Monday, August 19, 2013

મલ્ટિપ્લેક્સ : વન્સ અપોન અ ટાઇમ વિથ અક્ષય


Sandesh - Sanskaar Purti - 18 August 2013

Column : મલ્ટિપ્લેક્સ 

અક્ષયકુમાર પાસેથી એક વાત ખરેખર સૌએ શીખવા જેવી છે. ભલે ગમે તેટલી ગાળો પડે, ગમે એટલી ટીકા થાય, પણ એમાંનું કશું જ મન પર લીધા વગર ચૂપચાપ કામ કરતા રહેવાનું. ઉત્તમ પરિણામ મળશે જ!

ચોવીસ વર્ષ પહેલાંની આ વાત છે. દિલ્હીથી આવેલો વીસ-એકવીસ વર્ષનો એક જુવાનિયો મુંબઈમાં સ્ટ્રગલ કરી રહ્યો છે. માંડ માંડ એને મોડલિંગનું એક એસાઇન્મેન્ટ મળે છે. કોઈક એડના શૂટિંગ માટે છ વાગ્યાની ફ્લાઇટ પકડીને બેંગ્લોર જવાનું છે. યુવાન રાજી રાજી થઈ જાય છે. એક તો કામ મળ્યું ને ઉપરથી પ્લેનમાં બેસવાનો મોકો પણ મળ્યો. બીજા દિવસે વહેલી સવારે ઊઠીને એ રૂટિન પ્રમાણે કસરત કરતો હતો ત્યાં જ એનો લેન્ડલાઇન રણકી ઊઠયો. સામે છેડે મોડેલ કો-ઓર્ડિનેટર પાગલની જેમ ચિલ્લાઈ રહ્યો હતો, ક્યાં છે તું? પ્રોફેશનાલિઝમ જેવું કંઈ છે કે નહીં? પાંચ વાગી ગયા ને તારો કોઈ અતોપત્તો નથી? છોકરો ડઘાઈ જાય છે. એકાએક એને પોતાની ભૂલ સમજાય છે, '...પણ મને એમ કે સાંજના છ વાગ્યાની ફ્લાઇટ છે!' પેલો ઔર વિફરે છે. તારામાં દિમાગ નથી? સિક્સ એ.એમ. અને સિક્સ પી.એમ. વચ્ચેનો ફર્ક તને સમજાતો નથી?યુવાન શિયાવિયા થઈ જાય છે. આઈ એમ સોરી સર. બસ, હું આ જ ઘડીએ એરપોર્ટ આવવા ભાગું છું.
યુવાન ગાંડાની જેમ બાઇક ચલાવીને એરપોર્ટ પહોંચ્યો, પણ બહુ મોડું થઈ ચૂક્યું હતું. પ્લેન એને મૂકીને ઊડી ચૂક્યું હતું. યુવાન ઘરે આવીને માને વળગીને રડી પડયો. માએ માથે હાથ ફેરવીને સાંત્વન આપ્યું, કશો વાંધો નહીં બેટા. જે થયું તે થયું. ખોટો જીવ ન બાળ. તને આના કરતાં બહેતર મળી રહેશે. યુવાનના અફસોસનો પાર નહોતો. ખેર, મોડી બપોરે રૂટિન પ્રમાણે કામ શોધવા એ પોતાના ફોટા લઈને નટરાજ સ્ટુડિયો પહોંચી ગયો. અહીં એના જેવા કેટલાય સ્ટ્રગલરો આંટા મારતા હતા. કોઈ મેકઅપમેને આ યુવાનની તસવીરો જોઈ. એને સારી લાગી. એ કહે, તું અહીં ઊભો રહે. હું સાહેબને તારો ફોટા બતાવું છું. થોડી વાર પછી મેકઅપમેન વેનિટી વેનમાં બહાર આવ્યો. અંદર આવ, સાહેબ તને બોલાવે છે. યુવાન ઊંચા જીવે વેનમાં ગયો. અંદર પ્રમોદ ચક્રવર્તી નામના ફિલ્મ ડિરેક્ટર-પ્રોડયુસર બેઠા હતા, જેમણે 'લવ ઇન ટોકિયો', 'જૂગનુ' અને 'નાસ્તિક' જેવી કેટલીય ફિલ્મો બનાવી છે. એમણે યુવાનને કહ્યું, મને ગમ્યા તારા ફોટા. હું તને મારી ફિલ્મમાં મેઇન હીરો તરીકે લેવા માગું છું. આ લે ૫૦૦૧ રૂપિયાનું સાઇનિંગ અમાઉન્ટ!
યુવાન માની ન શક્યો. હું હિન્દી ફિલ્મનો હીરો? યોગાનુયોગ જુઓ. ડિરેક્ટરનો આભાર માનીને એ હરખાતો હરખાતો બહાર આવ્યો ત્યારે ઘડિયાળમાં સાંજના છ વાગ્યા હતા! આ યુવાન એટલે અક્ષયકુમાર અને પ્રમોદ ચક્રવર્તીની પેલી ફિલ્મ એટલે 'દીદાર'.


