Sandesh - Ardh Saptahik purti - 18 Feb 2015
ટેક ઓફ
"નિષ્ફળતાના પીડાદાયી તબક્કામાં એક જ વસ્તુએ મને ટકાવી રાખ્યો હતો અને એ હતો, મારા કામ પ્રત્યેનો મારો પ્રેમ. આઈ લવ્ડ વોટ આઈ ડિડ. સંતોષભર્યું જીવન તો જ જીવી શકાય છે જો તમે મનપસંદ ક્ષેત્રમાં હો, જો તમે એ કામ કરતા હો જેમાં તમે શ્રેષ્ઠ હો."
સ્ટીવ જોબ્સ જીવતા હોત તો સૌથી પહેલાં તો છ દિવસ પછી, ૨૪ ફેબ્રુઆરીએ આવનારા પોતાના સાઠમા બર્થડેની તૈયારી કરતા હોત. સ્ટીવ કરતાં ખાસ તો એ જેમના કો-ફાઉન્ડર અને ચેરમેન હતા એ એપલ કંપનીની હરખપદૂડી ટીમ પોતાના સુપર બોસનો સાઠમો બર્થડે ભવ્ય રીતે સેલિબ્રેટ કરવા થનગન થનગન થતી હોત. પર્સનલ કમ્પ્યૂટરની દુનિયામાં ક્રાંતિ આણનાર સ્ટીવ જોબ્સ છપ્પન વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા. આ માણસ માત્ર
એક-દોઢ દાયકો વધુ જીવી ગયો હોત તો ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની દુનિયામાં કોણ જાણે ઔર કેવા કેવા ચમત્કાર કરી ગયો હોત!
આઇમેક, આઇપોડ, આઇપેડ, આઇટયૂન્સ અને આઇફોન પછી સ્ટીવ જોબ્સે આઇકાર શબ્દપ્રયોગ વિશ્વવિખ્યાત કરી નાખ્યો હોત... કદાચ! ટેસ્લા મોટર્સ નામની અમેરિકન કંપનીએ ૨૦૦૮માં દુનિયાની સૌથી પહેલી ટેસ્લા રોડસ્ટર નામની પેટ્રોલ વગર કેવળ બેટરીના જોરે ચાલતી ફુલ્લી ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ માર્કેટમાં મૂકી હતી. એપલના બોર્ડ મેમ્બરો કહે છે કે તે વખતથી જ સૌને લાગતું હતું કે કારના જબરા શોખીન સ્ટીવ વહેલા-મોડા આઇકાર એટલે કે ઇલેક્ટ્રિક કારના ક્ષેત્રમાં ઝંપલાવવાના.
લેટેસ્ટ ન્યૂઝ પ્રમાણે એપલ કંપનીમાં કામ કરતા સ્ટીવના પ્રોફેશનલ વારસદારોએ ઇલેક્ટ્રિક કાર ડેવલપ કરવાનો પ્રોજેક્ટ ઓલરેડી શરૂ કરી દીધો છે. તાજેતરમાં ટેસ્લા કંપનીના સીઈઓએ ખુદ એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે એપલવાળા અમારા કાબેલ માણસોને ખેંચી જવા માટે અઢી લાખ ડોલરનું તોતિંગ સાઇન-અપ બોનસ (મતલબ કે કંપનીમાં પગ મૂકતાંની સાથે જ અપાતું વેલકમ બોનસ!), સાઠ ટકા જેટલો વાર્ષિક પગારવધારો અને બીજા જાતજાતના પર્ક્સનાં પ્રલોભનો આપી રહ્યાં છે. ઓલરેડી પચાસ જણા ટેસ્લા છોડીને એપલમાં જોડાઈ ગયા છે, જેમાંથી મોટાભાગના એન્જિનિયર છે.
