Wednesday, September 21, 2011

માણસની કક્ષા શી રીતે નક્કી થાય?

ચિત્રલેખા -
અંક તા. ૨૨ ઓગસ્ટ ૨૦૧૧


કોલમઃ
વાંચવા જેવું

-----------------


ક્રિયેટિવ મેન ઈઝ મોટિવેટેડ બાય ધ ડિઝાયર ટુ અચીવ, નોટ બાય ધ ડિઝાયર ટુ બીટ અધર્સ.

આ શબ્દો વિશ્વપ્રસિદ્ધ રશિયન-અમેરિકન લેખિકા આયન રેન્ડના છે. તેનો અર્થ છે, સર્જનાત્મક દિમાગ ધરાવતા માણસનું પ્રેરકબળ કશુંક હાંસલ કરવાની ઝંખના હોય છે, બીજાઓથી આગળ નીકળી જવાની કે હરાવી દેવાની વૃત્તિ નહીં. વિચારોની ધાર ઉતારી દેતી આયન રેન્ડની નવલકથાઓ ‘ધ ફાઉન્ટનહેડ’ (૧૯૪૩) અને ‘એટલાસ શ્રગ્ડ’ (૧૯૫૭)થી કેટલીય પેઢીના વાચકોને તીવ્રતાથી પ્રભાવિત થયા છે, હજય થઈ રહ્યા છે. આજે જેની વાત કરવાની છે તે પુસ્તક ‘અંગદનો પગ’ પણ આયન રેન્ડની કૃતિઓની અસર હેઠળ લખાયું છે. લેખક સ્વયં પ્રસ્તાવનામાં કહે છે કે તેમનો ઈરાદો આયન રેન્ડના ‘ફર્સ્ટ રેટર્સ’ અને ‘સેન્કડ રેટર્સ’ વિશેની થિયરીને ગુજરાતીમાં મૂકવાનો હતો અને તે માટે તેમણે નવલકથાનું ફોર્મ પસંદ કર્યું છે. વેલ, લેખકનો ઈરાદો અને અખતરો બન્ને સફળ થયા છે. પાંચ વર્ષના ગાળામાં ‘અંગદનો પગ’ની નવ આવૃત્તિઓ પ્રગટ થઈ છે તે હકીકત તેનું પ્રમાણ છે.


Ayn Rand

‘અંગદનો પગ’ની કથામાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ મુખ્ય પાત્રસૃષ્ટિ રચે છે. સિદ્ધાંતવાદી શિક્ષક જ્યોતીન્દ્ર શાહ સાચા અર્થમાં માસ્તર છે. ‘ધ ફાઉન્ટનહેડ’ના નાયક હાવર્ડ રોર્કની માફક એ ઓરિજિનલ છે, આત્મસંપન્ન છે. શિક્ષક તરીકે એ જેટલા પ્રતિભાશાળી છે એટલા જ માણસ તરીકે ઉત્તમ છે. એમની આંખોમાં સદાય નિશ્ચયાત્મકતા ચમકતી રહે છે, જે નગુણા લોકોને થથરાવી મૂકે છે. સ્કૂલના વાતાવરણમાં ઓક્સિજનની જેમ છવાયેલા જ્યોતીન્દ્રની ખૂબી એ છે કે તે વિદ્યાર્થીઓને એક સાથે બહિર્મુખી અને અંતરમુખી બનાવી શકવાની તાકાત છે.



