Sandesh - Ardh Saptahik purti - 15 & 22 April 2017
ટેક ઓફ
એવી કઈ બાબતો છે જેને લીધે તમારું લગ્નજીવન સુખી રહી શકયું છે? ધારો કે ભૂતકાળમાં તમે ડિવોર્સ લીધા હોય તો એવી કઈ બાબતો હતી જેને લીધે તમારું આગલું લગ્નજીવન ભાંગી પડયું હતું?
માર્ક મેન્સન નામનો એક અમેરિકન બ્લોગર અને લેખક છે. તાજેતરમાં, વેલેન્ટાઈન ડેના થોડા દિવસો પહેલાં જ એમણે લગ્ન કર્યાં. લગ્નના એક વીક પહેલાં એમણે પોતાની વેબસાઈટ પર ઘોષણા કરીઃ અટેન્શન! જેમનાં લગ્નને કમસે કમ દસ વર્ષ થઈ ગયાં હોય અને જે હજુય પોતાની મેરીડ લાઈફ્થી ખુશ હોય એવાં સ્ત્રી-પુરુષો ધ્યાન આપે. ધારો કે તમને લગ્નજીવન સફ્ળ શી રીતે બનાવવું તે વિશે યુવાનોને સલાહ આપવાનું કહેવામાં આવે તો તમે શું સલાહ આપો? એવી કઈ બાબતો છે જેને લીધે તમારું લગ્નજીવન સુખી રહી શકયું છે? ધારો કે ભૂતકાળમાં તમે ડિવોર્સ લીધા હોય તો એવી કઈ બાબતો હતી જેને લીધે તમારું આગલું લગ્નજીવન ભાંગી પડયું હતું?
દુનિયાભરના ૧૫૦૦ જેટલા હેપીલી મેરીડ લોકોએ ઉમળકાભેર આ પ્રશ્નોના વિગતવાર ઉત્તર આપ્યા. માર્કે ધ્યાનપૂર્વક બધું વાંચીને કોમન મુદ્દા અલગ તારવ્યા અને પછી પોતાના આ સર્વેના પરિણામોનો રિપોર્ટ આપ્યો. મજા પડે એવો આ રિપોર્ટ છે. ભારતનું કલ્ચર અને સામાજિક તાણાવાણા ભલે અમેરિકા-યુરોપ કરતાં જુદાં હોય, પણ લગ્નસંબંધ કે પ્રેમસંબંધના મૂળભૂત સત્યો તો બધે એકસરખા જ હોવાના. તો આ રહૃાાં એ સૌથી મહત્ત્વના મુદ્દા.
સાથે રહેવાનાં કારણોઃ સાચા કે સગવડિયાં?
લગ્ન ટકાવી રાખવાનું સાચામાં સાચું કારણ સાવ સાદું છેઃ પતિને પત્નીને કારણે અને પત્નીને પતિને કારણે જીવવાની મજા આવવી જોઈએ. બસ. એકમેકની હાજરીમાં પોઝિટિવ એનર્જીનો અનુભવ થતો હોય તો સમજી લેવું કે લગ્નગાડું સાચી દિશામાં જઈ રહૃાું છે. લગ્ન કરવાના અથવા લગ્ન નભાવ્યે રાખવાના ખોટા કારણો ઘણાં હોઈ શકે. જેમ કે પરિવાર, સગાંસંબંધીઓ કે દોસ્તોનું દબાણ હોવું, ગ્રૂપમાં બીજા બધા પરણી ચૂકયાં હોય એને પોતે જ એક બાકી રહી ગયા હોય, ડિવોર્સ લેવાથી ઓળખીતા-પાળખીતાઓમાં પોતે હાસ્યાસ્પદ બનશે એવો ડર હોય, પરણેલા હોવાને લીધે જે સામાજિક સ્વીકૃતિ મળી છે તેના વગર ચાલે એમ ન હોય, એકબીજા સાથે ઊભું બનતું ન હોય છતાંય હેપીલી મેરીડ હોવાની ‘ઈમેજ’ ટકાવી રાખવી હોય, ઓન-પેપર પરિણીત દેખાવું સરસ દેખાતું હોય, અંદરથી બરાબર જાણતા હોય કે આ લગ્નસંંબંધ ખેંચ્યા કરવાનો કશો જ મતલબ નથી છતાંય આખરે સૌ સારા વાના થઈ જશે એવો આશાવાદ હોય – આ બધા લગ્નસંબંધમાં હોવાના નબળાં કારણો થયાં. આપણા સમાજમાં માત્ર સંતાનોના હિત ખાતર પડયું પાનું નિભાવી લેનારા દંપતીઓનો તોટો નથી.
