Sandesh - Ardh Saptahik purty - 9 July 2014
ટેક ઓફ
માત્ર આઠ ચોપડી ભણેલા પન્નાલાલ પટેલ ગુજરાતી ભાષાના સર્વકાલીન શ્રેષ્ઠતમ સાહિત્યકારોમાં સ્થાન પામ્યા. આવા ચમત્કારો અન્ય ભારતીય ભાષાઓમાં પણ બન્યા છે. જેમ કે, ઉડિયા સાહિત્યના પિતામહ ગણાયેલા ફકીરમોહન સેનાપતિ. તેઓ માત્ર બે ચોપડી ભણ્યા હતા!
જ્ઞાનપીઠ એવોર્ડ સન્માનિત પન્નાલાલ પટેલ ગુજરાતી સાહિત્યનો એક ચમત્કાર છે. તેઓ આઠ ચોપડી માંડ ભણ્યા હતા, પણ તેમણે લખેલી કૃતિઓ સ્કૂલના બચ્ચાંથી લઈને એમ.એ. કરી રહેલા વિદ્યાર્થીઓને દાયકાઓથી અભ્યાસક્રમ તરીકે ભણાવવામાં આવે છે. પન્નાલાલ પટેલ જેવી ઘટનાઓ અન્ય કઈ ભારતીય ભાષાઓમાં થઈ છે?
આજે ફકીરમોહન સેનાપતિની વાત કરવી છે, જે માત્ર બે ચોપડી ભણ્યા હતા, પણ આગળ જઈને તેઓ ઉડિયા સાહિત્યના પિતા ગણાયા! ૧૭૧ વર્ષ પહેલાં એટલે કે છેક ૧૮૪૩માં જન્મેલા ફકીરમોહને પચીસ વર્ષની ઉંમરે 'લછમનિઆ' નામની નવલિકા લખી હતી. આ કેવળ ઉડિયા જ નહીં, બલકે સમગ્ર ભારતીય સાહિત્યજગતની પ્રથમ નવલિકા હોવાનો દાવો કરાય છે.
ફકીરમોહન તરુણ વયના હતા ત્યારે કલકત્તાના એક બંગાળી પંડિતે એક જાહેર નિવેદન કર્યું હતું કે, ઉડિયા કંઈ સ્વતંત્ર ભાષા નથી, એ તો બંગાળની પૂરક બોલી માત્ર છે. અન્ય કેટલાંય ઓરિસ્સાવાસીઓની માફક ફકીરમોહનને પણ હાડોહાડ લાગી આવ્યું. જે ભાષા સાંભળીને- બોલીને હું મોટો થયો છું એનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ નહીં? પોતાની ભાષાને અન્ય ભારતીય ભાષાઓની સમકક્ષ લાવવાની ઝંખના એમનામાં કાચી વયે જ જાગી ચૂકી હતી.
એમનું મૂળ નામ વ્રજમોહન હતું. સાવ નાના હતા ત્યારે મા-બાપની છત્રછાયા ગુમાવી ચૂક્યા હતા. દાદીમાએ એમને મોટા કર્યા. બાળપણમાં વર્ષો સુધી માંદગીનો ભોગ બની પથારીવશ રહ્યા. દાદીએ બાલેશ્વર (અથવા બાલાસોર)ના જાણીતા પીર પાસે જઈ માનતા માની, "જો મારા વ્રજની તબિયત ઠીક થઈ જશે તો હું એને તમારો ફકીર (એટલે કે શિષ્ય) બનાવી દઈશ. યોગાનુયોગે વ્રજની બીમારી દૂર થતી ગઈ, પણ પૌત્રને પીરનાં ચરણોમાં સોંપી દેતાં દાદીનો જીવ ન ચાલ્યો. એમણે વચલો રસ્તો શોધ્યો. દર વર્ષે મહોરમ વખતે આઠ દિવસ માટે એ વ્રજમોહનને મુસ્લિમ ફકીરની જેમ શણગારતી. આ રીતે વ્રજમોહન ફકીરમોહન બન્યા.
