Tuesday, November 18, 2014

ટેક ઓફ: લૂગડાંનો માણસ, લાકડાંનો માણસ

Sandesh - Ardh Saptahik Purti - 19 Nov 2014
ટેક ઓફ 
અમુક વ્યક્તિ બસ, હોય છે. હંમેશાં.  હવાની જેમ અથવા નિયમિત ઊગતા સૂરજની જેમ અથવા દરિયા પર ખેંચાયેલી વક્રાકાર ક્ષિતિજ રેખાની જેમ. એમના ન હોવાની શક્યતા મનમાં સળવળતી સુધ્ધાં નથી. તેથી જ છેલભાઈના મૃત્યુના સમાચાર દિમાગને પ્રોસેસ કરતા ખાસ્સી વાર લાગી. છેલભાઈ હવે નથી, એટલે? જો ગુજરાતી રંગભૂમિ હોય તો છેલભાઈ હોય જ. પોતાના કાર્યક્ષેત્રના સમાનાર્થી બનવા માટે કઈ કક્ષાની પ્રતિભા અને પ્રતિબદ્ધતાની જરૂર પડતી હોય છે?


મુક વ્યક્તિ વાતાવરણ જેવી હોય છે. તેઓ બસ હોય છે. હવાની જેમ અથવા નિયમિત ઊગતા સૂરજની જેમ અથવા દરિયા પર ખેંચાયેલી વક્રાકાર ક્ષિતિજ રેખાની જેમ. તેમના અસ્તિત્વથી આપણે એટલી હદે ટેવાઈ ગયા હોઈએ છીએ કે એમના ન હોવાની શક્યતા મનમાં સળવળતી સુધ્ધાં નથી. તેથી જ ગયા સપ્તાહે છેલભાઈના મૃત્યુના સમાચાર આવ્યા ત્યારે દિમાગને એ માહિતી પ્રોસેસ કરતા ખાસ્સી વાર લાગી. છેલભાઈ હવે નથી, એટલે? જો ગુજરાતી રંગભૂમિ હોય તો છેલભાઈ હોય જ. પોતાના કાર્યક્ષેત્રના સમાનાર્થી બનવા માટે કઈ કક્ષાની પ્રતિભા અને પ્રતિબદ્ધતાની જરૂર પડતી હોય છે?
છેલભાઈ આણંદજી વાયડા. આ નામ કદાચ આંખ-કાનને અપરિચિત લાગી શકે, પણ ગુજરાતી રંગભૂમિ પર કલા, સંનિવેશ કે સેટ ડિઝાઇનિંગ સાથે દાયકાઓથી એકરૂપ બની ગયેલા છેલ-પરેશનાં નામ અને કામથી પ્રત્યેક સભ્ય ગુજરાતી વાકેફ છે. છેલભાઈ એટલે આ વિખ્યાત જોડીનું અડધું અંગ. આવતી બીજી ફેબ્રુઆરીએ તેઓ ૭૯મા વર્ષમાં પ્રવેશ કરવાના હતા. ત્રણ-સાડાત્રણ વર્ષ પહેલાં મુંબઈવાસી છેલભાઈએ એમના અંધેરીસ્થિત ઘરે મોજપૂર્વક પોતાની જીવન કિતાબનાં પાનાં ખોલ્યાં હતાં તે આ ક્ષણે મમળાવવાનું મન થાય છે.
"સેટ ડિઝાઇનરે માત્ર ઇન્ટીરિયર ડિઝાઇનિંગ નથી કરવાનું, એણે હિસ્ટ્રી ઓફ આર્ટ પણ જાણવી પડે." છેલભાઈએ કહેલું, "જેમ કે,તમે રબારીનું ઘર બતાવો તો સ્ટીલનાં વાસણો ન ચાલે. રબારીનાં વાસણો કાંસાનાં જ હોય. આપણે ત્યાં દરેક કોમનું આગવું ભરતકામ છે. સુથાર અને લુહાર સફેદ કપડાં પર ભરતકામ કરશે, જ્યારે ચારણ રંગીન કપડાં પર."
છેલભાઈની આંખોમાં હંમેશાં સામેના માણસને પારખી લેતી તીક્ષ્ણતા જોવા મળતી. એમનો ક્રોધ કોઈ પણ ક્ષણે ફૂટી નીકળે. પછી બીજી જ પળે ખુલ્લા દિલે ખડખડાટ હસી પડે. એમનું એનર્જીલેવલ જોઈને નવજુવાનિયાઓ પણ નવાઈ પામી જાય. સિત્તેર પાર કરી ચૂકેલો માણસ પોતાના કામને ભરપૂર પ્રેમ કરતો હોય તો જ શારીરિક-માનસિક રીતે આટલો ઊર્જાવાન રહી શકે. પાંચ દાયકાથી સતત કાર્યરત રહેલા છેલભાઈએ એકધારાં એટલાં બધાં નાટકોના સેટ બનાવ્યા છે કે તેઓ ખુદ પોતાનાં નાટકોના લેટેસ્ટ આંકડાનો ટ્રેક રાખી શકતા નહોતા. ૧૯૬૦ના દાયકાના કાંતિ મડિયા અને પ્રવીણ જોશીથી લઈને હાલના કમલેશ ઓઝા તેમજ પ્રીતેશ સોઢા સુધીના ચાર-ચાર પેઢીના પચાસેક ડિરેક્ટરો સાથે તેઓ કામ કરી ચૂક્યા છે. એમનાં નાટકોનો અંદાજિત આંકડો ૬૦૦ને વટાવી ગયો છે.


