Tuesday, January 13, 2015

ટેક ઓફ : દિલ, દોસ્તી અને પતંગ

Sandesh - Ardh Saptahik Purti - 14 Jan 2014

ટેક ઓફ 

ખાલેદ હોસેનીની 'ધ કાઇટ રનરનવલકથાએ દુનિયાભરના વાચકોનાં દિલ જીતી લીધાંપણ પુસ્તક પરથી બનેલી ફિલ્મથી અફઘાનિસ્તાનમાં મોટી કોન્ટ્રોવર્સી ઉભી થઈ


જે મકરસંક્રાંતિ નિમિત્તે એક એવા પુસ્તકની વાત કરવી છે, જેના મૂળમાં પતંગ સાથે સંકળાયેલી એક ઘટના છે. તે છે ખાલેદ હોસેની લિખિત બેસ્ટસેલર અંગ્રેજી નવલકથા 'ધ કાઇટ રનર'. અફઘાનિસ્તાનમાં જન્મેલા અને અમેરિકામાં સ્થાયી થયેલા ખાલેદની આ સૌથી પહેલી નવલકથા. ૨૦૦૩માં તે પ્રકાશિત થઈ ત્યારે ખાલેદ ૩૮ વર્ષના હતા. 'ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ'ના બેસ્ટસેલર લિસ્ટમાં 'ધ કાઇટ રનર' બે વર્ષ કરતાંય વધારે સમય સુધી અડિંગો જમાવીને બેસી રહી હતી. એકલા અમેરિકામાં જ એની ૭૦ લાખ નકલો વેચાઈ ચૂકી છે. ૩૮ દેશોની ૪૨ ભાષાઓમાં તેના અનુવાદો થયા છે. ૨૦૦૭માં પુસ્તક પરથી આ જ ટાઇટલ ધરાવતી સુંદર ફિલ્મ બની, જેે સારી એવી વખણાઈ. માર્ક ફોરસ્ટરે ડિરેક્ટ કરેલી આ ફિલ્મને ઓસ્કર તેમજ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્ઝનાં નોમિનેશન્સ પણ મળ્યાં. અફઘાનિસ્તાનમાં જોકે આ ફિલ્મે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પેદા કરી નાખી હોવાથી તેેને બેન કરવી પડી હતી. એવું તે શું છે આ નવલકથામાં?
ખાલેદ હોસેની આમ તો ક્વોલિફાઇડ ડોક્ટર છે. ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરતા ખાલેદને લખવાનો નાનપણથી જ ખૂબ શોખ. ૧૯૯૯માં એમણે છાપામાં સમાચાર વાંચ્યા કે કટ્ટર તાલિબાનોએ તેમના વતન અફઘાનિસ્તાનમાં પતંગ ચગાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ખાલેદના મનમાં આ વાત ઘર કરી ગઈ. બાળપણમાં એમણે કાબુલમાં ખૂબ પતંગો ચગાવ્યા હતા. પેલી ન્યૂઝ આઇટમને કેન્દ્રમાં રાખીને એમણે પચીસ પાનાંની એક ટૂંકી વાર્તા લખી. તેમાં પતંગ ચગાવવાનો ગાંડો શોખ ધરાવતાં બે અફઘાની ટાબરિયાંઓની વાત હતી. નવલિકાને આખરી ઓપ આપીને