કયારેક માણસ બેજવાબદારીપણું, બેકારી, વ્યસનો, અસ્થિરતા જેવી સમસ્યાઓથી ગ્રસ્ત હોય છે, પણ એના પરિવારજનો અથવા એ પોતે માની લેતા હોય છે કે એકવાર લગ્ન થઈ જશે, એકાદ-બે બચ્ચાં પેદા થઈ જશે એટલે આપોઆપ બધું લાઈન પર આવી જશે. આ એટિટયુડ જોખમી છે. માણસ લગ્ન પછી ખરેખર ‘વ્યવસ્થિત’ થઈ જાય તો સારું જ છે, બાકી લગ્નસંબંધ પર શરૂઆતથી જ માણસને સુધારવાનો બોજ નાખી દેવાથી નવી સમસ્યાઓ પેદા થઈ શક્ે છે. આવા કેસમાં લગ્ન પછી પરિસ્થિતિ ઊલટાની વધારે વકરે એવુંય બને.
પ્રેમની લાગણી પાસેથી વધારે પડતી અપેક્ષા ન રાખવી
હોલિવૂડના એકટર રોબિન વિલિયમ્સનું એક સરસ કવોટ છેઃ ‘ગોડ ગેવ મેન અ બ્રેઈન એન્ડ અ પેનિસ એન્ડ ઓન્લી ઇનફ્ બ્લડ ટુ ઓપરેટ વન એટ અ ટાઈમ.’ આનો અનુવાદ તમે જાતે કરી લો! વાસ્તવમાં જુવાન પુરુષ અને સ્ત્રી પ્રેમમાં પડે છે ત્યારે બંનેનાં શરીરમાં હોર્મોન્સ ઉછાળા મારતા હોય છે અને બંનેની ડાગળી ચસકી જતી હોય છે. લવમેરેજ કરનારા અથવા અરેન્જ્ડ સગાઈ બાદ રાતના ત્રણ-ત્રણ વાગ્યા સુધી ફેન પર મીઠી મધુરી વાતો કરનારા યુગલોએ સમજી લેવાનું છે કે ‘હેપીલી એવર આફ્ટર’ જેવું કશું હતું નથી. ભલે લગ્નના પ્રારંભિક તબક્કે એકબીજા માટે તીવ્ર લાગણી હોય, ભલે એકમેક માટે નિતાંત પ્રેમનો એકધારો અનુભવ થતો હોય, પણ એક વાત સ્વીકારી લેવાની છે કે આ લાગણી પરમેનન્ટ રહેવાની નથી. આગળ જતાં દિવસો, અઠવાડિયા, મહિના અને કયારેક ઇવન આખેઆખા વર્ષો જેવા આવી શકે છે જ્યારે તમને લાગે કે આ હું કયાં ફ્સાઈ ગયો (કે ફ્સાઈ ગઈ)? પણ ચિંતા ન કરો. આવી લાગણી જાગવી અત્યંત નોર્મલ છે! મહત્ત્વની વસ્તુ આ છેઃ ધીરજ રાખો, ઉતાવળે કોઈ આકરું પગલું ન ભરો, કેમ કે લગ્નમાં ફ્સાઈ જવાની આ લાગણી પણ થોડા દિવસો, અઠવાડિયા, મહિનાઓ કે એનાથી વધારે સમયમાં પસાર થઈ જતી હોય છે અને ઓરિજિનલ પ્રેમ વધારે મેચ્યોર બનીને સપાટી પર આવતો હોય છે.
