Wednesday, September 23, 2015

ટેક ઓફ : બેડરૂમની બહાર પતિ-પત્નીએ એકબીજા સાથે કેવું વર્તન કરવું જોઈએ?

Sandesh - Ardh Saptahik Purti - 23 Sept 2015

ટેક ઓફ 

સીધા માણસે વાંકા પછડાયાની ચિંતા કરવાની ન હોય. સારા દોસ્તો પાડોશી બને ત્યારે સૌથી પહેલાં તો બન્નેનાં ઘર વચ્ચે ઊંચી દીવાલ ચણી લેવી. દેશમાં કશી સમસ્યા જ નહીં હોય તો સાધ્વી પણ શાસન કરી શકશે. વેલલદાખી- તિબેટિયન-નેપાળી-ચીની કહેવતોની દુનિયામાં તમારું સ્વાગત છે!

હેવતોમાં પેઢીઓનું ડહાપણ, જ્ઞાાન અને અનુભવોનો અર્ક ઓગળેલાં હોય છે. કહેવતોમાંથી જે તે પ્રદેશની જીવનશૈલી અને સંસ્કૃતિની ઝલક પણ મળતી હોય છે. આ રહી કેટલીક ધારદાર તિબેટિયન, લદાખી, નેપાળી અને ચીની કહેવતો. પ્રત્યેક કહેવત સ્વયં સ્પષ્ટ છે એટલે એમના વિશે ઝાઝી પિષ્ટપેષણ કરવાની કશી જરૂર નથી. તો પ્રસ્તુત છે...
  •  સદ્નસીબ બહુ લાંબા સમય સુધી ટકે તો સતર્ક થઈ જવું.
  •  અકસીર ઇલાજ કરતી દવા અને સાચી સલાહ મીઠી ન પણ હોય.
  •  વડીલોની સો સલાહ કરતાં દુશ્મનનો એક મુક્કો ઘણું વધારે શીખવી દે છે.
  •  નસીબ ખરાબ હોય તો બોખો કૂતરો પણ કરડી જશે.
  •  ચોર ક્યારેય ઘંટડીની ચોરી નહીં કરે.
  •  માણસને કઈ વાત પર હસવું આવે છે એના પરથી એના ચારિત્ર્યનું માપ નીકળે છે.
  •  મદદ કે ઉધાર ન માગો ત્યાં સુધી સામેની વ્યક્તિનો સ્વભાવ સારો જ હોય છે.
  •  માણસ પૈસાદાર થઈ જવાથી બદલાઈ જતો નથી, માત્ર એના ચહેરા પરથી મહોરું ઊતરી જતાં એની અસલિયત છતી થઈ જાય છે.
  •  માણસ પોતે સીધો હોય તો એણે વાંકા પછડાયાની ચિંતા કરવાની ન હોય.
  •  બગીચાનાં ફૂલોની ખુશબૂ માત્ર પાડોશમાં પ્રસરે છે, જ્યારે માણસના ચારિત્ર્યની મહેક છેક પહાડોની ટોચ સુધી ફેલાય છે.
  •  પૂરને આવતું અટકાવી શકાય છે, પણ લોકોને પીઠ પાછળ વાતો કરતા અટકાવી શકાતા નથી.
  •  પુરુષ જે ફર્યો નથી અને સ્ત્રી જેણે સંતાન જણ્યું નથી તેને જિંદગીની અસલિયતની ખબર જ નથી.
  •  લશ્કરની છાવણી બનાવવા માટે સો સૈનિકોની જરૂર પડે છે, પણ ઘર બનાવવા માટે એક સ્ત્રી પર્યાપ્ત છે.
  •  સમાજમાં અરાજકતા ફેલાય ત્યારે હોશિયાર નેતાની જરૂર પડે છે, પરિવારમાં અરાજકતા ફેલાય ત્યારે ગુણવાન પત્નીની જરૂર પડે છે.
  •  સારી પત્નીઓના નસીબમાં ખરાબ પતિ અને સારા પતિઓેના નસીબમાં ખરાબ પત્ની લખાયેલી હોય છે.
  •  શયનખંડની બહાર પતિ-પત્નીએ એકબીજા સાથે મહેમાન જેવું વર્તન કરવું જોઈએ.
  •  ધનવાનની રખાતના મોંઘાદાટ પોષાક કરતાં ગરીબની પત્નીનાં થીગડાંવાળાં કપડાં વધારે મૂલ્યવાન છે.
  •  જે પુત્રને બાપની જરૂર નથી અને જે પત્નીને પતિની જરૂર નથી એની હાલત આખરે ગલીનાં કૂતરાં કરતાંય બદતર થાય છે.
  •  દસ અલગ અલગ પુરુષો સાથે સંબંધ બનાવી ચૂકેલી સ્ત્રી મરણપથારીએ પડી હશે ત્યારે એની આસપાસ કોઈ નહીં ફરકે.
  •  પતિ-પત્નીના ઝઘડામાં વચ્ચે પડનારો માણસ મૂરખ જ હોઈ શકે.
  •  નાનપણમાં બાપ ગુમાવી દેવો અને મધ્યવયે પત્ની ખોઈ દેવી - આના કરતાં મોટું કોઈ દુર્ભાગ્ય નથી.
  •  જ્યારે વિનાશે ઘરમાં પ્રવેશ કરવો હોય ત્યારે સ્ત્રીની જીભ ક્યારેક સીડીનું કામ કરતી હોય છે.
  •  ડાકણને રહેવાનું કાયમી ઠેકાણંુ મળી જશે, પણ એક કરતાં વધારે દીકરા ધરાવતી સ્ત્રીએ ઘડપણમાં આમથી તેમ ભટકવું પડે છે.
  •  મા કરતાં પત્નીને વધારે માન આપતો દીકરો નઠારો છે. દીકરાને પત્ની વિરુદ્ધ ચડામણી કરતી મા નઠારી છે.
  •  દુનિયામાં એક બાળક સૌથી સુંદર છે અને તે દરેક મા પાસે હોય છે.
  •  સ્ત્રીને ઓળખવી હોય તો એની માતાને જાણો, પરખો.