બીમારીમાંથી ઊઠયા પછી ફકીરમોહને નિશાળે જવાનું શરૂ કર્યું. નવ વર્ષની ઉંમરે એમને સાદો કક્કો પણ આવડતો નહોતો. એ જમાનામાં માસ્તરોની સોટી બહુ ચાલતી. છોકરા ભૂલ કરે એટલે હથેળી પર સોટી પડી જ સમજો. ઉત્પાત વધી જાય તો પીઠ પર પ્રહાર થાય. ફકીરમોહન રોજ સાંજે નિશાળ પૂરી થયા પછી માસ્તરની સેવા કરતા, રસોઈકામમાં મદદ કરતા. એક વાર મહિનો પૂરો થયા પછી માસ્તર ફી માગવા ફકીરમોહનના કાકા પાસે ગયા. કાકાએ કહ્યું, "તમે છોકરાને ભણાવતા નથી તો ફી કઈ વાતની માગો છો?" માસ્તરે કહ્યું, "હું એને રાત-દિવસ ભણાવું છું. થોડીક વાર માટે પણ રમવા જવા દેતો નથી." કાકા બોલ્યા, "ખોટી વાત. તમે એને ખરેખર ભણાવતા હો તો એની હથેળી અને પીઠ પર સોળના નિશાન કેમ નથી?" માસ્તર સમજી ગયા. પછી દર મહિને ફી માગવા જતા પહેલાં એ ફકીરમોહન પર વગર વાંકે સોટીઓનો વરસાદ વરસાવી દેતા. છોકરો બાપડો ચિત્કારી ઊઠતો,પણ એના શરીર પર સોટીનાં નિશાન જોઈને કાકાને સંતોષ થતો ને એ માસ્તરને ફી ચૂકવી દેતા!
કમનસીબે આ રીતે ભણવાનું પણ વધારે ન ચાલ્યું. પોતાના દીકરા કરતાં ફકીરમોહન વધારે હોશિયાર પુરવાર થઈ રહ્યા હતા એટલે કાકાને ઈર્ષ્યા થઈ. ફી પોસાતી નથી એવું બહાનું બતાવી ફકીરમોહનને બે ચોપડી પછી ઉઠાડી મૂક્યા ને બાલેશ્વરના દરિયાકિનારે મજૂરીકામમાં જોતરી દીધા. મજૂરી કરતાં કરતાં ફકીરમોહન હાથમાં જે કંઈ આવે તે વાંચી નાખતા. આ રીતે જાતમહેનતથી ઘણા વિષયોની સમજ કેળવી. બાલેશ્વર બંદર પર મીઠાનું ઉત્પાદન બંધ થતાં એ બેકાર થઈ ગયા.
બાલેશ્વર નજીક બારબાટી ગામમાં નવી સ્થપાયેલી સ્કૂલમાં ૧૯ વર્ષના ફકીરમોહને પાછું એડમિશન લીધું. અહીં એ પાછા ઝળક્યા પણ દોઢેક વર્ષમાં ફરી ભણતર પર પૂર્ણવિરામ મુકાઈ ગયું. કારણ એ જ, ફી! ખેર, ફકીરમોહનની બુદ્ધિપ્રતિભા સ્કૂલના સંચાલકના ધ્યાનમાં આવી ચૂકી હતી, તેથી થોડા અરસા બાદ ફકીરમોહનને અહીં શિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. પદ્ધતિસરનું પ્રાથમિક શિક્ષણ પણ નહીં લઈ શકેલા ફકીરમોહન વિદ્યાર્થીઓને ઇતિહાસ, ભૂગોળ અને ગણિત શીખવવા લાગ્યા! ફકીરમોહનને લીધે સ્કૂલની કીર્તિ આખા પંથકમાં ફેલાઈ. છોકરાઓને ભણાવતાં ભણાવતાં તેઓ પોતે પણ અધ્યયન કરતા. 'વ્યાકરણ કૌમુદી' અને 'ઋજુપાઠ' જેવા વ્યાકરણના ગ્રંથોનો અભ્યાસ કર્યો. તેનાથી સંસ્કૃત શીખવાનું સરળ બની ગયું.
