Thursday, December 11, 2014

વાંચવા જેવું : અશ્ર્વિની ભટ્ટે શા માટે ‘ચિત્રલેખા’માં નવલકથા ન લખી?


ચિત્રલેખા - અંક તા. 1 ડિસેમ્બર ૨૦૧૪
 કોલમ: વાંચવા જેવું




હા, તો અશ્ર્વિની ભટ્ટ જેવા પોપ્યુલર લેખકે ‘ચિત્રલેખા’ જેવાં લોકપ્રિય સામયિકમાં શા માટે એક પણ ધારાવાહિક નવલકથા ન લખી?

 અસંખ્ય વાચકોના મનમાં કાયમ ખદબદ ખદબદ થતા કરતા આ સવાલનો જવાબ આખરે વિનોદ ભટ્ટે એમના મસ્તમજાના લેટેસ્ટ પુસ્તક ‘તમે યાદ આવ્યાં’માં આપી દીધો છે. આગળ વધતા પહેલાં સૌથી પહેલાં તો એ સાંભળી લો:

 ‘બજારમાં બીજા કયા કયા પ્રજાપ્રિય લેખકો છે એની હરકિસન મહેતા ખબર રાખતા ને ‘ચિત્રલેખા’માં લખવાનું કહેણ પણ મોકલતા. એકવાર તે અમદાવાદ હતા. મને કહે કે આપણે અશ્ર્વિની ભટ્ટને મળવું છે. મારે ત્યાં સાંજે મુલાકાત ગોઠવી. ચંદ્રકાંત બક્ષી, શેખાદમ આબુવાલા, અશ્ર્વિી ભટ્ટ અને હરકિસનભાઈ. હરકિસનભાઈ મને બીજા રુમમાં લઈ ગયા. પૂછ્યું: ‘જો વિનોદ, મેં અશ્ર્વિનીનું કશું વાંચ્યું નથી. તારો નિખાલસ મત જાણવો છે, તેને ‘ચિત્રલેખા’માં શરુ કરી શકાય?’ મેં તેમને હળવાશથી જણાવ્યું: ‘મારો પ્રામાણિક અભિપ્રાય એવો છે કે તમે એક વાર તેની વાર્તા ‘ચિત્રલેખા’માં શરુ કરશો તો તમારી છુટ્ટી થઈ જશે. વાચકો તેને વાંચતા થઈ જશે.’ મારી સામે લાક્ષાણિક હાસ્ય વેરતાં તે બોલ્યા: ‘તો તો ભારે પડી જાય, પણ ‘ચિત્રલેખા’ના વાચકો ફાવી જતા હોય તો અશ્ર્વિનીને છાપવા આપણે રાજી છીએ.’ અશ્ર્વિની સાથે વાત કરી, પણ તેની નવલકથા ‘સંદેશ’માં ચાલતી હતી. એટલે ‘સંદેશ’ના માલિક ચીમનભાઈ પટેલે ના પાડી દીધી. ત્યાર બાદ અશ્ર્વિની ‘અભિયાન’માં નવલકથા લખતો. પણ હરકિસનભાઈએ તેની સાથે છેક સુધી હૂંફાળો સંબંધ રાખેલો. તેમની દીકરી સ્વાતિનાં લગ્નમાં અમારી સાથે અશ્ર્વિનીનેય આગ્રહ કરીને તેડાવેલો ને બધાંનો પરિચય આપતાં તે કહેતા કે આ અશ્ર્વિની ભટ્ટ છે, મારો નાનો ભાઈ છે. મારા પછી નવલકથાકાર તરીકે મારી ગાદી તેણે સંભાળવાની છે.’

 આટલું લખીને વિનોદ ભટ્ટ ટમકું મૂકી દે છે: ‘નોવેલિસ્ટ લેખે પોતે નંબર વન છે એ બાબતે હરકિસન મહેતાના મનમાં લેશમાત્ર શંકા નહોતી!’

