Sandesh - Ardh Saptahik Purti - 26 Aug 2015
ટેક ઓફ
પોતાને પહાડનું બાળક ગણતા ઝવેરચંદ મેઘાણી પૂરાં ૫૧ વર્ષ પણ ન જીવ્યા. માત્ર સાડાપચાસ વર્ષનાં આયુષ્યમાં મેઘાણીએ ગુજરાતી સાહિત્યજગતને તર-બ-તર કરી દીધું, હંમેશ માટે. એમણે પુરવાર કર્યું કે ટૂંકી જિંદગીમાં પણ પ્રચુર માત્રામાં અમર સર્જન કરવું શક્ય છે! મેઘાણીનો બર્થડે આપણે તો આખો દિવસ એમનું સાહિત્ય વાંચીને, એમણે સર્જેલી દુનિયામાં રમમાણ રહીને સેલિબ્રેટ કરવાના છીએ. તમે?
સૌથી પહેલાં એક કવિતાની થોડી પંક્તિઓ જુઓઃ
મારે ઘેર આવજે, બેની!
નાની તારી ગૂંથવા વેણી.
આપણા દેશમાં નીર ખૂટયાં ને
સળગે કાળ દુકાળ.
ફૂલ વિના મારી બેનડી! તારા
શોભતા નો'તા વાળ.
એક ભાઈ પોતાની વહાલી બહેનને ઉદ્દેશીને કહી રહ્યો છે કે બેની, ભલે દેશમાં કારમો દુકાળ પડયો હોય, નીર ખૂટી પડયાં હોય,ઝાડ સુકાઈને ઠૂંઠાં થઈ ગયાં હોય, પુષ્પો કરમાઈ ગયાં હોય, પણ તેથી તું વાળમાં વેણી નાખવાનું બંધ કરી દે તે ન ચાલે. વેણી તો તને અતિ પ્રિય છે, એના વગર તને એક દિવસ ચાલતું નહોતું. વેણી વગરનું તારું સૂનું માથું મારાથી જોવાતું નથી. તું મારે ઘેર આવી જા. તારી વેણી માટે ફૂલનો પ્રબંધ કોઈ પણ રીતે કરી આપવાનું કામ તારા વીરાનું.
ભાઈ-ભાભી બેય ભેળાં બેસીને -
ગૂંથશું તારે ચૂલ.
થોડી ઘડી પે'રી રાખજે વીરનાં
વીણેલ વેણી! ફૂલ-
મારે ઘેર આવજે બેની
લાંબી તારી ગૂંથવા વેણી...
ભાઈ આગળ કહે છે, તારી માટે ફૂલડાં વીણવા માટે હું પહાડની ઊંચી ટોચે ચડી જઈશ, તળેટી ફરી વળીશ, ખેતરો ખૂંદી વળીશ ને પછી એ ફૂલડાંમાંથી વેણી બનાવવાનું કામ હું અને તારી ભાભી બન્ને ભેગાં મળીને કરીશું. પછી તું ભારે શોખથી તારા ચોટલામાં વેણી ગૂંથજે. ચૂલ એટલે ચોટલાનો છેડો.
અહીં ભાઈ અને ભાભી સાથે વેણી ગૂંથે છે તે મહત્ત્વનું છે. નણંદ પિયરમાં આવે ત્યારે ઘણી વાર ભાભીઓનું મોઢું ચડી જતું હોય છે. એમાંય પોતાનો વર નણંદનો શોખ પૂરો કરવા આકરી જહેમત ઉઠાવે એ તો એનાથી સહેજે સહન ન થાય. ભાભી માન જાળવતી હોય તો જ દીકરીને પિયરમાં રહેવું ગમતું હોય છે, તેથી અહીં ભાઈ કહે છે કે બેનડી, ભાભીની તું જરાય ચિંતા ન કરીશ. તું આવીશ તો હું એકલો નહીં, તારી ભાભી પણ રાજી થશે. એને ખુશ રાખવાની જવાબદારી મારી. અરે, એ તો તારા માટે વેણી બનાવવાના કામમાં મને મદદ પણ કરવાની છે. બસ, તું ફક્ત આવ. વેણી પહેરતી વખતે તારા ચહેરા પર જે પ્રસન્નતા ફેલાશે તે જોવા હું અધીરો થયો છું.
