Monday, May 8, 2017

વારતા રે વારતા

ચિત્રલેખા - મે ૨૦૧૭

 વાંચવા જેવું 

 ‘જગતના મોટા વાર્તાકારોએ કશુંક કહેવા માટે થઈને જ વાર્તાકલાનો માર્ગ લીધો દેખાય છે. આવા સર્જકે માત્ર લીલા-વિહાર માટે કે પ્રયોગલીલા દેખાડવા સારુ લખતા નથી, એમને તો રસ છે માનવમનની વાત ચીંધવામાં અને આ પૃથ્વીલોકમાં માણસની નિયતિને ઓળખવાવવા-ઓળખવા માટે મથવામાં. ટૂંકી વાર્તા આવું મંથન છે - એનું લેખન એક પડકાર. ગુજરાતીની અનેક વાર્તાઓ આ માર્ગે ચાલી છે એમ નોંધતા આનંદ થાય છે.'



વલિકા અથવા ટૂંકી વાર્તા ભારતીય નહીં, પણ મૂળ પાશ્ર્ચાત્ય સાહિત્યપ્રકાર છે એ સત્ય આમ વાચકને નવાઈ પમાડે છે. એનું સ્પષ્ટ કારણ એ છે કે આ સાહિત્યપ્રકાર ભારતીય ભાષાઓએ એટલી હદે આત્મસાત કરી લીધો છે કે એનાં મૂળિયાં આપણી નહીં, અન્ય ભૂમિમાં દટાયેલાં છે એ સ્વીકારવામાં મન આનાકાની કરે છે! જોકે મજાનું સત્ય એે છે કે આપણી ભાષામાં ઉત્તમોત્તમ કક્ષાની નવલિકાઓનું સર્જન થયું છે, થતું રહ્યું છે. આજે જે પુસ્તકની વાત કરવી છે એમાં સંપાદકબેલડીએ વિશ્ર્વના તખ્તા પર ગર્વભેર ઊભી રહી શકે એવી ગુજરાતી વાર્તાઓને કાળજીપૂર્વક અલગ તારવી છે.  

 ટૂંકી વાર્તા પર વિશ્ર્વકક્ષાએ અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મન, રશિયા અને જપાનનું આધિપત્ય શા માટે રહ્યું તે સમજાવતા સંપાદક મોહન પરમાર પ્રસ્તાવના રુપે મુકાયેલા એમના અભ્યાસપૂર્ણ લેખમાં કહે છે કે આ દેશો આંતરિક સંઘર્ષો પણ ખૂબ વેઠ્યા છે અને ભયાનક વિશ્ર્વયુદ્ધોમાં સંડોવાયા છે. આ દેશોની જાગૃત પ્રજાએ અન્યાય સહ્યા, આ અન્યાયની પ્રતિક્રિયા રુપે ક્રાંતિ જન્મી અને આ આખી ગતિવિધિઓમાં એમની પ્રજાઓનું મનોબળ મજબૂત થતું રહ્યું. એમણે દરેક સ્તરે વિકાસ કર્યો. ઔદ્યોગિક વિકાસમાં સાંસ્કૃતિક માધ્યમો ભળ્યાં. આ દેશોએ વિકસાવેલી ટેકનોલોજી વગર અલ્પવિકસિત દેશોને ચાલે તેમ નહોતું. સાહિત્યના ક્ષેત્રે પણ એવું જ બન્યું. ઉપર નોંધ્યા એ દેશોમાં ઊભા થયેલા સાહિત્યિક વાદને અનુસરવાનું આપણને હંમેશાં ગમ્યું છે.
 
 ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ માંડ સો વર્ષ જુનો છે. ૧૯૧૮માં મલયાનિલે લખેલી ‘ગોવાલણી’ને પ્રથમ ઓફિશિયલ ગુજરાતી નવલિકા તરીકે સ્વીકારવામાં આવી છે. જેમ વિદેશી સાહિત્યમાં યુદ્ધ, ક્રાંતિ, આંતરિક સંઘર્ષ વગેરે વાર્તાના વિષયવસ્તુ બન્યાં તે રીતે આપણે ત્યાં પણ અંગ્રેજો સામેની જેહાદ, ગાંધીજીના આદર્શો વગેરે સંવેદનોરુપે નવલિકામાં કંડારાવા લાગ્યા. ઘૂમકેતુ, રા.વિ. પાઠક, મેઘાણી, ઉમાશંકર જોશી, સુંદરમ, ચુનીલાલ મડિયા, પન્નાલાલ પટેલ વગેરે પહેલા તબક્કાના વાર્તાકારો વિશ્ર્વકક્ષાની વાર્તાઓ આપી શક્યા. મોહન પરમાર નોંધે છે કે જેને આપણે પરંપરિત વાર્તા કહીએ છીએ એને બીજા અર્થમાં અર્વાચીન વાર્તા પણ કહી શકાય.

 ગુજરાતી ટૂંકી વાર્તાની ચર્ચા સુરેશ જોષી વગર થઈ શકતી નથી. એમણે ઘટનાઓનો છેદ ઉડાડીને પાત્રના મનમાં જાગતા તરંગોને વાર્તાના કેન્દ્રમાં લાવવાના પ્રયોગો કર્યા. સુરેશ જોષીના ઉદય પછી જે વાર્તાકારોએ લખવાનું શરુ કર્યું એમાં ચંદ્રકાન્ત બક્ષી, રઘુવીર ચૌધરી, મોહમ્મદ માંકડ, જ્યોતિષ જાની, મધુ રાય, રાધેશ્યામ શર્મા, મોહમ્મદ માંકડ અને અન્યો પ્રસ્થાપિત થયા. ઘટનાઓને અવગણ્યા વગર અદભુત વાર્તાઓ લખનારાઓમાં બક્ષી અગ્રગણ્ય રહ્યા.

 પુસ્તકમાં ધૂમકેતુની ‘વિનિપાત’ વાર્તાથી યાત્રાની શરુઆત થાય છે.  રા. વિ. પાઠકની ‘ખેમી’ છે, તો ઝવેરચંદ મેઘાણીની ‘વહુ અને ઘોડો’માં ગામનું ઊંચું ખોરડું ગણાતા શ્રીમંત પરિવારમાં પુત્રવધૂ બનીને ગયેલી મુગ્ધ નાયિકાના કાંપી ઉઠાય એવા ભ્રમનિરસનની વાત છે. સુન્દરમની ‘માજા વેલાનું મૃત્યુ’ અને ઉમાશંકર જોશીની ‘મારી ચંપાનો વર’ જેવી ક્લાસિક વાર્તાઓ અહીં સ્થાન પામી છે. ઈશ્ર્વર પેટલીકરની ‘લોહીની સગાઈ’માં પાગલખાનામાં દાખલ કરવામાં આવતી ગાંડી મંગુ અને આખરે એમની નાતમાં વટલાઈ જતાં અમરતકાકીની કહાણી છે, જે અનેક વાર વાંચી હોવા છતાં દર વખતે આંખમાંથી આંસુ ખેંચી લાવે છે. ‘કમાઉ દીકરો’ (ચુનીલાલ મડિયા), ‘આ ઘર પેલે ઘર’ (જયંતિ દલાલ), ‘માટીનો ઘડો’ (જયંત ખત્રી), ‘થીગડું’ (સુરેશ હ. જોશી)... બક્ષીની ‘એક સાંજની મુલાકાત’ પરથી સ્તરીય ફિલ્મમેકર તિગ્માંશુ ધુલિયાએ એક હિન્દી ટીવી સિરીઝ માટે એક કલાકનો એપિસોડ ડિરેક્ટ કરેલો જે વાર્તા જેવો જ અફલાતૂન હતો.