'આને કહેવાય નસીબ!' આ કિસ્સો યાદ કરીને અક્ષય એક મુલાકાતમાં કહે છે, 'જો તે દિવસે હું સવારની ફ્લાઇટમાં બેંગ્લોર ઊપડી ગયો હોત તો મને બોલિવૂડમાં હીરો તરીકે બ્રેક મળ્યો ન હોત! હું દૃઢપણે માનું છું કે આજે હું જ્યાં છું, જે કંઈ છું એમાં નસીબે બહુ મોટો ભાગ ભજવ્યો છે. સવા અબજની વસતી ધરાવતો આપણો દેશ. એક દાયકામાં માંડ ચાર-પાંચ જણા જ એવા નીકળે છે જે બોલિવૂડના સુપરસ્ટારના પદ સુધી પહોંચ્યા હોય. આજે હું ફિલ્મોના સ્ટુડિયોમાં કેટલાય સ્ટ્રગલર યુવાનોને જોઉં છું, જે મારા કરતાં ક્યાંય વધારે હેન્ડસમ અને અનેકગણા ટેલેન્ટેડ હોય છે. થિયેટર-બિયેટર કરીને આવ્યા હોય છે, પણ તેમની પાસે કદાચ લક હોતું નથી. લક ઉપરાંત કરેક્ટ ટાઇમ પર કરેક્ટ જગ્યાએ હાજર હોવું પણ મહત્ત્વનું છે.'
અક્ષયકુમાર નસીબનો બળિયો છે એ સાચું, પણ એણે પરિશ્રમ પણ એટલો જ ગજબનાક કર્યો છે. નસીબ પાધરું હોય તો બહુ બહુ તો બ્રેક મળી જાય, પણ બબ્બે દાયકા સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જેવી ભયાનક સ્પર્ધાત્મક જગ્યામાં વધારે ને વધારે ઊંચાઈ પર પહોંચતા જવું તે જબરદસ્ત મહેનત વગર શક્ય નથી. ચોક્કસ પ્રકારની ટેલેન્ટની પણ જરૂર પડવાની જ.
અક્ષયકુમાર કંઈ આમિર ખાન નથી. કબૂલ. એની પાસે શાહરુખ ખાન જેવો ચાર્મ કે સલમાન ખાન જેવો પ્રભાવ નથી. કબૂલ. એની ૯૭ ફિલ્મોમાંથી ભાગ્યે જ કોઈ 'મરતા પહેલાં અચૂક જોવી જ પડે એવી અદ્ભુત હિન્દી ફિલ્મો'ના લિસ્ટમાં સ્થાન પામી શકે એમ છે. ચાલો, આ વાત પણ કબૂલ, પણ સાથે સાથે તે વાત પણ એટલી જ સાચી કે અક્ષય વર્ષોથી એક અત્યંત સફળ સ્ટાર છે. એનો પણ વિશાળ ચાહકવર્ગ છે. એની ફિલ્મો કરોડો રૂપિયાનો બિઝનેસ કરે છે. અક્ષય એક્શન હીરો છે અને ખતરનાક સ્ટંટ્સ એ ઉત્તમ રીતે કરી શકે છે. એની કોમેડી પણ લાજવાબ છે. અક્ષય પોતાની શક્તિ અને મર્યાદા બન્નેથી સારી રીતે વાકેફ છે. લોકોને દેખાડી દેવાની લાયમાં ગાંડા કાઢવાને બદલે પછેડી જેટલા જ પગ લાંબા કરતા એને આવડે છે.
અક્ષયકુમાર ઇન્ડસ્ટ્રીમાં નવો હતો ત્યારે એના માટે ખરાબમાં ખરાબ શબ્દો વપરાતા. એને સ્કર્ટચેઝર એટલે કે લફડેબાજ કે ઐયાશનું બિરુદ મળ્યું. એને 'લાકડાંના ફર્નિચરની દુકાન' કહેવામાં આવતા. મતલબ કે નિર્જીવ લાકડાંમાં કોઈ સ્પંદનો ન જાગે એમ સીન ગમે તેવો ઇમોશનલ કેમ ન હોય, પણ અક્ષયનો ચહેરો લાકડાં જેવો સપાટ અને કોરોધાકોર જ રહે છે! આ વાતમાં તથ્ય પણ હતું, પણ અક્ષય ઓન ધ જોબ શીખતો ગયો. ધીમે ધીમે પર્ફોર્મન્સીસમાં નિખાર આવતો ગયો. અગાઉ ઘણી હિરોઇનો સાથે અક્ષયનું નામ જોડાયું હતું, પણ ટ્વિન્કલ ખન્ના સાથે લગ્ન થયાં પછી એ ડાહ્યાડમરો પત્નીવ્રતા થઈ ગયો. લગ્ન પછી છેલ્લાં બાર વર્ષમાં અક્ષયના નામે કોઈ અફેર ચડયું નથી. દીકરા આરવના જન્મ પછી જોખમી એક્શન ફિલ્મો કરવાનું બંધ કરીને અક્ષય કોમેડી તરફ વળ્યો. અક્ષયની કોમિક ટાઇમિંગ વખણાય છે. 'લાકડાંના ફર્નિચરની દુકાન' એ બધાં બિરુદો હવે ભૂતકાળ બની ગયાં છે. નવા નવા તગડા હીરો આવતા ગયા, પણ અક્ષયે ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવી રાખ્યું, એટલું જ નહીં, વધારે મજબૂત કર્યું. અક્ષય પર એક આક્ષેપ એવો થાય છે કે એક્ટર તરીકે એ જેવો હોય એવો, પણ 'એડિટર' તરીકે નંબર વન છે. મતલબ કે સાથી હીરોના રોલ એડિટ કરીને કાપી નાખતા એને સારું આવડે છે! ખેર, અક્ષયે હંમેશાં આ આક્ષેપને હસી કાઢયો છે. એની પાસેથી એક વાત ખરેખર આપણે સૌએ શીખવા જેવી છે. ભલે ગમે તેટલી ગાળો પડે, ગમે એટલી ટીકા થાય, પણ એમાંનું કશું જ મન પર લીધા વગર ચૂપચાપ કામ કરતા રહેવાનું. ઉત્તમ પરિણામ મળશે જ!