કેટલી મજાની વાત! અહીં વેણી કેવળ એક પ્રતીક છે. બહેનનું દુઃખ દૂર કરવા માટે, બહેનની ખુશાલી અને સુખ માટે ભાઈ કોઈ પણ હદે જઈ શકે છે તેની લાગણીસભર વાત અહીં સુંદર રીતે રજૂ થઈ છે.
આ કૃતિ છે ઝવેરચંદ મેઘાણીની. આજથી બરાબર બે દિવસ પછી એટલે કે ૨૮ ઓગસ્ટના રોજ ઝવેરચંદ મેઘાણીનો ૧૧૯મો જન્મદિવસ છે. પછીના દિવસે એટલે કે ૨૯ ઓગસ્ટે રક્ષાબંધન છે. આ અવસરે મેઘાણી અને એમની કસદાર કલમમાંથી ભાઈ-બહેનના પ્રેમ વિશે જન્મેલી બે ઉત્તમ કૃતિઓની વાત કરવી છે. મેઘાણી પૂરાં ૫૧ વર્ષ પણ ન જીવ્યા. દેશ આઝાદ થાય એના સાડાપાંચ મહિના પહેલાં તેમનું નિધન થઈ ગયું. માત્ર સાડાપચાસ વર્ષનાં આયુષ્યમાં મેઘાણીએ ગુજરાતી સાહિત્યજગતને તર-બ-તર કરી દીધું, હંમેશ માટે. ટૂંકી જિંદગીમાં પણ પ્રચુર માત્રામાં અમર સર્જન કરવું શક્ય છે, જો તમે ઝવેરચંદ મેઘાણી હો તો!
"હું પહાડનું બાળક છું," મેઘાણીએ એક જગ્યાએ લખ્યું છે, "મારા વડવાઓનું વતન ભાયાણીનું બગસરા અને મારું જન્મસ્થાન છે કંકુવરણી પાંચાળ ભોમનું કલેજું ચોટીલા. ચામુંડમાતાના ચોટીલા ડુંગરની લગભગ તળેટીમાં એજન્સી પોલીસના એ વેળાના અઘોરવાસ લેખાતા થાણામાં મારો જન્મ થયેલો. મારા મોટેરા ભાઈઓએ મને એ બચોળિયાની દશામાં છાતીએ તેડી તેડી ડુંગર ફરતા આંટા લેવરાવ્યા છે."
પોલીસ-લાઇનમાં જન્મ થયો હોવાથી મેઘાણીનું એક હુલામણું નામ 'લાઇન બોય' પડી ગયું હતું. સરકાર દ્વારા ચોટીલાસ્થિત ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ સ્મારકની બાજુમાં આવેલા નવીન પોલીસ સ્ટેશનને 'રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ભવન' નામ આપવાનો જે નિર્ણય લેવાયો છે તે અભૂતપૂર્વ છે. ભારતભરમાં પોલીસ સ્ટેશનો સામાન્ય રીતે એરિયાના આધારે ઓળખાય છે. કોઈ પોલીસ સ્ટેશનને એક મહાનુભાવનું અને એમાંય સાહિત્યકારનું નામ આપવામાં આવ્યું હોય એવી સંભવતઃ આ પહેલી ઘટના છે.