  •  દીકરીને પિયરની શેરીનાં કૂતરાં પણ વહાલાં લાગે છે.
  •  જુવાન દીકરીને ઘરમાં રાખવી એ વાઘણને ઘરમાં પૂરી રાખવા બરાબર છે.
  •  મા-બાપ દસ સંતાનોને સારી રીતે મોટાં કરી શકશે, પણ દસ સંતાનો એક મા-બાપની સારસંભાળ નહીં લઈ શકે.
  •  ભીની માટી અને નાના બાળકને કોઈ પણ ઘાટમાં ઢાળી શકાય છે.
  •  પત્નીના મૃત્યુ પછી સાસરાનું ઘર નાટક પૂરું થઈ ગયા પછીના મંચ જેવું બની જાય છે.
  •  સાસુ સાથે સારો વર્તાવ કરશો તો એ દિવસમાં ત્રણ વાર ઘરે આવશે.
  •  સાસુ મરી વર્ષો પહેલાં, પણ રડવું આવ્યું આજે.
  •  સ્ત્રી સવારે વહેલી ઊઠી જાય તો પતિ ચિડાય છે, મોડી ઊઠે તો સાસુ.
  •  સ્ત્રીએ પતિને કેવું લાગશે એ વિચારવાનું હોય, સાસરિયાઓને કેવું લાગશે તે નહીં.
  •  બનાવટી મિત્ર કરતાં કઠોર દુશ્મન સારો.
  •  ખરાબ દોસ્ત શોધવો સહેલો છે, સારો દોસ્ત ગુમાવવો અઘરો.
  •  દર્પણ વગર શૃંગારની શી રીતે ખબર પડે? મિત્રો વગર પોતાની નબળાઈઓ વિશે શી ખબર પડે?
  •  તમારા ખરા મિત્રો કોણ છે એ વાત ક્યારેય જાહેર ન કરવી.
  •  દીકરાનાં લક્ષણ કેવાં છે તે જાણવા માટે એના દોસ્તારોને મળો.
  •  સારા દોસ્તો પાડોશી બને ત્યારે સૌથી પહેલાં તો બન્નેના ઘર વચ્ચે ઊંચી દીવાલ ચણી લેવી.
  •  વૃદ્ધ માણસ અને પોચા ભાત નુકસાન કરતા નથી.
  •  જો જુવાન માણસ પાસે ડહાપણ અને વૃદ્ધ પાસે તાકાત હશે તો બધાં કામ સરસ રીતે પાર પડશે.
  •  ડોસાનાં બધાં સિક્રેટ્સ ડોસી જાણતી હોય છે.
  •  ઘડપણમાં સંતાનો સાથે આજ્ઞાાંકિત બનીને રહેવું.
  •  ગૌતમ બુદ્ધ જેવા ગૌતમ બુદ્ધ પણ ક્યારેક તો સાધારણ માણસ જ હતા. 


