Friday, December 16, 2011

આખું આકાશ મારી મુઠ્ઠીમાં...


  ચિત્રલેખા  અંક તા. ૨૬ ડિસેમ્બર ૨૦૧૧ માટે



કોલમઃ વાંચવા જેવું 


હારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના એરંડોલથી એસટી દ્વારા નીકળે તો આંચકા ખાતા, રસ્તાને ગાળો દેતા, અડધા કલાકમાં મારા ગામ પહોંચી શકે. પદ્માલય ડુંગરની તળેટીમાં આવેલું આ મારું નાનકડું તાડે ગામ.

‘માડી, હું કલેક્ટર થઈશ!’ પુસ્તકનાં આ પહેલાં જ બે વાક્યો હવે પછીના પ્રકરણોમાં જે કંઈ બનવાનું છે તેનો માહોલ ઊભો કરી દે છે. આ પુસ્તક લખતી વેળાએ લેખક રાજેશ પાટીલ મૂંઝાઈ રહ્યા હતા કે ત્રીસેક વર્ષની ઉંમરે આવું આત્મકથનાત્મક પુસ્તક લખાય? આપણે પોતાના વિશે લખી શકીએ એટલા મોટા થયા છીએ ખરા? સારું થયું કે એમણે પુસ્તક લખ્યું. અન્યથા ગામડાની અભાવગ્રસ્ત પરિસ્થિતિમાં ઉછરેલો સાવ ગરીબ છોકરાએ આઈએએસ ઓફિસર બનવાનું પોતાનું સપનું શી રીતે સાકાર કરી શક્યો તેની હૃદયસ્પર્શી કહાણી આપણને સાંભળવા મળી ન હોત!


જેવું લેખકનું ગામ એવું જ એમનું ઘર. એમનો પરિવાર બે વીઘા જમીનમાં કેવી રીતે પૂરું કરે છે એનું ગામને કૂતુહલ! બાબાપુજી દરજીકામ કરતાં. મોટી બહેન સાવ નાની હતી ત્યારથી બીજાનાં ખેતરમાં કામે જવા લાગી હતી. સ્કૂલમાં વેકેશન પડે ત્યારે લેખક મોટીબહેનને શાકભાજી વેચવામાં મદદ કરે. કંઈ મોટું કામ આવી પડે તો નિશાળ પડતી મૂકીને ય ખેતરનો રસ્તો પકડવો પડે. રાતે બાપુ સાથે ખેતરમાં પાણી આપવા જાય. ઘણીવાર આખો દિવસ કામ કર્યા પછી રાતે નદીકાંઠેથી ટ્રેક્ટરમાં રેતી ભરવી પડે.

લેખક કહે છેઃ ‘નાનપણમાં કરવા પડેલા  શ્રમને કારણે હું શારીરિક રીતે દઢ બન્યો. મને તડકો, પવન, વરસાદથી ભાગ્યે જ તકલીફ થઈ. ઉપરાંત મનમાં કામ માટેની બીક જતી રહી. હું શ્રમજીવી લોકોની, મજૂરોની સમસ્યાઓ પ્રત્યે, શોષણ પ્રત્યે વધુ સંવેદનશીલ બન્યો.’


ગામની નિશાળમાં  ભણવાની વ્યવસ્થા પાંચમા ધોરણ સુધી જ. તેથી છઠ્ઠા ધોરણથી એસટી બસમાં બેસી બાજના ગામની સ્કૂલે ભણવા જાય. થીગડું મારેલી ચડ્ડી, સફેદ સદરો અને લૂગડાના ટુકડામાં બાંધેલું ભાતું. વળતી વખતે પાંઉ ખરીદતા જવાનાં અને તે પોતાના ગામ જઈને વેચવાનાં. આ રીતે થોડીઘણી આવક થતી, પણ તેમાંથી જગાર રમવાની અને સ્કૂલ બન્ક કરીને વિડીયોની દુકાનમાં વિડીયો જોવાની કુટેવ શરૂ થઈ ગઈ. પૈસા ઓછા પડે એટલે ઘરમાંથી પૈસા ચોરે કે પછી ખેતરમાંથી રબરની પાઈપ અને એવી બધી ચીજો ચોરી ભંગારમાં વેચી નાખે. આમેય લેખક નાના હતા ત્યારે ગામમાં એમની છાપ એક રખડુ, તોફાની છોકરાની. હંમેશા કંઈક ચાળા કરે, ઘરે કજિયા લાવે, જૂઠું બોલે, સમયસર કામ ન કરે, ભણવામાં ધાંધિયા કરે. બા બિચારી બહુ પીડાય અને પછી લેખકને બરાબરની ધીબેડે. એક વાર એના અટકચાળાથી ગુસ્સે થઈને બાપુજીએ એને છો લોટો માર્યો હતો!

નાનપણમાં તોબા પોકારાવી દે એવો વિચિત્ર સ્વભાવનો આ છોકરાની આગળ જતાં એક સફળ, આત્મવિશ્વાસથી ભરપૂર યુવાનમાં કઈ રીતે પરિણમ્યો?