 આ એક કિસ્સામાં મજા પડી ગઈ હોય તો સમજી લો કે ‘તમે યાદ આવ્યાં’ પુસ્તકમાં આવી વિનોદી અને ‘અંદરની’ વાતોનો આખો ભંડાર છે. એક રીતે આ પુસ્તક ‘વિનોદની નજરે’ની સિક્વલ જેવું છે. ૩૫ વર્ષ પહેલાં પ્રગટ થયેલાં આ યાદગાર અને વિવાદાસ્પદ પુસ્તકમાં લેખકે પચ્ચીસ ગુજરાતી સાહિત્યકારોનાં અતિ રમૂજી છતાંય છોતરાંફાડ વ્યક્તિચિત્ર આલેખ્યાં હતાં. એમાંના પંદર સાહિત્યકારો આજે આપણી વચ્ચે હયાત નથી. ‘તમે યાદ આવ્યાં’માં ચંદ્રકાંત બક્ષી, જ્યોતીન્દ્ર દવે અને શેખાદમ આબુવાલા વિશે નવેસરથી લખાયું છે. બાકીના ૨૭ નામ નવાં છે.  

 ઉદાહરણ તરીકે, સુરેશ જોષી. લેખક લખે છે કે, ‘અન્ય સાહિત્યકારોના મુકાબલે એક વાતે તે (સુરેશ જોષી) ઘણા આગળ હતા, તેમના શત્રુઓની સંખ્યા બીજાઓની સરખામણીમાં અનેક ગણી મોટી. દુશ્મનો બનાવવાની બાબતમાં તે સ્વાવલંબી હતા. ચંદ્રકાંત બક્ષીને આ કળા વિકસાવવાની પ્રેરણા સુ.જો.માંથી જ સાંપડી હશે એવું આ લખનાર માને છે - બક્ષીના તે પૂર્વસૂરિ ગણાય.’

 સુરેશ જોષી પોતાનું લખેલું પુસ્તક ફાડતા નહીં. હા પુસ્તક આખેઆખું રદ કરતા ખરા. સુ.જો.નો ‘ઉપજાતિ’ નામે કાવ્યસંગ્રહ પ્રગટ થયો હતો. એ પ્રગટ થયાનાં થોડાંક વર્ષો પછી એ કાવ્યો તેમને બરાબર  નહીં લાગ્યાં એટલે તેમણે જાહેર કર્યું: ‘આથી મારો એ સંગ્રહ રદ કરું છું.’ આ વાંચીને ચુનીલાલ મડિયાથી બોલ્યા વગર ન રહેવાયું: ‘ભાઈ, તમે આજે રદ કરો છો? અમે તો કેદિ’નો કરી નાખ્યો છે...

Harkisan Mehta (seated, right) with Chandulal Selarka and Chandrakant Bakshi (seated, left)


 ચંદ્રકાંત બક્ષીના વ્યક્તિત્ત્વમાં કમાલની એન્ટરટેનિંગ વેલ્યુ આજે પણ વર્તાતી હોય તો એ જ્યારે જીવતા હતા ત્યારે તો વાત જ શી કરવી. એ પ્રવચન આપવા જાય ત્યારે કલાક દોઢ-કલાકથી ઓછું ન બોલે. એ વિનોદ ભટ્ટ લખે છે:

 ‘બક્ષીને પાછું એવું ખરું કે વિષય ગમે તે હોય, તેમને બોલવું હોય એ જ બોલે, રત એટલી કે પ્રેક્ષકોને મજા આવવી જોઈએ... કલકત્તા સાથે જોડાણ હોવાથી બક્ષીબાબુને શરદબાબુની નવલકથા પર બોલવાનું સૂચવાયેલું. બક્ષીબાબુએ શરુ કર્યું, ‘શરદબાબુ આજકાલ આઉટડેટેડ થઈ ગયા છે. તમને શરદબાબુની વાર્તામાં ખાસ ઈન્ટરેસ્ટ નહીં પડે. આજે હું તમને મજા પડે તેવા રાઈટર ચંદ્રકાંત બક્ષીની વાત કરીશ.’ અને લગભગ ૭૦થી ૮૦ મિનિટ સુધી તેમણે પોતાની કેફિયત રજૂ કરી દીધી હતી... બીજી એક બિનસાહિત્યિક સભામાં બક્ષીજીએ ફાળવેલ સમય કરતાં ખાસ્સું લાં...બું બોલ્યા. લાંબુ બોલવાનું કારણ આપતાં નામદાર રાજ્યપાલ, મુખ્યમંત્રી વગેરે તરફ આંગળી ચીંધી શ્રોતાઓને તેમણે જણાવ્યું પણ ખરું, ‘તમે આ લોકોને નહીં, મને સાંભળવા આવ્યા છો.

 આટલું કહીને ભટ્ટજી સહેજ ઈમોશનલ થઈને ઉમેરે છે કે, ‘આજે આપણી પાસે બક્ષી તો શું, એમનો ડુપ્લિકેટ પણ નથી!’