ખાલેદે 'એસ્ક્વાયર' અને 'ધ ન્યૂ યોર્કર' નામનાં પ્રતિષ્ઠિત અમેરિકન મેગેઝિનોમાં મોકલી તો આપી, પણ બન્ને જગ્યાએથી વાર્તા સાભાર પરત થઈ. લેખકશ્રીએ તે વખતે બન્ને સામયિકોના સંપાદકોને મનોમન સખત ગાળો આપી હશે, પણ એમને ક્યાં ખબર હતી કે વાર્તાનો અસ્વીકાર કરીને આ સંપાદકોએ અજાણતાં કેટલો મોટો ઉપકાર કરી નાખ્યો છે! ખેર, ખાલેદ પછી તો આખી વાત જ ભૂલી ગયા ને પોતાની મેડિકલ પ્રેક્ટિસમાં બિઝી થઈ ગયા.
બે વર્ષ બાદ ગેરેજમાં પડેલા જૂના પટારામાંથી અચાનક પેલી વાર્તાની હસ્તપ્રદ એમના હાથમાં આવી ગઈ. એક દોસ્તે વાર્તા વાંચીને ફીડબેક આપતાં કહ્યું: મસ્ત સ્ટોરી છે, પણ તેં આને પચીસ પાનાંમાં શું કામ પૂરી કરી નાખી? જરા લંબાવને. આના પરથી તો આખી નવલકથા બની શકે તેમ છે! ખાલેદને આઇડિયા ગમી ગયો. તેઓ મંડયા વાર્તાને વિસ્તારવા. નવલકથા જેમ જેમ લખાતી ગઈ તેમ તેમ વધુ ગંભીર, વધુ વેધક, વધુ પીડાદાયી બનતી ગઈ. નવલકથા લખવાની શરૂ કરી એના છઠ્ઠે મહિને ન્યૂ યોર્કના ટ્વિન ટાવર પર નાઇન-ઇલેવન તરીકે જાણીતો બનેલો અકલ્પ્ય આતંકવાદી હુમલો થયો. એકલું અમેરિકા જ નહીં, આખું વિશ્વ હલી ગયું. નાઇન-ઇલેવન પછીનાં વર્ષોમાં જાણે કે દુનિયાનો આખો માહોલ બદલી ગયો, પણ 'ધ કાઇટ રનર'ના પ્રકાશન માટે યોગાનુયોગે આ પરફેક્ટ ટાઇમિંગ હતું.
આગળ વધતા પહેલાં 'ધ કાઇટ રનર'ની કથાવસ્તુ ટૂંકમાં જોઈ લઈએ. કાબુલ શહેરમાં અમીર અને હસન નામના બે પાક્કા ભાઈબંધો રહે. અમીર ઊંચા વર્ણની પુશ્તુ જાતિનો અને હસન નીચો વર્ણ ગણાતી હઝારા જાતિનો. બન્નેની ઉંમર હશે આઠ-નવ વર્ષ. અમીર સ્વભાવે ભીરુ, પણ હસન હિંમતવાળો અને બિન્ધાસ્ત. હસનના પિતા અમીરના ઘરમાં નોકર તરીકે કામ કરતા. અમીરના પિતા જોકે બન્ને છોકરાઓને સરખું વહાલ કરે છે. હસન કાબેલ 'કાઇટ રનર' છે. અમીર કોઈનો પતંગ કાપે એટલે હસન તીર ગતિથી દોટ મૂકીને પતંગ બીજા કોઈના હાથમાં આવે તે પહેલાં પકડી લે. દોડતી વખતે આકાશ તરફ જોયા વગર જમીન પર પડતા પતંગના પડછાયા પરથી પાક્કો અંદાજ બાંધી લે કે પતંગ જમીન પર એક્ઝેક્ટલી ક્યાં પડશે.  