દ્વારકામાં જન્મેલા છેલભાઈ સેટ ડિઝાઇનર કેવી રીતે બન્યા? મુંબઈની જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં એડમિશન મળ્યું એટલે ભૂજમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી)ના આસિસ્ટન્ટ ડ્રાફ્ટમેનની નોકરી કરી રહેલા છેલભાઈ માયાનગરીમાં મોટા ભાઈને ત્યાં આવી ગયા. ૧૯૬૦નું એ વર્ષ. એમને રોજના બે રૂપિયા મળે. એમાંથી પચાસ પૈસાની રાઇસ પ્લેટ, પચીસ પૈસાનું ચાર મિનાર સિગારેટનું પાકીટ, લોકલ ટ્રેનનું ભાડું, ડ્રોઇંગનો સામાન આ બધું તાણીતૂસીને મેનેજ કરવાનું. એમની દોસ્તી અશોક નામના એક છોકરા સાથે થઈ, જે ફર્સ્ટ યરમાં બે વખત નાપાસ થઈ ચૂક્યો હતો. અશોકને જે કામ અઘરું લાગે તે છેલભાઈને રમતવાત લાગે. બન્ને વચ્ચે 'ડીલ' થઈ. છેલભાઈ અશોકને ભણવામાં મદદ કરે ને બદલામાં અશોક એમને ડ્રોઇંગનું બધું મટીરિયલ પૂરું પાડે, ચા-નાસ્તો કરાવે, જમાડે. ટૂંકમાં, છેલભાઈના જ શબ્દોમાં, "જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સનાં ચાર વર્ષ દરમિયાન એમને અશોક તરફથી 'સીધું-સામગ્રી'નો પ્રબંધ થઈ ગયો."
એક વાર મુંબઈની લોકલ ટ્રેનમાં હની છાયા સાથે આકસ્મિક મુલાકાત થઈ ગઈ. હની છાયાને એમણે 'મેંદી રંગ લાગ્યો' ફિલ્મમાં અભિનેતા રૂપે જોયા હતા. વાતવાતમાં છેલભાઈએ કહ્યું કે મારી મૂળ ઇચ્છા તો આર્ટ ડિરેક્ટર બનવાની છે. હની છાયાએ એમને રંગભૂમિ નાટય એકેડેમીની ઓપેરા હાઉસસ્થિત ઓફિસે આવવા કહ્યું. અહીં સિનિયર એક્ટર વિષ્ણુુકુમાર વ્યાસ પ્રિન્સિપાલ હતા અને હની છાયા પ્રોફેસર. છેલભાઈને એકેડેમીમાં ફ્રીશિપમાં એડમિશન મળ્યું. આ હતો એમનો રંગભૂમિનો પહેલો સ્પર્શ.
૧૯૬૪માં સ્ટેટ લેવલની નાટયસ્પર્ધામાં રંગભૂમિ નાટય એકેડેમી તરફથી મુકાયેલું 'પરિણીતા' છેલભાઈનું ઇન્ડિપેન્ડન્ટ સેટ ડિઝાઇનર તરીકેનું સૌથી પહેલું ગુજરાતી નાટક. ઇન્ટરવલમાં જજ દીના પાઠકે એમના મસ્તક પર હાથ મૂકીને કહ્યું હતું: "ચિંતા ન કર, તારી સેટ ડિઝાઇન બેસ્ટ છે. ઇન્ટરવલ પછીનાં નાટકોમાં પણ આના કરતાં બહેતર ડિઝાઇન નહીં જ હોય." આ નાટકને સેટ ડિઝાઇનનું ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું. કોઈ ગુજરાતી નાટકને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું હોય એવો આ પહેલો પ્રસંગ હતો.