પ્રેમ જડ વસ્તુ નથી. એનું સ્વરૂપ સમયની સાથે બદલાતું રહે છે. આ વાત જેટલી જલદી ભેજામાં ઉતરે એટલું સારું. ‘તારે લીધે મને સ્વર્ગીય સુખની અનુભૂતિ થાય છે’ – આ પ્રકારના પ્રેમના ઊભરા લગ્નનાં થોડા વર્ષોમાં શમી જાય તે પછી જ જીવનસાથીને દિલથી આદર કરવાનું અને એની કંપનીને એન્જોય કરવાનું મહત્ત્વ સમજાય છે. ઊભરો શમી ગયા પછીનો પ્રેમ નિભાવવો અઘરો છે, પણ તે વધારે સંતોષકારક અને અર્થપૂર્ણ પુરવાર થાય છે.
કમ્યુનિકેશન કરતાંય વધારે મહત્ત્વનું છે, રિસ્પેકટ
માર્કના સર્વેમાં એક વાત સ્પષ્ટપણે ઉભરી કે પતિ-પત્ની વચ્ચે કમ્યુનિકેશન, દેખાવ, શારીરિક આકર્ષણ, જીવનનાં લક્ષ્યો અને ઇવન પ્રેમ કરતાંય એકબીજા પ્રત્યે આદર હોવો વધારે મહત્ત્વનું છે. લગ્નમાં સંવાદ હોવો જ જોઈએ, પણ ગમે તેટલું સારું કમ્યુનિકેશન હશે તો પણ ઝઘડા કે મતભેદ તો થવાના જ.
લગ્નજીવનમાં એવી કેટલીય ક્ષણો જ નહીં, દિવસો આવશે જ્યારે પોતાના પતિ કે પત્ની પ્રત્યે રીતસર અણગમો જાગશે. પ્રેમ વરાળ થઈ ગયો હોય એવું લાગશે. આવું બધાને થતું હોય છે. સો ડોન્ટ વરી! પણ હા, ગમે તેવા અણગમા વચ્ચેય જીવનસાથી પ્રત્યેનો રિસ્પેકટ અકબંધ રહેવો જોઈએ. પ્રેમની લાગણીમાં વધઘટ થયા કરશે, પણ જો આદરભાવ ખતમ થઈ ગયો, જીવનસાથીની નજરમાંથી ઉતરી જવાયું તોે સંબંધને હર્યોભર્યો બનાવવો અત્યંત અઘરો થઈ પડશે. તકરાર થાય, પ્રેમ ઓછો થઈ જાય કે મોટા તોફાન આવે, આવી સ્થિતિમાં લગ્નસંબંધને બચાવી શકે એવી ચીજ એક જ હોય છે – પતિ-પત્નીનો એકબીજા પ્રત્યેનો મૂળભૂત આદરભાવ, જે કોઈપણ વર્તમાન પરિસ્થિતિથી પર હોય છે.
