ચિત્રલેખા - અંક તા. ૮ ઓગસ્ટ ૨૦૧૧
કોલમઃ વાંચવા જેવું
એક કિસ્સો સાંભળો. એક માણસે વસિયતમાં લખાણ કર્યુંઃ મારાં મૃત્યુ પછી મારા તમામ શેરો વેચી નાખવા અને જે રકમ ઊપજે તેને મારા વારસદારોમાં સરખા ભાગે નહીં પણ મેં આપેલી ટકાવારી પ્રમાણે વહેંચવામાં આવે. હવે થયું એવું કે વસિયતકર્તાએ ગણતરીમાં ગોટાળો કરી નાખ્યો. ટકાવારીનો કુલ સરવાળો ૧૦પ ટકા થઈ ગયો! વસિયતનો અમલ કરવાનો સમય આવ્યો ત્યારે પ્રશ્ન એ થયો કે કોના પાંચ ટકા કાપવા? મામલો કોર્ટમાં ગયો અને નિર્ણય આવતાં ત્રણ વર્ષ નીકળી ગયાં. અદાલતે તમામ વારસદારોને સાંકળી લઈને પ્રમાણસર પાંચ ટકા ઓછા કર્યા, પણ આ સમયગાળામાં શેરોના ભાવ લગભગ પચ્ચીસ ટકા ઘટી ગયા હતા. સૌ વારસદારોને મોટું નુક્સાન થઈ ગયું. બાપુજીએ વિલ બનાવતી વખતે સરવાળો કરવામાં સાવચેતી રાખી હોત તો આવી ઉપાધિ ન થાત!
ચાલો, આ કેસમાં વડીલ ભૂલવાળું તો ભૂલવાળું, પણ કમસેકમ વસિયત તો બનાવીને ગયા હતા. સમાજમાં એવા અસંખ્ય પરિવારો છે, જેમાં વડીલ વિલ બનાવવાની તસ્દી લીધા વિના સ્વર્ગે સીધાવી જતા હોય છે. વડીલને એમ હોય કે મારા સંતાનો ડાહ્યા છે, સમજીવિચારીને આપસમાં મિલકત વહેંચી લેશે. કમનસીબે આવું હંમેશા બનતું નથી. ‘જર, જમીન ને જોરુ, ત્રણે કજિયાનાં છોરું’ એ ન્યાયે અત્યાર સુધી સંપીને રહેતા સંતાનોમાં ઝઘડા શરૂ થઈ જાય છે. આવી પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે વસિયતનું હોવું જરૂરી છે. પ્રસ્તુત પુસ્તકમાં લેખકે વસિયતનાં કાનૂની પાસાં અને વસિયત બનાવવાની સાચી રીતથી માંડીને તેના અમલીકરણ સુધીની તમામ વાતો સરસ રીતે સમજાવી છે.
વસિયત બનાવવા માટે બુઢાપા સુધી રાહ જોવી ફરજિયાત નથી. અઢાર વર્ષ પૂરાં કરી ચૂકેલી કોઈ પણ વ્યક્તિ વિલ બનાવી શકે છે. અપરિણીત દીકરી અને ત્યક્તા સ્ત્રી જો મિલકત ધરાવતી હોય તો વસિયત બનાવી શકે છે. માણસ મંદબુદ્ધિ હોય, પાગલ હોય, ઓછી સમજણવાળો હોય, મૂઢ હોય અથવા તો અપંગ હોય તો પણ એ કાયદેસરનો વારસદાર ગણાય છે. ભવિષ્યમાં બનનારી પુત્રવધૂ, જમાઈ અથવા પૌત્રની થનારી પત્ની પણ વારસદાર બની શકે છે. સ્વર્ગસ્થ પિતાએ વસિયતનામું ન બનાવ્યું હોય તેવા કિસ્સામાં પરણીને સાસરે જતી રહેલી દીકરી પોતાના ભાઈ જેટલી જ હકદાર ગણાય છે.
રમેશભાઈને બે પત્નીઓ છે. એ કાયદેસરની, બીજી ગેરકાયદે. રમેશભાઈ વિલમાં લખે કે મારાં મૃત્યુ બાદ મારી બીજી પત્ની (જે ગેરકાયદેસરની છે)ના કૂખે સંતાન અવતરે અને જીવિત રહે તો તેને દસ લાખ રૂપિયા મળે. હવે, આ બાળક ગેરકાયદે સંબંધ થકી પેદા થયું હોવા છતાં એ કાયદેસરનો વારસદાર ગણાય? હા, ગણાય. આપણો કાનૂન કહે છે કે લગ્નબાહ્ય સંબંધ અનૈતિક છે, પણ તેના થકી પેદાં થતું બાળક અનૈતિક નથી.
વસિયતની ભાષા સરળ, સ્પષ્ટ અને પાછળથી મતભેદ ઊભા ન કરે તેવી હોવી જોઈએ. એક કિસ્સો આપણે શરૂઆતમાં જ જોયો. બીજો કિસ્સો એવો છે કે એક વ્યક્તિ પાસે બે મકાનો હતાં. એણે વિલમાં લખ્યું કે મારા બન્ને દીકરાઓને એકએક મકાન મળે. હવે, એક મહાન બહુ જૂનું હતું અને તે વર્ષોથી અવાવરું પડ્યું હતું. બીજો નવો બંગલો હતો. સવાલ એ હતો કે બંગલો કોણ લે અને પેલું ભૂતિયું મકાન કોણ રાખે? આવી પરિસ્થિતિમાં આપસી સમજણથી મામલો ન ઉકલ્યો એટલે ભાઈઓએ આખરે કોર્ટકચેરી કરવી પડી.
