Monday, July 6, 2015

મલ્ટિપ્લેક્સ : ફ્રોમ અમેરિકા વિથ લવ

Sandesh - Sanskaar Purti - 5 July 2015

મલ્ટિપ્લેક્સ 

અત્યારે સંભવતઃ સૌથી વધારે ધ્યાન કોઈ ટેલેન્ટ શો ખેંચતો હોય તો તે 'ધ વોઇસ' છે. આ એવો શો છે જેમાં ગાયકનો દેખાવ, સ્ટેજ presence કે નખરાં નહીં, પણ કેવળ તેના વોઇસ એટલે કે અવાજનો મહિમા થાય છે.

The Voice India (above); (below) The Voice America


જે થોડી સ્મોલ સ્ક્રીનની વાતો કરી લઈએ. ઘણું બધું બની રહ્યું છે આજકાલ ટીવી પર. આવતા વીકએન્ડથી 'ઝલક દિખલા જા'ની બ્રાન્ડ ન્યૂ સીઝન 'ઝલક રિલોડેડ' શરૂ થઈ રહી છે. સુપર મોમ્સની વિદાય સાથે જ 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ'ની નવી રેગ્યુલર સીઝન શરૂ થઈ ચૂકી છે. આ બંને શોમાં જજીસ બદલાઈ ગયા છે. એક ઔર ડાન્સ શો 'ડાન્સ પ્લસ'ની ઘોષણા થઈ છે, જે ટૂંક સમયમાં સ્ટાર પ્લસ પર શરૂ થશે. રેમો ડિસોઝા 'ઝલક...'થી શા માટે અલગ થયો તેનો જવાબ 'ડાન્સ પ્લસ'ની વિજ્ઞાાપનમાં રેમોની વિરાટ તસવીરમાંથી મળી જાય છે. નૃત્યની સામે સંગીતના શોઝની રમઝટ પણ ચાલી રહી છે. ટીવી પરથી 'ધ વોઇસ' અને સોની પર 'ઇન્ડિયન આઇડલ જુનિયર' એકબીજા સાથે બથ્થંબથ્થા કરી રહ્યા છે. આ તો માત્ર ટેલેન્ટ શોઝ થયા. જુદી જુદી ચેનલો પર એકાધિક નવા ફિક્શન શોઝ થયા છે એ તો લટકામાં.
આજે ખાસ તો એવા પ્રોગ્રામ્સની વાત કરવી છે, જે અમેરિકન કે યુરોપિયન શોઝ પરથી એડપ્ટ કરવામાં આવ્યા હોય. 'ઝલક...', 'ઇન્ડિયન આઇડલ', 'ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ' અને 'બિગ બોસ'ની જેમ અત્યારે સંભવતઃ સૌથી વધારે ધ્યાન કોઈ ટેલેન્ટ શો ખેંચતો હોય તો તે 'ધ વોઇસ' છે. આ એવો શો છે જેમાં ગાયકનો દેખાવ, સ્ટેજ presence કે નખરાં નહીં, પણ કેવળ તેના વોઇસ એટલે કે અવાજનો મહિમા થાય છે. તેથી જ ઝળહળતા સ્ટેજ પર સ્પર્ધક ગાવાનું શરૂ કરે ત્યારે ચારેય કોચ- હિમેશ રેશમિયા, શાન, સુનિધિ ચૌહાણ અને મિકા - તેના તરફ પીઠ ફેરવીને બેઠાં હોય. એમની નજર લાઇવ ઓડિયન્સ પર હોય, કાન સ્પર્ધકની ગાયકી પર. જો સ્પર્ધકના અવાજમાં સ્પાર્ક દેખાય તો કોચ બટન દાબે. તે સાથે એની ખુરશી ઘૂમીને સ્પર્ધક તરફ ફરી જાય. આ કોચની ખુરશી નીચે લખ્યું હોયઃ 'આઈ વોન્ટ યુ'! જો એક જ કોચની ખુરશી ફરે તો સ્પર્ધક બાય ડિફોલ્ટ એની ટીમમાં શામેલ થાય. જો એક કરતાં વધારે કોચને સ્પર્ધકનો અવાજ ગમી જાય તો પછી સ્પર્ધકે જાતે નિર્ણય લેવાનો કે એને કોની ટીમમાં જવું છે. જો આખા પર્ફોર્મન્સ વખતે એકેય કોચની ખુરશી ન ઘૂમે તો સ્પર્ધક આપોઆપ સ્પર્ધામાંથી આઉટ થઈ જાય.
ઘૂમતી ખુરશીઓ, કોણ પહેલું બટન દબાવે છે તેમજ સ્પર્ધક કરગરી રહેલા ચારેય કોચમાંથી કોના પર કૃપા વરસાવે છે તેની અટકળો - આ બધું ડ્રામા પેદા કરવા માટે પૂરતું છે. 'ધ વોઇસ'નાં મૂળિયાં 'ધ વોઇસ ઓફ હોલેન્ડ' નામના ડચ શોમાં દટાયેલાં છે. તેના પરથી ૨૦૧૦ના અંતમાં અમેરિકામાં 'ધ વોઇસ ઓફ અમેરિકા' બનાવવામાં આવ્યો. આ ટાઇટલ પછી ટૂંકાવીને ફક્ત 'ધ વોઇસ' કરી નાખવામાં આવ્યું. અમેરિકન 'ધ વોઇસ'ની આઠ-આઠ સીઝન ટેલિકાસ્ટ થઈ ચૂકી છે. 'ધ વોઇસઃ આઈ વોન્ટ યુ'નામની વીડિયો ગેઇમ પણ લોન્ચ થઈ છે. ભારતીય 'ધ વોઇસ'નું એક્ઝિક્યુશન અને ગાયકીની ક્વોલિટી બન્ને સારાં છે. ફક્ત એક વાત સમજાતી નથી. હિમેશ-શાન-સુનિધિ-મિકાએ એક મહિનાથી, આ શો લોન્ચ થયો ત્યારથી એકનાં એક કપડાં શા માટે પહેરી રાખ્યાં છે? ધારો કે એક જ દિવસ દરમિયાન આ બધા એપિસોડ્સ શૂટ થયા હોય તોપણ વચ્ચે વચ્ચે કોસ્ચ્યુમ્સ તો બદલી જ શકાય છેેને. આનું કારણ જે હોય તે, પણ હકીકત એ છે કે એન્ડ ટીવી ચેનલનો આ પહેલો એવો શો છે જે જમાવટ કરે છે. બાકી આ ચેનલ શાહરુખ ખાનનો જે ગેઇમ શો લઈને ધૂમધડાકા સાથે લોન્ચ થઈ હતી, તે ગેઇમ શો લોકોને જરાય ગમ્યો નહોતો.