તકલીફ થાય એવી બાબતોની ચર્ચા ખાસ કરવી
તંદુરસ્ત સંબંધ માટે સૌથા પહેલા નંબરનું સૌથી મહત્ત્વનું પરિબળ છે રિસ્પેકટ, એકમેક પ્રત્યેનો આદર. બીજા નંબર પર આવે છે ટ્રસ્ટ, ભરોસો. ટ્રસ્ટના મામલાને ઘણી વાર વફાદારી અને ઈર્ષાના સંદર્ભમાં જોવાતી હોય છે. સંબંધની શરૂઆતમાં એકબીજા પર ભરોસો હોવો આસાન હોય છે. સમયની સાથે જિંદગીના તાણાવાણા એકબીજા સાથે વધુને વધુ ગૂંથાતા જાય તેમ તેમ જીવનસાથી પર વધારેને વધારે ભરોસો મૂકતા જવું પડે છે. કોઈપણ સંજોગોમાં જીવનસાથી મારું હિત સાચવશે જ એવો વિશ્વાસ ઊભો થવો જોઈએ. ન કરે નારાયણ, પણ ધારો કે અકસ્માત થાય ને કાયમ માટે અપંગ થઈ જવું પડે, કમાણી હંમેશ માટે બંધ થઈ જાય, તમે નકામા થઈ જાઓ તો શું તમને ભરોસો છે કે બાકીની આખી જિંદગી તમારો (કે તમારી) જીવનસાથી તમને પ્રેમપૂર્વક સાચવશે, તમારી અત્યારે લે છે એના કરતાંય વધારે કાળજી રાખશે? શું તમે આંધળો વિશ્વાસ મૂકીને તમારો પૂરેપૂરો નાણાકીય વ્યવહાર એના હાથમાં સોંપી શકશો? તમને ભરોસો છો કે તમે ગંભીર ભૂલ કરી બેસશો તો એ તીવ્ર પ્રતિક્રિયા જરૂર આપશે, પણ ક્રોધ શમી ગયા પછી તમને સ્વીકારી લેશે, સંભાળી લેશે, પહેલાં જેટલો જ પ્રેમ કરશે? આ કઠિન સવાલો છે. પતિ-પત્નીને એકબીજા પર સંપૂર્ણ વિશ્વાસ તો જ બેસે છે જો બંને પક્ષે પારદર્શકતા હોય, હું કેવો (કે કેવી લાગીશ) એવો ડર રાખ્યા વિના, દુખતી નસ દબાવાનો ભય હોય, બહુ જ નાજુક અને તકલીફ્દાયક વિષય હોય તોય વિશ્વાસપૂર્વક બધી જ વાત કરી શકાતી હોય તે તંદુરસ્ત લગ્નસંબંધની નિશાની છે.
પતિ કે પત્ની લગ્નબાહૃા સંબંધ યા લફરું કરે અથવા આ પ્રકારની બીજી કોઈ ગંભીર ભૂલ કરી બેસે ત્યારે સંબંધનો પાયો હચમચી જાય, વિશ્વાસ પર ભયંકર ઘા પડે, પણ આવું થાય એટલે જરૂર નથી કે લગ્નસંબંધ તૂટી જ જાય. સંબંધ પર ઘા કરનાર પુરુષ કે સ્ત્રી જો સંવેદનશીલ હોય, એને ખરેખર અફ્સોસ થયો હોય અને એ દિલપૂર્વક પ્રયત્નો કરે તો એ જીવનસાથીનો વિશ્વાસ ફરી સંપાદિત કરી શકે છે. એવુંય બને કે છમકલાં પછી લગ્નસંબંધ ઊલટાનો પહેલાં કરતાં વધારે મજબૂત બને. પણ જો માણસ સંવેદનહીન અને સ્વકેન્દ્રી હોય, ઘવાયેલા સંબંધ પર મલમ લગાવવાની કે જીવનસાથીના વિશ્વાસ પુનઃ જીતવાની એ તસદી સુદ્ધાં ન લે, લગ્નમાં તનાવ પેદા થાય તેવું અસ્વીકાર્ય વર્તન વારે વારે કર્યા કરે તો ઘા કયારેય રુઝાતા નથી. આવો સંબંધ લોહીલુહાણ હાલતમાં આખરે નિષ્પ્રાણ બની જાય છે. એકવીસમી સદીના કેટલાય સગવડિયાં લગ્નસંબંધોમાં લફરાં જોકે ‘ડીલ-બ્રેકર’ ગણાતાં નથી, પણ તે અલગ વાત થઈ!