હવે ભાઈ-બહેનના પ્રેમને દર્શાવતી બીજી કૃતિની વાત કરીએ, જે ઝવેરચંદ મેઘાણી રચિત 'સૌરાષ્ટ્રની રસધાર'ના ત્રીજા ભાગમાં છે. ઓક્ટોબર ૧૯૨૩માં એટલે કે લગભગ ૯૨ વર્ષ પહેલાં 'સૌરાષ્ટ્રની રસધાર'નો પહેલો ભાગ પ્રગટ થયો હતો. સીમાચિહ્ન બનવા માટે, ચિરંજીવી થવા માટે, સતત રિલેવન્ટ રહેવા માટે કૃતિમાં કેટલું કૌવત હોવું જોઈએ? 'ભાઈ' નામની આ કથા સંક્ષિપ્તમાં જોઈએ.
વાત છે ખાંભા ગામમાં રહેતી એક વિધવા આયરાણીની. દુકાળ પડયો છે. ભૂખથી પીડાતાં એનાં સંતાનો રીડિયારમણ કરી રહ્યાં છે. એક ભાઈને બાદ કરતાં દુખિયારી બાઈને બીજી કોઈ ઓથ નથી. પાડોશીને બે હાથ જોડીને એ વિનવણી કરે છે, "બાપુ, બે દિવસ મારાં ગભરુડાંને ટીપું ટીપું રાબ પાજો. ત્યાં હું મારા ભાઈને ઘરે આંટો જઈને આવતી રહું છું."
બહેન મિતિયાળા ગામ પહોંચી. ઘરના બારણામાં જ ભાઈને ઊભેલો ભાળ્યો, પણ ભાઈને તો કળજુગે ઘેરી લીધો હતો. "આ લેણિયાત ક્યાં આવી?" એટલું બોલીને સગો ભાઈ પાછલી છીંડીએથી પલાયન થઈ ગયો. બહેન દુઃખી થઈ ગઈ. તોય પિયરની ઓસરીએ પહોંચી. ભાભીએ મોંમાંથી 'આવો' પણ ન કહ્યું. બાઈએ પૂછયું, "ભાભી! મારો ભાઈ ક્યાં ગયો?"
"તમારા ભાઈ તો કાલ્યુના ગામતરે ગયા છે."
ધરતી મારગ આપે તો સમાઈ જવાનું બહેનને મન થયું. નિસાસો મૂકીને એ પાછી વળી ગઈ. ભાભી કહે, "રોટલા ખાવા હોય તો રોકાઓ."
"ભાભી! હસીને જો ઝેર દીધું હોત તોય પી જાત" એટલું કહીને બોર બોર જેવાં આંસુડાં પાડતી બહેન ચાલી નીકળી. ગામના ઝાંપા બહાર હરિજનવાસ હતો (મેઘાણીએ અહીં 'હરિજનવાસ'ને બદલે આપણે હવે જે વાપરતા નથી તે શબ્દ પ્રયોજ્યો છે). ઓસરીમાં બેઠા બેઠા હોકો પી રહેલા જોગડા હરિજનની નજર બાઈ પર પડી. જોગડો એને નાની હતી ત્યારથી ઓળખતો હતો. બહેનને જોતાં જ હરખમાં આવી જઈને એ બહાર આવ્યો. પૂછયું:
"કાં, બાપ, આમ રોતી કાં જા?"
"જોગડાભાઈ! મારે માથે દુઃખના ડુંગર થયા છે, પણ મારો માનો જણ્યો સગો ભાઈ મને દેખીને મોઢું સંતાડે છે. ઈ વાતનું મને રોવું આવે છે."
"અરે ગાંડી, એમાં શું રોવા બેઠી? હુંય તારો ભાઈ છું ના! હાલ્ય મારી સાથે."
જોગડો ધરમની માનેલી બહેનને પોતાને ઘેર લઈ ગયો. જુવારથી આખું ગાડું ભરી દીધું, રોકડી ખરચી આપી અને પોતાના દીકરાને કહ્યું, "બેટા, ફુઈને લઈને ખાંભે મૂકી આવ્ય, અને આ દાણા ફુઈને ઘેર ઉતારી મેલજે."
