દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ - ૨0 મે ૨૦૧૨
સ્લગઃ મલ્ટિપ્લેક્સ
સુપર ટેલેન્ટેડ પરિણીતી ચોપડાની ગાડી ધારી દિશામાં અને ધારી ગતિએ ચાલતી રહી તો એ કઝિન પ્રિયંકાને જ નહીં, પણ ઈન્ડસ્ટ્રીની કેટલીય જુનિયર-સિનિયર હિરોઈનોને ભારે પડવાની છે!
એ ક્રોધે ભરાઈને ડોળા તગતગાવે છે ત્યારે આપણને થાય કે સામેનો માણસ એની આંખોની અગ્નિથી ત્યાં ને ત્યાં સળગી જશે. એ ચાગલી થઈને માબાપ સામે જીદ કરે ત્યારે આપણને થાય કે અંકલઆન્ટી અબ ઘડીએ પીગળી જશે. એ પ્રેમનાં ગીત ગાય ત્યારે એના ચહેરા પરની મુગ્ધતા જોવા જેવી હોય. સંબંધમાં ફટકો પડે ત્યારે એની સાથે સાથે દર્શકને પણ ફીલ થાય. છેલ્લે કયા નવા નિશાળીયાએ અભિનય દ્વારા લાગણીઓનું આટલું અસરકારક પ્રદર્શન કર્યુ હતું?
યેસ, અ સ્ટાર ઈઝ બોર્ન! વાત થઈ રહી છે પરિણીતી ચોપડાની. ટેલેન્ટના તોપગોળા જેવી પરિણીતીના લાગલગાટ બીજા ધમાકાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તરંગો ફેલાઈ ગયા છે. પરિણીતીએ પહેલો ધડાકો કર્યો હતો પોતાની પહેલી જ ફિલ્મ ‘લેડીઝ વર્સસ વિકી બહલ’થી. ૨૦૧૧માં રિલીઝ થયેલી ‘લેડીઝ...’માં પરિણીતી મેઈન હિરોઈન નહોતી, તો પણ. રણવીર સિંહની એ બીજી ફિલ્મ હતી એટલે સૌને એ જાણવાની તાલાવેલી હતી કે જોઈએ તો ખરા, ‘બેન્ડ બાજા બારાત’ પછી ભાઈસાહેબ આ વખતે કેવુંક ઉકાળે છે. એની સામે હિરોઈન હતી અનુષ્કા શર્મા. લટકામાં સપોર્ટિંગ આર્ટિસ્ટ જેવી બીજી ત્રણ લેડીઝ હતી. પરિણીતી એમાંની એક. મજાની વાત એ થઈ કે ઓડિયન્સને આખી ફિલ્મમાંથી પરિણીતી સૌથી વધારે યાદ રહી. બીજા બધા એક બાજુ ધકેલાઈ ગયા. પરિણીતી પર બેસ્ટ ન્યુકમર (ફિમેલ) માટેના લગભગ તમામ ફિલ્મી અવોડર્ઝનો વરસાદ વરસી ગયો.
એ પછી ગયા અઠવાડિયે ‘ઈશકઝાદે’ રિલીઝ થઈ. એમાં પરિણીતી મુખ્ય નાયિકા છે. યશરાજ જેવું બેનર હોય અને અર્જુન બોની કપૂર જેવો બ્રાન્ડ ન્યુ હીરો આ ફિલ્મથી લોન્ચ થવાનો હોય એટલે દેખીતી રીતે જ ઓડિયન્સના મનમાં થોડી ચટપટી હોવાની. વેલ, ફિલ્મ ધારી હતી એવી દમદાર તો સાબિત ન થઈ પણ, અગેન, પરિણીતી મેદાન મારી ગઈ. કોઈને અર્જુન ગમ્યો, કોઈને ન ગમ્યો, કોઈને એ કાચો લાગ્યો તો કોઈને પ્રોમિસિંગ લાગ્યો, પણ એક વાતે સૂંપર્ણપણે એકમતી સધાઈઃ ‘ઈશકઝાદે’નો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે પરિણીતીનો જાનદાર અભિનય. પરિણીતી ચોપરા એક લાંબા રેસની ઘોડી છે અને બોલીવૂડમાં તે બહુ લાંબી ઈનિંગ્સ ખેલવાની છે એ બાબતમાં હવે કોઈને શંકા રહી નથી.