બે તંદુરસ્ત વ્યકિત, એક તંદુરસ્ત સંબંધ
સર્વેમાં ભાગ લેનાર એક મહિલાએ સરસ વાત કરી કે પોતાની જાતને ખુશ રાખવાની જવાબદારી પોતે જ ઉપાડવાની હોય. તમને સુખી કરી નાખવાની જવાબદારીનો ભાર કંઈ તમારા જીવનસાથીએ વેંઢારવાની જરૂર નથી. પતિ-પત્ની બંનેએ પોતપોતાના કામ, વ્યક્તિત્વ અને વર્તુળથી સ્વતંત્રપણે ખુશ રહેતા શીખવાનું છે અને પછી આ ખુશાલી લગ્નસંબંધમાં ઉમેરવાની છે. વાત સ્વકેન્દ્રી નહીં, સભર બનવાની છે. લગ્નસંબંધમાં પતિ અને પત્ની બંનેએ એડજસ્ટમેન્ટ કરવું પડે, નાના-મોટા બલિદાનો આપવા પડે તે બરાબર છે, પણ માનસિક શાંતિ માત્ર જીવનસાથીના બલિદાન પર જ ટકેલી હોય તે ન ચાલે. લગ્ન નિભાવવા માટે પતિ-પત્ની બંનેએ સતત બાંધછોડની સ્થિતિમાં જ મૂકાતાં રહેવું પડે તે પણ યોગ્ય નથી.
અમુક લગ્નસંબંધ વાસ્તવમાં અસ્થિર અને માંદલા જ હોય છે છતાંય એટલા માટે ટકી ગયા હોય છે કે પતિ-પત્ની બંને એકમેકનું ભયંકર વર્તન ચલાવી લેતા હોય છે. બંને અસલામતીની ગ્રંથિથી પીડાતા હોય છે. બંનેના મનમાં એકબીજા માટે નફરત અથવા અભાવ પેદા થઈ ચૂકયો હોય છે. તેમની વચ્ચે એક પ્રકારની ઝેરીલી કો-ડિપેન્ડન્સી વિકસી ગઈ હોય છે. બંનેમાંથી કોઈ છૂટા પડીને એકલા જીવવા તૈયાર ન હોવાથી ગાડું ગબડાવ્યા કરે છે!
અણધાર્યા પરિવર્તનોને સ્વીકારો
લગ્ન કરતી વખતે અથવા પ્રેમમાં પડતી વખતે ખબર નથી હોતી કે આવનારા પાંચ વર્ષ કે દસ વર્ષ કે પંદર વર્ષ પછી સામેની વ્યકિત કેવી બની જવાની છે. આ વ્યકિત આજે જેવી છે એવીને એવી ભવિષ્યમાં નહીં જ હોય અને એનામાં તદ્દન અણધાર્યા અને કયારેક અણગમતાં પરિવર્તનો આવવાના છે એવું મનોમન સ્વીકારી લેવાનું. એનો દેખાવ, સામાજિક સ્ટેટસને એવી બધી બાહૃા ચીજો તો બદલાશે જ, પણ ખાસ તો એનો સ્વભાવ, વિચારવાની રીત, રસના વિષયો, માન્યતાઓ, ઇવન નીતિમૂલ્યો પણ બદલાશે. પોતાની જાતને પ્રામાણિકતાથી પૂછવાનું: શું મને આ વ્યકિત પ્રત્યે ખરેખર એટલા પ્રમાણમાં આદરભાવ છે ખરો કે સમયની સાથે એનું વ્યકિતત્વ બદલાય તો પણ એની સાથે જોડાયેલા રહેવાનું મને ગમે?
વખત વીતતાં પતિ અને પત્ની બંને અલગ-અલગ રીતે બદલાય છે. આ બદલાવ દર વખતે પસંદ પડે તેવો ન પણ હોય. આવી સ્થિતિમાં કમ્યુનિકેશન મહત્ત્વનું બની જાય. પોતાના વ્યકિતત્વમાં આવી રહેલા પરિવર્તનો વિશે એકબીજાને ખબર હોવી જોઈએ. પતિ-પત્ની વચ્ચે જો સરસ ફાઈન ટયુનિંગ થયેલું હશે તો એકબીજાના બદલાયેલા વ્યકિતત્વનો સ્વીકાર અને આદર કરવાનું સરળ બને છે તથા પ્રેમ અકબંધ રહે છે.