  •  ધનિક માણસની યાદદાસ્ત ટૂંકી હોવાની.
  •  ઉચ્ચ કક્ષાનો માણસ નઠારા માણસોની નબળાઈઓને યાદ કરતો નથી.
  •  નસીબદાર માણસને સમૃદ્ધ પુત્રો હોય છે, કમનસીબ માણસને સમૃદ્ધ ભાઈઓ.
  • ગરીબ માણસ કંઈક આપવા આવ્યો હશે તોપણ પહેલી નજરે તો કશુંક માગવા આવ્યો હશે એવું જ લાગશે.
  •  એક અંધ બીજા અંધને દોરીને જશે તો આખરે બન્નેએ કૂવામાં ખાબકવું પડશે.
  •  અંધ માણસ આંખો ખોલે કે બંધ રાખે, શો ફર્ક પડે છે?
  •  દુર્જનથી તો સ્વયં ભગવાન પણ ડરે છે.
  •  નઠારો માણસ જંગલમાં જશે તો કચરો જ ભેગો કરશે.
  •  વિકૃત માણસનો કોઈ ઇલાજ નથી.
  •  એક ડાહ્યો માણસ હજાર મૂરખના પેટ ભરી શકશે, પણ એક મૂરખ પોતાના એકલાનું પેટ પણ નહીં ભરી શકે.
  •  મૂર્ખના હાથમાં પૈસા ઝાઝા ટકતા નથી.
  •  મૌખિક પુરાવા કરતાં લિખિત પુરાવા સો ગણા સારા.
  •  માણસને હંમેશાં એ જ મળે છે જેની એણે ઝંખના કરી હોય છે.
  •  તમારું પાકીટ સાચવીને રાખો, બીજાઓને દોષ ન દો.
  •  દુશ્મન શોધવા માટે બહુ દૂર જવાની જરૂર નથી. પ્રિયજન સાથેનો અતિ પરિચય આપોઆપ નફરત પેદા કરશે.
  •  ભણતર વગરનું બાળક પાંખ વગરના પક્ષી જેવું છે.
  •  સો પુરુષ અને સો સ્ત્રીના ગુણ ભેગા કરો ત્યારે એક સર્વગુણસંપન્ન માણસ પેદા થાય.
  •  સ્વર્ગનો દરવાજો ધીરજના પાત્રના તળિયે છુપાયેલો છે.
  •  સો વાર સાંભળવા કરતાં એક વાર જોવું સારું.
  •  જુવાન માણસના જ્ઞાાન કરતાં વૃદ્ધ માણસનો અનુભવ ચડિયાતો છે.
  •  તમને ખબર હોય કે આવતી કાલે તમારું મૃત્યુ થવાનું છે તોય આજે કશુંક નવું તો શીખવાનુું જ.
  •  જે અહીં છે તે બધે જ છે, જે અહીં નથી તે ક્યાંય નથી.
  •  દેશમાં કશી સમસ્યા જ નહીં હોય તો સાધ્વી પણ શાસન કરી શકશે.
  •  સાત દીકરીઓ વચ્ચે કાનના બૂટિયાંની એક જ જોડ હશે તો દરેક તહેવાર વખતે ઝઘડા થવાના જ.
  •  તમને ખબર જ ન હોય કે તમે ક્યાં ઊભા છો, તો તમારા માટે બધા રસ્તા એકસમાન જ છે.
  •  ઘેટાની જેમ સો દિવસ જીવવા કરતાં સિંહની જેમ એક દિવસ જીવવું સારું.
  •  પગમાં ચામડાંનાં જૂતાં પહેરાય, આખી ધરતીને ચામડાંથી ઢાંકવા ન જવાય.
  •  શબ્દો પરપોટા જેવા છે, કાર્ય સોનાની લગડી સમાન છે.                             0 0 0 

No comments:

Post a Comment