એક થિયરી એવી છે કે એપલવાળા એક્ચ્યુઅલી પોતાની જાતે ચાલતી સેલ્ફ-ડ્રાઇવિંગ કાર ડેવલપ કરી રહ્યા છે. સેલ્ફ-ડ્રાઇવિંગ કાર જોકે ઘણું કરીને બેટરી ઓપરેટેડ જ હોવાની. ગૂગલ કંપનીએ ગયા વર્ષે ડ્રાઇવર અને સ્ટિયરિંગ વગરની સ્વયંસંચાલિત કારનું મોડલ દુનિયા સામે મૂક્યું હતું. આ વર્ષે સાન ફ્રાન્સિસ્કોના રસ્તાઓ પર એની ટ્રાયલ શરૂ થવાની છે. બીજી એક થિયરી કહે છે કે,આ કાર-બારની વાતો ખોટી છે. એપલવાળા વાસ્તવમાં એમના આઇફોન માટેની મેપ્સ એપ્લિકેશનને વધુ એક્યુરેટ બનાવવા માટે કસરત કરી રહ્યા છે!
Tesla Roadster |
સ્ટીવ જોબ્સના જીવન પરથી 'જોબ્સ' નામની એસ્ટન કુચરના અભિનયવાળી એક ફિલ્મ ઓલરેડી બની ચૂકી છે. હવે 'સ્લમડોગ મિલિયોનેર'વાળા ડિરેક્ટર ડેની બોયલ નવેસરથી સ્ટીવ જોબ્સની બાયોપિક બનાવી રહ્યા છે. મૃત્યુને ચાર વર્ષ પણ પૂરાં થાય તે પહેલાં જ હોલિવૂડની બબ્બે બિગ બજેટ ફિલ્મોના વિષય બની જવા માટે માણસે કેટલું બધું ઘટનાપ્રચુર, ભરપૂર અને અર્થપૂર્ણ જીવન જીવવું પડે?
સ્ટીવ જોબ્સે દાયકા પહેલાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સામે આપેલું ભાષણ અમર બની ગયું છે. જેટલી વાર એ સ્પીચનો વીડિયો જોઈએ અથવા એના અંશો વાંચીએ ત્યારે દર વખતે આપણામાં ગજબનાક જોશ ફૂંકાઈ જાય છે. વક્રતા જુઓ કે સ્ટેનફોર્ડના તેજસ્વી વિદ્યાર્થીઓ સામે ભાષણ આપનાર સ્ટીવ જોબ્સ પોતે કોલેજ ડ્રોપઆઉટ હતા!
"મેં જે કોલેજમાં એડમિશન લીધું હતું તે સ્ટેનફોર્ડ જેટલી જ મોંઘીદાટ હતી" સ્ટીવે કહેલું, "મારાં નોકરિયાત મા-બાપે બિચારાઓએ આખી જિંદગી મહેનત કરીને જે પૈસા બચાવ્યા હતા તે તમામ મારી ફી ભરવામાં ખર્ચાઈ રહ્યા હતા. પહેલાં છ જ મહિનામાં મને કોલેજનું ભણતર નકામું લાગવા માંડયું. તે ઉંમરે હું ખુદ નક્કી નહોતો કરી શકતો કે લાઇફમાં હું શું કરવા માગું છું. મને એય સમજાતું નહોતું કે આ નક્કી કરવામાં કોલેજનું આ ભણતર મને કેવી રીતે કામમાં આવવાનું છે, તેથી મેં નિર્ણય લીધો કે મારે આગળ નથી ભણવું. કમ સે કમ મારાં મમ્મી-પપ્પાનું સેવિંગ તો બચશે. મનમાં ભરોસો હતો કે આખરે સૌ સારાં વાનાં થઈ જશે,પણ સાથે સાથે સખત ગભરાટ પણ થઈ રહ્યો હતો. આજે જ્યારે પાછળ વળીને જોઉં છું ત્યારે સમજાય છે કે કોલેજનું ભણતર પડતો મૂકવાનો નિર્ણય મારા જીવનના શ્રેષ્ઠ નિર્ણયોમાંનો એક હતો. જિંદગીનું ચિત્ર બનાવવા માટે ટપકાં જોડવાનાં હોય ત્યારે એક ટપકા પરથી બીજા ટપકા પર જતી વખતે (એટલે કે જીવનમાં નેક્સ્ટ લેવલ પર જવાની કોશિશ કરતી વખતે) કશાક પર તો ભરોસો રાખવો જ પડે. આ કશુંક તમારી અંતઃસ્ફુરણા, નસીબ, કર્મ કંઈ પણ હોઈ શકે. આ ભરોસો હોય તો એક-એક ટપકું જોડાતું જાય છે ને આખરે એક સળંગ સુરેખ ચિત્ર બને જ છે."
