Sandesh - Ardh Saptahik Purty - 7 May 2014
ટેક ઓફ
અંગ્રજોની સામે પડનારા જાંબાઝ ભારતીય સ્વાતંત્ર્યસેનાનીઓ મિર્ઝા ગાબિલની નજરમાં નમકહરામ હતા! મહાન સર્જકના વ્યક્તિત્વનાં તમામ પાસાં મહાન નથી હોતાં, હોઈ શકે પણ નહીં, હોવા જરૃરી પણ નથી. આપણી નિસ્બત એમના સર્જકકર્મ સાથે હોવી જોઈએ. મિર્ઝા ગાલિબ અંગ્રેજોના આંધળા ભક્ત બનીને ભયંકર ચાપલૂસી કરતા એ હકીકત એક વિગત પૂરતી ઠીક છે, પણ આપણે તો એમની સમૃદ્ધ શેરો-શાયરી પર જ ફોકસ કરવાનું.
"એ રાણી (ક્વીન વિક્ટોરિયા), ચંદ્ર જેનો મુગટ છે, આકાશ જેનું આસન છે, સૂર્ય પણ એની બરોબરી કરી શકતો નથી. એટલે જ તો એ રોજ રાતે ગાયબ થઈ જાય છે એ (એટલે કે રાણી વિક્ટોરિયા) શસ્ત્રકળા અને અન્ય કળાઓમાં પારંગત છે, એ જ્ઞાાનનો ભંડાર છે, ન્યાયના સર્વોચ્ચ શિખર કરતાંય વધારે ઉચ્ચ છે. એની સાજસજ્જા એવી છે કે મહાનમાં મહાન રાજાઓ પણ એની સામે ભિખારી લાગે. એમના તેજને લીધે જ આકાશમાં સૂર્ય ચમકે છે અને પાણીનું બાષ્પીભવન થઈને વાદળો બને છે."
આપણે ત્યાં દેવ-દેવીઓનાં સ્તુતિગાન કરતી વખતે આ પ્રકારની અલંકારિક ભાષા વપરાતી હોય છે. બ્રિટનની રાણી વિક્ટોરિયા માટે આવું ભયંકર ખુશામતભર્યું વર્ણન કોણે કર્યું છે, કલ્પી શકો છો? સર્વકાલીન શ્રેષ્ઠતમ શાયર તરીકે એ અમર થઈ ગયેલા મિર્ઝા ગાલિબે! ગાલિબને કેમ આટલી હદે જી-હજૂરી કરવાની જરૃર પડી? રાણી વિક્ટોરિયા ખુશ થઈને એમને કીમતી ભેટ-સોગાદ આપે એટલે. ગાલિબ પોતાના કાગળમાં ભેટની રીતસર ઉઘરાણી કરે છેઃ
"રાણી વ્યક્તિગત દાન-દક્ષિણાથી જ્ઞાાનીઓની ઝોળી ભરી દે છે. જો મને રાણીના હાથે કોઈ દાન મળશે તો મારું આ સંસારમાં આવવું સાર્થક થશે."
આ તીવ્ર યાચકભાવ આશ્ચર્ય પમાડે તેવો છે, પણ મિર્ઝા ગાલિબ માટે આ બિલકુલ સહજ હતું. રાજાને ઈશ્વરના પ્રતિનિધિ ગણવા એવા તેમના સંસ્કાર હતા. રાજદ્રોહ એટલે દેશદ્રોહ એવું સીધું સમીકરણ હતું. 'દસ્તંબૂ' નામના પુસ્તકમાં, રાધર નાની ચોપડીમાં,ગાલિબની અંગ્રેજભક્તિ પાને પાને છૂટથી વિખરાયેલી છે. આ ચોપડી એમણે ૧૮૫૭ના સ્વાતંત્ર્યવિગ્રહ દરમિયાન લખી હતી.
