Tuesday, June 9, 2015

ટેક ઓફ : હસબન્ડ એટલે વાઇફનીય વાઇફ?

Sandesh - Ardh Saptahik Purti - 10 June 2014

ટેક ઓફ 

કલમકડછીબરછીતરવુંતાંતરવું અને તસ્કરવું! કલમ એટલે બૌદ્ધિક કામોમાં પ્રવીણ હોવુંકડછી એટલે રાંધતા આવડવુંબરછી એટલે લડતા આવડવુંતરવું એટલે સિમ્પલ તરવુંતાંતરવું એટલે સામેના માણસને પ્રભાવિત કરતાં આવડવું અને તસ્કરવું એટલે વ્યાપક અર્થમાંયેનકેન પ્રકારેણ પોતાનું કામ પાર પાડતા આવડવું. પતિને આ બધું આવડવું જોઈએ. પુરુષ આ છએ છ કળામાં પ્રવીણ હોય તો જ સાચા અર્થમાં ઘરધણી બની શકે છે!



વું તે વળી કેવું કે આ પૃથ્વી પર વસતાં કરોડો-અબજો લોકોમાંથી કોઈ એક ચોક્કસ સ્ત્રી કે પુરુષને જ તમે તમારા જીવનસાથી તરીકે પસંદ કરો છો? કુદરતનું એવું તે વળી કેવું ચકરડું ફરતું હશે કે આટઆટલા લોકોમાંથી કોઈ એક ચોક્કસ વ્યક્તિના જ પ્રેમમાં તમે પડો છો અને એને પરણી જાઓ છો? યા તો એની સાથે અરેન્જ્ડ મેરેજ કરો છો? શું લગ્ન માત્ર અને માત્ર કર્મ-સંયોગ-નસીબનું ફળ છે? લગ્ન પછી માણસ ખીલી ઊઠે અથવા મૂરઝાઈને મુડદાલ બની જાય તો શું એને પણ કર્મનાં લેખાંજોખાં ગણીને સ્વીકારી લેવાનું?
જવાબ શોધતા આખી જિંદગી નીકળી જાય એવા અઘરા આ સવાલો છે. અંબાલાલ મૂળજીભાઈ પટેલ (જન્મ ૧૯૦૮, મૃત્યુ ૧૯૮૮) દાદા ભગવાન તરીકે ગુજરાતીઓના એક વર્ગમાં આધ્યાત્મિક ગુરુ તરીકે સ્વીકારાયા છે. તેઓ કહે છે કે કર્મની ગૂઢ ગતિનો કોયડો ઉકેલવો મુશ્કેલ છે, પણ જો વ્યવહારકળાને સમજીને તેને પ્રેમપૂર્વક અમલમાં મૂકીએ તો જીવન સરળ અને શાંતિભર્યુ ંબને છે. શું છે આ વ્યવહારકળા? દાદાશ્રી 'એડજસ્ટમેન્ટ' એટલે કે એકમેકને અનુકૂળ થવાની રીતને દાંપત્યસુખ માટેની ચાવી ગણે છે. એડજસ્ટ થવું એ આમ તો એક અતિ કોમન શિખામણ છે જે દરેક દુલ્હા-દુલ્હનને અને યુદ્ધે ચડેલાં કપલને નિયમિતપણે અપાય છે. પતિ યા તો પત્નીને એડજસ્ટ થવું એટલે લાચાર બની જવું કે નબળું પડી જવું તેમ નહીં, કેમ કે આ વ્યવહારકળામાં જ્ઞાાનાત્મક દૃષ્ટિ પણ સંકળાયેલી છે. દાદા ભગવાનને સ્વયં લાંબા અને સુખી લગ્નજીવનનો ભરપૂર અનુભવ હતો. એમણે હલકીફુલકી શૈલીમાં સમજાવેલી સુખી લગ્નજીવનની કેટલીક 'ટ્રિક્સ' સાંભળવા જેવી છે અને હા, તે માટે દાદાશ્રીના અનુયાયી હોવાની બિલકુલ જરૂર નથી.
પ્રશ્નોત્તરી શૈલીમાં લખાયેલા 'સનાતન સુખ' પુસ્તકમાં દાદાશ્રી કહે છે, "પુરુષો પ્રસંગો ભૂલી જાય, પણ સ્ત્રીઓની નોંધ આખી જિંદગી રહે. સ્ત્રીઓ તો બોલી જાય કે તે દા'ડે તમે બોલ્યા હતા તે હજુ મારે કાળજે વાગેલું છે. એ વાતને વીસ વર્ષ થયાં તોય નોંધ તાજી! દીકરો પૈણવા જેવા થઈ ગયો હોય તોય નોંધ તાજી! સ્ત્રીઓ માનભંગ થાય તે આખી જિંદગી ના ભૂલે. ઠેઠ નનામી કાઢતાં સુધી એ રીસ સાબૂત હોય. માટે સ્ત્રીને (અપમાન) આલશો-કરશો નહીં. નથી આલવા જેવી આ ચીજ. ચેતતા રહેવા જેવું છે."
દાદાશ્રીના મતે પતિએ તો ઓલરાઉન્ડર બનવું પડે. કલમ, કડછી, બરછી, તરવું, તાંતરવું અને તસ્કરવું - આ છએ છ કળા નથી આવડતી એ માણસ નથી! કલમ એટલે બૌદ્ધિક કામોમાં પ્રવીણ હોવું, કડછી એટલે રાંધતા આવડવું, બરછી એટલે લડતા આવડવું, તરવું એટલે સિમ્પલ તરવું, તાંતરવું એટલે સામેના માણસને પ્રભાવિત કરતાં આવડવું અને તસ્કરવું એટલે સ્થૂળ અર્થમાં ચોરી કરવી, પણ વ્યાપક અર્થમાં કહીએ તો જરૂર પડયે સામ-દામ-દંડ-ભેદનો પ્રયોગ કરીને યેનકેન પ્રકારેણ પોતાનું કામ પાર પાડતા આવડવું. પતિને આ બધું આવડવું જોઈએ. પુરુષ આ છએ છ કળામાં પ્રવીણ હોય તો જ સાચા અર્થમાં ઘરધણી બની શકે છે! ખરેખર, પતિ બનવું આસાન નથી જ!