‘અંગદનો પગ’માં લેખક એક જગ્યાએ કહે છેઃ ‘વિશ્વમાં બે પ્રકારના લોકો છે. પ્રથમ કક્ષાના (ફર્સ્ટ રેટર્સ) અને દ્વિતીય કક્ષાના (સેન્કડ રેટર્સ). માનવના ઉષઃકાળથી આ વિશ્વનો વિકાસ હંમેશા પ્રથમ કક્ષાના લોકોએ કર્યો છે. કરૂણતા એ રહી છે કે વિશ્વનું નિયંત્રણ, રાજસત્તા, ધનસત્તા માત્ર બીજી કક્ષાના લોકો પાસે રહી છે. પ્રથમ કક્ષાના લોકો પોતાનાં કાર્યોમાં એવા મસ્ત હોય છે કે તેમને આવી સત્તા કે ધનમાં રસ જ નથી હોતો, ને બીજી કક્ષાના લોકો સર્જનાત્મક ન હોવાથી માત્ર આવી જ બાબતોમાં રસ ધરાવે છે. તેઓ હંમેશા પ્રથમ કક્ષાના લોકોનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરે છે.’



નવલકથામાં એક બાજ ફર્સ્ટ-રેટર જ્યોતીન્દ્ર છે તો સામા છેડે કિરણ દવે નામના શિક્ષક છે. દવેસાહેબ તરૂણ હતા ત્યારે જ એમની પારખુ માતાએ કહી દીધેલુંઃ ‘તારામાં મહત્ત્વાકાંક્ષા છે, પણ તે પૂરી કરવા માટેની શક્તિ તું નથી ધરાવતો... તું એવરેજ વ્યક્તિ છે. તું તદ્દન સામાન્ય બુદ્ધિ ધરાવે છે. તારી મહત્ત્વાકાંક્ષા ભાગ્યે જ ફળશે.’ આત્મવિશ્વાસનો તીવ્ર અભાવ ધરાવતો છીછરો માણસ સામાન્યપણે તેજોદ્વેષથી પીડાતો હોય છે. જ્યોતીન્દ્રની તેજસ્વિતા દવેસાહેબ સહન કરી શકતા નથી. જ્યોતીન્દ્રને મ્હાત કરવા અને સ્થૂળ લોકપ્રિયતા મેળવવા દવેસાહેબ જાતજાતના કારનામા કરે છે.



જ્યોતીન્દ્ર આ બધું જ જાણે છે, પણ એમની સ્વસ્થતા અકબંધ રહે છે, કારણ કે લેખક કહે છે તેમ, ‘પ્રથમ કક્ષાના લોકોને કદી નુક્સાન નથી પહોંચતું. હા, ભૌતિક સ્તરે કદાચ પહોંચતું દેખાય, પણ બૌદ્ધિક સ્તરે ન પહોંચે. પ્રથમ કક્ષાના લોકો હંમેશા આત્મપ્રતિભા પર મુસ્તાક હોય છે. પ્રતિભાની મસ્તી જ એટલી જબ્બર છે કે બાહ્ય સિદ્ધિઓનું કશું મૂલ્ય નથી હોતું. તેમને બાહ્ય સિદ્ધિઓ સહજ રીતે મળે છે. સૂર્ય સાથે પ્રકાશ હોય તેમ. પણ કદાચ ડગમગતો દેખાય સેન્કડ-રેટરોને.’





પહેલી દષ્ટિએ લાગે કે જ્યોતીન્દ્રે શહાદત વહોરી લીધી, દવેસાહેબે ધાર્યા નિશાન પાર પાડ્યાં, પણ વાસ્તવિકતા જદી છે. ‘ધ ફાઉન્ટનહેડ’ની પરાકાષ્ઠામાં નાયક હાવર્ડ રોર્ક અદાલતમાં સરસ કહે છેઃ ‘શહાદત વહોરી લેવી કે બીજાઓ પર અધિકાર જમાવવો સવાલ આ બન્નેમાંથી કોઈ એકની પસંદગીનો છે જ નહીં. સવાલ આ છેઃ શું પસંદ કરવાનું છે સ્વતંત્રતા કે પરતંત્રતા? ક્રિયેટર (એટલે કે ફર્સ્ટ-રેટ માણસ)ની આચારસંહિતા કે સેન્કડ-હેન્ડરની આચારસંહિતા? માણસના સ્વતંત્ર અહંમાંથી જે કંઈ ઉત્પન્ન થાય છે તે શુભ છે. માણસની પરતંત્રતામાંથી જે કંઈ પેદા થાય છે તે અશુભ છે... માણસની આત્મનિર્ભરતા, પહેલ કરવાની શક્તિ અને પોતાનાં કામ પ્રત્યેના પ્રેમના આધારે જ તેની પ્રતિભા અને મૂલ્ય નક્કી થાય છે.’