અંગે્રજોના દમન વિરુદ્ધ થયેલો ૧૮૫૭નો વિગ્રહ ભારતીય ઇતિહાસનું એક બહુ જ મહત્ત્વનું પ્રકરણ છે. ૮ એપ્રિલ, ૧૮૫૭ના રોજ મંગલ પાંડેને ફાંસી આપવામાં આવી એટલે દેશભરના સૈનિકોના ધૂંધવાટનો પાર ન રહ્યો. બરાબર ૧૫૭ વર્ષ પહેલાં ૧૦ મે,૧૮૫૭ના રોજ વિગ્રહ ફાટી નીકળ્યો. સૌથી પહેલાં મેરઠ સળગ્યું ને પછી સૈનિકો દિલ્હી ધસી ગયા. ક્રાંતિકારીઓએ કર્નલ રિપ્લેની હત્યા કરી દિલ્હી કબ્જે કરવાની કોશિશ કરી. અંગ્રેજોએ પ્રતિકાર કર્યો. ભયાનક કત્લેઆમ થઈ.
એ અરસામાં મિર્ઝા ગાલિબ જૂની દિલ્હીની બલ્લીમારાન મહોલ્લામાં રહેતા હતા. તેમણે આ નરસંહાર સગી આંખે જોયો હતો. એમના યારો-બિરાદરોનું કાં તો મોત થઈ ગયું હતું યા તો દિલ્હી છોડીને નાસી ગયા હતા. બાસઠ વર્ષના મિર્ઝાસાહેબ એકલા પોતાના ઘરમાં ત્રસ્ત જીવન જીવી રહ્યા હતા. ૧૧ મે, ૧૮૫૭થી ૩૧ જુલાઈ, ૧૮૫૭ દરમિયાન એમણે એક ડાયરી લખી. તે પછી'દસ્તંબૂ' નામે પુસ્તકરૃપે પ્રગટ થઈ. દસ્તંબૂ શબ્દનો અર્થ છે ફૂલનો ગુચ્છો, બુકે. અબ્દુલ બિસ્મિલ્લાહે જૂની ફારસી ભાષામાં લખાયેલી આ નાનકડી ચોપડીનો આ જ નામે હિન્દીમાં અનુવાદ કર્યો છે. આ જ પુસ્તકમાં રાણી વિક્ટોરિયાને લખેલો પેલો પ્રશસ્તિપત્ર છે. 'દસ્તંબૂ'ના પ્રકાશન માટે ગાલિબ ખૂબ ઘાંઘાં થયા હતા કે જેથી ઝટ એ અંગ્રેજ સાહેબો તે વાંચે, ઝટ પ્રસન્ન થાય ને ફટાફટ પોતાને આર્થિક મદદની ભિક્ષા આપે. ચોપડીના પ્રકાશનના સંદર્ભમાં એમણે મુનશી હરગોપાલ 'તફ્ત' નામની વ્યક્તિને જે પત્રો લખ્યા હતા તે પણ અનુવાદ કર્યા વિના હિન્દી સંસ્કરણમાં સમાવી લેવામાં આવ્યા છે.
અંગ્રેજો પ્રત્યેની વફાદારીના મામલે ગાલિબના મનમાં કોઈ ગૂંચવણ નહોતી. તેઓ લખે છેઃ
"હું આ ચોપડીમાં જે રીતે શબ્દોનાં મોતી વિખેરી રહ્યો છું તેના પરથી વાચકો અનુમાન લગાવી શકશે કે હું નાનપણથી જ અંગ્રેજોનું નમક ખાતો આવ્યો છું. બીજા શબ્દોમાં કહું તો જ્યારથી મારા મોંમાં દાંત આવ્યા છે ત્યારથી આજ સુધી આ વિશ્વવિજેતાઓએ મારા મોંમાં રોટી મૂકી છે. ખુદા જેને શાસન પ્રદાન કરે છે એને ધરતી પર વિજય મેળવાની શક્તિ પણ ચોક્કસપણે આપે છે, તેથી જે માણસ શાસક વિરુદ્ધ કામ કરે છે એના માથે જૂતાં ફટકારવાં જોઈએ. એ એને જ લાયક છે. પ્રજા થઈને રાજા સામે લડવાનો મતલબ છે, ખુદનો નાશ કરવો."