ઘણા પતિઓને ઘરકામના મામલામાં ડબ ડબ કરવાની ટેવ હોય છે. સામે પક્ષે, ઘણી પત્નીઓને પતિના કામ-ધંધામાં સલાહો આપ આપ કરવાની આદત હોય છે. દાદાશ્રી કહે છે, "ખાવાનું શું કરવું, ઘર કેમ ચલાવવું તે બધો સ્ત્રીનો ડિપાર્ટમેન્ટ છે. ઘઉં ક્યાંથી લાવે છે ને ક્યાંથી નથી લાવતી તે પુરુષે જાણવાની શી જરૂર? વહુ જો વરને કહે કે ઘઉં લાવવામાં અડચણ પડે છે તો જુદી વાત થઈ. કેટલાક પુરુષો તો ઘરમાં જઈને મરચાંના ડબ્બામાં જુએ કે બે મહિનાનાં મરચાં લાવ્યાં હતાં તે આટલી વારમાં થઈ રહ્યાં! અલ્યા, મરચાં જોતો રહીશ તો ક્યારે પાર આવશે? સ્ત્રીઓએ પણ પુરુષની કોઈ બાબતમાં ડખો ના જ કરવો. દુકાનમાં કેટલો માલ આવ્યો, કેટલો ગયો, આજે મોડા કેમ આવ્યા? પેલાએ કહેવું પડે કે આજે નવની ગાડી ચૂકી ગયો એટલે લેટ થઈ ગયું. તો બહેન કહેશે કે એવા કેવા ફરો છો કે ગાડી ચૂકી જવાય? એટલે પછી પેલા ભાઈ ચિઢાઈ જાય. પેલાનેે મનમાં એમ થાય કે આવું ભગવાન પણ પૂછનાર હોત તો એને મારત, પણ પત્ની આગળ શું કરે?"
દાદાશ્રીએ પતિની એક ઔર વ્યાખ્યા કરી છેઃ હસબન્ડ એટલે વાઇફનીય વાઇફ - પતિ એટલે પત્નીનીય પત્ની! પતિઓ તરત પૂછશે કે સાવ આવો ઢીલો એટિટયૂડ રાખીએ ને દબાઈને રહીએ તો વાઇફ માથે ન ચડી જાય? આવું પૂછનારને દાદાશ્રી કહે છે કે અલ્યા, હસબન્ડ એટલે વાઇફનીય વાઇફ એ ખાલી કહેવાની રીત છે, બાકી વાઇફ કંઈ થોડી ધણી થઈ બેસવાની છે? ઘરમાં ગેસ્ટ તરીકે રહો. કુદરતના ગેસ્ટ તરીકે તમને જો સુખ ના આવે તો સંસારમાં શું સુખ આવવાનું છે?'
કોઈ પતિ-પત્ની ખૂબ ઝઘડતાં હોય અને લડાઈ પૂરી થયા પછી આપણે ગુપચુપ જોવા જઈએ ને મહિલા ઘસઘસાટ ઊંઘતી હોય,પણ ભાઈસાહેબ આમથી તેમ પડખાં ઘસતાં હોય તો સમજવું કે બધી ભાઈની જ ભૂલ છે. પેલી મહિલા તો ભોગવતી નથી. જો ભાઈ ઊંઘતા હોય ને બહેન જાગ્યા કરતાં હોય તો જાણવું કે બહેનની ભૂલ છે. ભોગવે એની ભૂલ! આમ કહીને દાદાશ્રી ઉમેરે છે, "આ બહુ ઝીણું સાયન્સ છે. જગત આખું નિમિત્તને જ બચકાં ભરે છે." અહીં દાદાશ્રીનો ઇશારો કર્મના સિદ્ધાંત તરફ છે.
નાની-મોટી તૂ-તૂ-મૈં-મૈં ઠીક છે, પણ પતિ કે પત્ની સહન ના થઈ શકે એવડો મોટો ઘા મારી દે તો શું કરવું? દાદાશ્રી કહે છે કે આપણે સૌ વટેમાર્ગુ છીએ. પતિ કે પત્ની પણ વટેમાર્ગુ છે. જીવનના રસ્તા પર ચાલતાં ચાલતાં આકસ્મિકપણે મળી ગયેલી વ્યક્તિ છે. આ બધી રિલેટિવ સગાઈઓ છે. સાપેક્ષના સંબંધો છે. માબાપ અને સંતાનનો સંબંધ પણ રિલેટિવ છે. આપણો દેહ પોતે જ રિલેટિવ છે! આ દેહને આપણે રોજ નવડાવીએ, ધોવડાવીએ, તોય એને પેટમાં દુખે, માથું ચડે, માંદું પડે. આપણે દેહને કહીએ કે રોજ તારી આટલી માવજત કરું છું તો આજે જરા શાંત રહેજે, પણ તોય એ ઘડીભર શાંતિ ન રાખે. આખી જિંદગી ઘર ભરાઈ જાય એટલાં દાતણ કર્યાં હોય, રોજ પીંછી માર-માર કરી હોય તોય દાંત નથી દુખતા? આપણું પોતાનું શરીર જો આપણને દગો દઈ શકતું હોય તો બીજાઓ પાસેથી શી અપેક્ષા રાખવી?


