મિડ-ડે તા ૨૫ ડિસેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત
સિર્ફ બચ્ચાપાર્ટી કે લિએ
હાફ લાઈવ - હાફ એનિમેશનનો અખતરો અદભુત નથી, પણ પ્રયત્ન સારો છે. બચ્ચાપાર્ટીને આ ફિલ્મ મજા કરાવશે
રેટિંગઃ બે સ્ટાર
આ અર્ધકાર્ટૂન ફિલ્મમાં જ્યાં જુઓ ત્યાં ‘ટૂન’નું સામ્રાજ્ય છવાયેલું છે. શહેરનું નામ ટૂનપૂર છે, જેમાં ભલાભોળા દેવટૂન્સ વસે છે અને ટૂનાસૂરો કાળો કેર વર્તાવી રહ્યા છે જેમને મારવા માટે ટૂનાસ્ત્રનો પ્રયોગ કરવો પડે છે. અહીંના ભગવાન ટૂનેશ્વર છે અને રબદેવ યમદેવનું કામ કરે છે. કોઈ કાર્ટૂન કેરેક્ટરનું આયુષ્ય પૂરૂં થાય એટલે રબદેવ એને રબ (આરયુબી) કરી નાખે છે એટલે કે ભૂસી નાખે છે. આ બધું બહુ ક્યુટ લાગે છે.
ભારતની આ સૌથી પહેલી લાઈવ -એકશન એનિમેશન ફિલ્મ છે. જો તમારી ઉંમર બાર વર્ષ કરતાં ઓછી હશે તો તમને આ સ્વાગત મીઠું લાગશે. જો તમે આ વયજૂથમાં સ્થાન પામતા નહીં હો તો આ ફિલ્મ તમને અપીલ કરવાની નથી. હોલીવૂડ ‘કિડ્ડી ફિલ્મ્સ ફોર એડલ્ટ્સ’ બનાવવા માટે મશહૂર છે. તેની એનિમેશન ફિલ્મો મોટેરાઓને પણ જલસો કરાવી દે તેવી મજેદાર હોય છે. જો ‘ટૂનપૂર કા સુપરહીરો’નું લક્ષ્ય આબાલવૃદ્ધ સૌને મનોરંજન પૂરું પાડવાનું હોય તો સફળતા ખાસ્સી દૂર રહી ગઈ છે. બાકી બચ્ચાપાર્ટી માટે આ ફિલ્મ મજાની છે.
કોન હૈ અસલી, કૌન હૈ નકલી
અહીં સમાંતરે બે વિશ્વો છે. એક માણસોની દુનિયા અને બીજી કાર્ટૂનોની દુનિયા એટલે કે ટૂનપુર. ટૂનપુરમાં સારાં કાર્ટૂન અને ખરાબ કાર્ટૂન સામસામાં બાખડતાં રહે છે. અજય દેવગણ ‘નોર્મલ’ ફિલ્મી હીરો છે. કાજોલ તેની વાઈફ છે. એમના દીકરાને ખબર છે કે સ્કીન પર દેખાતા અજબગજબના સ્ટંટ વાસ્તવમાં સ્ટંટમેન કરે છે, ડેડી તો ફૅક હીરો છે. જોકે પેલા ભલા કાર્ટૂનોને સચ્ચાઈની જાણ નથી. ટૂનાસૂરોનો મુકાબલો કરવા માટે તેમને બહાદૂર સેનાપતિની જરૂર છે. તેઓ અજય દેવગણને કિડનેપ કરે છે અને પછી શરૂ થાય છે ઢીશુમ ઢીશુમ. છેલ્લે અજય પોતાના દીકરા અને કાર્ટૂનો બન્નેની નજરમાં અસલી હીરો પૂરવાર થાય છે.
