપાય છે. બપોરે એક વાગે તમારી દીકરીની
સ્કૂલમાં પેરેન્ટ-ટીચર અસોસિએશનની મિટીંગ ગોઠવાઈ છે? કશો વાંધો નહીં. તમે એ મિટીંગ અટેન્ડ કર્યા
પછી ત્રણ વાગે ઓફિસે આવો. આજે તમારા દીકરાની ઇન્ટર-સ્કૂલ ટેબલટેનિસ મેચ છે? ફાઇન, તો આજે ઓફિસેથી વહેલા નીકળી જવાનું પણ દીકરાની
મેચ મિસ નહીં કરવાની.
નેટફ્લિક્સના કર્મચારીના ઘરે પારણું બંધાય ત્યારે મહિલા કર્મચારીને પેઇડ
મેટર્નિટી લીવ અને પુરુષ કર્મચારીને પેઇડ પેટર્નિટી લીવ મળે છે. આ લીવ કેટલાં
અઠવાડિયાં કે મહિનાની હોવી જોઈએ તે તમે ખુદ નક્કી કરો. તમે ઓફિસ આવો કે ન આવો, બચ્ચું એક વર્ષનું થઈ જાય ત્યાં સુધી કંપની
તમારા બેન્ક અકાઉન્ટમાં પૂરો પગાર જમા કરતી રહેશે!
સાધારણ કંપનીઓની વાત કરીએ તો, કોઈ કર્મચારી ઓફિસના કામે બહારગામ જાય ત્યારે
સામાન્યપણે એને ખાવા-પીવાનું અને હોટલમાં રહેવાનું એલાઉન્સ એટલે કે ભથ્થું મળતું
હોય છે. કર્મચારીએ પછી જરૂરી બિલ કે વાઉચર ઓફિસમાં સબમિટ કરી દેવાનાં. નેટફ્લિક્સે
આ આખી સિસ્ટમ જ કાઢી નાખી. તમે નેટફ્લિક્સના કર્મચારી તરીકે ટૂર પર હો ત્યારે
રહેવા-ખાવા-પીવા-ફરવા પાછળ ગમે એટલો ખર્ચ કરો, ઓફિસને તેનો હિસાબ આપવાની જરૂર નથી! કંપની તમને એક પણ સવાલ પૂછ્યા વગર તમારા
તમામ ખર્ચ ઉઠાવશે. નેટફ્લિક્સનો અનુભવ કહે છે કે કર્મચારી પર જ્યારે તમે આટલી હદે
વિશ્વાસ મૂકો છો ત્યારે એ ખુદ સમજીને મેનેજમેન્ટે ધાર્યો હોય એના કરતાં ઘણો ઓછો
ખર્ચ કરે છે.
આપણે ઘણી વાર એવા કર્મચારીને જોતા હોઈએ છીએ જે ખૂબ બુદ્ધિશાળી અને કામમાં
અત્યંત હોશિયાર હોય, પણ સ્વભાવે તૂંડમિજાજી હોય, ઓફિસમાં બધાની સાથે બાખડ્યા કરતા
હોય, ટીમની સાથે રહેવાને બદલે પોતાનો જ સૂર આલાપતા હોય. નેટફ્લિક્સને આવા લોકોને
હાયર કરવામાં કે ટકાવી રાખવામાં જરાય રસ નથી. નેટફ્લિક્સ માને છે કે અમારી
ડ્રીમટીમમાં આ ટાઇપના ‘બ્રિલિયન્ટ’ લોકો માટે કોઈ જગ્યા નથી. ટીમ-વર્કમાં માનતો ન હોય એવો માણસ ગમે એટલો બાહોશ
હોય તો પણ નકામો છે. બ્રિલિયન્ટ હોવું એટલે માત્ર પોતાના કામમાં હોશિયાર હોવું એમ
નહીં. તમે સુપર ટેલેન્ટેડ હો અને સાથે સાથે તમારામાં સૌની સાથે શાલીનતાભર્યો
વ્યવહાર કરવાની ક્ષમતા હોય તો જ તમે સાચા અર્થમાં બ્રિલિયન્ટ છો!