અક્ષય પાસેથી શીખવા જેવી બીજી મહત્ત્વની વસ્તુ છે, શિસ્તપાલન. અક્ષય ફિલ્મી પાર્ટીઓમાં ભાગ્યે જ જોવા મળશે. શરાબ અને સિગારેટથી જોજનો દૂર રહે છે. એ વહેલા સૂઈને વહેલો ઊઠનારો માણસ છે. ફિટનેસ એનું પેશન છે. રોજ ફિઝિકલ એક્સરસાઇઝ પાછળ કમસે કમ બે કલાક ખર્ચે છે. કદાચ એટલે જ અક્ષય આજની તારીખે પણ સૌથી ખૂબસૂરત અને ફિટ હીરોમાંનો એક ગણાય છે. અક્ષયની ઇમેજ શાંત માણસની છે. ઝઘડાથી એ દૂર ભાગશે. એ કોઈના વિશે ઘસાતું બોલીને કદી વિવાદો ખડા નહીં કરે. એના આ સ્વભાવનો ગેરલાભ પણ લેવાયો છે.
અક્ષયની ફિલ્મોની પસંદગી હંમેશાં વખાણવા જેવી હોતી નથી. 'વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ દોબારા'ના બોક્સઓફિસના નવા નવા આંકડા એકધારા આવી રહ્યા છે. રિવ્યૂ બહાદુરો ફેસબુક જેવાં માધ્યમો પર આ ફિલ્મ ગમી કે ન ગમી એની જોરશોરથી ચર્ચા કરી રહ્યા છે. હવે અક્ષયની 'બોસ', 'ગબ્બર', 'પિસ્તોલ' અને 'ઇટ્સ એન્ટરટેઇનમેન્ટ' જેવી ફિલ્મો આવશે. કદાચ 'હેરાફેરી-પાર્ટ ફોર' પણ આવે. કોને ખબર! 'વન્સ અપોન અ...' હિટ થાય તો એનો ત્રીજો ભાગ પણ આવી શકે છે. શું હોઈ શકે એનું ટાઇટલ? 'વન્સ અપોન અ ટાઇમ યેટ અગેઇન'!
શો-ટાઇમ

મારાં કરતાં સારું ફિગર ધરાવતી અને બહેતર પર્ફોર્મન્સીસ આપતી હિરોઇનોની મને ઈર્ષ્યા થાય છે. જીવનમાં આગળ વધવા માટે આવો પોઝિટિવ ઈર્ષ્યાભાવ જરૂરી છે.
- આલિયા ભટ્ટ

No comments:

Post a Comment