એક વાર પાડોશમાં રહેતા આસેફ નામના મવાલી ટાઇપના મોટા છોકરાએ અમીરની મશ્કરી કરીઃ સાલા, પુશ્તુ થઈને હસન જેવા હલકી જાતિના છોકરા સાથે રમે છે? આસેફે અમીર પર હુમલો કરવાની કોશિશ કરી, પણ હસન વચ્ચે પડયોઃ ખબરદાર, અમીરને કશું કર્યું છે તો ગિલોલથી તારી આંખ ફોડી નાખીશ! સહમી ગયેલા આસેફે મનોમન ગાંઠ વાળી લીધી કે આ હસનના બચ્ચાને છોડીશ નહીં. થોડા દિવસ હસન કપાયેલા પતંગને લઈને ગલીમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ગિન્નાયેલો આસેફ પોતાના મળતિયાઓ સાથે હસન પર તૂટી પડયો. વાત માત્ર માર મારવાથી અટકી નહીં. આસેફે હસન પર બળાત્કાર કર્યો. બારી પાસે ઊભો ઊભો આ બધંુ જોઈ રહેલો અમીર એવો તો થીજી ગયો કે દોસ્તને બચાવવા એના મોંમાંથી એક અક્ષર સુધ્ધાં ન નીકળ્યો. અમીરને પછી ખુદના કાયર વર્તાવથી બહુ શરમ આવી. હસનને જોતાં જ એના મનમાં ગિલ્ટી પેદા થઈ જતી. એ હસનથી દૂર-દૂર રહેવા માંડયો. એના પર ચોરીનો ખોટો આક્ષેપ સુધ્ધાં મૂક્યો. આ સ્થિતિ જોકે લાંબો સમય ન ચાલી. હસનના પિતા અમીરના ઘરની નોકરી છોડીને પરિવાર સહિત કશેક જતા રહ્યા. પાંચ વર્ષ પછી, ૧૯૭૯માં અફઘાનિસ્તાનમાં ઉધામો મચાવી રહેલા આતંકવાદી તત્ત્વોને અંકુશમાં લેવા સોવિયેત રશિયાએ દરમિયાનગીરી કરી ત્યારે અસ્થિરતાભર્યા માહોલમાં અમીર પણ માતા-પિતા સાથે ઉચાળા ભરીને વાયા પાકિસ્તાન થઈને આખરે અમેરિકામાં સેટલ થઈ ગયો. પુસ્તકનો ફર્સ્ટ એક્ટ અહીં પૂરો થાય છે.
પછી ઘણું બધંુ બને છે. અમીર મોટો થઈને લેખક બને છે. નાનપણમાં પોતે જે કાયરતા આચરી હતી તે વાતનો અપરાધભાવ તેના ચિત્તમાંથી ખસતો નથી. એને ખબર પડે છે કે તાલિબાનોના કબજામાં આવી ગયેલા અફઘાનિસ્તાનમાં હસન અને એની પત્નીની હત્યા થઈ ગઈ છે. એમનો એકનો એક દીકરો સોહરાબ અનાથાશ્રમમાં મોટો થઈ ગયો છે. પેલો આસેફ તાલિબાની બની ગયો છે અને નિયમિતપણે સોહરાબનું જાતીય શોષણ કરે છે. બીજું ધ્રુજાવી મૂકતું સત્ય પણ એની સામે આવે છેઃ હસન એનો ભાઈ હતો, બન્નેના બાયોલોજિકલ પિતા એક જ છે! અંતમાં અમીર આખરે અફઘાનિસ્તાન જાય છે અને સોહરાબને શોધીને એને દત્તક લે છે. બાળપણની આચરેલી કાયરતાનું આ સૌથી મોટું પ્રાયશ્ચિત્ત છે.
ખાલેદ હોસેનીની 'ધ કાઇટ રનર' નવલકથા સુપરહિટ થઈ એનું મુખ્ય કારણ એ છે કે તેણે પશ્ચિમના વાચકોની સામે પહેલી વાર અફઘાની કલ્ચરનું અસરકારક ચિત્ર પેશ કરી આપ્યું. પુસ્તકમાં અફઘાનિસ્તાનના ત્રણ દાયકાનો ઇતિહાસ વણાઈ ગયો છે, જેમાં સોવિયેત રશિયાની દરમિયાનગીરી પણ આવી ગઈ અને નાઇન-ઇલેવન પછી અમેરિકાએ તાલિબાનો સામે છેડેલું યુદ્ધ પણ આવી ગયું. વળી, દોસ્તી, ગિલ્ટી, પ્રાયશ્ચિત્ત, બાપ-દીકરાના સંબંધ વગેરે યુનિવર્સલ અપીલ ધરાવતાં એવાં તત્ત્વો છે જે વાચકોેને સ્પર્શ્યા વગર ન રહે.