મજા જુઓ. મિર્ઝા ગાલિબની ખુદની પત્ની ગુપચુપ ક્રાંતિકારીઓને મદદ કરતી હતી! ગાલિબની નજરમાં તો મહાન અંગ્રેજોની સામે પડવાની હિંમત કરનારા ભારતીય ક્રાંતિકારીઓ હલકા જ હોવાના. તેઓ લખે છેઃ
"૧૧ મે, ૧૮૫૭નો દિવસ હતો. અચાનક દિલ્હીની ધરતી ધણધણી ઊઠી. આ કંઈ ધરતીકંપ નહોતો, બલકે મેરઠના બાગી અને નમકહરામ સૈનિકો હતા, જે આ કમનસીબ દિવસે અંગ્રેજોના લોહીથી પોતાની પ્યાસ બુઝાવવા દિલ્હી શહેર પર ચડી આવ્યા હતા. આખા દેશમાં નમકહરામ જમીનદારો અને સિપાઈઓએ એકબીજા સાથે સાઠગાંઠ કરી લીધી છે, જેથી પૂરી તાકાતથી સરકાર વિરુદ્ધ મોરચો લઈ જઈ શકાય. જ્યાં સુધી લોહીની નદીઓ નહીં વહે ત્યાં સુધી તેમને સંતોષ નહીં થાય. હિન્દુસ્તાનમાં હવે ઘાસનાં તણખલાં જેટલી શાંતિની કલ્પના પણ અસંભવ છે. કેટલાંક સિપાઈઓએ બંદૂક અને ગોળા-બારુદ પચાવી પાડીને ખુદને તાકાતવાન બનાવી દીધા છે. જે કૌશલ્ય તેઓ અંગ્રેજો પાસેથી શીખ્યા હતા એ જ કૌશલ્ય હવે તેઓ અંગ્રેજો પર અજમાવી રહ્યા છે. હૃદય કંઈ પથ્થર કે લોઢું નથી, એ જરૃર તરફડશે. આંખ કંઈ દીવાલમાં પડેલી તિરાડ નથી કે આ દૃશ્ય જોયા પછી પણ રડે નહીં. અંગ્રેજ સાહેબોની હત્યા પર આંસુ વહેવાં જ જોઈએ. હિન્દુસ્તાનની બરબાદી જોઈને રડવું જ જોઈએ."
અંગ્રજોની સામે પડનારા જાંબાઝ ભારતીય સ્વાતંત્ર્યસેનાનીઓ મિર્ઝા ગાબિલની નજરમાં નમકહરામ હતા! અંગ્રેજો અને ભારતીયોની સરખામણી તેઓ કેવી રીતે કરે છે?
"એક એ આદમી જે નામાંકિત અને સુવિખ્યાત હતો (મતલબ કે અંગ્રેજ). એની તમામ પ્રતિષ્ઠા ધૂળમાં મળી ગઈ છે. બીજો એ,જેની પાસે નહોતી ઇજ્જત કે નહોતી દોલત (મતલબ કે હિન્દુસ્તાની), જે હવે (અંગ્રેજોનો વિરોધ કરીને) પછેડી કરતાં પગ વધારે લાંબા કરી રહ્યો છે."