નેટફ્લિક્સનું પગારધોરણ ખૂબ ઊંચું છે. ટોપ-પર્ફોર્મિંગ કર્મચારીને કેટલો
પગાર મળવો જોઈએ? આ બાબતમાં મેનેજમેન્ટનો
રવૈયો બહુ સ્પષ્ટ છે. (1) એને બીજી કોઈ પણ કંપની ન આપે એટલો સારો પગાર આપો, (2) ધારો કે એ રાજીનામું આપીને જતો રહે અને એની જગ્યા ભરવા માટે બીજો કોઈ
કાબેલ માણસને રાખવો પડે તો એને જેટલો પગાર તમે આપવાના હો એટલો પગાર આ માણસને
અત્યારે જ આપો અને (3) પગાર એટલો મસ્તમજાનો હોવો જોઈએ કે એને નેટફ્લિક્સમાં
રાજીનામું આપીને હરીફ કંપનીમાં જવાનો વિચાર જ ન આવે! મેનેજમેન્ટ જુદી જુદી ટીમ સંભાળતા પોતાના મેનેજરોને સતત એ વાતે ટકોર કરતું
રહે છે કે તમે ફક્ત બેસ્ટ લોકોને જ રાખો. બાકીનાઓને રજા આપી દો. જે કર્મચારી
નેટફ્લિક્સનાં ધારાધોરણ પર ખરો ન ઉતરે એને વિના વિલંબે, પૂરેપૂરી ગરિમા જાળવીને અને તગડું બોનસ
આપીને છૂટા કરવામાં આવે છે.
સામાન્યપણે ઓફિસની મિટીંગોમાં સિનિયર માણસો સુષ્ઠુ સુષ્ઠુ ભાષામાં ‘આ તો આપણો
પરિવાર છે, આપણે સૌએ
પરિવારની માફક કામ કરવાનું છે’ એવું કહેતા
રહેતા હોય છે, પણ
નેટફ્લિક્સના ડોક્યુમેન્ટમાં પ્રામાણિકતાપૂર્વક લખાયું છે કે આપણે એક ટીમની જેમ
કામ કરવાનું છે, પરિવારની જેમ
નહીં. પરિવારમાં સંતાન કે ભાઈ-બહેન કે ઇવન મા-બાપ ગમે એટલાં નઠારાં હોય તો પણ
પ્રેમવશ કે લોહીના સંબંધવશ એમને નભાવી લેવાતાં હોય છે. નેટફ્લિક્સ એક પ્રોફેશનલ
પ્લેસ છે અને તેની ડ્રીમટીમમાં નબળા પ્લેયરને નભાવી લેવાનો નથી, એને ટીમમાંથી બહાર કરી નાખવાનો છે. ડ્રીમટીમમાં સૌએ બેસ્ટ ટીમમેટ બનવાની
ભરપૂર કોશિશ કરવાની છે, ખબર હોય કે આ
ટીમ કંઈ જિંદગીભર સાથે રહેવાની નથી તો પણ પોતાના સાથીઓની ભરપૂર કાળજી લેવાની છે.
બીજી ઘણી સરસ વાતો છે નેટફ્લિક્સના કલ્ચર ડોક્યુમેન્ટમાં. ઝપાટાભેર વંચાઈ
જાય એવું આ પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન આખેખઆખું વાંચવા જેવું છે. ડોક્યુમેન્ટનો અંત
એક સુંદર ફ્રેન્ચ કાવ્યપંક્તિથી કરવામાં આવ્યો છે, જેનો અર્થ થાય છે -
જો તમારે વહાણ બનાવવું હોય તો લોકોને ભેગા કરીને એમની પાસે લાકડાં કપાવવાની, કામનું વિભાજન કરવાની કે આદેશો આપવાની
ઉતાવળ ન કરો. એના બદલે સૌથી પહેલાં તો એમનામાં વિરાટ, અંતહીન સમુદ્ર પ્રત્યે પારાવાર જિજ્ઞાસા
પેદા કરો!
shishir.ramavat@gmail.com
No comments:
Post a Comment