 હરીન્દ્ર દવેનો એક કિસ્સો ખૂબ મજાનો છે. ભાવનગરથી એ નવા નવા મુંબઈ આવેલા. અહીંનું વાતાવરણ, એટિકેટ એમને માટે સાવ અજાણ્યું. જિંદગીમાં ગોળપાપડી, લાડુ જેવા મિષ્ઠ પદાર્થનો સ્વાદ માણેલો, પણ કેક એમણે મુંબઈની એક પાર્ટીમાં પહેલી વાર જોઈ. કેક હાથમાં લીધી તો ખરી, એ કેવી રીતે ખવાય એની ખબર ન પડે. ગોળ કેકની નીચે કાગળ હતો. ગામડિયામાં ગણતરી થઈ જશે એવા ડરથી આજુબાજુ કોઈને પૂછ્યું નહીં અને હરીન્દ્ર કાગળ સહિત કેક ખાઈ ગયા! આ કિસ્સો એમણે સ્વયં સુરેશ દલાલને  સંભળાવ્યો હતો. આ કિસ્સો ટાંકીને સુરેશ દલાલ પછી ઉમેરતા કે, ‘આ કાગળ સાથે કેક ખાઈ ગયો ત્યારથી એની કવિતાના કાગળમાં આટલું ગળપણ આવ્યું છે.’

 હરીન્દ્ર દવેને યાદ કરીએ ત્યારે એમના સિયામીઝ ટ્વિન જેવા સુરેશ દલાલને ન સંભારીએ કેમ ચાલે. વિનોદ ભટ્ટ લખે છે:

 ‘હું તેમને ઓળખતો થયો ત્યારથી તેમને મેં કાયમ જ જોયા છે. ક્યારેક તો મને એવું પણ લાગતું કે તે સફારી સાથે જ જન્મ્યા હશે! સફારીના ખિસ્સાં તે મોટાં રાખતા, માત્ર પોકેટ બુક્સ જ નહીં, મોટું પુસ્તક પણ તેમાં સમાઈ શકે એટલાં મોટાં... પોતાની ફાંદ તરપ ઈશારો કરીને કહેતા: ‘મારી આ ગાગર ઉતારો તો જાણું...’ તેમની કોઈ તંદુરસ્ત ટીખળ કરે તો તે ખેલદિલીથી હસી નાખતા. થોડાં વર્ષો પહેલાં તેમના ભાઈ અરવિંદ દલાલ કોઈને કહેતા હતા કે સુરેશ હમણાં ટીવી પર કાર્યક્રમ માટે જતો નથી, એનું કારણ એ છે કે તે એટલો બધો જાડો થઈ ગયો છે કે તેને જોવા હવે બે ટીવી ભેગાં કરીએ ત્યારે માંડ આખો જોઈ શકાય છે.

 ગુણવંત શાહ અને સુરેશ દલાલ વચ્ચે સરસ ભાઈબંધી. ગુણવંત શાહને હૃદયરોગનો જોરદાર હુમલો આવ્યો ને તે એમાંથી બચી ગયા ત્યારે સુરેશ દલાલની પ્રતિક્રિયા આવી હતી: ‘ગુણવંત નહીં, ખરેખર તો આપણે બચી ગયા!’

 આ સિવાય પણ કેટલાં બધાં પ્રભાવશાળી નામોને આવરી લેવાયાં છે અહીં. મુનશી, કલાપી, ગોવર્ધનરામ, કાન્ત, નર્મદ, ટાગોર, મરીઝ,  રાજેન્દ્ર શાહ વગેરે ઉપરાંત અહીં અમૃતા પ્રીતમ, શેક્સપિયર અને બર્નાર્ડ શૉને પણ આવરી લેવાયા છે.                                                                                     0 0 0


 ‘તમે યાદ આવ્યાં’ 
 લેખક: વિનોદ ભટ્ટ
પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ-૧
 ફોન: (૦૭૯) ૨૨૧૪ ૪૬૬૩
 કિંમત:  ‚. ૨૫૦ /
 પૃષ્ઠ: ૧૮૪


1 comment:

  1. મજા આવી શિશિરભાઈ. અશ્વિનીદાદા વિષે આપણા ફેસબુકના 'આકંઠ અશ્વિની' ગ્રુપમાં કંઈક લખો તેવી વિનંતી છે. લખશોને?

    ReplyDelete