ખૂંચે એવી તુલના છે આ! બળવાખોરોએ દિલ્હીને શી રીતે કબ્જે કર્યું અને તેને લીધે દિલ્હીવાસીઓએ શી હાલાકી ભોગવવી પડી તેનું ઝીણવટભર્યું વર્ણન ગાલિબે કર્યું છેઃ
"બે-ત્રણ દિવસ સુધી કાશ્મીરી ગેટથી લઈને લાલ કિલ્લાના ચોક સુધી ઘમસાણ યુદ્ધ ચાલતું રહ્યું. દિલ્હી ગેટ, તુર્કમાન ગેટ અને કાશ્મીરી ગેટ ભારતીય સેનાના કબ્જામાં હતા. મારા જેવા માણસનું શોકાતુર ઘર કાશ્મીરી ગેટ અને દિલ્હી ગેટની વચ્ચોવચ્ચ પડે છે. આ બન્ને દરવાજા મારા ઘરથી એકસમાન અંતરે છે, પણ મારી ગલીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. છતાંય થોડા થોડા સમયે હિંમત કરીને દરવાજા ખોલવામાં આવતા અને અમે ખાવા-પીવાનો સામાન લઈ આવતા."
Mazar of Mirza Ghalib, Nizammuddin, Delhi |
આ બધી ધમાલમાં ગાલિબને એ વાતની પણ ચિંતા છે કે મારો કાગળ રાણીને લંડનમાં મળ્યો હશે કે નહીં! એક દિવસ ગાલિબને પહોંચનો પત્ર મળે છે. કોઈ મિસ્ટર રેજિંગ્ટને ગાલિબને આશ્વાસન આપતાં લખ્યું હતું કે તમારો પત્ર રાણી સુધી પહોંચાડી દેવામાં આવ્યો છે અને સાથે ભલામણ પણ કરવામાં આવી છે કે તમને અંગ્રેજ સરકાર તરફથી આજીવિકાનું સાધન (ટૂંકમાં, પેન્શન) આપવામાં આવે. ગાલિબ મિયાં રાજીરાજી.
ગાલિબ માટે આ આત્મસન્માનનો મુદ્દો હતો જ નહીં. રાજ્યાશ્રય યા તો સરકારી મદદના ટુકડા પર જીવવું એમના માટે સ્વીકૃત જીવનશૈલી હતી. ગાબિલની ડાયરી આત્મદયા અને લાચારીના ભાવથી લથપથ છે. એમણે પોતાનાં પારિવારિક જીવન, પાગલ ભાઈનું મોત અને દોસ્તો વિશે પણ હૃદયપૂર્વક લખ્યું છે. ગાલિબ વિલાયતી શરાબ વગર ટળવળતા હોય ત્યારે મહેશદાસ નામનો ઉદાર મિત્ર ઊંચો માંહ્યલો દેશી દારૃ પીવડાવતા. ગાલિબ લખે છેઃ
"મહેશદાસ દેશી દારૃ મોકલાવીને મારા હૃદયની આગ ઠંડી કરતો ન હોત તો હું જીવતો રહી શક્યો ન હોત. હું આ શરાબની તરસમાં જ મૃત્યુલોક સિધાવી જાત. ઘણાં સમયથી ઇચ્છા હતી કે મને અસલી શરાબ મળે, મારી મનોકામના પૂરી થઈ જાય અને એક-બે પ્યાલા મારા હોઠ સુધી પહોંચે. જ્ઞાાની મહેશદાસે મને એ અમૃત ઉપલબ્ધ કરાવી આપ્યું, જે સિકંદરે પોતાના માટે શોધ્યું હતું."
દરિદ્ર ગાલિબનું પરાવલંબીપણું આ વાતમાંથીય ઊપસે છે. ખેર, મહાન સર્જકના વ્યક્તિત્વનાં તમામ પાસાં મહાન નથી હોતાં, હોઈ શકે પણ નહીં, હોવા જરૃરી પણ નથી. આપણી નિસ્બત એમના સર્જકકર્મ સાથે હોવી જોઈએ. મિર્ઝા ગાલિબ અંગ્રેજોના આંધળા ભક્ત બનીને ભયંકર ચાપલૂસી કરતા એ હકીકત એક વિગત પૂરતી ઠીક છે, પણ આપણે તો એમની સમૃદ્ધ શેરો-શાયરી પર જ ફોકસ કરવાનું.
0 0 0
No comments:
Post a Comment