 મણિલાલ હ. પટેલે એમના અભ્યાસપૂર્ણ લેખમાં લખ્યું છે:

 ‘જગતના મોટા વાર્તાકારોએ કશુંક કહેવા માટે થઈને જ વાર્તાકલાનો માર્ગ લીધો દેખાય છે. આવા સર્જકે માત્ર લીલા-વિહાર માટે કે પ્રયોગલીલા દેખાડવા સારુ લખતા નથી, એમને તો રસ છે માનવમનની વાત ચીંધવામાં અને આ પૃથ્વીલોકમાં માણસની નિયતિને ઓળખવાવવા-ઓળખવા માટે મથવામાં. ટૂંકી વાર્તા આવું મંથન છે - એનું લેખન એક પડકાર. ગુજરાતીની અનેક વાર્તાઓ આ માર્ગે ચાલી છે એમ નોંધતા આનંદ થાય છે.... વિશ્ર્વની ઉત્તમ વાર્તાઓ વાંચતા ખ્યાલ આવે છે કે ઘણા બધા મોટા વાર્તાકારો વાતાવરણનો પ્રભાવક ઉપયોગ કરે છે. કેટલાક મનોસંચલનોને ગૂંથે છે, કેટલાક વળી ફેન્ટસીનો તો ઘણાખરા પ્રતીકોનો સરસ વિનિયોગ કરે છે. ઘણાને આસપાસના વાસ્તવને આલેખન દ્વારા કથાબીજને ઉજાગર કરવાનો કે વિકસાવવનો કસબ હાથ લાગેલો છે. કોઈ કોઈ અંતની સચોટતા કે ચમત્કૃતિથી વાર્તાને પુન: વાચકના મનમાં ઝળહળાવે છે. કેટલાક વળી સ્વાભાવિક રીતે તનાવને વિકસાવે છે... ગુજરાતી વાર્તાનું વિશ્ર્વ પણ આવી અનેક ગતિવિધિઓ દાખવતું આવ્યું છે.’


 આપણા પ્રિય લેખકોના આ વાર્તામેળામાં મહાલવાની મજા જ કંઈ ઓર છે. મધુ રાય ‘સરલ અને શમ્પા’માં જબરા ખીલ્યા છે, તો સરોજ પાઠકે ‘ન કૌંસમાં ન કૌંસની બહાર’માં ભૂતપૂર્વ પ્રેમીની આગમનને લીધે ઘાંઘી થયેલી પરિણીત નાયિકાના મનોભાવો અસરકારક રીતે ઝીલ્યા છે. ‘અધરી અઘરી’ વાર્તાઓ લખવા માટે જાણીતા કિશોદ જાદવની ‘સરકસના કૂવામાં કાગડાઓ’ કૃતિ અહીં પસંદ થઈ છે. રાવજી પટેલ આપણને કવિ તરીકે ખૂબ વહાલા છે, પણ અહીં એ વાર્તાકાર (‘સગી’) તરીકે સ્થાન પામ્યા છે. હિમાંશી શેલતની કથાઓ એના લાઘવ માટે શા માટે વિશેષ જાણીતી છે અને એનો ઉત્તમ નમૂનો એટલે ‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’. નવલિકાઓની સફર આખરે છવ્વીસમી કથા ‘મજૂસ’ (શિરીષ પંચાલ) પર પૂર્ણવિરામ નહીં, પણ એક અલ્પવિરામ બનીને અટકે છે.

 ઉત્તમ ગુજરાતી વાર્તાઓનાં સંપાદનો સમયાંતરે તૈયાર થતાં રહે છે. સંપાદકોના પ્રલંબ અભ્યાસલેખોને કારણે આ ઉત્તમ સંપાદન ઓર સુંદર બન્યું છે. વાર્તારસિયાઓને જલસો કરાવે એવું મજાનું પુસ્તક.

0 0 0

વિશ્ર્વકક્ષાની ગુજરાતી વાર્તાઓ       
સંપાદક: મોહન પરમાર, મણિલાલ હ. પટેલ 
પ્રકાશન: આર.આર. શેઠ એન્ડ કંપની 
 પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ અને ખાનપુર, અમદાવાદ 
 ફોન: (૦૨૨) ૨૨૦૧૩૪૪૧, (૦૭૯) ૨૫૫૦૬૫૭૩
 કિંમત:  Rs. ૨૫૦ /
  પૃષ્ઠ: ૨૭૬
 0 0 0
 





 ’

No comments:

Post a Comment