પતિ-પત્ની વચ્ચે જોરદાર યુદ્ધ ફાટી નીકળે ત્યારે બેઉને ડિવોર્સના વિચાર આવવા માંડે છે. પછી એ વિચારબીજનું ઝાડ થાય. જો લગ્ન ટકી રહે એમ ઇચ્છતા હો તો, એક પાત્ર ફાડ-ફાડ કરે તો બીજાએ સાંધ-સાંધ કરવાનું. તો જ આ રિલેટિવ સંબંધ ટકે, નહીં તો તૂટી જાય. દાદાશ્રી એક પ્રેક્ટિકલ ટિપ આપે છેઃ જીદે ન ચડવું. તરત વાતનો ઉકેલ લાવી દેવો. છતાં સામેવાળું માણસ બહુ ઝઘડે તો કહી દેવું: હું તો પહેલેથી જ ડફોળ છું, મને તો કશું આવડતું જ નથી! આવું કહી દઈએ એટલે સામેનું પાત્ર આપણને છોડી દે. એવું નહીં માની બેસવાનું કે બધા ચડી બેસશે તો શું કરીશું? અરે કોઈ શું ચડી બેસે? ચડી બેસવાની શક્તિ કોઈ ધરાવતું જ નથી. આ બધા કર્મના ઉદયથી નાચતા ભમરડા છે! ગમે તેમ કરીને હાલની કટોકટી શાંત કરી નાખો. પછીની વાત પછી.
ધારો કે પછી પણ નીવેડો ન આવ્યો તો? ક્યાં સુધી રાહ જોવાની? કેટલી ધીરજ ધરવાની? દાદાશ્રી કહે છે, "પતિ-પત્નીના ઋણાનુબંધ બહુ ચીકણા છેે. એ રીતે સંતાનો અને માબાપ સાથેના ઋણાનુબંધ પણ ચીક્ણા હોયછે. આથી તેમની સાથેની સમસ્યાનો ઉકેલ જરા વધુ સમય લાગે છેે. આ બધા જોડે ને જોડે હોય એટલે બધું ધીમે ધીમે થાય, પણ સમભાવે સમસ્યાનો નિકાલ કરવાનું નક્કી કર્યું હોય તો એક દહાડે સમસ્યાનો અંત જરૂર આવશે. જ્યાં ચીકણા ઋણાનુબંધ હોય છે ત્યાં બહુ જાગૃતિ રાખવી પડે છે."
દાદાશ્રીની વાતો વાંચતાં કંઈક એવો સૂક્ષ્મ સંદેશ મળે છે કે લગ્નની ગાડી ચાલતી રાખવી હોય તો પતિ અને પત્ની બન્નેએ જે મનમાં હોય તો મોઢે નહીં લાવવાનું, પણ ગમ ખાઈ જવાનો, જતું કરવાનું. સહજતાથી નહીં, પણ ચતુરાઈપૂર્વક વર્તવાનું અને પછી જ્ઞાાન અને કર્મની ફિલોસોફીની રજાઈ ઓઢીને શાંતિથી સૂઈ જવાનું. તમે સહમત છો આ વાત સાથે? તમારું શું કહેવું છે?

0 0 0 


No comments:

Post a Comment