આખા રસ્તે આયરાણી સંસારના સાચજૂઠ પર વિચાર કરતી રહી. સગો ભાઈ મને જોઈને દૂરથી નાઠો, પણ આ પારકા હરિજને મને બહેન ગણી, મારી પીડા સમજીને વહારે ધાયો!
બીજા દિવસે જોગડાનો છોકરો હાથમાં એકલી રાશ ઉલાળતો ઉલાળતો ઘેર આવ્યો. જોગડાએ પૂછયું, "બેટા! ગાડું-બળદ ક્યાં?"
""ફૂઈને દીધાં."
"કાં?"
"બાપા, તમે એના ભાઈ થઈને એને કાપડું દીધું અને હું ફુઈને ફુયારું ન આપી આવું?"
આ સાંભળીને જોગડાની પત્ની રાજી થઈ ગઈ. કહે, "રંગ છે, બેટા! હવે ભગતનો દીકરો સાચો."
દિવસો વીત્યા. એક વાર મિતિયાળા ગામ પર દુશ્મનની ફોજ ચડી આવી. જોગડો પાછળ રહે? એ સામે છાતીએ ધસી ગયો. ધીંગાણું કરીને સહુથી પહેલું એણે પોતાનું લોહી પોતાની જનમભોમને ઝાંપે છાંટયું.
વાત ખાંભા સુધી પહોંચી. આયરાણી ખોરડાના કરા ઉપર નિસરણી માંડીને ગાર કરતી હતી. કોઈએ ખબર આપ્યાઃ "તારો ધરમનો માનેલો વીર જોગડો ધીંગાણામાં કામ આવ્યો."
સાંભળીને બાઈએ નિસરણીની ટોચથી પોતાના શરીરનો ઘા કર્યો. ધબ કરતી નીચે પડી. માથું ઢાંકીને માનવીની અને પશુની છાતી ભેદાઈ જાય તેવા મરશિયા ગાવા લાગીઃ
વણકર અને વણાર, નાતે પણ નેડો નહીં,
(પણ) ગણને રોઉં ગજમાર, તારી જાત ન પૂછું, જોગડા!
અર્થાત્ હે ભાઈ જોગડા! તું લૂગડાં વણવાનું કામ કરનારો હરિજન હતો અને હું તો વણાર શાખની આયરાણી છું. નાતજાતના હિસાબે તો આપણી વચ્ચે કાંઈયે સંબંધ નથી, પણ હું તારી હલકી જાત સામે શું જોઉં? હું તો તારી ખાનદાનીને રડું છું. હે હાથીઓના હણનારા જોદ્ધા!
આગળ ગાય છેઃ
રાંપીનો રાખણહાર, કલબાં લે વેત્રણ કિયા
વીજળી તણો વિચાર, તેં કિં જાણ્યો, જોગડા!
એટલે કે હે વીરા જોગડા! તું તો રાંપી લઈને મરેલાં ઢોરનાં ચામડાં ચીરવામાં કુશળ કહેવાય, એને બદલે તેં તરવાર લઈને શત્રુઓને ચીરી નાખ્યા. તને તલવાર વાપરવાની યુક્તિ આપોઆપ ક્યાંથી સૂઝી ગઈ?
આયરાણીએ ભાઈને સંભારી સંભારીને આંખોનાં આંસુ અને હૈયાના મરશિયા ઠાલવ્યે જ રાખ્યા. એનાં પોપચાં ફૂલી આવ્યાં. સગો ભાઈ તો અજનબી થઈને જીવતો હતો. હવે જોગડાના જવાથી બાઈ સાચેસાચ નોંધારી થઈ ગઈ.
આંખો છલકાવી દે એવી તાકાતવાન આ કથા છે. ઝવેરચંદ મેઘાણીનો બર્થડે આપણે તો આખો દિવસ એમનું સાહિત્ય વાંચીને,એમણે સર્જેલી દુનિયામાં રમમાણ રહીને સેલિબ્રેટ કરવાના છીએ. તમે?
0 0 0
0 0 0