પ્રામાણિક પ્રયત્ન
ટૂનપુરના કાર્ટૂન કેરેક્ટર્સં આમ તો બીબાંઢાળ છે. જેમ કે, એક સરદાર બાળક છે જે અંતમાં ‘કુછ કુછ હોતા હૈ’નો ડાયલોગ ફટકારે છેઃ તુસી જા રહે હો? તુસી ના જાઓ. એક જાડી પાડી ગુજરાતણ ‘બિગ બેન’ છે, જે ચોવીસે કલાક હાથમાં વેલણ ઝાલી રાખે છે અને ઢોકળા-પાતરાંની વાતો કર્યાં કરે છે. એક ગપ્પી છે, જે કાયમ રાગડા તાણતો અને શરીરે ઢગલાબંધ ઘરેણાં લટકાવી રાખે છે. (જેના પરથી આ પાત્ર પ્રેરિત છે તે ભપ્પી લહેરી, સાંભળ્યું છે કે, ફિલ્મના મેકરોથી ખફા થઈ ગયા છે.) એક પાંડુ હવાલદાર ટાઈપનો મરાઠી પોલીસ છે, સાઉથ ઈન્ડિયન સાયન્ટિસ્ટ છે, મોટી મોટી આંખો અને કલાત્મક વણાંકોવાળી હિરોઈન છે, હોઠ ચા રાખીને ‘પાઉટ’ કરતી કામુક વેમ્પ મોનિકા છે, કાયમ બકબક કર્યા કરતો બકબકાસુર છે વગેરે. આ કિરદારોની ઉધમપછાડમાં કશું નવું નથી, પણ બચ્ચેલોગને કિલકિલાટ કરી મૂકવા માટે પૂરતું છે.
ફિલ્મમાં ખાસ કરીને ‘અસલી દુનિયા’ની કેટલીય સિકવન્સીસ જમાવટ કરી શકી હોત. જેમ કે, ટૂનપુરની વેબસાઈટ દ્વારા દેવટૂન્સ અને અજયના બાળકોનો કોન્ટેક્ટ થવો, અજયનાં બીવીબચ્ચાં સાથે કાર્ટૂનોનો પહેલીવાર આમનોસામનો વગેરે. ફિલ્મના ઈન્ટરવલ પોઈન્ટ ફિસ્સો છે. ગીતો ઠીક છે. તેનું પ્લેસિંગ બહેતર હોઈ શક્યંુ હોત. એનિમેશન ફિલ્મોમાં સંવાદો સૉલિડ રમૂજી અને ધારદાર પંચવાળા હોવા જોઈએ. અહીં સંવાદલેખન સહેજે પ્રભાવિત કરતું નથી.
ફિલ્મની ક્લાઈમેક્સ સૌથી રોમાંચક છે. તેમાં અજય દેવગણે એક ટિપિકલ વિડીયો ગેમમાં એન્ટર થઈને, પોઈન્ટ્સ કલેક્ટ કરતાં કરતાં એક પછી એક લેવલ વટાવતા જઈને પોતાનાં બાળબચ્ચાંને બચાવવાનાં છે. બાકી ‘કાળા માથાના માનવીઓની દુનિયા’માં જે કંઈ હ્યુમર અજમાવાયું છે તે ધા મોંએ પટકાય છે. કાજોલ વાસ્તુશાસ્ત્રમાં ગાંડાની જેમ માને છે, પણ એની આ ઈરિટેટિંગ લાક્ષાણિકતા અચાનક ગાયબ થઈ જાય છે. કાજોલ આ મામૂલી રોલમાં ભયાનક રીતે વેડફાઈ છે. ખેર, બચ્ચા-ઓડિયન્સને આનાથી કશો ફર્ક પડતો નથી. એમને તો સુપરહીરોમાં રસ પડે અને તે કિરદારમાં અજય દેવગણ ઓકે છે.
કિરીટ ખુરાનાએ ડિરેક્ટ કરેલી ‘ટૂનપુર કા સુપરહીરો’ પરફેક્ટ ટાઈમે રિલીઝ થઈ છે. ક્રિસમસ વેકેશન માણી રહેલાં કચ્ચાંબચ્ચાંને આ ફિલ્મમાં મજા કરાવશે. હાફ લાઈવહાફ એનિમેશનનો આ અખતરો અદભુત નથી, લેકિન કોશિશ અચ્છી હૈ. બાળકો અને તેમનાં મમ્મીપપ્પાઓ બધાં સાગમતે એન્જોય કરી શકે તેવી ઈન્ડિયન એનિમેશન ફિલ્મ ભગવાન જાણે ક્યારે આવશે.
0 0 0
No comments:
Post a Comment