‘અંગદનો પગ’માં ખરો વિજય જ્યોતીન્દ્રની પ્રતિભાનો, એમનાં મૂલ્યોનો જ થાય છે. દવેસાહેબની દેખીતી જીત પરાજય કરતાંય વસમી પૂરવાર થાય છે. આ નવલકથાનો એક બહુ મોટો પ્લસ પોઈન્ટ સશક્ત ન્કટેન્ટ ઉપરાંત એની પ્રવાહિતા છે. વાચક તેને સડસડાટ, અટક્યા વગર વાંચી શકે છે. યુનિવર્સિટીમાં ટેકસ્ટબુક તરીકે રહી ચૂકેલી આ નવલકથા પરથી નાટક ભજવાયું છે અને બે વિદ્યાર્થીઓએ પીએચ.ડી. પણ કર્યું છે.

લેખક હરેશ ધોળકિયા ‘ચિત્રલેખા’ને કહે છે, ‘મેં ભુજની શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયમાં વીસ વર્ષ ટીચર તરીકે અને તે પછી શ્રી વી. ડી. હાઈસ્કૂલમાં પાંચ વર્ષ પ્રિન્સિપાલ તરીકે કામગીરી બજાવી છે. આ નવલકથામાં મેં શાળાજીવનના મારા અનુભવોને વણી લીધા છે. વાચકોને પુસ્તકમાં વાસ્તવિકતાનું નિરૂપણ દેખાય છે, તેનાં પાત્રો અને પરિસ્થિતિઓ સાથે તેઓ આઈડેન્ટિફાય કરી શકે છે. પુસ્તકને જે પ્રકારનો પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે તેથી મારા જેવા ખૂણામાં બેઠેલા માણસને ખૂબ આશ્ચર્ય થયું છે.’



લખાણમાં સાદગી હોવી એક વાત છે અને ભાષામાં સમૃદ્ધિનો અભાવ હોવો તે તદ્દન જદી બાબત છે. ‘અંગદનો પગ’ના સંવાદો અસરકારક છે, પણ કેટલીય જગ્યાએ વર્ણનો બહુ જ પાંખાં અને દરિદ્ર રહી ગયા છે. ‘ઉત્તેજિતતા’ જેવા ખોટા શબ્દપ્રયોગો પણ કઠે છે (સાચો પ્રયોગ છે, ઉત્તેજના). વિવેચકોેને આ નવલકથામાં ‘કલાત્મકતા અને ઉચ્ચ સાહિત્યિક મૂલ્યો’ની ગેરહાજરી વર્તાતી હશે, પણ આ કૃતિ એક વિશાળ વાચકવર્ગના દિલને સ્પર્શી શકે છે તે વાતની સાદર નોંધ લેવાવી જોઈએ. નિકૃષ્ટ પુસ્તકોનો ઢગલો થઈ રહ્યો છે ત્યારે સત્ત્વશીલ કથાવસ્તુ ધરાવતી આ નવલકથા ભાવકોને ગમી જશે. 000


અંગદનો પગ


લેખકઃ હરેશ ધોળકિયા

પ્રકાશકઃ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ-૧

ફોનઃ (૦૭૯) ૨૬૫૬ ૪૨૭૯

કિંમતઃ રૂ. ૧૨૦ /
પૃષ્ઠઃ ૨૯૨






No comments:

Post a Comment