Tuesday, August 11, 2015

મલ્ટિપ્લેક્સ : જીવન, મૃત્યુ અને સંજય મિશ્રા

Sandesh - Sanskaar purti - 9 Aug 2015

મલ્ટિપ્લેક્સ 

સંજય મિશ્રાએ ઈમોશનલ થઈને કુદરતના એક અજબ ખેલ વિશે વાત કરી છે. તર્ક કે વૈજ્ઞાાનિક તથ્યના ત્રાજવે તોળ્યા વગર સાંભળવા જેવી આ વાત છે. એક પુત્ર જ્યારે પોતાના મૃત્યુ પામેલા બાપનું સ્મરણ કરતો હોય ત્યારે તે મામલો દિલનો બની જતો હોય છે, જેને કેવળ લાગણી અને શ્રદ્ધાના ચશ્માં પહેરીને જોવો જોઈએ.




મુક કલાકારો એવા હોય છે જે મોટા કે નાના પડદે આપણી આંખ સામે અવારનવાર આવતાં હોય છે, પણ આપણે એમને કયારેય અલગ તારવીને જોેતા નથી કે કયારેય એમના વિશે માંડીને વાત કરતા નથી. સાદી ભાષામાં એમને 'કેરેકટર આર્ટિસ્ટ' કહે છે. તેમની આસપાસ નામી કલાકારોનું ગ્લેમર એટલા જોશથી ફૂંકાતું રહે છે કે તેઓ સેન્ટર સ્ટેજ પર આવી શકતા નથી. આ સ્થિતિ કયારેક બદલાતી હોય છે. કયારેક કોઈ ચરિત્ર અભિનેતા પોતાનાં અભિનય અને સાતત્યના જોરે પ્રકાશી ઊઠે અને પોઈન્ટ-ઓફ-ડિસ્કશન બની જાય છે. સંજય મિશ્રા આ પ્રકારના એકટર છે. એમણે ફિલ્મી કરિયરની શરૂઆત તો વીસ વર્ષ પહેલાં 'ઓહ ડાલિંર્ગ! યે હૈ ઈન્ડિયા'થી કરી હતી. આપણે એમને 'સત્યા', 'ગોલમાલ' સિરીઝ, 'અતિથિ તુમ કબ જાઓગે?' જેવી કેટલીય ફિલ્મોમાં છોટી-મોટી કોમિક ભૂમિકાઓમાં પણ જોયા છે અને 'ફંસ ગયા રે ઓબામા', 'આંખો દેખી', 'દમ લગા કે હઈશા' તેમજ લેટેસ્ટ 'મસાન'માં ચાવીરૂપ કિરદાર રૂપે જોયા છે.
નીરજ ઘેવાને ડિરેકટ કરેલી અફલાતૂન ફિલ્મ 'મસાન'માં સંજય મિશ્રા એક એવા પિતા બન્યા છે, જેમનો વર્તમાન પીંખાઈ ગયો છે. એમની એકની એક જુવાનજોધ દીકરી એમએમએસ કાંડમાં ફસાઈ ગઈ છે. બાપના દિલ પર કદાચ ભૂતકાળનું કશુંક ગિલ્ટ પણ છે. એ રિટાયર્ડ પ્રોફેસર છે, સંસ્કૃતના અચ્છા જાણકાર છે, પાર્ટટાઈમ અનુવાદક તરીકે કામ કરે છે અને ગંગાકિનારે ક્રિયાકાંડનો સામાન વેચતી હાટડી પણ ચલાવે છે. એ રોજેરોજ મોત જુએ છે, મૃત્યુ પામેલા સ્વજનને યાદ કરીને વિધિવિધાન કરતા લોકોને જુએ છે. સંજય મિશ્રાએ સ્વયં જીવન અને મૃત્યુ સાથે સાપસીડી રમી છે. ૨૦૦૯માં એમના પિતાનું મૃત્યુ એક વિશેષ સંકેત લઈને આવ્યું હતું. પોતાના ઈન્ટરવ્યૂઝમાં સંજય મિશ્રાએ ઈમોશનલ થઈને એકાધિક વખત કુદરતના આ અજબ ખેલ વિશે વાત કરી છે. તર્ક કે વૈજ્ઞાાનિક તથ્યના ત્રાજવે તોળ્યા વગર સાંભળવા જેવી આ વાત છે. એક પુત્ર જ્યારે પોતાના મૃત્યુ પામેલા બાપનું સ્મરણ કરતો હોય ત્યારે તે મામલો દિલનો બની જતો હોય છે, જેને કેવળ લાગણી અને શ્રદ્ધાના ચશ્માં પહેરીને જોવો જોઈએ.
સંજય મિશ્રા બનારસમાં મોટા થયા છે. એમના પિતાજી શંભુનાથ મિશ્રા પત્રકાર હતા. સંગીતના જબરા શોખીન. એમનો આ શોખ સંજયમાં પણ ઊતર્યો છે. તેઓ દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી અભિનયની તાલીમ લેવા ગયા ત્યારથી લઈને ફિલ્મોમાં કામ કરવા મુંબઈ આવ્યા ત્યાં સુધી અને તે પછીય પિતાજીએ એમને સતત સપોર્ટ કર્યો હતો. આ વાત ૨૦૦૮-૨૦૦૯ ની છે. સંજયની ઉંમર તે વખતે ૪૪-૪૫ વર્ષ થઈ ગઈ હતી. ફિલ્મો અને ટીવીમાં ઠીક ઠીક કામ મળવા માંડયું હતું, પણ લગ્ન હજુ નહોતાં થયાં. પાકટ વય સુધી કુંવારા રહી ગયેલાં સંતાનનાં માતા-પિતાને થાય એવી ચિંતા સંજયનાં માતા-પિતાને પણ થતી. બન્યું એવું કે ઓકટોબર ૨૦૦૮માં હરવા ફરવાના શોખીન સંજય મમ્મી-પપ્પાને લઈને કારમાં નીકળી પડયા. પહાડોમાં ફરવાનું,મન થાય એટલા દિવસ રહેવાનું. પ્રવાસ દરમિયાન માતાને ખબર પડી કે ફલાણી જગ્યાએ કોઈ ચમત્કારી મહિલા રહે છે, જેમનાં શરીરમાં દેવીનો વાસ છે. દૂર દૂરથી લોકો એમનાં દર્શન કરવા આવે છે. મમ્મીએ કહૃાું: આપણે પણ એમનાં દર્શને જવું જોઈએ. સંજય કહેઃ મમ્મી, શું કામ આ બધામાં પડે છે? આપણે ફરવા નીકળ્યા છીએ તો ફરવામાં જ ધ્યાન આપને. મમ્મી માન્યાં નહીં.
Sanjay Mishra and Richa Chadda in Masaan