કલ્પના કરો, જે માણસે એપલ કંપની સ્થાપી હતી અને સફળ કરી દેખાડી હતી એ જ માણસને એની જ કંપનીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી! ત્રીસ વર્ષના સ્ટીવ જોબ્સ એ વખતે ઓલરેડી સેલિબ્રિટી બની ચૂક્યા હતા. સરેઆમ થયેલા આ નીચાજોણાથી અને ભયંકર નિષ્ફળતાથી ભાગી પડયા હતા એ. એવો વિચાર પણ આવી ગયો કે કમ્પ્યૂટરની આ લાઇન જ છોડી દઉં?
વાસ્તવમાં એપલમાંથી થયેલી હકાલપટ્ટી સ્ટીવના જીવનની લાઇફની શ્રેષ્ઠ ઘટના સાબિત થઈ!
એકધારી સફળતા અથવા ખૂબ મોટી સફળતા પછી નિષ્ફળતાનો ડોઝ મળવાથી પગ જમીન પર સ્પર્શેલા રહે છે. સ્ટીવ કહે છે, "નિષ્ફળતાના પીડાદાયી તબક્કામાં એક જ વસ્તુએ મને ટકાવી રાખ્યો હતો અને એ હતી, મારા કામ પ્રત્યેનો મારો પ્રેમ. આઈ લવ્ડ વોટ આઈ ડિડ. તમારે એ વસ્તુ કે એ કામ શોધવું જ પડે જેમાંથી તમને સૌથી વધારે આનંદ મળતો હોય. આપણું કામ, આપણી કરિયર જીવનનો બહુ મોટો ભાગ રોકે છે. સંતોષભર્યું જીવન તો જ જીવી શકાય છે જો તમે મનપસંદ ક્ષેત્રમાં હો, જો તમે એ કામ કરતા હો જેમાં તમે શ્રેષ્ઠ હો. જો તમને હજુ સુધી એ કામ મળ્યું ન હોય અથવા હજુ સુધી તમે સ્પષ્ટ ન હોય કે કયા કામમાં તમને સૌથી વધારે આનંદ મળે છે તો ટ્રાય કરતા રહો, ચકાસતા રહો. જે પહેલું કામ મળ્યું એ પકડીને બેસી ન જાઓ. શોધતા રહો. આ દિલ કા મામલા જેવું છે. સાચું પાત્ર સામે આવતાં દિલ જે રીતે એને ઓળખી લે છે એવું જ કામનું છે. જેવા તમે સાચા ક્ષેત્રમાં આવશો કે તમારું હૃદય તરત તે પારખી લેશે. સાચા પાત્ર સાથે બંધાયેલો પ્રેમસંબંધ સમયની સાથે વધારે સુંદર બનતો જાય છે. કામનું પણ એવું જ છે. તમે કરેક્ટ ફિલ્ડમાં હશો તો સમયની સાથે નિખરતા જશો."
સ્ટીવ જોબ્સના મૃત્યુ પછી એક અદ્ભુત ડોક્યુમેન્ટરી બની હતી - 'બિલિયન ડોલર હિપ્પી'. એકાદ કલાકની આ ફિલ્મમાં સ્ટીવના દોસ્તો, પરિવારના લોકો, કલીગ્ઝ વગેરેએ જે વાતો કહી છે એમાંથી એમનું લાર્જર-ધેન-લાઇફ વ્યક્તિત્વ કમાલનું ઉપસ્યું છે. શ્વાસ અધ્ધર કરીને જોતા રહેવાનું મન થાય એવી આ મોટિવેશનલ ડોક્યુમેન્ટરી યુ-ટયૂબ અવેલેબલ છે. જરૂર જોજો, જો હજુ સુધી ન જોઈ હોય તો.
0 0 0
No comments:
Post a Comment