પરિણીતી ચોપડા અને પ્રિયંકા ચોપડાના પપ્પા સગા ભાઈ થાય એ હવે બધા જાણે છે. પરિણીતીએ ગઈ બારમી મેએ ચોવીસ વર્ષ પૂરાં કર્યાં. એ હરિયાણાના અંબાલા શહેરમાં મોટી થઈ છે. ભણવામાં એ બ્રાઈટ હતી. બારમું કર્યાં પછી આગળ ભણવા એ ઇંગ્લેન્ડ ગઈ. માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલમાંથી ફાયનાન્સ અને ઈકોનોમિક્સમાં ડિગ્રાી મેળવી. ઈન્ડિયા પાછી આવીને એ યશરાજ કંપનીમાં માર્કેટિંગ મેનેજર તરીકે જોબ કરવા લાગી. એ વખતે ‘બેન્ડ બાજા બારાત’નું શૂટિંગ ચાલતું હતું અને અનુષ્કા શર્માનું ખાતું પરિણીતીને સોંપવામાં આવ્યું. અનુષ્કા એના રંગઢંગ પરથી સમજી ગઈ હતી કે આ છોકરી કંઈ માર્કેટિંગફાર્કેટિંગમાં ઝાઝું ખેંચે એવી નથી. એ પરિણીતીની ટાંગ ખેંચ્યાં કરતીઃ એ નૌટંકી! માર્કેટિંગનું નાટક શું કામ કરે છે? તું હિરોઈન જ બનવાની છે, મને ખબર છે! પરિણતી આંખો પહોળી કરીને કહેતીઃ શટ અપ! હંુ તારી મેનેજર છું. મારી સાથે આ રીતે વાત ન કર!
અનુષ્કા સાચી હતી. ‘લેડીઝ વર્સસ રિકી બહલ’માં અનુષ્કા અને પરિણીતી બન્નેને કાસ્ટ કરવામાં આવી. પરિણીતી એક મુલાકાતમાં કહે છે, ‘મેં તો ક્યારેય વિચાર્યુર્ં પણ નહોતું કે મોટી થઈને હું એક્ટ્રેસ બનીશ (ઈન્ડસ્ટ્રીમાં આવું બોલવાની જૂની ફેશન છે). સ્કૂલ કોલેજમાં મને ક્યારેય એક્ટિંગ કરવામાં રસ પડ્યો નહોતો. મને હંમેશા થતું કે એક્ટર લોકોએ તો ખાલી ડિઝાઈનર કપડાં પહેરવાનો હોય, મેકઅપ ચોપડીને રૂપાળા દેખાવાનું હોય અને કેમેરા સામે ચારપાંચ લાઈનો બોલીને બેસી જવાનું હોય, બસ. એક્ટિંંગને બુદ્ધિ અને મહેનત સાથે શું લાગેવળગે? (લો બોલો, કઝિન પ્રિયંકા ચોપડા ઓલરેડી મોટી સ્ટાર બની ગઈ હતી તોય પરિણીતીને આવું લાગતું હતું!) પણ એ તો હું યશરાજમાં માર્કેટિંગ મેનેજર તરીકે જોઈન થઈ અને ફિલ્મમેકિંગની વિધિ નજીકથી જોઈ ત્યારે મને સમજાયું કે બોસ, એક્ટર બનવું એ ખાવાના ખેલ નથી.’