એક ઔર સુપરહિટ અમેરિકન શોનું હિન્દી સંસ્કરણ આપણી ટીવી સ્ક્રીન પર ત્રાટકવાનું છે. મૂળ શો છે, 'એવરીબડી લવ્ઝ રેમન્ડ'.આ એક સિચ્યુએશનલ કોમેડી છે. રેમન્ડ બેરોન નામનો એક યુવાન સ્પોર્ટ્સ રાઇટર છે. કોઈ વાતને એ ગંભીરતાથી ન લે. કોકડું ગમે તેવું ગૂંચવાયેલું હોય તોય એના રમૂજ પર બ્રેક ન લાગે. ઘરનું કોઈ કામ કરવાનું કે બાળકોની જવાબદારી લેવાનું એને બહુ વસમું લાગે છે, તેથી એની પત્ની ડેબ્રા કાયમ ચિડાયેલી રહે છે. રેમન્ડનાં માતા-પિતા અને મોટો ભાઈ ગલીમાં જ બીજા ઘરમાં રહે છે. અડધો સમય તો તેઓ રેમન્ડના ઘરમાં જ પડયાપાથર્યા રહે છે. રેમન્ડની મા દાઢમાં બોલે, દીકરા-વહુને અંકુશમાં રાખવાની કોશિશ કરે, નાની-નાની વાતોમાં કપટ કરે. રેમન્ડનો પહેલવાન જેવો દેખાતો મોટો ભાઈ પણ એક નંબરનો નમૂનો છે. એને સતત એવું થયા કરે કે રેમન્ડને એનાં માબાપ વધારે વહાલ કરે છે. રેમન્ડના પિતાજી ખડૂસ માણસ છે. એને બહુ લાગણી દેખાડતા ન આવડે. વાતે વાતે સૌ કોઈને ચીડવ્યા કરે અથવા તો અપમાન કર્યા કરે.
'એવરીબડી લવ્ઝ રેમન્ડ' શોએ અમેરિકામાં ૧૯૯૬થી ૨૦૦૫ દરમિયાન નવ સીઝન પૂરી કરી હતી. રશિયન, પોલિશ, ઇજિપ્શિયન, ડચ અને ઇઝરાયેલી ભાષામાં અવતરી ચૂકેલો આ શો હવે ભારતીય રૂપ ધારણ કરવાનો છે. હિન્દી આવૃત્તિનું નામ છે, 'સુમિત સંભાલ લેગા'. સુપરહિટ 'સારાભાઈ વર્સીસ સારાભાઈ' પર રેમન્ડની અસર હતી. અલબત્ત, 'સારાભાઈ...'નાં કિરદારોની લાક્ષણિકતાઓ અને રમૂજની રંગછટા રેમન્ડ્સના પરિવાર કરતાં ઘણો અલગ તેમજ મૌલિક હોવાને કારણે યાદગાર પુરવાર થયો.
ભારતીય વાઘા ધારણ કરેલી એક ઔર અમેરિકન સિટકોમ (સિચ્યુએશનલ કોમેડી) છે, 'ગૂડ લક ચાર્લી'. એના પરથી બનેલા 'બેસ્ટ ઓફ લક, નિક્કી' શોનું રિપીટ ટેલિકાસ્ટ હાલ ડિઝની ચેનલ પર થઈ રહ્યું છે. મજાનો શો છે આ. એક સુખી અંતરંગી પરિવાર છે. અવતાર સિંહ અને હિમાની સિંહને ચાર બાળકો છે. મોટો દીકરો-દીકરી રોહન અને ડોલી ઓલમોસ્ટ કોલેજમાં આવી ગયાં છે,
Original (above) and adaptation (below)