ઝઘડો કરો, પણ સાચા મુદ્દે
પચાસ વર્ષનાં સુખી લગ્નજીવનનો અનુભવ ધરાવનારા એક મહાશય કહે છેઃ ચૂઝ યોર બેટલ્સ! ઝઘડો કરો, પણ ફાલતુ કારણો માટે નહીં. રોજિંદા જીવનમાં અકળામણ થાય એવી નાનીમોટી ઘટનાઓ બન્યા જ કરશે, પણ એમાંની મોટા ભાગની ઘટનાઓ સાવ મામૂલી હોવાની. જો નાની નાની વાતોમાં ઝઘડયા કરશો તો એનો અંત જ નહીં આવે અને સંબંધ થાકી જશે, મૂરઝાવા લાગશે. મામલો ખરેખર ગંભીર હોય, તેનો સીધો સંબંધ તમારી અથવા ઘરની આંતરિક શાંતિ સાથે હોય તો જરૂર વિરોધ નોંધાવો. ટૂંકમાં, કોઈક વાતે મન ઊંચું થઈ ગયું હોય ત્યારે વિચારવાનું કે શું આ ખરેખર જીવનમરણનો સવાલ છે? ના? તો પછી શું કામ નાહકની દલીલબાજી કરીને લોહી બાળો છો? જતું કરવાનું. ભૂલી જવાનું. વાંક ગમે એનો હોય, ગણીને ગાંઠે નહીં બાંધવાનું. સિમ્પલ.
હથિયાર હેઠાં ન મૂકો
૮૫ વર્ષના એક દાદાજી પોતાનો સ્વાનુભવ વર્ણવતા કહે છે કે લગ્નજીવનમાં સારી-માઠી લાગણીઓના મોજાં ઉઠતા જ રહેશે. કોઈ મોજું થોડી કલાકો ટકશે, કોઈ થોડા અઠવાડિયા, કોઈ થોડા મહિના તો કોઈ થોડાં વર્ષો. આ ઉછળતા મોજાં વચ્ચે પણ તમારે જીવનસાથીનો હાથ ઝાલીને તરતાં રહેવાનું છે, કારણ કે એકપણ મોજું કાયમી નથી. કાયમી છે તમારા બંનેનો સાથ. આ મહાશય આગળ કહે છે, ‘વચ્ચે એક તબક્કો એવો આવેલો કે મારું મન લગ્ન પરથી બિલકુલ ઊઠી ગયું હતું. અમારી વચ્ચે જાણે કોઈ કનેકશન જ નહોતું રહૃાું. મને ડિવોર્સ લેવાની તીવ્ર ઇચ્છા થવા લાગી હતી, પણ પછી મેં વિચાર્યું કે મારે ખરેખર શું કામ ડિવોર્સ જોઈએ છે? એવી તો શી ખરાબી આવી ગઈ છે મારી પત્નીમાં? સાચું કહું, મને એક પણ નકકર કારણ ન મળ્યું. થોડા સમયમાં મારું દિમાગ ઠેકાણે આવી ગયું. મારી પત્નીને હું પહેલાં કરતાંય વધારે ચાહવા લાગ્યો. ટૂંકમાં, બધું બદલાતું રહે છે. લગ્નજીવનમાં ખરાબ તબકકો ચાલી રહૃાો હોય તો તે પણ સમયની સાથે બદલાય છે. બસ, હથિયાર હેઠા નહીં મૂકવાના. મજબૂત બનીને ટકી રહેવાનું. આજકાલની પેઢી બહુ જલદી અલગ થવાના નિર્ણય પર પહોંચી જાય છે. તમારા લગ્નને વધુ એક તક આપો. ધીરજ રાખો. તમારા જીવનસાથી સાથે માયાળુ વર્તન કરો. એને બેનિફ્ટિ ઓફ ડાઉટ આપો. જો તમે આમ કરી શકશો તો આખી જિંદગી ખુશહાલ બની જશે.’
માર્ક મેન્સને તારવેલી ટકાઉ લગ્નજીવનની ટિપ્સ અહીં પૂરી થઈ. આ બધી સલાહોમાંથી એ ખુદ કેટલી પાળી શકશે? બીજાઓને સલાહ આપવી, આ પ્રકારના લેખો લખવા કે ડાહી વાતો કરવી સહેલી છે, પણ પોતાના જીવનમાં ઊતારવી અઘરી છે, રાઈટ?
0 0 0
No comments:
Post a Comment