પરિવર્તનની શરૂઆત એ દસમા ધોરણમાં આવ્યા પછી થઈ. અગિયારમા ધોરણમાં ધૂળેની કોલેજમાં દાખલ થયા અને જીવનનો નવો અધ્યાય શરૂ થયો. જીવનમાં કંઈક બનવું હશે તો ભણ્યા વગર છૂટકો નથી એવી સમજણ આવી ગઈ હતી. સુખી ઘરમાંથી આવતા નાનપણના દોસ્ત સંગ્રામ સાથે લેખક એક ઓરડીમાં રહેતા. એ કહે છેઃ ‘બીજા વિદ્યાર્થીઓ સંગ્રામ પાસે આવતા ત્યારે મારા તરફ તિરસ્કારપૂર્વક જોતા. હું જદા વર્ગમાંથી આવું છ એનું ભાન કરાવતા, પણ સંગ્રામે મને કદી દુભવ્યો નહીં.’


બારમા ધોરણમાં મેડિકલ-એન્જિનીયરિંગ કોલેજમાં આસાનીથી એડમિશન લઈ શકાય એટલા માર્કસ આવ્યા, પણ માબાપ બાપડાં એનો ખર્ચ કેવી રીતે ઉપાડે? બેન્કે પણ અંગૂઠો બતાવી દીધો. નછૂટકે નાસિકમાં બીએસ.સી.માં પ્રવેશ લીધો અને આંકડાશાસ્ત્રમાં યુનિવર્સિટીમાં પહેલા આવ્યા.  તે પછી સ્કોલરશિપ અને પાછ આગળ ભણતર. લેખક લખે છેઃ ‘મેં નોકરી લાગતાં સુધી એક વખત પણ ક્યારેય શર્ટ અને પેન્ટ વેચાતા લીધાં ન હતાં. એ મારા માટે શક્ય જ ન હતું. ઘણી વખતે મિત્રોના, સગાવ્હાલાનાં વસ્ત્રો આવ્યા. પણ એ હું આનંદપૂર્વક પહેરતો હતો. ક્યારેક ક્યારેક દુખ પણ થતું, પણ આપણે ચોરી કરીને તો પહેરતાં નથીને એમ કહીને મન મનાવતો હતો.’

પોસ્ટ ગ્રેજ્યએશન પછી લાગવગ વગર નોકરી મળતી હતી, પણ પ્રશાસનમાં જવાની પહેલેથી તીવ્ર ઈચ્છા હતી. ઘરેથી પુના કોલેજ જવા નીકળેલા ત્યારે બસભાડાં સુધ્ધાના પૈસા નહોતા અને ઘર ગીરવે મૂક્યું હતું. છતાં નોકરી ન જ સ્વીકારી અને આંકડાશાસ્ત્રની સ્કોલરશિપ લઈને રિસર્ચ માટે નામ દાખલ કરી સાથે સાથે આઈએએસ (ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) માટે તૈયારી આરંભી દીધી. સવાલો ઓછો નહોતા. મારામાં જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરવાની ક્ષમતા છે? ધારો કે પરીક્ષા પાસ કરી તો પણ આઈએએસ થવા મળશે? કામ કરવાનું સામર્થ્ય છે? ખૂબ ડર લાગતો હતો પણ લેખકે કદમ માંડી જ દીધું. આ એક એવો મુશ્કેલ નિર્ણય હતો જે જીવનની દિશા પલટી નાખવાનો હતો.

આગળની યાત્રા પણ એટલી જ ઘટનાપ્રચૂર છે. લેખકની જીવનકથની અવરોધો સામે ઝુઝતા રહીને ધ્યેય હાંસલ કરવાના જસાથી એટલી હદે રસાયેલી છે કે તેની સામે પ્રેરણાના નિર્જીવ શબ્દોનો ખડકલો કરી દેતાં પુસ્તકો ઝાંખા પૂરવાર થાય. પુસ્તકના અનુવાદક કિશાર ગૌડ કહે છેઃ ‘મૂળ મરાઠી પુસ્તક વાંચતી વખતે હું એટલો બધો રમમાણ થઈ ગયો હતો કે લેખક બીજા પ્રયત્ને પરીક્ષામાં પાસ થઈને આઈએએસ બન્યા તે વર્ણન આવ્યું ત્યારે હું ઉછળી પડ્યો હતો અને મને પેંડા વહેંચવાનું મન થઈ ગયું હતું!’

આ જ અનુભૂતિ અને ઉત્તેજના વાચક તરીકે આપણને પણ થાય છે. સચ્ચાઈભર્યા સંવેદનશીલ લખાણની આ જીત છે!                                                                                            0 0 0


માડી, હું કલેક્ટર થઈશ!


લેખકઃ રાજેશ પાટીલ

 અનુવાદકઃ કિશોર ગૌડ

પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ- ૧
ફોનઃ (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, ૨૨૧૩ ૨૯૨૧

કિંમતઃ  રૂ. ૧પ૦ /

પૃષ્ઠઃ ૧૮૨


-----------------

No comments:

Post a Comment