પ્રિયંકા અને પરિણીતીને એકબીજા સાથે સારંુ બને છે. કમસે કમ જાહેરમાં તો ખરું જ. બેય જણીયું જે રીતે ટિ્વટર પર એકબીજાને પાનો ચડાવતા મેસેજ મોકલીને ભગિનીપ્રેમનું પ્રદર્શન કરતી રહે છે એ જોઈને ઘણા વાંકદેખા કહેતા હોય છે કે આ તો બધો દેખાડો છે. હકીકતમાં એમને ઊભંુ બનતું નથી. કોઈ આવું કહે એટલે પરિણીતીની કમાન છટકે છે, ‘હું શું કામ પ્રેમનું નાટક કરું? પ્રિયંકા મારી કઝિન છે અને મને એના માટે ખરેખર લાગણી છે. કોઈ પણ નોર્મલ પિતરાઈ બહેનો વચ્ચે હોય એવો અમારો સંબંધ છે. સ્વભાવે અમે બેય સાવ સરખી છીએ. હું એના સેન્ડલ એને પૂછ્યા વિના ઉપાડી જાઉં તો એ કંઈ નહીં બોલે, પણ મેં જો મિડીયા સામે કંઈક ભાંગરો વાટ્યો હોય તો એ મને તતડાવી નાખશે! પ્રિયંકા બરાબર જાણતી હોય છે કે અમુક સિચ્યુએશનમાં કે અમુક લોકો સાથે હું કેવી રીતે વર્તીશ. એ મને હંમેશા સાચી સલાહ આપે છે. નવી ફિલ્મ સાઈન કરતાં પહેલાં હું એની સાથે ચર્ચા જરૂર કરું છું.’
Sweet siblings: Priyanka Chopra and Parineeti Chopra |
પરિણીતીની બે નવી ફિલ્મો આવી રહી છે. એકના ડિરેક્ટર છે ‘બેન્ડ બાજા બારાત’ ફેમ મનીશ શર્મા (ફિલ્મનું ટાઈટલ સંભવતઃ ‘એક વેનિલા દો પરાઠે’ છે) અને બીજી ‘પરિણીતા’વાળા પ્રદીપ સરકારની ફિલ્મ. મનીશ શર્માવાળી ફિલ્મમાં પરિણીતીનો હીરો બીજો કોઈ નહીં ને પ્રિયંકાનો એક્સ બોયફ્રેન્ડ શાહિદ કપૂર છે.
પ્રિયંકા સુપર ગ્લેમરસ છે. પરિણીતી પાસે મોટી બહેન જેવું ગ્લેમર નથી. સહેજ જાડુડીપાડુડી પરિણીતી જોકે મીઠડી અને ક્યુટ તો દેખાય જ છે. એ જો સહેજ વજન ઘટાડે તો એના માટે ગ્લેમરસ અવતાર ધારણ કરવો રમતવાત છે. પ્રિયંકા ઈન્ડસ્ટ્રીમાં હમણાં દાયકો પૂરો કરશે, જ્યારે પરિણીતીએ હજુ બે જ ફિલ્મો કરી છે. આમ છતાંય એક વાત લગભગ સ્પષ્ટ થઈ ગઈ છે કે પ્રિયંકા કરતાં પરિણીતી ઘણી વધારે દમદાર એક્ટ્રેસ છે. પ્રિયંકાને ઘરઆંગણે તીવ્ર સ્પર્ધા ઊભી થઈ છે. જો પરિણીતીની ગાડી ધારી દિશામાં અને ધારી ગતિએ ચાલતી રહી તો એ એકલી પ્રિયંકાને જ નહીં, પણ અનુષ્કાઓ અને કરીનાઓ સહિત ઢગલાબંધ હિરોઈનોને ભારે પડે એમ છે!
શો-સ્ટોપર
રામગોપાલ વર્માએ મને અનેક પડકારજનક ભુમિકાઓ આપી છે (સરકાર, નિઃશબ્દ, રામગોપાલ વર્મા કી આગ) અને એ ભજવવાની મને બહુ જ મજા આવી છે. એ ફિલ્મો વખણાઈ કે નહીં કે એણે તોતિંગ બિઝનેસ કર્યો કે નહીં તે તદ્દન જુદી વાત છે.
- અમિતાભ બચ્ચન
આ બેન વિષે જાણવું તું અને તમે લખશો એવી રાહ પણ હતી.. એ પૂરી થઇ. મજેદાર!
ReplyDelete