અફઘાનિસ્તાનમાં આ પુસ્તક પરથી બનેલી ફિલ્મને લીધે હંગામો થઈ ગયો તેનાં બે-ત્રણ કારણો હતાં. એક તો, તાલિબાનોને એ વાંધો પડી ગયો કે તાલિબાની આસેેફને હોમોસેક્સ્યુઅલ અને બાળકોનું જાતીય શોષણ કરતો ડ્રગિસ્ટ કેમ બતાવ્યો છે? પુશ્તુ પ્રજાને એ વાંધો પડી ગયો કે અમને શોષણકર્તા અને હઝારા પ્રજાને બિચારી કેમ દેખાડી છે? પુશ્તુ જાતિનો આસેફ હઝારા જાતિના હસન પર રેપ કરે છે તે ૩૦ સેકન્ડના સીનને કારણે સૌથી વધારે વિવાદ પેદા થઈ ગયો. ફિલ્મમાં કામ કરનાર ત્રણ પૈકીના એક પુશ્તુ બાળકલાકારને હઝારા જૂથ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી. પરિસ્થિતિ એટલી સ્ફોટક બની ગઈ હતી કે ત્રણેય ચાઇલ્ડ આર્ટિસ્ટોના જીવ સલામત રહે તે માટે તેમને અફઘાનિસ્તાનથી બીજા દેશમાં શિફ્ટ કરવા પડયા. દેશમાં બે પ્રજા વચ્ચે કોમી રમખાણો ફાટી ન નીકળે તે આશયથી અગમચેતીનાં પગલાં રૂપે ફિલ્મના સ્ક્રીનિંગ પર અને તેની ડીવીડીના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. વક્રતા જુઓ, પુસ્તક બહાર પડયું ત્યારે અફઘાનિસ્તાનમાં કોઈ કોન્ટ્રોવર્સી પેદા નહોતી થઈ,પણ ફિલ્મે હંગામો ખડો કરી દીધો. સારઃ પુસ્તક કરતાં સિનેમા વધારે અસરકારક માધ્યમ છે. કમ સે કમ 'ધ કાઇટ રનર'ના કેસમાં તો એવું જ પુરવાર થયું!
'ધ કાઇટ રનર' નવલકથાએ ખાલેદ હોસેનીને સેલિબ્રિટી રાઇટર બનાવી દીધા. ડોક્ટરનો વ્યવસાય સમૂળગો છોડીને તેઓ ફુલટાઇમ લેખક બની ગયા. ક્રમશઃ તેમની બે ઔર સફળ નવલકથાઓ આવી- 'અ થાઉઝન્ડ સ્પ્લેન્ડિડ સન્સ' (મા-દીકરીના સંબંધ વિશે વાત કરતી આ નોવેલ પરથી બનેલી ફિલ્મ આ વર્ષે રિલીઝ થશેે) અને 'એન્ડ ધ માઉન્ટન ઇકોડ'. અંગ્રેજી નવલકથાઓ વાંચવાનો શોખ અને મહાવરો હોય તો 'ધ કાઇટ રનર' જરૂર વાંચવા જેવી છે. કમ સે કમ યુ ટયૂબ પર જઈને ફિલ્મનાં ક્લિપિંગ્સ તો ચોક્કસ જોજો.
                                              0 0 0     

1 comment:

  1. ફિલ્મ જોઈ નથી એટલે એની અસરકારકતા વિશે બહુ ખબર નથી પરંતુ પુસ્તક અદભુત હતું. મને હજુ યાદ છે કે બેંગ્લુરુની જયા નગરની માર્કેટમાંથી મેં એ પુસ્તક ખરીદેલું અને માસ કોમ્યુનિકેશનના અભ્યાસ વખતે યુનિવર્સિટી હોસ્ટેલમાં એ વાંચેલું. પુસ્તકમાં વર્ણનો એવા ધારદાર કરવામાં આવ્યાં છે કે પુસ્તક વાંચતી વખતે અને વંચાઈ ગયા બાદ પણ દિવસો સુધી મને એના દૃશ્યોના સપના આવેલા! હવે ફિલ્મ જોવાની ઈચ્છા થઈ છે. મળી જાય તો સારું! અદભુત લેખ!

    ReplyDelete