અખબારોમાં છેલભાઈનું કામ વખાણતાં લખાણો પ્રગટ થવા લાગ્યાં હતાં. ૧૯૬૫માં એક નિર્ણાયક ઘટના બની. જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં હાઉસ ડેકોરેશન શીખવતા એક પ્રોફેસરે છેલભાઈ સામે પ્રસ્તાવ મૂક્યોઃ "ચાલ, આપણે સાથે કામ કરીએ." છેલભાઈ અચકાયાઃ "સર, આપણે શી રીતે સાથે કામ કરી શકીએ?" પ્રોફેસરે કહ્યું: "તો મને તારો આસિસ્ટન્ટ બનાવી લે, બસ." આખરે ડિસેમ્બર, ૧૯૬૬માં બન્ને પાર્ટનર બન્યા. આ પ્રોફેસર એટલે પરેશ દરુ. છેલ-પરેશની મશહૂર જોડીનો બીજો હિસ્સો! એ વખતે 'મને સૂરજ આપો' નામનું નાટક સ્પર્ધા માટે સબમિટ થવાનું હતું. એમાં સેટ ડિઝાઇનર તરીકે છેલ વાયડાનું નામ હતું. છેલ્લી ઘડીએ'વાયડા' ભૂંસીને એની જગ્યાએ 'પરેશ' લખવામાં આવ્યું અને છેલ વાયડા, 'છેલ-પરેશ' બની ગયા. હંમેશ માટે.
સમય વીતતો ગયો ને ચંદ્રવદન ભટ્ટ, કાંતિ મડિયા, હની છાયા, વિજય દત્ત, પ્રવીણ જોશી, અરવિંદ જોશી, અરવિંદ ઠક્કર, શૈલેશ દવે જેવા દિગ્ગજો સાથે એક પછી એક નાટકો આવતાં ગયાં. તે વખતે આઈએનટી, રંગભૂમિ, નાટયસંપદા અને રંગમોહિની આ ચાર સંસ્થાઓ નાટકો બનાવતી. કાંતિ મડિયાનાં કુલ ૩૨ નાટકોમાંથી ૩૧ નાટકો છેલ-પરેશે કર્યાં છે. એક નાટક એટલા માટે ન કરી શક્યા કે છેલભાઈ તે અરસામાં લંડન હતા. તે નાટક જોકે એક જ શોમાં બંધ થઈ ગયું હતું. છેલભાઈએ કોઈ એક પ્રોડયુસરના સૌથી વધારે નાટકો કર્યાં હોય તો તે સંભવતઃ સંજય ગોરડિયા છે. સંજય ગોરડિયાનાં ૭૦માંથી ૬૨ નાટકો છેલ-પરેશે કર્યાં છે. છેલભાઈએ પોતે ડિઝાઇન કરેલાં નાટકોમાંથી કયાં નાટકોને ઓલટાઇમ ફેવરિટ ગણાવ્યાં હતાં? 'આતમને ઓઝલમાં રાખો મા', 'મુઠી ઊંચેરા માનવી', 'આંખની અટારી સાવ સૂની', 'બહોત નાચ્યો ગોપાલ' (આ ચારેય નાટકોના ડિરેક્ટર કાંતિ મડિયા) અને 'નોખી માટીના નોખા માનવી' (ડિરેક્ટર ગિરીશ દેસાઈ).