આખરે અગરબત્તી અને એક કિલો ચોખા લઈને ત્રણેય પહોંચી ગયાં. પેલી મહિલા કહેઃ બોલો, કયા પૂછના હૈ? ખરેખર તો પૂછવા જેવું કશું હતું જ નહીં, પણ તોય સંજયનાં મમ્મીએ પૂછી લીધું કે મારો દીકરાનાં લગ્ન કયારે થશે. મહિલાએ જવાબ આપ્યોઃ આવનારો સમય ભારે છે. જો તારો દીકરો ફેબ્રુઆરી ૨૦૦૯ સુધી જીવી જશે તો આપોઆપ યોગ્ય કન્યા એના જીવનમાં આવશે અને લગ્ન થઈ જશે!
બધાં બહાર આવ્યાં. મહિલા આ શું બોલી ગઈ? સંજયને શું થવાનું છે? ખેર, ચમત્કારી લોકોને તો ટેવ હોય છે કંઈ પણ બોલવાની. હશે. એને કંઈ ગંભીરતાથી લેવાનું ન હોય. દિવસો વીતતા ગયા. વાત વિસરાઈ ગઈ.
૨૦૦૯ની સાલ શરૂ થઈ. ફેબ્રુઆરીમાં સંજય મિશ્રાને કોઈ ટીવી ચેનલના લોન્ચિંગ માટે પટના જવાનું આમંત્રણ મળ્યું. એમનો ઈન્ટરવ્યૂ પણ શૂટ થવાનો હતો. જેવું આ શૂટિંગ પૂરું થયું કે અચાનક સંજયને પેટમાં જોરદાર દઃુખાવો ઉપડયો. દવા લીધી,પેઈનકિલર ખાધી. કોઈ અસર નહીં. દઃુખાવો એટલો તીવ્ર બની ગયો કે હોસ્પિટલમાં એડમિટ થવું પડયું. દિલ્હી રહેતાં સંજયનાં માતા-પિતાને ખબર પડતાં એમની ચિંતાનો પાર ન રહૃાો. તાત્કાલિક સંજયને દિલ્હી લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી. કોઈ મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ડોકટરે કહી દીધું: પેટમાં પુષ્કળ પસ (પરું) જમા થઈ ગયું છે. હાલત અત્યંત ગંભીર છે. વધારે ખેંચી શકે એવું લાગતું નથી. આઠથી નવ કલાક કાઢી નાખે તોય ઘણું છે. બહુ બહુ તો એકાદ દિવસ.
સૌની હાલત ખરાબ થઈ ગઈ. એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ... સંજયની તબિયત આમથી તેમ ઝોલાં ખાતી રહી. ધીમે ધીમે કરતાં એક મહિનો થઈ ગયો. બહુ પીડાદાયી તબક્કો હતો આ. 'હું સૂઈ નહોતો શકતો. કયારેક આંખ લાગી જતી તો જાતજાતનાં સપનાં આવ્યા કરતાં,' સંજય કહે છે, 'એક વાર મેં તંદ્રાવસ્થામાં જોયું કે હું લાંબો થઈને સૂતો છું. મને સફેદ ચાદર ઓઢાડવામાં આવી છે. લોકો હાથ જોડીને અંદર આવી રહૃાા છે. મને જોઈને રડી પડે છે...'
આ મોતનું સપનું હતું, જે સદભાગ્યે તંદ્રાવસ્થા પૂરતું જ સીમિત રહૃાંુ. સંજયની તબિયત ધીમે ધીમે સુધરવા લાગી. 'દરમિયાન એક ઘટના બની,' સંજય યાદ કરે છે, 'હું લાકડીના ટેકે હોસ્પિટલની લોબીમાં ફરી રહૃાો હતો ત્યારે એક માણસ મારી પાસે આવ્યો. કહે, તમને 'ઓફિસ ઓફિસ' સિરીયલમાં અને ફિલ્મોમાં ખૂબ જોયા છે. મારી પત્ની તમારી ફેન છે. બહુ બીમાર છે બિચારી. લાંબું નહીં જીવે. પ્લીઝ, તમે બે મિનિટ એને મળવા આવશો? એ સ્ત્રીને મારી બાજુની રૂમમાં જ એડમિટ કરવામાં આવી હતી. એનું લીવર ખતમ થઈ ગયું હતું. મને જોતાં જ એ મલકાઈ ઉઠી. એ એક-બે પળ માટે પોતાનું બધું જ દરદ ભૂલી ગઈ. મને થયું કે જો હું મરતા માણસના ચહેરા પર સ્મિત લાવી શકતો હોઉં તો અત્યાર સુધી જીવનમાં જે કંઈ કર્યુ  છે એ સઘળું સાર્થક છે. જાણે ઓસ્કર એવોર્ડ મળી ગયો હોય એવો સંતોષ મને તે વખતે થયો હતો...'