ફકીરમોહને હવે લખવાનું શરૂ કર્યું. 'સોમપ્રકાશ' નામના બંગાળી સામયિકમાં એમના લેખો છપાતા. પોતાની ઉડિયા ભાષામાં એક પણ સામયિક છપાતું નથી તે વાત તેમને સતત ખટક્યા કરતી. વળી, ઉડિયાની સ્વતંત્ર ભાષા તરીકે પ્રસ્થાપિત કરવાની ઝંખના પણ બળવત્તર બનતી જતી હતી. તેઓ બાલેશ્વરમાં પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કરવા માગતા હતા, પણ એટલા બધા પૈસા લાવવા ક્યાંથી?તેમણે એડવાન્સમાં લવાજમ ઉઘરાવ્યા. કંપની સ્થાપી. કલકત્તા જઈને મશીનરી પસંદ કરી. મશીનરીને બાલેશ્વર સુધી પહોંચતા બાવીસ દિવસ લાગી ગયા. બાલેશ્વરનું આ પહેલંુ છાપખાનું હતું. લોકોમાં કૌતુક ફેલાયું. જગન્નાથજીની રથયાત્રાની જેમ આ પ્રિન્ટિંગ પ્રેસ જોવા લોકોની ભીડ જમા થઈ જતી. બે-ત્રણ મહિના સુધી લોકોનાં ધાડાં ખાસ પ્રેસ જોવા માટે આવતાં રહ્યાં!
મશીન તો આવી ગયું, પણ એને ચલાવે કોણ? ફકીરમોહન જાતે બધું શીખ્યા. શિક્ષક અને પ્રેસના સંસ્થાપક તરીકેની ફકીરમોહનની કામગીરીથી પ્રભાવિત થયેલા અંગ્રેજ અધિકારીઓએ તેમને નીલગિરિ રાજ્યના દીવાન તરીકે નીમ્યા. પછી તો લાગલગાટ પચીસ વર્ષ સુધી કેટલાંય નગરોમાં કુશળ સનદી અધિકારી તરીકે કાર્યરત રહ્યા. ૫૩ વર્ષે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ બાકીનાં બાવીસ વર્ષ સાહિત્યસર્જનમાં વિતાવ્યાં.
તેમણે વ્યાકરણ અને ઇતિહાસનાં પુસ્તકો, વાલ્મીકિ રામાયણ તેમજ ભગવદ્ગીતાનો ઉડિયામાં પદ્યાનુવાદ, કાવ્યસંગ્રહો, 'છ માણ આઠ ગૂંઠા', 'લછમા' (આ બન્ને 'ઉત્કલ સાહિત્ય' નામના સામયિકમાં ધારાવાહિક રૂપે છપાઈ હતી) અને 'પ્રાયશ્ચિત્ત' જેવી નવલકથાઓ તેમજ 'ગલ્પસ્વરૂપ' જેવો નવલિકાસંગ્રહ આપ્યો. ફકીરમોહનની રચનાઓમાં ઓરિસ્સાના તત્કાલીન સમાજજીવનનાં સુંદર ચિત્રો ઉપસ્યાં છે. 'ફકીરમોહન સેનાપતિ કી સમગ્ર કહાનિયાં' નામે એમની વાર્તાઓનો હિન્દી અનુવાદ ઉપલબ્ધ છે. ઉડિયા ભાષાના વિકાસ માટે એમણે પાઠયપુસ્તકોની રચના કરી, અનેક કેન્દ્રો ખોલ્યાં. ઉડિયાને બંગાળીની પકડમાંથી મુક્ત કરાવવા માટે ચળવળ સુધ્ધાં ચલાવી. ઉડિયા ભાષાને પૂરક બોલીના સ્તર પરથી ઊંચકીને સ્વતંત્ર ભાષા તરીકે પ્રસ્થાપિત કરવાનું વિરાટ કામ તેમણે કર્યું, તેથી જ તેઓ ઉડિયા સાહિત્યના પિતા ગણાય છે.
ઉપરવાળાએ લખખૂટ પ્રતિભા આપી હોય ત્યારે શાળાનું ફોર્મલ એજ્યુકેશન મળે તોય શું ને ન મળે તોય શું. પન્નાલાલ પટેલ અને ફકીરમોહન સેનાપતિ જેવા અન્ય બે સાહિત્યકારો રાહુલ સાંસ્કૃત્યાયન (હિન્દી) અને રવુરી ભારદ્વાજ (તેલુગુ) વિશે હવે પછી.
0 0 0
0 0 0
No comments:
Post a Comment