"હું ને મડિયા ખૂબ ઝઘડતા," છેલભાઈએ કહેલું, "હું રિસાઈ જાઉં, એ મનાવે. મારા વગર એને ચાલે જરાય નહીં. મડિયા સારા ક્રાફ્ટમેન હતા, જ્યારે પ્રવીણ જોશી પાસે સારું વિઝન હતું. પ્રવીણ નાટકની થીમ પ્રમાણે સેટ ડિઝાઇનર સિલેક્ટ કરતા. જેમ કે, '... અને ઇન્દ્રજિત' નામનું નાટક એમણે એમ.એસ. સથ્થુ પાસે ડિઝાઇન કરાવ્યું હતું. એ જમાનામાં નાટક બનાવનારા અમારી સાથે બેસતા, ડિસ્કસ કરતા. આખું નાટક પહેલેથી લખાઈને તૈયાર હોય. મુહૂર્ત વખતે આખું નાટક વંચાય. બધા ડિરેક્ટરોની આગવી શક્તિઓ હતી, પોતપોતાની શૈલી હતી. ખેલદિલીની ભાવના પણ એટલી જ. હરીફ ડિરેક્ટરનું કામ ગમે તો દિલથી વખાણે. ધીમે ધીમે અમે ઘડાતા ગયા. મંચ પર અમારે ત્રણ દીવાલો વડે દર્શકને ચાર દીવાલનો આભાસ કરાવવાનો હોય. વાત આખરે તો લૂગડાં અને લાકડાંની જ છેને. જયંતી દલાલે લખેલા એક સુંદર પુસ્તકનું શીર્ષક જ આ છે- 'કાયા લાકડાની, માયા લૂગડાંની.'"
છેલભાઈએ થોડી ફિલ્મો અને સિરિયલો પણ કરી છે, પણ તેમને ખરો સંતોષ રંગમંચ પરથી જ મળ્યો. તેમના પુત્ર સંજય છેલ હિન્દી સિનેમાના રાઇટર-ડિરેક્ટર ઉપરાંત ગુજરાતી અખબારોમાં કોલમનિસ્ટ છે. દીકરી અલ્પના ટીવી-રંગભૂમિનાં અભિનેત્રી છે અને એક્ટર-ડિરેક્ટર-મોડેલ જમાઈ મેહુલ બુચ પણ જાણીતો ચહેરો છે. 
ચિક્કાર કામ વડે જીવનને છલકાવી દેનાર છેલભાઈએ કહેલું: "બસ, એક જ મહેચ્છા છે. હું મૃત્યુ પામું પછી મને યાદ કરીને કોઈ એમ બોલે કે કલાજગતનો એક સિતારો ખરી પડયો, તો હું સંતોષ પામીશ. જોકે, આવું સાંભળવા અને સંતોષ પામવા હું હાજર નહીં હોઉં!" આ શબ્દો છેલભાઈની આંતરિક સરળતાની સાબિતી છે. એમના આ શબ્દો ચિત્તમાં જડી લેવા જેવા છેઃ "લગાવ અને નિષ્ઠા હશે તો કામથી ક્યારેય થકાતું નથી. આનંદ કરવો, કામચોરી ન કરવી!" 
વી વિલ મિસ યુ, છેલભાઈ.   
0 0 0 

No comments:

Post a Comment