ત્રીજો સની ટીનેજર બની ચૂક્યો છે અને વર્ષો પછી રહી રહીને ચોથી બાળકી નિક્કીનો જન્મ થયો છે. પરાણે વહાલી લાગે એવી નિક્કીનું આગમન થતાં જ ઘરની રિધમ બદલાઈ ગઈ છે. ત્રણેય મોટાં સંતાનોને તરુણાવસ્થા સહજ સમસ્યાઓ છે. આ બધાને કારણે હાસ્યરમૂજ પેદા થતી રહે છે. મોટી ડોલી રોજ વીડિયો ડાયરી ઉતારે છે, જેમાં એ નાનકડી નિક્કીને ઉદ્દેશીને ઘરમાં કેવાં કેવાં પરાક્રમો થયાં તેનું રિર્પોિંટગ કરે છે અને તારે મોટા થયા પછી કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે એની આગોતરી ચેતવણી આપે છે.
ઓરિજિનલ અમેરિકન શોનું મૂળ નામ પહેલાં 'ઊપ્સ' વિચારાયું હતું. પછી 'લવ ટેડી' રાખવામાં આવ્યું. આખરે 'ગૂડ લક ચાર્લી'ફાઇનલાઇઝ કરવામાં આવ્યું. માત્ર બચ્ચાલોગને જ નહીં, પણ આખા પરિવારને મજા પડે તેવો આ શોનો ઉદ્દેશ રહ્યો છે, જે ઘણે અંશે સફળ થયો છે. નબળી પ્રોડક્શન વેલ્યૂ ધરાવતું હિન્દી અવતરણ 'બેસ્ટ ઓફ લક, નિક્કી' શરૂઆતમાં કદાચ બાલિશ લાગે,પણ પછી એનું બંધાણ થઈ જાય તો નવાઈ ન પામવી. મૂળ શોમાં ચાર બાળકો પછી પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું, પણ 'બેસ્ટ ઓફ લક, નિક્કી'માં પરિવારમાં પાંચમા બાળકનું આગમન પણ થાય છે. 'બેસ્ટ ઓફ લક, નિક્કી'ની બ્રાન્ડ-ન્યૂ સીઝન આવતા મહિને શરૂ થવાની છે.
આ શોના નબળા કઝીન જેવો દેખાતો 'ધ સ્યુટ લાઇફ ઓફ કરણ એન્ડ કબીર' પણ એડપ્ટેડ શો છે. મૂળ અમેરિકન શોનું નામ છે, 'ધ સ્યુટ લાઇફ ઓફ ઝેક એન્ડ કોડી'. ખૂબ વખણાયેલી 'ટ્વેન્ટી-ફોર'ની બીજી સીઝનની પૂર્વતૈયારીઓ કરવામાં હાલ અનિલ કપૂરની ટીમ બિઝી બિઝી છે. 'ટ્વેન્ટી-ફોર'ની પહેલી સીઝનની સફળતા પછી 'ધ કિલિંગ', 'રિવેન્જ', 'સ્કેન્ડલ' અને 'હોમલેન્ડ' જેવા અમેરિકન શોઝને પણ ઇન્ડિયન ટીવી પર અવતારવાનો ગણગણાટ શરૂ થઈ ગયેલો. આ શોઝનું પછી શું થયું? એ તો જે કંઈ હશે તે આખરે વાજતે ગાજતે સ્ક્રીન પર આવવાનું જ છે.
શો - સ્ટોપર

મને મારી જાતનું માર્કેટિંગ કરતા આવડતું નથી. ઇન્ડસ્ટ્રીના લોકોને મળતા રહેવું જોઈએ, હું કામ માટે રેડી છું એવું બતાવતા રહેવું જોઈએ. મારાથી આ બધું થઈ શકતું નથી.
- શેફાલી શાહ (અભિનેત્રી)

No comments:

Post a Comment