કોઈ વ્યક્તિને મંદિરમાં પૂજા કરવાનો હક હોય તે હક્કનું વસિયતનામું કરી શકે છે. કોઈએ અમુક સ્કૂલ કે કોલેજમાં દાન આપ્યું હોય અને તેની સામે એને અમુક વિદ્યાર્થીઓને એડમિશન અપાવવાનો હક હોય તો પોતાના દીકરાઓે (કે બીજા કોઈના) સંતાનો વચ્ચે આ અધિકાર વહેંચી શકે છે. માણસ વસિયત બનાવી નાખે પછી મૃત્યુ પામતા પહેલાં તેમાં ગમે તેટલી વખત સુધારાવધારા કરી શકે છે. કાયદાની ભાષામાં તેને કોડિસિલ કહે છે. વસિયત સ્ટેમ્પ પેપર પર જ લખવું ફરજિયાત નથી. તે સાદા કાગળ પર પણ લખી શકાય છે. આજના ઈલેક્ટ્રોનિક્સના જમાનામાં વિડીયોફિલ્મ દ્વારા વસિયતનામું બનાવવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. હા, વિડીયો સળંગ હોવો જોઈએ, એ વચ્ચે વચ્ચેથી કટ થતો રહે તે ન ચાલે. પૂરતો પ્રકાશ હોવો જોઈએ, વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ દેખાવો જોઈએ, એટલું જ નહીં, વિલનું દરેક પાનું, સાક્ષી તરીકે હાજર રહેલા તેમજ દરેક પાનાં પર સહી કરતાં બન્ને માણસો પણ ચોખ્ખા દેખાવા જોઈએ.
શું પતિપત્ની અથવા બે કે તેના કરતાં વધારે વ્યક્તિઓ ભેગા થઈને એક જ વસિયતનામું બનાવવા માગતા હોય તો તે શક્ય છે? હા, શક્ય છે. તેને સંયુક્ત વસિયતનામું કહે છે. પતિએ જીવન દરમિયાન પોતાની કમાણીમાંથી પત્નીને નાણું અને મિલકત આપ્યાં હોય છે. છતાં પણ પત્ની પોતાની મરજી મુજબ જ તેના સ્ત્રીધનનું વસિયત બનાવે તે માટે દબાણ કે ફરમાન કરી શકે નહીં.
વસિયતનામાને લગતા બીજાં કેટલાંય મુદ્દા અહીં સમાવી લેવામાં આવ્યાં છે. બે કે તેથી વ્યક્તિઓ સંયુક્ત વસિયતનામું શી રીતે બનાવી શકે? વસિયતનામાંની ગુપ્તતા કેવી રીતે જળવાય? એની નોંધણી કેવી રીતે થાય? વસિયતનામું બનાવતી વખતે થતી સામાન્ય ભૂલો કઈ છે? પ્રોિવડન્ટ ફન્ડગ્રેચ્યુઈટી, ટપાલખાતામાં મૂકેલી રકમ અને બેન્કનાં લોકરો, ધંધાની તથા ભાડાની જગ્યા વગેરેનું શું? સ્ત્રીઘન કોને કહેવાય? વિલ સાચું પૂરવાર કઈ રીતે થાય? વગેરે. લેખક રસિક છ. શાહે અહીં વસિયતનામાંના નમૂના પણ આપ્યાં છેે, જે આ પુસ્તકનો પ્લસ પોઈન્ટ છે.
લેખક ‘ચિત્રલેખા’ને કહે છે, ‘ગરીબ અને નિમ્ન મધ્યમવર્ગને વિલ બનાવવાની જરૂર આમેય હોતી નથી. કહોને કે આજે સમાજનો માંડ ૮થી ૧૦ ટકા વર્ગ વસિયત બનાવે છે. સાધનસંપન્ન લોકોમાં જોકે ધીમે ધીમે આ બાબતે જાગૃતિ આવી રહી છે. આ પુસ્તકનો આધાર લઈને વાચક ધારે તો આસાનીથી જાતે પાક્કું વસિયતનામું બનાવી શકે છે અને વકીલની મોંધી ફીમાંથી છૂટકારો મેળવી શકે છે.’
સામાન્યપણે કાયદાકાનૂનની ભાષા એટલી આંટીઘૂંટીવાળી હોય છે કે વાંચનારને તમ્મર ચડી જાય. સદભાગ્યે લેખકે આ પુસ્તકની લખાવટ સરળ અને તરત સમજાય એવી રાખી છે. જોકે લખાણનું પાક્કું થવાની જરૂર ચોક્કસ વર્તાય છે. ખેર, પુસ્તકની ઉપયોગિતામાં આ મુદ્દો અવરોધરૂપ બનતો નથી. વડીલો અને સંતાનો સૌને કામ લાગે તેવું પુસ્તક. 000
લેખકઃ રસિક છ. શાહ
પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર
અમદાવાદ-૧
ફોનઃ (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩
કિંમતઃ રૂ. ૨૪૦ /
પૃષ્ઠઃ ૨૯૮ )
૦ ૦ ૦
No comments:
Post a Comment