થોડા દિવસો પછી સંજયને ડિસ્ચાર્જ મળ્યો. તબિયત હજુય નરમ હતી એટલે દિલ્હીનાં ઘરમાં મમ્મી પપ્પાએ ખૂબ સંભાળ લીધી. સંજય કયારેક પપ્પા પર ચિડાઈ જતા. નાનીનાની વાતમાં જીભાજોડી થઈ જતી. પુખ્ત દીકરા અને બાપ વચ્ચે કયારેક ક્ષુલ્લક મુદ્દા પર ગરમાગરમી થઈ જતી હોય છે. એક બાજુ એમની તબિયત નોર્મલ થઈ ને બીજી બાજુ દિલ્હીમાં જ 'ઓફિસ ઓફિસ'નું શૂટિંગ ગોઠવાયું. સંજય મિશ્રા કામે ચડી ગયા. તેઓ આખી ટીમ સાથે જે હોટલમાં ઊતર્યા હતા ત્યાં બિહારી સ્ટાઈલનું ખાણું સરસ મળતું હતું (સંજય મૂળ બિહારીબાબુ છે). એમણે પપ્પાને ફોન કર્યોઃ પપ્પા, તમારા માટે કાર મોકલું છું. મારી હોટેલ પર આવી જાઓ. ડિનર સાથે કરીશું. પપ્પાએ કહૃાું: ના બેટા, આજે મન નથી. સંજયે ખૂબ આગ્રહ કર્યો. પપ્પા ન માન્યા.
'...અને બીજા દિવસે વહેલી સવારે મને ફોન આવ્યોઃ તાત્કાલિક ઘરે આવી જા, અર્જન્ટલી...' સંજય યાદ કરે છે, 'હું ભાગ્યો. હૉલમાં પપ્પાનું બોડી પડયું હતું. ઉપર સફેદ ચાદર ઓઢાડવામાં આવી હતી. લોકો પ્રણામની મુદ્રામાં એક પછી એક આવી રહૃાા હતા,ઘરના લોકો રડી રહૃાા હતા. એ જ દશ્ય, જે મેં સપનામાં જોયું હતું. ફકત મારી બોડીને બદલે પપ્પાની બોડી પડી હતી એટલો જ ફરક હતો. ફિલ્મ એ જ હતી, કાસ્ટિંગ બદલાઈ ગયું હતું. પછી કોઈએ મને સમજાવ્યંુ કે કાસ્ટિંગ બદલાયું તે સારું જ થયું, કેમ કે તને કંઈ થઈ ગયું હોત તો તારો બાપ સહન ન કરી શકત.'
પેલી ચમત્કારી મહિલાની ભવિષ્યવાણી સાચી પડી રહી હતી. ફેબ્રુઆરી ૨૦૦૯માં સંજય મિશ્રા ખરેખર મૃત્યુની ધાર સુધી પહોંચીને પાછા આવ્યા હતા. કદાચ કોઈકે તો મરવાનું જ હતું. દીકરો જીવી ગયો તો બાપ તદ્દન અણધારી રીતે જતો રહૃાો. પિતાએ દીકરાના જીવનના બદલામાં પોતાનાં મોતનો સોદો કરી નાખ્યો!
સંજય ઉમેરે છે, 'કુદરતે સ્ક્રિપ્ટ લખી રાખી હતી તે પ્રમાણે એક પછી એક ઘટના બનતી ગઈ. મારા માટે માગું પણ આવ્યું. ઈશ્વરની ઈચ્છાનો વિરોધ કરવાનો મતલબ ન હતો. મેં હા પાડી. કિરણ સાથે મારાં લગ્ન લેવાયાં. એક વર્ષની અંદર મારી મોટી દીકરી પલનો જન્મ થયો. જો દીકરો જન્મ્યો હોત તો એનું નામ હું આગમન રાખવાનો હતો. પલ પછી નાની દીકરી લમ્હાનો જન્મ થયો. હું હ્ય્દયપૂર્વક માનું છું કે પલમાં મારા પપ્પાના આત્માનો વાસ છે. દીકરીના ખોળિયામાં એ પાછા અમારાં ઘરમાં પધાર્યા છે...'
સંજય મિશ્રાનાં જીવનમાં ચમત્કારી મહિલાની આગાહી પ્રમાણે ઘટનાઓ બનવી કદાચ કેવળ એક યોગાનુયોગ હતો. આ કદાચ કાગને બેસવાનો અને ડાળને પડવાનો ઘાટ હતો, પણ માણસનાં મન-હ્ય્દય આગવાં સમીકરણો અને માન્યતાઓ બનાવી લેતું હોય છે. માણસની શ્રદ્ધાનું ગણિત તર્કથી હંમેશાં પર હોય છે!  
શો-સ્ટોપર

બ્લડી હેલ! એક 'હૈદર'માં શાહિદની મા બની એટલે શું મને જગત-માતા બનાવી દેશો? મને માના રોલ જ આપ્યા કરશો?
- તબ્બુ

1 comment:

  1. સંજય મિશ્રા ગમતો કલાકાર !
    ઓફીસ ઓફીસ ખુબ જોઈ !
    સંજય બાબતે તેના અગત જીવનની નવી વાત જાણવા મળી,બે ઘડી મન સુનું પડી ગયું !
    જીવન મેં એસ્સા ભી હોતા હે !
    હુમાયુના બદલે બાબરે મોત વહાલું કર્યું હતું તે દાખલો બંધ હવે સંજય મિશ્રાનું ઉદાહરણ વાપરવાનું !

    ReplyDelete